ઇંદિરા ગાંધીએ જ્યારે રજવાડાં આપનાર રાજવીઓનાં ઇલકાબ-સાલિયાણાં છીનવી લીધાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
બ્રિટિશરાજ દરમિયાન ભારતના રાજવીઓ 'પરિકથા' જેવું જીવન જીવતા. તેમની પાસે મોંઘાં હીરા-ઝવેરાત હતાં, રૉલ્સ-રૉયસ ગાડીઓના કાફલા હતા. અવરજવર માટે ખાનગી ટ્રેનો હતી, તોપની સલામી મળતી. આ રજવાડાં દેશની અડધો-અડધ જમીન તથા બે-તૃતીયાંશ જેટલી વસતી પર પ્રભુત્વ ધરાવતા હતા.
દેશને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે બ્રિટિશ સરકારે તેમને ભારત સાથે ભળવું, પાકિસ્તાનમાં સામેલ થવું કે સ્વતંત્ર રહેવું જેવા વિકલ્પ આપ્યા હતા. આવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલ તથા વી.પી. મેનન નામના સરકારી અધિકારીએ વર્તમાન ભારતના ભૂભાગના રાજવીઓના વિલીનીકરણની કવાયત હાથ ધરી.
દેશનાં રજવાડાંને ભારત સાથે જોડાવા બદલ જવાહરલાલ નહેરુના નેતૃત્વવાળી ભારત સરકારે કરમુક્ત વાર્ષિક સાલિયાણાં, ઇલકાબ સહિતની ખાતરીઓ બંધારણીય જોગવાઈઓ દ્વારા આપી હતી.
બે દાયકામાં પરિસ્થિતિઓ પલટાઈ ગઈ અને નહેરુનાં પુત્રી ઇંદિરાએ આ સાલિયાણાં બંધ કરી દીધાં, જેની પાછળ તેમની રાજકીય ગણતરી હતી.
રજવાડાંનું વિલિનીકરણ થયું ત્યારે વર્ષાસનનો વાયદો કરવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
દેશી રજવાડાંના વિલીનીકરણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા સરકારી અધિકારી વી.પી. મેનને 'ધ સ્ટૉરી ઑફ ધ ઇન્ટિગ્રૅશન ઑફ ધ ઇન્ડિયન સ્ટૅટ્સ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે રાજવીઓને આપવામાં આવેલી છૂટછાટો પર પ્રકાશ પાડ્યો છે.
તેમણે પુસ્તકનું 25મું પ્રકરણ 'વિલીનીકરણની કિંમત' પર કેન્દ્રિત રાખ્યું છે.
આ અધ્યાયમાં તેઓ લખે છે કે ફેબ્રુઆરી-1947માં જવાહરલાલ નહેરુએ રાજવીઓની ચૅમ્બર ઑફ પ્રિન્સ દ્વારા નીમવામાં આવેલી વાટાઘાટ સમિતિને ખાતરી આપી હતી કે રાજવી તરીકે તેમના હોદ્દા યથાવત્ રહેશે. એ પછી સરદારે પણ આ ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો.
તા. 25 જુલાઈ 1947ના દિવસે લૉર્ડ માઉન્ટબૅટને ચૅમ્બર ઑફ પ્રિન્સને સંબોધિત કરતા કહ્યું કે સંરક્ષણ, સંચાર અને વિદેશસેવાને બાદ કરતાં ભારત સરકાર દ્વારા અન્ય કોઈ બાબતમાં રજવાડાંની આંતરિક સ્વાયત્તતામાં કોઈ દખલ નહીં કરવામાં આવે. એટલે આ ખાતરીઓને ધ્યાનમાં રાખીને વિલીનીકરણની નીતિ તૈયાર કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજવીઓ કોઈ પણ પૂર્વ શરત વગર તેમનાં રજવાડાં હંમેશાંને માટે છોડી રહ્યા હતા એટલે તેમના માટે જોગવાઈઓ કરવી જરૂરી હતી. તેમના જીવનધોરણને પોષી શકે તે રીતે વર્ષાસનના દર આપવાનું નક્કી થયું.
તેઓ પોતાના નોકરચાકર રાખી શકે, પરિવાર-સંપત્તિનો નિભાવ કરી શકે તથા અન્ય રીતરસમો અને ઉત્સવો ઊજવી શકે તે રીતે કરમુક્ત વર્ષાસન નક્કી કરવામાં આવ્યું. એ પછી ભારત સરકારે તેમને કોઈ રકમ આપવાની નહોતી થતી.
વર્ષાસન કેવી રીતે નક્કી કરવું, તેના વિશે 'દખ્ખણની ફૉર્મ્યુલા' ઉપલબ્ધ હતી, પરંતુ તે રાજવીઓ પ્રત્યે ખૂબ જ ઉદાર હતી, એટલે 'પૂર્વની ફૉર્મ્યુલા' તૈયાર કરવામાં આવી, જે થોડી વધુ વાજબી હતી. તેનાથી રાજવીઓને દખ્ખણની ફૉર્મ્યુલાની સરખામણીમાં વાર્ષિક 25 ટકા જેટલું ઓછું વર્ષાસન મળનારું હતું.
આ રકમ નક્કી કરતી વેળાએ તેમના રાજની વાર્ષિક ઊપજને પણ ધ્યાને લેવામાં આવી હતી. મેનન લખે છે કે સૌરાષ્ટ્રમાં આ ફૉર્મ્યુલા કામ આપે તેમ ન હતી એટલે તેમના માટે વધુ ઉદાર ફૉર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, જેથી આ વિસ્તારના લોકોને દારુણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકાય.
રાજવીઓને વર્ષાસન આપતા અનુચ્છેદ 291 ઉપર બંધારણસભામાં ચર્ચા કરતી વેળાએ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું, 'આપણે પોતાની જાતને રાજવીઓના સ્થાને મૂકીને જોવી જોઈએ, તો જ તેમણે આપેલાં બલિદાનને આપણે ન્યાય કરી શકીશું. નાનકડી રકમ આપીને આપણે 'રક્તપાતવિહિન ક્રાંતિ' કરી શક્યા છીએ."
પટેલે ઉમેર્યું હતું કે વર્ષાસન સંબંધે આપણી ફરજ છે કે વર્ષાસન સંબંધે જે કોઈ ખાતરીઓ આપવામાં આવી છે, તેનું પાલન થાય. જોકે, બે દાયકામાં રાજકીય પરિસ્થિતિ પલટાવાની હતી અને ઇંદિરા ગાંધી તેને ઊથલાવી નાખવાનાં હતાં.
લોકહિત કે રાજકીય હિત

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સામ્યવાદી રશિયા અને ચીનની તર્જ ઉપર દેશનો આર્થિકવિકાસ કરવા માગતા હતા. તેમણે દેશમાં સામૂહિક ખેતી લાવવા વિચારણા કરી રહ્યા હતા.
એ સમયના કૉંગ્રેસી નેતાઓએ સી. રાજગોપાલાચારી અને કનૈયાલાલ મુનશી વગેરે જેવા નેતાઓએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આ પક્ષ ખુલ્લા બજારની ઉદારમતવાદી નીતિનો હિમાયતી હતો. સ્વતંત્ર પક્ષને ઉદ્યોગપતિઓ, પૂર્વ રાજાઓ, ઉચ્ચ અધિકારીઓ અને બૅન્કોના સ્થાપકો સહકાર પ્રાપ્ત હતો.
વિશ્લેષક સ્વામીનાથન અંકલેશરિયા ઐય્યરના મતે, 1962માં ચીન સામેના યુદ્ધ, 1965માં પાકિસ્તાન સાથે સંઘર્ષ તથા વર્ષ 1966ના દુષ્કાળને કારણે દેશનું વિદેશી હૂંડિયામણ તળિયાઝાટક થઈ ગયું હતું. અનાજ માટે દેશ આયાત ઉપર આધારિત હતો.
વિશ્લેષક સ્વામીનાથન અંકલેશરિયા ઐય્યરના મતે, 1962માં ચીન સામેના અને 1965માં પાકિસ્તાન સામેનાં યુદ્ધના કારણે ભારતને આર્થિક ફટકો પડ્યો હતો.
1967ની ચૂંટણી દરમિયાન સત્તાવિરોધી વલણ દેખાવા લાગ્યું હતું. કૉંગ્રેસ પાર્ટીને 520માંથી માત્ર 283 બેઠક મળી. લોકસભામાં કૉંગ્રેસ પાસે માત્ર 22 સંસદસભ્યોની બહુમતી હતી.
અવિભાજિત ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના કૉંગ્રેસ એકમોમાં બળવાનાં બ્યુગલ ફૂંકાયાં હતાં અને દિગ્ગજ પ્રાદેશિક નેતાઓ કૉંગ્રેસથી અલગ થઈ રહ્યા હતા. આ બળવા આગામી લોકસભા ચૂંટણી માટે ઇંદિરા સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતા.
વ્યાપક રીતે એવું મનાતું હતું કે આગામી ચૂંટણીમાં સ્વતંત્રપક્ષ તથા વિપક્ષ નોંધપાત્ર પ્રદર્શન કરશે અને કદાચ ઇંદિરા ગાંધીએ સત્તા ગુમાવવી પડે. આવા સમયે ઉદ્યોગપતિઓની આર્થિક તાકતને કાપવા બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. આ સિવાય વીમા, કોલસા અને તાંબાનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું.
ઇંદિરા ગાંધીએ સાલિયાણાં સમાપ્ત કર્યાં અને સંઘર્ષ શરૂ

ઇમેજ સ્રોત, Photo Division
ઇંદિરા ગાંધીએ આવું જ એક પગલું પૂર્વ રાજવીઓને આપવામાં આવતા કરમુક્ત વાર્ષિક સાલિયાણાં નાબૂદ કરવાનું લીધું હતું. જોન ઝુબર્ઝિકી તેમના પુસ્તક 'ડિથ્રૉન્ડ: પટેલ, મેનન ઍન્ડ ધ ઇન્ટિગ્રૅશન ઑફ પ્રિન્સલી ઇન્ડિયા'માં લખે છે :
'રાજવી પરિવારનાં સ્ત્રી-પુરુષ રાજકારણમાં આવવા લાગ્યાં હતાં. જેમાંથી અમુક કૉંગ્રેસ સાથે હતાં, તો કેટલાક વિપક્ષ સાથે જોડાયેલાં હતાં. પિતાની જેમ જ ઇંદિરા ગાંધી પણ રાજવીઓ પ્રત્યે અણગમો ધરાવતાં હતાં. આ રાજવીઓની સફળતાને કારણે કૉંગ્રેસના ઉમેદવાર હારી રહ્યા હતા અને પાર્ટીની સંસદીય બહુમતી જોખમમાં મુકાઈ રહી હતી.'
આવા સમયે કથિત રીતે ઇંદિરા સરકારના સૌથી શક્તિશાળી અધિકારી અને ડાબેરી વિચારસરણી ધરાવતા પીએન હક્સરના પ્રભાવમાં તેમણે બૅન્કોના રાષ્ટ્રીયકરણ અને સાલિયાણાં નાબૂદ કરવા જેવા નિર્ણય લીધા હતા.
જનસંઘના અખબાર ઑર્ગેનાઇઝરે તા. 23 ઑગસ્ટ, 1969ના અંકમાં લખ્યું, "વાજપેયીને લાગતું હતું કે બૅન્કોના રાષ્ટ્રીયકરણ સંબંધિત ઇંદિરા ગાંધીનું પગલું આર્થિક નહીં, પરંતુ રાજકીય હતું. તે સત્તા ઉપર ટકી રહેવાનું હથિયાર હતું. વાજપેયીએ હવાની વિરુદ્ધ ન જવામાં જ શાણપણ સમજ્યું."
જોકે, સાલિયાણાં નાબૂદ કરવા મુદ્દે વાજપેયી તથા જનસંઘે કડક વલણ અપનાવ્યું હતું. તા. પહેલી સપ્ટેમ્બર 1969ના લોકસભામાં પૂર્વ રાજવીઓને વાર્ષિક સાલિયાણાં ન આપવા સંબંધિત ખરડો પસાર કરવામાં આવ્યો.
જોકે, ત્રણ દિવસ બાદ માત્ર એક મતના તફાવતથી આ બિલ સંસદના ઉપલાગૃહમાંથી પસાર ન થઈ શક્યું. ઇંદિરા ગાંધીએ હાથની ઉપર હાથ ધરીને બેસી રહેવાને બદલે વટહુકમ બહાર પાડીને પૂર્વ રાજવીઓના ઇલકાબ અને કરમુક્ત વર્ષાસન સહિતની સવલતો નાબૂદ કરી દીધી.
અટલબિહારી વાજપેયીએ કહ્યું કે ઇંદિરા ગાંધીનો નિર્ણય સંસદ તથા સંવિધાનના અપમાન જેવો હતો. પૂર્વ વડા પ્રધાનના જીવન ઉપર 'વાજપેયી ધ ઍસન્ટ ઑફ હિંદુ રાઇટ' નામનું પુસ્તક લખનારા અભિષેક ચૌધરીના કહેવા પ્રમાણે:
"રાજમાતા વિજયરાજે સિંધિયા તથા અન્ય રાજવીઓને કારણે જનસંઘ પ્રિવી પર્સ હઠાવવાની વિરુદ્ધ હતું. ફેબ્રુઆરી-1970માં ગ્વાલિયર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાજપેયીની હાજરીમાં વિજયરાજે સિંધિયાના દીકરા માધવરાવે જનસંઘનું સભ્યપદ લીધું હતું."
ચૌધરીના કહેવા પ્રમાણે, એ સમયે મધ્યપ્રદેશના રાજકારણ ઉપર ગ્વાલિયરના રાજવી પરિવારની ભારે અસર હતી, એટલે આ નિર્ણયની ત્યાંના રાજકારણ ઉપર અસર પડવાની હતી.
માધવરાવ સિંધિયાએ આ વટહુકમને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો. જ્યાં તેને 'ગેરકાયદેસર' અને 'ગેરબંધારણીય' ઠેરવવામાં આવ્યો. આના ઉપર પ્રતિક્રિયા આપતા વાજપેયીએ ચુકાદાને 'સરકારના મોં પર તમાચો' ઠેરવ્યો.
વર્ષ 1971ની લોકસભા ચૂંટણી દરમિયાન વાજપેયીએ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પર ભારે પ્રહાર કરતા કહ્યું હતું, "લોકશાહીમાં જે કંઈ પવિત્ર છે, વડાં પ્રધાન એ તમામનાં દુશ્મન છે. જ્યારે પાર્ટીએ રાષ્ટ્રપતિપદ માટે એમની પસંદગીના ઉમેદવારનો સ્વીકાર ન કર્યો, તો તેમણે પોતાની જ પાર્ટી તોડી નાખી. જ્યારે સંસદે પ્રિવી પર્સને નાબૂદ કરતો ખરડો પસાર ન કર્યો, તો તેમણે વટહુકમ બહાર પાડ્યો."
"જ્યારે સુપ્રીમ કોર્ટે એ આ અધ્યાદેશને ગેરકાયદેસર ઠેરવ્યો, તો તેમણે લોકસભા ભંગ કરી દીધી. જો 'મહિલા સરમુખત્યાર'નું ચાલે, તો કદાચ તેઓ સુપ્રીમ કોર્ટને પણ ભંગ કરી દે."
ઇંદિરા ગાંધી 'ગરીબી હટાવો'ના નારા સાથે વર્ષ 1971માં જંગી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યાં. રાજકીય વિશ્લેષકોના મતે, સાલિયાણાંનાબૂદી, બૅન્ક-વીમા તથા ખાણોના રાષ્ટ્રીયકરણે મતદારોને આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ઝુબર્ઝિકી લખે કે બે તૃતીયાંશ બહુમતી મેળવીને ઇંદિરા ગાંધીએ બંધારણ બદલી નાખ્યું. તેમણે રાજવીઓની પદવીઓ અને વર્ષાસન નાબૂદ કરી નાખ્યાં. ઇંદિરા ગાંધીને લાગતું હતું કે "સમાજમાં હવે એ વ્યવસ્થા સાંપ્રત નથી."
વિજયરાજે સિંધિયા આજીવન જનસંઘ અને પછી ભાજપ સાથે જોડાયેલાં રહ્યાં. આગળ જતાં તેમના દીકરા માધવરાવે કૉંગ્રેસની ટિકિટ ઉપર ગ્વાલિયરની ચૂંટણી લડી અને વાજપેયીને પરાજય આપ્યો. તેઓ રાજીવ અને સોનિયા ગાંધીની નજીક હતા.
માધવરાવનાં બહેન વસુંધરારાજે તથા યશોધરારાજે ભાજપનાં દિગ્ગજ નેતા છે. માધવરાવના દીકરા તથા બંનેના ભત્રીજા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસમાંથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને થોડાં વર્ષ પહેલાં ભાજપમાં જોડાઈ ગયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા.












