શિવાજીએ ઔરંગઝેબને પત્ર લખીને અકબર અંગે શું સલાહ આપી હતી?

ઇમેજ સ્રોત, Getty Images/ANI
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, ઍડિટર, બીબીસી હિન્દી
અલીગઢ. આજે જોઈએ તો એક ગીચ વસ્તી ધરાવતું શહેર, જેણે છેલ્લાં દોઢસો વર્ષમાં માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયામાં પોતાના શિક્ષણનો ધ્વજ લહેરાવ્યો છે.
મોહમ્મદન ઍંગ્લો-ઑરિએન્ટલ કૉલેજ, જેને પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી નામ મળ્યું, આજે પણ આ શહેરની ઓળખનો ભાગ છે.
તેના સુંદર મજાના કૅમ્પસથી લગભગ 10 મિનિટના અંતરે શહેરનો એક જૂનો વિસ્તાર બદરબાગ આવેલો છે.
આ વિસ્તારના રસ્તા હવે ખૂબ સાંકડા દેખાય છે, કેમ કે, વધુ જૂના છે, મોટા બંગલાઓની જમીન વેચાઈ ગઈ છે, તેના પ્લૉટિંગ થઈ ગયા છે અને તેના પર ત્રણચાર માળના ફ્લૅટ્સ બની ગયા છે.
પરંતુ, ઈ.સ. 1931માં લગભગ 12 એકરમાં બનેલા એક બ્રિટિશ સ્ટાઇલના બંગલાનો ઝાંપો આજે પણ ખુલ્લો જોવા મળે છે અને જાણવા મળે છે કે, પ્રોફેસર ઇરફાન હબીબ એમાં જ રહે છે.
ગુલદાઉદી (સેવંતી), બોગનવેલ અને ગુલાબો ધરાવતા પોતાના સુંદર બગીચામાં ઇરફાન હબીબે મને પૂછ્યું, "તમને ખબર છે, અલીગઢનું સાચું નામ શું હતું?"
ઇરફાન હબીબ હવે 94 વર્ષના થઈ ગયા છે. વર્ષો સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના હિસ્ટરી ડિપાર્ટમેન્ટના વડા રહેલા પ્રોફેસર હબીબ હવે 'પ્રોફેસર ઇમેરિટસ' (નિવૃત્ત અધ્યાપક) છે અને લગભગ દરરોજ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી મેળવતા રહે છે.

'અલીગઢ નામ મરાઠાઓએ આપ્યું હતું'

અલીગઢવાળા સવાલ સાથે મેં મારો પ્રશ્ન પણ સાંકળી દીધો, "ફૈઝાબાદ હવે અયોધ્યા થઈ ગયું છે, અલ્હાબાદ હવે પ્રયાગરાજ નામથી ઓળખાય છે, સેન્ટ્રલ દિલ્હીનો ઔરંગઝેબ રોડ હવે માત્ર પુસ્તકોમાં રહી ગયો છે. શું આની જરૂર હતી? કે આ પણ એક જમાનો છે, જે ઇતિહાસમાં હંમેશા આવતો-જતો રહે છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇરફાન હબીબે જણાવ્યું કે, "અલીગઢનું જૂનું નામ કોલ હતું, રામગઢ નહીં. આગળ જતાં કોલ નામ એટલા માટે ન રહ્યું, કેમ કે, તે કોઈ દેવતાનું નામ હતું જેને કૃષ્ણએ માર્યા હતા."
તેમણે જણાવ્યું, "મુઘલ સમયમાં કોલ નામ હતું. પરંતુ, હકીકતમાં અલીગઢ નામ મરાઠાઓએ આપ્યું, 1780-81ની આસપાસ; જ્યારે દિલ્હીમાં તેમની શાખ વધી. સિંધિયાએ અહીં જે છાવણીઓ બનાવી હતી, તે પાકી બૅરેક હતી, જેમાં ફ્રાંસના કમાન્ડર પણ હતા. તેમણે આ વિસ્તાર અને કિલ્લાને અલીગઢ નામ આપ્યું."
"કેટલાક લોકો કહે છે કે અલીગઢનું નામ સિંધિયાના સેનાપતિ નઝફઅલીખાંના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પરંતુ, તેના કશા ચોક્કસ ઐતિહાસિક પુરાવા નથી."
છેલ્લા એક દાયકામાં ભારતનાં શહેરો–સડકોનાં નામ બદલવા સામે પ્રોફેસર હબીબને એટલા માટે વાંધો છે કે, 'તેની પાછળ એક કૉમ્યુનલ એટલે કે સાંપ્રદાયિક ઇરાદો હોય તેવું લાગે છે, જે ખોટું છે'.
પાનખર પૂર્ણ થવાની છે અને પ્રોફેસર હબીબના બગીચામાં ચકલીઓના કલબલાટ વચ્ચે પીપળાના એક વૃક્ષ પરથી બે મોર એકીટશ અમને જોઈ રહ્યા છે.
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન આ બગીચો અનેક પ્રખ્યાત વ્યક્તિઓના આવાગમનનો પણ સાક્ષી રહ્યો છે.
ઇરફાન હબીબના પિતા મોહમ્મદ હબીબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મધ્યકાલીન ઇતિહાસના પ્રોફેસર હતા અને કૉંગ્રેસ પાર્ટીના સભ્ય પણ.
પ્રોફેસર ઇરફાન આજે પણ જબરજસ્ત યાદશક્તિ ધરાવે છે.
હસતાં હસતાં તેમણે કહ્યું, "બાળપણમાં હું અને મારા મોટા ભાઈ અહીં લૉનમાં બૅડમિન્ટન રમતા હતા. જવાહરલાલ નહેરુની ઘોડાગાડી દરવાજે થોભી. તેઓ એકલા જ અંદર આવ્યા અને મારા પિતાને કહ્યું, હબીબ, મારા માટે એક આમલેટ બનાવડાવો."
તેનાં ઘણાં વર્ષો પછીનો આ જ ઘરની લાઇબ્રેરીનો એક પ્રસંગ યાદ કરતાં તેમણે જણાવ્યું, "નહેરુ ત્યાં બેઠા હતા. ત્યારે મારા અબ્બાજાને કહ્યું, જો આપણે ક્રિપ્સ મિશન સ્વીકારી લીધું હોત, તો બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને આઝાદી મળી જાત."
તેમણે જણાવ્યું કે, "નહેરુજી એ વાતે ખૂબ નારાજ થયા અને બોલ્યા કે, 'યૂ આર અ પ્રોફેસર હબીબ. ઍન્ડ યૂ વિલ ઑલવેઝ બી અ ફૂલ'. અમે તો ખૂબ નાના હતા, પરંતુ ખૂબ વિચિત્ર લાગ્યું કે કોઈ અમારા પિતાજીને મૂર્ખ પણ કહી શકે છે!"
ઇરફાન હબીબને 1947ના દેશના ભાગલાના દિવસો પણ બરાબર યાદ છે, કેમ કે, "એએમયુના વિદ્યાર્થીઓની સંખ્યા 3,000થી ઘટીને લગભગ 800 થઈ ગઈ હતી અને મોટા ભાગના પાકિસ્તાન જતા રહ્યા હતા, પરંતુ ભણવાનું ચાલુ રહ્યું."
તેમણે જણાવ્યું કે, "એ યાદ રાખવાની જરૂર છે કે પશ્ચિમી ઉત્તરપ્રદેશ, અને ખાસ કરીને અલીગઢમાં સાંપ્રદાયિક હિંસા ન થઈ. સરદાર પટેલે, સાવચેતીના ભાગરૂપે, બધાની સુરક્ષા માટે ત્યાં કુમાઉ રેજિમેન્ટને પણ તહેનાત કરાવી દીધી હતી."
અશોક અને અકબર

ઇરફાન હબીબના પિતાએ જ તેમને સમ્રાટ અશોકના શિલાલેખો અથવા ઇન્સ્ક્રિપ્શન્સ વાંચવા માટે પ્રેરિત કર્યા હતા. જેના લીધે તેમણે બાળપણમાં ફારસી ઉપરાંત, બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષા પરની પકડ મજબૂત કરી લીધી હતી.
ભારતમાં અત્યારે ભાષાઓ પર ખૂબ વાદવિવાદ ચાલે છે.
અમુક રાજ્યોમાં ઉર્દૂને 'મુઘલો અને વિદેશી હુમલાખોરોની ભાષા' ગણાવવામાં આવે છે અને બીજી તરફ, તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને તો સિંધુ ઘાટી સભ્યતાના સમયની લિપિને વાંચીને પોતાના રાજ્યમાંથી મળેલી પ્રાચીન લિપિઓ સાથે મેળ ખાતી હોવાના પુરાવાને નક્કર કરી આપનારને દસ લાખ અમેરિકન ડૉલરનું ઇનામ આપવાની શરત રાખી દીધી છે.
ઇરફાન હબીબે આનો જવાબ આપતાં કહ્યું, "આપણો દેશ આ બાબતે યુરોપ કે મધ્યપૂર્વ કરતાં અનેક રીતે સારો રહ્યો છે કે અહીં સેંકડો ભાષાઓ–બોલીઓએ જન્મ લીધો, આપણને એકબીજા સાથે સાંકળીને જોયા અને શાસકોએ, ભલે તે હિંદુ હોય કે મુસલમાન અથવા બ્રિટિશર જ કેમ ન હોય, આ ભાષાઓનો ઉપયોગ રાજકાજથી લઈને વેપાર–ધંધામાં પણ કર્યો."
તેમણે કહ્યું કે, "આજે તમે તેને કોઈની જાગીર કઈ રીતે બનાવી શકો? આ બધું મારી સમજ બહારનું છે. ઇતિહાસકાર સમયને પોતાના રાજકીય વિચારોથી નહીં, એ જમાનાનાં ચશ્માંથી જુએ છે."
તેમણે આગળ જણાવ્યું કે, "લખવાની જે કળા છે, તે આપણને અશોકે આપી અને આ એક મોટી બાબત છે. હમણાં હું યુજીસીનો સિલેબસ જોઈ રહ્યો હતો. એમાં તેઓ આ વાત ભૂલી ગયા છે. અશોકનું નામ થોડુંક જ લખાયું છે. પરંતુ, તમે જાણો છો કે લખવાની કળા, જે હિન્દુસ્તાનમાં આવી, જેને લિપિ કહે છે, તમે આખા સિલેબસમાં જણાવો અને તેનો ક્યાંય ઉલ્લેખ પણ ન કરો."
મૌર્ય સામ્રાજ્યના શાસક અશોક પ્રોફેસર હબીબને ગમે છે, એટલે મેં પૂછ્યું કે, "તમે તો અશોક, જેઓ પહેલાં હિંસક હતા અને પછીથી શાંતિદૂત બની ગયા, તેમના સમયથી લઈને અકબર અને અત્યાર સુધીના ઇતિહાસ વિશે રિસર્ચ કર્યું છે. ફરક કેટલો અને કયો છે?
પ્રોફેસર હબીબે જણાવ્યું કે, "અશોકની વાતો આજે વધારે મહત્ત્વની છે. જેમ કે, તેમણે કહ્યું કે બિલકુલ અસહિષ્ણુતા ન હોવી જોઈએ, બીજા ધર્મનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમના ધર્મ અંગેના સમગ્ર વિચારોમાં નાતજાતનો કશો ઉલ્લેખ નથી. લોકો ઘણી વાર આને ભુલાવી દે છે."
"કેમ કે, જો તમે બીજી વસ્તુઓ જોશો, મનુસ્મૃતિ જુઓ, ગુપ્તકાળનાં ઉદાહરણ જુઓ, તો તેમાં આ વાત દેખાતી નથી. મનુસ્મૃતિમાં તો સજા પણ જાતિ પ્રમાણે કરવાના કેટલાક નિયમો મળે છે."
'સેક્યુલરિઝમની શરૂઆત સૌથી પહેલાં અહીં થઈ'

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મુઘલોના ઇતિહાસ અંગે સંશોધન કરનારા ઇરફાન હબીબે તે જમાનાની કૃષિપદ્ધતિ, જાતિવ્યવસ્થાઓ અને વિદેશી મુસાફરો પર ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.
તેઓ પહેલાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને પછીથી ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સભ્ય રહ્યા. તેમના વિવેચકોનો મત છે કે, 'ઇરફાન હબીબ પોતે અને બીજા ઘણા ઇતિહાસકારોએ આઝાદી પછીથી ભારતની મોટી યુનિવર્સિટીઓમાં પોતાના દૃષ્ટિકોણથી સંશોધનો કરાવ્યાં, જે મુઘલ અને મુસ્લિમ શાસકોનાં કરવાં જોઈએ તેના કરતાં કંઈક વધારે પડતાં જ વખાણ કરતાં રહ્યાં.'
ઇરફાન હબીબને એ પ્રશ્ન પૂછવો પણ જરૂરી હતો કે, ઇતિહાસકારો અનુસાર જે અકબરના દરબારમાં દીન-એ-ઇલાહી જેવા એક ધર્મ પર ચર્ચા થતી હતી, જ્યાંથી દરેક ધર્મની રક્ષા કરવાનું ફરમાન બહાર પડતું હતું. તેના પર સાંપ્રત સમયના કેટલાક ઇતિહાસકાર સવાલ કેમ ઉઠાવે છે?

પ્રોફેસર હબીબનો જવાબ હતો, "એક જમાનો હતો, જ્યારે સુરેન્દ્રનાથ બેનરજીસાહેબ, જે કૉંગ્રેસના મોટા લીડર હતા, તેઓ બ્રિટિશ શાસક લૉર્ડ કર્ઝનને મળવા ગયા. કર્ઝને પોતે લખ્યું છે કે, બેનરજીએ કોઈ વાતના જવાબમાં તેમને કહ્યું કે, 'અમારા દેશે અશોક અને અકબર જેવા શાસક આપ્યા છે, અને હવે બ્રિટિશ સરકાર કોઈ એવાને રજૂ કરે'. કર્ઝને આને રેકૉર્ડ કર્યું. અને આ 1903 કે 1904ની વાત છે."
પ્રોફેસર હબીબના આ જવાબ પછી તરત મેં પૂછી જ લીધું કે, "જે લોકો સિલેબસ બનાવે છે, તેમનું એવું કહેવું છે કે, મુઘલ ઇતિહાસને બહુ ભવ્ય રીતે રજૂ કરાયો. અકબર કે મધ્યકાલીન કાળખંડને કે મુઘલોને જે રીતે ચિત્રિત કરાયા તે એક લિબરલ માર્ક્સિસ્ટ નૅરેટિવ હતું. જે બ્રિટન દ્વારા પ્રેરિત હતું. બ્રિટિશ ઇતિહાસકારો દ્વારા પ્રેરિત હતું. અથવા તો, પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત હતું. અને જે વાસ્તવિક ઇતિહાસ હતો, તેને આ દૃષ્ટિકોણ હેઠળ દબાવી દેવાયો?"
જવાબમાં ઇરફાન હબીબે કહ્યું કે, "જો તેઓ એવું માનતા હોય કે તેઓ બેનરજી કરતાં વધારે રાષ્ટ્રવાદી હતા, તો ભલે માને, પરંતુ, બેનરજી તો કંઈ અંગ્રેજો સાથે નહોતા. તિલક પણ અંગ્રેજો સાથે નહોતા. બધા માટે દેશ, સહિષ્ણુતા અને તેની ઉપલબ્ધિઓ મહત્ત્વનાં હતાં. દુનિયામાં પણ જ્યારે કોઈ હિંદુસ્તાનનાં વખાણ કરે છે ત્યારે, અશોક અને અકબરનો અચૂક ઉલ્લેખ થાય છે."
તેમણે કહ્યું કે, "અકબરના જે મંત્રી હતા, અબુલ ફઝલ, તેમનું તો એવું કહેવું હતું કે લોકોએ ધર્મમાં દખલ જ ન કરવી જોઈએ. સેક્યુલરિઝમ હતું. તેમણે તો, એટલે સુધી કે, પયગંબર અને ખલીફાઓની પણ ટીકા કરી. કોઈ પણ દેશ હશે તેને એ વાત માટે ગર્વ થશે કે અમારા દેશમાં આ વસ્તુઓ બની, જ્યારે દુનિયામાં બીજા કોઈ ધર્મનિરપેક્ષતાની વાતો નહોતા કરતા ત્યારે અમારા દેશમાં તેની શરૂઆત થઈ."
ઔરંગઝેબને શિવાજીનો પત્ર

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા લગભગ એક દાયકાથી ભારતની સ્કૂલ્સ અને કૉલેજિસમાં 'અભ્યાસક્રમમાં મુઘલો'ને ભણાવવા કે ન ભણાવવા અંગે ઘણા વાદવિવાદ થયા છે.
રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)એ સ્કૂલની ટેક્સ્ટબુક્સમાં મુઘલ ઇતિહાસ સાથે સંકળાયેલી ઘણી બાબતો ઘટાડવાના નિર્ણય કર્યા છે.
લગભગ 300 વર્ષ સુધી રાજ કરનારા મુઘલ ભારતના ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
વિવેચકોનું માનવું છે કે, ભારતના ઇતિહાસના આટલા લાંબા સમયગાળાને ઘટાડવાના કે નાબૂદ કરવાના પ્રયાસ કશાક 'રાજકીય એજન્ડાથી પ્રેરિત' છે.
પરંતુ, આના સમર્થકોનો દાવો છે કે, આ પગલું માત્ર સિલેબસને 'તર્કસંગત બનાવવા અને વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટાડવા માટે ભરાયેલું એક જરૂરી પગલું છે'.
ઉદાહરણ તરીકે, 2017થી 2022 દરમિયાન મહારાષ્ટ્ર સહિત ભારતનાં ઘણાં રાજ્યની કેટલીક શાળાઓના સિલેબસમાંથી મુઘલોના ઇતિહાસને સંપૂર્ણ હટાવી દેવાયો હતો.
જો મહારાષ્ટ્રની જ વાત કરીએ તો, મોટા ભાગની જગ્યાના સિલેબસ છત્રપતિ શિવાજી પર સંપૂર્ણ કેન્દ્રિત છે.
17મી સદીમાં શિવાજીએ મુઘલોને હરાવીને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેમણે મહારાષ્ટ્ર સહિત ભારતના ઘણા ભાગો પર રાજ કર્યું હતું.
મુઘલોનો અભ્યાસક્રમ હટાવવાની તરફદારી કરનારા લોકોનો આરોપ છે કે, પ્રોફેસર ઇરફાન હબીબ જેવા માર્ક્સવાદી ઇતિહાસકારોએ ઇતિહાસને પોતાના દૃષ્ટિકોણથી લખ્યો છે.
તેના જવાબમાં ઇરફાન હબીબે કહ્યું, "આમ તો હવે જમાનો બદલાઈ ગયો છે. ખરેખર તો, એક ખૂબ જાણીતો પત્ર હતો, જે શિવાજીએ ઔરંગઝેબને લખેલો. તેમાં એમ લખેલું કે, તમારે અકબરની નીતિ અપનાવવી જોઈએ. તે ઔરંગઝેબના જમાનાથી સર્ક્યુલેટ થઈ રહ્યો છે."
તેમણે કહ્યું કે, "બીજી વાત. શિવાજી પોતે બધા ધર્મોની રક્ષા કરતા હતા. એક બાજુ ઔરંગઝેબ સાથે યુદ્ધ ચાલતું હતું, તો બીજી તરફ, શિવાજીના પોતાના તોપખાનાના કમાન્ડર ઇબ્રાહીમઅલી હતા. તેમના જાસૂસી વિભાગના વડાનું નામ હૈદરઅલી હતું."
તેમણે આગળ કહ્યું કે, "અકબરના દરબારમાં માનસિંહ હતા, જેઓ એક રાજપૂત હતા અને બાદશાહે તેમને કાબુલના પ્રથમ ગવર્નર બનાવ્યા. એ હિન્દુસ્તાન પણ બીજું હતું અને અફઘાનિસ્તાન પણ બીજું જ હતું."
તેમણે કહ્યું, "તમે મહારાણા પ્રતાપનું જીવનચરિત્ર કઈ રીતે લખશો, જો તેમાં અકબર અને માનસિંહનો ઉલ્લેખ જ ન હોય? એટલું જ નહીં, જ્યારે યૂરોપિયન ટ્રાવેલર્સ અહીં આવ્યા, ઔરંગઝેબના જમાનામાં, ત્યારે તેમને એવું ન લાગ્યું કે હિંદુઓ પર જુલમ થઈ રહ્યો છે."
"બલકે, તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અજબ દેશ છે. અહીં હિંદુ પણ છે, મુસલમાન પણ છે, ખ્રિસ્તી પણ છે અને બધા ઠીકઠાક રહે છે."
દેશભક્તિનો અર્થ શો છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેમ કે, ઇરાફાન હબીબ સાથે સાંપ્રત સમયનાં રાજકારણ અને શિક્ષણના મુદ્દે ચર્ચા થઈ રહી હતી, એટલે, રાષ્ટ્રવાદ સાપેક્ષ દેશભક્તિની વાત તો વચ્ચે આવે જ.
હિંદી ફિલ્મોથી માંડીને રેડિયો પ્રસારણની વાત હોય, સ્કૂલની ડિબેટ્સ હોય કે પત્રિકાઓની કવર સ્ટોરી હોય, આ મુદ્દો ચગી રહ્યો છે.
એક વર્તુળનો મત છે કે, ભારતમાં, ખરા અર્થમાં, આ બંનેને 'જાણીબૂઝીને' એકબીજામાં ભેળવી દેવાયા છે.
તેમને લાગે છે કે, આ કારણે અત્યાર સુધી બહુસંખ્યક સમુદાયને પોતાની લાગણી વ્યક્ત કરવાની ઓછી જગ્યા મળી.
બીજી તરફ, આ મતના ટીકાકારો એવું માને છે કે, આજના જમાનામાં 'લોકો દેશભક્તિ અને રાષ્ટ્રવાદના નામે બીજા અલ્પસંખ્યક સમુદાયો પર હાવી થવાનો' પ્રયાસ કરી રહ્યા છે.
ઇરફાન હબીબનો મત છે કે, "દેશભક્તિનો અર્થ એ નથી કે તમે પોતાના દેશનાં વખાણ જ કરતા રહો. 'મારો દેશ સાચો હોય કે ખોટો, પરંતુ હું તેની સાથે છું; એ કંઈ દેશભક્તિ નથી. સાચી દેશભક્તિ તો એ છે કે મારો દેશ વધુ સારો હોવો જોઈએ."
તેમણે આગળ કહ્યું, "ભારતીય ઇતિહાસમાં ભલે હિંદુ શાસક રહ્યા હોય કે મુસ્લિમ, સહિષ્ણુતા લગભગ બધામાં હતી. આ જ, દુનિયામાં સૌથી ખાસ વાત હતી."
તેમણે જણાવ્યું કે, "દુનિયાના બધા ધર્મો અંગે જે પહેલું પુસ્તક લખાયું હતું, તે હિંદુસ્તાનમાં લખાયું હતું; શાહજહાંના જમાનામાં. તેમાં પારસી, ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ, જૈન, બધા ધર્મનો ઉલ્લેખ હતો."
"એટલે, આ વાત તમે મિસ કરી દો, તો પોતાના જ દેશનાં વખાણ ઘટી જાય છે. જે આપણી ઉપલબ્ધિઓ છે તેને પણ આપણે જ ભૂલી જઈએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












