'ચોખા માટે લોકોએ દીકરા-દીકરીઓને વેચી નાખ્યાં', ભારતમાં પડેલા ભયાનક દુકાળની કહાણી

બંગાળ દુકાળ 1943

ઇમેજ સ્રોત, SAILEN SARKAR

    • લેેખક, કવિતા પુરી
    • પદ, બીબીસી ન્યૂઝ

બંગાળના 1943ના ભીષણ દુકાળમાં પૂર્વ ભારતમાં 30 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. તે ઘટના બીજા વિશ્વયુદ્ધની સંગાથે માનવ જાનહાનિની સૌથી મોટી ખુવારી પૈકીની એક હતી.

આ દુકાળમાં મૃત્યુ પામેલા લોકો માટે દુનિયામાં ક્યાંય સ્મારક, સંગ્રહાલય કે તકતી સુધ્ધાં નથી.

જોકે, એ દુકાળમાંથી કેટલાક લોકો બચી ગયા હતા અને બહુ મોડું થાય તે પહેલાં એક માણસે લોકોની કથાઓ એકત્ર કરવાનું નક્કી કર્યું છે.

‘ભૂખ અમારો પીછો કરતી હતી’

બંગાળ દુકાળ 1943

ઇમેજ સ્રોત, Getty Images

બંગાળના દુકાળ વખતે ખોરાક શોધવા માટે લોકોએ મરણિયા થઈને જે ભયાવહ પગલાં લીધાં હતાં તેનું વર્ણન કરતાં બિજોયકૃષ્ણ ત્રિપાઠી કહે છે, “ઘણા લોકોએ થોડા ચોખા મેળવવા માટે તેમનાં દીકરી-દીકરીઓને વેચી નાખ્યાં હતાં. ઘણી પત્નીઓ અને યુવતીઓ તેમને જાણીતા કે અજાણ્યા પુરુષો સાથે ભાગી ગઈ હતી.”

બિજોયકૃષ્ણને તેઓ કેટલાં વર્ષના થયા છે તેની પાક્કી ખબર નથી, પરંતુ તેમનું વોટર કાર્ડ કહે છે કે તેઓ 112 વર્ષના છે. બિજોયકૃષ્ણ તે આપત્તિની સ્મૃતિ ધરાવતા છેલ્લા લોકો પૈકીના એક છે.

બંગાળના મિદનાપુર જિલ્લામાં તેમના ઉછેરની વાતો તેઓ ધીમે-ધીમે કરે છે. ચોખા મુખ્ય ખોરાક હતા અને તેમને યાદ છે કે 1942ના ઉનાળામાં ચોખાની કિંમત “કૂદકે ને ભૂસકે” વધી હતી.

એ વર્ષે ઑક્ટોબરમાં વાવાઝોડું ત્રાટક્યું હતું. એમાં તેમના ઘરની છત ઊડી ગઈ હતી અને ખેતરમાંના આખા વર્ષના ચોખાના પાકનો નાશ થયો હતો. તેમના પરિવારને ચોખા ખરીદવાનું ન પરવડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

તેઓ કહે છે, “ભૂખ અમારો પીછો કરતી હતી. ભૂખ અને રોગચાળો. તમામ વયના લોકો મરવા લાગ્યા હતા.”

બિજોયકૃષ્ણને કેટલીક ખોરાકની મળેલી સહાયતાઓ યાદ છે, પરંતુ તેમના કહેવા મુજબ, એ અપૂરતી હતી.

“દરેક વ્યક્તિએ અડધા ખાલી પેટ સાથે જીવવું પડતું હતું. ખાવા માટે કશું જ ન હતું તેથી ગામમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. લોકોએ ખોરાકની શોધમાં લૂંટફાટ શરૂ કરી હતી.”

કેમ તેઓ ગામેગામ ફરી રહ્યા છે?

બંગાળ દુકાળ 1943
ઇમેજ કૅપ્શન, બિજોયકૃષ્ણ ત્રિપાઠી અને સાયલન સરકાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિજોયકૃષ્ણના ઘરના વરંડામાં તેમના પરિવારની ચાર પેઢીઓ તેમની વાત સાંભળી રહી છે. સાયલેન સરકાર પણ તેમની સાથે છે. સાયલેન સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી બંગાળના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે અને વિનાશક દુકાળમાંથી બચી ગયેલા લોકો આપવીતી જાણી રહ્યા છે.

72 વર્ષના સાયલેન સરકાર ઉષ્માભર્યા છે. યુવાનો જેવા ઉત્સાહી છે અને સરળતાથી સ્મિત કરે છે. બિજોયકૃષ્ણ જેવા લોકો તેમની સાથે દિલ ખોલીને વાત શા માટે કરે છે એ તમે સમજી શકો.

ઋતુ ભલે ગમે તે હોય, તેઓ પગમાં સૅન્ડલ, પોતાનાં બૅકપેક અને પૂરતી રોલ-અપ સિગારેટ સાથે દેશભરમાં ફરતા રહે છે. તેઓ જૂની પેઢીના છે. પેન વડે કાગળમાં લોકોની દાસ્તાન નોંધે છે.

સાયલેનનો જન્મ દુકાળનાં થોડાં વર્ષો પછી થયો હતો અને તેમનું કહેવું છે કે તેઓ પરિવારના ફોટોગ્રાફ આલબમને લીધે તેના પ્રત્યે આકર્ષાયા હતા. કોલકાતામાં એક નાના છોકરા તરીકે તેઓ ક્ષીણ લોકોના ફોટોગ્રાફ્સ જોતા હતા અને પાનાં પલટતાં હતા.

એ ફોટોગ્રાફ્સ તેમના પિતાએ ક્લિક કર્યા હતા. તેમના પિતા દુકાળ દરમિયાન રાહતનું કામ કરતી એક સખાવતી સંસ્થા સાથે સંકળાયેલા હતા. સાયલેનના કહેવા મુજબ, તેમના પિતા ગરીબ માણસ હતા, “બાળપણમાં મેં તેમની આંખોમાં ભૂખમરાનો ભય જોયો હતો.”

જોકે, નિવૃત્ત શિક્ષક સાયલેને 2013 સુધી એ દિશામાં કોઈ શોધ શરૂ કરી ન હતી. મિદનાપુરમાં ફરતી વખતે 86 વર્ષની વયની એક વ્યક્તિ સાથે તેમની દુકાળ બાબતે વાતચીત થઈ હતી.

ગામમાં ચોખા ખૂટી પડ્યા હતા

બિજોયકૃષ્ણની માફક શ્રીપતિચરણ સામંતાને પણ વિનાશકારી વાવાઝોડું યાદ હતું. જીવન એ પહેલાંથી જ મુશ્કેલ બની રહ્યું હતું અને ચોખાના ભાવ સતત વધી રહ્યા હતા.

તેઓ ઑક્ટોબર 1942માં એક દિવસ ભાત ખાઈ રહ્યા હતા ત્યારે તોફાન ત્રાટક્યું હતું.

ચક્રવાત પછી ચોખાના ભાવ કેવી રીતે આસમાને પહોંચ્યા હતા અને વેપારીઓએ જે કંઈ બચ્યું હતું તે કોઈ પણ કિંમતે કેવી રીતે ખરીદ્યું હતું તે શ્રીપતિચરણને યાદ છે.

તેમણે સાયલેનને કહ્યું હતું, “ટૂંક સમયમાં અમારા ગામમાં ચોખા ખૂટી પડ્યા હતા. લોકો બચાવી રાખેલા ચોખાને સહારે જીવતા હતા, પરંતુ તેમણે ભોજન માટે ચોખા ખરીદવા પોતાની જમીન વેચવાનું શરૂ કર્યું હતું.”

પરિવારનો ચોખાનો ઘરેલુ ભંડાર તોફાન બાદ થોડાક દિવસ જ ચાલ્યો હતો અને પછી ખતમ થઈ ગયો હતો.

અન્ય હજારો લોકોની માફક શ્રીપતિચરણ પણ રાહતના આશામાં પોતાનું ગામ છોડીને કોલકાતા જવા રવાના થયા હતા. તેઓ નસીબદાર હતા, કારણ કે તેમની સાથે પરિવારના સભ્યો હતા. તેઓ બચી ગયા, પરંતુ બીજા લોકો એટલા નસીબદાર ન હતા. શહેરમાંના અજાણ્યા લોકો મદદ કરશે એવી આશાએ ઘણા લોકો રસ્તા પર, ફૂટપાથ પર અને કચરાપેટીની આસપાસ મૃત્યુ પામ્યા હતા.

ભૂલી જવાયેલી કરુણાંતિકા

બંગાળ દુકાળ 1943

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કલકત્તા, 1943 - ભોજન માટે લાગેલી લાંબી લાઇનો

દુકાળનાં કારણો અનેક તથા જટિલ હતાં અને તેની ચર્ચા વ્યાપકપણે થતી રહે છે.

બંગાળમાં 1942માં ચોખાનો પુરવઠો ભારે દબાણ હેઠળ હતો. બંગાળની સરહદ નજીક આવેલા બર્મા પર જાપાને વર્ષની શરૂઆતમાં આક્રમણ કર્યું હતું અને બર્માથી ચોખાની આયાત અચાનક બંધ થઈ ગઈ હતી.

બંગાળ યુદ્ધ મોરચાની નજીક હતું અને કોલકાતા સાથી દેશોના હજારો સૈનિકો અને યુદ્ધ સમયના ઉદ્યોગોના કામદારોનું યજમાન બન્યું હતું. તેનાથી ચોખાની માગ વધી હતી.

યુદ્ધ સમયે ફુગાવો પ્રચંડ હતો. જોરદાર મોંઘવારીને લીધે, પહેલેથી જ જીવન માટે સંઘર્ષ કરી રહેલા લોકો માટે ચોખા પહોંચની બહાર થઈ ગયા હતા.

દરમિયાન બ્રિટનને ભય હતો કે જાપાન પૂર્વ ભારત પર આક્રમણનો પ્રયાસ કરશે. તેણે ‘નકાર’ની નીતિને પ્રોત્સાહન આપ્યું હતું. બંગાળ ડેલ્ટા પ્રદેશમાંનાં નગરો અને ગામડાંમાંથી વધારાના ચોખા તથા બોટ્સ જપ્ત કરવામાં આવી હતી.

તેનો હેતુ આગળ વધતા સૈન્યને ખાદ્ય પુરવઠો અને પરિવહનની સુવિધા ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ અર્થતંત્ર પહેલાંથી જ નાજુક અવસ્થામાં હતું અને એ પગલાંથી તેમાં વિક્ષેપ સર્જાયો હતો. ભાવમાં વધુ વધારો થયો હતો. ખાદ્ય સુરક્ષા માટે ચોખાની સંઘરાખોરી કરવામાં આવી હતી. ઘણી વાર તે નફાખોરી માટે કરવામાં આવી હતી.

આટલું ઓછું હોય તેમ ઑક્ટોબર 1942ના વિનાશક ચક્રવાતે ચોખા મોટા ભાગના પાકનો નાશ કર્યો હતો. બાકી રહેલા પૈકીના મોટા ભાગના હિસ્સાનો નાશ પાક સંબંધી બીમારીને લીધે થયો હતો.

આ માનવીય આપત્તિ માટે કોણ જવાબદાર હતું અને ખાસ કરીને બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આ કટોકટીમાં તેની ગંભીરતા જાણ્યા પછી ભારતીયોને પૂરતી મદદ કરી હતી કે નહીં એ વિશે લાંબા સમયથી તેમજ ઉગ્ર ચર્ચા ચાલતી રહી છે.

નવા વાઇસરૉય ફિલ્ડ માર્શલ લૉર્ડ વેવેલના આગમન સાથે 1943ના અંત સુધીમાં રાહતના પ્રયાસો શરૂ થયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હતા.

‘એક જીવંત સંગ્રહ’

બંગાળ દુકાળ 1943

ઇમેજ સ્રોત, KUSHANAVA CHOUDHURY

ઇમેજ કૅપ્શન, સાઇલન સરકાર અને કુશાનાવા ચૌધરી

દુકાળનાં કારણો અને એ માટે કોણ દોષિત હતું તેની ચર્ચાઓમાં ઘણી વાર દુકાળમાંથી બચી ગયેલા લોકોની આપવીતીની કથાઓ ઢંકાઈ ગઈ છે.

સાયલેને તે દુકાળના 60થી વધુ સાક્ષીઓની આપવીતી એકઠી કરી છે. તેમણે જેમની સાથે વાત કરી હતી એ પૈકીના મોટા ભાગના લોકો અશિક્ષિત હતા અને તેઓ દુકાળ વિશે ભાગ્યે જ કશું બોલ્યા હતા અથવા તેમને એ બાબતે કશું પૂછવામાં આવ્યું હતું. તેમના પોતાના પરિવારજનોએ પણ એવું કર્યું ન હતું.

બચી ગયેલા લોકોની આપવીતીને સમર્પિત કોઈ આર્કાઈવ નથી. સાયલેન માને છે કે આ લોકોની આપવીતીની કથાઓને અવગણવામાં આવી હતી, કારણ કે તેઓ સમાજમાં સૌથી વધુ ગરીબ તથા નિઃસહાય લોકો હતા.

સાયલેન કહે છે, “તેઓ બધા તેમની વાત કોઈ સાંભળે તેની રાહ જોઈ રહ્યા હતા એવું લાગે છે.”

નિરતન મેડવા નામની મહિલાને સાયલેન મળ્યા ત્યારે નિરતન 100 વર્ષનાં હતાં. પોતાના સંતાનોને સંભાળવાનો પ્રયાસ કરતી માતાઓની વેદના તેમણે વર્ણવી હતી.

નિરતન મેડવાએ કહ્યું હતું, “માતાઓના સ્તનમાં દૂધ ન હતું. તેમનાં શરીર હાડકાંનો માળો બની ગયાં હતાં. ઘણાં બાળકો જન્મતાંની સાથે જ મૃત્યુ પામ્યાં હતાં. તેમની માતાઓ પણ મૃત્યુ પામી હતી. જેઓ તંદુરસ્ત અવસ્થામાં જન્મ્યા હતા તેઓ પણ ભૂખથી મૃત્યુ પામ્યા હતા. એ સમયે અનેક સ્ત્રીઓએ આપઘાત કર્યો હતો.”

નિરતને સાયલેનને એમ પણ જણાવ્યું હતું કે પતિ ભોજનની વ્યવસ્થા ન કરી શકે તો પત્નીઓ પરપુરુષ સાથે ભાગી જતી હતી.

તેમણે કહ્યું હતું, “એ સમયે લોકો આવી બાબતને કૌભાંડકારી ગણતા ન હતા. તમારી પાસે પેટ ભરવા ચોખા ન હોય અને તમને ખવડાવી શકે તેવું કોઈ ન હોય ત્યારે તમે સારા છો કે ખરાબ તેનો વિચાર કોણ કરે?”

દુકાળમાંથી કમાણી કરી હોય તેવા લોકો સાથે પણ સાયલેને વાત કરી હતી. એક વ્યક્તિએ સ્વીકાર્યું હતું કે તેણે “ચોખા અને દાળ અથવા થોડા પૈસાના બદલામાં” ઘણી જમીન ખરીદી હતી.

તેણે સાયલેનને એમ પણ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પરિવારનો કોઈ વારસદાર ન હોય તેવા કિસ્સામાં તેણે એ જમીન પોતાના નામે કરી લીધી હતી.

આ દુકાળને જાણે કે ભુલાવી દેવામાં આવ્યો

બંગાળ દુકાળ 1943

ઇમેજ સ્રોત, SAILEN SARKAR

ઇમેજ કૅપ્શન, અનંગમોહન દાસ

બંગાળી-અમેરિકન લેખક કુશાનવ ચૌધરી સાયલેન સાથે દુકાળમાંથી બચી ગયેલા કેટલાક લોકોને મળવા ગયા હતા.

તેઓ કહે છે, “અમારે એ લોકોને શોધવા પડ્યા ન હતા. તેઓ છુપાયેલા ન હતા. તેઓ સમગ્ર પશ્ચિમ બંગાળમાં તથા બાંગ્લાદેશનાં ગામડાંમાં સ્પષ્ટપણે નજરે પડતા હતા. તેઓ વિશ્વની સૌથી મોટી આર્કાઈવ તરીકે બેઠા હતા.”

“કોઈએ તેમની સાથે વાત કરવાની તસ્દી લીધી ન હતી. એ જાણીને મેં સખત શરમ અનુભવી હતી.”

દુકાળને તે સમયની આઈકૉનિક ફિલ્મો અને ફોટોગ્રાફ્સના સ્વરૂપે યાદ રાખવામાં આવે છે, પરંતુ કુશાનવના કહેવા મુજબ, પીડિતો અથવા બચી ગયેલા લોકોના અવાજને ભાગ્યે જ સાંભળવામાં આવ્યો છે.

તેઓ કહે છે, “દુકાળની અસર નથી થઈ તેવા લોકોએ તેની કથા લખી છે. કથાઓ કોઈ કહે છે અને વાસ્તવિકતાનું નિર્માણ કોઈ કરે છે, એવી આ ઘટના છે.”

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફસર શ્રુતિ કપિલાનું કહેવું છે કે દુકાળ પીડિતોના ભાગ્ય પર કદાચ એટલે કલંક લાગ્યું હતું કે ભારત માટે 1940નો દાયકો “મોતનો દાયકો હતો.”

1946માં કોલકાતામાં વ્યાપક કોમી રમખાણ થયાં હતાં, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.

એક વર્ષ પછી અંગ્રેજો હિન્દુ બાહુલ્યવાળા ભારત અને મુસ્લિમ બહુમતીવાળા પાકિસ્તાનને અલગ કરીને ચાલ્યા ગયા હતા. આઝાદીની ખુશી હતી, પરંતુ વિભાજન ખૂનખાર અને દર્દનાક હતું. દસ લાખથી વધુ લોકો માર્યા ગયા હતા, કારણ કે લોકોએ બીજા ધર્મના લોકો પર હુમલા કર્યા હતા. લગભગ 120 લાખ લોકોએ સીમા પાર ગયા હતા.

બંગાળ પોતે પણ ભારત અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે વિભાજિત હતું. પૂર્વ પાકિસ્તાન બાદમાં બાંગ્લાદેશ બન્યું હતું.

આ સમયગાળા બાબતે પ્રોફેસર કપિલા કહે છે, “સામૂહિક મૃત્યુની શ્રેણીમાં બહુ ઓછાં વિરામચિહ્નો છે. આ જ કારણથી મને લાગે છે કે બંગાળનો દુકાળ એ કથાની વચ્ચે પોતાનું સ્થાન શોધવા સંઘર્ષ કરતો રહ્યો છે.”

અમર્ત્ય સેનનો અનુભવ

પીડિતોના કહેવા મુજબ, તેમની પીડાને વ્યાપક પ્રમાણમાં કાને ધરવામાં આવી નથી, ત્યારે પ્રોફેસર કપિલા જણાવે છે કે ઘણા ભારતીયો દુકાળ તથા ભૂખમરાને બ્રિટિશ સામ્રાજ્ય કાયમી વારસો માને છે.

જે લોકો ભૂખ્યા ન હતા તેઓ પણ તેમણે જે જોયું હતું તેને ક્યારેય ભૂલી શક્યા નથી. વિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન દુકાળ વખતે નવ વર્ષના હતા અને જાપાની બૉમ્બમારાથી બચવા માટે તેમને કોલકાતાથી ઉત્તરે 100 માઈલ દૂર આવેલા શાંતિ નિકેતનમાં રહેવા તેમનાં દાદા-દાદી સાથે મોકલી દેવામાં આવ્યા હતા.

તેમને યાદ છે કે એપ્રિલ, 1943માં તેઓ એક દિવસ શાળામાં હતા ત્યારે તેમણે બહારથી કોલાહલ સાંભળ્યો હતો. વિદ્યાર્થીઓ ક્લાસ છોડીને બહાર આવી ગયા હતા અને તેમણે એક માણસને શાળાના મેદાનમાં આવતો જોયો હતો.

“એ માણસ બહુ અશક્ત હતો. ઘણા સપ્તાહોથી ભૂખ્યો હતો અને ખોરાકની શોધમાં શાળામાં આવ્યો હતો. તેની માનસિક સ્થિતિ સ્પષ્ટ રીતે સારી ન હતી.”

ભૂખ્યો માણસ સ્પષ્ટ રીતે કશું બોલી શકતો ન હતો. અમર્ત્યને તેના નામની ખબર ક્યારેય પડી ન હતી, પરંતુ તેઓ એટલું સમજી શક્યા હતા કે એ માણસે છેલ્લા એક મહિનાથી ભાગ્યે જ કશું ખાધું હતું. શિક્ષકો ઝડપથી આવી પહોંચ્યા હતા અને તેમણે ભૂખ્યા માણસને ખાવાનું આપ્યું હતું.

“મેં એ પહેલાં કોઈ માણસને ભૂખથી મરતા જોયો ન હતો. તેથી એ અચાનક મૃત્યુ પામશે એવું હું વિચારી શકતો ન હતો.”

જોકે, તે મરણિયો બનેલો એકમાત્ર માણસ ન હતો. પોતાનાં દાદા-દાદીના ઘરની નજીકની શેરીઓમાં અમર્ત્યે હજારો લોકોને ભૂખે મરતા જોયા હતા. એ દૃશ્યોથી અમર્ત્ય રાતે ભયભીત થઈ જતા હતા.

અમર્ત્ય સેને કહ્યું હતું, “તેમને ભૂલવાનું મુશ્કેલ હતું. એ ઘટના એટલી બીભત્સ, એટલી ઘૃણાસ્પદ અને એટલે હદે અસ્વસ્થ કરી મૂકે તેવી હતી કે લોકો સાથે શું થઈ રહ્યું છે તે યાદ કર્યા વિના ઊંઘવાનું મુશ્કેલ હતું.”

અમર્ત્ય લોકોની પીડાને રોકવા કશુંક કરવા ઇચ્છતા હતા. તેમણે તેમનાં દાદીને પૂછ્યું હતું કે હું એ લોકોને થોડા ચોખા આપી શકું? દાદીએ સિગારેટનું ટીન બહાર કાઢ્યું હતું અને કહ્યું હતું કે આ અડધું ટીન ભરીને તેમને ચોખા આપી શકે છે.

અમર્ત્યે ઉમેર્યું હતું, “કેટલીક વાર મેં તે નિયમનું ઉલ્લંઘન કર્યું હતું અને અડધાથી વધુ ટીન ભરીને ભૂખ્યા લોકોને ચોખા આપ્યા હતા.”

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત સરકારના કટોકટીના નિયમોનો એક અર્થ એવો હતો કે ‘દુષ્કાળ’ વિશે રિપોર્ટ કરી શકાતો ન હતો. જાપાન અને જર્મની તેનો ઉપયોગ દુષ્પ્રચાર માટે કરશે, એવી સત્તાવાળાઓને ચિંતા હતી.

બંગાળ દુકાળ 1943

ઇમેજ સ્રોત, SAILEN SARKAR

ભારતીય ફોટોગ્રાફરો, લેખકો અને કળાકારોએ દુકાળનું શ્રેષ્ઠ રીતે દસ્તાવેજીકરણ કર્યું હતું.

ચિત્રપ્રસાદ ભટ્ટાચાર્યે ‘હંગ્રી બેંગોલઃ અ ટૂર થ્રુ મિદનાપુર ડિસ્ટ્રિક્ટ’ નામનો દસ્તાવેજ બનાવ્યો હતો. તેમાં દુકાળનો ભોગ બનેલા અને બચી ગયેલા લોકોને શાહીથી ચિત્રિત ચિત્રોનો સમાવેશ થાય છે.

તેમણે એ લોકોનાં નામ આપ્યાં હતાં અને તેઓ કોણ હતા તથા ક્યાંના હતા તેની વિગત પણ આપી હતી. આ દસ્તાવેજનું 1943માં પ્રકાશન કરવામાં આવ્યું ત્યારે અંગ્રેજોએ તેની લગભગ 5,000 કૉપી જપ્ત કરી લીધી હતી.

1943ના ઉનાળામાં આકાર પામેલી પરિસ્થિતિને આવરી લેવામાં અંગ્રેજોની માલિકીના અખબાર સ્ટેટ્સમેનના તંત્રી ઈયાન સ્ટીફન્સને પણ તકલીફ પડી હતી.

1970ના દાયકામાં બીબીસીને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું, “એક માણસ તરીકે મને પારાવાર પીડા થઈ હતી. લોકો જે ભયાનક વેદના અને તેનો સામનો કરવામાં સરકારની જડતા જોઈને મને આક્રોશની લાગણી થઈ હતી.”

તેમણે નિયમોમાંથી છટકબારી શોધી કાઢી હતી. તેમણે 1943ની 22 ઑગસ્ટે કોલકાતાની શેરીઓમાં મૃત્યુ પામેલા અથવા મરણોન્મુખ લોકોના ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા હતા.

એ ફોટોગ્રાફ્સ ટૂંક સમયમાં દિલ્હી અને વિશ્વભરમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમણે વધુ ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા હતા અને આકરા તંત્રીલેખો લખ્યા હતા. દુનિયાને ટૂંક સમયમાં ખબર પડી ગઈ હતી કે બંગાળમાં શું થઈ રહ્યું છે.

બાદમાં નોબલ પારિતોષિક વિજેતા બનેલા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને દુકાળનાં કારણો અને તેની અસરોનો અભ્યાસ કર્યો હતો. સ્ટીફન્સ સાથે તેમની મુલાકાત જીવનમાં બહુ મોડી થઈ હતી. અમર્ત્ય સેનના કહેવા મુજબ, સ્ટીફન્સના અખબારના અભિયાનને લીધે ઘણા લોકોનો જીવ બચ્યો હતો.

બચી ગયેલા લોકો પૈકીની થોડાક જ, દુકાળનાં 80 વર્ષ પછી હયાત છે.

સાયલેનને યાદ છે કે તેઓ અનંગમોહન દાસ નામના એક પુરુષને મળવા ગયા હતા. અનંગમોહન દાસ ત્યારે 91 વર્ષના હતા. સાયલેનના આવવાનું કારણ સાંભળીને અનંગમોહન દાસ થોડી વાર ચૂપ થઈ ગયા હતા. “તમે આટલા મોડા કેમ આવ્યા?” એવું કહેતી વખતે અનંગમોહન દાસના ગાલ પરથી આંસુ સરી પડ્યાં હતાં.

સાયલેને પીડિતો પાસેથી જે માહિતી એકત્ર કરી છે તે લાખો લોકોનો ભોગ લેનાર અને લાખો લોકોનું જીવન બદલી નાખનાર જંગી ઘટનાનો બહુ નાનો હિસ્સો છે.

સાયલેન કહે છે, “તમે તમારા ઇતિહાસને ભૂલવા ઇચ્છતા હો તો તમે બધું ભૂલી જવા ઇચ્છતા હો છો.” સાયલેન કૃતનિશ્ચય છે કે આવું ન થવું જોઈએ.