ગુજરાત ભાજપમાં થતા અસંતોષને ડામવામાં પાટીલ નિષ્ફળ રહ્યા છે?

સી.આર. પાટીલ

ઇમેજ સ્રોત, C R Paatil/fb

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. જોકે હાલના સમયમાં ગુજરાત ભાજપ અનેક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલવા પડ્યા ત્યારથી રાજ્યમાં પાટીલના ‘પાંચ લાખના બમ્પર માર્જીન’થી જીતના આત્મવિશ્વાસ સામે નવા પડકારની શરૂઆત થઈ છે.

તો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી તેણે આ પડકારોમાં વૃદ્ધિ કરવાનું કામ કર્યું. આજે આ મામલે ‘લાગેલી આગ’ ઠરવાનું નામ નથી લઈ રહી.

મીડિયા અહેવાલો અનુસાર, દ્વારકામાં સભા દરમિયાન સી.આર. પાટીલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

જાણકારો કહે છે ઉમેદવારોની પસંદગીને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં પ્રવર્તી રહેલો ‘અસંતોષ’ આ પડકારમાં વૃદ્ધિ કરનારો છે.

જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે જે પ્રકારે ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો હાંસલ કરી ત્યાર બાદ પાટીલમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે તેથી તેમણે આ વખતે મોટો લક્ષ્યાંક હાંસલ કરવાનું મન બનાવ્યું છે.

કાર્યકર્તાઓમાં જે વિરોધનો વંટોળ ઊભો થયો છે તેને જોતાં આ આત્મવિશ્વાસ અતિ આત્મવિશ્વાસ બની ન જાય તેનું ધ્યાન રાખવું પડશે એવું નિષ્ણાતોનું માનવું છે.

કેટલાક જાણકારો એમ પણ કહે છે પાટીલ ભાજપના કાર્યકર્તાઓનો અસંતોષ ઠારવામાં નિષ્ફળ નીવડ્યા છે. કેટલાક એમ પણ કહે છે કે જે અસંતોષ છે તે ચરમ પર નથી તેથી પાટીલને લક્ષ્યાંક સાધવામાં ઝાઝી પ્રતિકૂળતા નહીં નડે.

ભાજપનું કહેવું છે કે જ્યારે ટિકિટની ફાળવણી થાય છે ત્યારે જેમને ટિકિટ ન મળી હોય તેમનામાં અસંતોષ હોય છે પણ આખરે કાર્યકર્તાઓ અને નેતાઓ અનુશાસનમાં રહીને પાર્ટી માટે કામ કરતા હોય છે.

પાટીલ પર કેટલું દબાણ?

પાટીલ, રૂપાલા અને રાજપૂત સમાજનો વિરોધ

ઇમેજ સ્રોત, @CRPaatil

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્યારેક પોલીસની નોકરી કરનારા સી. આર. પાટીલ શિસ્ત માટે જાણીતા છે. તેમની સાથે કામ કરનારાઓના મત મુજબ તેઓ ખુદ પાર્ટી માટે સમર્પિત છે અને બીજા પાસે પણ એટલા જ સમર્પણની અપેક્ષા રાખે છે. પણ હાલમાં રાજ્યમાં જે ઘટનાક્રમ થયો તેમાં ખુદ તેમણે દખલ દેવી પડી.

તેમના પર ‘આપખુદ’ હોવાના પણ આરોપ લાગતા રહે છે. જોકે ભાજપના કાર્યકર્તાઓ કહે છે કે તેઓ સ્પષ્ટવક્તા છે.

વડોદરામાં ઉમેદવાર રંજન ભટ્ટની પસંદગીને લઈને એટલો વિવાદ થયો કે ઉમેદવાર જ બદલી દેવાયા અને ડૉ. હેમાંગ જોશીને ટિકિટ આપી, તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ ફાળવાઈ તેને લઈને વિરોધ થયો.

પાટીલે રૂપાલા મામલે ક્ષત્રિયો-રાજપૂતો અને કરણીસેનાનો વિરોધ ઠારવા સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો, પણ તેમની માગ છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે.

આ દરમિયાન રાજકોટમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની સામે 400 ઉમેદવારો ઊભા રાખવાનું એલાન કર્યું છે.

પાટીલે બે હાથ જોડીને માફી પણ માગી હતી. જાણકારોના મત પ્રમાણે ગુજરાતમાં કેટલીક બેઠકો પર ઉમેદવારોનાં નામોને લઈને પત્રિકાયુદ્ધ કે પછી સોશિયલ મીડિયા પર રોષ જોવા મળી રહ્યો છે તેને ઠારવો તેમને માટે પડકારજનક છે.

જાણકારો એમ પણ કહે છે કે ક્ષત્રિયોની બે હાથ જોડીને માફી માગી એ બતાવે છે કે પાટીલના અડગ વલણમાં બદલાવ દેખાય છે.

રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “વડોદરાથી શરૂ થયેલો વિવાદ હવે રૂપાલાના વિરોધ સુધી પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજે ભાજપ સામે અન્યાય કર્યાની ફરિયાદ કરી છે. જૂનાગઢમાં ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કોળી અને રઘુવંશી સમાજનો રોષ છે, રાજકોટમાં ક્ષત્રિય સમાજનો રોષ છે. સ્થિતિ ડામાડોળ છે અને તેને કારણે 26 બેઠકો જીતવાની હેટ્રિક લગાવવાની અને પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતવાની પાટીલની મનસા પર સ્પિડબ્રેકર લાગી ગયું છે.”

તેઓ વધુમાં ઉમેરે છે, “આજથી દોઢ મહિના પહેલાં ભરૂચ સિવાયની તમામ બેઠકો પર જીત નિશ્ચિત મનાતી હતી પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.”

સુરતથી પ્રકાશિત થતા અખબાર ધબકાર દૈનિકના તંત્રી નરેશ વરિયા આ મામલે બીબીસી ગુજરાતીને જણાવે છે કે હાલની પેદા થયેલી પરિસ્થિતિ બદલ પાટીલ અને કેન્દ્રીય નેતાગીરી એમ બંને સંયુક્ત રીતે જવાબદાર છે.

તેઓ કહે છે, “લોકસભાના ઉમેદવારોની પસંદગી માટે કાર્યકર્તાઓમાં માટે સેન્સ લેવાય છે પણ ખરેખર સેન્સ પ્રમાણે ઉમેદવારોની પસંદગી થાય છે ખરી? ઉપરથી ઉમેદવારો થોપવામાં આવે છે. રૂપાલા વિવાદ મામલે આપણે માની લઈએ કે તેમાં પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વનો હાથ નથી પરંતુ બાકીના ઉમેદવારોની પસંદગીમાં ક્યાં ચૂક થઈ?”

જોકે, નરેશ વરિયા એમ પણ કહે છે કે પરિસ્થિતિ વધારે વણસી નથી. તેઓ આ વિશે વધુ પ્રકાશ પાડતા જણાવે છે, “2022માં કમલમ્ ખાતે ઉમેદવારોની પસંદગી બાદ એટલો રોષ હતો કે તાળાં મારવાં પડ્યાં હતાં. આ વખતે આવી પરિસ્થિતિ તો નથી. મોદીના શાસન વખતે કેશુભાઈએ છૂટા પડીને સામે ચૂંટણી લડી હતી તેવી સ્થિતિ પણ નથી. એટલું કહી શકાય કે હાલના અસંતોષને ખાળવામાં પાટીલ સફળ રહ્યા નથી.”

પાટીલ સામે ખરેખર અસંતોષ છે?

પરશોત્તમ રૂપાલા, રાજપૂત સમાજ અને વિવાદ

ઇમેજ સ્રોત, KANABARDR/X

વડોદરામાં સૌપ્રથમ જાહેર થયેલાં ઉમેદવાર રંજન ભટ્ટ સામેના વિરોધથી આ વિવાદની શરૂઆત થઈ. સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે જ્યારે તેમની ઉમેદવારીનો જોરદાર વિરોધ વ્યક્ત કર્યો ત્યારે પાટીલે મીડિયા સમક્ષ એવું નિવેદન આપવું પડ્યું હતું કે “પાર્ટીમાં કોઈ નેતા નક્કી ન કરી શકે કે કોને પાર્ટીમાં લેવા અને કોને નહીં તથા ટિકિટ કોને આપવી અને કોને નહીં.”

પણ પછી વડોદરાના ઉમેદવાર બદલવા પડ્યા. જાણકારો કહે છે કે કેન્દ્રીય નેતૃત્વ અને પાટીલ કાર્યકર્તાઓના રોષ સામે ઝૂકી ગયાં.

આ જ પ્રકારનો વિરોધ સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાને ટિકિટ આપતા થઈ રહ્યો છે. અહીં તળપદા કોળી સમાજ નારાજ છે. હવે સુરેન્દ્રનગર પર કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે, જે તળપદા કોળી સમાજમાં આવે છે.

અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાતા તેઓ નારાજ હતા. બીબીસી સહયોગી ફારુક કાદરી જણાવે છે કે ભાજપ નેતા હકુભા જાડેજાએ અમરેલી આવીને અસંતુષ્ટોને મનાવવા પડ્યા હતા. પણ અહીં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ અને બે જણા ઘાયલ પણ થયા.

ફારુક કાદરી જણાવે છે, “અમરેલી પાલિકાના સભ્ય સંદીપ માંગરોળિયા પર ભાજપ નેતા હીરેન વીરડિયા અને સાંસદ નારણ કાછડિયાના ભાઈ સહિતનાઓએ હુમલો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.”

વિરોધ એવો થયો કે અમરેલીના ભાજપ કાર્યાલયમાં તાળાં લાગી ગયાં હતાં અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ત્યાં જઈને અસંતુષ્ટોને સમજાવવાની ફરજ પડી હતી.

અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે તો સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી જેને કારણે રાજ્યભરમાં ચર્ચા થઈ.

તેમણે આરોપ લગાવ્યો, “રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અ વફાદારીની વાતો પોથીમાંનાં રીંગણાં બનીને રહી ગઈ છે.”

ડૉ. ભરત કાનાબાર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “એવું નથી કે અમે પ્રદેશ પ્રમુખ પાટીલથી કે ભાજપથી નારાજ છે પરંતુ મારો વાંધો ત્યાં છે જ્યારે પાર્ટી સક્ષમ ઉમેદવારોને બાદ કરીને જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં લઈને ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.”

ભાજપ કહે છે કે પાર્ટીમાં ‘સબ સલામત’ છે

પાટીલ, ગુજરાત ભાજપ અસંતોષ અને પડકાર

ઇમેજ સ્રોત, FACEBOOK

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ બીબીસી ગુજરાતી સાથે આ મામલા પર પ્રતિક્રિયા આપતા કહે છે, “પાર્ટીમાં અસંતોષ જેવું કશું નથી. જેને ટિકિટ ન મળે તેમાં નારાજગી સ્વાભાવિક હોય પરંતુ બધા ભાજપને અને પીએમ મોદીને જીતાડવા માટે કામે લાગી ગયા છે.”

શું રૂપાલાની વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષને ઠંડું પાડવામાં પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડી નિષ્ફળ ગઈ છે? આ સવાલ પર તેમણે કોઈ પણ કૉમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો.

જોકે, તેમણે કહ્યું, “ભાજપની નેતાગીરી આ વિવાદને ઉકેલવાની તમામ કોશિશો કરી રહી છે અને સુખદ સમાધાન નીકળશે.”

વીજાપુરમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી. જે. ચાવડાને ભાજપે વિધાનસભાની યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે ટિકિટ આપી છે. તેને કારણે સ્થાનિક નેતાઓમાં નારાજગી છે.

ચાવડાને ટિકિટ મળતા કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચૅરમૅન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યું હતું. જોકે ભાજપે દાવો કર્યો છે કે તેમની સાથે સમાધાન થઈ ગયું છે અને તેમનું રાજીનામું સ્વીકારાયું નથી.

ગોવિંદભાઈ પોતાની નારાજગી વ્યક્ત કરતા બીબીસી ગુજરાતીને જણાવે છે, “જે વિચારધારાનો વિરોધ કરતા કરતા 53 વર્ષ કાઢ્યા હવે તે લોકોને અમારે ઊંચકીને ચાલવાનું? આઠ વખત મેં ટિકિટ માગી છે, આ પહેલાં ટિકિટ નહીં મળતા હું દુખી નહોતો પરંતુ આ વખતે આ કૉંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ આપી એટલે લાગી આવ્યું.”

તો મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર તેમનો જવાબ આપતા કહે છે, “આ નિર્ણય પાર્ટીનો હતો, હાઇકમાનનો હતો.”

શું ઉમેદવારોની પસંદગીને લઈને શું પાટીલ સામે રોષ છે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, “પાટીલના આવવાથી તો પાર્ટીનો વિસ્તાર થયો છે. ભાજપ વિશ્વની નંબર વન પાર્ટી બની છે અને અન્ય પાર્ટીના લોકો જોડાય તેમાં શો વાંધો હોઈ શકે?

જોકે, રાજકીય વિશ્લેષક રાજીવ શાહ આ પરિસ્થિતિને જૂથવાદ કહે છે.

તેમના જણાવ્યા પ્રમાણે, “આજે વિપક્ષ મજબૂત નથી. સત્તાવિરોધી લહેર છે પણ વિપક્ષ તેનો ફાયદો ઉઠાવી શકતો નથી તેથી ભાજપમાં જ વિરોધરૂપે પ્રતિકાર જોવા મળે છે જે રોષરૂપે છતો થાય છે. પાર્ટીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેમ કહે તેમ જ થાય છે. હાલ ભાજપમાં અસંતોષ છે તે આંતરિક વિપક્ષની ભૂમિકા ભજવે છે અને તેમાં જાતિવાદ પણ સામેલ થાય છે, જેમ કે રૂપાલાના કેસમાં થયું.”

અમે જ્યારે આ મામલે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “ભાજપના વર્તમાન નેતાઓ જ આ મામલે જવાબદારીનું આકલન કરી શકે.” તેમણે પ્રદેશ નેતાગીરી સામે ઊઠતા સવાલો પર કોઈ પણ કૉમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો.

પાટીલે કહ્યું, ‘મારી પાસે જાદુઈ છડી નથી’

પાટીલ, ગુજરાત ભાજપ અસંતોષ અને પડકાર

ઇમેજ સ્રોત, @CRPaatil

બીબીસીએ આ સમગ્ર પડકારો વિશે વાતચીત કરવા પાટીલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઈ શક્યો નથી. પરંતુ તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું, “મારી પાસે કોઈ જાદુઈ છડી નથી.”

તેમણે વધુમાં લખ્યું, “હું પ્રમુખ બનીને આવ્યો ત્યારે આઠ બેઠકો પર પેટાચૂંટણી હતી. તમામ આપણે જીતીશું એમ મેં કહેલું. આપણે બધી જીત્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી આવી તો મેં દાવો કર્યો કે 90% બેઠકો જીતીશું. આપણે 90.5% બેઠકો પર જીત્યા. 31 પૈકી તમામ જિલ્લા પંચાયતો આપણે જીત્યા. મારા અધ્યક્ષપદ પાસે કોઈ જાદુઈ છડી નથી પરંતુ આ ભાજપના કાર્યકર્તાઓની તાકાત હતી. તમારી તાકાતના આધારે મેં આ નિવેદનો કર્યાં હતાં.”

તેઓ આ લોકસભાની 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા લખે છે, “મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પાંચ લાખની લીડ સાથે તમામ 26 બેઠકો જીતીશું. મારું આ નિવેદન તમે સાચું પાડવાના છો એવો મને વિશ્વાસ છે.”

જગદીશ મહેતા કહે છે, “ભાજપ પક્ષ કોઈ એલિયન નથી. તે પણ સમાજમાંથી આવેલા લોકોમાંથી બન્યો છે. પરંતુ જો પાટીલને ભાજપનો સંપૂર્ણ ટેકો હશે તો જ તેઓ દિગ્વિજય પ્રાપ્ત કરી શકશે, નહીંતર નહીં.”

નરેશ વરિયા કહે છે, “રૂપાલાનો વિવાદ એ પાટીલને કારણે નથી, તેના માટે રૂપાલા જવાબદાર છે. હાલની ભાજપમાં રોષની પરિસ્થિતિનાં શા પરિણામ આવશે તે ખબર નથી પરંતુ એટલું ચોક્કસ કે પાટીલને તેનું ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળતા મળી છે.”

પાટીલ અને વિવાદ

પાટીલ, ગુજરાત ભાજપ અસંતોષ અને પડકાર

ઇમેજ સ્રોત, @CRPaatil

પ્રદેશાધ્યક્ષ બન્યા પછી પાટીલ ભાજપમાં ‘સુપરસીએમ’ કહેવાતા હતા. આ પહેલાં પરદા પાછળ કામ કરનારા પાટીલ જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તેમની નિમણૂક પછી સૌથી મોટો ફેરફાર એ થયો હતો કે 25 વર્ષ સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહેલા ભીખુ દલસાણિયાને બિહાર ભાજપમાં મોકલી દેવાયા.

ત્યાર બાદ એક મહિના પછી જે ગુજરાતની સરકારમાં બદલાવ થયો તે વધારે ચર્ચાસ્પદ બન્યો.

સપ્ટેમ્બર 2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના બધા જ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવાયાં. સમગ્ર મંત્રીમંડળ બદલાઈ ગયું. ચર્ચા હતી કે ‘રૂપાણી સરકાર અને પાટીલના સંગઠન વચ્ચે સંકલનનો અભાવ’ હતો.

ત્યાર બાદ નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની.

તો 2022માં વિધાનસભાની ચૂંટણીની તમામ જવાબદારી પાટીલને સોંપવામાં આવી. તેમણે 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખેલો પણ જાહેરમાં તેઓ બોલતા કે 182 પૈકી તમામ બેઠકો જીતવાની છે. પરિણામ આવ્યું ત્યારે ભાજપના ખાતામાં 156 બેઠકો હતી.

જોકે, પાટીલના ઉદય પછી સૌરાષ્ટ્ર લૉબીના દબદબાનો અંત આવ્યો હોય અને સુરત લૉબીનો દબદબો પ્રસ્થાપિત થયો એવી પણ ચર્ચા થઈ રહી છે.

તેમને કાર્યકરો તરફથી ફરિયાદો મળી હતી કે મંત્રીઓ તેમનું સાંભળતા નથી. ત્યારે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું કે મંત્રીઓ હવે કમલમ્ ખાતે આવીને બેસશે.

હાલમાં તેમણે સુરતમાં એવું કહ્યું હતું કે પેજ પ્રમુખોએ વધારે કામ કરવું પડશે.

તેમણે કહ્યું, “ગુજરાતમાં 20 વિધાનસભા બેઠકો એવી હતી જ્યાં ભાજપ માત્ર 5000થી ઓછા માર્જીને હાર્યો છે. તેને માટે તમારે વધારે કામ કરવું પડશે.”

આ વિશે વાતચીત કરતા સુરત ભાજપના સ્થાનિક કાર્યકર્તા મોનિલ ઠાકર કહે છે, "ભલે ભાજપના નેતાઓ તેને દબાણ માનતા હોય પરંતુ તેમની કાર્યપદ્ધતિમાં કોઈ ફરક નથી પડતો. તેઓ પીઢ રાજકારણી છે. ભલે અસંતોષ હોય પરંતુ તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહે છે."

કેટલાક કાર્યકર્તાઓ કહે છે કે નેતાઓએ કામ ન કર્યું હોય અને વોટિંગ નૅગેટિવ થાય તો કાર્યકર્તાઓને દોષિત ન ઠેરવવા જોઈએ.

સુરત ભાજપના નેતા રૂપેશ દેશમુખ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "પાર્ટી નક્કી કરે તે કામ કાર્યકર્તાઓ કરતા હોય છે. જો નેતાઓએ કામ ન કર્યું હોય તો પરિણામ બદલ કાર્યકર્તાઓ થોડા જવાબદાર છે?"