ગુજરાતમાં કૉંગ્રેસને સાત લોકસભા બેઠકો પર ઉમેદવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની 26 લોકસભા બેઠક પર સાતમી મેના રોજ મતદાન થશે. આ સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
કૉંગ્રેસે પણ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં19 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ સાત લોકસભા બેઠકોમાં હજી સુધી કૉંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા.
સ્થાનિક મીડિયા અહેવાલોમાં કૉંગ્રેસના કેટલાક નેતાઓને મોવડી મંડળે ચૂંટણી લડવાનું કહ્યું હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ એવા પણ મીડિયા અહેવાલ છે કે કૉંગ્રેસના મોટા નેતાઓએ ચૂંટણી લડવામાં સામે ચાલીને જ અસમર્થતા દર્શાવી છે અને મોવડી મંડળને ટિકિટ ન આપવાની વિનંતી કરી છે.
લોકસભા ચૂંટણી અગાઉ નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હાલ કૉંગ્રેસમા એક પ્રકારનું વૅક્યુમ આવી ગયું છે તેવું રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસનો દાવો છે કે પાર્ટી પાસે સક્ષમ નેતાઓ અને કાર્યકર્તાઓ છે અને સાત બેઠકોમાં ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરવામાં આવશે.
ગુજરાતની એ લોકસભા બેઠકો જ્યાં હજુ સુધી કૉંગ્રેસ ઉમેદવાર જાહેર થયા નથી

ઇમેજ સ્રોત, મહેસાણા, વડોદરા, નવસારી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકોમાં હજી સુધી કૉંગ્રેસ કોઈ નામ ફાયનલ કરી શકી નથી
મહેસાણા, વડોદરા, નવસારી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકોમાં હજી સુધી કૉંગ્રેસ કોઈ નામ ફાઇનલ કરી શકી નથી. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કૉંગ્રેસે પક્ષના પ્રવક્તા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ અંગત કારણોસર તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી જે બાદ હજી સુધી નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર બાદ રોહન ગુપ્તાએ કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.
અગાઉ પક્ષના સિનિયર નેતાઓ ભરતસિંહ સોલંકી, જીગદીશ ઠાકોર અને પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા પક્ષની ચિંતા વધી ગઈ છે.
ગુજરાત કૉંગ્રેસ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં મોડું કરી રહી છે?
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટિના પ્રવક્તા પાર્થિવરાજ કાઠવાડિયા કહે છે કે, "ઉમેદવાર પસંદગીની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે અને પાર્ટી ઉમેદવારો જાહેર કરવામાં મોંડુ કરી રહી છે એ વાતમાં કોઈ તથ્ય નથી. આવનારા 24 અથવા 48 કલાકની અંદર બાકીના સાત બેઠકો પર ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું કે, "પ્રદેશ કૉંગ્રેસ કમિટિએ ઉમેદવારોનાં નામ વર્કિંગ કમિટિને મોકલી આપવામાં આવ્યાં છે અને પક્ષ ટૂંકમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે."
પાર્થિવરાજ વધુમાં જણાવે છે કે સાત બેઠકો પર જે ઉમેદવારની પસંદગી થઈ છે તેમને ફોન અથવા બીજી રીતે માહિતી પહોંચાડી દેવામાં આવી છે અને તેઓએ પોતાની રીતે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. એક રણનીતિના ભાગરૂપે મીડિયામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં નથી.
અત્યાર સુધી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસ જાહેર કરેલા ઉમેદવારોનાં નામ :
પાટણ – ચંદનજી ઠાકોર
સાબરકાંઠા- ડૉ. તુષાર ચૌધરી
ગાંધીનગર- સોનલ પટેલ
જામનગર – જે.પી. મારવિયા
અમરેલી – જેનીબહેન ઠુમ્મર
આણંદ – અમિત ચાવડા
ખેડા- કાળુસિંહ ડાભી
પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ- પ્રભાબહેન તાવિયાડ
છોટાઉદેપુર- સુખરામ રાઠવા
સુરત – નીલેશ કુંભાણી
વલસાડ – અનંત પટેલ
બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર
કચ્છ – નિતેશ લાલણ
પોરબંદર – લલિત વસોયા
બારડોલી – સિદ્ધાર્થ ચૌધરી
શું કૉંગ્રેસને યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી હતી અને 26માંથી 26 બેઠકો ભાજપના ખાતે ગઈ હતી. આ વખતે ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પક્ષને એક પણ બેઠક મળી નહોતી અને ચૂંટણીમાં પક્ષના ઘણા સિનિયર નેતાઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી અને કેટલાક તો ચૂંટણીમાં ભાગ પણ લીધો હતો.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 'ગુજરાતમાં કૉંગ્રેસ તરફી એવી કોઈ લહેર ન જોવા મળતાં અને પક્ષના બૅન્ક એકાઉન્ટસ ફ્રીઝ થઈ જતાં પક્ષને સક્ષમ ઉમેદવાર નથી મળી રહ્યા છે. સિનિયર નેતાઓ ચૂંટણીની રેસમાંથી ખસી જતાં અને વિપક્ષ પાસે ગુજરાતમાં યોગ્ય નૅરેટિવ ન હોવાના કારણે પણ કેટલીક બેઠકોમાં મુકાબલો મહદઅંશે એક તરફી બની રહ્યો છે.'
દાખલા તરીકે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ સામે કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડનારા ધર્મેશ પટેલ ભાજપમાં આવી ગયા છે. આવી જ સ્થિતિ ગુજરાતની અન્ય લોકસભા બેઠકોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, જ્યાં કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
તો શું ખરેખર કૉંગ્રેસની યોગ્ય ઉમેદવારની શોધ પૂરી નથી થઈ?
સૌરાષ્ટ્રની રાજનીતિને નજીકથી જોનારા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "જે પણ બેઠકો બાકી છે ત્યાં ભાજપ બહુ મજબૂત સ્થિતિમાં છે. ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડવી હોય તો કૉંગ્રેસને એક મજબૂત ઉમેદવાર જાહેર કરવો પડે. પક્ષના ઘણા સિનિયર અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા નેતાઓ હાલ ભાજપમાં છે. આવી પરિસ્થિતિમાં એક સક્ષમ ઉમેદવાર શોધવો એ કૉંગ્રસ માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે."
તેઓ કહે છે કે, "કૉંગ્રેસ માટે મહેસાણા, રાજકોટ અને જૂનાગઢમાં ઉમેદવારની પસંદગી કરવી એ એક કોયડો બની ગઈ છે. અહીં જ્ઞાતિ ઉપરાંત અન્ય સમીકરણો જોઈએ તો ભાજપ હાલ સારી સ્થિતિમાં છે. આવી જ સ્થિતિ નવાસરી બેઠકમાં છે જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણી લડી રહ્યા છે. સ્વાભિવક છે કે ઉમેદવારની પસંદગી કરવી સરળ નથી."
રાજકીય વિશ્લેષક નરેશ વરિયા પણ આ વાતથી સહમત છે.
તેઓ કહે છે કે, "આ વખતે કૉંગ્રેસ માટે સ્થિતિ થોડી જુદી છે. પક્ષના નેતાઓનાં રાજીનામાં ઉપરાંત ફંડિંગ અને સિનિયર નેતાઓની ઓછી સક્રિયતાએ કાર્યકર્તાઓ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી કરી છે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કન્વીનર હેમાંગ રાવળ આ વાત સાથે સહમત થતા નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "ઉમેદવારની પસંદગીના મામલે કૉંગ્રેસ પક્ષમાં કોઈ મૂંઝવણ નથી. અમે બધી બેઠકો ઉપર સક્ષમ ઉમેદવાર ઉતાર્યા છે અને જે સાત બેઠકો છે ત્યાં પણ આમ જ કરીશું. ભાજપ એકેય બેઠક ઉપર પ્રચાર થઈ રહ્યો છે તે રીતે મજબૂત નથી."
"ઉમેદવાર બદલવાથી લઈને ભાજપ આંતરકલહનો પણ સામનો કરી રહ્યો છે જે બતાવે છે કે ચૂંટણી જરાય પણ એકતરફી રહેવાની નથી."
જ્ઞાતિ અને અન્ય સમીકરણો

ઇમેજ સ્રોત, GIRISH THACKERAY/BBC
ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિના સહિતનાં અન્ય સમીકરણો પણ કામ કરતાં હોય છે. સૌરાષ્ટ્રની બેઠકોમાં જ્ઞાતિ એક મહત્ત્વનું પરિબળ રહ્યું છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે રાજકોટ, મહેસાણા, અમરેલી અને જૂનાગઢ લોકસભા બેઠકો ઉપર પાટીદાર મતોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકો ઉપર પાટીદાર ફૅક્ટર કામ કરતું હોય છે, જે એક ઓપન સિક્રેટ છે. સુરેન્દ્રનગર બેઠકમાં કોળી મતદારો હાર-જીત નક્કી કરી શકે છે. આ બેઠકમાં કોળી પટેલના પાંચ લાખ કરતા વધુ મત છે.
આવી જ રીતે જો નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં કોળી પટેલ અને આદિવાસી સમાજના મતો નિર્ણાયક છે. અહીં પણ ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિ એક મહત્ત્વનું પરિબળ બની જાય છે.
હેમાંગ રાવળ કહે છે, "ઉમેદવાર નક્કી કરતી વખતે જ્ઞાતિ, સંગઠનમાં તેમની સક્રિયતા અને વ્યક્તિત્વ જેવી બાબતો જોવામાં આવે છે. સ્વાભાવિક બાકીની સાત બેઠકોમાં ઉમેદવારની પસંદગી કરતી વખતે અમે આ બાબત ધ્યાને લીધી હોય. પરંતુ આ એકમાત્ર ક્રાઇટેરિયા નથી. અન્ય બાબતો વિશે પણ વિચાર કરીને અમે ઉમેદવાર જાહેર કરીશું."
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે કે, "ગુજરાતના રાજકરણમાં જ્ઞાતિનું ફૅક્ટર કાયમ મહત્ત્વનું રહે છે અને આ વખતની ચૂંટણીમાં પણ તે રહેશે. ભાજપ હોય કે કૉંગ્રેસ પક્ષો મતદારો અને તેમની જ્ઞાતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેતા હોય છે."
ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ

ઇમેજ સ્રોત, ANI
2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે કૉંગ્રેસ પાસે 14 ધારાસભ્યો બચ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 28 વર્ષથી સત્તામાં નથી.
લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કૉંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓથી ગુજરાતમાં એકપણ બેઠક જીતી શકી નથી. છેલ્લે 2009ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાતમાં 11 બેઠકો જીતી હતી. ત્યારબાદ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળું પ્રદર્શન કરી રહી છે.
ગત ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડેલા સીજે ચાવડા, જામનગર બેઠક પરથી ચૂંટણી લડેલા મૂળુભાઈ કંડોરિયા, નવસારી બેઠક પરથી ચૂંટણી લડેલા ધર્મેશ પટેલ જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
તો બીજી તરફ ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારો મનાતા અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
છેલ્લે 1980માં કૉંગ્રેસે ગુજરાતની 26માંથી 25 બેઠકો જીતી હતી જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે.












