ઈરાન: વિરોધપ્રદર્શનોમાં ઓછામાં ઓછા 192 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, MAHSA / Middle East Images / AFP via Getty Images
નોર્વેસ્થિત ઈરાની માનવાધિકાર સંગઠને રવિવારે દાવો કર્યો છે કે ઈરાનમાં બે અઠવાડિયાંથી ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં ઓછામાં ઓછાં 192 લોકોનાં મૃત્યુ થયાં છે.
બીબીસી ફારસી સેવા પ્રમાણે, માનવાધિકાર સંગઠને કહ્યું છે કે ઓછામાં ઓછા 192 પ્રદર્શનકારીઓનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ખરો આંકડો આના કરતાં ખૂબ મોટો હોઈ શકે છે.
સંગઠનનો તર્ક છે કે દેશમાં એક દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેવાને કારણે આંકડા વેરિફાઇ કરવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થયો છે.
ઈરાની માનવાધિકાર સંગઠને પણ કેટલાંક સૂત્રોનાં અનુમાનોનો હવાલો આપતાં કહ્યું કે મૃતકોની સંખ્યા સેંકડોમાં કે કદાચ 2000 કરતાં વધુ હોઈ શકે છે.
માનવાધિકાર સંગટને પ્રદર્શનકારીઓનાં મૃત્યુનો આંકડો વધવા બાબતે ચિંતા વ્યક્ત કરી ચે અને આ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ તાત્કાલિક પ્રતિક્રિયાની અપીલ કરી છે.
શિમલામાં સુરંગ નિર્માણ દરમિયાન બ્લાસ્ટિંગને પગલે ઘરોમાં તિરાડો પડી, 15 પરિવાર બેઘર બન્યા

ઇમેજ સ્રોત, ANI
હિમાચલ પ્રદેશના પાટનગર શિમલાના સંજૌલી પાસે ચાલૌંઠી ક્ષેત્રમાં ઘણા લોકોએ પોતાનું ઘર ખાલી કરવું પડ્યું છે.
સ્થાનિકોનો આરોપ છે કે રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઇ) દ્વારા કરાઈ રહેલા ભારે બ્લાસ્ટિંગના કારણે ઓછાંમાં ઓછાં 15 ઘરોમાં તિરાડો પડી છે.
તંત્રે તરત જ આ ઇમારતો ખાલી કરાવી છે અને નિર્માણકાર્ય પર રોક લગાવી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિમલાના ઉપાયુક્ત અનુપમ કશ્યપે જણાવ્યું કે, "મોડી રાત્રે માહિતી મળતાં જ અસરગ્રસ્ત ઘરોને ખાલી કરાવાયાં છે. સંપૂર્ણ નિર્માણકાર્ય અટકાવી દેવાયું છે."
આ ઘટના ભટ્ઠાકુફર અને સંજૌલી વચ્ચે બની રહેલી સુરંગ સાથે સંકળાયેલી છે.
સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે અનિયંત્રિત બ્લાસ્ટિંગથી નાજુક ફિલાઇટ ખડકોમાં કૅવિટી બની ગઈ, જેના કારણે ઇમારતો અને રસ્તા પર તિરાડો પડી છે. ત્રણ દિવસ પહેલાંથી જ હળવી તિરાડો જોવા મળી હતી, પરંતુ શુક્રવારની રાત્રે સ્થિતિ વધુ વણસી.
આ ભારે ઠંડી (તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ આસપાસ)માં 15 ઘરોમાં રહેતા પરિવારોને બહાર કઢાયા. કેટલાક લોકો રસ્તા પર રાત ગાળવા મજબૂર બન્યા, જ્યારે કેટલાકે સંબંધીઓ કે હોટલોમાં શરણ લીધી.
નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન યાત્રાના કાર્યક્રમમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ના છેલ્લા 'શૌર્ય યાત્રા'માં ભાગ લીધો હતો. ત્યારે તેમની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબમુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા.
નરેન્દ્ર મોદીએ કહ્યું, "સોમનાથ સ્વાભિમાન યાત્રા પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ પર્વ હજાર વર્ષની યાત્રાનું પર્વ છે તથા ભારતના અસ્તિત્વ અને અભિમાનનું પર્વ છે. સોમનાથ અને ભારતમાં અનોખી સમાનતા જોવા મળે છે. સોમનાથનો નાશ કરવા માટે અનેક દુષપ્રયાસ થયા. એવી જ રીતે વિદેશી આક્રમણકારીઓએ ભારતને ખતમ કરવા અનેક સદીઓ સુધી પ્રયાસ કર્યા. ન તો સોમનાથ નષ્ટ થયું કે ન તો ભારત નષ્ટ થયું છે. ભારત અને ભારતની આસ્થાના કેન્દ્ર એકબીજામાં સમાયેલાં છે."
મોદીએ ઉમેર્યું હતું કે જે લોકોએ સોમનાથના મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો, તેઓ ઇતિહાસના અમુક પન્ના પૂરતા મર્યાદિત થઈ ગયા અને મંદિર આજે પણ ઊભું છે.
વડા પ્રધાને પોતાના ભાષણમાં હજાર વર્ષ દરમિયાન સોમનાથનું ખંડન કરનારા, તેનું પુનઃનિર્માણ કરનારા તથા સખાતે આવનારા લોકોનો ઉલ્લેખ કર્યો હતો.
વર્ષ 1026માં મોહમ્મદ ગઝનવીએ પ્રથમ વખત સોમનાથની ઉપર આક્રમણ કર્યું, તેના અનુસંધાને તા. આઠમીથી અગિયારમી જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સોમનાથથી વડા પ્રધાન રાજકોટ જશે અને ત્યાં વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી ગાંધીનગર જશે, જ્યાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરૂટનો છેલ્લો ભાગ ખુલ્સો મૂકશે.
નરેન્દ્ર મોદી સોમનાથમાં યોજાયેલી 'શૌર્ય યાત્રા'માં સામેલ થયા

ઇમેજ સ્રોત, X/BhupendraPatel
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના સોમનાથમાં હતા. જ્યાં તેમણે 'શૌર્ય યાત્રા'માં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબમુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે હતા.
બે કિલોમીટર લાંબી આ યાત્રામાં 108 ઘોડેસવાર, સાધુ-સંતો તથા સામાન્ય નાગરિક જોડાયા હતા. આયોજકો દ્વારા સોમનાથના મંદિરને બચાવવા માટે બલિદાન આપનારા અગણિત લોકોની સ્મૃતિમાં "શૌર્ય યાત્રા" કાઢવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પહેલાં શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ ભાગ લીધો હતો.તેઓ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. એ પછી તેમણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હેઠળ યોજાયેલા જાપ કાર્યક્રમ, ડ્રૉન શૉ તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "સોમનાથ એ શાશ્વત દિવ્યતાની મશાલ છે. તેની પવિત્ર હાજરી પેઢીઓથી લોકોનું માર્ગદર્શન કરી રહી છે."
વર્ષ 1026માં મોહમ્મદ ગઝનવીએ પ્રથમ વખત સોમનાથની ઉપર આક્રમણ કર્યું, તેના અનુસંધાને તા. આઠમી થી અગિયારમી જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સોમનાથથી વડા પ્રધાન રાજકોટ જશે અને ત્યાં વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી ગાંધીનગર જશે, જ્યાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરૂટનો છેલ્લો ભાગ ખુલ્લો મૂકશે.
ઈરાનમાં વિરોધપ્રદર્શન યથાવત્, ઓછામાં ઓછા 70નાં મોત

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શન ચાલુ છે. સરકારી રિપોર્ટ્સ મુજબ, સુરક્ષાબળોની કાર્યવાહીમાં સેંકડો લોકો કાં તો મૃત્યુ પામ્યાં છે અથવા તો ઘાયલ થયા છે.
ઈરાનની ત્રણ સરકારી હૉસ્પિટલોના સ્ટાફે જણાવ્યું કે તેમને ખૂબ મોટી સંખ્યામાં ઘાયલોને લાવવામાં આવી રહ્યા છે અને તેમની પાસે સારવારના પૂરતા સંશાધન નથી.
શુક્રવારે રાત્રે રશ્ત શહેરની એક હૉસ્પિટલમાં 70 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ બીબીસીની ફારસી સેવાએ કરી છે.
અધિકારીઓએ દેખાવકારોને "ખુદાના ગુનેગાર" ઠેરવવા ચેતવણી આપી છે. ઈરાનમાં આ એવો ગુનો છે કે જેના માટે મોતની સજા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે મોંઘવારી અને કથળતી જતી આર્થિક પરિસ્થિતિને કારણે તા. 28 ડિસેમ્બર 2025થી ઈરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
અમેરિકાએ સીરિયામાં હવાઈહુમલા કર્યા

ઇમેજ સ્રોત, US Central Command
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડનું (સેન્ટકોમ) કહેવું છે કે અમેરિકા તથા સહયોગી રાષ્ટ્રોએ સિરિયામાં ઇસ્લામિક સ્ટેટનાં (આઈએસ) ઠેકાણાં ઉપર હુમલા કર્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર સેન્ટકોમે લખ્યું કે તા. 13મી ડિસેમ્બરના રોજ ઇસ્લામિક સ્ટેટે અમેરિકાના સુરક્ષાબળોની ઉપર હુમલો કર્યો હતો. તેની જવાબી કાર્યવાહી કરવા માટે 'ઑપરેશન ડેઝર્ટ હૉક' હાથ ધરવામાં આવ્યું હતું. એના જ ભાગરૂપે શનિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની મંજૂરી આપી હતી.
સેન્ટ કોમે લખ્યું છે કે અમારો સંદેશ સ્પષ્ટ છે. જો તમે અમારા લડવૈયાને હાનિ પહોંચાડશો, ન્યાયથી બચવા માટે તમે ગમે ત્યાં નાસી છૂટો વિશ્વના કોઈપણ ખૂણે કેમ ન હો, અમે તમને શોધી કાઢીશું અને મારી નાખીશું.
અયોધ્યા : રામમંદિરમાં કથિત રીતે નમાજ પઢનાર કસ્ટડીમાં

ઇમેજ સ્રોત, ANI
અયોધ્યાસ્થિત રામમંદિરમાં કથિત રીતે નમાજ પઢવાનો પ્રયાસ કરનાર શખ્સને અટકમાં લેવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 'કાશ્મીરના શોપિયાં જિલ્લાના અહમદ શેખને મંદિર પરિસરમાં નમાજ પઢતા અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે એવા નારા લગાવ્યા, જેના કારણે સુરક્ષા સંબંધિત ચિંતા ઊભી થઈ હતી.'
સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે અહમદ શેખે મંદિરમાં દર્શન કર્યા બાદ કથિત રીતે સીતા રસોઈ પાસે નમાજ પઢવાની તૈયારી કરી હતી. ત્યારે તેમની હિલચાલ ઉપર સુરક્ષાબળોનું ધ્યાન ગયું.
મંદિરની અંદર તહેનાત સુરક્ષાકર્મીઓએ અહમદ શેખને અટકમાં લીધા અને પછી પૂછપરછ માટે સ્થાનિક પોલીસને સોંપી દીધા હતા.
નામ ન આપવાની શરતે પોલીસકર્મીએ જણાવ્યું કે પરિવારજનોએ અહમદ શેખ માનસિક રીતે સ્વસ્થ ન હોવાની વાત કહી છે. પરિવારે પોતાના દાવાના સમર્થનમાં કેટલાક દસ્તાવ જો પણ રજૂ કર્યા છે.
આમ છતાં ગુપ્તચર એજન્સીઓ અહમદ શેખના ઇરાદા તથા તેમની યાત્રા અને હિલચાલ વિશે માહિતી મેળવી રહી છે. સાથે જ સિક્યૉરિટીની દૃષ્ટિએ સંવેદનશીલ રામ મંદિર પરિસરની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












