ટીપુ સુલતાન : ઇતિહાસકારોની નજરમાં નાયક કે ખલનાયક- વિવેચના

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીપુ સુલ્તાનના પિતા હૈદર અલીએ ટીપુ સુલતાનને શાસન સાથે જોડાયેલી કેટલીક વાતો કહી હતી
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

6-7 ડિસેમ્બર 1782 ની રાતે મૈસુરના સુલતાન હૈદર અલીનું મૃત્યુ થયું. તેની પીઠ પર એક મોટો રકાબી આકારનો ફોડલો થયો હતો જેને હકીમ મટાડી શક્યા નહીં. તેમની જગ્યાએ તેમના પુત્ર ટીપુ સુલતાનને તરત જ મૈસુરના સુલતાન બનાવાયા.

ડેનિસ ફૉરેસ્ટે પોતાના ‌પુસ્તક 'ટાઇગર ઑફ મૈસુર, ધ લાઇફ ઍન્ડ ડેથ ઑફ ટીપુ સુલતાન'માં એક બ્રિટિશ ટીકાકારને ટાંક્યા છે, "તે સમયે ટીપુની ઉંમર 33 વર્ષની હતી. તેમનું કદ 5 ફૂટ 7 ઇંચ હતું."

"તેઓ સારાં કદ-કાંઠીવાળા વ્યક્તિ હતા, પરંતુ તેમની ગરદન નાની હતી. તેમનાં બાવડાં મોટાં ભરાવદાર હતાં અને શક્તિશાળી હોવાનો આભાસ કરાવતાં હતાં, પરંતુ તેમના હાથ ખૂબ નાજુક હતા. તેમના ચહેરાની વિશિષ્ટતા હતી, તેમની આંખો કાળી અને બોલતી હતી."

મૃત્યુશય્યા પર પડેલા હૈદર અલીએ પોતાના પુત્રને સારા શાસન માટે સલાહ આપી હતી.

તેમણે ટીપુને લખેલા પત્રમાં તેમને સચેત કર્યા હતા, "કંપની ઉત્તરાધિકાર માટે કોઈ પણ પ્રકારની નબળાઈનો લાભ ઉઠાવવાની કોશિશ કરશે. તારા રસ્તામાં સૌથી મોટો અવરોધ હશે અંગ્રેજોની ઈર્ષ્યા."

"આજે ભારતમાં અંગ્રેજો સૌથી શક્તિશાળી છે. આજની સૌથી મોટી જરૂરિયાત છે તેમને લડાઈમાં કમજોર કરવા. તેમની વચ્ચે મતભેદ ઊભા કરીને જ તેમને કમજોર કરી શકાશે."

આ લાંબી ચિઠ્ઠીમાં હૈદર અલીએ સમજાવ્યું, "ફ્રેન્ચ લોકોની મદદથી તું બ્રિટિશ સેના સામે જીત મેળવી શકીશ. રણનીતિમાં યૂરોપના લોકો આપણા કરતાં ચડિયાતા છે."

"તેમના વિરુદ્ધ હંમેશા તેમનાં જ હથિયારોનો ઉપયોગ કરો. મેં તને મારી પડખે લડતો જોયો છે."

"તું મારા વૈભવનો વારસ છો. હંમેશા યાદ રાખો, બહાદુરીથી રાજગાદી મેળવી શકાય છે, પરંતુ, ફક્ત બહાદુરીથી જ તેને સુરક્ષિત નથી રાખી શકાતી."

(હિસ્ટરી ઑફ મૈસુર અંડર હૈદર અલી ઍન્ડ ટીપુ સુલતાન, પૃષ્ઠ 47)

સફળ સૈન્ય કમાન્ડર

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BLOOMSBURY

ઇમેજ કૅપ્શન, વિલિયમ ડેલરિમ્પલના પુસ્તક 'ધ અનાર્કી'નું કવર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સત્તા સંભાળી એ પહેલાં સુધીમાં તો ટીપુની ગણતરી ભારતના સૌથી યોગ્ય અને બહાદુર સૈન્ય કમાન્ડોમાં થવા લાગી હતી.

યુદ્ધના મેદાનમાં પોતાની યોગ્યતા સિદ્ધ કરતાં તેમણે અંગ્રેજોને ફક્ત પૌલ્લીલુરની લડાઈમાં જ હરાવ્યા નહોતા, બલકે, 1782માં તેમણે તાંજોરની બહાર કર્નલ જોન બ્રેથવેયરના નેતૃત્વવાળી કંપનીની સેનાને પણ હરાવી હતી.

સત્તા સંભાળ્યાના એક વર્ષ પહેલાં તેમણે કોલેરૂન નદીના તટ પર હુમલો કરીને કંપનીની ટુકડીને હાર માનવા માટે મજબૂર કરી દીધી હતી.

વિલિયમ ડેલરિમ્પલે પોતાના પુસ્તક 'ધ અનાર્કી'માં લખ્યું છે, "ટીપુએ ફ્રેન્ચ એન્જિનિયરોની મદદથી ઔદ્યોગિક ટેક્‌નિક આયાત કરી અને પાણીની શક્તિથી ચાલતાં મશીનોનો ઉપયોગ શરૂ કર્યો."

"તેમણે દક્ષિણ ચીનમાં પોતાના દૂતો મોકલીને રેશમના કીડાનાં ઈંડાં મંગાવ્યાં અને મૈસુરમાં રેશમ ઉદ્યોગ સ્થાપ્યો. તેમણે બંધ બાંધીને સિંચાઈની વ્યવસ્થા કરાવી."

"તેમના બ્રિટિશ દુશ્મનોએ પણ એ માનવું પડ્યું કે તેમના રાજ્યમાં કૃષિ અને વેપારઉદ્યોગ ખૂબ વિકસિત થયાં હતાં."

ઇરફાન હબીબે પણ પોતાના પુસ્તક 'રેજિસ્ટન્સ ઍન્ડ મૉડર્નાઇઝેશન અન્ડર હૈદર અલી ઍન્ડ ટીપુ સુલતાન'માં લખ્યું છે કે ટીપુની મહત્ત્વાકાંક્ષા એટલી બધી હતી કે તેઓ ભારતની બહારનું પણ જોઈ શકતા હતા.

તેમણે લખ્યું છે, "ટીપુએ ઇસ્તંબૂલમાં પોતાના દૂતને કહ્યું કે તેઓ ઇરાકના બસરામાં તેમના માટે 'ઇજારા'ની વ્યવસ્થા કરે જેથી તેઓ પણ યુરોપિયન લોકોની જેમ એક પ્રવાસી વસાહત વસાવી શકે અને તેમનાં જહાજો લાંગરવાનું થાણું બની શકે."

ઇજારો એ બોલી લગાવીને વેરાના આધારે જમીન મેળવવાની એક વ્યવસ્થા હતી, જે તે સમયે ખૂબ ચલણમાં હતી.

ટીપુની ધાર્મિક નીતિ અંગે ઇતિહાસકારોનો અભિપ્રાય

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CHRISTIE'S

ઇમેજ કૅપ્શન, ટીપુ સુલતાનની 42 ગ્રામ નક્કર સોનાની આ વીંટી પર દેવનાગરી લિપિમાં 'રામ' લખ્યું છે

ઇતિહાસકારો ટીપુ સુલતાનની ધાર્મિક નીતિ વિશે અલગ-અલગ મત ધરાવે છે.

ઇરફાન હબીબ પોતાના પુસ્તકમાં સુબ્બારાયા ચેટ્ટીનો ઉલ્લેખ કરતાં કહે છે કે, "1784માં ટીપુએ વેંકટચલા શાસ્ત્રી અને બ્રાહ્મણોના એક સમૂહને જમીન દાનમાં આપીને તેમને વિનંતી કરી કે તેઓ તેમના લાંબા જીવન અને સંપન્નતા માટે પ્રાર્થના કરે."

"એક વર્ષ પછી તેમણે મલકોટેના મંદિરને બાર હાથી દાનમાં આપ્યા. શ્રુંગેરીના મંદિરને પણ ટીપુ દ્વારા ખૂબ મોટું દાન મળ્યું."

"તેમણે મરાઠાઓના હુમલા દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવા બદલ પોતાની નારાજગી પ્રગટ કરી. ઇસ્લામના સાચા અનુયાયી હોવા છતાં ટીપુએ પોતાના સમયમાં વૈવિધ્ય ધરાવતી સંસ્કૃતિ અપનાવી."

એવું લાગે છે કે તેમને હિન્દુ દેવતાઓની શક્તિમાં પણ પૂર્ણ વિશ્વાસ હતો.

ઇરફાન હબીબે લખ્યું છે, "એ વાતનો પુરાવો છે કે ટીપુએ પોતાના બ્રાહ્મણ સલાહકારોની સલાહનું પાલન કરીને પોતાના બધા સૈનિકોને—પછી તે હિન્દુ હોય કે મુસલમાન—પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો આદેશ આપ્યો હતો; જેથી તેમનો ડર જતો રહે અને તેઓ મરાઠાઓ કરતાં ચડિયાતા યોદ્ધા પુરવાર થાય."

અહીં ટીપુની વીંટીનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જેને લગભગ 10 વર્ષ પહેલાં લિલામી કરનાર ક્રિસ્ટિજે લંડન ખાતે 150 કરોડ રૂપિયાની બોલી બોલનાર એક અજાણી વ્યક્તિને વેચી હતી.

આ વીંટીની ખાસ વાત એ છે કે 42 ગ્રામ નક્કર સોનાની આ વીંટી પર દેવનાગરી લિપિમાં 'રામ' લખ્યું છે.

એવું માનવામાં આવે છે કે એક અંગ્રેજ અધિકારીએ ટીપુના મૃત્યુ પછી તેમની આંગળીમાંથી વીંટી કાઢી લીધી હતી.

'અસહિષ્ણુ અને ક્રૂર?'

એવા ઘણા ઇતિહાસકાર પણ છે જેઓ ટીપુ સુલતાનને અસહિષ્ણુ અને ક્રૂર રાજા સાબિત કરે છે.

તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક 'ટીપુ સુલતાન, ધ સાગા ઑફ મૈસુર ઇન્ટેરેગનમ'માં વિક્રમ સંપતે લખ્યું છે, "ટીપુના પત્રો, પુસ્તકાલયમાંનાં પુસ્તકોના સંગ્રહ અને તેમનાં સ્વપ્નના રજિસ્ટર દ્વારા જાણવા મળે છે કે ટીપુને બિનમુસ્લિમ પ્રત્યે ખૂબ ઘૃણા હતી."

"તેમનું માનવું હતું કે તેમની વિરુદ્ધ જેહાદ કરવો એ તેમનું ધાર્મિક કર્તવ્ય હતું. તેમની તલવારની મૂઠ પર લખેલું હતું – મારી વિજયી તલવાર અવિશ્વાસુઓ માટે વીજળી સાબિત થશે."

વિક્રમ સંપતે લખ્યું છે કે ટીપુએ પોતાના રાજ્યનું નામ 'સરકાર-એ-ખુદાદાદ' રાખ્યું હતું અને પોતાના દરબારમાં ફારસી ભાષાનો પ્રયોગ શરૂ કર્યો હતો.

એટલું જ નહીં, તેમણે ઘણાં નગરોનાં જૂનાં નામ બદલીને તેની જગ્યાએ ઇસ્લામી નામ રાખી દીધાં હતાં.

લુઇસ રાઇસએ 'મૈસુર અ ગેઝેટિયર કંપાઇલ્ડ ફૉર ધ ગવર્નમેન્ટ'માં લખ્યું છે, "ટીપુએ જાણીબૂઝીને મૈસુરના જૂના હિન્દુ રાજાઓની સ્મૃતિઓને મિટાવવાની કોશિશ કરી."

"તે માટે તેમણે શતાબ્દીઓ જૂની સિંચાઈવ્યવસ્થાને નષ્ટ કરી પોતાના નામે નવી સિંચાઈવ્યવસ્થા શરૂ કરી."

પરંતુ, ઇતિહાસકાર સુરેન્દ્રનાથ સેનનું માનવું છે કે, "ટીપુ કટ્ટર માણસ નહોતા. જો તેમણે જબરજસ્તીથી કેટલાક લોકોનો ધર્મ પરિવર્તન કરાવ્યો તોપણ તેમનો ઉદ્દેશ ધાર્મિક નહીં પરંતુ રાજકીય હતો."

વહીવટમાં મુસલમાનોને પ્રાથમિકતા

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BLOOMSBURY

ઇમેજ કૅપ્શન, વિક્રમ સંપતે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ટીપુએ પોતાના દરબારમાં ફારસી ભાષાનો પ્રયોગ શરૂ કર્યો હતો

બીજા ધર્મના લોકો પ્રત્યેના ટીપુના વ્યવહાર સામે પણ સવાલ ઉઠાવાયા.

એમએચ ગોપાલે પોતાના પુસ્તક 'ટીપુ સુલતાન્સ મૈસુર : ઍન્ડ ઇકૉનોમિક સ્ટડી'માં લખ્યું, "બિનમુસ્લિમો પ્રત્યે ટીપુને અતિશય વિરોધ હતો."

"1792 પછી તેમણે વફાદાર મુસલમાનોને મહત્ત્વપૂર્ણ હોદ્દા પર બેસાડવાનું શરૂ કરી દીધું હતું. મહેસૂલ વ્યવસ્થાની દેખરેખ માટે દીવાનપદ પર માત્ર એક હિન્દુ હતા."

"મુસલમાનોને મકાનવેરો અને અનાજ તથા અંગત વસ્તુઓ પર વેરો આપવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. ખ્રિસ્તીઓની સંપત્તિ જપત કરીને તેમને રાજધાનીમાં વસાવાયા હતા. ઇસ્લામ ધર્મ અપનાવનારને પણ વેરામાં છૂટ આપવામાં આવતી હતી. મુસ્લિમ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવતો હતો."

વધુ પડતી હિંસામાં વિશ્વાસ

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિલિયમ ડેલરિમ્પલે લખ્યું છે કે, ઘણી વાર, ટીપુ સુલતાને પકડાયેલા દુશ્મનો, હિન્દુ અને ખ્રિસ્તી બંનેને નિર્દયતાપૂર્વક ધર્માંતરણ કરાવ્યું

ટીપુ સુલતાન વિશે પ્રચલિત હતું કે તેઓ, તે સમય પ્રમાણે પણ, પોતાના વિરોધીઓ અને જેમને તેમણે પરાજિત કર્યા હતા તેમની વિરુદ્ધ વધુમાં વધુ હિંસાનો ઉપયોગ કરતા હતા.

વિલિયમ ડેલરિમ્પલે લખ્યું, "એવાં કેટલાંય ઉદાહરણ છે જેમાં તેમણે વિદ્રોહીઓને ફાંસી આપતાં પહેલાં તેમના હાથ, પગ, નાક અને કાન કપાવી નાખ્યાં."

"ઘણી વાર, તેમણે પકડાયેલા દુશ્મનો, હિન્દુ અને ખ્રિસ્તીઓ બંનેનું નિર્દયતાપૂર્વક ધર્માંતરણ કરાવ્યું. ઘણી વાર તેમણે હારેલા લોકોનાં મંદિર અને ચર્ચ પણ નષ્ટ કર્યાં."

"હાર્યા પછી ઘણા બધા લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું."

"તેમણે નગ્ન ખ્રિસ્તીઓ અને હિન્દુઓને હાથીના પગ સાથે બંધાવીને ત્યાં સુધી ફેરવ્યા જ્યાં સુધી તેમનાં શરીરના ફોદેફોદા ન થયા."

આ ક્રૂરતાની સાથોસાથ ટીપુમાં રાજદ્વારી ગુણોનો પણ જબરદસ્ત અભાવ હતો. સપ્ટેમ્બર ૧૭૮૬માં, જ્યારે કૉર્નવોલિસ કલકત્તા પહોંચ્યા ત્યારે ટીપુ મરાઠા પેશ્વા અને હૈદરાબાદના નિઝામ સાથે યુદ્ધ કરી રહ્યા હતા.

એક જમાનામાં આ બંને તેમના પિતાના મિત્ર હતા.

આ બંનેને તેમના પિતા હૈદર અલીએ અંગ્રેજો વિરુદ્ધ એકજૂથ કર્યા હતા. પરંતુ, પોતાના પાડોશીઓ પર ટીપુના હુમલાએ તેમને ટીપુ વિરુદ્ધ કૉર્નવોલિસનો સાથ આપવા માટે મજબૂર કરી દીધા હતા.

પોતાના નામનો 'ખુતબા' પઢાવ્યો

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીપુ સુલતાને એક રણનીતિ મુજબ કિલ્લામાં રહીને અંગ્રેજોનો સામનો કરવાનો નિર્ણય કર્યો હતો

એટલું જ નહીં, ટીપુએ મુગલ બાદશાહ શાહઆલમ સાથેના બધા સંબંધ સમાપ્ત કરીને તેમની સત્તા માનવાનો ઇન્કાર કરી દીધો.

સર પેન્ડર્ડ ‌મૂને પોતાના પુસ્તક 'ધ બ્રિટિશ કૉનક્વેસ્ટ'માં લખ્યું છે, "ટીપુએ આદેશ આપ્યો કે જુમ્માની નમાજ અદા કર્યા પછી પઢવામાં આવતા 'ખુતબા' મુગલ બાદશાહના નામે નહીં, પરંતુ તેમના નામે પઢવામાં આવે."

"ટીપુનો તર્ક હતો કે, પંદર હજાર રૂપિયા પ્રતિ માસના અવેજમાં બાદશાહ પોતે સિંધિયાના ‌‌ગુલામ થઈ ગયા છે."

ટીપુએ ડિસેમ્બર 1789માં ઉત્તરી માલાબાર અને તાંજોર જીત્યા પછી ત્રાવણકોર સામે પણ મોરચો માંડ્યો.

તેનું પરિણામ એ આવ્યું કે, મરાઠા, નિઝામ અને ત્રાવણકોરના લોકો તેમના દુશ્મન થઈ ગયા; એટલું જ નહીં, બલકે, તેમના સૌથી જૂના દુશ્મન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ તેમની વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું.

ત્રણે સેનાઓએ 26 જાન્યુઆરી 1792એ શ્રીરંગપટ્ટનમ તરફ કૂચ કરી.

તે સમયે ટીપુની સેનામાં પચાસ હજાર સૈનિક હતા. ટીપુએ રણનીતિ મુજબ કિલ્લાની અંદર રહીને અંગ્રેજોનો સામનો કરવાનો નિર્ણય કર્યો.

બે પુત્રોને અંગ્રેજો પાસે બંધક રાખ્યા

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉર્નવોલિસે ટીપુ સુલતાનની સામે શરતો રાખી હતી કે તે ત્રણ કરોડ રૂપિયાનો દંડ આપે અને જ્યાં સુધી દંડની રકમ પૂરેપૂરી ભરપાઈ ન થઈ જાય ત્યાં સુધી પોતાના બે પુત્રોને અંગ્રેજો પાસે બંધક તરીકે રાખે

ફેબ્રુઆરી પહેલાં ત્રણેય સેનાઓ કિલ્લાની સામે પહોંચી ગઈ. કૉર્નવોલિસે રાતના અંધારાનો લાભ લઈને ટીપુને હુમલો કરવાની તક ન આપી અને પોતે કિલ્લા પર હુમલો કરી દીધો.

ટીપુની સેનાએ બે કલાક સુધી તો જોરદાર મુકાબલો કર્યો, પરંતુ, પછી રક્ષણાત્મક મુદ્રામાં તે કિલ્લાની અંદર જતી રહી.

કૉર્નવોલિસે બીજી વાર હુમલો કર્યો અને સવાર થતાં પહેલાં લાલ બાગ તેમના કબજામાં આવી ગયો.

વિલિયમ ડેલરિમ્પલે લખ્યું છે, "બીજા દિવસે ટીપુએ ઘણા જવાબી હુમલા કર્યા, પરંતુ, તેની કોઈ અસર ન થઈ. તેમના સૈનિકોએ તેમનો સાથ છોડવાનું શરૂ કરી દીધું. તેમણે કૉર્નવોલિસને શાંતિ સમજૂતી માટે સંદેશ મોકલવા મજબૂર થવું પડ્યું."

"કૉર્નવોલિસે એ પ્રસ્તાવ મંજૂર તો કર્યો, પરંતુ, તેના માટે આકરી શરતો રાખી."

પહેલી શરત હતી કે ટીપુ પોતાના રાજ્યનો અડધો ભાગ અંગ્રેજોને આપી દે.

બીજી શરત હતી કે તેઓ ત્રણ કરોડ રૂપિયા દંડ ચૂકવે અને જ્યાં સુધી પૂરા પૈસા ચૂકવી ન આપે ત્યાં સુધી પોતાના બંને પુત્રોને અંગ્રેજો પાસે બંધક તરીકે રાખે.

આ ઉપરાંત, બધા અંગ્રેજ યુદ્ધકેદીઓને છોડી દેવામાં આવે અને મરાઠા તથા નિઝામ પાસેથી છીનવેલી જમીન તેમને પાછી સોંપી દેવામાં આવે.

અંગ્રેજોનો બીજો એક હુમલો

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૅક વેલેરે પોતાના પુસ્તક 'વેલિંગ્ટન ઇન ઇન્ડિયા'માં લખ્યું છે, "અંગ્રેજો પાસે મોટું તોપખાનું હતું. તેમણે કિલ્લાની દીવાલો તોડવા માટે ચાલીસ 18 પાઉન્ડર્સ તોપો ઉપયોગમાં લીધી હતી."

બંને પક્ષ વચ્ચેના સમજૂતી-કરાર પર હસ્તાક્ષર થયા અને ટીપુના બે શહજાદા અબ્દુલ ખલીક અને પાંચ વર્ષીય મુઇઝઉદ્દીનને 18 માર્ચ 1792ના દિવસે કૉર્નવોલિસને સોંપી દેવામાં આવ્યા.

આ શહજાદાઓને હાથી પર બેસાડીને મુદ્રાસ લઈ જવામાં આવ્યા. બે વર્ષ પછી જ્યારે ટીપુએ દંડની બધી રકમ ચૂકવી દીધી ત્યારે તેમને ટીપુ પાસે પાછા મોકલી દેવામાં આવ્યા.

ટીપુ આ ઝટકામાંથી ક્યારેય બહાર ન આવી શક્યા. આ લડાઈમાં તેમના હજારો સૈનિકો માર્યા ગયા. પરંતુ, આ હાર છતાં ટીપુએ પોતાનું મસ્તક ન ઝુકાવ્યું.

19 ફેબ્રુઆરી 1799એ અંગ્રેજોએ જનરલ હૅરિસના નેતૃત્વમાં ફરી એક વાર ટીપુ સુલતાન પર હુમલો કર્યો.

1792માં પોતાનું અડધું રાજ્ય ગુમાવી ચૂકેલા ટીપુનાં સંસાધન પહેલાંની સરખામણીએ ખૂબ ઓછાં થઈ ગયાં હતાં.

તેમ છતાં, ટીપુના સૈનિકોએ બહાદુરી બતાવી અને થોડા સમય માટે એવું લાગ્યું કે અંગ્રેજ સેના આગળ નથી વધી શકતી.

જૅક વેલરે પોતાના પુસ્તક 'વેલિંગ્ટન ઇન ઇન્ડિયા'માં લખ્યું છે, "અંગ્રેજો પાસે મોટું તોપખાનું હતું. તેમણે કિલ્લાની દીવાલોને તોડવા માટે ચાલીસ 18 પાઉંડર્સ તોપો ઉપયોગમાં લીધી હતી."

"એપ્રિલ પૂરો થતાં પહેલાં ટીપુની મોટા ભાગની તોપો નકામી થઈ ચૂકી હતી. ત્રીજી મેએ હૈદરાબાદની તોપો કિલ્લાથી 350 મીટર દૂર સુધી પહોંચી ગઈ હતી."

"સાંજ સુધીમાં કિલ્લાની દીવાલમાં એક મોટું બાકોરું પડી ગયું હતું. હૅરિસે નક્કી કર્યું કે તેઓ બીજા દિવસે પોતાના સૈનિકોને કિલ્લાની અંદર મોકલશે."

સવારે કિલ્લામાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યા પછી ટીપુએ પોતાના જ્યોતિષીઓ સાથે પરામર્શ કર્યો.

તેમણે તેમને સાવચેત કર્યા કે આજનો દિવસ તેમના માટે શુભ નથી. એક વાગ્યાની આસપાસ, જ્યારે ટીપુના સૈનિકો આરામ કરવા માટે ગયા ત્યારે, ચાર હજાર અંગ્રેજ સૈનિકોએ કિલ્લા પર આક્રમણ કરી દીધું.

ટીપુનું મૃત્યુ

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડેનિસ ફૉરેસ્ટે પોતાના પુસ્તક 'ટાઇગર ઑફ મૈસુર'માં લખ્યું કે ટીપુ સુલતાને અંતિમ શ્વાસ સુધી બહાદુરીનો પરિચય કરાવ્યો

ટીપુ સુલતાન તે સમયે ભોજન કરતા હતા. તેમણે જેવું સાંભળ્યું કે હુમલો શરૂ થઈ ગયો છે, તરત જ તેઓ ખાવાનું છોડીને ઊભા થઈ ગયા અને ઘોડા પર સવાર થઈને પોતાના અંગરક્ષકની સાથે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં કિલ્લાની દીવાલમાં બાકોરું પડી ગયું હતું.

પરંતુ, તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ કંપનીના સૈનિકો કિલ્લાની અંદર ઘૂસી ગયા હતા. ટીપુને સંગીનના બે ઘા વાગ્યા અને ડાબા ખભા ઉપર એક ગોળી વાગી.

તેમના સાથીઓએ તેમને હથિયાર છોડી દેવાની સલાહ આપી પરંતુ ટીપુ ગુસ્સામાં બરાડ્યા, "શું તમે પાગલ થઈ ગયા છો? ચૂપ રહો."

ડેનિસ ફૉરેસ્ટે પોતાના પુસ્તક 'ટાઇગર ઑફ મૈસુર'માં લખ્યું છે, "કિલ્લાની બહારની તરફની અને અંદરની દીવાલો વચ્ચે ટીપુએ છેલ્લા શ્વાસ સુધી બહાદુરીનો પરિચય કરાવ્યો."

"એક અંગ્રેજ સૈનિકે ઘાયલ ટીપુની કમર પરના સોનાના બકલને જોઈને તેમની તરફ આગળ વધવાની કોશિશ કરી, પરંતુ, ટીપુએ પોતાની તલવારથી તેને ધરાશાયી કરી દીધો."

"થોડીક સેકન્ડ પછી એક સૈનિકે બિલકુલ નજીક જઈને ટીપુના માથામાં ગોળી મારી. ટીપુ જમીન પર પડ્યા. પરંતુ ત્યારે પણ તલવાર તેમના હાથમાંથી છૂટી નહીં."

ટીપુના અંતિમસંસ્કાર

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીપુ સુલતાન અને તેમના પિતા હૈદર અલીને આ જ સ્થળે દફનાવાયા હતા.

સાંજે સાડા ચાર વાગ્યે ટીપુ સુલતાનને દફનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. રસ્તાની બંને બાજુ ઊભેલા લોકો રડી રહ્યા હતા. ઘણા બધા લોકોએ જમીન પર લાંબા થઈને ટીપુ માટેનું પોતાનું સન્માન પ્રગટ કર્યું.

બાદમાં તેમને તેમના પિતા હૈદર અલીની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યા. ટીપુના બાળકોને વેલ્લોરના કિલ્લામાં મોકલી દેવામાં આવ્યા અને મૈસુરની જમીન કંપની અને હૈદરાબાદના નિઝામ વચ્ચે વહેંચી દેવામાં આવી.

ટીપુની પાઘડી અને તલવાર કૉર્નવોલિસ પાસે ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યાં. આજે ટીપુની રાજધાનીનો મોટો ભાગ ઢોરઢાંખરનું ચરાણ બની ગયો છે.

હવે આ જગ્યાએ તે જમાનાના વૈભવના ખૂબ જ ઓછા અવશેષ બચ્યા છે.

જ્યારે ટીપુના મૃત્યુના સમાચાર લૉર્ડ વેલેસ્લીને મળ્યા ત્યારે તેમણે પોતાનો ગ્લાસ ઉઠાવીને કહ્યું, "આઈ ડ્રિંક ટૂ ધ કૉર્પ્સ ઑફ ઇન્ડિયા", એટલે કે, આ જામ ભારતની એ લાશ માટે.

(અબ્દુસ સુભાન, ટીપુ સુલતાન : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર પાર એક્સિલેન્સ)

ટીપુ ભારતમાં અંગ્રેજોના સૌથી મોટા હરીફ હતા. તેમના મૃત્યુ બાદ અંગ્રેજોને પડકારનાર કોઈ ન બચ્યા.

સીએચ ફિલિપ્સે પોતાના પુસ્તક 'ધ કૉરસ્પોડન્સ ઑફ ડેવિડ સ્કૉટ'માં લખ્યું, "અંગ્રેજોના ભારત આવ્યા પછી શ્રીરંગપટ્ટનમનું પતન અને ટીપુ સુલતાનનું મૃત્યુ સૌથી મોટી ઘટનાઓ હતી."

ટીપુનું રમકડું

ટીપુ સુલતાન, નાયક, ખલનાયક, મૈસૂર, ઇતિહાસ, અંગ્રેજો, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીપુનું રમકડું, જે અત્યારે લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યું છે

ટીપુ સુલતાનને માર્યા પછી, જ્યારે અંગ્રેજ સૈનિક શ્રીરંગપટ્ટનમના કિલ્લામાં દાખલ થયા ત્યારે રૂમમાં તેમને એક વિચિત્ર રમકડું મળ્યું.

તે અવાજ કરે તેવું સિંહનું પૂતળું હતું. જેમાં તેને એક અંગ્રેજ સૈનિકની ઉપર હુમલો કરતો બતાવાયો હતો.

વિક્રમ સંપતે લખ્યું છે, "તે લાકડાથી બનેલું રમકડું હતું, જેનું હૅન્ડલ ફેરવવાથી તે સિંહ જેવો અવાજ કાઢતું હતું અને અંગ્રેજ સૈનિકની ચીસોનો અવાજ સંભળાતો હતો."

"સવારે ઊઠતાંવેંત જ ટીપુ તે રમકડાથી રમવામાં વ્યસ્ત થઈ જતા હતા. તે રમકડું અંગ્રેજો માટેની તેમની ઘૃણાને વધુ પ્રજ્વલિત કરતું હતું."

લડાઈ પૂરી થઈ ગયા પછી આ રમકડાને બ્રિટન મોકલી દેવામાં આવ્યું હતું. પહેલાં તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 'અજાયબઘર'માં રાખવામાં આવ્યું હતું. આજે પણ તે લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યૂઝિયમમાં જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.