મર્ચન્ટ નેવીમાં કઈ રીતે જઈ શકાય, કયો અભ્યાસ કરવો પડે અને સૅલરી કેટલી છે?

મર્ચન્ટ નેવી, ઇન્ડિયન આર્મી, આર્મીમાં નોકરી, બીબીસી ગુજરાતી, ભારત, ભારતીય જવાન, રોજગારી, નોકરી

ઇમેજ સ્રોત, IMU

ઇમેજ કૅપ્શન, ભારતમાં લગભગ 200 મૅરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ્સ છે (સાંકેતિક તસવીર)
    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

સમુદ્ર માત્ર ફરવાની જગ્યા નથી, પરંતુ દુનિયાના વ્યવસાયનો આધાર પણ ગણાય છે. તેના માર્ગે જ દુનિયાના ઘણા દેશોનો મોટા ભાગનો વ્યવસાય થાય છે.

ભારતમાં જ 12 મોટાં અને 200 નાનાં બંદરો છે, જ્યાંથી દરરોજ લાખો-કરોડો રૂપિયાનો સામાન આવે-જાય છે.

અને આ જ સેક્ટરની એક એવી નોકરી છે, જે ઘણા નવયુવાનોને પોતાની તરફ આકર્ષે છે –મર્ચન્ટ નેવી.

દુનિયાભરમાં જેટલા પણ મર્ચન્ટ મરીનર્સ છે, તેમાંના 7 ટકા ભારતીય છે.

સંભાવના છે કે આગામી સમયમાં શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વધુ પ્રગતિ જોવા મળશે. ભારત સરકારે વર્ષ 2047 સુધી મૅરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં 1.5 કરોડથી વધારે રોજગારી ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

પાછા ફરીએ મર્ચન્ટ નેવી તરફ. હાઈ સૅલરી, દુનિયાના ઘણા દેશો ફરવાની તક અને નાની ઉંમરે મોટી જવાબદારી – આ બધું આ કરિયરને આકર્ષક તો બનાવે છે, પરંતુ તેમાં પડકારો પણ ઓછા નથી.

કૅરિયર કનેક્ટની આજની કડીમાં સમજીશું કે મર્ચન્ટ નેવી શું છે, તેમાં જવાનો રસ્તો કયો છે, તે કયા લોકો માટે યોગ્ય વિકલ્પ બની શકે છે અને એવા કયા પડકારો છે જેનો આમાં સામનો કરવો પડે છે.

મર્ચન્ટ નેવી શું હોય છે?

મર્ચન્ટ નેવી, ઇન્ડિયન આર્મી, આર્મીમાં નોકરી, બીબીસી ગુજરાતી, ભારત, ભારતીય જવાન, રોજગારી, નોકરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મર્ચન્ટ નેવીની દેખરેખ ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગના હસ્તક હોય છે

ઘણા નવયુવાનો એવી અવઢવમાં જોવા મળે છે કે ઇન્ડિયન નેવી જૉઈન કરવી જોઈએ કે પછી મર્ચન્ટ નેવી? આ બંને રસ્તા સમુદ્ર સુધી જાય છે, પરંતુ બંનેના હેતુ એકબીજા કરતાં બિલકુલ જુદા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તો સૌથી પહેલાં આ બંને વચ્ચેનો તફાવત સમજી લઈએ.

અકૅડમી ઑફ મૅરીટાઇમ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગના પ્લેસમેન્ટ ડાયરેક્ટર કૅપ્ટન ચંદ્રશેખર કહે છે, "મર્ચન્ટ નેવી એ શિપિંગ સર્વિસ છે, જે સમુદ્રના માર્ગે માલ લઈ જતાં કમર્શિયલ જહાજો સાથે જોડાયેલી છે. તે એક કૉસ્ટ સેન્ટર છે, જે કાં તો નફો કમાય છે કે પછી નુકસાન સહન કરે છે. જ્યારે નેવી એટલે કે નૌસેના મુખ્યત્વે રક્ષણ માટે હોય છે. તે ભૂમિદળ અને વાયુદળની જેમ ભારતીય સેનાની એક શાખા છે.

મર્ચન્ટ નેવી ડિકોડડ નામની એડુટેક કંપની ચલાવતા પ્રણીત મહેતા પોતે પણ એક શિપ પર ચીફ એન્જિનિયરના પદ પર કામ કરી ચૂક્યા છે. તેઓ કહે છે, "નેવી સુધી જવાનો માર્ગ જ અલગ છે. તેના માટે અલગ પરીક્ષા હોય છે. નૅશનલ ડિફેન્સ અકૅડમી જવાનું હોય છે. ત્યાં 3 વર્ષની આકરી ટ્રેનિંગમાંથી પસાર થવાનું હોય છે. મર્ચન્ટ નેવી પ્રાઇવેટ સેક્ટર છે, જ્યારે નેવી સંપૂર્ણપણે સરકારી અને દેશસેવા માટે. બંનેનાં પગારધોરણમાં પણ ઘણો તફાવત છે."

મર્ચન્ટ નેવીની દેખરેખ ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ (ડીજી શિપિંગ)ના હસ્તક હોય છે અને તેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે. તો, તેમાં એન્ટ્રી કઈ રીતે મળે છે?

  • નેવિગેશન ડિપાર્ટમેન્ટ કે ડેક ડિપાર્ટમેન્ટ: નૉટિકલ સાયન્સમાં ડિપ્લોમા કે પછી બીએસસી ઇન નૉટિકલ સાયન્સ દ્વારા આ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી મળી શકે છે. તેમનું કામ જહાજને સુરક્ષિત માર્ગેથી લઈ જવાનું, સમુદ્રની પરિસ્થિતિઓને સમજવાનું છે. તેમાં ડેક કૅડેટ, થર્ડ ઑફિસર, સેકન્ડ ઑફિસર અને કૅપ્ટન જેવાં પદ હોય છે.
  • એન્જિન ડિપાર્ટમેન્ટ (મરીન એન્જિનિયરિંગ): નેવિગેશન ડિપાર્ટમેન્ટની જેમ જ એક બીજા એન્જિનિયર હોય છે, જેમની જવાબદારીમાં જહાજનું એન્જિન, મશીન અને ટેક્‌નિકલ ઉપકરણ હોય છે. આ પદ મેળવવા માટે મરીન એન્જિનિયરિંગમાં બીટેક્ કે પછી ડિપ્લોમા જરૂરી છે. બીટેક્ ઇન મરીન એન્જિનિયરિંગમાં ઇન્ડિયન મૅરીટાઇમ યુનિવર્સિટી કૉમન ઍન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા એડ્‌મિશન મળે છે. તેના ઉપરાંત 1 વર્ષના સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ ગ્રેજ્યુએટ મરીન એન્જિનિયરિંગ (જીએમઇ) દ્વારા પણ આ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી મળી શકે છે. ત્યાર પછી પહેલું જૉઇનિંગ જૂનિયર એન્જિનિયરના પદ પર થાય છે, પછી ફોર્થ એન્જિનિયર, થર્ડ એન્જિનિયર, સેકન્ડ એન્જિનિયર અને ચીફ એન્જિનિયર પદ સુધી પહોંચે છે.
  • ઇલેક્ટ્રૉ-ટેક્‌નિકલ ઑફિસર (ઇટીઓ): ઇટીઓ મર્ચન્ટ, જહાજના એન્જિન ડિપાર્ટમેન્ટના એવા લાઇસન્સ્ડ મેમ્બર હોય છે, જેમની જવાબદારી સેન્સર અને અલાર્મ સિસ્ટમની દેખરેખ રાખવાની હોય છે. તેના માટે જરૂરી છે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રૉનિક્સ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા ડિપાર્ટમેન્ટ્સમાં બીઇ કે બીટેક્. સાથે જ ડીજી‌ શિપિંગ અપ્રૂવ્ડ ઇટીઓ કોર્સ પણ.
  • જીપી રેટિંગ (સપોર્ટ ક્રૂ): આ ડિપાર્ટમેન્ટમાં કોઈ ઑફિસર પોઝિશન નથી હોતી, પરંતુ તે ક્રૂ અને જહાજની દેખરેખની દૃષ્ટિએ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તે માટે દસમું પાસ હોવું જરૂરી છે અને ઉંમર સાડા સત્તરથી પચીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ. દસમા કે બારમા પછી 6 મહિનાનો જીપી રેટિંગ કોર્સ હોય છે, જેના દ્વારા નોકરી મેળવી શકાય છે.

મર્ચન્ટ નેવી કયા લોકો માટે છે?

મર્ચન્ટ નેવી, ઇન્ડિયન આર્મી, આર્મીમાં નોકરી, બીબીસી ગુજરાતી, ભારત, ભારતીય જવાન, રોજગારી, નોકરી

ઇમેજ સ્રોત, @IMU_HQ

ઇમેજ કૅપ્શન, મર્ચન્ટ નેવીમાં ઘણા પ્રકારની નોકરીઓનો વિકલ્પ હોય છે (સાંકેતિક તસવીર)

પ્રતીક તિવારી અત્યારે એક કંપનીમાં સીનિયર ચાર્ટરિંગ (શિપિંગ) મૅનેજર છે. વર્ષ 2006માં જ્યારે તેમણે બારમું ધોરણ પાસ કર્યું, ત્યારે બીજા ઘણા સ્ટુડન્ટ્સની જેમ તેમને પણ ખબર નહોતી કે આગળ કયો માર્ગ અપનાવવો જોઈએ.

તેમણે જણાવ્યું, "મારા ઘરના લોકો ઇચ્છતા હતા કે હું આઇટી કે કમ્પ્યૂટર સાયન્સમાં કૅરિયર બનાવું. પરંતુ મારે કંઈક જુદું કરવું હતું અને તે સમયે મર્ચન્ટ નેવી વિશે વધુ માહિતી નહોતી, કોઈ ગાઇડન્સ પણ નહોતું, તેથી નિર્ણય કરવો મુશ્કેલ હતો. પરંતુ મેં મરીન એન્જિનિયરિંગ કરવાનો નિર્ણય કર્યો અને પછી 4 વર્ષના કોર્સ પછી મરીન એન્જિનિયર તરીકેની મારી સફર શરૂ થઈ."

પ્રતીક જણાવે છે કે આ સફર સરળ નહોતી. તેઓ કહે છે કે મર્ચન્ટ નેવી એવા લોકો માટે છે, જેઓ:

  • એન્જિનિયરિંગ, મશીનરી, સિસ્ટમ, નેવિગેશન જેવી તકનીકોમાં રુચિ ધરાવતા હોય
  • જેઓ લાંબા લાંબા સમય સુધી ઘરથી દૂર રહી શકે
  • જેઓ ખૂબ જ શિસ્તના વાતાવરણમાં, જવાબદારીપૂર્વક કામ કરી શકે
  • જેઓ શારીરિક અને માનસિક, બંને રીતે ફિટ હોય
  • જેમને ફરવાનો શોખ હોય અને દેશ-વિદેશમાં એક્સપોઝરની ઇચ્છા હોય

પ્રણીત મહેતા કહે છે કે મર્ચન્ટ નેવી પોતાની સાથે ઘણા પડકારો પણ લાવે છે. જેમ કે, 6 મહિના તમારે સમુદ્રમાં વિતાવવાના હોય છે. આટલા લાંબા સમય સુધી કોઈએ પોતાનાં ઘર-પરિવારથી દૂર રહેવું પડે છે. એકલતા અનુભવાય છે અને તે દરમિયાન માનસિક દબાણ પણ ઘણું હોય છે. આ એક એવો વ્યવસાય છે, જેમાં તમારે દરેક સમયે તન-મન બંનેથી હાજર રહેવું પડે છે અને કડક શિસ્તમાં રહેવું પડે છે.

પરંતુ તેમનું એમ પણ કહેવું છે કે, "આજકાલ નોકરીઓ ઓછી થતી જાય છે. મોટા ભાગના લોકો એવા ફીલ્ડમાં જાય છે, જ્યાં હરિફાઈ ઘણી છે. તેનાથી જુદું, વૈશ્વિક વેપાર અને સપ્લાયમાં સતત વધારાની સાથે આગામી 10 વર્ષમાં મર્ચન્ટ નેવી ઇન્ડસ્ટ્રીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. મર્ચન્ટ નેવી કોર્સ પસંદ કરવા માટે સૌથી યોગ્ય સમય આ જ છે. કેમ કે, તેમાં કમ્પિટિશન (હરિફાઈ) ઓછી અને પગાર સારો હોય છે. સાથે જ, ઑફિસરનો યુનિફૉર્મ પહેરવાની તક પણ મળે છે."

મર્ચન્ટ નેવીના કયા કયા કોર્સ છે?

મર્ચન્ટ નેવી, ઇન્ડિયન આર્મી, આર્મીમાં નોકરી, બીબીસી ગુજરાતી, ભારત, ભારતીય જવાન, રોજગારી, નોકરી

ઇમેજ સ્રોત, @IMU_HQ

ઇમેજ કૅપ્શન, ભારતમાં મર્ચન્ટ નેવીના અભ્યાસ માટે ઇન્ડિયન મૅરીટાઇમ યુનિવર્સિટી (આઇએમયુ) છે

ડિપ્લોમા ઇન નૉટિકલ સાયન્સ (ડીએનએસ): ડેક ડિપાર્ટમેન્ટમાં જવા માટે 1 વર્ષનો કોર્સ, બારમા ધોરણ પછી કરી શકાય છે.

બીએસસી ઇન નૉટિકલ સાયન્સ: ડેક ડિપાર્ટમેન્ટમાં જવા માટે 3 વર્ષનો કોર્સ

બીટેક્ મરીન એન્જિનિયરિંગ: એન્જિન ડિપાર્ટમેન્ટમાં જવા માટે 4 વર્ષનો કોર્સ

ગ્રેજ્યુએટ મરીન એન્જિનિયરિંગ (જીએમઇ): જો બારમા ધોરણ પછી બીટેક્ મિકેનિકલમાં કર્યું હોય, તો પછી 8-12 મહિનાનો આ કોર્સ કરીને એન્જિન ડિપાર્ટમેન્ટ જૉઇન કરી શકાય છે.

ઇલેક્ટ્રૉ-ટેક્‌નિકલ ઑફિસર (ઇટીઓ): જો બારમા ધોરણ પછી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રૉનિક્સ કમ્યુનિકેશનમાં બીટેક્ કે ડિપ્લોમા કર્યું હોય, તો 4 મહિનાનો આ કોર્સ કરીને એન્જિન ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો.

જીપી રેટિંગ: 6 મહિનાનો કોર્સ હોય છે, જે ડેક અને એન્જિન ડિપાર્ટમેન્ટ, બંનેમાં જવા માટે કરી શકાય છે.

મર્ચન્ટ નેવીમાં કોણ જઈ શકે છે?

મર્ચન્ટ નેવી, ઇન્ડિયન આર્મી, આર્મીમાં નોકરી, બીબીસી ગુજરાતી, ભારત, ભારતીય જવાન, રોજગારી, નોકરી

ઇમેજ સ્રોત, @IMU_HQ

ઇમેજ કૅપ્શન, મર્ચન્ટ નેવીમાં પગાર પણ સન્માનજનક હોય છે અને ગ્રોથની તકો પણ હોય છે

બારમા ધોરણમાં જેમની પાસે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મૅથ્સમાં 60 ટકા છે અને ઇંગ્લિશમાં ઓછામાં ઓછા 50 ટકા છે, તેમના માટે મર્ચન્ટ નેવીમાં જવું સરળ છે. સાથે જ વિઝન પણ 6/6 હોવું જરૂરી છે.

પરંતુ, જો કોઈ કૉમર્સ કે આર્ટ્સમાં ભણ્યા છે, તો પછી તેમના માટે પીસીએમ સાથે ફરીથી અગિયારમું અને બારમું ભણવું જરૂરી છે, અથવા તો પછી એક વિકલ્પ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (એનઆઇઓએસ)માં અગિયારમું અને બારમું કરવાનો પણ છે.

ભારતમાં મર્ચન્ટ નેવીના અભ્યાસ માટે ઇન્ડિયન મૅરીટાઇમ યુનિવર્સિટી એટલે કે (આઇએમયુ) છે. આ યુનિવર્સિટી સામાન્ય રીતે દર વર્ષે મેમાં એક એન્ટ્રન્સ ટેસ્ટ કરાવે છે, જેને આઇએમયુ-સીઇટી કહેવામાં આવે છે. તેમાં સારો સ્કોર લાવનાર વિદ્યાર્થી 3 વર્ષના બીએસસી ઇન નૉટિકલ સાયન્સ કે પછી 4 વર્ષના બીટેક્ ઇન મરીન એન્જિનિયરિંગ કોર્સમાં એડ્‌મિશન મેળવે છે.

તેની સાથે જોડાયેલા રજિસ્ટ્રેશન ક્યારે થશે, પરીક્ષા ક્યારે છે જેવા સવાલ મનમાં હોય તો તેના જવાબ આઇએમયુની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

જો પીસીએમની સાથે અગિયારમું અને બારમું નથી કર્યું, તો પછી જેપી રેટિંગ દ્વારા પણ મર્ચન્ટ નેવીમાં એન્ટ્રી મેળવી શકો છો. પરંતુ આ કોર્સ કર્યા પછી ઑફિસર નથી બની શકાતું.

આ બધા કોર્સ માટે ઓછામાં ઓછી વય 17 વર્ષ કે વધુમાં વધુ 25 વર્ષ હોઈ શકે છે.

ગ્રોથ અને સૅલરી કેટલાં હોય છે?

જાણકારો કહે છે કે નાની ઉંમરે લાખોનો પગાર આપનાર પ્રોફેશન મર્ચન્ટ નેવી છે. તેમાં હરિફાઈ પણ ઓછી છે. ગયા વર્ષે લગભગ 40 હજાર સ્ટુડન્ટ્સે આઇએમયુ-સીઇટી એક્ઝામ આપી હતી, જ્યારે એન્જિનિયરિંગ, મેડિકલ જેવી બીજી ઍન્ટ્રન્સ ઍક્ઝામ માટે આ સંખ્યા લાખોમાં હોય છે.

કૅપ્ટન ચંદ્રશેખરે જણાવ્યું કે કોઈ કૅડેટ માટે શરૂઆતની સૅલરી 30 હજાર પ્રતિ માસની આસપાસથી શરૂ થાય છે. જો કોઈ 4 વર્ષના કોર્સ પછી ઑફિસર બને, તો પછી તે દર મહિને 45થી 90 હજારની વચ્ચે પણ હોઈ શકે છે.

મર્ચન્ટ નેવીમાં જો કોઈને થર્ડથી સેકન્ડ ઑફિસર બનવું હોય, તો તેના માટે ડીજી શિપિંગ દ્વારા લેવાતી પાત્રતા પરીક્ષા ક્લિયર કરવી પડે છે. તેને સર્ટિફિકેટ ઑફ કૉમ્પિટેન્સી એટલે કે સીઓસી કહે છે. જોકે, તે પ્રમોશનની ગેરંટી નથી, પરંતુ પ્રમોશન મેળવવા માટે જરૂરી છે.

પ્રતીક જણાવે છે કે ચીફ એન્જિનિયર અને કૅપ્ટન લેવલ માટેની માસિક સૅલરી 8થી 15 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, આ એ વાત પર નિર્ભર છે કે સંબંધિત વ્યક્તિનો અનુભવ કેટલો છે અને તેઓ જહાજ પર કઈ રીતે કામ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, તેલ ટૅન્કરવાળાં જહાજો પર બલ્ક કૅરિયર શિપ કરતાં વધુ વેતન મળે છે.

અભ્યાસ ક્યાંથી કરવો?

એવું નથી કે ભારતની કોઈ પણ કૉલેજ કે યુનિવર્સિટીમાં મરીન કોર્સ ભણાવાય છે. પરંતુ તેના માટે કેટલીક ખાસ સંસ્થા છે જે ઇન્ડિયન મૅરીટાઇમ યુનિવર્સિટી (આઇએમયુ) અંતર્ગત આવે છે કે પછી જેમને ડીજી શિપિંગ પાસેથી માન્યતા મળી હોય છે.

ભારતમાં લગભગ 200 મૅરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ્સ છે.

આઇએમયુ એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે, જેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે; તદ્ ઉપરાંત, ચેન્નઈ, મુંબઈ, વિશાખાપટ્ટનમ્ અને કોચ્ચિમાં તેનાં કૅમ્પસ છે.

અહીં બીટેક્ ઇન મરીન એન્જિનિયરિંગ, બીએસસી ઇન નૉટિકલ સાયન્સ, જીએમઇ ડિપ્લોમા, ઇટીઓ કોર્સ, મૅરીટાઇમ મૅનેજમેન્ટના પીજી કોર્સ કરી શકો છો.

આની સાથે જ ચેન્નઈની અકૅડમી ઑફ મૅરીટાઇમ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ (એએમઇટી) અને ટોલાની મૅરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ (ટીએમઆઇ) પુણેમાંથી પણ મરીન કોર્સ કરી શકાય છે.

જોકે, જો કોઈને જીપી રેટિંગ, સપોર્ટ ક્રૂ કે પ્રી-સી ટ્રેનિંગ જેવા કોર્સ કરવા હોય તો પછી તેના માટે કેટલીક સારી સંસ્થાઓ છે, જેમ કે:

- ઍંગ્લો ઈસ્ટર્ન મૅરીટાઇમ અકૅડમી (કોચ્ચિ)

- સાઉથ ઇન્ડિયા મૅરીટાઇમ અકૅડમી (ચેન્નઈ)

- લૉયોલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મરીન એન્જિનિયરિંગ ઍન્ડ ટ્રેનિંગ સ્ટડીઝ (ચેન્નઈ)

- ઇન્ટરનૅશનલ મૅરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ (નોઈડા)

- સાયન્ટિફિક મરીન ઍન્ડ એન્જિનિયરિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (કોલકાતા)

ફીની વાત કરીએ તો, આઇએમયુના કૅમ્પસમાં બીટેક્ મરીન એન્જિનિયરિંગ અને બીએસસી નૉટિકલ સાયન્સની વાર્ષિક ફી લગભગ 2.25થી 2.5 લાખ રૂપિયાની આસપાસ છે. જે માન્યતાપ્રાપ્ત પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં અલગ અલગ પણ હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન