એક સમયે ભારતને પાછળ પાડી દેનાર બાંગ્લાદેશની કરોડરજ્જુ કેમ તૂટી રહી છે?

ઇમેજ સ્રોત, MUNIR UZ ZAMAN
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા

- શું ભારત બાંગ્લાદેશની મદદ કરશે?
- બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે?
- દેશમાં નવા ગરીબો પેદા થવા પાછળનું કારણ શું છે?
- અર્થવ્યવસ્થાના ત્રણ એકમ ઘરેલુ આવક, ઔદ્યોગિક આવક અને સરકારી આવક છે
- મોંઘવારીના કારણે બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઝડપથી ઘટાડો થયો છે

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ના બોર્ડે બાંગ્લાદેશ માટે 4.7 અબજ ડૉલરના રાહત કાર્યક્રમને મંજૂરી આપી છે. આ સાથે બાંગ્લાદેશ આઈએમએફની ઘણી નવી સુવિધાનો લાભ ઉઠાવનારો પ્રથમ દેશ બની ગયો છે.
બાંગ્લાદેશનું અર્થતંત્ર એક સમયે દક્ષિણ એશિયામાં સૌથી ઝડપથી વિકસી રહ્યું હતું. બે વર્ષ પહેલાં બાંગ્લાદેશે જીડીપીના મામલામાં ભારતને પછાડ્યું હતું.
જોકે, હવે બાંગ્લાદેશ બેહાલી તરફ વધી રહ્યું છે. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે આઈએમએફ પાસે લોન લેવી પડી હતી.
એક સમય હતો, જ્યારે બાંગ્લાદેશ તેના વિદેશી મુદ્રાના ભંડારનાં વખાણ કરતો હતો, પરંતુ હવે તેની સામે બૅલેન્સ ઑફ પેમેન્ટનું સંકટ ઊભું થયું છે.
ઢાકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉક્ટર રાશેદ અલ મહમૂદ તિતુમીર માને છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં ઘટાડાનું કારણ લાંબા સમય સુધી આર્થિક દબાણ, બિન-સંસ્થાકરણ અને રાજકીય કેન્દ્રીકરણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર રાશેદ કહે છે કે, “એક પ્રકારે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર જોખમ છે અને તેને યોગ્ય રીતે સંચાલિત કરવામાં નહીં આવે, તો આ દબાવમાં આવી જશે, જો તાજેતરની પરિસ્થિતિનું સારી રીતે સંચાલન ન કરવામાં આવ્યું હોય, તો ચોક્કસપણે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ જશે.”
અર્થવ્યવસ્થાના ત્રણ એકમ હોય છે. ઘરેલુ આવક, ઔદ્યોગિક આવક અને સરકારી આવક. તાજેતરમાં બાંગ્લાદેશમાં આ ત્રણને જ રોકડની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે બૅલેન્સ ઑફ પેમેન્ટનું સંકટ છે અને આઈએમએફની બાંગ્લાદેશને આપવામાં આવેલી સૂચિત લોનની દેશમાં ચર્ચા થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં પણ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવા લાગ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના ભાવ વધવાના કારણે બાંગ્લાદેશમાં મોંઘવારી પણ વધી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારીનું સંકટ પણ ઊભું થયું છે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ તમામ કારણો બાંગ્લાદેશમાં આર્થિક સંકટ પેદા કરી રહ્યા છે.
પ્રોફેસર રાશેદ તિતુમીર કહે છે કે, “હાલ આપણે જોઈ રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં લોકોની ઘરેલું આવક ઘટી રહી છે. બાંગ્લાદેશમાં મોટા ભાગના લોકો અનૌપચારિક ક્ષેત્રમાં કાર્યરત છે અને અહીં કોઈ મજબૂત સામાજિક સુરક્ષા વ્યવસ્થા પણ નથી.”
“કોરોના મહામારી દરમિયાન લોકોની ઘરેલુ આવક ઘટી ગઈ અને તેઓએ ખર્ચ માટે લોન લેવાનું શરૂ કર્યું. વધતી જતી મોંઘવારીએ ઘરોની અર્થવ્યવસ્થા બગાડી નાખી અને આ કટોકટી વધુ ઊંડી બનતી ગઈ હતી.”

દેશમાં નવા ગરીબો પેદા થઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, NURPHOTO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તેનો શ્રમિક વર્ગ રહ્યો છે, પરંતુ ઝડપથી વધતી મોંઘવારીએ દેશમાં નવા ગરીબો પેદા કર્યા છે.
આ એવા લોકો છે, જેઓ અત્યાર સુધી તેમની આવકથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પરંતુ મોંઘવારીના કારણે જરૂરિયાતો પૂરી કરવા માટે તેમને લોન લેવી પડી રહી છે.
ગયા વર્ષે થયેલા એક સંશોધન મુજબ, બાંગ્લાદેશની વસતીમાં કુલ ત્રણ કરોડ 9 લાખ લોકો નવા ગરીબ છે, જે કુલ વસતીના 18.54 ટકા છે.
આ સંશોધન પરથી જાણવા મળ્યું હતું કે બાંગ્લાદેશમાં મોટા ભાગના પરિવારોએ ખર્ચ ઘટાડવા માટે ખાદ્યપદાર્થોની ખરીદી પર કાપ મૂક્યો છે.
પ્રોફેસર રાશેદ તિતુમીર કહે છે કે, “બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાનું માળખું એવું છે કે વધતી જતી મોંઘવારીએ દેશમાં નવા ગરીબોનો એક વર્ગ ઊભો કર્યો છે. જો મહામારી પહેલાના સ્તર સાથે સરખામણી કરવામાં આવે, તો હવે દેશમાં નવા ગરીબ પેદા થઈ ગયા છે.”
“મોંઘવારી જેટલી વધી છે, તેટલી લોકોની આવક વધી નથી. તેના કારણે તેમની પાસે પૈસા નથી અને ખર્ચ કરવા માટે તેમને લોન લેવી પડી રહી છે. સાથે મધ્યમવર્ગની મોટા ભાગની વસતી ખર્ચને પહોંચી વળવા માટે ક્રૅડિટ કાર્ડ પર નિર્ભર છે.”
જોકે લોનનું આ સંકટ માત્ર સામાન્ય લોકો સુધી જ મર્યાદિત નથી. સરકારે તેના ખર્ચને પહોંચી વળવા માટે લોન લેવી પડે છે.
રાજ્યસ્તરે જોઈએ તો સરકારે રેકૉર્ડ સ્તરે લૉન લીધી છે. સરકારે તાજેતરના નાણાકીય વર્ષમાં એક ટ્રિલિયન ટકાની લોન લીધી છે.

સરકારને લોન લેવી પડે છે

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર તિતુમીર કહે છે કે, “બાંગ્લાદેશનો જીડીપી અને ટૅક્સ રેશિયો દક્ષિણ એશિયામાં સૌથી ઓછો છે. આ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની માળખાકીય સમસ્યા છે. અફઘાનિસ્તાન બાદ સૌથી ઓછો જીડીપી-ટૅક્સ રેશિયો બાંગ્લાદેશનો જ છે.”
“મોંઘવારીના કારણે લોકોની ખરીદશક્તિ ઘટી છે, જેની અસર વૅટ (વૅલ્યુ એડેડ ટૅક્સ) પર પડી રહી છે અને સરકારની આવકમાં ઘટાડો થયો છે. જે જીડીપી-ટૅક્સ રેશિયો પહેલાંથી જ ઓછો હતો, તે વધુ ઘટી ગયો છે. એવામાં સરકાર પાસે કેન્દ્રીય બૅન્કમાંથી લોન લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. સરકાર લોન લઈ રહી છે, તેમ છતાં તેના ઘણા પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા સક્ષમ નથી.”
બાંગ્લાદેશની કથળતી આર્થિક પરિસ્થિતિનું એક કારણ એ પણ છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ખપત આધારિત છે, પરંતુ મોંઘવારી વધવાના કારણે લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ અને જીડીપીનો દર ઘટવા લાગ્યો.
પ્રોફેસર તિતુમીર કહે છે કે, “બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની પ્રગતિ ખપત આધારિત રહી છે. ખપત આધારિત આર્થિક વિકાસ ટકાઉ નથી. બાંગ્લાદેશના આર્થિક વિકાસમાં પ્રવાસી મજૂરોની (જેમાં મહિલાઓની સંખ્યા ઘણી મોટી છે) ભૂમિકા રહી છે.”
“જ્યારે મજૂર વર્ગની આવક વધશે, ત્યારે ખર્ચમાં વધારો થશે અને તેની અસર આર્થિક વિકાસ પર થશે, પરંતુ ખપત આધારિત આર્થિક વિકાસની સમસ્યા એ છે કે તેનાથી માગ વધતી રહે છે, જ્યારે રોકાણ આધારિત આર્થિક વિકાસથી ક્ષમતા વધે છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની મૂળ સમસ્યા આ જ છે. ખપત આધારિત અર્થવ્યવસ્થામાં આયાતની માગ વધતી રહે છે, આવી સ્થિતિમાં જ્યારે બાહ્ય બજારમાં કિંમતો વધે છે, ત્યારે તેની અસર આયાતકારોએ વેઠવી પડે છે. બાંગ્લાદેશમાં આવું જ બન્યું છે.”
જો બાંગ્લાદેશે તેની ઉત્પાદનક્ષમતામાં રોકાણ કર્યું હોત, તો તેઓ પોતાની જાતને અમુક અંશે બાહ્ય પરિબળોથી બચાવી શક્યા હોત. કોરોના મહામારી અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધ જેવાં બાહ્ય પરિબળોની બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર થઈ છે અને આ જ કારણ છે કે એક સમયે ઝડપથી આગળ વધી રહેલી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા હવે મુશ્કેલીમાં મુકાતી જોવા મળી રહી છે.

ઇમેજ સ્રોત, NURPHOTO
નિષ્ણાતો માને છે કે, બાંગ્લાદેશમાં અર્થવ્યવસ્થાના સંચાલનની એક સમસ્યા છે. 1971થી વર્ષ 2017 સુધીમાં સરકારે જેટલી લોન લીધી હતી, એટલી જ લોન સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં લીધી છે.
પ્રોફેસર તિતુમીર કહે છે, “તેનો સીધો અર્થ એ છે કે અર્થવ્યવસ્થાના સંચાલનમાં જ સમસ્યા છે. સંસ્થાકીય સ્તરે સમસ્યા છે, જેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે.”
મોંઘવારીના કારણે બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઝડપથી ઘટાડો થયો છે.
ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશનો વિદેશ મુદ્રા ભંડાર 30 અબજ ડૉલર હતો, જ્યારે જાન્યુઆરી 2022માં આ 44.9 અરબ ડૉલર હતો.
એટલે કે બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
પ્રોફેસર તિતુમીર કહે છે કે, “દુનિયાભરમાં ભાગ્યે જ ક્યાંક એવું હશે કે સૅન્ટ્રલ બૅન્કની બહાર વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિની જાહેરાત કરતું તેજસ્વી બોર્ડ લાગ્યું હોય, પરંતુ બાંગ્લાદેશમાં એવું હતું કે, સૅન્ટ્રલ બૅન્કની બહાર તેજસ્વી બોર્ડ પર દેશના વિદેશી ભંડારનો આંકડો દર્શાવવામાં આવ્યો હતો.”
“જોકે, હવે દેશમાં વિદેશી મુદ્રા ભંડારનું જ સંકટ છે. તેનો સીધો અર્થ એ છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં બાહ્ય ઝટકાને સહન કરવાની ક્ષમતા ન હતી અથવા તો આ ક્ષમતા વિકસિત થઈ નથી.”

સમસ્યાના મૂળમાં બૅલેન્સ ઑફ પેમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના મતે બાંગ્લાદેશમાં ઊભી થયેલી આર્થિક કટોકટીના મૂળમાં પેમેન્ટ્સના સંતુલનનું સંકટ છે. માત્ર બાંગ્લાદેશ જ નહીં વિશ્વના અન્ય ઘણા દેશો પણ આ સંકટનો સામનો કરી રહ્યા છે.
દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અને આર્થિક બાબતોના નિષ્ણાત પ્રોફેસર અરુણકુમાર કહે છે કે, "કોવિડ મહામારીથી દુનિયાભરની અર્થવ્યવસ્થાઓને માઠી અસર થઈ હતી. આમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તે પછી યુક્રેન યુદ્ધ શરૂ થઈ ગયું, જેના કારણે કિંમતો વધવા લાગી.
ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે ઘણા દેશોનું પેમેન્ટ બૅલેન્સ બગડ્યું. શ્રીલંકા તેનું ઉદાહરણ છે. જેના કારણે ત્યાં ગંભીર આર્થિક સંકટ ઊભું થયું છે. એવું લાગતું હતું કે બાંગ્લાદેશ આ સ્થિતિમાં નહીં આવે, પરંતુ હવે પેમેન્ટ બૅલેન્સની પણ સમસ્યા ઊભી થઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે, “ક્રૂડ ઑઇલ અને અન્ય ચીજોની કિંમતોમાં વધારાને કારણે દેશોના આયાત બિલમાં વધારો થયો છે. તેની અસર બાંગ્લાદેશ પર પણ પડી. જ્યારે કોઈ દેશની ચુકવણીનું સંતુલન બગડે છે, ત્યારે તેની સીધી અસર દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડે છે. જો વિદેશી મુદ્રા ભંડાર ઓછો થાય તો લોનની સ્થિતિ પણ ખરાબ થાય છે, દેશને લોનના હપ્તા ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાંગ્લાદેશે હવે તેની જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવી પડશે.
ઑક્ટોબર 2020માં અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશ પ્રતિ વ્યક્તિ જીડીપીના મામલામાં 2021માં ભારતને પાછળ પાડી દેશે.

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ 2021માં જીડીપી વિકાસદરના સંદર્ભમાં બાંગ્લાદેશ ભારતથી આગળ નીકળી ગયું હતું. જોકે ભારત અને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા વચ્ચે ઘણો તફાવત છે અને બંને વચ્ચેની સરખામણી યોગ્ય નથી.
બાંગ્લાદેશની જીડીપી વર્ષ 1960માં 4 અબજ ડૉલર હતી. વર્ષ 2021માં તે 416 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી.
એટલે કે 50 વર્ષમાં બાંગ્લાદેશમાં 100 ગણો વધારો થયો છે, પરંતુ કોવિડ મહામારી અને યુક્રેન યુદ્ધની સીધી અસર બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર પડી હતી.
પ્રોફેસર અરુણકુમાર કહે છે કે, "બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી હતી, પરંતુ કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધે તેને પ્રભાવિત કરી દીધી છે. મોટી અર્થવ્યવસ્થાઓ પર આવાં પરિબળોથી ઓછી અસર થાય છે, પરંતુ નાની અર્થવ્યવસ્થાઓ ઝડપથી પ્રભાવિત થાય છે.
બાંગ્લાદેશ તેનાં કાપડની નિકાસ કરીને બૅલેન્સ ઑફ પેમેન્ટને જાળવી રાખતું હતું. તે મોટા ભાગના યુરોપિયન દેશો અને વિકસિત દેશોમાં કાપડ મોકલે છે, પરંતુ મહામારી અને યુદ્ધે આ બજારોને પણ પ્રભાવિત કર્યાં છે અને બાંગ્લાદેશના ગાર્મેન્ટ ઍક્સપૉર્ટમાં ઘટાડો થયો.
પ્રોફેસર અરુણકુમાર કહે છે, "દુનિયામાં એક પ્રકારનું શીતયુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ પશ્ચિમી દેશો છે તો બીજી તરફ રશિયા, ચીન અને ઈરાન જેવા દેશો છે. આ શીતયુદ્ધની અસર બજારો પર પણ પડી છે. તેની સીધી અસર બાંગ્લાદેશ જેવી નાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે."

શું બાંગ્લાદેશની મદદ કરશે ભારત?

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે સવાલ એ ઊઠી રહ્યો છે કે, શું બાંગ્લાદેશ શ્રીલંકાના રસ્તે જઈ રહ્યું છે અને જો આવું થશે, તો શું ભારત બાંગ્લાદેશની મદદ માટે આગળ આવશે.
બૅંગ્લુરુની ક્રાઇસ્ટ ચર્ચ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ભારત-બાંગ્લાદેશના સંબંધો પર અભ્યાસ કરનાર ડૉ. રાજીબ સૂત્રધાર કહે છે કે, "બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા હજુ એટલી ખરાબ નથી થઈ કે તેની સરખામણી શ્રીલંકાની અર્થવ્યવસ્થા સાથે કરવામાં આવે. બે વર્ષ પહેલાં સુધી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક હતી.
જોકે બાંગ્લાદેશ એક જોખમી ક્ષેત્રમાં રહેતો દેશ છે અને તેની અર્થવ્યવસ્થા મોટા ભાગે કાપડની નિકાસ પર નિર્ભર છે.
આવી સ્થિતિમાં મોંઘવારીએ અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ હજુ એટલી ખરાબ નથી કે શ્રીલંકા સાથે સરખામણી કરી શકાય.
ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો પાછલાં વર્ષોની સરખામણીમાં સુધર્યા છે. વડા પ્રધાન શેખ હસીનાએ એક વર્ષમાં ભારતની મુલાકાત લીધી હતી.
બાંગ્લાદેશ ભારતના સૌથી મોટા કારોબારી ભાગીદારોમાંનું એક છે. ભારતનાં ઘણાં ક્ષેત્રો બાંગ્લાદેશ પર નિર્ભર કરે છે.
ડૉ. રાજીબ સૂત્રધાર કહે છે કે, "આજકાલ ગ્લોબલ સપ્લાય ચેઇનનો જમાનો છે. અમુક ઉત્પાદનોનો કેટલોક ભાગ બાંગ્લાદેશમાં અને અમુક ભાગ ભારતમાં બને છે, તેવામાં ભારત અને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા એકબીજા પર નિર્ભર છે. જો બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હોય, તો તેની અસર ભારતના કેટલાક સેક્ટરો પર પણ પડી શકે છે.
વિશ્લેષકો બાંગ્લાદેશમાં બગડતી આર્થિક સ્થિતિને ભારત માટે દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવાની તકના રૂપે પણ જુએ છે.
ડૉ. રાજીબ સૂત્રધાર કહે છે કે, "આનું બીજું એક પાસું એ છે કે જો બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થશે, તો ભારતને દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવાની તક મળી શકે છે. જે રીતે શ્રીલંકામાં ચીનનો પ્રભાવ વધી રહ્યો હતો અને આર્થિક સંકટ સમયે ભારતે મદદ કરી પોતાનો પ્રભાવ વધાર્યો, તેવી જ રીતે ભારત ઇચ્છે તો બાંગ્લાદેશમાં પણ કરી શકે છે.
કોઈ પણ દેશની બગડતી આર્થિક સ્થિતિ ત્યાંના રાજકારણને પણ અસર કરે છે.
વિશ્લેષકો એવી પણ આશંકા વ્યક્ત કરે છે કે, જો બાંગ્લાદેશમાં આર્થિક સ્થિતિ વધુ બગડે તો ત્યાં પણ કટ્ટરવાદ મૂળિયાં જમાવશે.
સૂત્રોનું કહેવું છે કે, "બાંગ્લાદેશમાં છેલ્લા બે-અઢી દાયકામાં કટ્ટરપંથી તત્ત્વો પણ શક્તિશાળી બન્યાં છે. જો ત્યાં આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો આ કટ્ટરપંથી તત્ત્વો વધુ શક્તિશાળી બનશે, જે બાંગ્લાદેશ માટે બહુ સારા સંકેત નથી. એવામાં જો બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય, તો ભારતે મદદ માટે આગળ આવવું જોઈએ, જેથી કરીને ત્યાં કટ્ટરપંથને વધતો અટકાવી શકાય."














