મુઘલ સમ્રાટ અકબરે પુત્ર સલીમના બળવા સામે જીવનના અંતિમ દિવસો કેવી રીતે વિતાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
મુઘલ બાદશાહ અકબરના અંતિમ દિવસો કેટલાય નિકટના સ્વજનોના મૃત્યુના શોકમાં વીત્યા હતા. આ ગાળામાં તેમનાં માતા હમીદા બેગમ અને બે પુત્રોએ અંતિમ શ્વાસ લીધાં હતાં. એટલું જ નહીં, તેમના મોટા પુત્ર સલીમે પણ તેમની સામે બળવો કર્યો હતો.
તેમનાં નવરત્નોમાંથી એક બીરબલને જ્યારે કબીલાવાસીઓએ મારી નાખ્યા, ત્યારે અકબરે બે દિવસ સુધી ખોરાક કે પાણીને સ્પર્શ કર્યો ન હતો. તેમનાં માતાએ બહુ આગ્રહ કર્યો ત્યારે તેમણે ખાવાનું શરૂ કર્યું.
એમએમ બાર્કે અકબરના જીવનચરિત્ર 'અકબર ધ ગ્રેટ મુઘલ'માં લખે છે, “અકબરના બે પુત્રો મુરાદ અને દાનિયલે ખૂબ નાની ઉંમરે પુષ્કળ શરાબ પીને પોતાને ખતમ કરી નાખ્યા. તેમના ત્રીજા પુત્ર સલીમને પણ શરાબ પીવાની આદત હતી."
"તેમણે અકબર સામે બળવો કર્યો હતો એટલું જ નહીં, તેમની સૌથી નજીકના સલાહકાર અબુલ ફઝલની પણ હત્યા કરી હતી. એક પિતા તરીકેની નિષ્ફળતા એ અકબરના જીવનનું સૌથી મોટું દુ:ખ હતું."
અબુલ ફઝલની હત્યાથી આઘાત લાગ્યો

ઇમેજ સ્રોત, Getty Images
શેખ ફરીદ બક્ષી બેગે અબુલ ફઝલના મૃત્યુના સમાચાર અકબરને આપ્યા. સમાચાર સાંભળીને અકબરે જોરથી ચીસો પાડી અને બેભાન થઈને જમીન પર પડી ગયા.
તેઓ ઘણા દિવસો સુધી ખૂબ જ ઉદાસ રહ્યા. તેમણે અસદ બેગને કહ્યું, "જો સલીમને બાદશાહ જ બનવું હતું તો તેણે મને મારી નાખવો જોઈતો હતો અને અબુલ ફઝલને જીવિત રાખવા જોઈતા હતા."
અસદ બેગ લખે છે, “તે દિવસે અકબરે ન તો દાઢી કરાવી કે ન અફીણ ખાધું. તેઓ આખો દિવસ રડતા રહ્યા. તેઓ ઘણા દિવસો સુધી રડ્યા અને પોતાના પુત્ર સલીમને તેમની હરકતો બદલ ભાંડતા રહ્યા."
ઇનાયતુલ્લાએ અબુલ ફઝલ પછી તેમનું જીવનચરિત્ર 'અકબરનામા' પૂર્ણ કર્યું. તેમણે લખ્યું, "અકબરે સલીમને આ ગુના માટે ક્યારેય માફ ન કર્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શાહજાદા સલીમ સાથેના સંબંધો બગડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સલીમ અને અકબર વચ્ચેનો અણબનાવ તેમના મૃત્યુના 16 વર્ષ પહેલાં જ શરૂ થઈ ગયો હતો.
કાશ્મીરની પ્રથમ મુલાકાત દરમિયાન અકબરે સલીમને શાહી જનાનખાનાની મહિલાઓને લાવવાની જવાબદારી સોંપી હતી, પરંતુ તેઓ ખરાબ રસ્તાનું બહાનું કાઢીને એકલા પાછા ફર્યા.
અબુલ ફઝલ ‘અકબરનામા’માં લખે છે, “શક્ય છે કે આ સાચું હોય. પરંતુ અકબર પોતાના હરમની મહિલાઓની ખૂબ જ ઉત્કટતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમનો ગુસ્સો બહુ જાણીતો હતો. મુશળધાર વરસાદ વચ્ચે ગુસ્સે ભરાયેલા અકબર પોતે ઘોડા પર સવાર થઈને તે મહિલાઓને લાવવા નીકળી પડ્યા. તેમણે આદેશ આપ્યો કે સલીમને તેની સામે લાવવામાં ન આવે."
તે જ વર્ષે નવમી જુલાઈએ અકબરને પેટમાં અસહ્ય પીડા ઊપડી.
અબુલ ફઝલ લખે છે, “પીડામાં ભાન ભૂલેલા અકબરે પોતાના પુત્ર પર તેમને ઝેર આપવાનો આરોપ લગાવ્યો. બે વર્ષ પછી અકબર જ્યારે ફરીથી કાશ્મીર ગયા, ત્યારે સલીમે પરવાનગી વગર તેમના તંબુમાં પ્રવેશવાની હિંમત કરી. નારાજ અકબરે ફરી આદેશ આપ્યો કે સલીમ તેની નજર સામે આવવા ન જોઈએ, પરંતુ થોડા સમય પછી અકબરે સલીમને માફ કરી દીધા."
સલીમે અકબરના ઘણા આદેશો ઉથાપ્યા

ઇમેજ સ્રોત, Atlantic
2 મે, 1599ના રોજ અકબરના પુત્ર મુરાદનું અવસાન થયું, ત્યારે અકબરે સલીમને તેની જગ્યાએ દક્ષિણ ભારતમાં સૈન્ય અભિયાન પર મોકલવાનું નક્કી કર્યું. પરંતુ સલીમ સમયસર પહોંચ્યા જ નહીં અને અકબરે તેમના બીજા પુત્ર દાનિયાલને દક્ષિણમાં મોકલવાની ફરજ પડી હતી.
અકબરે જાતે પણ દક્ષિણ જવાનું નક્કી કર્યું. તેમણે સલીમને મેવાડના રાણાને અંકુશમાં લેવાની જવાબદારી પણ આપી જેઓ મુઘલોનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ આ વખતે પણ સલીમે આદેશનું પાલન ન કર્યું, તેઓ અજમેરમાં રોકાઈ ગયા અને આગળ વધ્યા જ નહીં.
સલીમે અલાહાબાદ જવાનો નિર્ણય લીધો અને રાજધાની આગ્રામાં અકબરની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ગાદી કબજે કરવાની કોશિશ કરી.
અલાહાબાદ પહોંચ્યા પછી સલીમે શાહી ખજાનાનો એક ભાગ કબજે કરી લીધો અને પોતાને બાદશાહ જાહેર કર્યો. અસીરગઢ કબજે કર્યા પછી અકબર અહમદનગર પર પણ હુમલો કરવા માગતા હતા, પરંતુ સલીમનો મામલો ઉકેલવા માટે તેમણે તરત જ પાછા ફરવાનું નક્કી કર્યું.
અકબરની સલીમને ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ 1602માં સલીમે અકબરને સંદેશ મોકલ્યો કે તેઓ અકબરને મળીને પોતાનું સન્માન વ્યક્ત કરવા માગે છે, પરંતુ અકબરને આ દરખાસ્તમાં શંકા ગઈ. તેમણે સલીમને મળવાની ના પાડી.
થોડા સમય પછી સમાચાર મળ્યા કે સલીમ 30 હજાર સૈનિકોને લઈને આગ્રા તરફ કૂચ કરી રહ્યા છે.
અબુલ ફઝલ લખે છે, “અકબરે સલીમને એક કડક સંદેશ મોકલ્યો કે અલાહાબાદ પરત જતા રહેવામાં જ તેની સલામતી છે. જો તમારે ખરેખર મારી સેવા કરવી હોય તો દરબારમાં એકલા હાજર થાવ. સલીમને વાત સમજાઈ ગઈ. તેઓ ઇટાવાથી અલાહાબાદ પાછા ફર્યા. સલીમને સત્તાના કેન્દ્રથી દૂર રાખવા માટે અકબરે તેમને બંગાળ અને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા, પરંતુ સલીમે ત્યાં જવાની ના પાડી દીધી."
સલીમે અકબરની માફી માગી

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન અકબરનાં માતા હમીદા બેગમ અને ફઈ ગુલબદન બેગમે પિતા અને પુત્ર વચ્ચેના તણાવને દૂર કરવા પ્રયાસ શરૂ કર્યા.
તેમણે અકબરને સમજાવ્યા કે તેઓ સલીમને માફ કરી દે. અકબર આ બંને મહિલાઓ માટે માન ધરાવતા હતા, તેથી તેમણે તેમની વાત માની લીધી.
તેમણે પોતાનાં એક પત્ની સુલતાન બેગમને સલીમને પોતાની પાસે લાવવા માટે મોકલ્યાં.
અબુલ ફઝલ લખે છે, “તેની સાથે અકબરે સલીમને ભેટ તરીકે એક હાથી, એક ઘોડો અને એક પોશાક મોકલ્યાં. સલીમ જ્યારે સલમા સાથે આગ્રા નજીક પહોંચ્યા, ત્યારે તેમણે વિનંતી કરી કે તેમનાં દાદી તેમનો હાથ પકડીને બાદશાહ સમક્ષ લઈ જાય જેથી તેઓ પોતાનું માથું તેમનાં ચરણોમાં મૂકી શકે.
બીજા દિવસે રાજકુમાર સલીમે અકબરનાં ચરણોમાં પોતાનું માથું મૂકીને માફી માગી. અકબર તેમને ભેટી પડ્યા અને 350 હાથી અને 12 હજાર સોનાના સિક્કાની ભેટ સ્વીકારી.
સલીમના મનને શાંત કરવા અકબરે પોતાનો સાફો ઉતાર્યો અને પુત્રના માથા પર મૂક્યો. આ એ વાતનો સંકેત હતો કે અકબરના અનુગામી તરીકે સલીમની સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો.
માતા હમીદાબાનોનું અવસાન

ઇમેજ સ્રોત, Twitter
પરંતુ 1604 આવતા સુધીમાં સલીમના વિદ્રોહના સમાચાર ફરી એક વાર અકબરના કાન સુધી પહોંચ્યા. આ વખતે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે સલીમને કાબૂમાં કરવા માટે જશે.
ભારે વરસાદના કારણે નીકળવામાં મોડું થયું. આ દરમિયાન સમાચાર આવ્યા કે તેમનાં માતા હમીદાબાનો બહુ બીમાર છે. તેથી અકબર આગ્રા પાછા આવી ગયા.
ઇનાયતુલ્લા ‘અકબરનામા’માં લખે છે, “અકબર પોતાની માતાની બાજુમાં બેઠા રહ્યા. ઘણી વખત તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. દુનિયાના સૌથી મહાન બાદશાહ પોતાની માતા સાથે છેલ્લી વાર વાતચીત કરી શક્યાં ન હતાં. 29 ઑગસ્ટ, 1604ના રોજ હુમાયુનાં પત્ની અને અકબરનાં માતાએ બેભાન અવસ્થામાં અંતિમ શ્વાસ લીધા. અકબરે પોતાના માથાના બધા વાળ અને મૂંછો મૂંડાવી નાખ્યાં. તેમણે પોતાનો સાફો ઉતારી નાખ્યો અને શોકનાં વસ્ત્રો પહેરી લીધાં."
પેટના દુખાવા સાથે અકબરની તબિયત લથડી

ઇમેજ સ્રોત, Getty Images
આ બધી ઘટનાઓ પછી વહીવટ પર અકબરનું નિયંત્રણ ઘટવા લાગ્યું. તે સમયે અકબરની બનેલી તસવીરોમાં જોવા મળે છે કે તેમના વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર ઉદાસીની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
22 સપ્ટેમ્બર, 1605ના રોજ પેટના દુખાવાની સાથે અકબરની તબિયત લથડવા લાગી. તેમના વૈદ હકીમઅલી જિલાનીને બોલાવવામાં આવ્યા. હકીમે બાદશાહને કહ્યું કે કોઈ દવા લેતા પહેલાં તેમણે એક દિવસ સુધી કંઈ ખાવું કે પીવું નહીં.
બીજા દિવસે તેમને પીવા માટે માત્ર સૂપ અપાયો. તેમની બીમારી દરમિયાન તેમના પૌત્ર ખુસરો તેમના પલંગ પાસે જ રહ્યા. હકીમ અલીને એ વાત ન સમજાઈ કે તેમને કઈ બીમારી છે.
ઇનાયતુલ્લા 'અકબરનામા'માં લખે છે, “માંદગીના શરૂઆતના દિવસોમાં અકબરે દરરોજ ઝરોખા દર્શનનો રિવાજ પાળ્યો, કારણ કે તેઓ સામાન્ય લોકોને એવો સંકેત આપવા માગતા ન હતા કે તેઓ ગંભીર રીતે બીમાર છે. ત્યાર પછી તેઓ પથારીવશ થઈ ગયા. આમ છતાં તેઓ બોલીને શાહી હુકમ લખાવતા રહ્યા. પરંતુ દસ દિવસ પછી તેમને તાવ આવ્યો અને તેમનું શરીર નબળું પડવા લાગ્યું."
સલીમની જગ્યાએ ખુસરોને ગાદી પર બેસાડવા ઝુંબેશ

ઇમેજ સ્રોત, Getty Images
અકબરના અંતિમ દિવસોમાં અકબરના બે નજીકના સહયોગીઓ - માનસિંહ અને અઝીઝ કોકાએ તેમના વારસદારની પસંદગી કરવા સભાસદોની બેઠક બોલાવી હતી.
આ બંને વ્યક્તિએ દરબારને યાદ અપાવ્યું કે અકબરની લાગણીઓ સલીમના પક્ષમાં નથી.
અસદ બેગ તેમના પુસ્તક 'વાક્યા-એ-અસદ બેગ'માં લખે છે, “માનસિંહ અને અઝીઝે બેઠકમાં હાજર લોકોને કહ્યું કે અકબર સલીમને પોતાના વારસદાર બનાવવા માગતા નથી. તેમણે સલીમની જગ્યાએ ખુસરોના નામનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અકબરના અન્ય દરબારી સઈદ ખાન બરાહાએ સલીમને ટેકો આપ્યો અને સભા છોડી દીધી."
સલીમે યમુના નદીની સામેની બાજુએ પોતાનો પડાવ નાખ્યો હતો. ઈરા મુખોટી પોતાના પુસ્તક ‘અકબર ધ ગ્રેટ મુઘલ’માં લખે છે, “રાજા માનસિંહે સલીમ ગાદી માટે દાવો ન કરી શકે તે માટે પ્યાસ કર્યો. સલીમ જ્યારે નાવ દ્વારા આગ્રાના કિલ્લામાં આવ્યા, ત્યારે પણ તેમણે તેની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સલીમને પહેલેથી ચેતવી દેવાયા હતા કે તેઓ કિલ્લામાં ન ઘૂસે નહીંતર તેમને બંદી બનાવવામાં આવી શકે છે. તેઓ નાવમાં પોતાની હવેલી પાછા જતા રહ્યા."
સલીમની તરફેણમાં વાતાવરણ બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ પોતાની હવેલીમાં રહીને પોતાના ભવિષ્ય માટે શું નિર્ણય લેવાય છે તેની રાહ જોવા લાગ્યા. સાંજ સુધીમાં સલીમની તરફેણમાં વાતાવરણ બની ગયું. સૌથી પહેલાં શેખ ફરીદ અને સઈદ ખાન બરાહા તેમને અભિનંદન પાઠવવાં આવ્યાં.
ત્યારપછી તો અકબરના એક પછી એક દરબારીએ તેમને ટેકો જાહેર કર્યો. સઈદ ખાંએ સલીમ પાસે વચન લેવડાવ્યું કે ગાદી પર બેસ્યા પછી તેઓ ખુસરો કે પછી બીજા કોઈને સજા નહીં આપે જેમણે સલીમને અગાઉ સમર્થન નહોતું આપ્યું.
સાંજ સુધીમાં તેમનો વિરોધ કરી રહેલા મિર્ઝા અઝીઝ કોકા પણ તેમને અભિનંદન આપવાં આવ્યા. પરંતુ સલીમે તેમની સાથે કોઈ અસભ્ય વર્તન ન કર્યું. માનસિંહને જ્યારે ખાતરી થઈ કે ખુસરોને કોઈ નુકસાન નહીં થાય, ત્યારે તેઓ પોતે તેને સલીમ પાસે લઈ ગયા.
અકબરનું નિધન

ઇમેજ સ્રોત, Getty Images
માનસિંહ અને અઝીઝે પોતાના દમ પર ખુસરોને બાદશાહ બનાવવાનો પ્રયાસ કર્યો હતો તે વાતના સંકેત નથી મળતા.
મૂનીસ ફારૂકી તેમના પુસ્તક 'ધ પ્રિન્સ ઑફ ધ મુઘલ એમ્પાયર'માં લખે છે, "અકબર પોતાના શાસનના અંત સુધી એવો પ્રયાસ કરતા રહ્યા કે કોઈ ને કોઈ રીતે સલીમને મુઘલ સામ્રાજ્યની ગાદી ન મળે."
સલીમ જ્યારે અકબરના શયનખંડમાં પ્રવેશ્યા ત્યારે અકબરના શ્વાસ હજુ ચાલતા હતા. પોતાના પિતાના ઈશારે સલીમે અકબરનો મુગટ અને વસ્ત્રો પહેર્યાં અને અકબરની તલવાર પોતાની કમરે લટકાવી. આ તલવાર બાબરની હતી. તેમણે પણ પોતાના મોતથી થોડા જ સમય અગાઉ તે હુમાયૂને સોંપી હતી.
સલીમે પિતાનાં ચરણોમાં માથું નમાવ્યું. અસદ બેગ લખે છે, “અકબરે સલીમને પોતાની આંખોથી મુઘલ શાસનનાં પ્રતીકો ધારણ કરતા જોયા. તેમણે એ પણ જોયું કે તેમના દરબારીઓ નવા શાસક સમક્ષ માથું નમાવી રહ્યા હતા. ત્યારપછી તેમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. તે દિવસ હતો 27 ઑક્ટોબર, 1605."
તે સમયે તેઓ 63 વર્ષના હતા અને 49 વર્ષ સુધી ભારત પર શાસન કરી ચૂક્યા હતા.
અકબરના જીવનચરિત્ર 'અકબર ઑફ હિંદુસ્તાન'માં પાર્વતી શર્મા લખે છે, "અકબરે સલીમને માત્ર સત્તાનાં પ્રતીક તાજ, પોશાક અને તલવાર જ નહોતાં આપ્યાં. તેમણે તસ્બીહ અને તાવીજ જેવી પોતાની કેટલીક અંગત વસ્તુઓ પણ સલીમને આપી દીધી."
પિતાના મૃત્યુના એક અઠવાડિયા પછી 36 વર્ષીય સલીમે તેમનું સ્થાન લીધું. તેઓ હવે સલીમ કે અકબરના પ્રિય 'શેખુ બાબા' નહોતા.
ભારતની ગાદી પર બેસનાર આ વ્યક્તિનું નવું નામ નૂરુદ્દીન મોહમ્મદ જહાંગીર હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












