ટ્રાન્સવુમન રૂપા અને ટ્રાન્સમૅન પ્રેમની કહાણી જેમણે સમાજની રૂઢિઓ તોડીને લગ્ન કર્યાં

રૂપા અને પ્રેમ
ઇમેજ કૅપ્શન, રૂપા એક ટ્રાન્સવુમન છે જ્યારે પ્રેમ એક ટ્રાન્સમૅન છે.
    • લેેખક, માનસી દેશપાંડે
    • પદ, બીબીસી મરાઠી
લાઇન
  • રૂપા એક ટ્રાન્સવુમન છે જ્યારે પ્રેમ એક ટ્રાન્સમૅન છે.
  • બંનેએ લગ્ન કર્યાં છે અને હવે સાથે જીવન વિતાવી રહ્યાં છે.
  • લગ્ન સુધી પહોંચવા માટે તેમણે પરિવાર, સમાજ, રીત-રિવાજ, પરંપરાઓ સામે લડવું પડ્યું હતું.
  • બંને અલગ-અલગ શહેરમાં રહેતા હતા પરંતુ તેમણે એક શહેરમાં નોકરી શોધી અને હવે સાથે રહે છે.
  • લગ્નમાં પરિવારજનો સામેલ નહોતા થયા પણ મિત્રો અને સહકર્મીઓનો સહકાર મળ્યો હતો.
લાઇન

રૂપા તક્સલ અને પ્રેમ લોટલીકર પુણે નજીક પિંપરી-ચિંચવાડમાં રહે છે અને તેમણે પોતાના એક નવા જીવનની શરૂઆત કરી છે.

રૂપા પીંપરી-ચીંચવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એક સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કામ કરે છે અને પ્રેમ ગ્રીન માર્શલ તરીકે કામ કરે છે. બંને નોકરી કરીને એક સારું જીવન વિતાવે છે. સામાન્ય રીતે તો આ એક સાધારણ દંપતીની કહાણી લાગે, પરંતુ રૂપા અને પ્રેમ ખાસ છે.

રૂપા એક ટ્રાન્સવુમન છે જ્યારે પ્રેમ એક ટ્રાન્સમૅન છે. આ બંનેના સાથે આવવાની કહાણી પણ કંઈક અલગ છે.

એક વર્ષ પહેલાં રૂપા અને પ્રેમ થાણેમાં ટ્રાન્સજેન્ડર લોકોના ટ્રેનિંગ કાર્યક્રમ દરમિયાન મળ્યાં હતાં. બંને વચ્ચે પહેલાં મિત્રતા થઈ અને મિત્રતાએ પ્રેમનું રૂપ ધારણ કર્યું. તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે એકબીજાના સાથથી તેઓ સામાજિક રૂઢીઓ તોડી રહ્યાં છે.

રૂપા અને પ્રેમનાં લગ્ન 27 જુલાઈના રોજ થયાં હતાં. પણ લગ્ન સુધી પહોંચવા માટે તેમણે પરિવાર, સમાજ, રીત-રિવાજ, પરંપરાઓ સામે લડવું પડ્યું હતું. રૂપા બુલડાણા જિલ્લાનાં છે અને પ્રેમ કલ્યાણથી.

line

'એક સાડી પહેરીને ઘરની બહાર નીકળી ગઈ'

રૂપા અને પ્રેમ
ઇમેજ કૅપ્શન, રૂપા અને પ્રેમ

રૂપાએ ઘરે બેસીને 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે.

રૂપા કહે છે, "મારા ઘરમાં હું સૌથી મોટી હતી. મારે મારી જાતનો સ્વીકાર કરવો ખૂબ જરૂરી હતો. હું દિલથી મહિલા હતી. એક દિવસ મેં એક સાડી સાથે જ મારું ઘર છોડ્યું હતું."

"આગળની રાતો ખૂબ અઘરી હતી. હું ક્યારેક માર્કેટ તો ક્યારેક બસ સ્ટેન્ડમાં સૂઈ જતી હતી. પછી મેં તૃતીયપંથિયા વચ્ચે ગુરુ પરંપરા વિશે જાણ્યું."

"હું માહુર આવી અને ગુરુની છત્રછાયા હેઠળ રહી. બજારમાં મેં ભીખ માગી. પણ જો કોઈ પૈસા ન આપે તો પાછી ક્યારેય તેમની પાસે ન જતી. ધીમે-ધીમે મેં થોડા પૈસા જમા કર્યા અને રહેવા માટે નાની જગ્યા લીધી."

"અમને પબ્લિક ટૉઇલેટની પરવાનગી મળી ગઈ, ગાડી ચલાવવા લાગ્યાં. બધી કાયદાકીય કાર્યવાહીઓ પૂર્ણ કરી અને મેં એક ઘર બનાવ્યું. મને ઘરનું કામ કરવું ખૂબ ગમતું. બજારમાં માગવાનું કામ કરીને હું સીધી ઘરે આવીને ઘરનું કામ કરવા લાગતી. પરંતુ મારે એ ઘર છોડવું પડ્યું."

જીવનના કડવા અનુભવ બાદ રૂપાએ નક્કી કર્યું કે તેઓ ગુરુ પરંપરામાં નહીં રહે. તેઓ જીવનનિર્વાહ કરવા માટે પુણે આવ્યાં.

રૂપા કહે છે, "સદભાગ્યે મને અહીં સારા લોકો મળ્યા, જેમણે મને પગભર થતા શીખવ્યું."

પુણે આવ્યા બાદ રૂપાના જીવને નવો વળાંક લીધો. રૂપા પગભર થવા માગતાં હતાં અને અનામ પ્રેમ સંસ્થાએ તેમની મદદ કરી.

તેમના માટે નોકરી મેળવવી અઘરું કામ હતું. પરંતુ રૂપા કહે છે, "અનામ પ્રેમથી મને ખૂબ મદદ મળી. મને કેટલીક નોકરીની તકો મળી."

તેમણે NGOમાં એક કાઉન્સેલર તરીકે કામ કર્યું. તેમણે ટ્રાન્સજેન્ડર લોકો માટે ચાલતા મફત દવાખાનામાં પણ કામ કર્યું. આ તકોથી તેમને ખબર પડી કે આપણે આપણું જીવન આપણી રીતે પણ જીવી શકીએ છીએ.

31 વર્ષની ઉંમરે તેમણે બ્યૂટી-પાર્લરનો કોર્સ પૂરો કર્યો. તેમને સિલાઈ કરતાં પણ આવડે છે.

line

'સર્જરી બાદ મારી દાઢી ઊગવા લાગી'

જીવનના કડવા અનુભવ બાદ રૂપાએ નક્કી કર્યું કે તેઓ ગુરુ પરંપરામાં નહીં રહે.

ઇમેજ સ્રોત, ASHISH KUMAR

ઇમેજ કૅપ્શન, જીવનના કડવા અનુભવ બાદ રૂપાએ નક્કી કર્યું કે તેઓ ગુરુ પરંપરામાં નહીં રહે.

પ્રેમ કલ્યાણની એક ચાલમાં રહેતા હતા.

તેઓ કહે છે, "હું એક છોકરાની જેમ જ રહેતો હતો. હું છોકરા જેવા કપડાં પહેરતો. મારી આસપાસના લોકો મને છોકરા તરીકે જ જોતા. મેં લિંગ-પરિવર્તનની સર્જરી કરાવવા વિચાર્યું, ત્યારે મેં ધીમે-ધીમે મારા પરિવારને તેના માટે તૈયાર કર્યો."

"સર્જરી બાદ મારી દાઢી ઊગવા લાગી અને મારી આસપાસના લોકો સવાલો કરવા લાગ્યા. ત્યારે હું કહેતો કે તમને શું તકલીફ છે? પછી કંઈ સમસ્યા જેવું ન લાગ્યું. તેઓ પણ સમજવા લાગ્યા."

પ્રેમની ઉંમર 29 વર્ષની છે. તેમની પાસે કૉમર્સની ડિગ્રી છે. તેમણે મુંબઈસ્થિત એક સી.એ. કંપનીમાં કામ પણ કર્યું છે. ત્યાર બાદ તેમણે પણ ટ્રાન્સજેન્ડર લોકો માટેના ફ્રી દવાખાનામાં કામ કર્યું હતું. ત્યાં જ તેમની મુલાકાત રૂપા સાથે એક ટ્રેનિંગ દરમિયાન થઈ હતી.

બંનેને તેમની પસંદના પાર્ટનર મેળવવાની ઇચ્છા હતી અને તેઓ લગ્ન કરવા માગતાં હતાં. પોતાના સાથી પાસે તેમની કેટલીક આશાઓ પણ હતી.

રૂપા કહે છે, "મને જરા પણ અંદાજ ન હતો કે એક સાથી કેવો હોવો જોઈએ. મને એવો એક સાથી જોઈતો હતો જે કમાતો હોય. હું ઇચ્છતી ન હતી કે મને કોઈ એવું મળે જે મારી કમાણી પર નિર્ભર કરે."

પ્રેમને ક્યારેય ખબર ન હતી કે તેઓ એક ટ્રાન્સવુમન સાથે લગ્ન કરશે.

તેઓ કહે છે, "રૂપા અલગ છે. તેની સામે જોઈને મને લાગતું ન હતું કે તેઓ એક ટ્રાન્સવુમન છે. તેઓ પ્રોફેશનલ છે. એ જ રીતે અમે મિત્રો બન્યાં. છ મહિના બાદ મેં તેમને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો."

line

'30 ટ્રાન્સજેન્ડર માટે નોકરી'

રૂપા પિંપરી-ચિંચવાડ મહાનગરપાલિકામાં નોકરી કરે છે
ઇમેજ કૅપ્શન, રૂપા પિંપરી-ચિંચવાડ મહાનગરપાલિકામાં નોકરી કરે છે

જ્યારે રૂપા અને પ્રેમ એકબીજાને મળ્યાં ત્યારે રૂપા પુણેમાં રહેતાં હતાં અને પ્રેમ મુંબઈમાં. તેમણે વિચાર્યું કે જો તેઓ લગ્ન કરે તો તેમણે એકસાથે એક શહેરમાં રહેવું જોઈએ અને બંને પાસે નોકરી હોવી જોઈએ.

પીંપરી-ચીંચવાડ મ્યુનિસિપાલિટીએ ટ્રાન્સજેન્ડર લોકોને નોકરી મળે તે માટે એક અલગ પૉલિસી બનાવી છે. તેની મદદથી જ રૂપાએ એપ્રિલ મહિનામાં પીંપરી-ચીંચવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવી અને પ્રેમે ગ્રીન માર્શલ તરીકે.

એક શહેરમાં, એક જગ્યાએ નોકરી મેળવીને તેમણે બંનેએ લગ્નની સૌથી મોટી મુશ્કેલીનું સમાધાન મેળવી લીધું.

પીંપરી-ચીંચવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર રાજેશ પાટીલે કહ્યું કે આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

બીબીસી મરાઠી સાથે વાતચીત દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે આ કર્મચારીઓ માટે પેન્શન સ્કીમની યોજના વિશે પણ વિચારણા ચાલી રહી છે. ટ્રાન્સજેન્ડર લોકોના વિકાસ માટે 2022-23ના બજેટમાં 24 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આયુક્ત રાજેશ પાટીલ
ઇમેજ કૅપ્શન, આયુક્ત રાજેશ પાટીલ

એપ્રિલ-મેથી પૉલિસી અંતર્ગત કૉન્ટ્રાક્ટના રૂપમાં ટ્રાન્સજેન્ડર લોકોને નોકરી આપવાની શરૂઆત થઈ છે.

ત્યાર બાદ મ્યુનિસિપલ ઑફિસર્સે ટ્રાન્સજેન્ડર લોકો અને તેમના માટે કામ કરતી સંસ્થાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમની મુલાકાતો અને ચર્ચાઓ બાદ પૉલિસીએ આકાર લીધો.

1 જુલાઈએ આશરે 30 જેટલા ટ્રાન્સજેન્ડર લોકોએ પીંપરી-ચીંચવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નોકરી મેળવી. કેટલાક લોકો સિક્યૉરિટી ગાર્ડ તરીકે, કેટલાક લોકો ગ્રીન માર્શલ તરીકે, કેટલાક લોકો મ્યુનિસિપલ પાર્ક મૅનેજમૅન્ટ માટે કામ કરી રહ્યા છે.

પીંપરી-ચીંચવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનની યશવંતરાવ શવન હૉસ્પિટલમાં ટ્રાન્સજેન્ડર લોકોના સ્વાસ્થ્યની તપાસ માટે અલગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

line

કાયદાથી જીવન સહેલું બન્યું

પ્રેમ

પ્રેમ અને રૂપાએ અલાંદીમાં પારંપરિક રીતે લગ્ન કર્યાં હતાં. તેમના મિત્રો અને સહકર્મચારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

તેમનાં બંનેમાંથી કોઈના પરિવારે લગ્નમાં હાજરી આપી ન હતી.

બંનેને એવું લાગે છે કે તેમનો પરિવાર એક દિવસ તેમનો સંબંધ સ્વીકારશે. તેઓ એક બાળક દત્તક લેવા અંગે વિચારી રહ્યાં છે. રૂપાનું સપનું છે કે તેઓ એક દિવસ આશ્રમ ખોલે.

LGBTQIA+ માટે કેટલાક નિયમો હવે બદલાઈ રહ્યા છે. પ્રેમને લાગે છે કે તેનાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યાં છે.

પ્રેમ કહે છે, "કાયદામાં પરિવર્તનના કારણે લોકોમાં જાગરૂકતા આવી છે. લોકો સુધી માહિતી પહોંચી રહી છે. જો કાયદો લોકોને અલગ રીતે નથી જોતો, તો લોકો અમારી સાથે શા માટે અલગથી વર્તન કરે? ઘણા ટ્રાન્સમૅન છે જેઓ સામે આવતા નથી. જો તમે તમારી જાતનો સ્વીકાર ન કરો તો દુનિયા કેવી રીતે કરે? અને જો એક વ્યક્તિ પોતાને ન ઓળખે તો તેને ટ્રાન્સજેન્ડરની સ્કીમના લાભ કેવી રીતે મળે?"

મ્યુનિસિપલ પૉલિસી રૂપા અને પ્રેમ જેવા ઘણા લોકોને સશક્ત કરી રહી છે અને તેમને આત્મવિશ્વાસ આપી રહી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન