દ્વારકાનું મંદિર જ્યાં છે, ત્યાં પહેલાં શું હતું અને 'કૃષ્ણનગરી' સમુદ્રમાં ક્યારે ડૂબી ગઈ હતી?

દ્વારકાનું જગત મંદિર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

'ભગવાન કૃષ્ણના દેહોત્સર્ગ પછી દ્વારકા નગરી ડૂબી ગઈ. એ પછી તે વધુ પાંચ વખત નિર્માણ અને નાશ પામી' એ વાત લાંબા સમય સુધી 'સાંસ્કૃતિક સ્મૃતિ'માં હતી. પરંતુ તેના વિશેના કોઈ વૈજ્ઞાનિક કે પુરાતત્ત્વ સબંધિત આધારભૂત પુરાવા ઉપલબ્ધ નહોતા. આ સિવાય વર્તમાન નગર જ દ્વારકા છે કે અન્ય કોઈ સ્થળે હતું, તેના વિશે પણ વાદ રહ્યો.

વર્તમાન દ્વારકા નગરીની આજુબાજુના વિસ્તારોમાં પ્રવર્તમાન વિરોધાભાસી અનુશ્રુતિ તથા મંદિરોનાં ખંઢેરોને કારણે આ ચર્ચાને પણ બળ મળતું રહ્યું.

જોકે, સ્વતંત્રતા પછી વર્તમાન દ્વારકાનગરીમાં ખોદકામ કરાતાં જે કંઈ મળ્યું, તેના કારણે પ્રાચીન નગર વિશે પ્રચલિત માન્યતાઓને નવા આધાર આધાર મળ્યા હતા.

પુરાતત્ત્વવિદોને નવેસરથી વિચારવાની અને ઉત્ખનન કરવાની તક મળી, જે જમીનથી શરૂ થઈ અને દરિયા સુધી વિસ્તરી હતી.

ડૉ. સાંકળિયા દ્વારા ઉત્ખનન અને સંશોધન

હસમુખ સાંકળિયાની તસવીર
ઇમેજ કૅપ્શન, હસમુખ સાંકળિયા

વર્ષ 1947માં દેશનું વિભાજન થયું, તે સાથે પુરાતત્ત્વ સબંધિત સાઇટોના પણ ભાગલા થઈ ગયા. હડપ્પા સંસ્કૃતિનાં અનેક મહત્ત્વપૂર્ણ સ્થાન પાકિસ્તાનમાં જતાં રહ્યાં અને ભારતના આર્કિયૉલૉજિસ્ટોએ વર્તમાન ભૂભાગમાં આવેલાં પુરાતત્ત્વ સબંધિત મહત્ત્વનાં સ્થાનો તરફ નજર દોડાવી.

આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ ભારતની ઐતિહાસિક ઇમારતો, પ્રાચીન ખંઢેર, લોકમાન્યતા તથા પ્રાચીન લખાણોના આધારે નવેસરથી શોધઅભિયાન હાથ ધર્યાં.

વર્ષ 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં એનાં ત્રણ વર્ષમાં દ્વારકા ખાતે નોંધપાત્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેનું નેતૃત્વ પુનાની ડેક્કન કૉલેજના ડૉ. હસમુખ સાંકળિયા કરી રહ્યા હતા. ગુજરાતનું પુરાતત્ત્વ સબંધિત ખાતું પણ તેમાં જોડાયું હતું.

આ શોધકાર્ય વિશે પુનાની કૉલેજ દ્વારા 'ઍક્સ્કેવૅશન ઍટ દ્વારકા'ના નામથી પુસ્તક પ્રકાશિત થયું. જેના પ્રથમ પ્રકરણમાં ડૉ. સાંકળિયા (પેજ 8થી 17) લખે છે :

પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકામાં સંશોધનકાર્ય હાથ ધરવાાં આવ્યું, તે પહેલાં ડૉ. જયંતીલાલ ઠાકર નામના સ્થાનિકે પોતાની રીતે દ્વારકા અને તેની આસપાસની જમીનનો ચીવટપૂર્વક અભ્યાસ કર્યો હતો.

ડૉ. ઠાકરનાં અભ્યાસ અને તારણ મુજબ દ્વારકાધીશ મંદિરની આસપાસમાં જો 35-40 ફૂટ ઊંડે સુધી કાળજીપૂર્વક ખોદકામ કરવામાં આવે અને પડવાર ખોલવામાં આવે તો મહત્ત્વૂપર્ણ સગડ મળે તેમ હતા. ડૉ. સાંકળિયાને આ તારણ તર્ક તથા યુક્તિસંગત જણાયું હતું.

જગત મંદિર પાસે ઉત્ખનન

વીડિયો કૅપ્શન, 5 હજાર વર્ષ જૂના આ શહેરમાં કેવી સુવિધાઓ હતી, લોકો કેવી રીતે જીવતા?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. સાંકળિયાએ ઉપરોક્ત પુસ્તકમાં ઉત્ખનન તથા તેમાં આવેલી અડચણો વિશે ઉલ્લેખ કર્યો છે. જે મુજબ મંદિરની વાયવ્ય દિશામાં ઉપાધ્યાય પરિવારનું ઘર હાંસલ કરવામાં આવ્યું, જે મંદિરની જેમ જ આસપાસના જગ્યાથી થોડી ઊંચાઈએ હતું. ખોદકામના સ્થળ અને જગત મંદિર વચ્ચે માત્ર એક ગલી હતી એટલે ખોદકામ દરમિયાન ત્યાં પુરાવા મળવાની શક્યતા બળવતર હતી.

જોકે, તેની આગવી સમસ્યાઓ પણ હતી. આ ઘરની શેરી ખૂબ જ સાંકળી હતી અને ત્યાં અભ્યાસ માટે વ્યક્તિ ઊતરી શકે તેટલો ઊંડો ખાડો ખોદવાનો હતો. આજુબાજુનાં અનેક ઘર પર સિમેન્ટ કે ચૂનાના પ્લાસ્ટર કરાયેલાં નહોતાં.

આસપાસનાં ઘરોને નુકસાન ન થાય, ત્યાંના રહીશ સલામત રીતે અવરજવર કરી શકે, માટી ધસી જવાથી ખાડામાં ઊતરનાર શ્રમિક કે શોધકર્તા દબાઈ ન જાય કે સંશોધન સ્થળ પુરાઈ ન જાય, એ બધું પુરાતત્ત્વવિદોએ જોવાનું હતું. આ મર્યાદાઓને જોતાં સંશોધકો ઉપલબ્ધ જમીનમાંથી 25 X 20 ફૂટ વિસ્તારમાં સંશોધન કરી શકે તેમ હતા. પરંતુ જ્યારે ખોદકામ દરમિયાન પડ ઊખડવાનાં શરૂ થયાં, ત્યારે રેતીની ગુણવતાને જોતાં સંશોધકોએ સલામતીને ખાતર માત્ર 10 X 10 ફૂટનું ખોદકામ કરવાનો નિર્ણય કર્યો. 20 ફૂટ સુધી ખોદકામ કર્યા બાદ સંશોધનસ્થળને 6 X 6 ફૂટ જેટલું સાંકડું દેવામાં આવ્યું. માટી ધસી ન પડે તે માટે લાકડાંના માંચડા ગોઠવવામાં આવ્યા.

આમ કરતા-કરતા સંશોધકો લગભગ 38 ફૂટની ઊંડાઈ સુધી પહોંચ્યા, જ્યાં ખડકાળ જમીન આવી ગઈ હતી અને દરિયાની તત્કાલીન સપાટી પણ એટલી જ હતી.

સાત થર, પાંચ કાલખંડ

ડેક્કન કૉલેજ દ્વારા થયેલા ખોદકામની તસવીર

ઇમેજ સ્રોત, Youtube Grab

'જ્યાં ધાર્મિકસ્થળ ખંડિત થયું હોય, ત્યાં જ તે પુનઃનિર્માણ પામે' એવી માન્યતાએ પણ સંશોધકોને મંદિરની આસપાસના ઊંચાણવાળા વિસ્તારમાં જ સંશોધનસાઇટ ખોલવા માટે પ્રેર્યા હતા.

આ કાર્યને ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ ગ્રંથશ્રેણીના એકથી સાત ખંડમાં પુસ્તક પ્રકાશિત થયું હોય તો ટેબલ ઉપર સૌથી નીચે પહેલું, પછી બીજું, એની ઉપર ત્રીજું એમ એકથી સાત પુસ્તક મૂકેલાં હોય. એ રીતે એમાં સૌથી ઉપરનો ખંડ સમયના ક્રમની દૃષ્ટિએ સૌથી નવીન, જ્યારે પહેલો ખંડ સૌથી પ્રાચીન ગણાય.

ખોદકામ દરમિયાનનો સાતમો થર (સૌથી નીચે રહેલું પુસ્તક) પહેલા સમયકાળનો હતો, જે ઈસ પૂર્વે પહેલી કે બીજી સદી દરમિયાનનો હતો. તે પડ લગભગ પાંચ મીટર જેટલું જાડું હતું. ચિત્રવાળાં માટીકામનાં વાસણના ટુકડા, કોચલાં, કોચલાની બંગડીઓ તથા લોખંડનો ટુકડો પણ એ ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો.

એ પછીનો થર અઢી મીટર જેટલો જાડો હતો, જે ઈસુની ચોથી સદી આસાપસનો હતો. જેમાં માટીનાં વાસણો ઉપરાંત રાતા પાલીશવાળાં વાસણ અને બરણીઓ મળી આવ્યાં. એ સમયે પશ્ચિમ ભારતના બંદરીય વિસ્તારોમાં આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ વ્યાપક હતો. શરાબ તથા તેલની હેરફેર માટે તેનો ઉપયોગ થતો. તત્કાલીન કાલખંડ દરમિયાન અહીં માનવવસતી હતી, એ વાત તરફ આ અવશેષો નિર્દેશ કરી રહ્યા હતા.

એ પછીના કાલખંડમાં કોતરણી કરેલા પથ્થરના અવશેષ મળી આવ્યા હતા, જે સંભવતઃ અહીંના જૂના દેવમંદિરના હશે, એવું પુરાતત્ત્વવિદોનું અનુમાન છે.

એનાથી ઉપરના બે થરની વચ્ચે બહુ થોડો અને સામાન્ય તફાવત હતો. ચોથા થરમાં પૉલિક્રૉમ કરેલી બંગડીઓ નહોતી. જે તેને નીચેના પાંચમા થરથી અલગ કરતી હતી.

એ પછીના ત્રણ થરમાં ગુજરાતના સલ્તનતકાળના સિક્કા, પૉલિક્રૉમ કરેલી કાચની બંગડીઓ તથા ગ્લૅઝ કરેલાં વાસણ મળી આવ્યાં હતાં, જે લગભગ આધુનિક સમય સુધી વિસ્તરે છે.

કાચની બંગડીઓ તથા ગ્લૅઝ્ડ વાસણને ઇસ્લામિકયુગ સાથે સાંકળવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે 10મી સદી આસપાસ ઓખામંડળ તથા તેની આસપાસના લોકો ભૂમધ્ય સમુદ્રના વિસ્તારના લોકો સાથે દરિયાઈમાર્ગે વેપાર કરતા હતા, એટલે આ ચીજવસ્તુઓ અહીં પહોંચી હશે.

ખોદકામ દરમિયાન જે કોઈ નમૂના મળ્યા, તે કાં તો ઓછા હતા અથવા તો દરિયાઈ પાણીનો ભેજ લાગવાને કારણે ખરાબ થઈ ગયા હતા, જેના કારણે આર્કિયૉલૉજિકલ રીતે કાલખંડ નક્કી કરવો મુશ્કેલ બન્યો હતો.

વારંવાર દ્વારકાનું સર્જન અને ખંડન

દ્વારકાનું જગત મંદિર

વર્ષ 1980 આસપાસ એસ.આર. રાવના નેતૃત્વમાં એએસઆઈએ (આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા) મંદિર પરિસરમાં સંશોધન કાર્ય હાથ ધર્યું હતું. આગળ જતાં શોધકાર્ય દરિયાના પેટાળ સુધી વિસ્તર્યું.

રાવ તેમના પુસ્તક મરીન આર્કિયૉલૉજીમાં (પૃષ્ઠ 50-54) દ્વારકા કેટલી વખત ખંડિત થઈ અને તે કાલખંડના શું પુરાવા મળ્યા, તેના ઉપર પ્રકાશ પાડે છે. તેમના મતે પહેલી દ્વારકા ઈસુ પૂર્વે 14-15મી સદીમાં દરિયામાં ડૂબી જવાથી નાશ પામી હતી. તે કાલખંડના પુરાવા તરીકે સંશોધકોને ચમકતા લાલ રંગના વાસણ મળ્યા હતા.

ઈસુ પૂર્વે 10મી સદીની બીજી વસાહત પણ જળપ્રલયમાં ડૂબી ગઈ હતી કે દરિયામાં સમાઈ ગઈ હતી. એ પછી લાંબા અંતર બાદ ઈસુ પૂર્વે કે ઈસુની પહેલી સદી દરમિયાન ક્ષત્રપકાળમાં અહીં ત્રીજી વસાહત સ્થપાઈ હતી. એ કાળના લાલ પોલીશ કરેલાં વાસણ તથા ક્ષત્રપકાળના સિક્કા પણ અહીંથી મળી આવ્યાં છે. આ ગાળા દરમિયાન જ પહેલું મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું.

મંદિરના પથ્થર ઉપર ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, જેની ઉપર થયેલાં પેઇન્ટિંગની અમુક લાઇનો નજરે પડે છે. જેના કારણે મંદિરની ઊભણી (પ્લિન્થ) એ સમયની ભૂસપાટી કરતાં ઉપર હશે, જેના કારણે લોકો તેને જોઈ શકતા હશે, એવું અનુમાન મૂકવામાં આવે છે.

પહેલા મંદિરના અવશેષો ઉપર જ બીજું મંદિર અસ્તિત્વમાં આવ્યું હશે અને તે પાણીમાં સમાઈ ગયું હશે. એસઆર રાવ તેમના પુસ્તકમાં આ મંદિર ઈસુની ત્રીજીથી સાતમી સદી દરમિયાન અસ્તિત્વ ધરાવતું હોવાનો મત રજૂ કરે છે.

ઈ.સ. નવમી સદીમાં ત્રીજું મંદિર અસ્તિત્વમાં આવ્યું. 12મી સદીમાં વાવાઝોડાંને કારણે મંદિરની છત નાશ પામી, પરંતુ ઊભણી અને દીવાલો બચી ગયાં. ચોથું મંદિર એ પછી તરત જ અસ્તિત્વમાં આવ્યું. હાલનું મંદિર એ આ શ્રેણીનું પાંચમું છે.

પહેલુંથી પાંચમું મંદિરએ દ્વારકાની ત્રીજીથી સાતમી વસાહતના પ્રતીકરૂપ છે. હાલનું આધુનિક નગરએ દ્વારકા ખાતેની આઠમી વસાહત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.