ભારતમાં અંગ્રેજો પહેલાં યુરોપીય શહેર કોણે વસાવ્યું અને મરાઠાએ કેવી રીતે કબજે કર્યું?

વસઈનો કિલ્લો

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC

ઇમેજ કૅપ્શન, વસઈનો કિલ્લો
    • લેેખક, ઓમકાર કરંબેળકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં લગભગ 450-500 વર્ષ પહેલાં યુરોપિયન શૈલીનું એક શહેર હતું. તેમાં અધિકારીઓ તથા સૈનિકોનાં ઘર, ચર્ચ, હૉસ્પિટલ, માર્કેટ્સ, કોર્ટ, નગરપાલિકા, કૉલેજો, કૂવાઓ, પાક્કા રસ્તાઓ, હોટલો અને ગટર વ્યવસ્થા પણ હતી એવું કોઈ કહે તો તમે માની લો?

વાસ્તવમાં આવું શહેર મહારાષ્ટ્રમાં હતું. તે શહેર મુંબઈની અત્યંત નજીક આવેલું છે. અનેક ઊંચી ઇમારતો અને લોકોથી ધમધમતું આ શહેર વસઈના કિલ્લામાં આવેલું હતું.

તેનું નિર્માણ પોર્ટુગીઝોએ 1536માં કર્યું હતું અને તેમાં તમામ બાંધકામ પણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં રહેતી અને ભારતના કિલ્લાઓની પ્રેમ કરતી વ્યક્તિ વસઈના નામથી ભાગ્યે જ અપરિચિત હશે.

મહારાષ્ટ્રના દરિયાકિનારે આવેલો વસઈનો કિલ્લો 400 વર્ષથી પણ વધુ સમય ઇતિહાસનો સાક્ષી છે.

પોર્ટુગીઝોએ વેપારના નામે ભારતમાં કેવો મજબૂતીથી પગદંડો જમાવ્યો હતો તેનું અને મરાઠી સત્તાધીશો તેમને ત્યાંથી ઉખેડી ફેંકવા માટે કેટલા સામર્થ્યવાન હતા, તેનું ઉદાહરણ વસઈનો કિલ્લો છે.

વસઈનો કિલ્લો, પોર્ટુગીઝો સામેના ચીમાજી અપ્પાના અભિયાનને કારણે ઇતિહાસમાં ખ્યાતિ પામ્યો છે અને વસઈ યુદ્ધને કારણે તેને વિશેષ સ્થાન મળ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાંના કોરલાઈ તથા ચૌલ જેવા પોર્ટુગીઝ કિલ્લાઓને આ સ્થાન મળ્યું નથી. તેથી આપણે વસઈના દિગ્વિજય વિશે જાણવું જોઈએ.

વસઈ ક્યાં આવેલું છે?

વસઈના કિલ્લા પર કબજાનો ઉલ્લેખ કરતી તકતી

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC

ઇમેજ કૅપ્શન, વસઈના કિલ્લા પર કબજાનો ઉલ્લેખ કરતી તકતી

વસઈ શહેર મુંબઈથી ઉત્તર દિશામાં લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે. એક સમયે થાણે જિલ્લાનું આ શહેર હવે પાલઘર જિલ્લાના એક મહત્ત્વના શહેર તરીકે જાણીતું છે. અંગ્રેજોના સમયમાં વસઈ બેસિન તરીકે ઓળખાતું હતું.

વિરાર શહેર સાથે જોડાયેલું હોવાને કારણે હવે સમગ્ર વિસ્તારને વસઈ-વિરાર એવું જોડિયું નામ આપવામાં આવ્યું છે. વસઈ ઝડપથી વિકસી રહ્યું છે. અનેક લોકો નોકરી-ધંધા માટે રોજ મુંબઈ જતા હોય તેવાં નાનાં શહેરોમાં વસઈનું નામ અગ્રક્રમે છે.

વસઈનો કિલ્લો

વસઈ કિલ્લાનો નકશો

ઇમેજ સ્રોત, SHRIDUTT RAUT/BBC

ઇમેજ કૅપ્શન, વસઈ કિલ્લાનો નકશો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વસઈના કિલ્લા વિશે જાણતા પહેલાં પોર્ટુગીઝો અહીં પગદંડો કેવી રીતે જમાવ્યો હતો તેની માહિતી જાણી લેવી જરૂરી છે. પોર્ટુગીઝ સમયના ભારતમાં ઉત્તરના પ્રાંતને પ્રોવિન્સિયા દો નોર્ટે કહેવામાં આવતો હતો.

તેમાં ઉત્તરમાં દમણથી દક્ષિણમાં કરંજા સુધીના લગભગ 200 કિલોમીટરના વિસ્તારનો સમાવેશ થતો હતો. એ ઉપરાંત દીવ ટાપુ તથા ચૌલ પણ તેનો હિસ્સો હતા. આ વિસ્તાર અગાઉ ગુજરાત રાજ્ય અને અહમદનગર (અહમદનગરની નિઝામશાહી)માં હતો.

એ પ્રાંતની રાજધાની વસઈ હતું. ગુજરાતના સુલતાને મોગલો સામે લડવા માટે મદદના બદલામાં વસઈ પોર્ટુગીઝોને હવાલે કર્યું હતું અને અહીં પોર્ટુગીઝોએ લાંબા સમય સુધી શાસન કર્યું હતું.

જોકે, વસઈના કિલ્લાના અભ્યાસુ શ્રીદત્ત રાઉતના જણાવ્યા અનુસાર, આ કિલ્લાને ગુજરાતની સલ્તનત સાથે સીધો સંબંધ હોવાના કોઈ પુરાવા નથી.

તેમના કહેવા મુજબ, “આ કિલ્લો બારમી સદીમાં ભોંગલે રાજાઓએ બનાવ્યો હોવાના સંદર્ભો તથા પુરાવા છે. તે વખતે એક કિલ્લા ઉપરાંત કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું, જે આજે પણ જોઈ શકાય છે.”

ગુજરાત સલ્તનત દરમિયાન થોડું બાંધકામ થયું હતું, જે પોર્ટુગીઝ સમયગાળા દરમિયાન ઝડપથી આગળ વધ્યું હતું. કિલ્લાના નવનિર્માણ માટે મોટા પાયે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

પોર્ટુગીઝોએ કિલ્લાની અંદર એક નાનો કિલ્લો, ચર્ચ, ઇમારતો, રહેવા માટેનાં મકાનો અને બહાર એક ટાવરનું નિર્માણ કર્યું હતું.

વસઈ કિલ્લાનો વિસ્તાર એક ટાપુ જેવો છે. પશ્ચિમમાં અરબી સમુદ્ર છે. દક્ષિણ અને નૈર્ઋત્યમાં ઉલ્લાસ નદી છે, જેને વસઈની ખાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની એક શાખા પૂર્વમાં હતી.

હવે એ તમામ વિસ્તારમાં કાંપ ભરાયેલો દેખાય છે. આમ જમીન સાથે જોડાયેલા, પરંતુ પાણીથી ઘેરાયેલા આ કિલ્લામાં પોર્ટુગીઝોએ એક શહેર જેવી વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું.

આ કિલ્લા પર 1536થી 1739 સુધી પોર્ટુગીઝોની મજબૂત પકડ હતી. એ પછી તે મરાઠી સામ્રાજ્યનો હિસ્સો બન્યો હતો.

કિલ્લાની રચના

ગુજરાત

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC

આ કિલ્લાની વિશિષ્ટતા, અનેક બૂરજ સાથેની મજબૂત કિલ્લેબંધી છે. કિલ્લામાં બે દરવાજા છે. એ પૈકીનો મુખ્ય દરવાજો જમીન તરફ અને બીજો ખાડી તરફ ખૂલે છે. આ કિલ્લાની આજુબાજુમાં સાઓ સેબાસ્ટિઓ, સાઓ પાઉલો, સાઓ પેડ્રો અને સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર જેવા અનેક ગઢ આવેલા છે.

આ કિલ્લામાં ત્રણ ચર્ચ અને ખ્રિસ્તીઓના અભ્યાસ માટે એક કૉલેજ પણ હતી. અંદર રસ્તાઓ અને વસાહતો બનાવવામાં આવી હતી. આ કિલ્લામાં એક જેલ અને એક કોર્ટ પણ હતી.

આ કિલ્લામાં એક બજાર બનાવવામાં આવી હતી અને ત્યાં વજરેશ્વરીનું મંદિર પણ છે. પેશવાઓએ કિલ્લા પર કબજો મેળવ્યો એ પછી બૂરજનાં નામ બદલવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHRIDUTT RAUT/VASAI

બૂરજને યશવંત, કલ્યાણ, ભવાની માર્તંડ, વેતાલ તથા દર્યા એવાં નામ આપવામાં આવ્યાં હતાં. આમ વસઈના કિલ્લાનું નિર્માણ ચારે તરફ વિસ્તરેલા એક શહેર તરીકે થયું હતું.

પોર્ટુગીઝ સમયમાં આ કિલ્લાને ફોર્ટ ડી સાઓ સેબેસ્ટિઓ કહેવામાં આવતો હતો તે સ્થળ કિલ્લાની લગભગ મધ્યમાં છે. લગભગ ત્રણ કિલોમીટર લાંબી કિલ્લેબંધી પરના 10 બૂરજ-દ્વાર વડે આ કિલ્લાનું રક્ષણ કરવામાં આવતું હતું.

કિલ્લા વિશે માહિતી આપતાં શ્રીદત્ત રાઉતે કહ્યું હતું, “આ કિલ્લો મિશ્રદુર્ગ પ્રકારનો છે. તે લગભગ 110 એકરમાં ફેલાયેલો છે. તેની ત્રણ બાજુ પાણી અને ચોથી બાજુ કળણ છે. મહારાષ્ટ્રના મોટા ભાગના કિલ્લા નાશ પામ્યા છે, પરંતુ આ કિલ્લાના અવશેષો હજુ પણ બચેલા છે. અહીંની યુરોપિયન શૈલીની ઇમારતો તેની વિશિષ્ટતા છે.”

ઇતિહાસકાર શ્રીદત્ત રાઉત

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકાર શ્રીદત્ત રાઉત

વસઈ પ્રાચીન પ્રદેશ છે. તેનો ઉલ્લેખ આઠમીથી દસમી સદી સુધી જોવા મળે છે. નાગવંશીય લોકો, રાષ્ટ્રકુટ, કોંકણ મૌર્ય, ત્રૈકૂટ, શિલાહાર, પોર્ટુગીઝ, મરાઠા અને અંગ્રેજોએ તેના પર શાસન કર્યું હતું.

ભોંગલે રાજાઓએ બારમી સદીમાં અહીં કિલ્લાનું નિર્માણ કર્યું હતું. બાદમાં ગુજરાત સલ્તનતના સરદાર મલિક તુગાન અહીં રહેતા હતા ત્યારે તેને કબજે કરવામાં આવ્યો હતો.

પોર્ટુગીઝોએ વસઈના કિલ્લાનું નિર્માણ નહીં, પરંતુ તેનો વિકાસ કર્યો હતો. તેમણે 1536થી 1600 દરમિયાન નિર્માણકાર્ય કર્યું હતું. સામાન્ય રીતે કિલ્લાનું નિર્માણ થાય એ પછી લોકો તેમાં રહેવા આવતા હોય છે, પરંતુ વસઈમાં પહેલાં લોકો રહેવા આવ્યા હતા અને બાદમાં તેમણે આયોજન કરીને શહેર વસાવ્યું હતું. તે સમયના રસ્તાઓ, ગટર વ્યવસ્થા અને સ્થાપત્ય આજે પણ જોઈ શકાય છે.

મરાઠા અને પોર્ટુગીઝ વચ્ચે સંઘર્ષ

પૉર્ટુગીઝ હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC

ઇમેજ કૅપ્શન, પૉર્ટુગીઝ હૉસ્પિટલ

તે સમયે પશ્ચિમ કિનારે બ્રિટિશરો ઉપરાંત પોર્ટુગીઝોને પણ મજબૂત તથા લડાયક શક્તિ ગણવામાં આવતા હતા. મરાઠાઓ અને પોર્ટુગીઝ વચ્ચે પ્રથમ મોટો સંઘર્ષ 1719-20માં, મરાઠાઓએ કલ્યાણ પર વિજય મેળવ્યો ત્યારે થયો હતો, પરંતુ 1737માં મરાઠાઓએ થાણેનો કિલ્લો જીતીને એક પ્રકારે વસઈ અભિયાન શરૂ કર્યું હતું.

1739માં મરાઠાઓએ વસઈ કબજે કર્યું એ પછી ઉત્તરીય પ્રાંતમાં પોર્ટુગીઝોનો પ્રભાવ ઘટ્યો હતો.

વસઈ અભિયાનનું નેતૃત્વ ચિમાજી અપ્પાએ કર્યું હતું. ચિમાજીની પોર્ટુગીઝોએ પણ પ્રશંસા કરી હતી.

પોર્ટુગીઝોએ કબૂલ્યું હતું કે આ અભિયાનને લીધે તેમણે માત્ર વસઈ પ્રાંત જ નહીં, પરંતુ લોકોનો વિશ્વાસ તથા રાજકારણમાં પોતાનું સ્થાન પણ ગુમાવ્યાં છે.

કોણ હતા ચીમાજી અપ્પા?

ચીમાજી અપ્પા

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC

ઇમેજ કૅપ્શન, ચીમાજી અપ્પા

બાલાજી વિશ્વનાથ તાંબેના પુત્ર અને પ્રથમ બાજીરાવના ભાઈ હતા ચીમાજી અપ્પા. તેમનો જન્મ 1707માં થયો હોવો જોઈએ. ચીમાજી નાના હતા ત્યારે તેમના પિતા બાલાજી વિશ્વનાથનું અવસાન થયું હતું. તેથી પેશવાઈની જવાબદારી પ્રથમ બાજીરાવ પર આવી પડી હતી.

ચીમાજી અપ્પા પણ ટૂંક સમયમાં જ તેમના મદદગાર સાબિત થયા હતા. તેમના પહેલા પત્નીનું નામ રખમાબાઈ હતું. તેમણે ચીમાજીના એક પુત્ર સદાશિવને જન્મ આપ્યો હતો, જેઓ બાદમાં પાણીપતના યુદ્ધમાં સદાભાશિવરાભાઉ કે ભાઉસાહેબ તરીકે પ્રખ્યાત થયા હતા. રખમાબાઈના મૃત્યુ પછી ચીમાજીએ અન્નપૂર્ણાબાઈ સાથે લગ્ન કર્યાં હતાં.

શરૂઆતના દિવસોમાં ચીમાજીએ ડભઈ અને ગ્વાલિયર અભિયાનમાં ભાગ લીધો હતો. બાદમાં કોંકણમાં સિદીઓ તથા પોર્ટુગીઝોનો બંદોબસ્ત કરવા ગયા હતા.

કોંકણમાં અનેક થાણા સિદીના નિયંત્રણ હેઠળ હતાં. અપ્પાએ તે અભિયાનમાં સિદીસાદને મારીને અંજનવેલ, ગોવાલકોટથી રેવાસ સુધીનાં થાણાં કબજે કર્યાં હતાં.

વસઈનું અભિયાન

જર્જરિત કિલ્લાનો જૂનો ફોટો

ઇમેજ સ્રોત, SHRIDUTT RAUT/VASAI

ઇમેજ કૅપ્શન, જર્જરિત કિલ્લાનો જૂનો ફોટો

સિદીના બંદોબસ્ત પછી મરાઠાઓ પોર્ટુગીઝો તરફ વળ્યા હતા. પોર્ટુગીઝોએ તેમના પ્રાંતમાં ખૂબ જ કડક કાયદા બનાવ્યા હતા. તેથી હિંદુઓ પર થતા અત્યાચારો બંધ કરાવવાની ફરિયાદ પેશવાઓને કરવામાં આવતી હતી.

સાષ્ટી બેટમાં થતા અત્યાચારનો જવાબ આપવા માટે પિલાજી જાધવને મોકલવામાં આવ્યા હતા. તેમને મલાડના દેસાઈ અંતાજી કાવળે, કલ્યાણ નજીકના અંજૂરના ગંગાજી નાઈકે મદદ કરી હતી, પરંતુ સાષ્ટી મરાઠાઓના નિયંત્રણમાં જતું હોવાની ખબર પડતાંની સાથે જ અંગ્રેજો પોર્ટુગીઝોની મદદે આવ્યા હતા.

તેમણે મદદ કરી પછી એક સંધિ હેઠળ તે અભિયાન અટકાવવામાં આવ્યું હતું.

પોર્ટુગીઝોએ 1734થી થાણેમાં કિલ્લો બનાવવાનું શરૂ કર્યું હતું. એ હિલચાલ પેશવાઓના ધ્યાનમાં આવી હતી. માર્ચ, 1737માં ચીમાજી અપ્પા પોર્ટુગીઝો સામે મેદાને પડ્યા હતા.

તેઓ બદલાપુર પહોંચ્યા ત્યાં સુધીમાં અંજૂરના નાઈક શંકરાજી ફડકે થાણે પહોંચી ગયા હતા. તે પછી મરાઠા સૈન્યે અચાનક હુમલો કરીને થાણે કબજે કરી લીધું હતું.

પોર્ટુગીઝોએ ત્યાંથી ભાગવું પડ્યું. પછી તેમણે મરોલ, મલાડ, તુર્ભે જેવાં સ્થળોને જીતવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાંદ્રા અને વેસાવે (વર્સોવા) તેઓ કબજે કરી શક્યા ન હતા.

એ પછી બધા પ્રદેશોમાં ગોઠવણ કરીને અપ્પાજી પૂણે પાછા ફર્યા એ પછી પણ વસઈ કબજે કરવાના પ્રયાસ ચાલુ રહ્યા હતા.

વસઈને જીતવું હશે તો તેની આસપાસના પ્રદેશોને જીતવા પડશે એ સમજ્યા પછી મરાઠાઓએ તારાપુર, દહાણુ, નારગોલ, માહિમ, કેળવે, શિરગાંવ, ખટ્ટલવાડ અને અશેરી કબજે કર્યાં હતાં. આસપાસ આવી ધમાચકડી ચાલુ હતી ત્યારે ચીમાજી અપ્પાએ 1739ના મે મહિનામાં વસઈ પર હુમલો કર્યો હતો.

વસઈ કિલ્લાના દરેક બૂરજને નિશાન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે પોર્ટુગીઝોએ તેમને લડાઈ બંધ કરવા અને સંધિ કરવા વિનંતી કરી હતી.

કિલ્લાનો કબજો તમને સોંપવામાં આવશે, એવી સંધિ કરીને પોર્ટુગીઝો સફેદ નિશાન સાથે કિલ્લામાંથી બહાર આવ્યા હતા. વસઈના કિલ્લા માટે સંધિ કરવામાં આવી હતી. તેમાં બાર શરતો હતી.

એ શરતોમાં પોર્ટુગીઝો અને તેમના લોકોને સલામત જવા દેવા અને તેમની મિલકત સાથે લઈ જવાની મંજૂરી આપવા સહિતની શરતો હતી. કિલ્લામાંથી અનાજ તથા દારૂગોળો લઈ જવાની પરવાનગી પણ માગવામાં આવી હતી, પરંતુ ચિમાજીએ તે બધું ખરીદી લીધું હતું.

વસઈ વિસ્તારના લોકોને તેમના ધર્મનું પાલન કરવાની છૂટ આપવાની તથા ચર્ચને ખલેલ નહીં પહોંચાડવાની શરત પણ હતી. એક શરત એવી પણ હતી કે તમામ પોર્ટુગીઝ બહાર નીકળી ન જાય ત્યાં સુધી મરાઠા ફોજના એક પણ સૈનિકે કિલ્લામાં પ્રવેશવું જોઈએ નહીં.

કિલ્લામાંના ખ્રિસ્તી પાદરીઓને પણ સલામત રીતે જવા દેવાની વિનંતી કરવામાં આવી હતી. આ તમામ શરતોનું મરાઠાઓએ પાલન કર્યું હતું.

વસઈના આ અભિયાનને લીધે મરાઠાઓ ઉત્તરીય પ્રાંતમાં પોર્ટુગીઝના અતિક્રમણને કાયમ માટે ખતમ કરવામાં સફળ થયા હતા. એ અભિયાન ઉપરાંત ચિમાજીના માર્ગદર્શન તથા નેતૃત્વની વધારે પ્રશંસા કરવામાં આવી હતી.

વસઈ અભિયાન બાબતે શ્રીદત્ત રાઉતે કહ્યું હતું, “ભારતમાં યુરોપિયનો પાસેથી સૌપ્રથમ વસઈમાં સત્તા આંચકી લેવામાં આવી હતી, તે બહુ મહત્ત્વની વાત છે. પોર્ટુગીઝ સામ્રાજ્યનો 205 વર્ષ પછી વસઈમાં પરાજય થયો હતો. વસઈના અભિયાનના દસ્તાવેજી રેકૉર્ડ પર નજર નાખીએ તો સમજાય છે કે તેની ખાસ વાત જંગી નાણાકીય અને માનવીય નુકસાન હતું. તે 1637ની 26 માર્ચે શરૂ થયું હતું અને 1639ની 16 મેએ પૂર્ણ થયું હતું.”

“એ મરાઠાઓએ સામ્રાજ્ય પ્રતિ દાખવેલી વફાદારી દેખાડે છે. કિલ્લો પાણીમાં હતો એ પણ ભૂલી ન શકાય. તે અભિયાન માત્ર વસઈ માટે નહીં, પરંતુ ઉત્તર કોંકણ માટે પણ હતું. તે થાણેના કિલ્લાથી શરૂ થઈને વસઈના કિલ્લાથી આગળ વધ્યું હતું અને રેવદંડામાં સમાપ્ત થયું હતું એમ કહી શકાય. તે અભિયાન 27 મહિના ચાલ્યું હતું.”

“ઉત્તર કોંકણમાં ઓછામાં ઓછા 100 કિલ્લા આ અભિયાનના સંદર્ભમાં છે. તેના પર મરાઠાઓએ વિજય પ્રાપ્ત કર્યો હતો. આ અભિયાનમાં ગુપ્તચરો કેવી રીતે કામ કર્યું હતું તે હજુ સુધી સંપૂર્ણપણે જાણી શકાયું નથી. તેમાં પેશવાઓના મહત્ત્વના તમામ સરદારો હતા. તેમાં 300 સરદારોના નામ જોવા મળે છે. આ અભિયાનની દરેક લડાઈમાં મરાઠાઓએ પોતાના પ્રાણની બાજી લગાવી હતી.”

આજની સ્થિતિ

મરાઠાઓએ વસઈ કિલ્લો કબજે કર્યા પછી 1739થી 1818 સુધી તેના પર શાસન કર્યું હતું. એ પછી અંગ્રેજોના સમયમાં તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

અંગ્રેજોએ તો એક કિલ્લો કારખાના માટે ભાડે આપી દીધો હતો. એ સમયગાળા દરમિયાન પતન ચાલુ રહ્યું હતું. પોર્ટુગીઝ કાળ દરમિયાન અહીં મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. સમયના પ્રવાહમાં તે પૈકીનું ઘણુંબધું તૂટી પડ્યું હોવા છતાં તે ઇમારતોના ખંડેર આજે જોઈ શકાય છે.

અંગ્રેજોએ આ કિલ્લો લિટલવૂડ નામની વ્યક્તિને ખાંડના કારખાના માટે ભાડે આપ્યો હતો, પરંતુ અપેક્ષિત નાણાં ન મળવાને કારણે દેવામાં ડૂબી ગયેલા લિટલવૂડે કિલ્લાના પથ્થરો વેચીને પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું હતું.

અંગ્રેજોના સમયમાં મુંબઈમાં ઘણી ઇમારતોનું નિર્માણ થયું હતું. તેમાં વસઈના કિલ્લાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મરાઠાઓનો ડર અને ખાઈ

અંગ્રેજોનો તમામ વ્યવહાર મુંબઈ ફોર્ટમાંથી થતો હતો. તેઓ કિલ્લાની આસપાસ કિલ્લેબંધી કરી હતી. દરેક ખૂણે ફ્લાવર ટ્રી, કિંગ્ઝ, ચર્ચ, મૂર, રૉયલ વગેરે જેવા બૂરજ બાંધ્યા હતા. તેમ છતાં અંગ્રેજોને ભય લાગતો હતો અને તેનું એકમાત્ર કારણ વસઈ પર મરાઠાઓનું આક્રમણ હતું.

મરાઠાઓએ પોર્ટુગીઝો સાથે લડાઈ કરીને વસઈ કિલ્લો કબજે કર્યો તે પછી અંગ્રેજો તેમનાથી ડરવા લાગ્યા હતા. મરાઠાઓ મુંબઈ ઉત્તર ઉંબરે આવી પહોંચ્યા હોવાનું જાણીને અંગ્રેજો એવું વિચારવા લાગ્યા હતા કે પોતાના સંરક્ષણ માટે કશુંક કરવું જોઈએ. વસઈ પછી મરાઠાઓ દક્ષિણમાં બાંદ્રા તથા કુર્લા સુધી આગળ વધ્યા હતા.

તેથી અંગ્રેજોએ ચિમાજી અપ્પાને મળવા સૌપ્રથમ જેમ્સ ઈંચબર્ડને વસઈ મોકલ્યા હતા. ગોવિંદ સખારામ દેસાઈએ ‘મરાઠી રિયાસત’ પુસ્તકના ત્રીજા ભાગમાં નોંધ્યું છે કે ચિમાજી અપ્પાએ મૂકેલી 15 શરતો સાથે ઈંચબર્ડ મુંબઈ મુંબઈ પાછા ફર્યા હતા.

એ પછી કૅપ્ટન ગોર્ડન પણ સતારા જઈને છત્રપતિ શાહુ મહારાજને મળ્યા હતા. ઈંચબર્ડ અને બાજીરાવ પ્રથમની મુલાકાત પૂણેમાં થઈ હતી. તેમ છતાં અંગ્રેજોનો ડર ઓછો થયો ન હતો. તેમણે બૉમ્બે ફોર્ટની આસપાસ ખાઈ ખોદવાનું શરૂ કર્યું હતું.

એ ખોદવાના ખર્ચના 30,000 તત્કાલીન વેપારીઓ પાસેથી એકઠા કરવામાં આવ્યા હતા. ખાઈ ખોદવાનો કુલ ખર્ચ અઢી લાખ હતો. મુંબઈમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપનો તે પહેલો કેસ હોઈ શકે છે.

રેડ લાઇન
રેડ લાઇન