જૂની દિલ્હી : ભારતની આઝાદી સમયે રેલવેસ્ટેશન પર શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિવેક શુક્લા
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
દિલ્હીમાં આઝાદી પછીનાં વીતેલાં 77 વર્ષોમાં અનેક ફ્લાયઓવર બન્યા, મેટ્રોરેલ પણ ચાલવા લાગી, ઠેકઠેકાણે મૉલ બન્યા, પરંતુ જૂની દિલ્હીનું રેલવેસ્ટેશન લગભગ 1947માં જેવું હતું એવું જ અત્યારે પણ છે.
દિલ્હીથી ગુજરાત આવતાં પ્રવાસીઓ હજુ પણ મોટે ભાગે આ જ સ્ટેશનથી અવર-જવર કરતાં હોય છે અને તેને ‘જૂની દિલ્હી’ના સ્ટેશન તરીકે ઓળખે છે.
સ્ટેશનના મેઇન ગેટ પર લાગેલી મોટી ઘડિયાળ હજુ પણ એ સમયની સાક્ષી છે જ્યારે અહીં પાકિસ્તાનથી રોજ હિન્દુ-શીખ શરણાર્થીઓ લૂંટાઈને અને માર ખાઈને આવી રહ્યાં હતાં.
દિલ્હીમાં હજુ પણ તમને ઝૂકી ગયેલી કમરવાળા એ વૃદ્ધો મળી જશે કે જે ભાગલા પછી ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવીને દિલ્હીના આ જ રેલવેસ્ટેશન પર ઊતર્યા હતા.
જ્યાં એક તરફ હિંદુઓ અને શીખો જૂની દિલ્હી અને અમૃતસર સ્ટેશન પર ઊતરી રહ્યા હતા, તો બીજી તરફ લૂંટાયેલા અને મારામારીનો ભોગ બનેલા મુસ્લિમો લોધી કૉલોનીના રેલવેસ્ટેશનથી લાહોર તરફ રવાના કરાઈ રહ્યા હતા.
માત્ર 16 વર્ષની ઉંમરે જ દોડવીર મિલખાસિંહ પણ એકલા જ અનાથ દિલ્હી જંક્શને ઊતર્યાં હતા.

ઇમેજ સ્રોત, Getty Images
મિલખાસિંહના પરિવારના અનેક સદસ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. મિલખાસિંહ સીધા સરહદની પેલેપારથી જ દિલ્હી આવ્યા ન હતા.
તેઓ પહેલા પશ્ચિમી પંજાબના પોતાના શહેર કોટ અદ્દુથી મુલતાન શહેર સુધી ટ્રેન મારફતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ટ્રકમાં બેસીને ફિરોઝપુર આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિભાજન વિશે તેમને કાળજું કંપાવી દેનારી ઘટનાઓ યાદ હતી. તેમના પિતાની હુલ્લડખોરોએ હત્યા કરી નાખી હતી.
તેમણે મરતી વખતે કહ્યું હતું, “ભાગ મિલખા ભાગ”. ફિરોઝપુરથી ભાગીને તેઓ દિલ્હી આવ્યા હતા. હકીકતમાં, તેઓ પોતાના ગામથી જીવ બચાવીને ભાગ્યા ત્યારે તેમની બહેનથી વિખૂટા પડી ગયા હતા.
મિલખાસિંહ જ્યારે એ સમયના કિસ્સાઓને વર્ણવતા હતા ત્યારે શરીર સુન્ન પડી જતું હતું.
દિલ્હીમાં શરણાર્થીઓના જથ્થા આવી રહ્યા હતા. ચારેકોર અફરાતફરીનો માહોલ હતો. મિલખાસિંહ પોતાની વિખૂટી પડી ગયેલી બહેન હૂંડીને શોધવા માટે દિલ્હી આવ્યા હતા. તેઓ દિલ્હીમાં પોતાની બહેનને શોધવામાં સફળ રહ્યા હતા.
સૂમસામ જગ્યાઓએ થઈ કત્લેઆમ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હી આવતા મોટા ભાગના શરણાર્થીઓ પાસે અહીં ઘર નહોતું. તેઓ બધા ભગવાનનું નામ લઈને બસ માત્ર ભારતની સરહદ સુધી પહોંચી જવા માગતા હતા.
કારણ કે જોખમ તો એ પહેલાં જ હતું. દિલ્હી તરફ આવતી ટ્રેનો પર નિર્જન સ્થળોએ હુમલો કરવામાં આવી રહ્યો હતો.
રેલવે બોર્ડના પૂર્વ અધ્યક્ષ વાયપી આનંદ તેમના પરિવાર સાથે સિયાલકોટથી જમ્મુ સુધી 21 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા હતા. સિયાલકોટમાં રમખાણો ફાટી નીકળ્યાં બાદ તેમના પરિવાર માટે ત્યાં રહેવું અશક્ય બની ગયું હતું.
ત્યારે તેઓ 13 વર્ષના હતા. તેમને યાદ છે કે જ્યારે કોઈ અજાણી જગ્યાએ ટ્રેન રોકાઈ હતી ત્યારે થોડી જ વારમાં હુલ્લડખોરો ત્યાં હથિયારો સાથે ઘૂસી ગયા હતા. આ હુલ્લડખોરોએ તે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ડઝનેક મુસાફરોની હત્યા કરી. આનંદની નજર સામે જ તેમના પરિવારના અડધા સભ્યો માર્યા ગયા.
એ ભયાનક ક્ષણોને યાદ કરીને તેઓ રડવા લાગે છે. લોહીથી લથપથ તેમની ટ્રેન જમ્મુ પહોંચે છે. ત્યાંથી થોડા દિવસો પછી તેઓ તેમના પરિવારના બાકીના સભ્યો સાથે જૂની દિલ્હી રેલવેસ્ટેશન આવે છે. હજારો શરણાર્થીઓ અહીં સ્ટેશનની આસપાસ તંબુઓમાં પડાવ નાખીને રહેતા હતા.
‘અમૃતસર આ ગયા હૈ’

ઇમેજ સ્રોત, THE PARTITION MUSEUM, TOWN HALL, AMRITSAR
આ ભયાનક સફરને વાર્તાકાર ભીષ્મ સાહનીએ વિભાજનની પૃષ્ઠભૂમિ પર લખેલી તેમની અમર કહાણી ‘અમૃતસર આ ગયા હૈ’માં જીવંત બનાવી દીધું છે.
‘અમૃતસર આ ગયા હૈ’માં ટ્રેનમાં બેસેલા એક સરદારજી સૌને પૂછી રહ્યા હતા કે “પાકિસ્તાન બની ગયા પછી ઝીણાસાહેબ મુંબઈમાં જ રહેશે કે પાકિસ્તાન જઈને વસી જશે. કોઈએ કહ્યું હતું કે તે મુંબઈ કેમ છોડે, એ તો પાકિસ્તાન આવતા-જતા રહેશે. લાહોર અને ગુરદાસપુર વિશે પણ એવાં અનુમાનો લગાવાઈ રહ્યાં હતાં કે કયું શહેર કઈ બાજુ જશે.”
ભીષ્મ સાહની પણ પોતાના પરિવાર સાથે રાવલપિંડીથી ટ્રેનમાં દિલ્હી આવ્યા હતા. ભીષ્મ સાહની જણાવતા કે રાવલપિંડીથી લાહોર વચ્ચે અનેક જગ્યાએ હત્યાના સમાચારો મળતા હતા. લાહોર પાસેના શહેર શેખપુરામાં જ સેંકડો લોકોને રહેંસી નાખવામાં આવ્યા હતા. અનેક જગ્યાએ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવતો હતો.
ટ્રેન જ્યારે અમૃતસર પહોંચતી હતી ત્યારે તેમાંથી ઘણા મુસાફરો ઊતરી જતા હતા. ત્યાં રેલ વિભાગ તરફથી તપાસ પણ કરવામાં આવતી હતી. કેટલાક ડૉક્ટરો પણ હાજર રહેતા હતા જેથી કરીને ત્યાં સ્ટેશન પર જ ઘાયલ અને બીમાર લોકોનો ઇલાજ થઈ શકે.
શરણાર્થીઓમાં કેટલીક ગર્ભવતી મહિલાઓ પણ હતી.
વાર્તાકાર ભીષ્મ સાહની માટે ઑગસ્ટનો મહિનો બે કારણોથી વિશેષ હતો. ઑગસ્ટ મહિનાની આઠમી તારીખે તેમનો જન્મદિન હતો અને બીજુ આ મહિનો આવતા જ તેઓ રાવલપિંડીની પોતાની યાદોમાં ખોવાઈ જતા હતા. દેશના ભાગલાને કારણે તેમને પોતાનું શહેર છોડીને દિલ્હી આવવું પડ્યું હતું.
ભીષ્મ સાહની દેશના ભાગલા પછી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે ઇસ્ટ પટેલનગરમાં રહેવા લાગ્યા. પછી તેઓ ત્યાં જ રહ્યા. તેમણે લાંબા સમય સુધી દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવ્યું હતું.
પાકિસ્તાનથી કોમી સૌહાર્દની વાર્તા લખનારા લોકો પણ આવ્યા

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE
ધર્મના આધારે ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું. ઝીણાએ પાકિસ્તાનનું પ્રથમ રાષ્ટ્રગીત ઉર્દૂ કવિ જગન્નાથ આઝાદ પાસે લખાવ્યું.
ઝીણાની વિનંતી પર જગન્નાથ આઝાદે ખૂબ જ ટૂંકા સમયમાં કોમી સૂર લખ્યું - "એ સર જમીન પાક...". આ ગીત માત્ર 18 મહિના સુધી પાકિસ્તાનનું રાષ્ટ્રગીત રહ્યું અને 11 સપ્ટેમ્બર 1948ના રોજ ઝીણાના મૃત્યુ પછી તરત જ તેને દૂર કરવામાં આવ્યું.
ચૌદ મહિના સુધી રેડિયો પાકિસ્તાન પર પણ આ જ કીર્તિગીત ‘તરાના-એ-પાકિસ્તાન’ ગવાતું રહ્યું. ઝીણાના મૃત્યુ પછી જગન્નાથ આઝાદ પણ દિલ્હી આવી ગયા હતા. તેઓ સપરિવાર દિલ્હી જંક્શન પર આવ્યા હતા. તેઓ દિલ્હી જંક્શન પાસે પુલ બાંગશ વિસ્તારમાં રહેતા હતા.
ફિરાક ગોરખપુરી અને અન્ય પ્રખ્યાત ઉર્દૂ કવિ આઝાદસાહેબના પુલ બંગશના ઘરે આવતા રહેતા હતા. આઝાદસાહેબના બે પુત્રો દિલ્હીમાં રહેતા હતા, તેમાંથી એક દૂરદર્શનમાં કામ કરતા હતા અને તે માલવીયનગરમાં રહેતા હતા.
દિલ્હી આવ્યા બાદ શરણાર્થીઓ સામે મોં સંતાડવાથી માંડીને પેટ ભરવા સુધીના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેઓ જ્યાં-ત્યાં ધક્કા ખાઈ રહ્યા હતા. સ્ટેશન પર ઊતર્યા પછી, કેટલાક લોકો તેમના પરિવારો સાથે સબ્જીમંડી, કરોલબાગ, દરિયાગંજ વગેરેમાં કેટલાક ક્વાર્ટર્સમાં રહેવા લાગ્યા. આ પરાયા શહેરમાં જેમનું કોઈ નહોતું તેઓ ફતેહપુરી, કાશ્મીરી ગેટ, ચાંદની ચોક વગેરેમાં દુકાનો આગળ જ સૂવા લાગ્યા.
સવારે અને સાંજનું ભોજન ગુરુદ્વારા સીસગંજ, ગૌરીશંકર મંદિર અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સૌજન્યથી પૂરું પાડવામાં આવતું હતું. અહીં આવ્યા પછી તેઓ કેટલાંક અઠવાડિયાં સુધી છત શોધતા રહ્યા રહ્યા.
પછી કેટલીક શાળાઓમાં તેમને રાત્રે સૂવા માટે આસરો મળ્યો. કેટલાક શરણાર્થી પરિવારો પંચકુઈયા રોડ પર આવેલા વાલ્મીકિ મંદિરમાં રહેવા લાગ્યા. જૂની દિલ્હી રેલવેસ્ટેશન જવાનું તેમનું રોજનું એક કામ હતું. તેઓ તેમના મિત્રો અને સંબંધીઓ વિશે પૂછપરછ કરવા ત્યાં જતાં હતાં. ઘણી વાર તેમને કોઈ એવી વ્યક્તિ મળી જતી હતી જેમને તેઓ ગળે લગાવીને રડી શકતા.
સબ્જીમંડી સ્ટેશન પર કોણ ઊતરતું હતું?

ઇમેજ સ્રોત, KEYSTONE FEATURE
દિલ્હી આવનારા કેટલાક શરણાર્થીઓ સબ્જીમંડી રેલવેસ્ટેશન પર પણ ઊતરી જતા હતા. તેઓ ત્યાંથી પોતાના ઠેકાણાની શોધમાં અહીં-તહીં ભટકતા હતા. અનેક શરણાર્થીઓ દિવસો સુધી સબ્જીમંડી રેલવેસ્ટેશન પર જ રહ્યા. તેમને સબ્જી-મંડી રેલવે કૉલોનીમાં રહેનારા લોકો સવાર-સાંજ ભોજન અને નાસ્તો આપતા હતા.
સબ્જીમંડી રેલવે કૉલોની 1930માં બનાવાઈ હતી. તીસ હજારી કોર્ટના વકીલ પદમકુમારનો પરિવાર આ કૉલોની સાથે લગભગ અડધી સદી જૂનો સંબંધ ધરાવે છે.
તેઓ કહે છે કે, “પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પણ ઘંટાઘર, સદર બજાર, ચાંદની ચોક, પુલ મીઠાઈ, કિશનગંજ, બાડા હિન્દુરાવ, કુચા હબ્શ ખાં જેવા સબ્જીમંડીની આસપાસના વિસ્તારોમાં રહેવા લાગ્યા.
દિલ્હીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર જગપ્રવેશ ચંદ્રે કિશનગંજમાં એક રૂમના નાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. તેમની સાથે તેમનાં માતાપિતા અને બહેન હતાં. તેમણે ટૂંક સમયમાં અહીંના શરણાર્થીઓ વચ્ચે સમાજસેવાનું કામ કરવાનું શરૂ કર્યું. 1951માં દિલ્હીમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. તેઓ કૉંગ્રેસની ટિકિટ પર કિશનગંજથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એટલે કે દિલ્હી આવ્યાના ચાર વર્ષ પછી તેઓ અહીં ધારાસભ્ય બન્યા હતા.
‘છોલે કુલ્ચેથી બટર ચિકન સુધી’

ઇમેજ સ્રોત, SONDEEP SHANKAR
હકીકતમાં શરણાર્થીઓ દિલ્હી આવ્યાના થોડા દિવસો બાદ રસ્તાઓ પર તેઓ કાંસકો, રૂમાલ, છોલે-કુલ્ચે વેચવા લાગ્યા, કારણ કે કંઈક તો કરવું જ પડે એમ હતું.
દિલ્હીમાં લાંબા સમયથી રહેતા લોકો દરિયાગંજની મુલાકાત વખતે મોતીમહેલ રેસ્ટોરાં જોયા પછી વીતેલા સમયને યાદ કરતા હશે. આ રેસ્ટોરાંને કુંદનલાલ ગુજરાલ, ઠાકુરદાસ અને કુંદનલાલ જગ્ગીએ ખોલ્યું હતું.
આ ત્રણેય લોકો પણ 1947માં દિલ્હીના રેલવેસ્ટેશન પર આવ્યા હતા. તેઓ પેશાવરના એક રેસ્ટોરાંમાં કામ કરતા હતા. એક દિવસ તેઓ દિલ્હીમાં મળ્યા. ત્રણેય લોકોએ યોજના બનાવી કે દિલ્હીમાં કોઈ કામધંધો શરૂ કરવામાં આવે. તેમણે દરિયાગંજમાં જ નાનકડી દુકાન ભાડે લીધી અને વેજ અને નૉનવેજ ચીજો બનાવીને વેચવા લાગ્યા.
એ જમાનામાં ફ્રીઝ પણ ન હતા. રાતે જે ચિકન બચતું તેને ટમેટાં, ક્રીમ અને બટરની ગ્રેવી બનાવીને રાખી દેવામાં આવતું જેથી તે ખરાબ ન થાય. એ ગ્રેવીમાં ગરમ મસાલો નાખીને એક નવી પંજાબી ડિશ બની ગઈ જેનું નામ રાખવામાં આવ્યું બટર ચિકન. આજે દુનિયાભરમાં બટર ચિકન બને છે તેની શરૂઆત ‘મોતીમહેલ’થી થઈ હતી.
વરિષ્ઠ લેખક અને પત્રકાર ત્રિલોક દીપ 1947ના ભાગલા વિશે વાત કરવાનું ટાળે છે.
તેઓ કહે છે, “જવા દો ભાગલાને. તેણે મને ખૂબ જ ઊંડા ઘા આપ્યા હતા. હવે હું તેને ફરીથી યાદ કરવા માગતો નથી.”
પરંતુ જ્યારે તેમને થોડી વિનંતી કરવામાં આવે છે, “ત્યારે તેઓ કહેવાનું શરૂ કરે છે કે હું તે સમયે દસ વર્ષનો હતો. ઑગસ્ટ 1947 પહેલાં રાવલપિંડીથી લાહોર થઈને મારાં માતા-પિતા સાથે લખનૌ પહોંચ્યો હતો.”
"રાવલપિંડીમાં પરિસ્થિતિ સતત વણસી રહી હતી, તેથી અમે રાહ જોવાનું યોગ્ય ન માન્યું. પરંતુ મારા દાદા અમીચંદજી અને મારાં નાની ભાગ્યવતીજી જ્યારે તેમના ગામથી લાહોર જઈ રહ્યાં હતાં ત્યારે માર્યાં ગયાં. તેઓ વાહનની રાહ જોઈ રહ્યાં હતાં જેથી ગમે તેમ કરીને લાહોર પહોંચી શકાય. પરંતુ તેઓ ક્યારેય પહોંચી શક્યાં નહીં.”
સિયાલકોટથી ધર્મપાલ ગુલાટી કરોલબાગ આવ્યા

ઇમેજ સ્રોત, MDH SPICES
શરણાર્થીઓનો દિલ્હી આવવાનો સિલસિલો અટકી રહ્યો ન હતો. હવે સપ્ટેમ્બર મહિનો આવી ગયો હતો.
સૌથી વધુ શરણાર્થીઓ લાહોર, રાવલપિંડી, સિયાલકોટ અને મુલતાનથી આવી રહ્યા હતા. તેમને જ્યાં ખાલી ઘર મળતું હતું ત્યાં તેઓ રહેવા લાગતા. તેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા કે જેઓ રમખાણો પછી પાકિસ્તાન જવા માટે મજબૂર થયા હતા.
કરોલબાગમાંથી હજારો મુસ્લિમો પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સિકંદર બખ્તનો પરિવાર પણ આઝાદી પહેલાં કરોલબાગમાં રહેતો હતો. કરોલબાગથી જનારા લોકો પોતાના ઘરોને તાળાં મારી રહ્યાં હતાં. તેમનાં ઘરો પર તેમનો કબજો રહેશે તેવી તેમને આશા હતી, પરંતુ લોકો એ બંધ મકાનો તોડીને અંદર પ્રવેશ્યા હતા.
સરહદની બંને બાજુએ એવું જ થયું, હિન્દુઓ અને શીખોનાં ખાલી પડેલાં મકાનો મુસ્લિમોએ કબજે કર્યાં, જ્યારે દિલ્હી અને અમૃતસર જેવાં શહેરોમાં મુસ્લિમોનાં ખાલી પડેલાં મકાનો શરણાર્થી હિન્દુ-શીખોનાં રહેઠાણ બની ગયાં.
દિલ્હી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર વીરેન્દ્રલાલ વાધવા કહે છે કે, “કરોલબાગના ફૈઝ રોડ અને આર્યસમાજ રોડ પર શરણાર્થીઓ સતત આવી રહ્યા હતા. સિયાલકોટના ચુન્નીલાલ ગુલાટીનો પરિવાર પણ તેમાં સામેલ હતો. તેઓ સિયાલકોટમાં મસાલા વેચતા હતા.”
તે જ પરિવારનો એક યુવાન ધર્મપાલ ગુલાટી પાછળથી ‘મહાશય ધર્મપાલ ગુલાટી’ બન્યો અને તેણે MDH સ્પાઇસીસ નામની મોટી મસાલા કંપનીની સ્થાપના કરી.
મહાશય ધર્મપાલ ગુલાટી ક્યારેય કરોલબાગમાં ચપ્પલ પહેરીને ન ફરતા. તેઓ કહેતા હતા કે કરોલબાગની જમીન મારા માટે મંદિર જેવી છે. તેણે મને બધું જ આપ્યું છે. હું અહીં ચપ્પલ કે શૂઝ પહેરી શકતો નથી.

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE
વાસ્તવમાં લાહોર અને રાવલપિંડીથી ટ્રેનો સતત દિલ્હી આવી રહી હતી. તેમાં કેટલાક સુરક્ષાકર્મીઓ પણ હતા.
પાકિસ્તાનની સરહદ સુધી તેમના માથે હંમેશાં ખતરો રહેતો હતો. લેખક અને દિલ્હી સરકારના મંત્રી રહેલા રમાકાંત ગોસ્વામી જ્યારે તેમના પિતા અને સનાતન ધર્મસભાના ગોસ્વામી ગિરધારીલાલ સાથે જૂની દિલ્હીમાં આવ્યા ત્યારે તેઓ બે વર્ષના હતા.
ગોસ્વામી ગિરધારીલાલ લાહોરમાં બાળકોને હિન્દી અને સંસ્કૃત શીખવતા હતા. તે કામ માટે દર બીજા-ત્રીજા દિવસે તેઓ લાહોરથી અમૃતસર આવતા-જતા રહેતા.
રમાકાંત ગોસ્વામીએ તેમના પરિવારના વડીલો પાસેથી સાંભળ્યું હતું કે સ્થાનિક લોકો દિલ્હીમાં શરણાર્થીઓના સતત ધસારાથી ખુશ નહોતા. તેમને લાગ્યું કે તેમના અહીં આવવાથી દિલ્હીની વસ્તીનું ચરિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે.
ગોસ્વામી ગિરધારીલાલ લાંબા સમય સુધી બિરલા મંદિરના મુખ્ય પૂજારી હતા. પંડિત નેહરુના અંતિમ સંસ્કાર પણ તેમની દેખરેખ હેઠળ થયા હતા.
ધનવાન લોકો કારમાં બેસીને આવ્યા
સ્થિતિ અતિશય વિકટ હતી. એ સમયે અનેક પરિવારોના સદસ્યો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા. જે લોકોને પોતાના સંબંધીઓ મળી જતાં તેઓ ભગવાનનો લાખો વાર આભાર માનતા હતા. જેમને ન મળતા તેઓ સતત પ્રાર્થના કરતા રહેતા અને ફરી બીજા દિવસે સ્ટેશને જતા.
એક વાત અહીં નોંધવી જોઈએ કે દિલ્હી આવનારા તમામ લોકો રેલવે મારફત જ આવતા હતા એવું ન હતું. લાહોરની પંજાબ હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરી રહેલા ખુશવંતસિંહ પોતાના શહેર લાહોરને છોડીને વિભાજનને કારણે દિલ્હી પોતાની કાર ચલાવીને આવ્યા હતા.
તેઓ કહે છે, “હું લાહોરથી દિલ્હી આવ્યો ત્યારે રસ્તામાં કોઈ મને માણસ જ દેખાતો ન હતો. દિલ્હી નજીક આવી તો માનવ-મહેરામણ દેખાવા લાગ્યો.”
ખુશવંતસિંહના એક સંબંધી ભાઈ મોહનસિંહ પણ પોતાના પરિવારને કારમાં જ રાવલપિંડીથી દિલ્હી લાવ્યા હતા.
ભાઈ મોહનસિંહનો રાવલપિંડીમાં કન્સ્ટ્રક્શનનો સફળ વેપાર હતો. દિલ્હી આવીને તેમણે અલગ ધંધો માંડ્યો. તેઓ ફાર્મા સૅક્ટરમાં પ્રવેશ્યા અને રેનબેક્સી ફાર્માના ચૅરમૅન બન્યા તથા અબજોપતિ પણ બન્યા. એટલે એ સમયે જે ધનિકો હતા એ કારથી દિલ્હી સુરક્ષિત પહોંચી રહ્યા હતા.
(આ અહેવાલ મૂળ 2022ના ઑગસ્ટ મહિનામાં લખાયેલો છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












