જ્યારે બહાદુરશાહ ઝફરના દાદાએ સપનામાં કહ્યું 'બદલો લો'

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
- લેેખક, આર વી સ્મિથ
- પદ, વરિષ્ઠ ઇતિહાસકાર, બીબીસી ગુજરાતી માટે
સ્વતંત્રતાની પહેલી લડાઈ એટલે કે વર્ષ 1857નો વિદ્રોહ ભારતીય ઇતિહાસ માટે મહત્ત્વપૂર્ણ છે. આ વિદ્રોહની શરૂઆત 10 મેના રોજ થઈ હતી. આ સંઘર્ષ સાથે ભારતમાં મધ્યકાલીન યુગનો અંત અને નવા યુગની શરૂઆત થઈ હતી, જેને આધુનિક કાળ તરીકે ઓળખવામાં આવ્યો.
આ સંઘર્ષ દરમિયાન વધુ એક એવી વસ્તુ હતી જેની પર ધ્યાન આપવું જરૂરી છે તે વસ્તુ હતી બ્રિટિશ અને ભારતીય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ફેલાયેલો અંધવિશ્વાસ.
લાલા હનવંત સહાયના દાદાએ ચાંદની ચોકમાં સાંભળ્યું હતું કે જ્યારે લાલ કિલ્લાના મિનારા સુધી નવો ચંદ્ર (પખવાડિયાંનો પ્રથમ ચંદ્ર) પહોંચી જશે તો લાલ કિલ્લાનું આંગણું અંગ્રેજોના લોહીથી તરબોળ થઈ જશે. પરંતુ જો તે લોહી વહેતું વહેતું યમુના નદીમાં પહોંચી ગયું અને તેણે યમુના નદીને અપવિત્ર કરી દીધી, તો અંગ્રેજ ફરી એક વખત એ બધું જીતી જશે જે તેમણે ગુમાવ્યું હશે.
વર્ષ 1912માં થયેલા હાર્ડિંગ બૉમ્બ કાંડનું ષડયંત્ર રચ્યા બાદ હનવંત સહાયની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, તે સમય સુધી તેમના દાદાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાશાહે નવા ચંદ્ર સાથે જોડાયેલી ભવિષ્યવાણી કરી હતી.
જોકે, તેમણે આ વાત દિલ્હીના બદલે મેરઠની મુખ્ય બજારમાં કહી હતી. ત્યાંની દીવાલો પર લાલ રંગે લખાયેલું હતું 'બધું લાલ થઈ જશે'.
સર ચાર્લ્સ નેપિયરનું કથન છે, "જો તેઓ ગવર્નર બને છે તો ખ્રિસ્તી ધર્મને રાજ્ય ધર્મ બનાવી દેશે. કેમ કે, ભારત હવે ઇંગ્લૅન્ડને આધીન થઈ ગયું છે."
તેનો વિરોધ કરતા મૌલવી અહમદુલ્લાહે હિંદુઓ અને મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ એકબીજા સાથે મળીને પોતાના પૂર્વજોના ભરોસા અને વિશ્વાસને બચાવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેરઠના સદર બજારમાં મૌલવીની આ વાતની ત્યાં હાજર સિપાહીઓ પર ઊંડી અસર જોવા મળી હતી.
'મારો અંગ્રેજોને' એવો પોકાર લગાવતા બધા સિપાહી છાવણી પરિસર તરફ પ્રવેશ કરી ગયા અને અંગ્રેજોના બંગલોમાં ઘૂસી ગયા.
40 વર્ષના કર્નલ જૉન ફિનિસે જ્યારે આ સિપાહીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના માથા પર ગોળી મારી દેવાઈ.
રવિવાર અને સોમવારના દિવસે ઘણા લોકોનાં જીવ ગયા. મૃતકોમાં જૉન પહેલા વ્યક્તિ હતા. ત્યારબાદ સિપાહી દિલ્હી માટે રવાના થઈ ગયા.

શિવનો સંદેશ, ફકીરનો કલમો

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી તફ જતા આ સિપાહીઓને આકાશમાં ઊડતું નીલકંઠ પક્ષી દેખાયું. સિપાહીઓમાં સામેલ હિંદુઓએ કહ્યું કે 'જુઓ અમારા ભગવાન શિવ અમને રસ્તો બતાવી રહ્યા છે.'
થોડી વાર બાદ એક સફેદ દાઢીવાળા ફકીર દેખાયા, જેઓ કલમો પઢી રહ્યા હતા.
મુસ્લિમ સિપાહીઓએ તેને પોતાના માટે શુભ સંકેત માન્યો. જોકે, એક કોબ્રા સાપે આ ફકીરને કલમો વાંચતા સમયે ખૂબ પરેશાન કર્યા.
તે પોતાની ફેણ ફેલાવી ફકીર પાસે હાજર રહ્યો અને ફકીરને ડર લાગતો રહ્યો કે સાપ ક્યાંક તેમને કરડી ન લે.
જ્યારે પઠાણ સિપાહીઓએ એ સાપને મારવા માટે પથ્થર ઉઠાવ્યા તો ત્યાં હાજર બ્રાહ્મણ અને રાજપૂત સિપાહીઓએ તેમને એમ કરવાની ના પાડી દીધી કેમ કે તેમનું કહેવું હતું કે નાગ ભગવાન શિવનું પ્રતીક છે જે તેમને દુઆઓ આપવા આવ્યું છે.
તે સાપના ડરથી ફકીર ઊઠી ગયા અને તે જોઈને સાપ પણ ઝાડીઓ તરફ જતો રહ્યો.

બહાદુરશાહનું સપનું

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
તે દરમિયાન વધુ એક કહાણી ખૂબ પ્રચલિત છે. આ કહાણી બહાદુરશાહ ઝફર સાથે જોડાયેલી છે.
બહાદુરશાહ ઝફર વિદ્રોહી સિપાહીઓનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર ન હતા પરંતુ કહેવામાં આવે છે કે એક સપનાએ તેમના વિચારને બદલી નાખ્યા.
બહાદુરશાહ ઝફરના ખાનગી સચિવ જીવણલાલના પ્રમાણે બાદશાહને એક રાત્રે સપનામાં પોતાના દાદા શાહઆલમ દેખાયા હતા.
તેમણે બાદશાહને કહ્યું કે સમય આવી ગયો છે કે 100 વર્ષ પહેલા થયેલી પ્લાસીની લડાઈનો બદલો લેવામાં આવે.
ત્યારબાદ બહાદુરશાહ ઝફર વિદ્રોહી સિપાહીઓનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ ગયા.
જોકે, તે સમયે બહાદુરશાહની ઉંમર 82 વર્ષની હતી અને તેઓ સતત થતી ઉધરસના કારણે ખૂબ ઓછું ઊંઘી શકતા હતા.
ત્યારબાદ તેમનાં રાણી જીનત મહેલે તેમને સ્વતંત્રતા સેનાનીઓનો સાથ આપવા માટે મનાવ્યા હતા.
લોકોને આ રીતે ભરોસો હતો કે લાલ કિલ્લાની ઉપર એક પ્રેત છાયાને મંડરાતી જોવામાં આવી છે, ફેબ્રુઆરી 1707માં ઔરંગઝેબના મૃત્યુ પહેલા પણ આવી છબી જોવા મળી હતી.
કાશ્મીરી ગેટ પાસે માથા વગરના એક યોદ્ધાને ઘોડા પર દોડતા જોવામાં આવ્યા હતા. તેમને દુંડ કહેવામાં આવ્યા જેની પાસે માત્ર ખભો અને ગળું જ હતા.
આ જ દુંડને ફરી બરેલી, આગ્રા, લખનફ, જયપુર અને ફૈઝાબાદમાં પણ જોવામાં આવ્યા હતા. જ્યા-જ્યાં તેમને જોવામાં આવ્યા, ત્યાં રક્તપાત થયો.

અંગ્રેજી સિપાહીઓને પણ દેખાયાં ખરાબ સપનાં

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર ભારતીય સિપાહી જ નહીં, પણ અંગ્રેજ સિપાહીઓએ પણ કેટલાંક વિચિત્ર દૃશ્યો જોયાં હોવાની વાત કહી. એક અંગ્રેજ સિપાહીએ શહેરમાં રાજાઓની લાંબી લાઇન જોઈ જે થોડે દૂર સુધી જઈને ગુમ થઈ રહી હતી, તેને મુઘલ સામ્રાજ્યના અંત તરીકે માનવામાં આવ્યો.
એક અન્ય અંગ્રેજ સિપાહીએ પોતાના પિતાને જોયા કે તેઓ તેમને આંગળી બતાવતા આગામી ખતરા પ્રત્યે ચેતવણી આપી રહ્યા છે.
એક બ્રિટિશ મહિલા હૈરિએટ ટાઇટલર કે જેઓ કૅપ્ટન રૉબર્ટ ટાઇટલરનાં પત્ની હતાં, તેમણે જોયું કે તેમનાં ગર્ભમાં ઉછરી રહેલું બાળક ખતરામાં છે પરંતુ ત્યારબાદ તેમને કેટલાક પંજાબી કે પઠાણી સિપાહી બચાવી લે છે.
ત્યારબાદ હૈરિએટે દિલ્હીના રિજ વિસ્તારમાં બાળકને જન્મ આપ્યો. તે સમયે ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને બાળકને જુલાબની સમસ્યા થઈ ગઈ જેનાથી તેની હાલત ખૂબ બગડી હતી.
ત્યારે હૈરિએટ પોતાના બાળકને ગમે તે રીતે બચાવીને કરનાલ સુધી લઈ ગયાં.
શાહજહાંપુરમાં એક ખ્રિસ્તી પાદરીની દીકરીએ સપનું જોયું કે ઘણાં લોકોને મારી નાખવામાં આવ્યા છે જેમાં તેમના પિતા પણ સામેલ છે.
તેમણે જોયું કે કાળા કપડાં ઓઢેલી એક વ્યક્તિ અડધી રાત્રે તેમનાં ઘર તરફ આવે છે અને સીડીઓ સુધી આવ્યા બાદ ગૂમ થઈ જાય છે.
તેમનું આ સપનું 1857માં મે મહિનાની એક સવારે સાચું સાબિત થયું જ્યારે વિદ્રોહી સિપાહીઓએ ઘણા અંગ્રેજોને મારી નાખ્યા, તેમાં તેમના પિતા પણ સામેલ હતા.
જોકે, તેમનાં માતા આ હુમલાથી બચી શક્યાં હતાં.

ખરાબ સપનાં અને તેનું સાચું થવું

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
ચાંદની ચૌકમાં એક શીખ સેવાદારે સપનું જોયું કે લાલ મંદિરથી માંડીને ફતેહપુરી મસ્જિદ સુધી ઘણા લોકોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે.
ત્યારબાદ આ વાત સાચી થતી ત્યારે જોવા મળી જ્યારે અંગ્રેજોએ વિદ્રોહમાં સામેલ ઘણા સિપાહીઓને ફાંસી પર લટકાવી દીધા.
મુઘલ પરિવાર સાથે જોડાયેલાં એક બુઝુર્ગ મહિલા પણ પોતાનાં ખરાબ સપનાંથી ચિંતામાં હતાં. તેમણે જોયું કે ગુરુદ્વારા શીશગંજ સામે ઘણા બધા મૃતદેહો ખરાબ પરિસ્થિતિમાં સડી રહ્યા છે અને તેમાંથી દુર્ગંધ આવી રહી છે. તે દુર્ગંધનો અનુભવ તેમનાં જાગ્યા બાદ પણ થઈ રહ્યો હતો.
ત્યારબાદ આ જ સપનું પણ કેટલીક હદે સાચું સાબિત થતું જોવા મળ્યું જ્યારે બહાદુરશાહ ઝફરના બે દીકરા અને એક પૌત્રને લેફ્ટિનન્ટ હડસને મારી નાખ્યા અને તેમના મૃતદેહોને ગુરુદ્વારા પાસે સડવા માટે ફેંકી દીધા.
સર સૈયદ અહમદ ખાનના એક સંબંધીએ સપનામાં જોયું કે દરિયાગંજ પાસે જે નહેર વહે છે તે લોહીથી ભરેલી છે.
જ્યારે સંઘર્ષ પૂર્ણ થવા લાગ્યો ત્યારે સર સૈયદ પોતાના ઘરે પહોંચ્યા અને તેમણે જોયું કે તેમનું ઘર અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે. તેમના એ સંબંધી ક્યાં ગયા તે અંગે તેમને પણ ખબર ન પડી.
ખૂની દરવાજો કે અલાઉદ્દીનના લાલ દરવાજા પાસે સાંજના સમયે દિલ્હી ગેટ તરફ ચાલતા એક વ્યક્તિએ લોહી વહેતા જોયું કેમ કે ત્યાં કોઈની હત્યા થઈ ગઈ હતી.
આ તરફ મે 1857ની શરૂઆતમાં યમુના પાસે એક મસ્જિદમાં એક નગ્ન ફકીર 'મર-મર'નું રટણ કરતા સંભળાયા હતા.
આ જ રીતે શાહજહાંપુરમાં એક ફકીર અને જયપુરના એક સાધુ પણ આ જ રીતે 'મર-મર'નું રટણ કરતા સંભળાયા હતા.

ઇમેજ સ્રોત, FELICE BEATO/GETTY IMAGES
આખરે આ તમામ ઘટનાઓ અને સપનાંઓનું શું મતલબ હતો? શું આ કોઈ આગામી ઘટનાઓનો સંકેત હતી?
આ વિશે બધુ સાચું તો કહી શકાતું નથી અને ન તો બધાને ખોટું કહી શકાય છે.
ત્યારબાદ ઘણા સંશોધનથી એ સાબિત થયું કે મનુષ્યના મગજમાં આગામી સમયને જોવાની ક્ષમતા હોય છે. કદાચ એ જ કારણ છે કે આ તમામ સપનાંને માત્ર બકવાસ ગણાવીને તેમની અવગણના કરી શકાતી નથી.
બલ્લીમારાનમાં હાકીમ અહસનુલ્લાહ ખાનની હવેલીમાં તેમના જૂના માહોલને આજે પણ અનુભવી શકાય છે.
હાકીમ ખાન, બહાદુરશાહ ઝફરના ન માત્ર ખાનગી ડૉક્ટર હતા પરંતુ તેમના સૌથી નજીકના સલાહકાર પણ હતા.
થોડે દૂર લાલ કુવામાં રાજાનાં સૌથી યુવા રાણી જીનત મહેલનું પૈતૃક ઘર છે જેને હવે સ્કૂલમાં પરિવર્તિત કરી દેવાયું છે.
આ તરફ કરોલ બાગમાં રાવ તુલા રામ સ્કૂલ રેવાડીના બહાદુર શાસકની યાદ અપાવે છે જેમના પૂર્વજ રાવ તેજસિંહે વર્ષ 1803માં પટપડગંજના યુદ્ધમાં સિંધિયાનો સાથ આપ્યો હતો.
નવેમ્બર 1857માં નારનૌલના યુદ્ધમાં જ્યારે રાવ તુલા રામ હારી ગયા તો તેઓ તાત્યા ટોપે સાથે સામેલ થઈ ગયા અને 1862માં તેઓ રશિયા ચાલ્યા ગયા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













