મલ્ટી-લેવલ માર્કેટિંગ : ઝડપથી પૈસાદાર બનાવવાની લાલચ આપીને અસહાય લોકોને ફસાવવાની સ્કીમ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, CONTRIBUTOR'S OWN

ઇમેજ કૅપ્શન, રાઘ (તસવીરમાં) સહિતના ભૂતપૂર્વ મલ્ટિ લેવલ માર્કેટિંગના એજન્ટોએ બીબીસીને આ મામલાની જાણકારી આપી હતી
    • લેેખક, રશેલ શ્રેઅર
    • પદ, આરોગ્ય અને ડિસઇન્ફોર્મેશન રિપોર્ટર

ભારતીય આર્થિક અપરાધ એજન્સીએ ડાયરેક્ટ સેલિંગ કંપની ક્યૂનેટ પર “સંખ્યાબંધ નિર્દોષ રોકાણકારો સાથે છેતરપિંડી” કરવાનો આરોપ મૂક્યો છે.

બીબીસીએ પીડિતો તથા આ યોજના વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા લોકો સાથે વાત કરી હતી. એ લોકોએ જણાવ્યુ હતું કે ક્યૂનેટના એજન્ટોએ તેમને લાલચ આપી હતી કે તેઓ કંપનીની પ્રોડક્ટ્સ ખરીદીને તેનું વેચાણ કરશે તો ઝડપથી કમાણી કરી શકશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા સપ્તાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પોતાના ધંધાના પ્રારંભિક ખર્ચ માટે લોકો જે પૈસાનું રોકાણ કરે છે તેને છદ્મ (શેલ) કંપનીઓને મોકલવામાં આવે છે. આ વાત પ્રસ્તુત સ્કીમ સાથે જોડાયેલા લોકોને જણાવવામાં આવી ન હતી.

એજન્સીના જણાવ્યા મુજબ, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી 36 બૅન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે.

બીબીસી ગુજરાતી

મલ્ટિલેવલ માર્કેટિંગ એટલે શું? તેમાં લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે?

બીબીસી ગુજરાતી
  • ઘણાં શહેરોમાં અમુક કંપનીઓ દ્વારા ‘મલ્ટિ લેવલ માર્કેટિંગ’ થકી નીચલા તબક્કે લોકો દ્વારા રોકાણ કરાવી અને ઉપલા સ્તરના લોકોને ફાયદો થાય તેવી યોજના ચલાવાય છે
  • આ સ્કીમમાં લોકોને સંબંધિત કંપનીની પ્રોડક્ટ ખરીદી અને પછી પરિચિતોમાં તેના વેચાણ દ્વારા કમાણી કરવાની તક આપવામાં આવે છે
  • છેક નીચલા સ્તરે વિક્રેતાઓની ભરતી કરીને તેમને આગળ રોકાણ કરાવવા માટે અન્યને પ્રોડક્ટ વેચવા જણાવવામાં આવે છે
  • ઘણાં શહેરોમાં આ પ્રકારની યોજનાઓ થકી ઘણા લોકોએ પૈસા ગુમાવ્યા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે
  • કંપની દ્વારા ઘણા પ્રકારની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે
  • સ્કીમના માળખા પ્રમાણે સતત પૈસાની આવક ચાલુ રહે તે માટે વધુ ને વધુ વિક્રેતાની ભરતી કરવાનું દબાણ સર્જાય છે, જેના કારણે કેટલાક એજન્ટો અંતિમ પગલાં પણ ભરતાં હોય છે
બીબીસી ગુજરાતી

મલ્ટિલેવલ માર્કેટિંગ કેવી રીતે કામ કરે છે?

હૈદરાબાદમાં પોલીસ દ્વારા એન્ટિ એમએલએમ પગલાં દેશમાં સૌથી વધુ પ્રમાણમાં લેવાયાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદમાં પોલીસ દ્વારા એન્ટિ એમએલએમ પગલાં દેશમાં સૌથી વધુ પ્રમાણમાં લેવાયાં છે

મલ્ટી-લેવલ માર્કેટિંગ (એમએલએમ) સ્કીમ્સમાં લોકોને સંબંધિત કંપનીની પ્રોડક્ટ્સ ખરીદી અને પછી પરિચિતોમાં તેના વેચાણ દ્વારા કમાણી કરવાની તક આપવામાં આવે છે. કંપનીના ઉત્પાદનોમાં ડાયેટ સપ્લીમેન્ટ્સથી માંડીને ક્લિનિંગ પ્રોડક્ટ્સ સુધીનું બધું હોય છે, પરંતુ છેક નીચલા સ્તરે વધુને વધુ વિક્રેતાઓની ભરતી કરીને વાસ્તવમાં કેટલીક સ્કીમ્સ કમાણી કરી રહી છે.

બહારના ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ છેક નીચલા સ્તરે વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા રોકાણમાંથી ટોચના લોકો કમાણી કરે છે. આ માળખાનો અર્થ એવો થાય કે જે નવા વિક્રેતાઓને કમાણીનું વચન આપવામાં આવ્યું હતું, તેમણે નિશ્ચિત રીતે નાણાં ગૂમાવવા પડે છે.

આ પ્રકારની એમએલએમ સ્કીમ્સ સામે ભારતમાં કાયદા છે, પરંતુ તેનો અમલ કરવાનું મુશ્કેલ પૂરવાર થયું છે. સ્કીમનું માળખું એવું હોય છે કે પૈસા સતત આવતા રહે એ માટે વધારેને વધારે વિક્રેતાઓની ભરતી કરવાનું દબાણ સર્જાય છે અને એ કારણે કેટલાક એમએલએમ એજન્ટો આત્યંતિક પગલાં લેતા હોય એવું લાગે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ ભારતના હૈદરાબાદની રિયા(નામ બદલ્યું છે)ને આવી બિનપરંપરાગત પ્રયુક્તિઓનો અનુભવ થયો છે. 2019ના અંતમાં રિયાના પિતાની જૂતાની દુકાન બંધ થઈ ગઈ પછી પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું હતું. એ સમયે તેના ફેસબૂક ઇનબોક્સમાં એક મેસેજ આવ્યો હતો. તે મેસેજ રિયાના વિશ્વાસુ સ્કૂલ ફ્રેન્ડનો દોસ્ત હોવાનો દાવો કરતી વ્યક્તિએ મોકલ્યો હતો. તેણે રિયાને બિઝનેસની તક ઓફર કરી હતી.

રિયાએ ક્યૂનેટ સ્કીમમાં નોંધણી કરાવવા માટે લોન લીધી હતી, પરંતુ તેના બિઝનેસનું લક્ષ્ય પ્રોડક્ટ્સ વેચવાનું ન હતું. પ્રોડક્ટ્સના વેચાણને બદલે રિયાને તેના પરિવાર તથા દોસ્તોને આ સ્કીમમાં વિક્રેતા બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

રિયાએ કહ્યું હતું કે “તેમણે મને મારા તમામ પરિચિતોની યાદી બનાવવા જણાવ્યું હતું. આવું શા માટે કરવાનું છે, એવો સવાલ મેં કર્યો ત્યારે તેમણે તરત જ કહ્યું હતું કે તમે પ્રોડક્ટ્સ વેચવા ઇચ્છતા હો તો સૌપ્રથમ તમારે તમારું નેટવર્ક બનાવવું પડશે.”

એ પછી રિયાને સમજાયું હતું કે તેનું નામ પણ તેના વિશ્વાસુ સ્કૂલ ફ્રેન્ડે પોતાની સંપર્ક સૂચિમાં લખ્યું હશે.

રિયાએ કહ્યું હતું કે “તારે પુરુષોને આકર્ષવા જોઈએ એવું તેમણે મને કહ્યું ત્યારે હું સાવધ થઈ ગઈ હતી અને તેમને સવાલ કરવા લાગી હતી કે મારે બમ્બલ કે ટિન્ડર શા માટે જોઈન કરવું જોઈએ?”

રિયાના જણાવ્યા મુજબ, ઉધાર લીધેલી લક્ઝરી ચીજો સાથે ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલવાનું અને પોતે બહુ પૈસા બનાવ્યા છે એવી ભ્રામક છાપ ઊભી કરવાનું દબાણ તેના પર કરવામાં આવ્યું હતું.

રિયાએ કહ્યું હતું કે “ગુચ્ચીની બેગનો ઉપયોગ શરૂ કરો એટલે આ બધું શું ચાલી રહ્યું છે, એવો સવાલ લોકો નિશ્ચિત રીતે કરવાના. તેના જવાબમાં એવું જણાવવાનું કે હું એક બિઝનેસમાં સામેલ થઈ છું અને તેમાં મને મોટી કમાણી થઈ રહી છે.”

ગ્રે લાઇન

પીડિતો ગુમાવે દે છે બચત

એમએલએમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા રાઘવ સાથે પણ આવી પ્રયુક્તિ અજમાવવામાં આવી હતી અને તેઓ ક્યૂનેટમાં જોડાયા પછી તેમને પણ અન્યોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.

રાઘવે કહ્યું હતું કે “કોઈ વ્યક્તિએ ટેગ હૂઅર કે તેના જેવી મોંઘી ઘડિયાળ પહેરી હોય, તે મેં પહેરી હોય તેવું દર્શાવવા તેમણે મને કહ્યું હતું. તેથી બીજા લોકો એવું સમજે કે મારી પાસે ટેગ હૂઅર કે રોલેક્સ ઘડિયાળ છે.”

જે વ્યક્તિ રાઘવને ક્યૂનેટમાં લાવી હતી એ વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાઘવને આવું જ ચિત્ર જોવા મળ્યું હતું.

પોતાની ફસામણી થયાની તેમજ પોતાની તમામ બચત ગુમાવવાની શરમથી રાઘવ પારાવાર નિરાશ થયા હતા.

તેમણે કહ્યું હતું કે “હું બરાબર જમી શકતો ન હતો. મારા માતા-પિતા, મારાં ભાઈ-બહેન, નજીકના દોસ્તો સાથે વાત કરી શકતો ન હતો. હું તેમને કશું કહી શકતો ન હતો, કારણ કે મેં જે કર્યું તેનાથી મને બહુ શરમ આવતી હતી.”

રાઘવના જણાવ્યા મુજબ, તેમને પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર સુધ્ધાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી

"સિનિયર એજન્ટો કહેતા, તમે કંઈ કામના નથી, મરી જાઓ"

મિસ્ટર સજ્જનારે ક્યૂનેટ અને તેના જેવી એમએલએમ કંપનીઓના કેસને અનુસરવામાં વર્ષો વિતાવ્યાં છે

ઇમેજ સ્રોત, CONTRIBUTOR'S OWN PHOTO

ઇમેજ કૅપ્શન, મિસ્ટર સજ્જનારે ક્યૂનેટ અને તેના જેવી એમએલએમ કંપનીઓના કેસને અનુસરવામાં વર્ષો વિતાવ્યાં છે

નિષ્ણાતો એમએલએમમાંની કેટલીક બાબતોને સંપ્રદાય જેવી ગણાવે છે. તેમાં જંગી મિટિંગો (રોગચાળા દરમિયાન ઝૂમ મિટિંગો), મંત્રોચ્ચાર અને નૃત્યનો સમાવેશ થાય છે.

આવી સ્કીમના સભ્યોને તેમના પરિવારજનો કરતાં પણ વધારે વિશ્વાસ સ્કીમના એજન્ટો પર રાખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેઓ સ્કીમ વિશે સવાલ કરે કે તેને છોડવાનો પ્રયાસ કરે તો તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું.

સેંકડો લોકોના વોટ્સએપ ગ્રુપમાં સીનિયર એજન્ટો અમુક લોકોને કઈ રીતે ખખડાવતા હતા તેનું વર્ણન રિયાએ કહ્યું હતું. રિયાએ કહ્યું હતું કે “સીનિયર એજન્ટો અમુક લોકોને એવું કહેતા હતા કે તમે કંઈ કામના નથી. બસ, મરી જાઓ.”

રિયા ભયભીત થઈ ગયાં હતાં, કામ કરી શકતા ન હતાં અને હતાશામાં ગરકાવ થઈ ગયાં હતાં. તેમાંથી બહાર આવતાં એક વર્ષ લાગ્યું હતું.

ભારતીય સત્તાવાળાઓ ક્યુનેટને ‘છેતરપિંડીની યોજના’ ગણાવે છે. તેની સામે કેસ નોંધવાના પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તે વણઉકલ્યા રહ્યા છે.

કંપનીએ તેની સામેના આક્ષેપોને અગાઉ જાહેરમાં નકારી કાઢ્યા હતા, પરંતુ બીબીસી મની લોન્ડરિંગના આરોપો બાબતે અને તેમના કેટલાક એજન્ટોની વર્તનની વિગત સંબંધી ચોક્કસ કેસીસ વિશે ટિપ્પણી કરવાનું કહ્યું ત્યારે કંપનીએ કોઈ જવાબ આપ્યો ન હતો.

હૈદરાબાદના પોલીસ અધિકારી વી સી સજ્જનાર માને છે કે એમએલએમ સ્કીમ નવી બાબત નથી, પરંતુ તેમના કારણે લોકોના જીવનને જે નુકસાન થાય છે તે રોગચાળા દરમિયાન વેગીલું બન્યું હોય એવું લાગે છે.

વી સી સજ્જનારે કહ્યું હતું કે “અગાઉ તેઓ ફિઝિકલ મીટિંગો યોજતા હતા, પણ કોવિડને કારણે ઓનલાઇન મીટિંગો યોજાતી થઈ હતી. તેથી મિટિંગ ક્યાં થઈ રહી છે અને તેનું સંચાલન કોણ કરી રહ્યું છે તે અમે જાણી શકતા નથી. એ અત્યંત ક્લોઝ્ડ ગ્રુપ છે.”

રિયાએ જણાવ્યુ હતું કે ક્યૂનેટના એજન્ટ્સ સાથે તેમણે વોટ્સએપ અને ઝૂમ કોલ્સ મારફત જ મોટાભાગનો વ્યવહાર કર્યો હતો. તેથી તેઓ સ્કીમની કાયદેસરતાની ચકાસણી કરી શક્યાં ન હતાં. તેમની આર્થિક સ્થિતિ એટલી તંગ હતી કે તેમણે એજન્ટ્સ પર તરત ભરોસો કર્યો હતો.

રિયાએ કહ્યું હતું કે “એજન્ટો અત્યંત અસહાય અને નબળા લોકોને જ નિશાન બનાવતા હોય છે. તમારી આર્થિક સ્થિતિ સારી હોય, તમે પૂરતું કમાતા હો અને તમારી પાસે જે હોય તેનાથી ખુશ હો તો આવી સ્કીમ માટે તમારો સંપર્ક દેખીતી રીતે કોઈ ન કરે.”

રેડ લાઇન
રેડ લાઇન