અનંત પટેલ: લડાયક આદિવાસી નેતાની સરપંચથી લોકસભા ચૂંટણી લડવા સુધીની સફર

ઇમેજ સ્રોત, ANANTPATEL1MLA/X
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થવાનો છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે.
ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી થશે.
ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો કૉંગ્રેસે અત્યાર સુધીમાં 17 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ બે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
વલસાડ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. તેઓ બે ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્ય છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વલસાડ બેઠક પરથી ધવલ પટેલને ટિકિટ આપી છે. વર્તમાન સાંસદ ડૉ. કે.સી. પટેલને આ વખતે ટિકિટ અપાઈ નથી.
ઉમેદવારીનું એલાન થયા બાદ અનંત પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મારા જેવા નાના માણસને વલસાડ લોકસભા પરથી લડવા માટેનો મૅન્ડેન્ટ આપ્યો છે એ બહુ મોટી વાત છે.
અનંત પટેલ છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની સમસ્યા માટે લડતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વલસાડ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ ન હતું. તેઓ કઈ રીતે અહીં સુધી પહોંચ્યા?
અનંત પટેલની રાજકીય સફર

ઇમેજ સ્રોત, Anant Patel MLA/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
46 વર્ષીય અનંત પટેલે એમ.એ., બી.એડ.નો અભ્યાસ કર્યો છે અને ખેતી તથા ટ્યુશન દ્વારા આજીવિકા રળતા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.
તેઓ મૂળ વાંસદા તાલુકાના ઉનાઈ ગામના રહેવાસી છે. તેમણે અભ્યાસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો છે.
વર્ષ 2009માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ ઉનાઈ ગામના સરપંચ બન્યા હતા. ત્યાર બાદ 2013માં તેઓ વાંસદા તાલુકા પંચાયતના સભ્ય અને પછી 2015માં અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ ગુજરાત કૉંગ્રેસના યુવા મોરચાના મંત્રીપદ સુધી પહોંચ્યા.
2017માં કૉંગ્રેસે તેમને વિધાનસભાની ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી અને તેમણે જીત મેળવી હતી.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે, “2017માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે થોડાં અલગ પરિબળો હતાં. એ ચૂંટણીમાં પાટીદાર આંદોલનોની પૃષ્ઠભૂમિને કારણે કૉંગ્રેસનું પણ પ્રદર્શન સારું રહ્યું હતું.”
દમણગંગા ટાઇમ્સના નિવાસી તંત્રી અને દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનાર વિકાસ ઉપાધ્યાય કહે છે, “તેઓ સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. પહેલેથી જ તેમની લડાયક છબી રહી છે એટલે મતદારો તેમની તરફ આકર્ષાયા હતા. એ સિવાય કૉંગ્રેસના પરંપરાગત મતદારોનું પણ સમર્થન મળ્યું હોવાથી અનંત પટેલ માટે પહેલી વાર જીતવું સરળ બન્યું હતું.”
અનંત પટેલનું રાજકીય કદ વધ્યું

ઇમેજ સ્રોત, Anant Patel MLA/FB
વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે, “એક સમયે વલસાડ બેઠક હેઠળ આવતી તમામ વિધાનસભાઓમાં કૉંગ્રેસનું પ્રભુત્વ હતું, પરંતુ વચ્ચે એવો સમયગાળો સર્જાયો કે જેમાં આદિવાસી નેતાઓમાં જાણે શૂન્યાવકાશની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વિપક્ષમાં આદિવાસી નેતૃત્વની તંગી ઊભી થઈ હતી.”
ધારાસભ્ય તરીકે પહેલી વાર ચૂંટાયા પછી પણ તેમનું કદ વધતું ગયું. જેનાં અનેક કારણો માનવામાં આવે છે.
નરેશ વરિયા કહે છે, “સાગરમાલા પ્રોજેક્ટ અને તાપી-દમણગંગા-કાવેરી લિંકિંગ પ્રોજેક્ટ જાહેર થયા એ બંને વખતે આદિવાસી વિસ્તારોમાં વિરોધ થયો હતો અને તે સમયે અનંત પટેલે આંદોલન ચલાવ્યું હતું. આ બંને પ્રોજેક્ટમાં સરકારે પીછેહઠ કરવી પડી હતી.”
તેઓ સમજાવતા કહે છે કે, “આ આંદોલનોથી તેમની ભૂમિકા એક વિસ્તાર પૂરતી સીમિત ન રહી અને તેમનું કદ વધ્યું. તેઓ સતત રોજગારી જેવા લોકોને અસર કરતા મુદ્દાઓ ઉઠાવતા જ રહ્યા છે.”
વિકાસ ઉપાધ્યાય કહે છે, “સાગરમાલા પ્રોજેક્ટની વિરુદ્ધમાં અનંત પટેલે છેક ગાંધીનગર સુધી લડત ચલાવી હતી. આ સિવાય બુલેટ ટ્રેનની જમીન સંપાદનનો પ્રશ્ન હોય, વાપી-શામળાજી સ્ટેટ હાઇવેની ખરાબ હાલતને કારણે કરેલું આંદોલન હોય કે પછી લોકોનો અવાજ ઉઠાવવાની કોઈ પણ વાત હોય, અનંત પટેલે હંમેશાં આ લડતોમાં નેતૃત્વ કર્યું છે.”
જ્યારે અનંત પટેલે રાહુલ ગાંધીની રેલીમાં ભાગ ન લીધો

ઇમેજ સ્રોત, Anant Patel MLA/FB
1 ફેબ્રુઆરી, 2022ના રોજ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું ત્યારે જાહેરાત કરી હતી કે પાર-તાપી-નર્મદા સહિતની નદીઓના જોડાણની પાંચ પરિયોજનાના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. લાભાર્થી રાજ્યો વચ્ચે સહમતી સધાય એટલે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
આ જાહેરાતથી દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, કારણ કે 12 વર્ષ જૂનો વિવાદાસ્પદ મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો હતો. 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના તથા અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા ત્યારે કેન્દ્ર-ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો.
જે મુજબ ગુજરાતમાં ચાર ડૅમ બાંધવાની યોજના છે, જેનું પાણી કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચે. જોકે, તેના કારણે કેટલાંક ગામોના આદિવાસી પરિવારો તેમની પૈતૃક જમીનની વિસ્થાપિત થવાના ભયે આ યોજનાના વિરોધમાં આદિવાસીઓ એક થયા હતા.
ડાંગ જિલ્લામાં આ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કર્યું હતું.
10મે, 2022ના રોજ દાહોદ ખાતે રાહુલ ગાંધીએ ‘આદિવાસી સત્યાગ્રહ’ની શરૂઆત કરાવી હતી અને એ જ દિવસે અનંત પટેલે કૉંગ્રેસની રેલીને સમાંતર આહવા ખાતે આદિવાસી રેલી યોજી હતી.
ત્યારે અનંત પટેલે એવું કહ્યું હતું કે, “પહેલાં પણ આ રેલીનું આયોજન થવાનું હતું અને મોકૂફ રખાઈ હતી. બીજી વાર મોકૂફ રાખવાથી ખોટો સંદેશ જાય તેમ હોવાથી અમે કૉંગ્રેસના હાઈકમાન્ડની મંજૂરી સાથે આ રેલીનું આયોજન કર્યું હતું.”
એ સમયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુરતસ્થિત કૉંગ્રેસી નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, “જે દિવસે ગુજરાતમાં કૉંગ્રેસની આદિવાસી રેલી હોય અને રાહુલ ગાંધી તેમાં ભાગ લેવાના હોય, એ જ દિવસે ગુજરાત કૉંગ્રેસનો આદિવાસી નેતા 400 કિલોમીટર દૂર સમાંતર આદિવાસી સભા કરે અને તેમાં પાર્ટીના બૅનર ન હોય, તેમ છતાં પાર્ટી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે, એ ઘટના ઉપરથી તમે એ નેતાના કદનું અનુમાન કરી શકો છો.”
જ્યારે અનંત પટેલ પર હુમલો થયો

ઇમેજ સ્રોત, @ANANTPATEL1MLA
અનંત પટેલે 10 ઑક્ટોબર, 2022ના રોજ નવસારીથી વડોદરા સુધી સંઘર્ષયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. પરંતુ એ પહેલા જ આઠમી ઑક્ટોબરે તેમના પર નવસારી જિલ્લાના ખેરગામમાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ ટોળામાં 50થી વધુ લોકો સામેલ હતા. ટોળાએ તેમની કારને આંતરીને કારમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ તેમને માર મરાયો હતો.
પછી આ વિસ્તારમાં વ્યાપક વિરોધપ્રદર્શનો થયાં હતાં અને અનંત પટેલે સ્થાનિક ભાજપના નેતા પર હુમલાનો આરોપ મૂક્યો હતો. તેમના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા હતા. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ મુદ્દે તેમનું સમર્થન કર્યું હતું.
નરેશ વરિયા કહે છે, “તેમના પર થયેલા હુમલા પછી છબી પર અસર થાય તે સ્વાભાવિક છે. રાજકારણમાં જે વ્યક્તિ લોકોના પ્રશ્ન ઉઠાવતા હોય તેના પર હુમલો થાય ત્યારે લોકલાગણી પણ તેની સાથે જોડાય છે.”
વિકાસ ઉપાધ્યાય કહે છે, “ત્યાર બાદ તેમની છબી સમયાંતરે લોકોના પ્રશ્નો ઉઠાવવાને કારણે વધુ મજબૂત થતી ગઈ. વળી, હાલના સમયમાં કૉંગ્રેસ પક્ષમાં પણ તેમના જેટલી ઉગ્ર રજૂઆતો કરનારા નેતાઓ હવે જૂજ બચ્યા છે.”
2022માં વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલ બીજી વાર ચૂંટાયા

ઇમેજ સ્રોત, Anant Patel MLA/FB
2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમની છબી વધુ મજબૂત થઈ ચૂકી હતી એટલે ભાજપના વાવાઝોડામાં પણ તેઓ આસાનીથી જીતી ગયા અને 2017 કરતાં લગભગ બમણી સરસાઈથી તેમણે જીત મેળવી.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલને કુલ 52 ટકા મત મળ્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવાર ગણપતભાઈ માહલાને 18,393 મતોથી પરાજય આપ્યો હતો.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી સાતમાંથી છ વિધાનસભાની બેઠકો પર ભાજપની જીત થઈ હતી, જ્યારે એકમાત્ર વાંસદાની બેઠક પર કૉંગ્રેસના ફાળે ગઈ હતી. અનંત પટેલે ભાજપના પીયૂષ પટેલને 35,033 મતે પરાજય આપ્યો હતો અને ફરી એક વાર 52 ટકાથી વધુ મતો મેળવ્યા હતા.
હવે, તેમને વલસાડ લોકસભાની બેઠક લડવા માટે આપવામાં આવી છે.
વિકાસ ઉપાધ્યાય કહે છે, “તેમનો પ્રભાવ માત્ર વાંસદા વિધાનસભા સુધી સીમિત નથી. વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી ચાર વિધાનસભાઓ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડામાં તેમની સારી પકડ અને પ્રભાવ છે.”
નરેશ વરિયા સમજાવે છે, “આ વિસ્તારોમાં ઢોડિયા પટેલ અને આદિવાસીઓના જૂથોનું વર્ચસ્વ છે. એટલે બને ત્યાં સુધી તે સમુદાયોમાંથી જ ટિકિટ આપવામાં આવે છે. વલસાડના પૂર્વ સાંસદ કિશન પટેલ સક્રિય રહ્યા ન હતા. એ સિવાય સ્થાનિક સ્તરે કૉંગ્રેસમાંથી કોઈ અન્ય વ્યક્તિને ટિકિટ અપાય તો બે જૂથો વચ્ચે ખેંચતાણની શક્યતા હતી. વલસાડ લોકસભા બેઠક પણ એસટી અનામત છે અને તેના હેઠળ ગ્રામીણ વિસ્તારો પણ વધુ આવે છે. આવી પરિસ્થિતિમાં યુવાન ચહેરો હોવાથી અનંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળાય તેની શક્યતા વધુ હતી.”
નિવેદનોને કારણે વિવાદમાં પણ રહ્યા

ઇમેજ સ્રોત, Anant Patel MLA/FB
અનંત પટેલ અને પૂર્વ મંત્રી નરેશ પટેલ વચ્ચે અવારનવાર વિવાદો થતા રહે છે. આવી જ એક ચૂંટણીસભામાં અનંત પટેલે કથિતપણે નરેશ પટેલના માતાનું નામ લીધું હતું અને તેમની ‘નરેશ મોગરી’ તથા ‘નારંગી ગેંગના સભ્ય’ કહેતા મોટો વિવાદ થયો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે જ્યારે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમણે વાંસદાના નાયબ મામલતદાર પીયૂષ પટેલને કથિતપણે ‘સરકારી દલાલ’ કહેતા વિવાદ થયો હતો. ત્યાર બાદ નાયબ મામલતદારે કલેક્ટરને તેના વિરુદ્ધમાં આવેદન પણ આપ્યું હતું.
એ સિવાય સુરતના મહુવામાં પણ અનંત પટેલે ભાજપ ધારાસભ્યો મોહન ઢોડિયા વિશે મંચ પરથી ટિપ્પણી કરતા તેમના સમર્થકોએ ઘેરાવો કર્યો હતો અને મોટો વિવાદ થયો હતો.












