બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને '30 લાખનું ઇનામ જાહેર' કરીને પડકાર ફેંકનારા શ્યામ માનવ કોણ છે?

ધીરેન્દ્ર શાસ્ત્રી અને શ્યામ માનવ

ઇમેજ સ્રોત, FACEBOOK

    • લેેખક, ઓમકાર કરંબેલકર
    • પદ, બીબીસી સંવાદદાતા

અષાઢી એકાદશીનો દિવસ હતો અને મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક સંતને કોઈએ પૂછ્યું હતું કે “બાબા, આપ મંદિરમાં ભગવાનનાં દર્શન કરી આવ્યાં?”

ચંદ્રભાગાઘાટ પર લોકોની ભીડ હતી. એ તરફ હાથથી ઇશારો કરતાં સંતે જવાબ આપ્યો હતો કે “તમે વિઠ્ઠલને તમારી સામે જાગતા, વાતો કરતા અને નાચતા જુઓ છો છતાં મંદિરે શા માટે જાઓ છો? તમે જ્યાં જુઓ ત્યાં બધામાં વિઠ્ઠલ જ સમાયેલા છે.”

જિજ્ઞાસુના આ સવાલનો જવાબ જેમણે આપ્યો તે સંતનું નામ હતું, ગાડગેબાબા.

સંત ગાડગેબાબાએ સમગ્ર મહારાષ્ટ્રની યાત્રા કરી હતી. લોકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. ઠેકઠેકાણ કીર્તન કર્યાં હતાં. તેમણે મહારાષ્ટ્રને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરાવવાના પ્રયાસ કર્યા હતા.

આવું કરતી વખતે તેમણે શ્રદ્ધાળુઓના મનમાં દ્વિધા સર્જી ન હતી. લોકોમાંની અંધશ્રદ્ધાને અચાનક ખતમ કરવાને બદલે તેમણે સચ્ચાઈ શું છે તે જણાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લોકોને સત્યનો માર્ગ દેખાડ્યો હતો.

સત્યશોધક સમાજના નેતા અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના પિતા પ્રબોધનકાર ગાડગેબાબાના આ અભિગમ બાબતે વારંવાર કહેતા હતા કે “ગાડગેબાબાએ લોકોની શ્રદ્ધાને કસાઈની માફક કાપી નાખવાને બદલે ધીમે-ધીમે બુનિયાદી તર્ક આપ્યો હતો.”

અંધશ્રદ્ધાનો વિરોધ કરવા અને અનિચ્છનીય પ્રથાઓને રોકવાનું સુધારાવાદી અભિયાન મહારાષ્ટ્રમાં અગાઉ પણ ચાલતું રહ્યું છે.

અંધશ્રદ્ધા વડે લોકોને ગેરમાર્ગે દોરતા અને મેલીવિદ્યા કરતા બાબાઓ તથા તાંત્રિકો વિરુદ્ધ પગલાં લેનારું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર જ હતું. અહીં મેલીવિદ્યા વિરોધી કાયદો પણ બનાવવામાં આવ્યો છે.

ગ્રે લાઇન

મહારાષ્ટ્રના કાયદા બાબતે ચર્ચા

બાગેશ્વર ધામ

ઇમેજ સ્રોત, BAGESHWAR DHAM

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહારાષ્ટ્રનો આ કાયદો અંધશ્રદ્ધા વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને કારણે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેનું કારણ મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો તાજેતરમાં નાગપુરમાં યોજાયેલો કાર્યક્રમ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેતા હોવાનો દાવો કરે છે. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે.

તેમણે જણાવ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ જાણતા હોવાનો દાવો સિદ્ધ કરશે તો તેમને રૂ. 30 લાખનું ઇનામ આપવામાં આવશે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીએ તે પડકાર સ્વીકાર્યો ન હતો અને નાગપુરનો કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના ગઢા ગામના છે અને ત્યાં બાગેશ્વર ધામ નામનો ધાર્મિક આશ્રમ ચલાવે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો પછી આ વિવાદ સતત વકરી રહ્યો છે અને શ્યામ માનવને હત્યાની ધમકી પણ આપવામાં આવી રહી છે.

એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ પોતાને મોતની ધમકી મળતી હોવાનો દાવો કર્યો હતો અને મધ્યપ્રદેશના બમીઠા પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

ગ્રે લાઇન

કોણ છે શ્યામ માનવ?

શ્યામ માનવ

ઇમેજ સ્રોત, SHYAM MANAV FACEBOOK

શ્યામ માનવ મહારાષ્ટ્રના અંધશ્રદ્ધા-વિરોધી કર્મશીલ છે. તેઓ પર્સનાલિટી ડેવલપમૅન્ટ ક્લાસ ચલાવે છે. સંમોહન નિષ્ણાત છે અને વિચારક તરીકે પણ જાણીતા છે.

તેઓ આત્મસંમોહન વડે પ્રતિભા વિકાસની કાર્યશાળાઓનું આયોજન કરે છે અને તેમણે ઘણા લોકોને આત્મસંમોહનની કળા શીખવી છે.

શ્યામ માનવનો જન્મ 1951ની 9 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના દેવલી ગામમાં થયો હતો. તેમના પિતા જ્ઞાનદેવે થોડા સમય સુધી વિનોબા ભાવેના અંગત સહાયક તરીકે કામ કર્યું હતું.

જ્ઞાનદેવ ગાંધીવાદી હતી અને તેમણે વિનોબા ભાવે સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું. શ્યામ માનવનાં માતા કમલ શિક્ષિકા હતાં.

અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવતા શ્યામ માનવ ગામની કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કર્યું છે. કૉલેજ કાળ દરમિયાન તેઓ તરુણ શાંતિ સેના અને જયપ્રકાશ નારાયણની વિદ્યાર્થી યુવા સંઘર્ષ વાહિની સાથે પણ સંકળાયેલા હતા.

1975-76માં કટોકટીનો વિરોધ કરવા બદલ તેમને નવ મહિનાના કારાવાસની સજા કરવામાં આવી હતી. તેમણે લોકમત, તરુણ ભારત અને નાગપુર પત્રિકા જેવા અખબારો માટે લેખો પણ લખ્યા છે.

1982માં સ્થાપવામાં આવેલી અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનો પાયો નાખવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

બીબીસી ગુજરાતી

શું હતો સમગ્ર વિવાદ?

બીબીસી ગુજરાતી
  • પોતાનાં નિવેદનોથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર વિવાદમાં સપડાયા છે
  • આ વિવાદનું કારણ છે અંધવિશ્વાસ ફેલાવવાના, મીડિયા કવરેજ અને બીજા આરોપોના તેમણે પોતે આપેલા જવાબ
  • ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ભક્તોના સવાલોના જવાબવાળા વીડિયો, સનાતન ધર્મની વાતો અને કેન્દ્રીય પ્રધાનો સાથે નિકટતાને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે
  • ધીરેન્દ્ર શાસ્ત્રી પર જમીન પર કબજો કરવાના, ગેરકાયદેસર બાંધકામ કરવાના, ધાર્મિક ભાવના ભડકાવતાં નિવેદન આપવાના અને અસ્પૃશ્યતાનું સમર્થન કરવાના આરોપ લાગે છે
  • તેમનો દાવો છે કે તેઓ લોકોનું દુ:ખ માત્ર તેમને જોઈને જણાવી દે છે
  • પરંતુ ઘણા તેને ચમત્કાર નહીં એક વૈજ્ઞાનિક રીત ગણાવી તેમના પર અંધવિશ્વાસ ફેલાવાનો આરોપ લગાવે છે
  • હાલમાં જ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમની પસંદગીના લોકો વચ્ચે ચમત્કાર કરી દેખાડવાનો પડકાર ફેંક્યો છે
  • શ્યામ માનવે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર એવું કરશે તો તેઓ તેમને રૂ. 30 લાખનું ઇનામ આપશે
બીબીસી ગુજરાતી

અંધશ્રદ્ધા વિરુદ્ધની લડાઈ

ધીરેન્દ્ર શાસ્ત્રી

ઇમેજ સ્રોત, BAGESHWAR DHAM

ઇમેજ કૅપ્શન, ધીરેન્દ્ર શાસ્ત્રી

મોટા ભાગના પરિવારોની માફક શ્યામ માનવનો પરિવાર પણ અંધશ્રદ્ધાથી ઘેરાયેલો હતો.

તેમના ઘરમાં રૂઢિચુસ્તતા અને વિવિધ બાબાઓનો પ્રભાવ હતો. તેઓ માનતા હતા કે વિજ્ઞાન પાસે ઘણા બધા સવાલોના જવાબ નથી.

1981માં કિર્લોસ્કર પત્રિકામાં કૉલમલેખક તરીકે કામ કરતી વખતે તેમની મુલાકાત વિચારક બી. પ્રેમાનંદ સાથે થઈ હતી.

બી. પ્રેમાનંદના કાર્યક્રમમાં શ્યામ માનવને ઘણા સવાલના જવાબ મળ્યા હતા. એ પછી શ્રીલંકાના ડૉ. અબ્રાહમ કોવૂરનાં પુસ્તકોએ શ્યામ માનવના વિવેકવાદી વિચારોને મજબૂત કર્યા હતા.

શ્યામ માનવ જણાવે છે કે તેઓ ભગવાન કે ધર્મના વિરોધી નથી, પરંતુ ભગવાન તથા ધર્મના નામે ચાલતી લૂંટના વિરોધી છે.

બીબીસી ગુજરાતી

મેલીવિદ્યા-વિરોધી કાયદામાં યોગદાન

ધીરેન્દ્ર શાસ્ત્રી

ઇમેજ સ્રોત, FACEBOOK

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની સ્થાપના ડૉ. નરેન્દ્ર દાભોલકરે કરી હતી. આ સમિતિ અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિથી અલગ છે.

મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા-વિરોધી કાયદાની રચના માટે ડૉ. નરેન્દ્ર દાભોલકર અને શ્યામ માનવ બન્નેએ વિશેષ પ્રયાસ કર્યા હતા.

તેનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં 2004માં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જોરદાર વિરોધ થતાં તેને મંજૂરી મળી ન હતી. 2011માં તે ફરી રજૂ કરવામાં આવ્યો હતો.

2013ની 20, ઑગસ્ટે પૂણેમાં ડૉ. દાભોલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એ પછી મહારાષ્ટ્ર સરકારે તે કાયદા માટે તત્કાળ વટહુકમ બહાર પાડ્યો હતો. 2013ની 18 ડિસેમ્બરે તે ખરડો પસાર થયો હતો અને કાયદો બન્યો હતો.

તે કાયદાનું નામ ‘મહારાષ્ટ્ર માનવ બલિદાન અને અન્ય અમાનવીય, અઘોરી તથા અત્યાચારી પ્રથાઓ અને મેલીવિદ્યા કાયદો-2013’ છે.

બીબીસી ગુજરાતી

ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર

ધીરેન્દ્ર શાસ્ત્રી

ઇમેજ સ્રોત, BAGESHWAR DHAM

ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર ધામ સરકારને નાગપુરના કાર્યક્રમમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ પડકાર ફેંક્યો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંકતા શ્યામ માનવે જણાવ્યું હતું કે હું કેટલીક પરીક્ષા લઈશ અને ધીરેન્દ્ર તેમાં સફળ થશે તો તેમને રૂ. 30 લાખનું ઇનામ આપવામાં આવશે.

શ્યામ માનવે જણાવ્યું હતું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ 10 લોકોને ઊભા રાખશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તે લોકોનાં નામ, તેમના પિતાના નામ, ફોન નંબર અને ઉંમર જણાવવાની રહેશે. એ સિવાય બીજા ઓરડામાં કઈ ચીજવસ્તુઓ રાખવામાં આવી છે એ પણ તેમણે જણાવવું પડશે.

શ્યામ માનવે કહ્યું હતું કે “ધીરેન્દ્ર શાસ્ત્રી આવું બે વખત કરી દેખાડશે અને 90 ટકા સવાલોના સાચા જવાબ આપશે તો પણ હું અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પ્રમુખ તરીકે તેમના ચરણ પર માથું રાખીને માફી માગીશ અને સમિતિ તરફથી રૂ. 30 લાખનું ઇનામ આપીશ.”

શ્યામ માનવે એમ પણ જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ઇનામનો સ્વીકાર નહીં કરે તો તેઓ, ધર્મના નામે લોકોને છેલ્લાં 40 વર્ષથી લૂંટી રહેલા લોકોને ઉઘાડા પાડવાનું કામ કરતી પોતાની સમિતિનું કામકાજ બંધ કરી દેશે.

દિવ્ય શક્તિ વિશે વાત કરતાં શ્યામ માનવે કહ્યું હતું કે “દુનિયામાં દિવ્ય શક્તિ સિદ્ધ થઈ નથી. અમેરિકા, રશિયા જેવા દેશોમાં તેને સિદ્ધ કરવાના પ્રયાસ જરૂર થયા છે, પણ તેમાં સફળતા મળી નથી.”

શ્યામ માનવે ઉમેર્યું હતું કે “મહારાજ પાસે દૈવી શક્તિ હોય તો તેમણે તેનો ઉપયોગ દેશની સલામતી માટે કરવો જોઇએ. તેઓ દૈવી શક્તિનો ઉપયોગ કરશે તો દેશમાં ક્યાંય બૉમ્બ પડશે નહીં, કારણ કે બૉમ્બ ક્યાં તૈયાર કરવામાં આવી રહ્યો છે તેની ખબર તેમને દૈવી શક્તિ વડે પડી જશે. દેશમાં આતંકવાદની કોઈ ઘટના નહીં બને. તેથી દૈવી શક્તિને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવી જરૂરી છે. અમારે હારવું ભલે પડે, પણ વૈજ્ઞાનિક સાબિતીથી સમગ્ર વિશ્વમાં ભારત ખ્યાતિ પામશે.”

નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ શ્યામ માનવની સમિતિના પડકારને સ્વીકાર્યો ન હતો, પરંતુ બાગેશ્વર ધામ જઈને તેમણે તેમની શક્તિ સિદ્ધ કરી દેખાડવાની વાત કહી હતી.

શ્યામ માનવે આ બાબતે પણ પ્રતિભાવ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે “ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુર આવીને દૈવી શક્તિના વિવિધ દાવા કર્યા હતા. અમે તેમની સામે પડકાર ફેંક્યો છે. તેમણે તેમની શક્તિને સાબિત કરવી જોઈએ. તેમણે કરેલા દાવા પર મેલીવિદ્યા વિરોધી કાયદો લાગુ થાય છે. તેમને નાગપુરમાં તમામ પ્રકારની સલામતી ઉપલબ્ધ છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આંબેડકરવાદી વિચારધારા વચ્ચે પણ સંવાદ થાય છે. અહીં આવીને પોતાની દૈવી શક્તિ સિદ્ધ કરવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને શું વાંધો છે?”

જોશીમઢનાં ઘરોમાં પડી તિરાડો
ઇમેજ કૅપ્શન, જોશીમઢનાં ઘરોમાં પડી તિરાડો

ધીરેન્દ્ર સ્વામીને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ પડકાર ફેંક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી જોશીમઠનાં ઘરોમાં પડેલી તિરાડોને ચમત્કાર વડે ભરી આપશે તો અમે તેમનું સ્વાગત કરીશું.

તેમણે કહ્યુ હતું કે “અમે તેમના માટે ફૂલો બિછાવશું. કહીશું કે આવો, અમારાં મકાનોમાં જે તિરાડો પડી છે, અમારા જોશીમઠમાં જે તિરાડો પડી છે તેને સાંધી આપો. આખો દેશ ઇચ્છે છે કે કોઈ ચમત્કાર થાય. જે ચમત્કાર થઈ રહ્યા છે તેનો ઉપયોગ લોકોની ભલાઈ માટે થશે તો અમે તેમનો જયજયકાર કરીશું, નમસ્કાર કરીશું. અન્યથા આ ચમત્કાર એક છળ છે. તેનાથી વધુ કશું જ નહીં.”

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

તેમણે ઉમેર્યું હતું કે કોઈની પાસે અલૌકિક શક્તિ આવી ગઈ હોય અને જાદુગરની માફક છડી ધુમાવીને તે અચાનક કશું કરી શકે તેમ હોય તો તેણે એ કરવું જોઈએ. અમને તો આવા કોઈ ચમત્કારની ખબર નથી.

શંકરાચાર્યે એમ પણ કહ્યું હતું કે “આવો કોઈ ચમત્કારી પુરુષ હોય તો તેણે ધર્માંતર અટકાવી દેવું જોઈએ. લોકોને આત્મહત્યા કરતા અટકાવવા જોઈએ. પરિવારોમાં થતા ઝઘડા, વિવાદ બધું અટકાવી દેવું જોઈએ. સુમતિ લાવવી જોઈએ.”

“સમગ્ર દેશના લોકો એકમેકને પ્રેમ કરવા લાગે તેવું કરવું જોઈએ. વર્ગ-વિગ્રહ અટકાવવો જોઈએ. આવો કોઈ ચમત્કાર લોકો તથા રાષ્ટ્ર માટે કરી દેખાડવો જોઈએ. તેમને ચમત્કારી પુરુષ ત્યારે જ કહી શકાય.”

રેડ લાઇન
રેડ લાઇન