બનાસકાંઠા : કૉંગ્રેસે ધારાસભ્ય ગેનીબહેનને લોકસભા ચૂંટણીની ટિકિટ કેમ આપવી પડી?

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Geniben Thakor/ FB

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેતાં હવે લોકસભાની ચૂંટણીનું ગણિત ધીમેધીમે સ્પષ્ટ થતું જાય છે.

ભાજપે 15, કૉંગ્રેસે સાત તો આમ આદમી પાર્ટીએ પોતાને ફાળે આવેલી બંને બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ડૉ. રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતાં. હવે, કૉંગ્રેસે પોતાના વાવ બેઠકનાં ધારાસભ્ય અને 'ફાયરબ્રાન્ડ' નેતા તરીકેની છાપ ધરાવતાં ગેનીબહેન ઠાકોરને ઉતારતાં રસપ્રદ ચૂંટણીજંગ ખેલાશે એવું પ્રતીત થાય છે.

બે ટર્મથી ધારાસભ્ય રહેલાં ગેનીબહેન ઠાકોર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડવાં જઈ રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસોથી તેમને કૉંગ્રેસ બનાસકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી વાત ચર્ચાઈ રહી હતી અને આખરે તેમના નામનું એલાન થયું હતું.

જોકે, નામનું એલાન થાય એ પહેલાં જ તેમણે પ્રચાર શરૂ કરી દીધો હતો અને તેઓ તેમનાં ભાષણોમાં 'બનાસનાં બહેન ગેનીબહેન'નો નારો આપતાં જોવા મળ્યાં હતાં.

એક જગ્યાએ તેમણે સભા સંબોધતાં કહ્યું હતું કે, "સોશિયલ મીડિયામાં લોકોએ બનાસની બહેન ગેનીબહેનનું સૂત્ર આપ્યું છે ત્યારે આપણી પરંપરા પ્રમાણે હવે અઢારે કોમના લોકો સાથે મળીને મામેરું કરશે અને તેમની આ બહેનને જિતાડશે. વાવ વિધાનસભાના લોકોએ મારું બે વાર મામેરું ભર્યું છે હવે આખા બનાસકાંઠા જિલ્લાને હવે આ તક મળી છે. મને વિશ્વાસ છે કે હું આ મામેરાંની હકદાર છું અને લોકો આ ગરીબ પરિવારની દીકરીને દિલ્હી દરબારમાં મોકલશે."

પરંતુ 'સામાન્ય પરિવારમાંથી આવતાં' ગેનીબહેન ઠાકોરનું કદ કેવી રીતે વધ્યું અને તેમણે કઈ રીતે રાજકારણમાં તેમની મજબૂત ઓળખ ઊભી કરી? કેમ તેઓ આટલાં 'લોકપ્રિય' છે?

2022માં ભાજપના ઝંઝાવાતમાં જીત પછી કદ વધ્યું

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Geniben thakor MLA/FB

ઇમેજ કૅપ્શન, ગેનીબહેન ઠાકોર

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસે 1985માં બનાવેલ 149 બેઠકોનો રેકૉર્ડ તોડીને 156 બેઠકો જીતી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે કૉંગ્રેસે તેના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠકો પર જ જીત મેળવી હતી.

ગુજરાત કૉંગ્રેસના અનેક ધારાસભ્યો સહિત મોટાં નામ આ ચૂંટણીમાં જીત મેળવી શક્યાં ન હતાં. તેમ છતાં કૉંગ્રેસના એવા પણ કેટલાક ધારાસભ્યો છે, જેમની બેઠકો પર ‘કમળ ખીલી શક્યું નહોતું.’

આવી જ એક બેઠક હતી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક.

વાવ વિધાનસભા બેઠક પર ગુજરાત કૉંગ્રેસનાં નેતા અને ઠાકોર સમાજનાં આગેવાન ગેનીબહેન ઠાકોરે 15,601 મતોથી જીત મેળવીને પોતાની બેઠક જાળવી રાખી હતી.

તેમને મળેલી આ જીત પછી તેમના મતવિસ્તારના યુવાનોના વૉટ્સઍપ સ્ટેટસ પર તેમને ‘ઝાંસીનાં રાણી’ તરીકે રજૂ કરાયાં હતાં.

‘પ્રો-ઇન્કમ્બન્સી મતદાનની લહેરમાં’ પણ ટકી રહેલ કૉંગ્રેસનાં ગણતરીના ધારાસભ્યો પૈકી એક એવા ગેનીબહેન સામે એ ચૂંટણીમાં અનેક પડકારો હતા.

પરંતુ તેમણે તેમની વ્યૂહરચનાના દમ પર જીત મેળવી હતી. તેમને 45 ટકાથી પણ વધુ મતો મળ્યા હતા.

એ પહેલાં તેમણે 2017માં પણ આ બેઠક જીતીને બતાવી હતી. 2022માં ભાજપના આ ઝંઝાવાતમાં ન માત્ર તેમણે જીત મેળવી હતી પરંતુ તેમણે પોતાનું જીતનું માર્જિન પણ વધારીને બતાવ્યું હતું.

અનેક પડકારોને પાર કરીને જીત મેળવી હતી

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Geniben Thakor MLA/FB

રાજકીય વિશ્લેષક ફકીર મોહમ્મદ જણાવે છે કે એ વખતે ગેનીબહેનની ‘લોકપ્રિયતા’ને જોતાં તેમની હાર સુનિશ્ચિત કરવા ભાજપે 2022માં તેમના જ સમાજના ઉમેદવારને ઉતાર્યા હતા, જેથી સમાજના વોટ તૂટી શકે. પરંતુ ‘આ દાવ ન ફળ્યો.’

તેઓ કહે છે કે, "ભાજપે 2022માં ગેનીબહેન સામે તેમના જ સમાજના ગર્ભશ્રીમંત ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા હતા, સામે પક્ષે અપક્ષ તરીકે બ્રાહ્મણ અમીરાબાઈ અશલ પણ મેદાને હતા. પરંતુ આ બંને પરિબળો સાથે મળીને પણ તેમને હરાવી નથી શક્યાં."

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો વાવ બેઠક પર જીતનારાં કૉંગ્રેસનાં ગેનીબહેનને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના તેમના પ્રતિદ્વંદ્વી સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા. તેમજ ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર અમીરાબાઈ અશલ હતા.

નોંધનીય છે કે વર્ષ 2017માં પણ ગેનીબહેન ઠાકોરે વાવ બેઠક પરથી ભાજપના ‘મોટા નેતા’ અને તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને હરાવ્યા હતા.

26 વર્ષથી રાજકારણમાં સક્રિય

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Geniben Thakor MLA/FB

‘મર્યાદિત સંસાધનોવાળા એક સામાન્ય ખેડૂત પરિવાર’નાં 48 વર્ષીય ગેનીબહેન પાછલાં ‘26 વર્ષથી સક્રિય રાજકારણમાં’ છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે તેમણે ઍક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પૉલિટિકલ સાયન્સમાં એડમિશન લીધું હતું પરંતુ તેમણે પહેલા વર્ષે જ એ કોર્ષ છોડી દીધો હતો.

તેઓ કૉંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે નિમાયાં હતાં અને 2012માં પહેલીવાર તેમને વાવ વિધાનસભા બેઠકથી ટિકિટ મળી હતી. પહેલી જ ચૂંટણીમાં તેમણે ભાજપના મોટા નેતા શંકર ચૌધરીને હંફાવ્યા હતા. ગેનીબહેન એ ચૂંટણીમાં માત્ર 11 હજાર મતે હાર્યાં હતાં.

તેમના રાજકારણ અને તેમના વ્યક્તિત્ત્વ અંગે વિગતવાર માહિતી આપતાં સ્થાનિક પત્રકાર કલ્પેશ ઠાકોર જણાવે છે કે, "અન્ય નેતાઓથી વિપરીત ગેનીબહેન એક સામાન્ય પરિવારનાં છે. તેમની પાસે ઝાઝા પૈસા નથી. તેમ છતાં માત્ર લોકપ્રિયતાના દમે તેઓ વિરોધીઓને હંફાવી દે છે."

તેઓ ગેનીબહેનના રાજકારણ અંગે માહિતી આપતાં આગળ જણાવે છે કે, "વર્ષ 2007થી 2022 સુધીની વિધાનસભાની ચૂંટણીમાં સતત તેઓ કૉંગ્રેસમાંથી ટિકિટ મેળવતાં આવી રહ્યાં છે. તેમની લોકચાહનાના બળે તેઓ ન માત્ર ટિકિટ મેળવવામાં સફળ રહ્યાં. પરંતુ સતત બે ટર્મથી વાવની જનતાનું પ્રતિનિધિત્વ પણ કરે છે."

શું છે લોકપ્રિયતાનાં કારણો?

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Geniben Thakor MLA/FB

ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર ફકીર મોહમ્મદ ગેનીબહેનના રાજકારણનું પાછલા ઘણા સમયથી નિકટથી અવલોકન કરતા આવ્યા છે.

તેઓ કહે છે કે, "તેમનું લોકસંપર્ક અને તેમના મતવિસ્તારમાં લોકો માટે કામ કરવાની તત્પરતાને કારણે તેઓ સતત બીજી વખત ચૂંટાઈ આવ્યાં છે. અને 2022માં તો ભાજપનો ઝંઝાવાત પણ તેમને રોકી નથી શક્યો."

ફકીર મોહમ્મદ ગેનીબહેને તેમના મતવિસ્તારમાં કરેલ કામનાં વખાણ કરતાં કહે છે કે, "તેઓ દરરોજ અચૂકપણે પોતાના મતવિસ્તારમાં સેંકડો કિલોમીટર સુધી પ્રવાસ કરનાર ધારાસભ્ય છે. લોકો સુધી પહોંચવા તેઓ ગામેગામ દરરોજ ફરે છે."

"આવું ઘણા ઓછા ઉમેદવારો કરી શકે છે. માત્ર ઠાકોર સમાજ જ નહીં પરંતુ બીજા બધા સમાજોના શુભ-અશુભ પ્રસંગોમાં તેઓ અચૂક ભાગ લે છે. લોકોનાં સુખ-દુ:ખમાં ભાગીદાર બને છે. જમીન સાથે જોડાયેલાં નેતા છે."

તેઓ ગેનીબહેનના કામ વિશે આગળ વાત કરતાં કહે છે કે, "તેઓ કર્મઠ અને ઝઝૂમનારાં નેતા છે. અનેક પ્રલોભનો છતાં પણ તેમણે ક્યારેય કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનું વિચાર્યું નથી."

નિવેદનોને કારણે વિવાદમાં પણ રહ્યાં

ગેનીબહેન ઠાકોર કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Geniben Thakor/FB

બનાસકાંઠા જિલ્લામાં ‘કૉંગ્રેસની સફળતાની મિસાલ’ એવાં ગેનીબહેન પોતાનાં નિવેદનોથી ઘણી વાર વિવાદોમાં પણ સપડાતાં રહ્યાં છે.

તેમના પર ઘણી વાર જાહેર નિવેદન આપતી વખતે ‘અપશબ્દો’ અને ‘વાંધાજનક ભાષાનો’ પ્રયોગ કરવાના આરોપો લાગતા રહ્યા છે.

પછી ભલે તે ‘બળાત્કારના આરોપીઓને સરાજાહેર આગ ચાંપવાની’ વાત હોય કે પછી ‘ભાજપના નેતાઓની હત્યા’ની વાત, ગેનીબહેન કોઈ ને કોઈ નિવેદનને લઈને વિવાદમાં સપડાતાં રહ્યાં છે.

2019માં તેમણે ઠાકોર સમાજની અપરિણિત દીકરીઓ માટે મોબાઈલના ઉપયોગને પ્રતિબંધિત કરવાની માંગણીનું પણ સમર્થન કર્યું હતું.

એ સમયે તેમણે કહ્યું હતું કે, "દીકરીઓએ વધુ ધ્યાન મોબાઈલ કરતાં ભણવામાં આપવું જોઈએ."

રેડ લાઇન
રેડ લાઇન