ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ કેમ થયો?

ઇમેજ સ્રોત, facebook
લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદથી ગુજરાત ભાજપ એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં વિરોધને પગલે પક્ષના સિનિયર નેતાઓ ડેમેજ કંટ્રોલ થકી વિરોધ અને ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વડોદરા બાદ ભાજપમાં સૌથી વધુ વિરોધ સાબરકાંઠા લોકસભા બેઠક પર જોવા મળી રહ્યો છે.
ગુરુવારે પણ સાબરકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી સ્વરૂપે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોવડીમંડળમાં સતત રજૂઆત કરી રહ્યા છે.
બુધવાર અને ગુરુવારે પણ હિંમતનગર અને અરવલ્લી ભાજપ કચેરી બહાર આ આવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ માગ કરી રહ્યા છે કે ભીખાજી ઠાકોરને ફરીથી ઉમેદવાર જાહેર કરવામાં આવે.
આ સમગ્ર વિવાદ વચ્ચે ભીખાજી ઠાકોરે કહ્યું કે તેઓ પક્ષના નિર્ણયને આવકારે છે અને બધા સાથે મળીને કામ કરશે.
સાબરકાંઠા બેઠક પર વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
13 માર્ચના રોજ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ ઉમેદવાર જાહેર થયા બાદ ભીખાજી ઠાકોરની અટકનો મુદ્દો ઉછળ્યો હતો અને ‘તેઓ ઠાકોર સમાજમાંથી નથી’ તેવા મૅસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે તેઓ ઠાકોર નથી પણ આદિવાસી છે એવો સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ થયો હતો.
બીબીસી સહયોગી અંકિત ચૌહાણ કહે છે કે, ‘‘દશેરાના દિવસે તીરકામઠાની પૂજા કરતા ફોટો સામે આવ્યા હતા. ભીખાજી ઠાકોર હોય તો તીર કામઠાની પૂજા કેમ કરી તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભીખાજીનાં ભત્રીજી રમીલાબહેન પરમાર ચૂંટણી લડ્યાં હતાં. એટલે જ્યારે ભીખાજીના નામની જાહેરાત થઈ ત્યારે તે વિશેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.’’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાદમાં અરવલ્લી જિલ્લાના ચૌહાણ બાબુસિંહ દીપસિંહે મુખ્ય ચૂંટણી કમિશનરને ભીખાજી ઠાકોરની જ્ઞાતિ અંગે સ્પષ્ટતા કરવા માટે અરજી કરી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, ‘‘ભીખાજી ઠાકોર અને તેમના પરિવારના સભ્યો ભૂતકાળમાં અનુસૂચિત આદિજાતિ તરીકે ચૂંટણી લડ્યા છે. તેઓ એસ.ટી. છે કે ઓ.બી.સી. તે બાબતે ખુલાસો થાય તે માટે મેં અરજી કરી હતી. હજી સુધી મને કોઈ જવાબ મળ્યો નથી.’’
તો ભાજપ હાઇકમાન્ડ સુધી આ વિવાદ પહોંચતા ભીખાજી ઠાકરે 23 માર્ચના રોજ વ્યક્તિગત કારણસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી હતી. ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પડતા પક્ષે શોભનાબહેન બારૈયાને ટિકિટ આપી હતી.
પરંતુ નવા નામની જાહેરાત થતાં સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા હતા. હવે પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવે તેની માગ કરી રહ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં તેમના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી.
સાબરકાંઠા બેઠકથી ભાજપનાં ઉમેદવાર શોભનાબહેન બારૈયા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનાં પત્ની છે. મહેન્દ્રસિંહ કૉંગ્રેસમાં હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં વખતે તેઓ ભાજપમાં જોડાયા હતા.
શોભનાબહેન બારૈયા પ્રાંતિજના મજરા ગામનાં વતની છે. તેઓ પ્રાંતિજના બાલિસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતા. 30 વર્ષ શિક્ષક તરીકે કામ કર્યાં બાદ ચૂંટણી લડવા માટે તેમણે રાજીનામું આપ્યું છે.
હવે તેમને ટિકિટ મળતા ભાજપના જૂના કાર્યકર્તાઓ અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સાબરકાંઠા બેઠકનો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો તેઓ રાજીનામાં આપી દેશે.
સાબરકાંઠા બેઠકમાં ચાલતી ઊથલપાથલ વચ્ચે ભાજપનાં વર્તમાન ઉમેદવાર શોભનાબહેન ચૂંટણીપ્રચારમાં લાગી ગયાં છે. યાત્રાધામ શામળાજી ખાતેથી પ્રચારની શરૂઆત કર્યાં બાદ તેઓ મીટિંગો અને સભાઓ કરી રહ્યાં છે.
ભાજપના કાર્યકર્તાઓ કેમ નારાજ છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
બુધવારે ભિલોડામાં ભાજપના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, તો ગુરુવારે ભાજપના કાર્યકર્તાઓએ પક્ષનો ખેસ ફેંકી દીધો હતો. તેમની માગ છે કે પક્ષ કાં તો ભીખાજી ઠાકોરને ફરીથી ટિકિટ આપે અથવા તો કોઈ સ્થાનિક મહિલાને તક આપે.
ગંભોઈ વ્યાપારી ઍસોસિયેશનના પ્રમુખ અને ભાજપ નેતા ભગવાનદાસ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, ‘‘ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી તે યોગ્ય હતું. શોભનાબહેન બારૈયા કૉંગ્રેસનાં આયાતી ઉમેદવાર છે. તેમને ટિકિટ આપવાથી પક્ષના પાયાના કાર્યકર્તાઓ નારાજ છે. 40 વર્ષથી મહેનત કરતા કાર્યકર્તાઓને આક્રોશ છે.’’
‘‘એક સક્રિય કાર્યકર્તા તરીકે હું માનું છું કે શોભનાબહેન બારૈયાને ટિકિટ આપવી યોગ્ય ન ગણાય. પક્ષના સિનિયર નેતાઓએ આ વિશે વિચારવું જોઈએ અને સારા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ.’’
બીબીસી સહયોગી અંકિત ચૌહાણ કહે છે કે, ભાજપના કેટલાક નેતાઓ દાવો કરી રહ્યા છે કે શોભનાબહેન ભાજપનાં એટલાં જૂનાં કાર્યકર્તા નથી અને માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ માગ કરી રહ્યા છે કે જો ઠાકોર સમાજની કોઈ વ્યક્તિને પક્ષ ટિકિટ આપવા માગતો હોય તો ઘણા જૂના કાર્યકર્તાઓ છે જે ઠાકોર સમાજમાંથી આવે છે.
ઈડર તાલુકા ભાજપ ઉપ-પ્રમુખે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ભાજપના હજારો કાર્યકર્તાઓનો જીવ દુભાઈ રહ્યો છે. ભીખાજી ઠાકોર યોગ્ય ઉમેદવાર હતા અને પત્રિકા વૉરના કારણે તેમની ટિકિટ ગઈ છે. પક્ષ જો નિર્ણય નહીં બદલશે તો ચૂંટણીમાં અસર થઈ શકે છે.
ભાજપમાં ચાલતી ઊથલપાથલ વચ્ચે ભીખાજી ઠાકોર અને શોભનાબહેન બારૈયાએ નિવદેન આપીને પક્ષમાં કોઈ વિરોધ ન હોવાનું જણાવ્યું છે.
ભાજપના સિનિયર નેતાઓ સાથે મીટિંગ કર્યા બાદ ભીખાજી ઠાકોરે કહ્યું કે પાર્ટીના નિર્ણયને તેઓ આવકારે છે અને તમામ સાથે મળીને કામ કરીશું.
તો શોભનાબહેન કહે છે કે જો એવી કોઈ ચર્ચા થઈ હશે તો સંગઠન આ બાબતે કામ કરી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે કામ કરશે. હું બધાના આશીર્વાદ મેળવીશ. મને વિશ્વાસ છે કે કાર્યકર્તા અને જનતા મારી સાથે છે.
લોકસભા ચૂંટણીમાં કોઈ અસર પડશે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
ભાજપમાં હાલમાં ચાલી રહેલી અસંતોષની સ્થિતિનો શું વિપક્ષોને ફાયદો થશે કે નહીં એ અગત્યનો પ્રશ્ન છે.
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે, "મને નથી લાગતું કે સાબરકાંઠામાં હાલ જે ચાલી રહ્યું છે તેની લોકસભા ચૂંટણીમાં કોઈ અસર પડશે. ભાજપના કાર્યકર્તાઓ વિરોધપ્રદર્શન ભલે કરતા હોય પરંતુ છેવટે મોવળીમંડળ દ્વારા મનાવી લેવામાં આવશે અને તેઓ ચૂંટણીમાં ભાજપને જ મત આપશે."
"ભાજપ હવે શોભનાબહેન બારૈયાના બદલે અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ નહીં આપે. ભીખાજી ઠાકોર સાથે અન્યાય થયો છે પણ હવે પક્ષ નિર્ણય બદલશે તેની શક્યતા બહુ ઓછી છે. હાલમાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ માની જશે. ભાજપના કાર્યકર્તાઓ પક્ષના આદેશને અવગણી નહીં શકે."
વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, "સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની તાકાત કોઈનામાં છે ખરી? જે કોઈ સશક્ત ઉમેદવારો કૉંગ્રેસના છે એ પોતાની તાકાત પર ટકી ગયેલા છે. જો નારાજ મતદારોનો ફાયદો લેવામાં તમે સફળ ન થાઓ તો અંતે તેનો ફાયદો ફરીથી ભાજપને જ થવાનો છે."
સાબરકાંઠા બેઠકનું ગણિત

ઇમેજ સ્રોત, Getty Images
સાબરકાંઠા બેઠક આમ તો કૉંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાય છે. અહીં 17 વાર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાંથી માત્ર ચાર વાર ભાજપનો વિજય થયો છે. જ્યારે સાત વખત કૉંગ્રેસનો વિજય થયો છે. જોકે, 2009, 2014 અને 2019 એમ સતત ત્રણ ટર્મ જીતીને ભાજપે અહીંથી જીતની હેટ્રિક મારી છે. કૉંગ્રેસના મોટા ગજાના નેતાઓ અહીંથી ચૂંટાયા છે.
નિશા અમરસિંહ ચૌધરી અહીંથી 1996, 1998 અને 1999 એમ ત્રણ વાર ચૂંટાયાં. 2004માં કૉંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી જીત્યા. પણ 2009માં તેઓ હારી ગયા. 2014માં અહીંથી કૉંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા મેદાને ઊતર્યા હતા. પણ મોદી લહેર સામે તેઓ પણ ટકી શક્યા નહીં.
સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતિજ બેઠકનો સમાવેશ થાય છે. સાતમાંથી ઈડર એસસી જ્યારે ખેડબ્રહ્મા અને ભીલોડા એસટી માટે અનામત બેઠક છે.
2022 વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગર, ઈડર, ભીલોડા, મોડાસા અને પ્રાંતિજ એમ પાંચ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ખેડબ્રહ્માથી કૉંગ્રેસ નેતા તુષાર ચૌધરી જીત્યા હતા. જ્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટાયા હતા. જેઓ હાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
2017ની વાત કરીએ તો હિંમતનગર, ઈડર અને પ્રાંતિજ એમ ત્રણ જ બેઠક પર ભાજપ જીત્યો હતો. જ્યારે ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા અને બાયડ બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો.
ગુલઝારીલાલ નંદા અહીંથી સતત ત્રણ ટર્મ ચૂંટાયા હતા. રામાયણ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીને ભાજપે અહીંથી 1991માં ટિકિટ આપી હતી. તેઓ એક ટર્મ સાંસદ પણ રહ્યા. પણ 1996માં તેઓ નિશા અમરસિંહ ચૌધરી સામે હારી ગયા હતા.












