ગુજરાતની પાંચ વિધાનસભાઓની પેટાચૂંટણીમાં શું ‘પક્ષપલટુ’ઓને સફળતા મળશે?

ગુજરાત પેટાચૂંટણી કૉંગ્રેસ ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ARJUN MODHVADIYA/CJ Chavda/Chirag Patel/Arvind Ladani@X/FB

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે ખાલી પડેલી છમાંથી પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે વાઘોડિયા, માણાવદર, ખંભાત, પોરબંદર અને વીજાપુરની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

અહીં ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ પાંચમાંથી ચાર બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા અને એક બેઠક પર અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા.

રાજીનામું આપ્યા બાદ આ પાંચેય ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા અને હવે ભાજપે તેમને ટિકિટ પણ આપી દીધી છે.

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ પેટાચૂંટણી માટે પણ ગઠબંધનના સંકેતો આપી દીધા છે પરંતુ હજુ સુધી તેમના તરફથી આ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી.

જો પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પોતાની બેઠકો પર ફરીથી જીત નહીં મેળવી શકે તો તેનું સંખ્યાબળ વિધાનસભામાં હજુ પણ ઘટી જશે અને ગુજરાતમાં વિપક્ષ સંખ્યાબળની રીતે હજુ નબળો થશે તેવો ભય છે. કૉંગ્રેસ અને આપનું ગઠબંધન તમામ બેઠકો પર જીતનો દાવો કરી રહ્યું છે તો ભાજપ પણ પોતાનું સંખ્યાબળ વધારવાનો ભરપૂર પ્રયત્ન કરશે એ સ્પષ્ટ છે.

નોંધનીય છે કે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાને કારણે ખાલી પડેલી વીસાવદરની બેઠક પર હજુ ચૂંટણી જાહેર થઈ નથી.

વાઘોડિયામાં ભાજપના ગઢમાં ગાબડું પડશે?

ગુજરાત પેટાચૂંટણી કૉંગ્રેસ ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

1985 સુધી કૉંગ્રેસના હાથમાં રહેલી વાઘોડિયાની બેઠક પહેલીવાર ભાજપ અને જનતાદળ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા ત્યારે જનતાદળના ફાળે ગઈ હતી. પરંતુ ત્યારબાદ આ વિસ્તારના ‘બાહુબલી’ નેતા ગણાતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઊભા રહ્યા હતા. એ સમયે ભાજપના ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા હતા અને મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે 27 હજારથી વધુ મતોથી જીત્યા હતા.

એ પછી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે તેમણે શંકરસિંહને ટેકો આપ્યો હતો. પછી તેઓ 1998થી ભાજપમાં જોડાયા હતા અને સળંગ છ વખત આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ મધુ શ્રીવાસ્તવને ભાજપે 2022માં પડતા મૂક્યા અને અશ્વિન પટેલને ટિકિટ આપી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સિવાય ભાજપમાં બે ટર્મથી ટિકિટ માગી રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ નહીં અપાતા એમણે અપક્ષ ઉમેદવારી કરી અને જીતી ગયા. હવે તેઓ ભાજપમાં સામેલ થયા છે અને ભાજપે જ તેમને પેટાચૂંટણીમાં લડવા માટે ટિકિટ આપી છે.

ગુજરાત સમાચારની વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રી વિનોદ ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આમ, જોવા જઈએ તો આ બેઠક ભાજપની કમિટેડ બેઠક છે. આ બેઠક પર ક્ષત્રિય, ઓબીસી અને દલિત મતોનું પ્રભુત્વ રહ્યું છે. અહીં ધર્મેન્દ્રસિંહના મામા દિલુભાનો રાજકીય વારસો પણ તેમના ફાળે છે. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સહકારી ક્ષેત્રમાં પગદંડો જમાવીને સોશિયલ કૅપિટલિઝમ પણ ઊભું કર્યું છે. જેમાં કૉંગ્રેસ અને આપના ગઠબંધનથી પણ ગાબડું પાડવું અઘરું છે."

કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અહીં ભાજપમાં ભારે અસંતોષ છે. ગઈ ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે પણ ઝંપલાવ્યું હતું. લોકસભામાં પણ તેમણે અહીં ઉમેદવાર બદલવો પડ્યો છે. ભાજપની જૂથબંધીનો અમને ફાયદો થશે અને વર્ષોથી ભાજપના ગઢ બનેલા વાઘોડિયામાં અમે ગાબડું પાડી શકીશું."

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, "વાઘોડિયાની બેઠક પર ભાજપ અને અપક્ષ ઉમેદવારના મતોનો સરવાળો કરો તો દૂર દૂર સુધી કૉંગ્રેસ અને આપનું ગઠબંધન ભાજપની નજીક પહોંચી શકે એમ નથી એટલે તેઓ અહીં હવાઈ કિલ્લા બનાવી રહ્યા છે."

ખંભાતમાં ‘રણનીતિનો ખેલ’

ગુજરાત પેટાચૂંટણી કૉંગ્રેસ ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Chirag Patel/FB

ઇમેજ કૅપ્શન, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું

પટેલોનું પ્રભુત્વ ધરાવતી ખંભાતની બેઠક પર ઓબીસી, ક્ષત્રિય, દલિત અને મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક છે.

મધ્ય ગુજરાતમાં કૉંગ્રેસનો પ્રભાવ હતો ત્યારે પણ આ બેઠક 1995થી 2017 સુધી ભાજપના હાથમાં રહી હતી. અહીં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ કરીને 1995માં ખત્રી, ત્યારબાદ 2007 સુધી બ્રાહ્મણ ઉમેદવાર, ત્યારબાદ ફરી એકવાર પટેલ અને 2017માં બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી હતી. આમ, 1995થી ભાજપનો ગઢ રહેલી આ બેઠકને કૉંગ્રેસના ચિરાગ પટેલે 2022માં છીનવી લીધી હતી. તેઓ ભાજપમાં જોડાયા બાદ તેમને ભાજપે ટિકિટ આપી છે.

મધ્ય ગુજરાતના વરિષ્ઠ પત્રકાર હેમંત વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં ચિરાગ પટેલ ભરતસિંહ સોલંકીની રણનીતિથી સફળ થયા હતા. પાટીદાર સમાજના અગ્રણી ચિરાગ પટેલ ચૂંટણી લડ્યા ત્યારે ઓબીસી અને ક્ષત્રિય બે અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા હતા. તેમને ભરતસિંહ સોલંકીએ બહારથી ટેકો આપ્યો હતો. અપક્ષના મતો કપાયા એના કારણે ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી."

આ બેઠક પર શહેરી મતદાતા કરતાં ગ્રામીણ મતદાતાનું પ્રમાણ વધુ છે અને આણંદ લોકસભા હેઠળ આ બેઠક આવે છે.

તેઓ કહે છે, "વળી, ભરતસિંહ સોલંકીના કૌટુંબિક ભાઈ અમિત ચાવડા કૉંગ્રેસમાંથી આ લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે ત્યારે અહીંના 5.5 ટકા મુસ્લિમ, 6.97 ટકા જેટલા દલિત અને ઓબીસી મતદારો એવા ચોકઠાં ગોઠવે છે એના પર આધાર છે. અહીંના 11.7 ટકા પટેલ મતદાતાઓમાં ભાજપનું વજન છે અને ચિરાગ પટેલનું વર્ચસ્વ છે."

તો કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે પણ અમારી રીતે સોશિયલ એન્જિનિયરિંગ કરીને ઉમેદવાર નક્કી કરી રહ્યા છીએ અને આ વખતે અમે કોઈ ચૂક નહીં કરીએ. ભાજપનો અસંતોષ અને કૉંગ્રેસ સાથે તેમણે કરેલો દ્રોહ એ અમારું મુખ્ય હથિયાર હશે."

પોરબંદરના લોકો અર્જુન મોઢવાડિયાને ભાજપમાંથી સ્વીકારશે?

ગુજરાત પેટાચૂંટણી કૉંગ્રેસ ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Arjun Modhvadiya/FB

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે

પોરબંદર કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા 15 દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા અને તેમને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

પોરબંદરની બેઠક પર મેર, લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિનું વધુ મહત્ત્વ છે. અહીં છેલ્લી સાત ચૂંટણીમાંથી ચાર વખત ભાજપના બાબુ બોખીરિયા ચૂંટાયા છે અને ત્રણ વખત કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયા ચૂંટાયા છે.

અહીં નજીકમાં આવેલી કુતિયાણાની બેઠકમાં સંતોકબહેન જાડેજાના પરિવારનો પ્રભાવ પણ છે. અહીં, માછીમારોના મત પણ માટે અહીં નિર્ણાયક છે અને ગઈ વખતે આમ આદમી પાર્ટીએ માછીમાર નેતાને ટિકિટ આપી હતી જેનો ફાયદો કૉંગ્રેસને થયો હતો અને અર્જુન મોઢવાડીયા 8181 મતોથી જીત્યા હતા.

ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "પોરબંદરની બેઠક પર અર્જુન મોઢવાડિયાને જીતવામાં બહુ તકલીફ નહીં પડે કારણ કે તેમના કટ્ટર હરીફ બાબુ બોખીરિયાને આડકતરો સંદેશો અપાઈ ગયો છે કે તેમણે અર્જુન મોઢવાડિયાને મદદ કરવી પડશે."

"બીજી તરફ કુતિયાણાના નેતા કાંધલ જાડેજાનો પણ આડકતરી રીતે ભાજપને ટેકો છે. રાજ્યસભાની ચૂંટણીમાં એમને કૉંગ્રેસને મત આપવાનો એનસીપીનો મૅન્ડેટ હોવા છતાં તેમણે ભાજપ તરફી ક્રૉસ વોટિંગ કર્યું હતું."

તેઓ જણાવે છે કે, "અહીં માછીમારોના મત પણ નિર્ણાયક છે પરંતુ ભાજપનું સંગઠન અને પોરબંદરની બેઠક પરથી લોકસભામાં મનસુખ માંડવિયા લડી રહ્યા છે ત્યારે આ બેઠક ભાજપને જીતવામાં મુશ્કેલી પડશે તેવું લાગતું નથી."

માણાવદરમાં ભાજપ સામે આંતરિક પડકારની સ્થિતિ

ગુજરાત પેટાચૂંટણી કૉંગ્રેસ ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Jawahar Chavda/FB

ઇમેજ કૅપ્શન, વિશ્લેષકોના મતે માણાવદરમાં ભાજપને જવાહર ચાવડા જ નડી શકે છે

સૌરાષ્ટ્રની જ આવી બીજી બેઠક માણાવદર છે જ્યાં પટેલ અને આહીર જ્ઞાતિનું વર્ચસ્વ છે. 1995થી આ બેઠક ભાજપના હાથમાં રહી હતી.

2007થી આ બેઠક પર જવાહર ચાવડા સતત કૉંગ્રેસ તરફથી જીતી રહ્યા હતા. 2019માં તેઓ ભાજપમાં જોડાયા ત્યારપછી પેટાચૂંટણીમાં પણ તેઓ જીત્યા હતા અને ભાજપની સરકારમાં મંત્રી બન્યા હતા.

પરંતુ 2022માં તેઓ ચૂંટણી હારી ગયા અને કૉંગ્રેસના અરવિંદ લાડાણી 3453 મતોથી જીતી ગયા હતા. હવે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને આ વખતની પેટાચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ આપી છે.

કૌશિક મહેતા કહે છે કે, "માણાવદરમાં જવાહર ચાવડાની નારાજગી ભાજપને ભારે પડી શકે એમ છે કારણ કે 2022ની ચૂંટણીમાં હાર્યા પછી જવાહર ચાવડાએ અનેકવાર રજૂઆત કરી હતી કે એમને હરાવવામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓનો હાથ છે. પરંતુ એમની વાત પર ધ્યાન ન અપાતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજર રહે છે."

તેઓ કહે છે કે, "અહીં ભાજપની જીતમાં આમ આદમી પાર્ટી પણ નડી શકે એમ છે કારણ કે 2022ની ચૂંટણીમાં આપના ઉમેદવારને અહીં 23 હજારથી પણ વધુ મતો મળ્યા હતા. એટલે કૉંગ્રેસ અને આપનું ગઠબંધન તથા જવાહર ચાવડાની નારાજગીને કારણે ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ બની શકે તેમ છે."

તો આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટ કહે છે કે, "માણાવદર અને પોરબંદરમાં આપનું સંગઠન પહેલાં કરતાં વધુ મજબૂત થયું છે જ્યારે માણાવદરમાં આપે સારું પ્રદર્શન કર્યું હતું. ભાજપને અમે માણાવદરમાં તો મ્હાત આપીશું જ પરંતુ સાથે મળીને પોરબંદર અને બીજી બેઠકો પર પણ હરાવીશું. આ બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓની નારાજગી અમને મદદ કરશે."

સીજે ચાવડા શું ભાજપમાંથી પણ જીતી શકશે?

ગુજરાત પેટાચૂંટણી કૉંગ્રેસ ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CJ Chavda/X

ઇમેજ કૅપ્શન, સીજે ચાવડા

તો ઠાકોર અને પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી વીજાપુરની આ બેઠક પર મુસ્લિમ મતદાતાઓ ઓછા છે.

એક જમાનામાં કૉંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક માં છેલ્લી નવ ચૂંટણીમાં પાંચવાર કૉંગ્રેસ અને ચાર વખત ભાજપ જીત્યો છે.

અહીં ગત ચૂંટણીમાં 7053 મતથી કૉંગ્રેસમાંથી જીતેલા સી.જે.ચાવડા થોડા સમય પહેલાં ભાજપમાં જોડાયા હતા અને હવે ભાજપમાંથી ચૂંટણી લડશે.

વરિષ્ઠ પત્રકાર પદ્મકાન્ત ત્રિવેદી કહે છે કે, "સી.જે. ચાવડાને પ્રવાહ જોતા આવડે છે. શંકરસિંહ વાઘેલાની આંગળી પકડીને કૉંગ્રેસમાં આવેલા ચાવડાને ઠાકોર અને અન્ય ઓબીસી મતોનું સોશિયલ એન્જિનિયરિંગ આવડે છે."

"આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને એમના વતન માણસા પાસે આ વિધાનસભાની બેઠક છે ત્યારે સ્વાભાવિક રીતે જ એના કારણે ભાજપને આ બેઠક જીતવી સરળ પડશે."

કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે કે આપ અને કૉંગ્રેસનું ગઠબંધન તથા કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્ક અને ચાવડાએ કોંગ્રેસ સાથે કરેલા દ્રોહને કારણે અમારા માટે આ બેઠક જીતવી સરળ રહેશે.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, "અમે આ પાંચ બેઠક પરના ઉમેદવારોને ગણતરીપૂર્વક ઊભા રાખ્યા છે. લોકસભામાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો ગુજરાતમાંથી લડી રહ્યા છે ત્યારે કાર્પેટ બૉમ્બિંગ પ્રચાર, બૂથ સમિતિનું આયોજન અને ભાજપના મતની સાથેસાથે અમારી સાથે વિચારધારાથી જોડાયેલા આ નેતાઓના કાર્યકર્તાઓનું પીઠબળ જોયા પછી જ અમે ટિકિટનો નિર્ણય કર્યો છે."

"કૉંગ્રેસ આ તમામ બેઠકો પરથી જીતવાનું સપનું જોઈ રહી છે. માણાવદર અને પોરબંદરમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને જીતવું સરળ બનશે, તો ખંભાત ભાજપનો ગઢ છે. વાઘોડિયા ભાજપની પરંપરાગત બેઠક છે અને વીજાપુરમાં માઈક્રો મૅનેજમેન્ટ અમને જીતાડી દેશે."