એ લોકસભા ચૂંટણી જેમાં ગુજરાતની 26માંથી ભાજપને માત્ર એક બેઠક મળી

ઇમેજ સ્રોત, X/@narendramodi
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
18મી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે ચાર જૂને પરિણામ આવશે.
ભાજપે પણ ગુજરાતમાંથી ફરી એક વખત તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તે વિજયની હેટ્રિક નોંધાવવા માગે છે.
ભાજપ ગુજરાતની દરેક બેઠક ઉપર વિજયનું માર્જિન વધારવા માટે પ્રયત્નશીલ છે.
જોકે, એક લોકસભા ચૂંટણી એવી પણ હતી કે જ્યારે ગુજરાતમાં ભાજપને માત્ર એક બેઠક જ મળી હતી.
ભાજપે રાષ્ટ્રીયસ્તરે 370થી આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો હતો તથા એનડીએ માટે 400થી વધુ બેઠકનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામ પણ જાહેર થશે.
ભારતીય જનતા પક્ષનો ઉદય અને ગુજરાત સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
'ભારતીય જનતા પક્ષ' (ભાજપ) વર્ષ 1980માં અસ્તિત્વમાં આવ્યો, પરંતુ રાજકીય રીતે તેની વિચારધારા અને પૃષ્ઠભૂમિ આઝાદી પછીના પ્રારંભિક વર્ષો સુધી લંબાય છે.
ભાજપના નેતા પ્રો. વિજયકુમાર મલ્હોત્રા 'ઇવૉલ્યુશન ઑફ બીજેપી'માં (પૃષ્ઠક્રમાંક 94-96) ઉપર લખે છે, "વર્ષ 1951માં 'ભારતીય જન સંઘ'ની સ્થાપના થઈ હતી. પાર્ટીએ 1952, '57, '62, '67 અને '71ની લોકસભા ચૂંટણીઓ લડી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"જેમાં પાર્ટીએ ત્રણથી લઈને 22 બેઠક સુધીની સફર ખેડી હતી. આ દરમિયાન પાર્ટીના મતોની ટકાવારી ત્રણેક ટકાથી વધીને લગભગ સાડા સાત ટકા સુધી પહોંચી હતી."
"ઇંદિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પછી પહેલી ચૂંટણી વર્ષ 1977માં યોજાઈ. એ સમયે જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય નહોતો થયો. છતાં તેના ઉમેદવારો લોકદળના ચૂંટણીચિહ્ન ઉપર ચૂંટણી લડ્યા હતા. જનતા મોરચાને 405માંથી 299 બેઠક મળી હતી, જેમાંથી 93 જનસંઘે જીતી હતી."
"વર્ષ 1980ની લોકસભા ચૂંટણી સમયે ઇંદિરા ગાંધીનું સત્તામાં પુનરાગમન થયું, એ પછી જનતા પાર્ટીમાં તડાં પડવા લાગ્યાં અને પ્રવર્તમાન રાજકીય સ્થિતિએ ભાજપની સ્થાપનાનો માર્ગ પ્રશસ્ત કર્યો."
મલ્હોત્રા પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, "ચોથી એપ્રિલ 1980ના દિવસે જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. જે લોકો ચૌધરી ચરણસિંહની સાથે અલગ નહોતા થયા, તેઓ આ બેઠકમાં સામેલ હતા."
"ચંદ્રશેખર જૂથ તથા અન્ય કેટલાક સમાજવાદીઓને લાગતું હતું કે જો જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા નેતા અને કાર્યકરો પાર્ટીમાં રહેશે તો તેઓ સંખ્યા અને પ્રભુત્વને આધારે પાર્ટી ઉપર કબજો કરી લેશે."
"જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ઠરાવ પસાર થયો હતો કે પાર્ટીના નેતાઓએ સંઘ સાથેના સંબંધ તોડી નાખવા તથા આ મતલબનો ઠરાવ પણ પસાર થયો. આને કારણે જનસંઘ અને આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને આંચકો લાગ્યો હતો. જ્યારે જનતા પાર્ટીનું ગઠન થયું હતું, ત્યારે આવી કોઈ શરત મૂકવામાં નહોતી આવી. જનતા પાર્ટીમાં તેઓ સૌથી મોટા વૈચારિક ઘટકદળ હતા. આમ છતાં તેઓએ મોરારજી સરકારમાં સંખ્યા પ્રમાણે ભાગીદારી નહોતી માગી."
"બેઠક પૂર્વે જનસંઘ અને આરએસએસના નેતાઓને આવું કંઇક થશે એ વાતનો અંદાજ હતો, એટલે તેમણે દેશભરમાંથી સભ્યોને દિલ્હીમાં એકઠા થવા માટે કહ્યું હતું. જનતા પાર્ટીની બેઠકના બે દિવસ પછી છઠ્ઠી એપ્રિલ 1980ના રોજ તેઓ કોટલા મેદાન ખાતે મળ્યા અને તેમણે જનતા પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો."
"ભાજપનું પોતાનું સંગઠનનું માળખું ન હતું, પરંતુ જનસંઘના કાર્યકરોએ નવેસરથી શરૂઆત કરી. જનતા સરકારમાં મંત્રી એવા લાલકૃષ્ણ અડવાણી અને વાજપેયી ઉપરાંત, નાનાજી દેશમુખ, ડૉ. મુરલી મનોહર જોશી, સુંદરસિંહ મલકાણી, કુશાભાઉ ઠાકરે, જના કૃષ્ણમૂર્તી, સુંદરલાલ પટવા, શાંતા કુમાર અને ભૈરોસિંહ શેખાવત જેવા નેતા સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા હતા અને પાર્ટીને નેતૃત્વ આપવા તૈયાર હતા. આ સિવાય સિકંદર બખ્ત, રામ જેઠમલાણી અને શાંતિ ભૂષણ જેવા નેતા પણ ભાજપમાં જોડાયા."
ભાજપની પહેલી લોકસભા ચૂંટણીમાં દેશમાં બે બેઠકો પર વિજય

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1985માં કૉંગ્રેસે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને સિક્કિમમાં સત્તા ગુમાવી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાર્ટીનું પ્રદર્શન અગાઉની ચૂંટણીની સરખામણીમાં કથળ્યું હતું. આવામાં એક ઘટના ઘટી અને રાજકીય પાસું પલટાઈ ગયું.
મલ્હોત્રા તેમના પુસ્તકમાં પેજ નંબર (139-141) પર લખે છે, "ઑક્ટોબર-1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઈ. 67 દિવસમાં મતદાતાઓનો મિજાજ બદલાઈ ગયો અને લોકોમાં કૉંગ્રેસતરફી જુવાળ ઊભો થયો. વિપક્ષ વિભાજિત હતો અને તેમની વચ્ચેના ગઠબંધન નહોતું થઈ શક્યું, જેના કારણે લોકોના મનમાં તે વિશ્વાસપાત્ર વિકલ્પ બની શક્યા."
ભાજપે 224 બેઠક લડી, જેમાં 100 કરતાં વધુ બેઠક પર પાર્ટી બીજા ક્રમે હતી અને તેને 7.75 ટકા જેટલા મત મળ્યા હતા. પરંતુ પાર્ટીનો માત્ર બે બેઠક પર જ વિજય થયો હતો.
ગુજરાતની મહેસાણાની બેઠક ઉપરથી ડૉ. એ. કે. પટેલે કૉંગ્રેસના સાગરભાઈ રાયકાને લગભગ 44 હજાર મતે પરાજય આપ્યો હતો. જે કુલ માન્યમતના આઠ ટકા જેટલા હતા. ચીમન શુક્લ, રતિલાલ વર્મા, અશોક ભટ્ટ, ગાભાજી ઠાકોર, આર.કે. અમીન અને જસપાલસિંહ જેવા ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા.
કચ્છની બેઠક પરથી કૉંગ્રેસનાં ઉમેદવાર ઉષાબહેન ઠક્કર વિજેતા થયાં. તેમણે લોકદળના મહિપતરાય મહેતાને લગભગ 30 હજાર મતે પરાજય આપ્યો હતો. જોકે, ત્રીજા ક્રમાંક પર રહેલા અપક્ષ ઉમેદવાર અમીરઅલી લોધિયાને 43 હજાર 700 જેટલા મત મળ્યા હતા. આમ કૉંગ્રેસવિરોધી મતોનું વિભાજન થવાને કારણે ઠક્કરનો વિજય થયો હતો.
સાબરકાંઠાની બેઠક ઉપરથી જનતા પાર્ટીના એચ. એમ. પટેલ ચૂંટાઈ આવ્યા હતા. કૉંગ્રેસને 26માંથી 24 બેઠક મળી હતી. 92.3 ટકા બેઠક સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પાર્ટીનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
વર્ષ 1980ની લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 26માંથી 25 બેઠક મળી હતી. એ ચૂંટણીમાં મહેસાણાની બેઠક પરથી મોતીભાઈ ચૌધરી વિજેતા થયા હતા. લગભગ 96 ટકા સાથે કૉંગ્રેસનું તે અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બની રહ્યું છે.
1984ની લોકસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ. સહાનુભૂતિની લહેર અને KHAM સમીકરણને કારણે પાર્ટીને 182માંથી 149 બેઠક મળી. આ પહેલાં વર્ષ 1980ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 140 બેઠક મળી હતી.
રાષ્ટ્રીયસ્તરે કૉંગ્રેસને 491માંથી 404 બેઠક ઉપર વિજય મળ્યો હતો. સીપીએમને 22, જનતા પાર્ટીને 10, સીપીઆઈને છ, ઇન્ડિયન કૉંગ્રેસને (સોશિયાલિસ્ટ) ચાર અને લોકદળને ત્રણ બેઠક મળી હતી.
એક વર્ષ બાદ ડિસેમ્બર-1985માં આસામ-પંજાબમાં અલગથી ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસને 10, આઈસીએસને એક, પ્રાદેશિક પક્ષોને આઠ તથા અપક્ષોને આઠ બેઠક મળી હતી. ભાજપ તેનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
એ ચૂંટણી પછી ભાજપનું પ્રદર્શન કેવું રહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પાર્ટીના અધ્યક્ષ અટલબિહારી વાજપેયી ગ્વાલિયરની બેઠક ઉપર માધવરાવ સિંધિયા સામે હારી ગયા હતા. હાલમાં માધવરાવના દીકરા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં છે અને મોદી સરકારમાં મંત્રી પણ છે.
15-17 માર્ચ 1985માં બૉમ્બે ખાતે વાજપેયીના નેતૃત્વમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. જેમાં વાજપેયીએ પક્ષના અધ્યક્ષ તરીકે લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજયની જવાબદારી સ્વીકારી અને પાર્ટી જે સજા આપે તે ભોગવવાની તૈયારી દાખવી.
લગભગ એક દાયકા સુધી ભાજપનો વૈચારિક, ચૂંટણીલક્ષી અને વિપક્ષ તરીકે સંઘર્ષ ચાલુ રહ્યો. વર્ષ 1989માં ભાજપના ટેકાથી કેન્દ્રમાં વીપી સિંહની સરકાર બની હતી. જેનું ટૂંક સમયમાં પતન થયું હતું.
વર્ષ 1996માં ભાજપના નેતૃત્ત્વવાળા એનડીએ ગઠબંધનના ઉમેદવાર વાજપેયી વડા પ્રધાન બન્યા, પરંતુ વિશ્વાસમત પુરવાર ન કરી શકવાને કારણે માત્ર 13 દિવસમાં તેમની સરકારનું પતન થયું.
વર્ષ 1998માં ભાજપના નેતૃત્ત્વમાં એનડીએ યુતિ ફરી સરકારમાં આવી. વાજપેયી લગભગ 13 મહિના માટે સત્તા ઉપર રહ્યા અને તેમની રાજકીય અસ્થિરતાનો ભોગ બની.
વર્ષ 1999માં લગભગ એટલા જ સંખ્યાબળ સાથે ભાજપ ફરી સત્તા ઉપર આવ્યો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએએ તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો. પહેલી બિનકૉંગ્રેસી અને પહેલી યુતિ સરકારનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવાનો શ્રેય વાજપેયીને મળ્યો.
વર્ષ 2004 અને 2009માં ભાજપનો પરાજય થયો. સોનિયા ગાંધીનાં નેતૃત્વવાળી યુપીએએ સત્તાના સૂત્ર સંભાળ્યા. ડૉ. મનમોહનસિંહ તેના વડા પ્રધાન હતા.
વર્ષ 1984 પછી વર્ષ 2014માં પહેલી વખત કેન્દ્રમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી અને તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. વર્ષ 2019માં ફરી એક વખત બિનકૉંગ્રેસી સરકારે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો.












