ગુજરાત ભાજપમાં સૌરાષ્ટ્ર જૂથ વિરુદ્ધ સુરતની પાટીલ લોબીનો ગજગ્રાહ શરૂ થઈ ગયો છે?

- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભાની ચૂંટણીના મતદાન બાદ ગુજરાત ભાજપમાં ધીરે-ધીરે અસંતોષ બહાર આવી રહ્યો છે.
વડોદરાના પૂર્વ મેયર અને પક્ષના વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યાના રાજીનામાંથી શરૂ થયેલા વિરોધના સૂર હવે જયેશ રાદડિયાના મૅન્ડેટને અવગણીને ઇફ્કોના ડિરેક્ટરપદ માટેની ચૂંટણી જીતવાના વિવાદ સુધી પહોંચી ગયા છે.
ભાજપના કેટલાક અસંતુષ્ઠ નેતાઓ હવે ખુલીને પ્રદેશ નેતૃત્વ સામે નિવેદનો આપી રહ્યા છે. તેમનો આરોપ છે કે પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે અને અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓની સરભરા થઈ રહી છે.
આ મામલે ચૂંટણી પહેલા રાજકોટમાં પ્રદેશ નેતૃત્વ સામે પત્રિકાયુદ્ધ પણ છેડાયું હતું. જોકે ભાજપે તેને વિરોધી પાર્ટીનું ષડ્યંત્ર ગણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી આ અનામી પત્રિકાઓમાં ભાજપના મૂળ કાર્યકર્તાઓને ‘ગાભામારૂ’ સાથે સરખાવતા મોટો વિવાદ થયો હતો.
જાણકારો કહે છે કે ભાજપના જ અસંતુષ્ટ નેતાઓએ ‘પાર્ટીનાં લુગડાં ધોવાની’ શરૂઆત કરી છે જે પાર્ટીના હિતમાં નથી.
જાણકારો એમ પણ કહે છે કે ઘણા નેતાઓને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની કાર્યપદ્ધતિ પસંદ નથી.
જોકે ભાજપના પ્રવક્તા અને નેતાઓ આ વાત સાથે સંમત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભલે ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ પાર્ટીમાં પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી હોવાની વાત સાથે સંમત ન હોય પરંતુ જાણકારો કહે છે કે ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં અને સરકારમાં ધરખમ ફેરફારો થઈ શકે છે.
અમરેલીથી શરૂઆત

ઇમેજ સ્રોત, @PRupala
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમરેલીના ભાજપના સંસદ નારણભાઈ કાછડિયા પહેલાથી જ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા.
તેમણે પહેલાં તો પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી જ હતી, પરંતુ ત્યારબાદ ભાજપે જેમને અમરેલીથી ટિકિટ આપી તે ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સામે પણ નિવેદનો કર્યા.
નારણભાઈ કાછડિયાએ મતદાન થયું ત્યારબાદ જાહેર સમારંભમાં એવો આરોપ લગાવ્યો હતો, “અમરેલીમાં મજબૂત ઉમેદવારો જેવા કે દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, ડૉ. કાનાબાર, બાબુભાઈ ઉંઘાડ, હિરેન હીરપરા, કેશુભાઈ નાકરાણી પણ હતા છતાં જે વ્યક્તિ જાહેરમાં બોલી શકતા નથી કે મીડિયામાં કોઈ ઇન્ટરવ્યૂ પણ આપી શકતા નથી તેવી વ્યક્તિને ટિકિટ આપીને તમે અમરેલીના મતદારોનો દ્રોહ કર્યો છે.”
ભરતભાઈ સુતરિયાએ પણ નારણભાઈ કાછડિયાને જવાબ આપતો પત્ર લખ્યો. પત્રમાં તેમણે લખ્યું, “મને ટિકિટ આપવાનું કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા તથા પાર્લામેન્ટરી બૉર્ડ નક્કી કરે છે. તમે જે પ્રકારના આક્ષેપો લગાવો છો તે સ્પષ્ટ થાય છે કે તમે પાર્લામેન્ટરી બૉર્ડનું અપમાન કરી રહ્યા છો.”
ભરતભાઈ સુતરિયાએ નારણભાઈ કાછડિયા પર મોઘમમાં આક્ષેપ લગાવતા લખ્યું, “આપ સારી રીતે જાણો છો કે આપની ટિકિટ કપાવાનું કારણ શું છે. આપ સત્યથી પરિચિત છો જ.”
તો સામે નારણભાઈ કાછડિયાના સમર્થનમાં અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબાર પણ મેદાનમાં આવી ગયા. તેમણે નિવેદન આપ્યું, “ભાજપે ઉમેદવારની પસંદગીને લઈને થાપ ખાધી હોય એવું બની શકે અને તેને કારણે જ ગુજરાતમાં પાર્ટીમાં આટલો વિરોધ અને અસંતોષ પહેલીવાર જોવા મળ્યો.”
જોકે ભાજપના પ્રવક્તા મહેશ કસવાલા આ મામલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “મારા માટે પાર્લામેન્ટરી બૉર્ડનો નિર્ણય શિરોમાન્ય છે. તે બહુ લાંબુ વિચારીને નિર્ણય લે છે. એક સામાન્ય ખેડૂતને ટિકિટ આપી તેમાં પ્રશ્નાર્થ ન હોઈ શકે.”
ભરતભાઈ સુતરિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “તેઓ (નારણ કાછડિયા) મારી ઇમેજ માટે એવું બોલ્યા તેથી મારે તેનો જવાબ આપવો પડ્યો. તેઓ શા માટે મારાથી નારાજ છે તે વિશે તેઓ મને ખાનગીમાં કહી શક્યા હોત, પરંતુ તેઓ જાહેરમાં બોલ્યા એટલે મારે તેનો જવાબ જાહેરમાં પત્ર લખીને આપવો પડ્યો.”
નારણભાઈની નારાજગી શું પાટીલ સામે છે? આ પ્રશ્નનો જવાબ આપતા ભરતભાઈ સુતરિયા કહે છે, “એ પાટીલ સાહેબ અને નારણભાઈ વચ્ચેનો મામલો છે.”
જયેશ રાદડિયાએ પાટીલના મૅન્ડેટને અવગણી ચૂંટણી લડી

ઇમેજ સ્રોત, @IJAYESHRADADIYA
જાણકારો કહે છે કે ઇફ્કોની ડિરેક્ટરપદની ચૂંટણી માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીક હોવાનું કહેવાતા બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને મૅન્ડેટ આપતા સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓમાં છૂપો અસંતોષ ખુલીને સામે આવ્યો હતો.
જયેશ રાદડિયાએ મૅન્ડેટની અવગણના કરીને ઇફ્કોના ડિરેક્ટરપદ માટેની ચૂંટણીનું ફૉર્મ ભર્યું. તેમણે બિપિન ગોતાને હરાવ્યા અને તે પણ ભાજપ નેતા દિલીપ સંઘાણીની મદદથી. જયેશ રાદડિયાની જીત પાટીલ માટે મોટો ઝાટકો માનવામાં આવે છે. કારણકે તેમણે ભાજપના એટલે કે પાટીલના અધિકારીક ઉમેદવાર બિપિન ગોતાને હરાવ્યા.
જાણકારો કહે છે કે અગાઉ નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં પણ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયા પહેલાથી જ નારાજ હતા. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોઈ મંત્રીપદ આપવામાં નહોતું આવ્યું અને છેલ્લે તેમને પોરબંદરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ પણ આપી નહોતી.
જયેશ રાદડિયાએ ભાજપના મૅન્ડેટની અવગણના કરીને જ્યારે ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી જીતી ત્યારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે એવું નિવેદન આપ્યું કે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું.
તેમણે કહ્યું હતું, “ભાજપે એટલા માટે સહકારી ક્ષેત્રમાં મૅન્ડેટ આપવાની પ્રથા શરૂ કરી કારણકે કેટલાક લોકો વિરોધી પાર્ટીના લોકો સાથે ‘ઇલુ-ઇલુ’ કરતા હતા.”
ઇફ્કોના ચૅરમૅન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ પાટીલના ‘ઇલુ-ઇલુ’ નિવેદનનો જોરદાર જવાબ આપ્યો. તેમનું કહેવું સ્પષ્ટ હતું કે સવારે કોઈ નેતા કૉંગ્રેસમાં હોય અને સાંજે ખેસ ઘારણ કરે પછી તેને મંત્રીપદ કે કોઈ અન્ય પદ આપી દેવામાં આવે તો શું તેને ‘ઇલુ-ઇલુ’ ન કહેવાય?
સુરતથી પ્રકાશિત થતા દૈનિક ધબકારના તંત્રી નરેશભાઈ વરિયા બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા જણાવે છે, “ભાજપમાં પહેલાથી જ ટિકિટ વહેંચણીને લઈને નારાજગી હતી તે હવે રાદડિયા પ્રકરણમાં ઊડીને આંખે વળગે તે પ્રકારે જોવા મળી. હવે ધીમા સૂરે અસંતુષ્ટોનો બળાપો બહાર આવી રહ્યો છે.”
મહેશ કસવાલા આ મામલે બીબીસી ગુજરાતીએ પૂછેલા સવાલનો જવાબ આપતા કહે છે, “મારા મતે સહકારી ક્ષેત્રમાં રાજનીતિ ન થવી જોઈએ.”
ભાજપમાં સૌરાષ્ટ્ર જૂથ વિરુદ્ધ પાટીલ લોબી ચાલે છે?

ઇમેજ સ્રોત, @IJAYESHRADADIYA
જાણકારો એમ પણ કહે છે કે જે પ્રકારે સૌરાષ્ટ્ર ભાજપમાંથી અસંતોષનો સૂર ઉઠ્યો છે તે જોતાં લાગે છે કે સુરત વિરુદ્ધ સૌરાષ્ટ્ર લોબી એમ પાર્ટીમાં બે જૂથ પડી ગયાં છે.
નરેશ વરિયા જણાવે છે, “પાટીલ સુરતથી આવે છે. સૌરાષ્ટ્રની ભાજપની એક લોબી સક્રિય થઈ છે જે પાટીલનો વિરોધ કરી રહી છે.”
રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “પાટીલનું બેકગ્રાઉન્ડ પોલીસ વિભાગનું છે. ભાજપના કેટલાક નેતાઓને તેમનું આ પોલીસતંત્ર જેવું કડક વલણ ગમતું નથી. તેમના અધ્યક્ષ બન્યા બાદ ઘણા ક્ષત્રિય નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા. કેટલાક પટેલ નેતાઓને પણ કોરાણે મૂકી દેવામાં આવ્યા. એટલે તેમની સામે આ નેતાઓમાં ભયંકર રોષ છે.”
નરેશ વરિયા કહે છે, “જ્યારે આપના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં લીધા ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.”
તેઓ વધુમાં કહે છે, "જ્યારે પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે હું કૉંગ્રેસના કોઈ નેતાને પાર્ટીમાં નહીં લઉં. જ્યારે નેતાઓને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવવાનો સૌથી મોટો ભરતીમેળો કદાચ તેમના કાર્યકાળમાં જ થયો છે. સૌરાષ્ટ્રનું રાજકારણ સુરત કેન્દ્રીત છે. પાટીલ સુરતના છે અને તેથી સૌરાષ્ટ્ર લોબી હવે તેમના વિરુદ્ધ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.”
તેઓ ઉમેરે છે, “પાટીલ ભલે ગુજરાતમાં ઉછર્યા પરંતુ તેઓ મરાઠી હોવાને કારણે ગુજરાત ભાજપમાં સર્વસ્વીકૃત નહોતા. તેમની લોખંડી શિસ્ત બધાને ખૂંચે છે. તેમના ઉપર પીએમ મોદીના આશીર્વાદ હોવાને કારણે કોઈ બોલતું નહોતું. વળી તેમણે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પણ અપાવડાવી. પણ સહકારી ક્ષેત્રમાં જ્યારે જયેશ રાદડિયાની બાદબાકી કરીને મૅન્ડેટ આપવાની કોશિશ થઈ એટલે અસંતોષ ભભૂકી ઉઠ્યો.”
જોકે ભાજપના પ્રવક્તા પાટીલ સામે કોઈ અસંતોષ હોવાનો ઇન્કાર કરે છે.
ભાજપના પ્રવક્તા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા બીબીસી ગુજરાતીને આ પ્રકારના સમાચારોમાં તથ્યનો અભાવ હોવાનું કહેતા જણાવે છે, “આવું કશું જ નથી. નારાજગી કે વિવાદ કે અન્યાયના પ્રશ્નો અસ્થાને છે.”
દિલીપ સંઘાણી પણ પાટીલની સામે છે?

ઇમેજ સ્રોત, @dodiya_saeed
જાણકારો કહે છે કે જયેશ રાદડિયા પ્રકરણ બાદ ઇફ્કોના ચૅરમૅન દિલીપ સંઘાણી પણ પાટીલ સામે આવી ગયા છે.
જાણકારો એમ પણ કહે છે કે દિલીપ સંઘાણીએ જે પ્રકારે પાટીલના 'ઇલુ-ઇલુ'વાળા નિવેદનનો જવાબ આપ્યો તે જોતા લાગે છે કે પાટીલ અને સંઘાણી વચ્ચે આગામી સમયમાં વિવાદ વધી શકે છે.
હાલમાં જ જ્યારે સંઘાણીનો 71મો જન્મદિવસ ઉજવાયો. તે પ્રસંગે જે પ્રકારે સહકારી ક્ષેત્રના અને પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે જોતા જાણકારો તેને એક શક્તિપ્રદર્શન હોવાનું ગણાવે છે.
જગદીશ મહેતા બીબીસી ગુજરાતીને જણાવે છે, “સંઘાણીનું આ શક્તિપ્રદર્શન છે અને તેની પાછળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો હાથ હોય તેવું લાગે છે. પાટીલે જે પ્રકારે અમિત શાહના નજીકના મનાતા બિપિન ગોતાને ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી માટેનો મૅન્ડેટ આપ્યો તે કદાચ અમિત શાહની જાણબહાર અપાયો હતો. ત્યારબાદ જ્યારે જયેશે ફૉર્મ ભર્યું ત્યારે અમિત શાહ જામકંડોરણામાં જયેશના ઘરે ગયા હતા. તે વખતે અમિત શાહે તેમને પૂછ્યું હતું કે શું ચૂંટણી જીતે તેટલા મતો તેમની પાસે છે? જયેશે હા પાડી. એટલે અમિત શાહના જયેશને આશીર્વાદ હતા.”
તેઓ ભાજપને સવાલ પૂછતા કહે છે, “જો જયેશે મૅન્ડેટનો અનાદર કર્યો હોય તો તેમને નોટિસ કેમ આપવામાં ન આવી?”
તેઓ કહે છે, "અમિત શાહે તો ઊલટા જયેશ રાદડિયાને ચૂંટણીમાં જીતવા માટે મદદ કરી હતી."
આ મામલે દિલીપ સંઘાણી કહે છે, “આ પ્રકારના અહેવાલો બોગસ છે. આ કોઈ શક્તિપ્રદર્શન નહોતું. પહેલાથી જ નિર્ધારિત કાર્યક્રમ હતો.”
અમે તેમને પૂછ્યું કે શું તેઓ પ્રદેશ નેતાગીરીને કોઈ સંકેત આપવા માગે છે?
તો તેના જવાબમાં તેમણે કહ્યું, “હવે તો ચૂંટણી પતી ગઈ. મારે શા માટે આવું કરવું જોઈએ? મને શો ફાયદો?”

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
સંઘાણીના નજીકના મનાતા અને અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “આ કાર્યક્રમમાં સામે બેઠેલા આગેવાનો કોઈ રાજકીય નહોતા. મંચ પર બે પૂર્વ અધ્યક્ષ હતા. પરશોત્તમ રૂપાલા અને આર. સી. ફળદુ. પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ હતા. તો શું તેમની હાજરીમાં અમે કોઈ પાર્ટી વિરોધી ગતિવિધિ કરી શકીએ?”
જાણકારો કહે છે કે રાજકોટની ટિકિટ ન મળતા મોહન કુંડારિયા પણ નારાજ હતા. હાલ તેઓ નાફેડની ચૂંટણીમાં ડિરેક્ટરપદે બિનહરિફ ચૂંટાયા છે. ભાજપે ઇફ્કો મામલે થયેલા વિવાદ બાદ નાફેડમાં મૅન્ડેટ આપવાનું ટાળ્યું હતું.
સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા મૅન્ડેટ આપવાને લઈને પેદા થયેલા વિવાદ અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા મોહન કુંડારિયા કહે છે, “મૅન્ડેટના આધારે કોઈ ચૂંટાય તેમાં ખોટું નથી. ખુલ્લા મને ચર્ચા કરીએ છીએ. મારા સિવાય નાફેડમાં કુલ ચાર જણાએ ફૉર્મ ભર્યા હતા. બધાને સમજાવીને ફૉર્મ પરત કરાવાયાં. ભાજપ રસ્તો કરે છે.”
જોકે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા તેવા પ્રશ્નો જવાબ આપતા કહે છે, “રૂપાલા સાહેબને ટિકિટ આપવામાં આવી તો હું ખુશ છું. મેં દિલથી પ્રચાર કર્યો અને તેમને વધુ લીડ મળે તે માટે પ્રયત્નો કર્યા.”
બીબીસી સહયોગી હનિફ ખોખર સંઘાણીના આ સંમેલનને પાટીલ સામે શક્તિપ્રદર્શન જ ગણે છે. તેઓ જણાવે છે, “ગુજરાતમાં ઘણી જગ્યાએ ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓમાં અસંતોષ સામે આવ્યો છે. તેઓ મંચ પર જે પ્રકારની ભાષા વાપરે છે તે જોતા લાગે છે કે જાણે કે કાર્યકર્તાઓને ધમકી આપતા હોય.”
ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ અસંતોષ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટમાં ક્ષત્રિયોનું ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આંદોલન થયું અને તેમાં પણ ભાજપનું નેતૃત્વ તેને ખાળવામાં નિષ્ફળ રહ્યું.
જાણકારો કહે છે કે માત્ર અમરેલી અને રાજકોટ જ નહીં પણ ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપમાં છૂપો અસંતોષ દેખાતો જોવા મળ્યો છે.
ઉમેદવારોની પસંદગીને લઈને પહેલાથી જ અસંતોષ દેખાતો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા તેના બે ઉમેદવારો બદલવા પડ્યા. વડોદરાથી રંજનબહેન ભટ્ટની જગ્યાએ ડૉ. હેમાંગ જોશીને અને સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબહેન બારૈયાને ટિકિટ આપવી પડી.
વડોદરામાં રંજનબહેનના નામની જાહેરાત બાદ જ વડોદરાના પૂર્વ મેયર અને પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો દાવો રજૂ કરી વિરોધ નોંધાવ્યો અને રાજીનામું પણ આપ્યું. પાર્ટીએ તેમની સામે શિસ્તભંગનાં પગલાં ભરતાં તેમને ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષપદથી હઠાવ્યા.
ઘટનાના ત્રણ દિવસ બાદ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ તેમનું રાજીનામું મોકલી આપ્યું. ઇમાનદારે આરોપ લગાવ્યો કે પાર્ટીમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. જોકે પાટીલે તેમની સાથે વાત કરી અને બાદમાં તેમણે રાજીનામું પરત ખેંચ્યું.
સાબરકાંઠાથી ભીખાજીની ટિકિટ કપાતા તેમની જ્ઞાતિને લઈને વિવાદ શરૂ થયો. તેઓ ઠાકોર નથી પરંતુ આદિવાસી છે તેવો સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ થયો. તેમના સમર્થકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું. અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યએ ભીખાજીના સમર્થનમાં રાજીનામું પણ આપ્યું.
જાણકારો કહે છે કે ભાજપમાં જે પ્રકારે કૉંગ્રેસ કે આપ પાર્ટીમાંથી લોકો આવ્યા છે તેને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી વધી છે.
સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજ નારાજ થયો હતો.
અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાતા તેઓ નારાજ હતા.
ભાજપ નેતા હકુભા જાડેજાએ અહીં આવીને મામલો થાળે પાડવો પડ્યો હતો. ત્યાં સુધી કે અહીં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઈ અને બે જણા ઘાયલ થયા અને હૉસ્પિટલમાં દાખલ થયા.
વિરોધ એટલો મોટો હતો કે અમરેલી ભાજપ કાર્યાલયમાં તાળાં લાગી ગયાં હતાં. પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવીને તેમને સમજાવવાની ફરજ પડી હતી.

ઇમેજ સ્રોત, KANABARDR/X
અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે તો સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી જેને કારણે રાજ્યભરમાં ચર્ચા થઈ.
તેમણે આરોપ લગાવ્યો, “રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અ વફાદારીની વાતો પોથીમાંનાં રીંગણાં બનીને રહી ગઈ છે.”
ડૉ. ભરત કાનાબાર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “એવું નથી કે અમે પ્રદેશ પ્રમુખ પાટીલથી કે ભાજપથી નારાજ છે પરંતુ મારો વાંધો ત્યાં છે જ્યારે પાર્ટી સક્ષમ ઉમેદવારોને બાદ કરીને જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં લઈને ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.”
વીજાપુરમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી. જે. ચાવડાને ભાજપે વિધાનસભામાં યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં ટિકિટ આપી હોવાથી કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચૅરમૅન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલ નારાજ હતા અને તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે બાદમાં સમાધાન થઈ ગયું હતું.
આ બધા મામલે અમે પાટીલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઈ શક્યો નહીં. પરંતુ તેમણે અગાઉ તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું, “મારી પાસે કોઈ જાદુઈ છડી નથી.”
તેમણે વધુમાં લખ્યું, “હું પ્રમુખ બનીને આવ્યો ત્યારે આઠ બેઠકો પર પેટાચૂંટણી હતી. તમામ આપણે જીતીશું એમ મેં કહેલું. આપણે બધી જીત્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી આવી તો મેં દાવો કર્યો કે 90% બેઠકો જીતીશું. આપણે 90.5% બેઠકો પર જીત્યા. 31 પૈકી તમામ જિલ્લા પંચાયતો આપણે જીત્યા. મારા અધ્યક્ષપદ પાસે કોઈ જાદુઈ છડી નથી પરંતુ આ ભાજપના કાર્યકર્તાઓની તાકાત હતી. તમારી તાકાતના આધારે મેં આ નિવેદનો કર્યાં હતાં.”
તેઓ આ લોકસભાની 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા લખે છે, “મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પાંચ લાખની લીડ સાથે તમામ 26 બેઠકો જીતીશું. મારું આ નિવેદન તમે સાચું પાડવાના છો એવો મને વિશ્વાસ છે.”

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR
ચૂંટણી બાદ માણાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહેલા અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા આમને-સામને આવી ગયા છે.
અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે કે જવાહર ચાવડાએ તેમને હરાવવાના પ્રયત્નો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. પરંતુ તેમને અરવિંદ લાડાણીએ હરાવ્યા હતા. બાદમાં અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ ગયા અને તેમણે રાજીનામું આપતા ખાલી પડેલી માણાવદરની બેઠક પરથી ભાજપે તેમને ટિકિટ આપી હતી.
આ સિવાય પોરબંદરમાં જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી ત્યારે ત્યાં પણ તેમના વિરુદ્ધમાં આયાતી ઉમેદવાર હોવાનો આરોપ લગાવતા પોસ્ટરો લાગ્યાં હતાં.
વલસાડમાં ભાજપે ધવલ પટેલને ટિકિટ આપતા ત્યાં પણ તેમના વિરુદ્ઘ નારાજગી જોવા મળી હતી. સુરતમાં દર્શનાબહેન જરદોશની ટિકિટ કાપીને મુકેશ દલાલને ટિકિટ આપવાને મામલે પણ સુરત ભાજપમાં ગણગણાટ હતો. જોકે દર્શનાબહેને આ અંગે જાહેરમાં વિરોધી નિવેદનો કર્યાં નહોતાં.
પાટીલ અને વિવાદ

ઇમેજ સ્રોત, @CRPAATIL
પ્રદેશાધ્યક્ષ બન્યા પછી પાટીલ ભાજપમાં ‘સુપરસીએમ’ કહેવાતા હતા. આ પહેલાં પરદા પાછળ કામ કરનારા પાટીલ જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તેમની નિમણૂક પછી સૌથી મોટો ફેરફાર એ થયો હતો કે 25 વર્ષ સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહેલા ભીખુ દલસાણિયાને બિહાર ભાજપમાં મોકલી દેવાયા.
ત્યાર બાદ એક મહિના પછી જે ગુજરાતની સરકારમાં બદલાવ થયો તે વધારે ચર્ચાસ્પદ બન્યો.
સપ્ટેમ્બર 2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના બધા જ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવાયાં. સમગ્ર મંત્રીમંડળ બદલાઈ ગયું. ચર્ચા હતી કે ‘રૂપાણી સરકાર અને પાટીલના સંગઠન વચ્ચે સંકલનનો અભાવ’ હતો.
ત્યાર બાદ નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની.
તો 2022માં વિધાનસભાની ચૂંટણીની તમામ જવાબદારી પાટીલને સોંપવામાં આવી. તેમણે 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખેલો પણ જાહેરમાં તેઓ બોલતા કે 182 પૈકી તમામ બેઠકો જીતવાની છે. પરિણામ આવ્યું ત્યારે ભાજપના ખાતામાં 156 બેઠકો હતી.
જોકે, પાટીલના ઉદય પછી સૌરાષ્ટ્ર લૉબીના દબદબાનો અંત આવ્યો હોય અને સુરત લૉબીનો દબદબો પ્રસ્થાપિત થયો એવી પણ ચર્ચા થઈ રહી છે.
તેમને કાર્યકરો તરફથી ફરિયાદો મળી હતી કે મંત્રીઓ તેમનું સાંભળતા નથી. ત્યારે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું કે મંત્રીઓ હવે કમલમ્ ખાતે આવીને બેસશે.
હાલમાં તેમણે સુરતમાં એવું કહ્યું હતું કે પેજ પ્રમુખોએ વધારે કામ કરવું પડશે અને જો નેગેટિવ મતદાન થશે તો જે તે વિસ્તારના ધારાસભ્યો જો હવે ટિકિટ લેવા આવે તો તેમને ટિકિટ નહીં મળે.
જગદીશ મહેતા કહે છે, “પાટીલનો કાર્યકાળ હવે પૂર્ણ થયો છે. ચૂંટણીને કારણે તેમને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે સ્થિતિ બદલાઈ છે. ભાજપ તમામે તમામ 26 બેઠકો જીતે કે ન જીતે પરંતુ પાટીલને બુદ્ધિપૂર્વક હઠાવાશે એવું લાગે છે.”
નરેશ વરિયા પણ જણાવે છે, “ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે બધું બહાર આવતું નથી. પરંતુ જૂથવાદ વકર્યો છે. વમળ સર્જાયાં છે જે તોફાનના સંકેતો આપે છે.”
તેઓ કહે છે કે સહકારી ક્ષેત્રમાં ભાજપના મૅન્ડેટ આપવાને લઈને વિવાદ વધુ વકર્યો છે.
તેઓ વધુમાં ઉમેરે છે, “મૅન્ડેટ પ્રથાને કારણે ભાજપનો ગામડામાં અને ખાસ કરીને ખેડૂતોમાં સંપર્ક વધ્યો અને તેનો ફાયદો પણ થયો. પરંતુ આ ક્ષેત્રમાં તેનો ચંચૂપાત નુકસાન પણ કરાવી શકે છે.”
“અમરેલી એપી સેન્ટર બન્યું છે. અગાઉ પણ ભાજપમાં જે પણ વિરોધ અને અસંતોષનો સૂર ઉઠ્યો હતો તે અમરેલીથી જ ઉઠ્યો હતો.”
શું કહેવું છે કૉંગ્રેસ અને આપનું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસનું કહેવું છે કે અમરેલીએ હંમેશાં ગુજરાતને દિશા દેખાડવાનું અને દશા બદલવાનું કામ કર્યું છે. તેનો આરોપ છે કે જે પ્રકારે અમરેલીમાં અસંતોષ સામે આવ્યો છે તે જોતા લાગે છે કે દબાયેલી સ્પ્રિંગ હવે ઉછળી છે.
કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી બીબીસી સાથે વાતચીત કરતા કહે છે, “કમલમમાં ચારેકોર કકળાટ છે. 16 જેટલી લોકસભાની બેઠકો પર અસંતોષ હોવાની વાતો સામે આવી છે. ભાજપનો કાર્યકર્તા ગાભામારૂ બનીને રહી ગયો છે. બહારના લોકોએ પાર્ટી પર કબજો કરી દીધો છે. પાયાનો કાર્યકર્તા હાંસિયામાં ધકેલાઈ ગયો છે. ભાજપ આજે કામના નામે વોટ માગવાની સ્થિતિમાં નથી.”
આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “સત્ય હવે બહાર આવી રહ્યું છે. ભાજપ હવે કૉંગ્રેસ અને આપ યુક્ત બની ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓને લાત મારીને હાંસિયામાં ધકેલ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ભાજપે કૉંગ્રેસ અને આપના નેતાઓ અને કાર્યકર્તાઓને ધમકી આપીને ડરાવીને પોતાના પડખે કરી લીધા અને તેમને રાતોરાત પદોની લહાણી કરી લીધી. જેને કારણે હવે પાયાના કાર્યકરોમાં ફેલાયેલો રોષ સામે આવી રહ્યો છે.












