ગર્ભધારણ વિના સ્તનપાન કરાવી શકાય? નિષ્ણાતો શું કહે છે

ઇમેજ સ્રોત, PRESS ASSOCIATION
- લેેખક, જ્યુઇલિયા ગ્રાન્ચી
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ, લંડનથી
ગ્રંથપાલ એલિન ટેવેલા અને તેમનાં પત્રકાર પત્ની કેમિલા સોઝા 13 વર્ષથી સાથે રહે છે. થોડા સમયથી તેઓ બાળકનાં આગમનની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં.
એલિન 2022માં આસિસ્ટેડ રિપ્રોડક્શન દ્વારા ગર્ભવતી થયાં ત્યારે તેમણે સ્તનમાં દૂધ પેદા કરવા માટે તબીબી સારવાર કરાવવા વિશે વિચાર્યું હતું અને એ રીતે ગર્ભાવસ્થામાંથી પસાર થયા વિના બાળકને સ્તનપાન કરાવ્યું હતું.
“હું શક્યતા વિશે જાણતી હતી, કારણ કે મારી એક સખીએ પ્રયાસ કર્યો હતો. તેના કિસ્સામાં એ પ્રયાસ સફળ થયો ન હતો, પરંતુ મેં વિચાર્યું હતું કે શક્યતા હોય તો પ્રયાસ શા માટે ન કરવો? હું માતૃત્વનો વિચાર શેર કરવાના વિચારથી પ્રેરિત હતી. એવું ન કરવામાં આવે ત્યારે ભારે પડી શકે છે.”
કેમિલાએ પ્રોફેશલ્સની સલાહ લીધી હતી. તેમણે કેમિલાને મદદ કરી હતી અને સમજાવ્યું હતું કે તેઓ સગર્ભા માતા કરતાં ઓછું સ્તનપાન કરાવી શકશે, પરંતુ બાળકને પોષણમાં ફાળો જરૂર આપી શકશે. તેમના દૂધમાં એમના જીવનસાથી જેટલી જ ગુણવત્તા હશે.
કેમિલા કહે છે, “મેં વધારે પડતી અપેક્ષા વિના શરૂઆત કરી હતી, પરંતુ ઇન્ડક્શન મારા માટે બહુ સારું રહ્યું. પ્રોટોકોલ શરૂ કર્યાના નવ દિવસ પછી દુધના પ્રથમ ટીપાં દેખાયાં હતાં. આવો પ્રયાસ કરતી દરેક વ્યક્તિ સાથે એવું બનતું નથી એ હું જાણું છું.”
બીબીસી ન્યૂઝ બ્રાઝિલે આ બાબતે કેટલાક આરોગ્ય નિષ્ણાતો સાથે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ કેસ થોડો દુર્લભ છે અને તેને સફળ ગણવો જોઈએ.
કેમિલાના સ્તનમાં એટલું દૂધ આવતું હતું કે તેમણે વધારાનો હિસ્સો મિલ્ક બૅન્કને દાન કર્યો હતો. અકાળે જન્મેલાં અથવા માતાઓ જેમને કોઈ કારણોસર સ્તનપાન કરાવી શકતી ન હોય એવાં બાળકો માટે મિલ્ક બૅન્કમાં દૂધ એકઠું કરવામાં આવે છે.
તેઓ કહે છે, “અમારા પુત્રના જન્મને ત્રણ મહિનાની વાર હતી. તેથી હું એ દૂધનો સારો ઉપયોગ કરવા ઇચ્છતી હતી. મારા સ્તનમાં દૂધના ઉત્પાદનનું સ્તર ટોચ પર હતું ત્યારે એક સપ્તાહમાં મેં એક લિટર દૂધ દાનમાં આપ્યું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્તનપાનનું દૂધ કેવી રીતે બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સગર્ભાવસ્થા દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું સ્તર ગર્ભાવસ્થાને નિરામય રાખવા અને બાળકના આગમન પહેલાં દૂધ ઉત્પાદન અટકાવવા માટે એલિવેટ કરવામાં આવે છે.
આ હોર્મોન્સનો મુખ્ય સ્રોત પ્લેસેન્ટા છે. બાળકના જન્મ સમયે પ્લેસેન્ટા બહાર કાઢવામાં આવે છે અને દૂધના ઉત્પાદનને વધારવા માટે જવાબદાર હોર્મોન પ્રોલેક્ટીનને શરીરમાં તેનું કામ કરવાની સ્વતંત્રતા મળે છે.
દ્વિ-માતૃત્વ ધરાવતી માતાઓ કે બાળક દત્તક લેતી માતાઓમાં, સ્તનપાન માટે સક્ષમ બને એટલે કે સગર્ભાવસ્થામાંથી પસાર થયા વિના સ્તનપાન કરાવી શકે એ માટે, સગર્ભા સ્ત્રીમાં થાય છે તેવી જ જૈવિક પ્રક્રિયાનું અનુસરણ થાય છે.
સંબંધિત સ્ત્રી પાસે તૈયારી માટે ઘણા મહિનાનો સમય હોય તો ડૉક્ટર તેમને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સાથે ગેલેક્ટાગોગ ધરાવતી દવાનો હોર્મોનલ ઉપચાર સૂચવે છે. ગેલેક્ટાગોગ એક પદાર્થ છે, જે સ્તનપાનને પ્રોત્સાહિત કરે છે.
સૌથી વધુ ઉપયોગમાં લેવાતું તત્ત્વ ડોમ્પેરીડોન છે, જે પ્લાસિલ જેવી ઉબકાના શમન માટેની દવાઓમાં હોય છે.
જોકે, આ દવાને લેક્ટેશન ઇન્ડ્યુસ કરાવવાની દવા તરીકે બ્રાઝિલની આરોગ્ય નિયામક સંસ્થા અન્વિસા દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ તે ‘ઑફ્ફ લેબલ’ અસર ધરાવે છે એટલે કે તેના મુખ્ય હેતુ ઉપરાંત આ હેતુ માટે પણ સારી રીતે કામ કરે છે.
કેટલાક લોકો સ્વાસ્થ્યના કારણોસર હોર્મોન્સનો ઉપયોગ કરી શકતા નથી.
ડીપ વેઈન થ્રોમ્બોસિસ, હૃદય રોગ, અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર, બ્રેસ્ટ કેન્સર, સ્ટ્રોકનો ઇતિહાસ ધરાવતા લોકો અને હોર્મોન-સેન્સિટિવ કૅન્સર્સ ધરાવતા લોકોને આ દવા લેવાની સલાહ આપવામાં આવતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ પ્રક્રિયાનો સૌથી આવશ્યક હિસ્સો છે સકિંગ એટલે ચૂસવું. એ દવાઓથી સ્વતંત્ર છે. તેથી હોર્મોન્સ વિના પણ સારું પરિણામ મેળવી શકાય છે, એવું ઇન્ટરનેશનલ બોર્ડ પ્રમાણિત લેક્ટેશન કન્સલ્ટન્ટ (આઈબીસીએલસી) સાથે સંકળાયેલા સ્તનપાન તથા બાળરોગ નિષ્ણાત ડોનોરિના ડી અલ્મેડા જણાવે છે.
હોનોરિના સાઓ પાઉલોમાંના કાસા કુરુમિમના સ્થાપક ભાગીદાર છે. કાસા કુરુમિમનું મામેપ્લસ આઉટપેશન્ટ ક્લિનિક આ સંબંધે કન્સલ્ટન્સી ઑફર કરે છે તથા પમ્પ અને અન્ય સામગ્રી વપરાશ માટે મફતમાં ઉપલબ્ધ કરાવે છે. હોનોરિના કહે છે, “બાળક સ્તનપાન કરતી વખતે તેને ચૂસે છે. એ પ્રક્રિયાના અનુકરણ માટે ઇલેક્ટ્રિક પમ્પ સૌથી અસરકારક પદ્ધતિ છે.”
દૂધના ઉત્પાદનનું કામ કરતા પ્રોલેક્ટીન અને ઓક્સીટોક્સિન ‘લવ હોર્મોન’ તરીકે ઓળખાય છે. તે સ્તન્ય પ્રાણીઓના ગર્ભમાં રહેલા બચ્ચાની સુરક્ષા માટેના આચ્છાદનના સંકોચનનું કારણ બને છે, જેના કારણે દૂધ સ્તનની ડીંટી તરફ ધકેલાય છે.
આ બે હોર્મોન્સ એક જટિલ હોર્મોનલ પ્રક્રિયાનો એક ભાગ છે, જે પિટ્યુટરી ગ્રંથીથી શરૂ થાય છે. પિટ્યુટરી ગ્રંથી મગજના નીચલા હિસ્સામાં આવેલી એક નાનકડી ગ્રંથી છે, જે દૂધ ઉત્પાદન જરૂરી હોવાની માહિતી મેળવે છે.
પ્રસૂતિ પરિચારિકા અને સ્તનપાન સલાહકાર રેનાટા આઈક કહે છે, “માતા દ્વારા ઉત્પાદિત દૂધનું પ્રમાણ જૈવિક માતા જેટલું ન હોય તે શક્ય છે. તેનો ઉલ્લેખ જરૂરી છે, કારણ કે જૈવિક માતા ગર્ભાવસ્થા દરમિયાન સ્તન પરિપકવતાની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે.”
કેમિલા અને એલિનનો પુત્ર નિકોલા હવે ચાર મહિનો થઈ ગયો છે. તેમના કિસ્સામાં બિન-ગર્ભવતી માતા કેમિલાનું દૂધ પૂરતું અને જરૂરી હતું, કારણ કે તેની પત્ની એલિનને બાળજન્મ દરમિયાન સર્જાયેલી સમસ્યાઓને કારણે થોડી માત્રામાં દૂધનું ઉત્પાદન થયું હતું.
મોટાભાગનાં યુગલો માટે એક મહત્ત્વપૂર્ણ તફાવત હોય છે, એમ સમજાવતાં રેનાટા આઈક કહે છે, “એ તફાવતની ભરપાઈ માટે ટ્રાન્સલેક્ટેશન નામની પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. તેમાં ગર્ભવતી ન હોય તેવી માતાના સ્તનમાં બ્રેસ્ટ મિલ્ક સાથેની નળી મૂકવામાં આવે છે. બાળક સ્તનાગ્રને ચૂસે છે ત્યારે તે સ્તનને ઉત્તેજિત કરે છે અને મગજને વધુ દૂધ ઉત્પન્ન કરવાનો સંદેશ મળે છે.”
તેમના કહેવા મુજબ, આ પ્રક્રિયા દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે છે ત્યારે તે જોખમી બનતી નથી.
તેઓ કહે છે, “ડબલ બ્રેસ્ટફીડિંગને ક્રોસ-બ્રેસ્ટફીડિંગ ગણી શકાય નહીં, કારણ કે પોતે તંદુરસ્ત છે અને તેમનાથી બાળકને કોઈ જોખમ નથી તે સુનિશ્ચિત કરવા માટે બિન-સગર્ભા વ્યક્તિ પણ પરીક્ષણો કરાવે છે.”
ટ્રાન્સજેન્ડર, બિન-દ્વિસંગી લોકો અને સ્તનપાન

ઇમેજ સ્રોત, Personal Archive
ડૉ. હોનોરિયા ડી. અલ્મેડાના જણાવ્યા મુજબ, સ્તનધારી ગ્રંથિને સંપૂર્ણપણે દૂર કરવાની પ્રક્રિયા ન કરાવી હોય તેવા ટ્રાન્સસેક્સ્યુઅલ પુરુષો સ્તનપાન કરાવવાની ક્ષમતા ધરાવતા હોય છે.
તેમના કહેવા મુજબ, “ઘણીવાર સ્તનધારી ગ્રંથિનો હિસ્સો પુરુષની છાતી બનાવવા માટે સાચવવામાં આવે છે. સ્તનપેશીના બાકી રહેલા હિસ્સા અનુસાર ટ્રાન્સ મેન વધારે કે ઓછા પ્રમાણમાં દૂધ ઉત્પન્ન કરી શકે છે. એ ઉપરાંત પુરુષોના હોર્મોન્સનું મૂલ્યાંકન જરૂરી છે, કારણ કે ટેસ્ટોસ્ટેરોન ગર્ભવતી થવાની ક્ષમતાને અસર કરી શકે છે.”
નિષ્ણાતો જણાવે છે કે ટ્રાન્સ પુરુષોમાં લેક્ટેશન ઇન્ડક્શનના વિચારના સંદર્ભમાં માત્ર શારીરિક સમસ્યાઓનું જ નહીં, પરંતુ દરેક વ્યક્તિની અંગત ઇચ્છાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
“કુદરતી સ્તનપાન મૂલ્યવાન અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. છતાં બધા ટ્રાન્સ પુરુષોને નવજાત શિશુને સ્તનપાન કરાવવાનું ગમતું નથી. બાબત પર ઘણાં પરિબળોનો પ્રભાવ હોય છે. તેમાં પુરુષ હોર્મોન્સમાં ઘટાડો અથવા સસ્પેશનની જરૂરિયાતનો સમાવેશ થાય છે. તેનાથી જેન્ડર ડિસ્ફોરિયાનું જોખમ વધે છે.” (ટ્રાન્સજેન્ડર લોકો તેમની લૈંગિક ઓળખ અને જન્મ સમયના લિંગ વચ્ચેની વિસંગતતાને કારણે જે પીડા અનુભવતા હોય છે તેને 'જેન્ડર ડિસ્ફોરિયા' કહે છે)
ટ્રાન્સજેન્ડર મહિલા માટે સ્તનપાન થોડી વધુ પડકારજનક પ્રક્રિયા હોઈ શકે છે, પરંતુ તે શક્ય છે.
લાક્ષણિક રીતે વ્યક્તિ સંક્રમણ પ્રક્રિયાના ભાગરૂપે સ્ત્રી હોર્મોન્સ પ્રાપ્ત કરતી હોય છે, જે સ્તનના વિકાસ તરફ દોરી જાય છે.
ડૉ. હોનોરિયા કહે છે, “હોર્મોન થેરેપીમાં જેટલો વધુ સમય વિતાવશો તેટલો સ્તનનો વિકાસ થશે. સ્તનનો વિકાસ એક ક્રમિક પ્રક્રિયા છે, જે સમય માગી લે છે. નારીકરણના થોડા મહિના પછી સ્તન સંપૂર્ણ રીતે વિકસિત થઈ શકતા નથી. બીજી તરફ, વર્ષો પસાર થઈ ગયાં હોય તો ઘણી ટ્રાન્સ મહિલાઓ સંપૂર્ણપણે કાર્યક્ષમ સ્તન વિકસાવી શકે છે.”
જેનિફર એક બિન-દ્વિસંગી વ્યક્તિ છે, જે પોતાને ટ્રાન્સસેક્સ્યુઅલ સ્પેક્ટ્રમમાં હોવાનું માને છે. જેનિફરની પાર્ટનર ગર્ભવતી હોવાની ખબર પડી એ જ મહિનામાં જેનિફરે હોર્મોનલાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરી હતી.
જેનિફર કહે છે, “મેં સ્તનમાં દૂધ ઉત્પન્ન કરવા માટે સારવાર શરૂ કરી ત્યારે મને ખબર ન હતી કે તે મારા માટે ઉપયોગી સાબિત થશે, કારણ કે મારી સ્તનધારી ગ્રંથીઓ વિકસી રહી હતી અને મારી પાર્ટનર છ મહિનાની ગર્ભવતી હતી. તૈયારી માટે તે અપૂરતો સમય હતો.”
જેનિફર જેવા કેટલાક કિસ્સામાં સ્તનપાનની પ્રક્રિયા માટે લેક્ટોગોગ દવાઓના ઉપયોગ ઉપરાંત સંક્રમણકર્તા વ્યક્તિ લેતી હોય તે ફીમેલ હોર્મોન્સના ડોઝમાં અસ્થાયી વધારો કરવાની જરૂર પડી શકે.
અલ્મેડાના કહેવા મુજબ, “સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સમાં થયેલા વધારાના અનુકરણ માટે આવું કંઈક અંશે કરવામાં આવે છે.”
જેનિફર તેમના પાર્ટનરની સરખામણીએ ઓછા દૂધનું ઉત્પાદન કરી શક્યાં હતાં, પરંતુ આ પ્રક્રિયામાં તેઓ સફળ થયાં હતાં.
“સ્તનપાન બાળક સાથે સંબંધ બનાવવાનો અને બાળકની સંભાળનાં કાર્યોની વહેંચણી એકમાત્ર માર્ગ નથી, પરંતુ મારા પરિવારમાં તે બહુ ઉપયોગી સાબિત થયું. મારી જીવનસાથી અગાઉનાં દસ વર્ષથી સ્તનપાન કરાવતાં હતાં, કારણ કે તેમને ત્રણ અન્ય સંતાનો હતાં. મેં મારા સંતાન વિશે ક્યારેય વિચાર્યું સુદ્ધાં ન હતું, પરંતુ મારા સંતાનને સ્તનપાન કરાવવાની લાગણીનો અવિશ્વસનીય અનુભવ હું કરી શકું છું.”
દૂધની ગુણવત્તા
રેનાટા આઈક કહે છે, “સ્તનની ડીંટી, માનવ સ્તનનો સૌથી બહારનો હિસ્સો, સ્તનપાનના કાર્ય દરમિયાન સંવેદનાત્મક ઓડિટરનું કામ કરે છે. તે બાળકની બાળની લાક્ષણિકતાનું મૂલ્યાંકન કરે છે અને દૂધ ઉત્પન્ન કરતી વ્યક્તિના શરીરને, બાળકની જરૂરિયાત વિશેના સંદેશ મોકલે છે. શરીર વાસ્તવિક સમયમાં જરૂરિયાત અનુસાર દૂધનું ઉત્પાદન કરી શકે છે તે અદ્ભુત બાબત છે.”
જર્નલ ઓફ હ્યુમન લેક્ટેશનમાં તાજેતરમાં પ્રકાશિત એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એસ્ટ્રોજન આધારિત જેન્ડર-એફર્મિંગ હોર્મોન થેરાપી લેતી બિન-સગર્ભા ટ્રાન્સજેન્ડર સ્ત્રીઓ અને બિન-દ્વિસંગી માતા-પિતા દ્વારા ઉત્પાદિત દૂધ પોષણની દૃષ્ટિએ સમૃદ્ધ અને નવજાત શિશુ માટે યોગ્ય હોય છે.
આ અભ્યાસનું પ્રકાશન અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ. એમી. કે. વેઈમેરે કર્યું હતું. તેમના કહેવા મુજબ, કેટલાક લોકો માટે “પોતાના શરીરમાં દૂધનું ઉત્પાદન કરીને પોતાના જ સંતાનને પોષણ આપવાની ક્ષમતા પરમ સંતુષ્ટિનો અનુભવ હોઈ શકે છે.”












