આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા કે એક લાખનો પગાર મેળવવા કઈ પરીક્ષા આપવી પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
દર વર્ષે હજારો ઉમેદવારો યુજીસી નેટ પરીક્ષા દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા અને જોઈન્ટ રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) માટે ક્વૉલિફાય કરે છે.
ઉત્તર પ્રદેશના યોગેન્દ્ર પણ આવા એક ઉમેદવાર છે જેઓ દિલ્હીની જેએનયુમાં પીએચડીનો અભ્યાસ કરે છે. ૨૦૨૩ના જૂનમાં તેમણે બીજા પ્રયાસમાં યુજીસી નેટની પરીક્ષા પાસ કરી અને જેઆરએફ માટે ક્વૉલિફાય થયા.
તેઓ કહે છે, "હાલમાં બધું ધ્યાન પીએચડી પર છે. આગળ પણ એકેડેમિક્સ સાથે જોડાયેલા રહેવાનો ઈરાદો છે. પરંતુ કોઈ પ્રાઇવેટ અથવા મલ્ટિનૅશનલ કંપનીમાં તક મળે તો તેને જવા નહીં દઉં."
યુજીસી-નેટ પાસ કર્યા પછી પણ જેમને પીએચડીમાં પ્રવેશ ન મળે અથવા આસિસ્ટન્ટ પ્રોફેસરનું પદ ન મળે, તેમણે કોઈ કૉલેજમાં ભરતીની રાહ જોવી પડે છે, અથવા તો વધુ સારા સ્કોર માટે બીજી વખત પરીક્ષા આપે છે.
આજે આપણે જાણીશું કે યુજીસી-નેટ ક્લિયર કર્યા પછી કારકિર્દીમાં કેવા કેવા વિકલ્પો હોય છે.
યુજીસી નેટ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુજીસી-નેટ એ રાષ્ટ્રીય સ્તરની એલિજિબિલિટી ટેસ્ટ છે. તેને પાસ કરીને દેશભરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ એટલે કે લેક્ચરરશિપ માટે લાયક બની શકાય છે. પરંતુ આ પરીક્ષા પાસ કરવી એ નોકરીની ગેરંટી નથી.
આ માત્ર એક પાત્રતા છે જે કોઈ પણ કૉલેજ અથવા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જૉબ માટે અરજી કરતી વખતે તમારી પાસે હોવી જરૂરી છે.
તેની ત્રણ કેટેગરી હોય છે. એક, જેઓ જેઆરએફ માટે સિલેક્ટ થાય છે. બીજું, જેઓ નેટ ક્લિયર કરે છે. હવે ત્રીજી કેટેગરી શરૂ થઈ છે જેમાં એવા સ્ટુડન્ટ્સ હોય છે જેઓ પીએચડી માટે ક્વૉલિફાય થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી વર્ષમાં બે વખત આ પરીક્ષા યોજે છે અને એક્ઝામ સીબીટી મોડ (કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) પર આધારિત છે.
આ પરીક્ષા આપવા માટે માસ્ટર્સમાં કમસે કમ 55 ટકા માર્ક હોવા જોઈએ. જોકે, અનામત વર્ગ અને મહિલાઓને પાંચ ટકાની રાહત મળે છે.
જેઆરએફ-એસઆરએફ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેઓ નેટ ક્લિયર કરે, તેમાંથી કટ-ઑફમાંથી ઉપરના કેટલાક ટકા ઉમેદવારોને જેઆરએફ (જુનિયર રિસર્ચ ફેલોશિપ) મળે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પ્રકાશક 'મેકગ્રૉ હિલ'ના લેખક સંજીવ જૂન કહે છે, "આ ફેલોશિપ બે વર્ષ માટે મળે છે. જે ઉમેદવારોનું પ્રદર્શન સારું હોય, તેમાંથી કેટલાકને એસઆરએફ માટે ભલામણ કરવામાં આવે છે."
જેઆરએફ માટે સરકાર તરફથી ઉમેદવારોને મહિને 37 હજારનું સ્ટાઇપેન્ડ મળે છે. આ ઉપરાંત મકાન ભથ્થું (એચઆરએ) પણ મળે છે. દર વર્ષે પુસ્તકો અથવા રિસર્ચને લગતી બીજી સામગ્રી માટે 10 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે.
એસઆરએફમાં સ્ટાઇપેન્ડની રકમ 42 હજાર હોય છે. આ ઉપરાંત એચઆરએ મળે છે અને દર વર્ષે મળતી ગ્રાન્ટ 20 હજાર રૂપિયા થઈ જાય છે.
પરીક્ષા માટે મહત્તમ વયની કોઈ મર્યાદા નથી. પરંતુ જેઆરએફ માટે અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર જે મહિનામાં તેઓ પરીક્ષા આપતા હોય, તેની પહેલી તારીખે 30 વર્ષથી વધુ હોવી ન જોઈએ.
એટલે કે ડિસેમ્બર 2025માં પરીક્ષા આપવાની હોય તો પહેલી ડિસેમ્બરે ઉંમર 30 વર્ષથી વધુ હોવી ન જોઈએ.
યુજીસી નેટ ક્વૉલિફાય કરવા માટે ઉમેદવારે બે પરીક્ષા આપવાની હોય છે. બંનેમાં કમસે કમ 40 ટકા માર્ક જરૂરી છે.
આ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બને છે. તેમાંથી ટોચના છ ટકા ઉમેદવારો નેટ ક્વૉલિફાય કરે છે. તેમાંથી જેમણે કમસે કમ 55 ગુણ પણ મળ્યા હોય, તેમને જેઆરએફ મળે છે. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર અને લઘુતમ ગુણમાં છૂટછાટ મળે છે.
જેઆરએફ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કટ-ઑફ એનટીએ દ્વારા નક્કી થાય છે અને વિષય મુજબ બદલાય છે. યુજીસી નેટની પરીક્ષા 83 અલગ અલગ વિષયોમાં લેવાય છે.
પરીક્ષા કઈ રીતે પાસ કરવી?

ઇમેજ સ્રોત, sanjibacharya.com
યુજીસી નેટનાં બે પેપર હોય છે. પ્રથમ જનરલ ટેસ્ટ હોય છે જે બધા માટે કૉમન હોય છે. બીજું સબ્જેક્ટ પેપર હોય છે.
મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા સબ્જેક્ટને પસંદ કરે છે જેમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય. જોકે, આ ફરજિયાત નથી. તમે સબ્જેક્ટને ચેન્જ પણ કરી શકો છો.
સંજીવ જૂને જણાવ્યું કે સફળતાનો ચાન્સ વધારવા માટે ઉમેદવારોએ કઈ વાતોનું ધ્યાન રાખવું. તેમણે કહ્યું, "પેપર વનને હળવાશમાં ન લો. તેને પણ સબ્જેક્ટ પેપર જેટલું મહત્ત્વ આપો. પેપર 1માં 50 પ્રશ્નો અને પેપર 2માં 100 પ્રશ્નો હોય છે. સાચા જવાબ માટે બે ગુણ મળે છે અને 300 માર્કમાંથી મેરિટ બને છે."
સબ્જેક્ટ પેપરમાં ત્રણ કેટેગરીમાં સવાલ હોય છે. પહેલી કેટેગરીમાં 50 ટકા સવાલો થોડા સરળ હોય છે. બીજી કેટેગરીમાં થોડા મુશ્કેલ સવાલો હોય છે અને છેલ્લા 20 ટકા સવાલ સૌથી મુશ્કેલ હોય છે. સરળ સવાલોના સૌથી પહેલાં જવાબ આપી દો.
પાછલાં કેટલાંક વર્ષોનાં પેપરથી પ્રેક્ટિસ કરો. યુજીસી-નેટમાં તો ઘણી વખત સવાલો રિપીટ થાય છે.
આમાં નેગેટિવ માર્કિંગ નથી હોતું તેથી કોઈ સવાલને છોડો નહીં, ભલે ખોટો હોય. જેથી આગળ જતાં યુજીસી કોઈ સવાલને ખોટો ગણીને તેનો જવાબ આપનારને ગુણ આપે, તો ફાયદો થાય.
નેટની પરીક્ષા પાસ કર્યા પછી શું?

ઇમેજ સ્રોત, Getty Images
સંજીવ જૂન કહે છે કે સૌથી પહેલો વિકલ્પ એ છે કે કોઈ યુનિવર્સિટી અથવા કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનો અને જેઆરએફ ક્વૉલિફાઈંગ કરનારાઓ પાસે તક હોય છે કે પોતે પસંદ કરેલા વિષયમાં તેઓ ઊંડાણપૂર્વક રિસર્ચ કરે.
જેઆરએફના ઉમેદવારોને મોટા રિસર્ચ પ્રોજેક્ટ, એકેડેમિક જર્નલ્સમાં સહયોગ આપવા અને ઘણી વખત આંતરરાષ્ટ્રીય રિસર્ચરો સાથે કામ કરવાની તક મળે છે.
કરિયર અવેરનેસ રિસોર્સિસ ઇન નીડ ઑફ ગાઇડન્સ (કેરિંગ)ના સ્થાપક અને લગભગ 20 વર્ષથી કરિયર કાઉન્સેલર તરીકે કામ કરતા પરવીન મલ્હોત્રા કેટલીક બીજી સલાહ આપે છે.
તેમનું કહેવું છે કે "જેઆરએફ ન મળે તો કોઈ રિસર્ચ સંગઠન જેમ કે, સીએસઆઈઆર, આઈસીએસએસઆરના ફન્ડેડ રિસર્ચ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકો, જેના માટે રિસર્ચ એસોસિયેટ્સની તલાશ હોય છે."
તેઓ કહે છે કે બીએચઈએલ, એનટીપીસી, આઈઓસી વગેરે પીએસયુમાં નેટ ક્લિયર કરનારાઓને પ્રાથમિકતા મળે છે.
પરવીન મલ્હોત્રાના કહેવા મુજબ આ હોદ્દા પર નોકરીનો આધાર વિભાગ પર રહેલો છે. લીગલ સેલમાં નોકરી હશે તો દેખીતી રીતે જ લૉ ભણનારાઓને પ્રાથમિકતા મળશે. પરંતુ આ હોદ્દા સારા હોય છે અને એક લાખ રૂપિયા સુધીનો પગાર પણ હોય છે.
બીજા વિકલ્પો કયા છે?
સિનિયર કરિયર કાઉન્સેલર ડૉક્ટર સંજીબ આચાર્ય કહે છે કે ભારતમાં એવી ઘણી સંસ્થાઓ અને થિન્ક ટેન્ક છે જેઓ અલગ અલગ રિસર્ચ સાથે સંકળાયેલી પોસ્ટ માટે યુજીસી-નેટ ક્વૉલિફાઈડ ઉમેદવારોની ભરતી કરે છે.
આ નોકરીઓ ઘણી વખત ડેટા કલેક્શન, એનાલિસિસ અને રિસર્ચ ફાઇન્ડિંગ્સના પ્રકાશન સાથે સંકળાયેલ હોય છે.
કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર), ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર), ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) જેવાં રિસર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં એવી ઘણી પોઝિશન છે, જે ખાસ કરીને નેટ ક્વૉલિફાઈડ ઉમેદવારો માટે હોય છે.
યુજીસી નેટ પાસ કરનારા ઉમેદવારો ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વહીવટી ભૂમિકાઓ માટે પણ અરજી કરી શકે છે. તેમાં એકેડેમિક કૉ-ઑર્ડિનેટર્સથી લઈને કોઈ વિભાગના વડા બનવું અથવા એકેડેમિક પ્રોગ્રામને ડિઝાઇન કરવામાં મદદ કરવી, વગેરે સામેલ છે.
ડૉક્ટર સંજીવ આચાર્ય કહે છે, "આઈઓસી, બીએચઈએલ, ઓએનજીસી, એનટીપીસી, એચટીસીએલ જેવા ઘણા પીએસયુમાં નેટ ક્વૉલિફાઈડ લોકોને પ્રાથમિકતા મળે છે."
"આ ઉપરાંત કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં તેમની માંગ હોય છે. ઘણા આંતરરાષ્ટ્રીય પબ્લિશિંગ હાઉસ નેટ ક્વૉલિફાઈડ ઉમેદવારોને નોકરી આપવાને પ્રાથમિકતા આપે છે. જે વિષયમાં તેમણે નેટ આપી હોય, તે સ્પેશિયલાઇઝ્ડ વિષયમાં કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે યોગ્ય લોકોની જરૂર હોય છે."
શિક્ષણ ઉપરાંત બીજાં કામની પણ તક

ઇમેજ સ્રોત, Getty Images
ઑનલાઇન એજ્યુકેશનની માંગ વધતી જતી હોવાથી આજે ઘણી એજ્યુકેશન એજ્યુટેક કંપનીઓ પેદા થઈ છે.
આ કંપનીઓ પોતાનું કન્ટેન્ટ તૈયાર કરવા માટે યુજીસી-નેટ ક્વૉલિફાઈડ લોકોની ભરતી કરે છે. કન્ટેન્ટ ડેવલપર અથવા સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે ઑનલાઇન લર્નિંગ મટિરિયલ તૈયાર કરવામાં આવે છે, કોર્સ ડિઝાઇન કરવામાં આવે છે અને સ્ટુડન્ટના ગાઇડ તરીકે પણ કામ કરી શકાય છે. અથવા ગેસ્ટ ફેકલ્ટી તરીકે પણ કામ કરી શકાય છે.
ડૉક્ટર સંજીવ આચાર્ય કહે છે કે સ્વયં અને દીક્ષા જેવાં સરકારી એજ્યુકેશન પોર્ટલ હોય કે પ્રાઇવેટ પોર્ટલ હોય, આ તમામ પ્લેટફોર્મ ભરતી વખતે નેટ ક્વૉલિફાઈડ ઉમેદવારોને પ્રાથમિકતા આપે છે. પૉલિસી, રિસર્ચ અથવા એનાલિટિકલ જૉબ્સ, એનજીઓમાં પણ તેમને પ્રાથમિકતા મળે છે.
આ ઉપરાંત શિક્ષણ મંત્રાલય અથવા સરકારના બીજા એજ્યુકેશનલ વિંગ્સમાં સંભાવના રહે છે. કારણ કે મોટા ભાગે આ વેકન્સી એવા પદ માટે હોય છે જેમાં કોઈ ખાસ વિષયની કુશળતાની જરૂર હોય.
પરવીન મલ્હોત્રા કહે છે, "રાજ્યોમાં પણ શિક્ષણ વિભાગ હોય છે. તેઓ સતત સિલેબસ બનાવવા અને તેમાં સુધારા માટે કામ કરે છે, શિક્ષણ નીતિ લાગુ કરાવે છે. આવી જગ્યાઓ પર રિસર્ચરની જરૂર હોય છે. એનસીઈઆરટી, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ જેવાં ઘણાં સંશોધન સંસ્થાન છે, જેને નેટ ક્વૉલિફાઈડ લોકોની જરૂર હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












