સીઆર પાટીલે કહ્યું એ પ્રમાણે શિવાજી ખરેખર પાટીદાર હતા?

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/CR PATIL FACEBOOK

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલે છત્રપતિ શિવાજી મહારાજ 'પાટીદાર' હતા એવું કહેતા શિવાજીની જાતિ કઈ હતી તેના પર ચર્ચા શરૂ થઈ છે
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં જ કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલે સુરતમાં 'સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે કહ્યું હતું કે "છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા."

સીઆર પાટીલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે કે શિવાજીની જાતિ કઈ છે? શું શિવાજી ખરેખર પાટીદાર હતા? શા માટે પાટીલે કહ્યું કે શિવાજી પાટીદાર હતા? શું પાટીદાર ક્ષત્રિય નહોતા?

આમ તો મરાઠાઓ માટે ગૌરવ મનાતા શિવાજીની જાતિ પર ઘણી વખત વિવાદ થતો રહ્યો છે.

ઇતિહાસકારો શિવાજીની જાતિને લઈને મતભેદ ધરાવે છે. શિવાજીની જાતિનો આ વિવાદ આજનો નથી, પરંતુ જ્યારે શિવાજીનો રાજ્યાભિષેક થયો ત્યારથી છે. ત્યારે સમજીએ કે ઇતિહાસ શિવાજીની જાતિ વિશે શું કહે છે અને ઇતિહાસકારોનો શો મત છે?

આ બાબતે અમે કેટલાંક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને સાથે કેટલાક ઇતિહાસકારો સાથે વાતચીત કરી, જોઈએ તેમણે શું કહ્યું?

શિવાજીના વડવાઓ કોણ હતા?

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મરાઠા જાતિની જે શાખામાં શિવાજીનો જન્મ થયો હતો, તેની ઉપાધિ 'ભોંસલે' હતી.

ઇતિહાસકાર જદુનાથ સરકાર તેમના પુસ્તક 'શિવાજી ઍન્ડ હીઝ ટાઇમ્સ' માં લખે છે, "તેઓ (ભોંસલે) રાજપૂતની માફક એક જ વડવાઓના સંતાન નહોતા, ન તો કોઈ મુખિયાને આધીન રહેતા હતા. દરેક વ્યક્તિ પોતાના પરિવારની સાથે ગામમાં રહેતી હતી. તેમનો વ્યવસાય ખેતી અને પશુપાલન હતો."

સોળમી સદીમાં શતાબ્દીના મધ્યમાં બાબાજી ભોંસલે પૂના જિલ્લાના હિંગની તથા દેવલગાંવ નામનાં બે ગામોમાં પટેલ (મહારાષ્ટ્રમાં પાટીલ)નું કામ કરતાં હતાં. ગામમાં અન્ય ખેડૂતોનાં ખેતરોમાં ઊગતાં અન્નનો હિસ્સો પણ તેમને મળતો હતો. તેઓ પોતે પણ ખેતી કરતા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમના મૃત્યુ બાદ તેમના બે પુત્ર માલેજી અને વિઠોજી પત્ની-બાળકોને લઈને કેટલાંક કારણસર ગામ છોડીને વિખ્યાત એલોરાના પહાડસ્થિત યિરૂલ ગામ ચાલ્યા ગયા હતા.

ત્યાં સિન્ધખેડના જમીનદાર અને અહમદનગર રાજ્યના સેનાપતિ લખુજી યાદવરાવની પાસે જઈને તેમની સેનામાં નોકરી કરવા લાગ્યા હતા. લખુજી યાદવરાવ એટલે શિવાજીનાં માતા જીજાબાઈના પિતા. માલોજીના મોટા પુત્ર શાહજી જે શિવાજીના પિતા થાય.

માલેજીના મૃત્યુ બાદ તેમની જમીનદારી અને સેનાનું સંચાલન વિઠોજીએ કર્યું. વિઠોજીના ગયા બાદ શાહજી ભોંસલે વંશની સેનાના નાયક બન્યા.

ત્યાં તેઓ ખેતી પણ કરતા હતા. તેને કારણે કેટલાક લોકો તેમને કુર્મી કે કૃષક સમાજના પણ ગણે છે, પરંતુ ઇતિહાસકારોનો એ પણ મત છે કે કુર્મી પણ મરાઠા જ છે.

જદુનાથ સરકાર લખે છે, "મધ્યયુગના ઇતિહાસમાં મરાઠા જાતિના બે-ચાર સૈનિકો, મોટા સરદારો તે જમીનદારોનાં નામોનો ઉલ્લેખ મળે છે. તેના ઉપરાંત આ લોકોનો જાતિગત વ્યવસાય ખેતી અને પશુપાલન હતો."

સરકારે નોંધ્યા અનુસાર 16મી સદીની શરૂઆતમાં બહમની સામ્રાજ્યના તૂટવાના સમયે અને તેનાં 100 વર્ષ બાદ અહમદનગરના નિઝામશાહી રાજવંશના નષ્ટ થવાથી મરાઠાઓને સત્તા પ્રાપ્ત કરવાની તક મળી.

પ્રદેશની રાજનીતિક પરિસ્થિતિને કારણે મરાઠા ખેતીહરોના (કૃષકો કે ખેડૂતો) પૈકીના કેટલાક બળવાન, ચતુર અને તેજ પુરુષોએ હળ છોડીને તલવાર પકડી અને સૈનિક બની ગયા. તેઓ પછી જમીનદાર અને રાજા બનવા લાગ્યા. આમ આ કૃષક ધીરે-ધીરે સરદાર, સેનાનો પદાધિકારી કે રાજદરબારના ઇજ્જતદાર સામંત બની ગયા.

'શિવાજીને કોઈ વિશેષ જાતિના બંધનમાં બાંધવા યોગ્ય નથી'

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RANJEET DESAI

ઇમેજ કૅપ્શન, કેટલાક ઇતિહાસકાર શિવાજીને કુર્મી ગણાવે છે, તો કેટલાક તેમને ક્ષત્રિય ગણાવે છે, તો કેટલાક તેમને મરાઠા જ ગણાવે છે

કેટલાક ઇતિહાસકાર શિવાજીને કુર્મી ગણાવે છે, તો કેટલાક તેમને ક્ષત્રિય ગણાવે છે, તો કેટલાક તેમને મરાઠા જ ગણાવે છે.

જોકે, જદુનાથ સરકારે લખ્યું છે કે શિવાજીના જન્મનાં 20 વર્ષ સુધીના જીવનનો ઇતિહાસ ઘણો વિવાદિત રહ્યો છે, કારણ કે ઘણી બધી કહેવામાં આવેલી માહિતીના ઐતિહાસિક પુરાવા નથી મળતા.

તેઓ લખે છે, "મરાઠા સરદાર દોલતાબાદ છોડીને અહમદનગરની નિઝામશાહી સલ્તનતની સેવામાં જોડાયા હતા, તેમનાં કેટલાંક સગાં મુઘલો સાથે જોડાયાં હતાં. જેમાં કેટલાંક શાહજહાંના સમયે સારાં પદો પર પહોંચ્યાં હતાં."

શિવાજીના જીવન પર સંશોધન કરનારા ઇતિહાસકાર ઇન્દ્રજિત સાવંત બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "શિવાજી મહાપુરુષ અને યુગપુરુષ હતા. તેમને કોઈ વિશેષ જાતિના બંધનમાં બાંધવા યોગ્ય નથી."

તેમણે શિવાજી પાટીદાર હોવાના સીઆર પાટીલના દાવાનો છેદ ઉડાવતા કહ્યું, "શિવાજી મહારાજે વર્ષ 1677માં મરાઠી સરદાર માલોજી ઘોરપડેને એક પત્ર લખ્યો હતો. આ પત્ર કોલ્હાપુર આર્કાઇવ્ઝમાં આજે પણ સચવાયેલો છે. આ પત્રમાં ખુદ શિવાજીએ લખ્યું છે કે તેઓ મરાઠા છે. તેમણે લખ્યું છે, 'આપ મારી જાતિના મરાઠા છો. મરાઠી લોકોનું સારું કરવું મારા હૃદયમાં છે.' આ પત્રમાં તેમણે બે વખત પોતાને મરાઠા હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમની જાતિ જણાવી દીધી છે."

તેઓ કહે છે, "જ્યારે ખુદ શિવાજીએ તેમના પત્રમાં પોતાની જાતિ જણાવી હોય ત્યારે બીજા કોઈ તેની જાતિને કઈ રીતે પરિભાષિત કરી શકે?"

તેઓ શિવાજીના પુત્રો શંભાજી અને રાજારામનો ઉલ્લેખ કરતાં કહે છે, "તેમના પણ દસ પત્રોનો મેં અભ્યાસ કર્યો છે. તેમાં તેમણે પોતાનો ઉલ્લેખ મરાઠા તરીકે જ કર્યો છે."

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વાસ પાટીલ કહે છે કે "શિવાજીના વડવાઓ માલેજી, વિઠોજી, શાહજી વગેરે ક્ષત્રિય મરાઠા હતા. તેઓ ભોંસલે હતા."

ઇતિહાસકાર વિશ્વાસ પાટીલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે સીઆર પાટીલે કયા સંદર્ભને આધારે શિવાજીને પાટીદાર કહ્યા તે ચકાસવું પડે.

વિશ્વાસ પાટીલે કહ્યું, "શિવાજીના વડવાઓ માલેજી, વિઠોજી, શાહજી વગેરે ક્ષત્રિય મરાઠા હતા. તેઓ ભોંસલે હતા."

તેઓ પણ કહે છે, "શિવાજી હિંદુ સંસ્કૃતિના ઉત્થાન કરનારી માનવજાતની મહાન વિભૂતિ હતા. તેમનો કોઈ જાતિ વિશેષમાં ઉલ્લેખ કરવો યોગ્ય નથી. તેઓ તમામ ધર્મ-જાતિને સાથે લઈને ચાલનારા મહામાનવ હતા."

વિશ્વાસ પાટીલે એમ પણ કહ્યું કે "મહારાષ્ટ્રમાં પાટીદાર સમુદાય જલગાંવ, ધુલિયા વિસ્તારમાં રહે છે. જે વિસ્તારને લોકો ખાનદેશ પણ કહે છે. એટલે સીઆર પાટીલનો શિવાજીને પાટીદાર કહેવાનો અર્થ શો હતો, તેનો મતલબ શો હતો? તે તપાસવું પડે."

જોકે, પુણેસ્થિત ભારત ઇતિહાસ સંશોધક મંડળના સેક્રેટરી અને ઇતિહાસકાર પાંડુરંગજી બલકવડેનું કહેવું છે સીઆર પાટીલનું નિવેદન અર્ધસત્ય છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પાંડુરંગજી બલકવડેએ કહ્યું, "પ્રાચીન વ્યવસ્થામાં જે કામ ગુજરાતમાં પટેલ લોકો કરતા હતા તે જ કામ મહારાષ્ટ્રમાં તે સમયે પાટીલ લોકો કરતા હતા. શિવાજી મહારાજના પૂર્વજો પહેલાં પાટીલનું કામ જ કરતા હતા."

તેમનું કહેવું છે કે શિવાજીના દાદા માલેજી, પિતા શાહજી મોટાં પદો પર રહી ચૂક્યા હતા. શિવાજીના પિતા શાહજી તો સેનાપતિપદ સુધી પહોંચ્યા હતા. તેઓ પાટીલના ખાનદાનમાંથી જ આવતા હતા."

તેઓ એમ પણ કહે છે, "શિવાજીના વંશજો કુર્મી હોવાના ઉલ્લેખ વિશે ન કહી શકાય, પરંતુ તેઓ સિસોદિયા વંશના રાજપૂત કે ક્ષત્રિય હતા તેનો ઉલ્લેખ જરૂર મળે છે."

તેમણે સિસોદિયા વંશના રાજપૂતો મહારાષ્ટ્ર કેવી રીતે પહોંચ્યા તે વિશે અંદાજ લગાવતાં કહ્યું, "ઉત્તર ભારતમાં જ્યારે યવનોનું આક્રમણ થયું ત્યારે પોતાનાં ધર્મ, સંસ્કૃતિની રક્ષા કરવા માટે તેમના વંશજો મહારાષ્ટ્ર આવ્યા હોય તેવું બની શકે."

શિવાજીના રાજ્યાભિષેક વખતે સ્થાનિક બ્રાહ્મણોનો વિરોધ

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhau Daji Lad Museum, Mumbai

ઇમેજ કૅપ્શન, ચિત્રકાર એમવી ધુરંદર દ્વારા દોરવામાં આવેલું શિવાજીના રાજ્યાભિષેકના પ્રસંગનું ચિત્ર

વર્ષ 1674માં રાયગઢના કિલ્લામાં શિવાજીએ મહારાષ્ટ્રના સ્વતંત્ર શાસક તરીકે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. જોકે, તે વખતે સ્થાનિક બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો હતો.

આ પ્રસંગ વિશે લખતાં જદુનાથ સરકાર લખે છે, "શિવાજીએ પોતાને છત્રપતિ કે સ્વાધીન રાજા ઘોષિત નહોતા કર્યા. તેને કારણે તેમને ઘણી અસુવિધા થતી હતી અને નુકસાન પણ થતું હતું. તેમને અન્ય રાજા કાં તો બીજાપુરના આશ્રિત એક જમીનદાર કે જાગીરદાર માનતા હતા. બીજાપુરના હાકિમોની નજરમાં તેઓ વિદ્રોહી હતા. અન્ય મરાઠા જમીનદારો ઇર્ષ્યાને કારણે ભોંસલેની અવગણના કરતા હતા."

શિવાજીની મુશ્કેલી એ હતી કે જ્યાં સુધી તેઓ રાજા ન બને ત્યાં સુધી પ્રજા તેમના હુકમો માનવા બાધ્ય નહોતી. શિવાજી દ્વારા કરવામાં આવતું ભૂમિદાન કે આપવામાં આવતી સનદ નિયમાનુસાર પ્રમાણ માનવામાં આવતી નહોતી.

તેથી તેમણે પોતાનો રાજ્યાભિષેક કરાવવાનો નિર્ણય કર્યો, પરંતુ શિવાજી માટે એક મુસીબત આવી.

જદુનાથ સરકાર લખે છે, "હિંદુ શાસ્ત્રો અનુસાર ક્ષત્રિયો જ રાજા બની શકે. ભોંસલે સામાન્યત: ક્ષત્રિયો નહોતા કહેવાતા. તેઓ દ્વિજ (બીજી વખત જન્મનાર જાતિ કે બ્રાહ્મણ) પણ નહોતા. પરંતુ તેઓ જમીન ખેડનારા તરીકે જાણીતા હતા."

"શિવાજીના પરદાદાઓની આ જ ઓળખ હતી. તેથી એક 'શુદ્ર' રાજા કેવી રીતે બની શકે અને તે તેની સત્તા કેવી રીતે પ્રાપ્ત કરી શકે તેવા સવાલો ઊભા થયા."

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1845માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં પ્રકાશિત થયેલું શિવાજી મહારાજનું ચિત્ર

કેટલાંક પુસ્તકોમાં ઉલ્લેખ એ પણ છે કે સ્થાનિક બ્રાહ્મણોએ તેમના રાજ્યાભિષેક કરવાની ના પાડી દીધી હતી. તેથી શિવાજીએ આ કામ તેમના મુનશી મનાતા બાલાજી આબાજીને સોપ્યું હતું. બાલાજી આબાજી મરાઠા જાતિના વરિષ્ઠ સલાહકાર હતા. તેઓ કાશીથી વિશ્વેશ્વર ભટ્ટને મળ્યા. જેઓ ગાગા ભટ્ટના નામથી ઓળખાતા હતા. ગાગા ભટ્ટે શિવાજીને 'ક્ષત્રિય' સાબિત કરી દીધા.

પાંડુરંગ બલકવડે કહે છે, "શિવાજીએ પોતાના દૂતોને રાજસ્થાનમાં ઉદયપુર ખાતે મોકલ્યા હતા અને તેમના પૂર્વજોની માહિતીની સાબિતી પૂરી પાડી હતી."

ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના પુસ્તક 'શુદ્ર કૌન થે?'માં લખે છે, "બ્રાહ્મણોનો મત હતો કે કલિયુગમાં ક્ષત્રિય કોઈ છે જ નહીં. તેમના અનુસાર તેઓ (શિવાજી) શુદ્ર હતા. આ મત ક્ષત્રિયો માટે નિર્ધારિત 11 વર્ષમાં ઉપનયન સંસ્કાર ન થયા હોવાને કારણે પ્રબળ બન્યો, પરંતુ ગાગા ભટ્ટે આ બધી કઠિણાઈને પાર પાડીને તેમનો રાજ્યાભિષેક પાર પડાવ્યો."

જદુનાથ સરકાર લખે છે, "ગાગા ભટ્ટ બનારસના પ્રખર પંડિત હતા. તેમણે મનઘડંત કહાણી ઘડી. તેમણે શિવાજીને ક્ષત્રિય કુળના જાહેર કરી દીધા. એટલું જ નહીં તેઓ સિસોદિયા વંશના ઉદયપુરના મહારાણા હોવાનું પણ જાહેર કર્યું. તેમણે કહ્યું કે ભોંસલે સૂર્યવંશી છે અને હિંદુ કથાના હીરો શ્રીરામચંદ્રના વંશ છે. જોકે, આ થિયરી બદલ તેમને અઢળક પૈસા ચૂકવવામાં આવ્યા."

જોકે, ઇતિહાસકાર ઇન્દ્રજિત સાવંત બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ગાગા ભટ્ટે જે સિસોદિયા વંશની વંશાવળી પ્રસ્તુત કરી હતી તે અધિકૃત નથી. આ વંશાવળીમાં જે લગભગ 350 વર્ષનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે તે બોગસ છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે લક્ષ્મણસિંહ રાજસ્થાનથી મહારાષ્ટ્ર આવ્યા હતા અને ત્યાર પછીનાં 350 વર્ષમાં માત્ર નવ પુરુષ જ ભોંસલે પરિવારમાં વડવાઓ બન્યા. જે વાત ગળે ઊતરે તેવી નથી. તેથી આ વંશાવળી કેવી રીતે તૈયાર થઈ અને કોણે કરી તે વિશે અનેક શંકા છે."

ઇન્દ્રજિત સાવંત બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં વધુમાં જણાવે છે, "શિવાજીએ તેમનું જીવનચરિત્ર લખવા માટે કવીન્દ્ર પરમાનંદ નેવાસ્કરને કહ્યું હતું. અમે તેને 'શિવભારત' તરીકે ઓળખીયે છીએ. તેમાં શિવાજીના ભોંસલે કુળને મરાઠા તરીકે જ ગણવામાં આવ્યા છે, પરંતુ ક્ષત્રિય કુળના હોય તેવો ઉલ્લેખ નથી."

ઇન્દ્રજિત સાવંત ઉમેરે છે કે "શિવાજી રાજ્યાભિષેક પહેલાં પોતાને શ્રી શિવાજી રાજે ભોંસલે ઓળખાવતા હતા, પરંતુ રાજ્યાભિષેક વખતે તેમણે જે બિરુદ રાખ્યું તેમાં ક્ષત્રિયનો ઉલ્લેખ છે. તેમણે જે બિરુદ અપનાવ્યું હતું તેમાં તેમણે પોતાને ક્ષત્રિય કુળના મુકુટમણી ગણાવ્યા હતા."

શિવાજીનો રાજ્યાભિષેક અને વિવાદ

શિવાજી, પાટીદાર સીઆર પાટીલ પટેલ મહારાષ્ટ્ર છત્રપતિ સિસોદિયા રાજસ્થાન ગુજરાત દલિત આંબેડકર ભીમરાવ શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ રાજ્યાભિષેક રાજા મરાઠા મુઘલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શિવાજીના રાજ્યાભિષેકની વિધિ શરૂ થયાના 12 દિવસ બાદ તેમનાં માતા જીજાબાઈનું નિધન થયું.

ત્યાં શિવાજી માટે બીજી અડચણ આવી. તેમને બ્રાહ્મણો દ્વારા જાહેરમાં ક્ષત્રિય જાહેર કરવા બદલ પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું.

પુસ્તકોમાં ઉલ્લેખ છે કે "તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે લાંબા સમયથી તેમણે ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું નથી. તેમના યજ્ઞોપવીત સંસ્કાર થયા અને જનોઈ પહેરાવાઈ. તેમને મંત્ર દીક્ષા આપવામાં આવી, અને પછી તેમને ક્ષત્રિય ધર્મનું પાલન કરવા માટે અનુકૂળ હોવાનું જાહેર કરાયું."

આ પ્રસંગે શિવાજીએ બ્રાહ્મણોને વેદમંત્રોનું રટણ કરવા કહ્યું, પરંતુ કેટલાક બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો.

જદુનાથ સરકાર લખે છે, "બ્રાહ્મણોએ કહ્યું કે આ યુગમાં સાચો ક્ષત્રિય કોઈ બચ્યો નથી. માત્ર બ્રાહ્મણ જ સાચો દ્વિજ છે. આ સમયે ગાગા ભટ્ટ પણ શિવાજીની મદદે નહોતા આવી શક્યા. તેથી તે પ્રસંગે વેદમંત્રોનું રટણ મોકૂફ રાખવામાં આવ્યું."

આ પ્રસંગે એકત્ર થયેલા સેંકડો બ્રાહ્મણોને શિવાજીએ અઢળક દાન આપ્યું, પરંતુ તે પૈકી બે બ્રાહ્મણોને સંતોષ થયો નહોતો.

જદુનાથ સરકાર કહે છે, "આ બે બ્રાહ્મણોએ શિવાજીને કહ્યું કે તેમણે એક ગામમાં જે છાપો માર્યો હતો તેમાં બ્રાહ્મણો, મહિલા અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં. તેથી તેમણે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે."

પુસ્તકોમાં ઉલ્લેખ છે કે આ પ્રાયશ્ચિત માટે 'એ બ્રાહ્મણોએ 8 હજાર રૂપિયાની માગ કરી હતી અને શિવાજી તેનો ઇનકાર નહોતા કરી શક્યા'. આખરે આ બધા અવરોધો વચ્ચે શિવાજીનો રાજ્યાભિષેક 6ઠ્ઠી જૂન, 1674ના રોજ સંપન્ન થયો.

ડૉ. બાબાસાહેબ આંબેડકર લખે છે, "ગાગા ભટ્ટ તથા અન્ય બ્રાહ્મણોને જે દક્ષિણા આપવામાં આવી તેના આધાર પર એ ન કહી શકાય કે ગાગા ભટ્ટનો નિર્ણય યોગ્ય હતો. ગાગા ભટ્ટને આપેલી દક્ષિણા શું દક્ષિણા હતી? જે શિવાજીને ક્ષત્રિય નહોતા માનતા તેમને શિવાજીએ બહુમૂલ્ય ભેટસોગાદો આપી. કલાબાજી દેખાડીને ગાગા ભટ્ટે જે દક્ષિણા મેળવી તેને લાંચ કહી શકાય."

આંબેડકર એમ પણ લખે છે કે 'શિવાજીમાં એટલી હિંમત નહોતી કે જ્યારે બ્રાહ્મણોએ ના પાડી ત્યારે તેઓ અબ્રાહ્મણો પાસેથી રાજ્યાભિષેક કરાવે'.

જોકે, પાંડુરંગજી બલકવડે કહે છે, "શિવાજીના રાજ્યાભિષેક વખતે બ્રાહ્મણો નારાજ હતા એવું નથી, પરંતુ તેઓ માત્ર શિવાજી જે કાર્ય કરવા જઈ રહ્યા હતા તેની તેમણે સાબિતી તો આપવી પડે ને? તેમણે શિવાજીને સિદ્ધ કરવાનું કહ્યું હતું."

રાજ્યાભિષેકના પ્રસંગોમાં પણ શિવાજીનો ક્ષત્રિય હોવા બાબતે થયેલા વિવાદનો ઉલ્લેખ છે, પરંતુ તેઓ પાટીદાર હોવાનો ઉલ્લેખ નથી.

ઇન્દ્રજિત સાવંત કહે છે, "કણબી કહો કે કુનબી કહો તે પણ મરાઠા છે, પરંતુ શું પાટીદાર પોતાને મરાઠા માને છે? શું ગુજરાતના પટેલ સમાજ અને મરાઠા વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર તે જમાનામાં હતો? શું તેમની ભાષા, કુળદેવી, કુળદેવતા એક છે? એ વાત સાચી કે ભોંસલે કુળના લોકો પહેલા કૃષક હતા, પરંતુ તેમને પાટીદાર કહેવા કેટલા યોગ્ય છે? પાટીદારોને શિવાજી પોતાના લાગતા હોય તે સારી બાબત છે, પરંતુ તેમને પાટીદાર કહેવા ઠીક નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન