શેખ હસીના : એક સમયનાં લોકપ્રિય નેતા કેવી રીતે બાંગ્લાદેશનાં વિવાદાસ્પદ વડાં પ્રધાન બની ગયાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનબારાસન ઇથિરાજન અને ટેસા વૉન્ગ
- પદ, બીબીસી ન્યૂઝ
ગત વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલાં વિદ્યાર્થી આંદોલનો પછી દેશ છોડીને નીકળી ગયેલાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે દોષી ઠેરવ્યાં છે. તેમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
તેમને માનવતા સામે અપરાધ બદલ દોષિત ઠેરવતા કોર્ટે મોતની સજા સંભળાવી છે.
બાંગ્લાદેશમાં થયેલાં વિદ્યાર્થી આંદોલને સમગ્ર દેશમાં હિંસક સ્વરૂપ લઈ લેતાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વાઝેદે દેશ છોડી દીધો હતો અને 76 વર્ષનાં શેખ હસીના હેલિકૉપ્ટરમાં ભારત આવવા નીકળી ગયાં હતાં.
એ સમયે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના અધિકૃત નિવાસસ્થાને હુમલો કર્યો હતો.
તેમના રાજીનામું આપવાથી બાંગ્લાદેશનાં સૌથી વધુ સમયથી પદ પર રહેનારાં વડાં પ્રધાનનાં શાસનનો અંત આવી ગયો હતો. તેમણે 20 વર્ષ કરતાં વધુ સમય સુધી આ દેશ પર કડક હાથે શાસન કર્યું છે.
બાંગ્લાદેશનાં અર્થતંત્રને ગતિવાન બનાવવા માટે તેમને શ્રેય આપવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમનાં ઉપર નિરંકુશ હોવાના આરોપ લાગતા રહ્યા છે. શેખ હસીનાની સફર પર એક નજર...
શેખ હસીના સત્તા પર કઈ રીતે આવ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
સાલ 1947માં પૂર્વ બંગાલના મુસ્લિમ પરિવારમાં જન્મેલાં શેખ હસીનાનાં લોહીમાં રાજકારણ છે.
તેમના પિતા શેખ મુજીબુર રહેમાન એક રાષ્ટ્રવાદી નેતા હતા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા છે. સાલ 1971માં તેમણે પાકિસ્તાનથી બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. આઝાદ બાંગ્લાદેશના તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમય શેખ હસીના ઢાકા યુનિવર્સિટીનાં વિદ્યાર્થી નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં.
સાલ 1975માં સૈન્ય તખ્તાપલટમાં શેખ મુજીબુર રહેમાન અને પરિવારના મોટા ભાગના સભ્યોની હત્યા કરવામાં આવી હતી. માત્ર હસીના અને તેમનાં નાનાં બહેન આ હુમલામાં બચી ગયાં હતાં. તેઓ વિદેશ પ્રવાસ પર હોવાથી બચી ગયાં હતાં.
ભારતમાં શરણ લીધા બાદ સાલ 1981માં શેખ હસીના ભારત પરત ફર્યાં હતાં. પરત આવ્યા બાદ પિતા દ્વારા સ્થાપવામાં આવેલા રાજકીય પક્ષ અવામી લીગનાં નેતા તરીકેની જવાબદારી સંભાળી.
બાંગ્લાદેશમાં જનરલ હુસૈન મોહમ્મદ એર્શાદની સૈન્ય સરકાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. તેમણે લોકતંત્રના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો કરવા માટે બીજા રાજકીય પક્ષો સાથે હાથ મિલાવ્યો. જનતાએ મોટાપાયે સમર્થન આપતાં શેખ હસિના ઝડપથી રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયાં.
સાલ 1996માં તેઓ પહેલી વખત બાંગ્લાદેશનાં વડાં પ્રધાન બન્યાં હતાં. તેમણે ભારત સાથે જળ વિતરણ સમજૂતિ પર સહી કરી હતી. ઉપરાંત દેશના દક્ષિણ-પૂર્વ વિસ્તારના ચરમપંથીઓ સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ બંને સમજૂતિ બદલ તેમનાં વખાણ થયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાલ 2001ની સામાન્ય ચૂંટણીમાં તેમનાં કટ્ટર વિરોધી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં નેતા બેગમ ખાલિદા ઝિયા સત્તા પર આવ્યાં હતાં.
રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતાં બંને નેતાઓ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી બાંગ્લાદેશના રાજકરણ પર પ્રભુત્વ ધરાવે છે. બેગમ ખાલિદા ઝિયા અને શેખ હસીનાને લડતાં બેગમો તરીકે પણ ઓળખવામાં આવે છે. બેગમનો અર્થ થાય છે ઊંચા હોદ્દાની મુસ્લિમ મહિલા.
નિષ્ણાતો અનુસાર બંને નેતાઓ વચ્ચેની કટ્ટર દુશ્મનાવટના કારણે બાંગ્લાદેશમાં બસોમાં બૉમ્બ વિસ્ફોટ, લોકોનું રહસ્યમય રીતે ગાયબ થઈ જવું અને અનઅધિકૃત હત્યાઓ સામાન્ય બની ગઈ છે.
2009માં રખેવાળ સરકાર હેઠળ ચૂંટણી થઈ હતી જે0માં શેખ હસીના બહુમતી સાથે સત્તામાં પરત આવ્યાં હતાં.
તેઓ એક ખરા અર્થમાં રાજકીય સર્વાઇવર છે. વિરોધ પક્ષનાં નેતા તરીકે તેમની અનેકવાર ધરપકડ થઈ છે. તેમનાં પર અસંખ્ય જીવલેણ હુમલા થયા છે. 2004માં થયેલા એક જીવલેણ હુમલામાં તેમના સાંભળવાની શક્તિને અસર થઈ હતી.
તેમની સામે દેશનિકાલના અસંખ્ય પ્રયાસો થયા છે અને મોટાપાયે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યાં છે. પરંતુ તેઓ દરેકમાંથી બચવામાં સફળ થયા છે.
શું છે શેખ હસીનાની ઉપલબ્ધિ

ઇમેજ સ્રોત, Getty Images
શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશ વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. મુસ્લિમ બહુમતી ધરાવતું રાષ્ટ્ર એક સમયે વિશ્વના સૌથી ગરીબ રાષ્ટ્રોમાં સામેલ હતું. સાલ 2009થી શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશે અભૂતપૂર્વ કહી શકાય તેવી આર્થિક સફળતા હાંસલ કરી છે.
હાલમાં બાંગ્લાદેશ સૌથી ઝડપી વિકાસતી અર્થવ્યવસ્થા છે. બાંગ્લાદેશનો વિકાસદર તેના વિશાળ પાડોશી ભારત કરતાં પણ વધુ છે.
પાછલા એક દાયકામાં બાંગ્લાદેશની માથાદીઠ આવકમાં ત્રણ ગણો વધારો થયો છે. વિશ્વ બૅન્કના અંદાજ પ્રમાણે છેલ્લા બે દાયકામાં 25 મિલિયન બાંગ્લાદેશીઓ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
દેશના વિકાસમાં કાપડ ઉદ્યોગનો સિંહફાળો છે. બાંગ્લાદેશમાંથી થતી કુલ નિકાસમાં કાપડ ઉદ્યોગ મોટો હિસ્સો ધરાવે છે. અહીં કાપડ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે અને અહીંથી કાપડ યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયા સુધી પહોંચે છે.
શેખ હસીના સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિશાળકાય પ્રોજેક્ટો પર કામ કરી રહી છે. આ માટે સરકાર પોતાના બજેટનો તો ઉપયોગ કરી જ રહી છે પરંતુ તે સિવાય લોન અને નાણાકીય સહાય લઈ રહી છે. વિશાળકાય પ્રોજેક્ટોમાં સૌથી મહત્ત્વનો ગંગા નદી પર તૈયાર થઈ રહેલો પદ્મા બ્રીજ છે જેની પાછળ 2.90 અબજ ડૉલરનો ખર્ચે થવાનો અંદાજ છે.
શેખ હસીના સામે કેમ વિરોધ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં હાલમાં જે વિરોધ પ્રદર્શન થયાં છે તેને સતત ચોથી વખત ચૂંટાયેલાં શેખ હસિના સામે મોટો પડકાર ઊભો કર્યો છે. ગયા વર્ષે વિવાદાસ્પદ સામાન્ય ચૂંટણીમાં શેખ હસીના ફરીવાર ચૂંટાઈને આવ્યાં હતાં.
તેમની ઉપર રાજીનામું આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેઓ માન્યાં નહીં. તેમણે પ્રદર્શન કરતા લોકોને ‘ચરમપંથી’ કહ્યા હતા અને ‘ચરમપંથીઓને કડક હાથે ડામવા’ માટે સમર્થનની અપીલ કરી હતી.
સરકારી નોકરીઓમાં અનામત સામે ઢાકા અને દેશના અન્ય વિસ્તારોમાં વિરોધપ્રદર્શન શરૂ થયાં હતાં જેને બાદમાં સરકાર વિરોધી આંદોલનનું સ્વરૂપ લઈ લીધું હતું.
કોવિડ-2019 બાદ બાંગ્લાદેશ વધતી જતી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે અને વિદેશી હુંડિયાણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. સાલ 2016માં સરખામણીમાં વિદેશી દેવું બમણું થઈ ગયું છે.
ટીકાકારોના મતે શેખ હસિના સરકારના ગેરવહીવટ અને ભષ્ટ્રાચારના કારણે આમ થયું છે. તેઓ આક્ષેપ કરે છે કે બાંગ્લાદેશની આર્થિક પ્રગતિનો લાભ માત્ર એવા લોકોને થયો છે જેઓ આવમી લીગની નજીક છે.
ટીકાકારો અનુસાર બાંગ્લાદેશની પ્રગતિ માટે લોકશાહી અને માનવઅધિકારના મૂલ્યોને નેવે મૂકવામાં આવ્યા છે. શેખ હસીનાના શાસનમાં વિરોધ પક્ષો, વિરોધીઓ અને મીડિયા સામે સરમુખ્યત્યારશાહી વલણ સાથે પગલાં લેવામાં આવ્યાં હોવાનો આક્ષેપ છે.
બાંગ્લાદેશની સરકાર અને શેખ હસીનાએ આ આક્ષેપોને ફગાવી દીધા છે.
સરકાર વિરોધી પ્રદર્શનો માટે બીએનપીના કેટલાક સિનિયર નેતાઓ અને હજારો સમર્થકોની છેલ્લા કેટલાક સમયમાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ એક એવા નેતાના ઇશારે કરવામાં આવ્યું જેઓ એક સમય મલ્ટી-પાર્ટી ડેમોક્રેસીના સમર્થક હતાં.
માનવઅધિકાર જૂથો અનુસાર 2009થી લઈને અત્યાર સુધી વ્યક્તિ બળજબરીપૂર્વક ગુમ થઈ ગઈ હોય તેવા હજારો કેસ નોંધાયા છે. દેશના સુરક્ષા દળો દ્વારા ગેરકાયદેસર રીતે હત્યા કરવામાં આવી હોય તેવા પણ સંખ્યાબંધ કેસ સામે આવ્યા છે.
શેખ હસીનાની સરકાર આ માનવ અધિકાર ઉલ્લંઘનના દાવાઓને ખોટા ગણાવે છે. પરંતુ સરકાર આ કેસોની તપાસ કરવા માગતા વિદેશી પત્રકારોને પરવાનગી આપતી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












