જીતુ અને ઇસ્મત : એક અધૂરા પ્રેમ અને ભારત-પાકિસ્તાનના વિભાજને સર્જેલા વિજોગની કહાણી

- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
આ વિભાજન પહેલાના પ્રેમની સાચી કહાણી છે. આ પોતાના પ્રેમને પામવા માટે ધર્મ અને દેશ બદલવાના સંઘર્ષ પછી સરકાર સામે પણ લડેલા પ્રેમીઓની કહાણી છે.
1947માં રાવલપિંડીના પઠાણ રાજવંશની ઇસ્મત માત્ર પંદર વર્ષનાં હતાં અને અમૃતસરના લાલાજી પરિવારના જીતુ 17 વર્ષના હતા.
બન્ને પરિવાર પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન શ્રીનગરમાં રજાઓ માણતી વખતે અનેક વખત મળ્યા હતા. ઇસ્મત અને જીતુની દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી.
જોકે, વિભાજનનની આંધીએ તેમને સરહદ પાર ધકેલી દીધાં હતાં. ઇસ્મત સમજી ગયાં હતાં કે જીતુને મેળવવાનું મુશ્કેલ છે.
પ્રેમમાં તરબોળ ઇસ્મત ઘરેથી ભાગીને હિન્દુઓની શરણાર્થી શિબિરમાં પહોંચી ગયાં હતાં.
અપહ્યત સ્ત્રીઓ વિશે બન્ને દેશો વચ્ચે સમજૂતી

તેમણે કહ્યું, “હું એક હિન્દુ છોકરી છું. મારાં માતા-પિતાથી છૂટી પડી ગઈ છું. તમે મહેરબાની કરીને મને ભારત મોકલી આપશો?”
વિભાજન પછીના મહિનાઓમાં બન્ને દેશની હજારો મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની ઈચ્છા વિરુદ્ધ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન માટે મજબૂર કરવામાં આવી હતી.
તેથી ભારત અને પાકિસ્તાનની સરકારોએ અપહ્યત મહિલાઓને શોધી તેમના પરિવારો સુધી પહોંચાડવા માટે 'ઑપરેશન રિકવરી' આરંભ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાજિક કાર્યકર કમલા પટેલને ભારત તથા પાકિસ્તાનની શરણાર્થી શિબિરોમાં રહેતી આવી મહિલાઓનાં આદાન-પ્રદાનના પ્રભારી બનાવવામાં આવ્યાં હતાં.
ઇસ્મત તેમનાં પાસે ગયાં. વિભાજન પછી એક સમય એવો પણ હતો, જ્યારે પંજાબના હિન્દુઓ અને મુસલમાનોનો પહેરવેશ તથા બોલચાલ એકસમાન હતી.
ઇસ્મતની વાતો પર વિશ્વાસ કરીને તેમને હિન્દુ માની લેવામાં આવ્યાં હતાં અને અન્ય શરણાર્થીઓની સાથે રાવલપિંડીથી અમૃતસર લાવવામાં આવ્યાં હતાં.
અમૃતસરમાં ઇસ્મતે જીતુના ઘરનું સરનામું શોધી કાઢ્યું હતું અને સંદેશો મોકલ્યો હતો. જીતુ તરત કૅમ્પ પર પહોંચ્યા હતા.
જીતુનાં માતા-પિતાની સંમતિથી, સગીર વયનાં હોવા છતાં તેમણે અમૃતસરમાં લગ્ન કરી લીધાં હતાં, પરંતુ સરહદ પારની આ પ્રેમકહાણીએ ટૂંક સમયમાં આકરો વળાંક લીધો હતો.
ઇસ્મતના પરિવારે જણાવ્યું હતું કે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને પાકિસ્તાન સરકારે તેને શોધી કાઢવી જોઈએ.
... અને ઇસ્મતને પાકિસ્તાન જવું પડ્યું

અપહ્યત મહિલાઓને તેમના પરિવાર પાસે મોકલવા માટે બન્ને દેશો વચ્ચે થયેલો કરાર ઇસ્મત અને જીતુના પ્રેમની વચ્ચે આવ્યો.
ઇસ્મતનું જુઠ્ઠાણું પકડાઈ ગયું અને તેમણે પાકિસ્તાન પાછું જવું પડ્યું.
ગભરાયેલા જીતુ કમલા પટેલ પાસે ગયા અને કહ્યું, “આ અપહરણનો મામલો નથી. ઇસ્મત મને પ્રેમ કરે છે અને તેની મરજીથી મારી પાસે આવી છે. તમારે મને મદદ કરવી પડશે.”
એક સગીર વયની છોકરીનાં માતા-પિતા કેવી રીતે માને કે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું નથી?
આ એક કિસ્સામાં છૂટછાટથી સમગ્ર કાર્યવાહી બગડી શકે તેમ હતી. કમલા પટેલ ઇસ્મત જેવી અન્ય સ્ત્રીઓને બળજબરીથી સ્વદેશ મોકલવાની વિરુદ્ધ હતાં.
આ મુદ્દે ચર્ચા છેક બંધારણીય સભા સુધી પહોંચી. અનેક મહિલાઓએ વિરોધ કર્યો, પરંતુ કૉન્ટ્રેક્ટ ચાલુ રહ્યો.
પોલીસથી બચવા માટે ઇસ્મત અને જીતુ અમૃતસરથી ભાગીને કોલકાતા પહોંચ્યાં. કમલા પટેલની ટીમ પર દબાણ સતત વધતું રહ્યું.
કમલા પટેલે અનેક યુગલોને મદદ કરી હતી.

કમલા પટેલે તેમના પુસ્તક ‘ટોર્ન ફ્રૉમ ધ રૂટ્સઃ ધ પાર્ટિશન’ સંસ્મરણમાં આ ઑપરેશનને મહિલાઓ માટે સફરજન અને સંતરાની માફક એક “પૌષ્ટિક મામલો” ગણાવ્યો હતો.
મહિલાઓની ઈચ્છાને સમજવાનું મહત્ત્વનું હતું. અજબ પરિસ્થિતિમાં એને તોડવાની સરખામણીએ તેને પૂરી કરવાનું ક્યારેક બહેતર હોય છે.
ઇસ્મત અને જીતુનો મામલો પણ કંઈક આવો જ હતો, પરંતુ સરકાર આ બારીકાઈઓને સમજવા ઈચ્છતી ન હતી.
આખરે ઇસ્મત અને જીતુને પાછા લાવવાં એવી અફવા ફેલાવવામાં આવી હતી કે પાકિસ્તાને તેમનો કેસ બંધ કરી દીધો છે.
તે અફવાને સાચી માનીને ઇસ્મત તથા જીતુ અમૃતસર પાછાં આવ્યાં ત્યારે કમલા પટેલે ઇસ્મતને એક સપ્તાહ માટે લાહોર જવા મનાવી લીધાં હતાં.
નક્કી એવું થયું કે તેઓ ત્યાં પોલીસ કમિશનર સાથે રહે, તેમનાં માતા-પિતાને મળે અને પછી પોતાનો અંતિમ નિર્ણય કરે.
જોકે, પોતાના મન વિરુદ્ધનું આ કામ કરવાનું કમલા પટેલ માટે આસાન નહોતું.
તેમનાં બહેન નૈના પટેલે મને કહ્યું, “તેમના પર ભારે દબાણ હતું. લોકોના જીવન વિશે નિર્ણય લેવાનું દબાણ હતું.”
ઇસ્મત બદલાઈ ગયાં

ઑપરેશન રિકવરી હેઠળ 30,000 મહિલાઓને શોધીને તેમના પરિવારો પાસે પાછી મોકલવામાં આવી હતી.
ઇસ્મત અને જીતુના કિસ્સા જેવા હજારો કિસ્સા હતા, જેનો કોઈ યોગ્ય રેકૉર્ડ નથી. કમલા પટેલ જેવાં સામાજિક કાર્યકરોનાં પુસ્તકોમાં તેમનો હિસાબ-કિતાબ છે.
તેમના પુસ્તકમાં જણાવ્યા મુજબ, જીતુ ઇસ્મતને લાહોર છોડીને પાછા અમૃતસર આવી ગયા હતાઅને દિવસો ગણવા લાગ્યા હતા.

ચોથા દિવસે કમલા પટેલને એ જાણીને આશ્ચર્ય થયું હતું કે ઇસ્મતને તેમનાં માતા-પિતા પોતાના ઘરે લઈ ગયાં છે.
તેઓ તરત તેમને મળવા ત્યાં પહોંચ્યાં, પરંતુ કહાણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. ઇસ્મતનો પહેરવેશ અને હાવભાવ પણ બદલી નાખવામાં આવ્યો હતો.
ઇસ્મતે આંગળી ઉઠાવતાં કહ્યું, “મેં વારંવાર કહ્યું હોવા છતાં આ મહિલાઓએ મને પાકિસ્તાન પાછી આવવા દીધી નહોતી.”
જીતુનું નામ સાંભળતાંની સાથે જ ઇસ્મત ગુસ્સે થઈ ગયાં હતાં અને કહ્યું હતું, “હું એ બેવફાનો ચહેરો જોવા ઈચ્છતી નથી. મારું ચાલે તો હું તેના ટુકડા કરીને કૂતરાઓને ખવડાવી દઉં.”

આ સમાચાર જીતુ સુધી પહોંચ્યા ત્યારે તે દોડતાં લાહોર પહોંચ્યો. “ઇસ્મત અને તેમનાં માતા-પિતા મારા પર ભલે ગમે તેટલું દબાણ કરે, તે આવું કહે જ નહીં.” પરંતુ ઇસ્મતનો પરિવાર ગાયબ થઈ ગયો હતો.
લાહોર જવામાં જોખમ હોવા છતાં જીતુએ ઇસ્મતને શોધવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. કમલા પટેલે તેને સમજાવવાના અનેક પ્રયાસ કર્યા હતા. વિભાજનની હિંસા થંભી ન હતી.

જીતુએ કહ્યું, “હું તો બરબાદ થઈ ગયો. હવે મરી જઈને પણ શું કરું?”
મોટો ખર્ચ થયો હતો અને જીતુને ટીબી થઈ ગયો હતો.
પાંચ વર્ષ પહેલાં કમલા પટેલે જીતુને છેલ્લીવાર જોયા ત્યારે તે બહુ નિર્બળ હતો. તેનો ચહેરો પીળો થઈ ગયો હતો અને તેઓ એકલા હતા.
(આ લેખ સૌ પ્રથમ 2018માં પ્રકાશિત થયો હતો)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












