સાપને મારવા તાવની દવા પેરાસીટામોલનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images

- શું ખરેખર પેરાસીટામોલ વડે સાપનો સફાયો થાય છે?
- અમેરિકા સાપને મારવા માટે કેમ કરી રહ્યું છે પેરાસીટામોલનો ઉપયોગ
- આ સાપ ઇલેક્ટ્રિકના થાંભલા તથા વાયર્સ સાથે વીંટળાઈ જતા હોવાથી વીજપુરવઠો ખંડિત થવાની સમસ્યા પણ સર્જાય છે
- ગુઆમમાં બ્રાઉન ટ્રી સ્નેક્સની સંખ્યામાં જંગી વધારો થયો છે. તેઓ અનેક સ્થાનિક પ્રજાતિઓનો સફાયો કરી રહ્યા છે

આપણે જે પેરાસીટામોલનો ઉપયોગ તાવની સારવારમાં કરીએ છીએ તેનો ઉપયોગ અમેરિકા સાપ મારવા માટે કરી રહ્યું છે. આ વાત આશ્ચર્યજનક જરૂર છે, પણ ખોટી નથી.
અમેરિકાના ગુઆમ ટાપુની સરકાર બ્રાઉન ટ્રી સ્નેક પ્રજાતિના સાપને મારવા માટે પેરાસીટામોલનો ઉપયોગ કરે છે. તેઓ સાપને મારવા માટે 80 મિલીગ્રામ પેરાસીટામોલનો ઉપયોગ કરે છે.
મૃત ઉંદરડાંના શરીરમાં 80 મિલીગ્રામ પેરાસીટામોલનું ઇન્જેકશન આપવામાં આવે છે અને પછી તેમને કાર્ડબોર્ડ પેરાશૂટમાં ભરીને હેલિકૉપ્ટર વડે જંગલમાં વૃક્ષો પર લટકાવવામાં આવે છે.
મોટા ભાગે વૃક્ષો પર જ રહેતા બ્રાઉન ટ્રી સ્નેક્સ ઝાડની ડાળી પર લટકતા કાર્ડબોર્ડ પેરાશૂટમાં પડેલા ઉંદરનો આહાર કહે છે અને પેરાસીટામોલ-યુક્ત ઉંદર ખાવાને કારણે સાપ થોડા જ કલાકોમાં મૃત્યુ પામે છે.
પેરાસીટામોલ-યુક્ત ઉંદરનો આહાર કરવાને લીધે સાપ મૃત્યુ પામ્યો છે કે કેમ તે નક્કી કરવા માટે અમેરિકાનો કૃષિ વિભાગ કેટલાંક ઉંદરડાંમાં રેડિયો ટ્રેકર્સનું આરોપણ કરે છે.


સાપ સામે અમેરિકાનું યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
આશરે ત્રણ મીટર લંબાઈ ધરાવતા બ્રાઉન ટ્રી સ્નેક સામે અમેરિકા યુદ્ધે ચડ્યું છે.
આ માટે તે વર્ષે 80 લાખ ડૉલર ખર્ચી રહ્યું છે. ભારતીય ચલણમાં ગણતરી કરીએ તો રૂ. 60 કરોડ થાય.
જે સરકારે વન્યજીવોનું રક્ષણ કરવાનું હોય એ બ્રાઉન ટ્રી સ્નેક્સને ખતમ શા માટે કરી રહી છે એવો સવાલ જરૂર થાય, પરંતુ અમેરિકા કહે છે કે આ સાપ બહુ નુકસાન કરતા હોવાથી તેમને મારી નાખવા જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુઆમ ટાપુ વેસ્ટર્ન પેસિફિક સમુદ્રમાં આવેલો છે. તે અમેરિકન મેઇનલૅન્ડથી આશરે 11,000 કિલોમીટર દૂર આવેલો છે.
તે ફિલિપાઇન્સથી આશરે 2,500 કિલોમીટર અને ઑસ્ટ્રેલિયાથી આશરે 4,500 કિલોમીટર દૂર આવેલો છે.
ગુઆમમાં બ્રાઉન ટ્રી સ્નેક્સની સંખ્યામાં જંગી વધારો થયો છે. તેઓ અનેક સ્થાનિક પ્રજાતિઓનો સફાયો કરી રહ્યા છે.
અમેરિકાના જણાવ્યા મુજબ, આ કારણે ગુઆમમાં પક્ષીઓની 11 પૈકીની નવ પ્રજાતિનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. ઉપરાંત દેડકાં તથા ચામાચીડિયાંઓનો જીવ પણ જોખમમાં છે.
આ સાપ ઇલેક્ટ્રિકના થાંભલા તથા વાયર્સ સાથે વીંટળાઈ જતા હોવાથી વીજપુરવઠો ખંડિત થવાની સમસ્યા પણ સર્જાય છે.
વીજપુરવઠા સંબંધી ઉપકરણોને નુકસાન થાય છે. ગુઆમ પાવર ઑથૉરિટીના જણાવ્યા મુજબ, વીજપુરવઠો વારંવાર ખંડિત થવાને લીધે અને સમારકામ માટે વર્ષે 40 લાખ ડૉલર ખર્ચવા પડે છે.
આ કારણસર અમેરિકા બ્રાઉન ટ્રી સ્નેક્સની વસ્તી નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. હૈદરાબાદ કરતાં પણ નાનું કદ ધરાવતા ગુઆમ ટાપુમાં 30 લાખથી વધારે બ્રાઉન ટ્રી સ્નેક્સ હોવાનો અંદાજ છે.
જોકે, પીટા જેવા સંગઠનો માને છે કે પેરાસીટામોલ વડે સાપને મારી નાખવા અયોગ્ય છે. પીટા આ કૃત્યને અરાજકતા ગણાવે છે.

વહાણમાં ગુઆમ આવ્યા હતા આ સાપ

ઇમેજ સ્રોત, FB/VISIT GUAM
ગુઆમ ટાપુ પર સાપની ચડાઈ વિશે વાત કરીએ તે પહેલાં હોર્સિસ હુફ નામની વનસ્પતિ વિશે થોડું જાણી લેવું જરૂરી છે.
તળાવ અને કનેલોની આસપાસ ઊગતી હોર્સિસ હુફના નિયંત્રણ માટે સરકારો કરોડો રૂપિયા ખર્ચી રહી છે. હોર્સ હુફ બહુ ખતરનાક હોવાનું કારણ એ છે કે તે ભારતનો નેટિવ પ્લાન્ટ નથી.
એમેઝોન જંગલનો આ છોડ થોડા દાયકા પહેલાં ભારત આવ્યો હતો, પરંતુ પ્રાણીઓ તેનો આહાર કરતા ન હોવાથી તે જંગી પ્રમાણમાં વિકસે છે અને સમસ્યા સર્જે છે.
આ વાત ગુઆમ ટાપુ પરના બ્રાઉન ટ્રી સ્નેક્સ માટે પણ એટલી જ સાચી છે.
આ વિદેશી પ્રજાતિના સાપ ગુઆમ ટાપુ પર 70થી ઓછાં વર્ષ પહેલાં અહીં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુઆમ ટાપુ અમેરિકન સૈન્ય માટેનું લશ્કરી થાણું હતો. તે કેટલોક સમય જાપાનના અંકુશ હેઠળ હતો.
આ સાપ માલવાહક જહાજમાં ગુઆમ ટાપુ આવ્યા હતા. ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને પાપુઆ ન્યૂ ગિની જેવા દેશો આ સાપનું કુદરતી રહેઠાણ છે. ગુઆમ તેમનો પ્રાકૃતિક આવાસ નથી. તેથી અહીં આ સાપની કોઈ દુશ્મન પ્રજાતિ નથી. તેના પરિણામે ગુઆમ ટાપુમાં બ્રાઉન ટ્રી સ્નેક્સની સંખ્યામાં જંગી વધારો થયો છે.
આ સાપ વૃક્ષો પર રહેતા હોવાથી તેમને શોધવાનું મુશ્કેલ હોય છે. આ સાપે ગુઆમમાંની નેટિવ પ્રજાતિઓને આરોગવાનું શરૂ કરતાં ત્યાંના જીવવૈવિધ્યને પ્રચંડ નુકસાન થઈ રહ્યું છે.

ગુઆમ સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
ગુઆમ ટાપુ પર બ્રાઉન ટ્રી સ્નેક સૌપ્રથમ 1950માં મળી આવ્યા હતા. એ પછી 1990ના દાયકામાં તેઓ એક મોટી સમસ્યા બની ગયા ત્યારથી તેને અંકુશમાં લેવાના પગલાં લેવાઈ રહ્યાં છે.
એ પગલાંના એક ભાગરૂપે તેમને પેરાસીટામોલ વડે મારી નાખવામાં આવે છે. અમેરિકાનું લક્ષ્ય આ સાપને મુખ્યત્વે ગુઆમ ટાપુ સુધી જ મર્યાદિત રાખવાનું છે.
અમેરિકા કહે છે કે તેનો હેતુ સાપની આ પ્રજાતિને સંપૂર્ણપણે ખતમ કરવાનો નથી, પરંતુ તેમની વસતી નિયંત્રિત કરવાનો છે.
અમેરિકા માને છે કે આ સાપ ગુઆમથી હવાઈ કે અમેરિકન મેઇનલૅન્ડ સુધી પહોંચશે તો તેનું પરિણામ બહુ ગંભીર હશે.
તેનું કારણ એ છે કે અમેરિકામાં પણ તેની કોઈ દુશ્મન પ્રજાતિ નથી અને બ્રાઉન ટ્રી સ્નેક્સને અન્ય પ્રજાતિઓ કરતાં વધારે ઘાતક ગણવામાં આવે છે. તેથી અમેરિકા આ સાપ જહાજ કે પ્લેન મારફત ગુઆમ ટાપુની બહાર ન જાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યું છે.
ગુઆમના ઍરપૉર્ટ તથા બંદરો પરથી બ્રાઉન ટ્રી સ્નેક્સનો સંપૂર્ણ સફાયો કરી નાખવામાં આવ્યો છે. ઑરપૉર્ટ્સ વિસ્તારમાંથી આ સાપને શોધી કાઢવા માટે ખાસ તાલીમ પામેલાં કૂતરાં ગોઠવવામાં આવ્યાં છે.














