લલિતામાંથી લલિત બન્યા બાદ હવે પિતા બન્યો, સ્ત્રીમાંથી પુરુષ બનવાની કહાણી

લલિત સાલ્વે

ઇમેજ સ્રોત, KIRAN SAKALE

ઇમેજ કૅપ્શન, લલિત સાલ્વે
    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, બીડ, મહારાષ્ટ્ર

“લલિતા લલિત બની, લલિત પિતા બન્યો, દીકરી દીકરો બની, દીકરો પિતા બન્યો.”

આ કહેતી વખતે મહારાષ્ટ્રના બીડમાં રહેતા લલિત લલિત સાલ્વેની આંખોમાં એક અલગ જ ચમક હતી.

લલિતનાં પત્ની સીમાએ જાન્યુઆરીમાં એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ લલિત માટે અત્યાર સુધીની જીવનસફર ભારે સંઘર્ષભરી રહી છે.

2020 સુધી લલિતની ઓળખ લલિતા સાલ્વે તરીકે હતી. લલિતાને બાળપણથી જ લાગતું હતું કે તેના શરીરમાં કંઈક ગડબડ છે.

જનનેંદ્રિય પાસે ગઠ્ઠા જેવું કશુંક જણાતાં લલિતા ડૉક્ટર પાસે ગયાં હતાં અને ડૉક્ટરે લલિતા સ્ત્રી નહીં, પરંતુ પુરુષ હોવાનું નિદાન કર્યું હતું.

2018 અને 2020ની વચ્ચે કુલ ત્રણ સર્જરી પછી લલિતાને લલિત સાલ્વે તરીકે નવી ઓળખ મળી હતી.

એ સર્જરી કરનાર ડૉ. રજત કપૂરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લલિત પર કરવામાં આવેલી શસ્ત્રક્રિયા લિંગપરિવર્તનની નહીં, પરંતુ જેનિટલ રિકન્સ્ટ્રક્શન સર્જરી છે.

એ પછી 2020માં લલિતે લગ્ન કર્યાં હતાં.

લલિત કહે છે, “મેં ડૉક્ટરને પૂછ્યું હતું કે હું લગ્ન કરી શકું કે નહીં. તેમણે જવાબ આપ્યો હતો કે તને ફીટ લાગતું હોય તો તું લગ્ન કરી શકે છે. એ પછી મેં લગ્નનો નિર્ણય કર્યો હતો.”

સીમાએ આયોજીત કરેલો રાત્રિ ભોજન સમારંભ

ઇમેજ સ્રોત, KIRAN SAKALE

ઇમેજ કૅપ્શન, સીમાએ આયોજીત કરેલો રાત્રિ ભોજન સમારંભ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લલિતે સંભાજીનગરની સીમા બનસોડે નામની યુવતી સાથે 2020ની 14 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં, પરંતુ એ નિર્ણય તેમના માટે આસાન ન હતો.

લલિત કહે છે, “એક સમયે લોકો મને કહેતા કે છોકરીમાંથી છોકરો થોડો થાય. તું કંઈ પણ કહે છે. લોકો હસતા અને મશ્કરી કરતા. મારે આવી બધી બાબતોનો સામનો કરવો પડ્યો. હું તેમાંથી બહાર નીકળ્યો અને પુત્રીમાંથી પુત્ર બન્યો.”

“એ પછી પણ લોકો કહેતા હતા કે 'તને છોકરી કોણ આપશે? તારી સાથે લગ્ન કોણ કરશે?' મેં એક છોકરી સાથે લગ્ન કર્યાં છે. તેમણે કહ્યું, 'ઠીક છે, પરંતુ તેને સંતાન નહીં થાય.' 'છોકરીનું જીવન ધૂળધાણી કરી નાખ્યું' એવું પણ કહ્યું, પરંતુ હવે હું પિતા પણ બની ગયો છું.”

લગ્નનાં ત્રણ વર્ષ પછી લલિત અને સીમાએ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. પત્ની ગર્ભવતી છે એવી ખબર પડ્યા પછી લલિતનો પ્રતિભાવ કેવો હતો?

લલિત કહે છે, “એ લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. સીમા ગર્ભવતી છે એ ખબર પડી તે દિવસે મારા આનંદનો પાર ન રહ્યો. મેં મારી માતાને ફોન કરીને કહ્યું હતું. બધાં દંપતી નક્કી કરે છે તેમ અમે પણ આ બાબતે કોઈને કશું નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.”

લલિત સાલ્વે

ઇમેજ સ્રોત, Kiran Sakale

ઇમેજ કૅપ્શન, લલિત સાલ્વે

ડોહાળે જમણ (સીમંત) કાર્યક્રમ પછી જ લલિતનાં તમામ સગાંસબંધીઓને સીમાની પ્રેગ્નન્સી વિશે ખબર પડી હતી.

લોકોનો પ્રતિભાવ શું હતો, એવા સવાલના જવાબમાં લલિત કહે છે, “લલિત પિતા બનવાનો છે? એ કંઈ પણ કહે છે. લોકો ફોન કરીને પૂછતા હતા કે 'તારી પત્ની પ્રેગ્નન્ટ છે એટલે તેં ડોહાળે જમણ કરાવ્યું?' કેટલાકે કહ્યું હતું કે 'તેણે ટેસ્ટ ટ્યુબ બેબી અથવા બીજું કંઈક કર્યું હશે. છોકરી છોકરો થઈ શકે, પણ પિતા કેવી રીતે બની શકે?'”

“લોકો એવું પણ કહેતા કે 'લલિત ડોહાળે જમણના ફોટા મોકલજે, વીડિયો પોસ્ટ કરજે. પછી ફોટા જોઈને હું કહીશ. વાહ, ખરેખર. અભિનંદન.'”

લલિત અને સીમાના સંતાનનો જન્મ 2014ની 15 જાન્યુઆરીએ થયો હતો. એ દિવસ યાદ આવે છે ત્યારે લલિતનાં રૂવાં ઊભાં થઈ જાય છે.

“ડૉક્ટરે મને અંદર બોલાવ્યો. હું ધ્રુજતા પગે અંદર ગયો. પૂછ્યું, શું થયું? અંદર ગયો ત્યારે બાળક રડતું હતું. તેના શરીર પર કપડું હતું. ડૉક્ટરે તે કપડું હટાવીને કહ્યું કે તમારા પુત્રનો જન્મ થયો છે. મેં ડૉક્ટરને નમસ્કાર કર્યા. એ આજે યાદ કરું છું ત્યારે રૂવાં ઊભાં થઈ જાય છે.”

લલિત હાલમાં બીડ પોલીસદળમાં કાર્યરત છે

ઇમેજ સ્રોત, Lalit Salve

ઇમેજ કૅપ્શન, લલિત હાલમાં બીડ પોલીસદળમાં કાર્યરત્ છે

લલિત ભારપૂર્વક જણાવે છે કે બાળકના જન્મ માટે ટેસ્ટ ટ્યુબ કે આઈવીએફ જેવી કોઈ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ લલિત સાલ્વેનું પિતા બનવું અન્ય પુરુષો કરતાં કેવી રીતે અલગ હતું?

લલિત કહે છે, “ફરક એ માણસનો છે, જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. તે સ્ત્રી છે કે પુરુષ, તેની જાતિ કઈ છે એ સ્પષ્ટ ન હતું. આવી વ્યક્તિએ આગળ વધીને પોતાના અસ્તિત્વનું નિર્માણ કર્યું. પોતાની દુનિયા બનાવી. આ બહુ મોટી વાત છે.”

લલિત વર્ષ 2010થી પોલીસદળમાં કૉન્સ્ટેબલ તરીકે કામ કરે છે. હાલ તેઓ બીડના પોલીસ અધિક્ષકની ઓફિસમાં કાર્યરત્ છે. તેમણે તેના પુત્ર માટે કેટલાંક સપનાં જોયાં છે.

દીકરાને ખોળામાં લઈને તેની તરફ નજર કરતાં લલિત કહે છે, “મારી અહીં સુધીની યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. હવે સંતાનને ઉછેરવાનું છે. અત્યારે તે એક પોલીસ કૉન્સ્ટેબલનો દીકરો છે, પરંતુ મારું સપનું તેને આઈએએસ, આઈપીએસ ઓફિસર બનાવવાનું છે. આ મારું લક્ષ્ય છે.”

લલિતની નાનપણની તસવીર

ઇમેજ સ્રોત, Lalit Salve

ઇમેજ કૅપ્શન, લલિતની નાનપણની તસવીર

લલિત હાલ અન્ય લોકોને માર્ગદર્શન આપે છે. લોકો તેને ફોન કરીને જેનિટલ રિકન્સ્ટ્રક્શન સર્જરી વિશે પૂછે છે. તેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે.

આ બાબતે વાત કરતાં લલિત કહે છે, “હું લોકોને પૂછું છું કે તમને શું સમસ્યા છે? તેઓ કહે છે કે અમારે તમારા જેવું કરાવવું છે. હું પૂછું છું, શા માટે કરાવવું છે? તમારે એવું શા માટે કરાવવું છે? તમારાં માતા-પિતાને ખબર છે? તમે ડૉક્ટરને દેખાડ્યું છે?”

“આવી બધી માહિતી મેળવું છું અને જેમને ખરેખર સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય તેમને માર્ગદર્શન આપું છું. તેમના માટે ડૉક્ટર સાથે વાત કરું છું.”

તેમાં તમામ પ્રકારના લોકો હોય છે તેનો ઉલ્લેખ કરતાં લલિત એક ઉદાહરણ આપે છે.

એક પુરુષ એક મહિલાને પ્રેમ કરતો હતો, પરંતુ એ પુરુષની પત્નીને ખબર પડી જશે તો તેઓ સાથે રહી શકશે નહીં, એવો ડર તે મહિલાને હતો. તેથી તેણે લલિતને ફોન કરીને ફિમેલ ટુ મેલ સર્જરી બાબતે પૂછ્યું હતું.

લલિતે તે મહિલાને પૂછ્યું કે 'તમે સર્જરી શા માટે કરાવવા ઈચ્છો છો ત્યારે એ મહિલાએ કહ્યું હતું કે સર્જરી પછી હું પુરુષ બનીશ અને મારા પ્રેમી સાથે રહી શકીશ.'

લલિત સાલ્વે

ઇમેજ સ્રોત, Kiran Sakale

ઇમેજ કૅપ્શન, લલિત સાલ્વે

તૃતીયપંથીય સમુદાયને લોકોએ માનવતાની નજરે જોવો જોઈએ, એવી આશા લલિત વ્યક્ત કરે છે.

લલિત કહે છે, “ટ્રાન્સજેન્ડર, તૃતીયપંથી, એલજીબીટી લોકોને આપણો સમાજ ખોટી નજરે જુએ છે. આપણે સ્ત્રીને સ્ત્રી તરીકે અને પુરુષને પુરુષ તરીકે જોઈએ છીએ તો ટ્રાન્સજેન્ડર પ્રત્યે આપણને કુતૂહલ શા માટે થાય છે? તમને લલિત સાલ્વે પ્રત્યે કુતૂહલ થાય છે?”

“કોઈ તૃતીયપંથી રસ્તા પર જતો હોય તો તમે તેને હિજડો કેમ કહો છો? તેને એક માણસ તરીકે જુઓ.”

લલિતાથી લલિત અને લલિતથી બાળકના પિતા બનવાની સફર વિશે પૂછવામાં આવ્યું ત્યારે લલિતે કહ્યું, “લલિતાથી લલિત એટલે સ્ત્રીમાંથી પુરુષ અને પુત્રનો પિતા. મારી આ યાત્રા સંઘર્ષમય હતી. ઘણી લડાઈ થઈ હતી. ચાર દિવાલમાં રડવું પડ્યું હતું. ઘરના દરવાજા બહાર શેરીમાં લડવાનું હતું. તે બહુ મોટો સંઘર્ષ હતો. હવે લલિત તેમાંથી મુક્ત થઈ ગયો છે. મુક્તપણે શ્વાસ લે છે. ખૂબ જ આનંદથી જીવે છે.”

બીબીસી
બીબીસી