રાજકોટમાં મોદી: 22 વર્ષ સુધી ગાંધીનગરમાં થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સૌરાષ્ટ્ર કેમ પહોંચી?

ઇમેજ સ્રોત, Getty/Bipin Tankaria
ગુજરાતમાં વર્ષ 2003થી સામાન્ય રીતે દર બીજા વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત આ વર્ષે રાજકોટમાં યોજાવા જઈ રહી છે.
ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ બાદ આ સમિટનું ઉદ્ઘાટન કરવા રાજકોટ આવી રહ્યા છે.
વૈશ્વિક રોકાણકારોનું આ શિખર સંમેલન રાજ્ય સરકાર દ્વારા યોજાતા સૌથી મોટા કાર્યક્રમોમાંનું એક છે.
ગુજરાત સરકાર કહેતી આવી છે કે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ એકમેકથી પરિચિત થાય, વિચારોની આપ-લે કરી શકે અને ભાગીદારીઓ કરે અને તેના થકી રાજ્યમાં વેપાર, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં મૂડી રોકાણ થાય અને ધંધા-રોજગાર વિકસે તેવા હેતુથી યોજાતી આ સમિટમાં દેશ-દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ ભાગ લઈ ચુક્યા છે.
ગુજરાત સરકારનો દાવો છે કે આ સમિટના મંચ પર ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાના મૂડીરોકાણના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) એટલે સમજૂતી કરારો થયા છે.
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં યોજાતી સમિટનું આ વખતે રાજકોટમાં મારવાડી યુનિવર્સીટીના કૅમ્પસમાં આયોજન થઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી કરશે.
ગુજરાત સરકારે 2024માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ભૂમિકા બાંધવા માટે 2023માં જિલ્લા કક્ષાએ પ્રિ-વાઇબ્રન્ટ કાર્યક્રમો યોજ્યા હતા.
હવે 2025-26માં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ એટલે કે પ્રાદેશિક પરિષદો યોજીને રાજ્ય સરકારે રાજ્યના વિવિધ પ્રાંતોમાં વેપારીઓ-ઉદ્યોગપતિઓના મોટા મેળાવડા અને તેની સાથે જ ટ્રેડ શો એટલે કે વેપાર મેળાનું આયોજન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહેસાણામાં ગત ઑકોટબાર માસમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રાંતના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ બાદ રાજકોટમાં યોજાનારી આ પ્રકારની બીજી કૉન્ફરન્સ છે.
રાજધાનીથી દૂર રાજકોટમાં સરકાર વાઇબ્રન્ટ કૉન્ફરન્સ કેમ કરી રહી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આના માટે ઘણાં કારણો છે.
ગુજરાત સરકારનો દાવો છે કે વાઇબ્રન્ટ ગુજરાતની કથિત સફળતાને પગલે હવે રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણો માટે પ્લેટફૉર્મ પૂરું પાડવા અને દરેક જિલ્લા, તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સિસ'નું આયોજન કરવામાં આવ્યું છે."
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ એમએસએમઈ માટેનું મોટું હબ છે.
સૌરાષ્ટ્ર પ્રાંતમાં 11 જિલ્લા આવેલા છે જયારે રાજ્યના કુલ ભૂવિસ્તારના આશરે 24 ટકા વિસ્તાર ધરાવતા કચ્છની ગણના એક જિલ્લા તેમ જ એક પ્રાંત તરીકે પણ થાય છે.
ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ, મોરબી અને જામનગર માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇઝીઝ (એમ.એસ.એમ.ઈ) એટલે કે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઔદ્યોગિક સાહસોના હબ તરીકે ઓળખાય છે.
રાજકોટ તેના ફાઉન્ડરી અને કાસ્ટિંગ, ઑટો-પાર્ટ્સ મૅન્યુફેક્ચરિંગ તેમ જ ઇલેક્ટ્રિક મોટરપંપ સહિત વિવિધ મશીનો બનાવતા એકમો માટે જાણીતું છે.
તે જ રીતે મોરબી તેના સિરામિક ટાઇલ્સ અને સૅનેટરીવેરની વસ્તુઓના ઉત્પાદન માટે જાણીતું છે.
જામનગર તેના સાઇકલની ટ્યુબના વાલ્વથી માંડીને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં વપરાતા પિત્તળના ભાગો એટલે કે બ્રાસ પાર્ટ્સના ઉત્પાદન કરતા એકમો માટે જાણીતું છે.
આ દૃષ્ટિએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (વિજીઆરસી), સૌરાષ્ટ્ર ઍન્ડ કચ્છના આયોજન પર સૌરાષ્ટ્રના વેપારીઓની નજર છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
નાના ઉદ્યોગપતિઓને મંચ આપવાની સરકારને ફરજ કેમ પડી?

ઇમેજ સ્રોત, https://rajkotchamber.com/
મોટા ઔદ્યોગિક એકમોમાં મોટું મૂડી રોકાણ હોય છે પરંતુ મૅન્યુફેક્ચરિંગ એટલે કે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવાની પ્રક્રિયામાં ઑટોમેશન એટલે કે સ્વચાલિત યંત્રોની બોલબાલા વધતા મૂડી રોકાણ સામે રોજગારીની તકો સર્જવાની ક્ષમતા એમએસએમઈની સરખામણીએ ઓછી હોય છે.
સામે પક્ષે એમએસએમઈ ઓછા મૂડી રોકાણે રોજગારીની તકો વધારે સર્જે છે.
વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ કહે છે કે ગાંધીનગરમાં યોજાઈ ગયેલી 10 વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમએસએમઈની હાજરી જોઈએ તેટલી રહી નથી.
રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વીપી. વૈષ્ણવે જણાવ્યું કે ગુજરાતમાં ગત મહિનાની સ્થિતિએ 27 લાખ એમએસએમઈ નોંધાયેલા છે અને તેમાંથી 2.48 લાખ રાજકોટના છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું, "આ બધા ગાંધીનગર (વાઇબ્રન્ટ ગુજરાત સમિટ)માં જઈને જોવે અને ત્યાંથી આ કરે તે સ્કેલમાં આ બધા ન જાય."
તેઓ આગળ કહે છે કે, "પણ લોકલ, અહીં રાજકોટના આંગણે થતું હોય ને એટલે એ બધા સ્ટૉલ રાખે, વિઝિટ કરે તો એને કંઈક ખબર પડે કે એમાં કેવી રીતે રજિસ્ટ્રેશન થાય, ગુજરાત સરકાર એટલી અગ્રેસિવલી આપે છે, કેન્દ્ર સરકાર કેટલો સપોર્ટ કરે છે—આ બધા બેનિફિટ છે તેનો નાના ઉદ્યોગકારોને ટેકો મળે અને જે લોકોને અહીં આવવું છે, ઇમ્પોર્ટ કરવું છે, ઍક્સપોર્ટ કરવું છે તે બેયને ફાયદો થાય."
તેમનું કહેવું છે કે ,"પાર્ટી-ટુ-પાર્ટી ફાયદો થાય. તે અહીંથી ગાંધીનગર ન જાય."
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જીનિયરે પણ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે ગાંધીનગરમાં થતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મોટા ઉદ્યોગપતિઓની હાજરી વધારે હોય છે.
તેમણે કહ્યું, "રિજનમાં અમુક વર્ષે એક વાર જાય તો ત્યાંના લોકલ નાના બિઝનેસ અને નાના લોકો થોડા આની જોડે કનેક્ટ થશે અને તે રિજનને પણ આવા ઇવેન્ટ જોડે કનેક્ટ થવાનો મોકો મળશે."
"ત્રીજું કે રિજનમાં જાય તો નાના નાના ઉદ્યોગપતિઓ અને ત્યાં કામ કરતા લોકો છે તે પણ થોડા સક્રિય થાય."
"જયારે અહીંયા (ગાંધીનગર) આવે છે ત્યારે મોટું હોય છે. પછી શું થાય છે કે ઇન્ટરનૅશનલ (આંતરરાષ્ટ્રીય), નૅશનલ (રાષ્ટ્રીય) વધારે હોય છે..."
"જયારે રિજનલ ગ્રોથ (વિકાસ) માટે રિજનલ કૉન્ફ્રન્સનો ફર્સ્ટ ટાઇમ પ્રયોગ કર્યો છે તે મને લાગે છે કે સફળ રહેશે... અહીં નાનાને પણ સ્થાન મળશે, સમજવાની અને પોતાની વાત કરવાની તક મળશે."
મોરબીના ઉદ્યોગપતિઓ શું કહે છે?

મોરબીના સિરામિક ઉદ્યોગના સભ્યો ગાંધીનગરમાં યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેતા હોય છે.
પરંતુ પ્રાદેશિક કૉન્ફરન્સથી નાના ઉદ્યોપતિઓ અને ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે તેમ મોરબી સિરામિક ઍસોસિએશન વૉલ ટાઇલ ડિવિઝનના પ્રમુખ હરેશ બોપાલીયાએ કહ્યું.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "ગાંધીનગરમાં બધા ઉદ્યોગકારો પહોંચી ન શકતા હોય. પણ રાજકોટ થયું હોય, રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવાય, અને જે એમએસએમઈ છે, નાના નાના ઉદ્યોગકારો છે તે આ સમિટમાં જશે તો તેમાં બહુ બધા ફાયદા છે."
"કોઈ પણને નવા ઉદ્યોગ સ્થાપવા હોય તો જમીનને બિનખેતી કરવાની હોય ત્યાંથી ચાલુ થાય અને સરકારની કઈ કઈ સબસિડી અને સહાયતા મળે છે એ બધી માહિતી અહીં આપવામાં આવશે."
"એવું ગાંધીનગરમાં પણ હોય છે પરંતુ આ સમિટ થતા પહેલાં અમારે બે-ત્રણ મીટિંગો થઈ છે... અને અધિકારીઓએ અમને કહ્યું કે કેવા કેવા સેમિનાર રાખીએ તો તમારા ઉદ્યોગને બૂસ્ટ મળે?"
"તમારે શું જરૂર છે? ખૂટતી કડી હોય તે કહો તો અમે એ પ્રકારના મોટિવેશનલ સ્પીકરને, અધિકારીઓને બોલાવી તમને માર્ગદર્શન આપીશું."
રાજ્ય સરકારે 10 ઑક્ટોબર 2025એ આપેલી માહિતી અનુસાર મહેસાણામાં 9 અને 10 ઑક્ટોબર દરમિયાન યોજાયેલા ઉત્તર ગુજરાતની પ્રાદેશિક વિજીઆરસી અને ટ્રેડ શો દરમિયાન ઉત્તર ગુજરાત પ્રાંતમાં 3.24 કરોડ રૂપિયાનું રોકાણ કરવા એમઓયુ પર સહીઓ થઈ હતી.
હરેશ બોપાલીયાએ કહે છે કે આવી પરિષદોની સફળતા એમઓયુની અમલીકરણ થાય તેમાં છે.
તેમણે કહ્યું, "આવી સમિટ સફળ તો જ ગણાય જો તેમાં થયેલા એમઓયુનો અમલ થાય."
"આવી સમિટો દરમિયાન એમઓયુ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એમઓયુ પર સહી થઈ ગયા બાદ ખુદ સરકાર સમયાંતરે પૂછપરછ કરે છે કે અમલીકરણનું કામ કેટલે પહોંચ્યું છે અને કોઈ મુશ્કેલી તો નથી પડી રહીને."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સંદીપ એન્જીનિયર કહે છે કે એમઓયુનું અમલીકરણ થાય તે મહત્ત્વનું છે પરંતુ વાઇબ્રન્ટ સમિટ કે કૉન્ફરન્સની સફળતાને માપવાનો તે એકમાત્ર માપદંડ ન હોઈ શકે.
તેમણે બીબીસીને જણાવ્યું, "આવા પ્રકારની રિજનલ સમિટ ઉદ્યોગસાહસિક્તાને પ્રોત્સાહન પૂરું પડે છે..."
"તમારે ત્યાં 100 ઉદ્યોગસાહસિકો આવ્યા તો સોમાંથી સો કેવું કામ કરે છે તે નહીં જોવાનું. સોમાંથી ઘણા ઉદ્યોગસાહસિકો આગળ વધે તો તે પૉઝિટિવ ઇમ્પૅકટ (હકારાત્મક અસર) છે."
"તમારે એમઓયુ થયું અને તેમાંથી કેટલા ટકા રૂપિયા લાગ્યા અને કેટલા ન લાગ્યા તે આંકડો હંમેશાં અલગ અલગ રહેવાનો છે."
સંદીપ એન્જીનિયર કહે છે કે, "સરકાર તેના પર જરૂર નજર રાખે છે.. પ્રેસ-મીડિયાને એમ લાગે છે કે કાલ સાઇન થઈ ગયું, કેટલું આવ્યું કેટલું ન આવ્યું. પરંતુ 50 ટકા એમઓયુનો અમલ થાય તો પણ તે સારું જ કહેવાય."
"પરંતુ આપણે આખા ચિત્રને ધ્યાને લેવું જોઈએ અને માત્ર આંકડાના આધારે સફળતા નક્કી ન કરવી જોઈએ અને તે ચિત્ર રાજ્યમાં ઉદ્યોગસાહસિક્તાને પ્રોત્સાહન આપતું હોય તેવું લાગે છે."
રાજકોટની કૉન્ફરન્સ અને ટ્રેડ શો કેટલા મોટાં?
રાજ્ય સરકારની શનિવારની અખબારી યાદી અનુસાર રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છની વિજીઆરસી અને ટ્રેડ શોમાં જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન ભગીદાર રાષ્ટ્રો તરીકે જોડાયા છે.
પરિષદમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ ભાગ લેશે. બે દિવસીય કૉન્ફરન્સમાં કુલ 50 જેટલા બિઝનેસ સેમિનાર્સ યોજવામાં આવશે.
"વી.જી.આર.સી. સાથે 11થી 15 જાન્યુઆરી સુધી ''વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ ઍક્ઝિબિશન કમ ટ્રેડ શો'' પણ યોજવામાં આવ્યો છે.
મારવાડી યુનિવર્સિટી પાસે કુલ 26000 ચોરસ મીટરમાં યોજાયેલા ઍક્ઝિબિશનમાં 18 હજાર ચોરસ મીટરમાં છ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે.
જેમાં ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ; ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ; હસ્તકલા ગ્રામ અને એમ.એસ.એમ.ઈ; પેવેલિયન, ઓશન ઑફ ઑપોર્ચ્યુનિટીઝ; ઍન્ટરપ્રાઇઝ ઍક્સેલન્સ પેવેલિયન અને પબ્લિક સેક્ટર પાવરહાઉસની થીમ પર પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












