જ્યારે વૈજ્ઞાનિકોએ વાવાઝોડાને કાબૂ કરવાની કોશિશ કરી, શું પરિણામ આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૅથ્યૂ પોન્સફૉર્ડ
- પદ, બીબીસી ફ્યૂચર
જો ગોલ્ડને 1960ના દાયકામાં સ્નાતક વિદ્યાર્થી તરીકે વાવાઝોડા દરમિયાન ડઝનેક ઉડાન ભરી હતી. એ વાવાઝોડા દરમિયાન પ્રતિ કલાક 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતો પવન તેમના પ્લેનની બન્ને બાજુઓ પર ફટકા મારતો હતો.
ગોલ્ડન કહે છે, "તે વાવાઝોડાની રિંગ જેવું હોય છે અને ઘણીવાર 12,200 કિલોમીટરથી પણ ઊંચુ હોય છે." ગોલ્ડને વાવાઝોડાના ફોટોગ્રાફ્સ લીધા હતા અને વાવાઝોડાના વિસ્તારનો ડેટા એકત્ર કર્યો હતો.
ગોલ્ડને ઉમેર્યું હતું કે, "તેમાં વારંવાર વીજળી પણ પડી શકે છે અને એ બીજું જોખમ હોય છે."
'હરિકેન હન્ટિંગ' ફ્લાઇટ્સની ચાલક ટુકડીએ કૉકપિટ્સમાં પૅડિંગ કરી રાખ્યું હતું અને વાવાઝોડામાંથી પસાર થતી વખતે સીટબેલ્ટ બાંધી રાખવાના આદેશની અવગણના ક્યારેય કરી ન હતી.
હવામાનશાસ્ત્રી હ્યુ વિલોબી રોમાંચક ફ્લાઇટ્સને યાદ કરે છે.
તેમાં એક એવી ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે, જેમાં વિમાન લગભગ 60 મીટરથી નીચે પડવાનું શરૂ થયું અને ઍન્જિન બંધ થઈ ગયું ત્યારે સલામતીનાં સાધનો છત સાથે અથડાયાં હતાં.
વિલોબી કહે છે, "મને રાતે બે વાગ્યે ઊઠવાનું, મારો ફ્લાઇટ સૂટ પહેરવાનું, મારાં બૂટની દોરી બાંધવાનું ખૂબ ગમતું. બાળકોના રૂમમાં જઈ તેમને ચાદર ઓઢાડી તેમના કપાળ પર ચૂંબન કરીને એક પ્રચંડ તોફાનમાં ઉડાન ભરવાનું ખૂબ ગમતું."
વિલોબી અને ગોલ્ડન જેવા અગ્રણીઓ 1940ના દાયકાથી ડેટા એકત્ર કરવા તીવ્ર વાવાઝોડાના પ્રદેશમાં સાહસિક ઉડાન ભરતા રહ્યા છે. તેમણે એકત્ર કરેલા ડેટાને લીધે વાવાઝોડા વિશેના અને તેમની ઘાતક શક્તિ કેવી રીતે વિકસે છે એ વિશેના વૈજ્ઞાનિક જ્ઞાનનો વિસ્તાર થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના સંરક્ષણ અને હવામાન સેવા વિભાગોએ આ વિશાળ વાવાઝોડાઓના અવલોકન માટે જ નહીં, પરંતુ તેમાં સુધારો કરવા માટે પણ થોડા દાયકાઓના ટૂંકા ગાળા માટે મિશન હાથ ધર્યાં હતાં.
1962 અને 1983ની વચ્ચે પ્રોજેક્ટ સ્ટૉર્મ ફ્યુરી નામ હેઠળ નૌકાદળના પાઇલટ્સે એવાં મિશન હાથ ધર્યાં હતાં, જેમાં તેમણે વૉલની બીજી બાજુએ "મૅક્સિમમ વિન્ડ બેલ્ટમાં" સિલ્વર કમ્પાઉન્ડ છોડ્યું હતું અને ખાતરી કરી હતી કે આ પ્રદેશ તોફાની છે, પરંતુ અસ્થિર નથી.
જો એવું હોય તો તેને કદાચ બદલી શકાય. તોફાનની નિર્દય શક્તિને શાંત કરી શકાય.
પ્રથમ ફ્લાઇટના છ દાયકા પછી અને આ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો તેનાં 42 વર્ષ પછી સ્ટૉર્મ ફ્યુરીના અનુભવી ગોલ્ડન અને વિલોબીને એ પ્રોજેક્ટ બરાબર યાદ છે. એ પ્રોજેક્ટે મહત્ત્વપૂર્ણ જ્ઞાન પૂરું પાડ્યું હતું અને તેનાથી લોકોના જીવ બચાવવામાં મદદ મળી હતી.
અલબત, તોફાનોને નિયંત્રિત કરવાના અમેરિકાના પ્રયાસોને પગલે વિવાદાસ્પદ વારસો ઊભો થયો હતો, જેણે અવિશ્વાસ અને કાવતરાની થીયરીઓને વેગ આપ્યો છે. કેટલાક અનુત્તરિત સવાલોના જવાબ આજે પણ મળ્યા નથી.
પરમાણુ હથિયારોથી વાવાઝોડાં સુધી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગોલ્ડન અને વિલોબી બન્નેને યાદ છે કે બીજા વિશ્વયુદ્ધના અંત પછી પ્રચંડ આશાવાદના સમયે આબોહવા પરિવર્તનના પ્રોજેક્ટ્સ ઊભરી આવ્યા હતા. ત્યારે એવી વ્યાપક ધારણાં હતી કે વિજ્ઞાન વડે કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. તેની કોઈ મર્યાદા નથી.
કોપનહેગન યુનિવર્સિટીમાં ઇતિહાસ અને વિજ્ઞાનના પ્રોફેસર ક્રિસ્ટીન હાર્પર નોંધે છે કે પરમાણુ બૉમ્બનો ખતરો પૃષ્ઠભૂમિમાં તોળાઈ રહ્યો હતો.
હિરોશિમા અને નાગાસાકીના વિનાશ પછી એવી આશા હતી કે પરમાણુ ઊર્જા રચનાત્મક પ્રયોગો કરવામાં આવશે, પરમાણુ ઊર્જાથી "ઍટમિક ગાર્ડન" સુધી વિકસાવવામાં આવશે. તેમાં કિરણોત્સર્ગી પદાર્થોનો ઉપયોગ નવા મ્યુટન્ટ પાક ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે.
હાર્પરે તેમના પુસ્તક 'મેક ઇન રેઇન'માં નોંધ્યું છે તેમ અખબારો અને રેડિયો સ્ટેશનોએ 1946માં અનુમાન કર્યું હતું કે પરમાણુ શસ્ત્રો આપણને ટૂંક સમયમાં જ કુદરતી આફતોથી બચાવી શકશે. હાર્પરનું પુસ્તક હવામાનને નિયંત્રિત કરવાના અમેરિકન સરકારના પ્રયાસોનો અહેવાલ છે.
ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક લેખમાં સવાલ કરવામાં આવ્યો હતો કે પરમાણુ ઊર્જા "તેના વિસ્ફોટક બળને કારણે" વાવાઝોડાંને શહેરોથી દૂર કરી શકશે?
હવામાન નિયંત્રણ સંબંધી શોધખોળના પ્રારંભિક પ્રયાસોને મૅનહટન પ્રોજેક્ટના જોન વૉન ન્યુમેન અને હાઇડ્રોજન બૉમ્બના કથિત જનક ઍડવર્ડ ટેલર જેવા અનુભવીઓએ સમર્થન આપ્યું હતું.
જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ પ્રગતિ નાના, અનુકૂલિત ફ્રીઝરમાં થઈ હતી.

ઇમેજ સ્રોત, NOAA
નોબલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી ઇરવિન લેંગમુઇરના નેતૃત્વ હેઠળ અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિકની રિસર્ચ લેબોરેટરીમાં કરવામાં આવેલા પ્રયોગોએ દર્શાવ્યું હતું કે વાદળોમાં સુપરકૂલ્ડ પાણીને ક્રિસ્ટલાઈઝ કરે અને સ્નોફ્લેક્સ બનાવે તેવા પદાર્થો છોડીને વાદળોમાં વરસાદ ભરી શકાય છે.
આ "ક્લાઉડ સીડિંગ" ટેકનૉલૉજીનું જમીન પર પરીક્ષણ કરવા માટે લેંગમુઇરના સહાયકે નવેમ્બર 1946માં સિંગલ-ઍન્જિન વિમાનની બારીમાંથી સૂકો બરફ પશ્ચિમ મૅસેચ્યુસેટ્સ પર ફરતા વાદળમાં ફેંક્યો હતો.
લેંગમુઇરે દૂરબીન દ્વારા જમીન પરથી જોયું તો માઉન્ટ ગ્રેલોક નામના પર્વત તરફ પાનખરમાં બરફ પડવા લાગ્યો હતો.
સેમ કીનના 'સીઝર્સ લાસ્ટ બ્રેથઃ ડિકોડિંગ સિક્રેટ્સ ઑફ ધ ઍર અરાઉન્ડ અસ' પુસ્તકમાં જણાવ્યા અનુસાર, તેમણે પત્રકારોને ફોન પર કહ્યું હતું, "આ ઐતિહાસિક છે."
હાર્પર લખે છે કે "ઘણા લોકો રેડિયો સ્ટેશન ટ્યુન કરવા જેટલી સરળતાથી હવામાન પસંદ કરી શકાશે, તેવું સ્વપ્ન જોતા હતા."
ત્યારે હવામાન નિયંત્રણનો યુગ આશ્ચર્યજનક રીતે નજીક લાગતો હતો.
વાવાઝોડાને નબળું કઈ રીતે પાડી શકાય?

ઇમેજ સ્રોત, WikiProject Tropical cyclones/Tracks/NASA/XYKLONE
અલબત, એ સમયે વાવાઝોડાની રચના અને તેના વર્તન વિશે બહુ ઓછી જાણકારી હતી.
અમેરિકન નૌકાદળ અને સૈન્ય પ્રોજેક્ટ સિરસ પર લેંગમુઇર્સ લેબોરેટરી સાથે સહયોગ કરવા સમંત થયા હતા.
તેનું ધ્યેય એ સમજવાનું હતું કે ક્લાઉડ સીડિંગ ટેકનૉલૉજી વાવાઝોડાને જન્મતું જ ડામવામાં મદદ કરી શકે કે કેમ, તેને તેના માર્ગ પરથી અન્યત્ર વાળી શકે કે કેમ અથવા ઘાતક ઉષ્ણકટીબંધીય ચક્રવાતોને જમીન પર પટકાતાં પહેલાં નબળાં પાડી શકે કે કેમ.
વેધર બલૂન્સ અને વિમાનો દ્વારા એકત્ર કરવામાં આવેલો ડેટા દર્શાવે છે કે વાવાઝોડાનાં વાદળોમાં મોટા પ્રમાણમાં સુપરકૂલ્ડ પાણી હોઈ શકે છે. લેંગમુઈરે તેનો પ્રયોગ કર્યો હતો.
1947ના વાવાઝોડાની મોસમ દરમિયાન 13 ઑક્ટોબરે નૌકાદળની એક ટુકડીએ બી-17 બૉમ્બર પ્લેનમાંના આઈસ ક્રશરમાંથી 80 કિલો સૂકો બરફ ફેંક્યો હતો. હરિકેન કિંગ ફ્લોરિડાને પાર કરી રહ્યું હતું ત્યારે એ બરફ તેના પર ફેલાયો હતો.
ઉષ્ણકટીબંધીય ચક્રવાતના સંદર્ભમાં આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાનો તે પહેલો ઐતિહાસિક પ્રયાસ હતો.
બીજા વિશ્વયુદ્ધના બૉમ્બર્સમાં વાવાઝોડાના ક્ષેત્રને સચોટ રીતે નિશાન બનાવવાની ટેકનૉલૉજી ન હતી, પરંતુ તેમનું મિશન પ્રોજેક્ટ ડિરેક્ટર્સને પ્રોત્સાહિત કરવા માટે પૂરતું હતું.
જીમ ફ્લેમિંગ 'ફિક્સિંગ ધ સ્કાય'માં લખે છે કે સીડ પ્લેન પાછળ ઊડતાં બી-17 પ્લેનમાંથી નૌકાદળના એક હવામાનશાસ્ત્રીએ વાદળોને બરફમાં ફેરવાતા જોયાં હતાં અને નોંધ્યું હતું કે વાવાઝોડામાં "ધારણા મુજબના ફેરફાર થઈ રહ્યા છે."
જોકે, એ પછીના દિવસોમાં અણધારી ઘટના બની હતી.
કોઈ નુકસાન કર્યા વિના સમુદ્ર તરફ આગળ વધી રહેલું હરિકેન કિંગ માર્ગથી ભટકી ગયું હતું અને જ્યૉર્જિયાના સવાના શહેરમાં ટકરાયું હતું. તેને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને લાખો ડૉલરનું નુકસાન થયું હતું.
નિર્ણાયક પુરાવા ન હોવા છતાં લેંગમુઈરે "99 ટકા" સફળતાનો દાવો કરતાં જણાવ્યું હતું કે પ્લાન્ટિંગને કારણે વાવાઝોડાનો માર્ગ બદલાયો હતો.
સ્ટૉર્મ ફ્યુરીનો હેતુ

ઇમેજ સ્રોત, NOAA
પ્રોજેક્ટ સિરસ 1952માં સમાપ્ત થયો ત્યાં સુધીમાં તેના વિશે લોકોમાં ભય ફેલાયો હતો અને હવામાનશાસ્ત્રીઓએ અનેક સવાલ કર્યા હતા.
હાર્પરના જણાવ્યા મુજબ, 1950ના દાયકામાં વિયેતનામ યુદ્ધમાં અમેરિકન સૈન્યની સંડોવણી વધારે ગાઢ બનતાં તેણે સ્ટૉર્મ મૉડિફિકેશનમાંનો તેનો રસ જાળવી રાખ્યો હતો.
તેઓ કહે છે, "કૅલિફોર્નિયામાં નૌકાદળના ઍર સ્ટેશન ચાઇના લેક ખાતે એક ગુપ્ત કાર્યક્રમ ચાલતો હતો, જેમાં તેઓ લાઓસ અને વિયેતનામમાં ઉપયોગમાં લેવાનારી સીડિંગ અથવા હવામાન નિયંત્રણ ટેકનૉલૉજી પર કામ કરી રહ્યા હતા."
એ વર્ગીકૃત મિશનને ઑપરેશન પોપાય નામ આપવામાં આવ્યું હતું. તેમાં નૉર્થ વિયેતનામી લશ્કરી સપ્લાય લાઇન, હો ચી મિન્હ ટ્રેઇલને બરબાદ કરવા માટે વરસાદનું સર્જન કરવા સક્ષમ "હવામાન શસ્ત્ર" વિકસાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
હાર્પરના જણાવ્યા મુજબ, આ પ્રયાસો માટે આબોહવા પરિવર્તન વિશેનો સિવિલયન રિસર્ચ પ્રોગ્રામ "આદર્શ આવરણ" બનવાનો હતો.
સ્ટૉર્મ ફ્યુરીની કાર્યકારી પૂર્વધારણા અનુસાર, વાવાઝોડાના કેન્દ્રની બહારના વિસ્તારમાં સિલ્વર આયોડાઇડનું સીડિંગ કરીને તેઓ વાદળોની એવી બીજી આય વૉલ બનાવી શકે છે, જે ઇનર વૉલને ટક્કર આપી શકે.
હાર્પર સમજાવે છે કે આયવૉલને વધુ પહોળી કરી શકાય તો વાવાઝોડાની ગતિને, આઇસ સ્કેટર સ્પિનને ધીમો કરવા તેના બાહુ ફેલાવે તે રીતે ધીમી કરી શકાય, એવી તેમને આશા હતી.
વિલોબી કહે છે, "તેઓ પવનની ગતિમાં લગભગ દસ ટકા ઘટાડો કરી શકે તો જમીન પર અથડાતી વખતે તેની તીવ્રતામાં ફરક લાવી શકાય."
વિલોબીએ 1970ના દાયકાની શરૂઆતમાં નૌકાદળ માટે પૅસિફિકમાં સ્ટૉર્મ મૉનિટરિંગ મિશન હાથ ધરવાનું શરૂ કર્યું હતું.
પવનની પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપને 80 કિલોમીટર સુધી ઘટાડી શકાય તો તેની શક્તિમાં 75 ટકા ઘટાડો થાય.
હરિકેન એસ્થરે આ સિદ્ધાંત માટે મહત્ત્વપૂર્ણ પુરાવા પૂરા પાડ્યા હતા.
સપ્ટેમ્બર 1961માં તે કેપ વર્દે આઇલૅન્ડ્સ નજીક તોફાન તરીકે ઊભરી આવ્યું હતું અને પોર્ટો રિકોથી લગભગ 640 કિલોમીટર ઉત્તરમાં ઍટલાન્ટિકને પાર કરતી વખતે તે વધારે તીવ્ર બન્યું હતું.
અમેરિકન હવામાન વિભાગના એક વિમાને 16 સપ્ટેમ્બરે એસ્થરની આયવૉલ પર ઉડાન ભરી હતી અને પ્રચંડ પવનમાં સિલ્વર આયોડાઇડ કેનિસ્ટર્સ ફેંક્યા હતા.
એસ્થર પર નજર રાખી રહેલા રડાર પર આયવૉલ નબળી પડી હોવાનું હવામાન વિભાગનાં વિમાનોના ધ્યાનમાં આવ્યું હતું.
અન્ય કોઈ ફેરફાર ન હોવા છતાં તેને સફળ જાહેર કરવામાં આવ્યું હતું અને સ્ટૉર્મ ફ્યુરીનો યુગ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો હતો.
મર્યાદિત સ્ટૉર્મ ફ્યુરી

ઇમેજ સ્રોત, POT
વાવાઝોડું સીડિંગ ફ્લાઇટ પહેલાં ફરતું થઈ ગયાનું સંશોધન દર્શાવતું હોવા છતાં 1947નું પ્રોજેક્ટ સિરસ મિશન હજુ પણ ખૂબ મહત્ત્વનું હતું.
તેના કારણે સ્ટૉર્મ ફ્યુરી વાવાઝોડાને કેવી રીતે અને ક્યાં મૉડિફાઈ કરી શકાય તેની ચુસ્ત જરૂરિયાતો પૂરતું મર્યાદિત બની ગયું હતું.
તેનું પરિણામ એક બહુકોણીય ક્ષેત્ર હતું, જે ખુલ્લા ઍટલાન્ટિક પર, અમેરિકાથી દૂર હતું, પરંતુ ક્યુબાની એટલું નજીક હતું કે ફિડેલ કાસ્ટ્રોએ તેમની સામ્યવાદી સરકાર પર હુમલો કરવાનો આક્ષેપ અમેરિકા પર કર્યો હતો.
આ મર્યાદાઓને કારણે 1960ના દાયકા દરમિયાન તોફાનોની ઘણી ઋતુઓ આવી અને ગઈ, પરંતુ સ્ટૉર્મ ફ્યુરી હતાશ થઈને કૉલની રાહ જોતું રહ્યું હતું.
ગોલ્ડન સમજાવે છે કે 1963ના બીજા સીડ મિશનના પરિણામ મોટાભાગે અનિર્ણિત હતા, પરંતુ એ મિશન પછી 1965માં હરિકેન બેટ્સી યોગ્ય લાગતું હતું. ગોલ્ડન 1964માં સ્ટૉર્મ ફ્યુરીમાં જોડાયા હતા અને નૅશનલ ઓશનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ)માં તેમણે ચાર દાયકા સુધી કામ કર્યું હતું.
ગોલ્ડન જણાવે છે કે સ્ટૉર્મ ફ્યુરીના મોખરાના લોકો, અગ્રણી હવામાનશાસ્ત્રી જોઆન તથા રૉબર્ટ સિમ્પસન વાવાઝોડું કૅરેબિયન નજીક પહોંચ્યું ત્યારે એનઓએએના વડા રૉબર્ટ વ્હાઇટ આગળ વધવાની મંજૂરી આપે તેની રાહ જોતા હતા.
તેઓ કહે છે, "વાવાઝોડાનું કેન્દ્ર નિર્ધારિત વિસ્તારમાં હોય અને તેનાથી 80 કિલોમીટર દૂર હોય તો જ અમે સીડિંગ કરી શકીએ તેમ હતા." તેથી ટીમ પાછી હટી ગઈ હતી.
ટીમ માટે તે એક મોટી હતાશા હતી, પરંતુ નસીબનો ખેલ થયો, કારણ કે તેનાથી પ્રોજેક્ટ સિરસના વિવાદનું પુનરાવર્તન થતું અટક્યું હતું.
તેઓ કહે છે, "હરિકેન બેટસીએ ખૂબ જ વિચિત્ર વર્તુળ બનાવ્યું હતું અને હકીકતમાં તે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. તેની અસર મિયામીના દક્ષિણમાં થવાની હતી."
સ્ટોર્મ ફ્યુરીનું સૌથી મોટું મિશન આખરે 1969માં શરૂ થયું હતું.
18 અને 20 ઑગસ્ટે 13 વિમાનોએ હરિકેન ડેબી પર પાંચ તબક્કામાં ભાગ લીધો હતો. તેમાં નૌકાદળના એ-6 ઇન્ટ્રુડર જેટનો સમાવેશ થાય છે. આ પ્લેન હવામાં સિલ્વર આયોડાઇડના 1,000 કેનિસ્ટર્સ દરરોજ છોડતું હતું.
ખોટી શરૂઆતના લગભગ એક દાયકા પછી તેમણે એકત્ર કરેલી માહિતી આશ્ચર્યજનક હતી.
સૌથી વધુ પ્રોત્સાહક વાત એ હતી કે તેમણે સીડિંગ ફ્લાઇટ્સ પછી ઊભરેલી બીજી આયવૉલનું દસ્તાવેજીકરણ કર્યું હતું. તેમાં પવન નબળો અને પૂર્વધારણા અનુસારનો હતો.
સીડિંગના બે દિવસ દરમિયાન પવનમાં અનુક્રમે 31 ટકા અને 15 ટકા ઘટાડો થયો હતો.
સ્ટૉર્મ ફ્યુરીના ડિરેક્ટર આર. સેસિલ જેન્ટ્રીએ તારણ કાઢ્યું હતું કે કુદરતી રીતે આવું થવાની શક્યતા દસ ટકા કરતાં પણ ઓછી હતી. સાયન્સ જર્નલમાંના લેખમાં તેમણે નોંધ્યું હતું કે વિજ્ઞાનીઓએ તોફાનને સફળતાપૂર્વક મૉડિફાય કર્યું હોવાનું ડેટા દર્શાવે છે.
સ્ટૉર્મ ફ્યુરીનો અંત

ઇમેજ સ્રોત, Getty Images
ડેબી પ્રોજેક્ટ મોટી સફળતાનો પાયો બનશે, એવી આશા પ્રોજેક્ટમાં સામેલ ઘણા લોકોને હતી, પરંતુ એવું થયું ન હતું.
છેલ્લી સીડિંગ ફ્લાઇટ 1971માં ઉડાડવામાં આવી હતી. તેમાં હરિકેન જીંજરના અસ્પષ્ટ કેન્દ્રમાં બોટ્સ ફેંકી દેવાયા હતા અને તેની કોઈ નોંધપાત્ર અસર જોવા મળી ન હતી.
એ જ વર્ષે બાદમાં નૌકાદળ આ પ્રોજેક્ટમાંથી હટી ગયું હતું.
નૌકાદળની પીછેહઠનું આંશિક કારણ એ હતું કે તેમને હવે તેનું પરીક્ષણ કરવાની જરૂર ન હતી. હાર્પર કહે છે, "તેઓ વિયેતમાન અને લાઓસમાં ટેકનિક્સનો ઉપયોગ કરતા હતા. તેમને તેનું પરીક્ષણ ઍટલાન્ટિકના વાવાઝોડામાં કરવાની જરૂર ન હતી."
1974માં પેન્ટાગોન પેપર્સમાં જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે વિયેતમાન, કંબોડિયા અને લાઓસમાં સિલ્વર આયોડાઇડ તથા સમાન સંયોજનોનો ઉપયોગ બહુ ઓછો સાવચેતીભર્યો હતો. વાયુસેના અને નૌકાદળના વિમાનોએ 2600 સીડિંગ મિશનમાં કુલ 47,409 કેનિસ્ટર્સ છોડ્યાં હતાં.
કુલ મળીને સ્ટૉર્મ ફ્યીની સીડિંગ ફ્લાઈટ્સે આઠ અલગ અલગ દિવસોમાં ચાર વાવાઝોડાં પર સિલ્વર આયોડાઇડનાં કૅનિસ્ટર્સ છોડ્યાં હતાં.
એ ફ્લાઇટ્સમાંથી મળેલો ડેટા દર્શાવે છે કે ચાર દિવસમાં પવનની ગતિમાં 10 ટકા કે તેથી વધુ ઘટાડો થયો હતો.
અન્ય દિવસોમાં ફ્લાઇટ્સ તેમના લક્ષ્ય સુધી ન પહોંચવાને કારણે અથવા ખોટી રીતે પસંદ કરવામાં આવેલાં તોફાનોને લીધે કશું થયું ન હતું.
1970ના દાયકામાં ઍટલાન્ટિકમાં સંભવિત વાવાઝોડા ઓછાં આવ્યાં હતાં. એ દરમિયાન અમેરિકાએ ઑસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સ સાથે પેસિફિક મહાસાગરમાં તેમના દરિયાકાંઠાની બહાર વાવાઝોડા સંબંધી વધુ પરીક્ષણો કરવાના પ્રયાસ કર્યા હતા.
હાર્પર કહે છે, "પેસિફિક રિમ દેશોએ ફક્ત એટલું જ કહ્યું હતું કે હવે એવું થવાનું નથી."
ડેબીની સ્પષ્ટ સફળતાના સમયે પ્રોજેક્ટનો વૈજ્ઞાનિક આધાર ક્ષીણ થવા લાગ્યો હતો.
ઈમેજીસ દર્શાવે છે કે કેટલાંક વાવાઝોડામાં સ્વયંભૂ બહુવિધ કૉન્સન્ટ્રેટિક આયવૉલ્સ વિકસી હતી.
એ ઘટના વિલોબીએ નૌકાદળમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડા પર ઊડતી વખતે વ્યક્તિગત રીતે જોઈ હતી.
જો એવું હોય તો ડેબીનાં પરિણામો ફક્ત સંયોગ હોઈ શકે છે.
એ જ સમયે સંશોધનમાં એ જાણવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા કે વાવાઝોડાના સુપરકૂલ્ડ પાણીનાં વિશાળ વાદળો, જેમાં સીડિંગ કરી શકાય એવું સ્ટૉર્મ ફ્યુરી માનતું હતું તે બરફ છે કે કેમ અને તેના પર સિલ્વર આયોડાઈડની કોઈ અસર થશે કે કેમ.
વિલોબી કહે છે, "ઉદ્દેશપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકનમાં કદાચ એ બન્ને વિકલ્પો સાચા ઠર્યા હોત."
"સાચું કહું તો અંતિમ સમયમાં તે પ્રયોગ સારી રીતે સમાયોજિત લાગતો ન હતો, એવું હું માનું છું."
1985માં પ્રોજેક્ટનું અંતિમ મૂલ્યાંકન લખતી વખતે વિલોબીએ તારણ કાઢ્યું હતું કે ટીમના દૃઢ પ્રયાસો છતાં "સીડિંગનાં અપેક્ષિત પરિણામ ઘણીવાર તીવ્રતામાં કુદરતી રીતે થતા ફેરફારથી અલગ પડે છે."
સ્ટૉર્મ ફ્યુરી નિષ્ફળ રહ્યું હતું?
'મેક ઇટ રેઇન'માં નૌકાદળના પ્રોજેક્ટ લીડર પિયર સેન્ટ અમાન્ડને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સ્ટૉર્મ ફ્યુરી ક્યારેય સામાન્ય હવામાન અભ્યાસ ન હતો એ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દરેક માટે સ્પષ્ટ હતું, પરંતુ એ પ્રયોગ "ખોટી બાજુથી" શરૂ થયો હતો.
પ્રોજેક્ટના લશ્કરી મૂલ્ય અને નાગરિક સુરક્ષા પર તેની સંભવિત અસરને કારણે સ્ટૉર્મ ફ્યુરીને લાખો ડૉલરનું ભંડોળ તેમજ સમર્થન મળ્યું હતું. હવામાન સંબંધી મોટાભાગના અભ્યાસોમાં આવું ક્યારેય થતું નથી.
એ ઉપરાંત વાવાઝોડાનું વિજ્ઞાન તેના પ્રારંભિક તબક્કામા હતું અને તેની આંતરિક રચના તથા તેના વર્તન વિશેની સચોટ આગાહી કરવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હતી.
"તેમાં વિજ્ઞાનનું બીજ હતું," એમ કહેતાં હાર્પર ઉમેરે છે કે લશ્કરી હિતો સમાવિષ્ટ ન હોત તો સ્ટૉર્મ ફ્યુરી પ્રયોગશાળામાં જ રહ્યું હોત તે શક્ય છે.
જોકે, આ પ્રોજેક્ટથી મૂલ્યવાન પરિણામ મળ્યું હતું.
ગોલ્ડન કહે છે, "હવાઈ માપનથી અમને વાવાઝોડાની રચના અને વર્તન વિશે ઘણું શીખવા મળ્યું હતું. તેના ડેટાએ તે સમયે મૉડેલોને સુધારવામાં મદદ કરી હતી."
હવામાનશાસ્ત્ર માટેના ભંડોળથી જ્ઞાનના આ અવકાશને ભરવામાં મદદ મળી હતી.
વિલોબી હાલમાં ફ્લોરિડા ઇન્ટરનૅશનલ યુનિવર્સિટીમાં રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમના કહેવા મુજબ, સ્ટૉર્મ ફ્યુરીના પ્રારંભથી જ વાવાઝોડાના માર્ગ માટે 24 કલાકની આગાહીની ચોકસાઈમાં ઘણો વધારો થયો છે. ચોક્કસ માર્ગદર્શનને લીધે વાવાઝોડાની તીવ્રતાની આગાહી સુધરી છે.
ઑબ્ઝર્વેઝન વિમાન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાની તપાસ હજુ પણ કરવામાં આવી રહી છે.
સ્ટૉર્મ ફ્યુરી દ્વારા વિકસાવવામાં આવેલાં સાધનો વાવાઝોડાને ટ્રેક કરવા માટે વિમાનને વધુ સચોટ માર્ગ સૂચવે છે.
સ્ટૉર્મ ફ્યુરી માટે ખરીદવામાં આવેલાં બે અત્યાધુનિક પી3 વિમાનને પ્રેમથી કેર્મિટ અને મિસ પિગી નામે ઓળખવામાં આવે છે. એ બન્ને વિમાન લગભગ 50 વર્ષ પછી પણ કાર્યરત છે.
વાવાઝોડામાં પરિવર્તનની વાતનું ભવિષ્ય?

ઇમેજ સ્રોત, NOAA
કેટલાક લોકો માટે સ્ટૉર્મ ફ્યુરી એક અધૂરું કાર્ય છે.
ગોલ્ડન કહે છે, "સ્ટૉર્મ ફ્યુરી મારા જીવનના સૌથી નિરાશાજનક વૈજ્ઞાનિક પ્રયોગો પૈકીનું એક હતું. મને લાગે છે કે એનઓએએ ખૂબ વહેલી હાર માની લીધી."
ચક્રવાતમાં મૉડિફિકેશનને વાસ્તવિકતા બનાવવા અને મહત્ત્વાકાંક્ષા પ્રદર્શન માટે સરકારી એજન્સીઓમાં હિમાયત કરવાનું ગોલ્ડને વર્ષોથી ચાલુ રાખ્યું છે.
2005ના હરિકેન કેટરીનાથી પ્રેરિત થઈને ગોલ્ડને અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ સાથે "હેમ્પ" નામના હરિકેન એરોસોલ્સ અને માઇક્રોફિઝિક્સ પ્રોગ્રામમાં સહયોગ કરવાનું શરૂ કર્યું હતું.
તેઓ કહે છે, "અમે વાવાઝોડાને નબળા પાડવાનો વિચાર સંપૂર્ણ અલગ અભિગમ સાથે કરી રહ્યા હતા. સિલ્વર આયોડાઇડને બદલે અમે સીડિંગ એજન્ટ તરીકે નાના સેલાઈ સ્પ્રેનો ઉપયોગ કરવાના હતા."
"ભંડોળ મળવાનું ચાલુ રહ્યું હોત તો અમે વાવાઝોડા સંબંધી જ નહીં, પરંતુ માત્ર ક્લાઉડ લાઇન્સ સાથે કેટલાક પ્રયોગો કર્યા હોત."
તેઓ ઉમેરે છે, "મૉડેલનું પરિણામ ખૂબ જ પ્રોત્સાહક હતું." તે દર્શાવે છે કે એરોસોલ્સ માત્ર વાવાઝોડાની તીવ્રતા જ ઘટાડતા નથી, પરંતુ તેનો માર્ગ પણ બદલી શકે છે.
"તે પાયાની વાત છે. કેટરીના જેવા વાવાઝોડાને ન્યૂ ઑર્લિયન્સથી વાળી શકાયું હોત તો જાનમાલનું બધું નુકસાન ટાળી શકાયું હોત."
તેઓ ઉમેરે છે, "તેના કેટલાક ખૂબ જ આકર્ષક પરિણામ આવ્યાં હતાં, પરંતુ ભંડોળ ખતમ થઈ ગયું હતું."
વિલોબી માને છે કે એનઓએએએ તપાસ પર પૂર્ણવિરામ મૂકીને યોગ્ય નિર્ણય કર્યો છે.
"તે રસપ્રદ આઇડિયા હતો. રણમાં વરસાદ પાડવાનો અથવા ટાયફૂન અને વાવાઝોડાને શહેરોનો નાશ કરતા અટકાવવાનો વિચાર કેવી રીતે રસપ્રદ ન હોઈ શકે," એવો સવાલ કરતાં તેઓ કહે છે, "પરંતુ વિજ્ઞાને કામ ન કર્યું."
વિલોબી જણાવે છે કે વાવાઝોડાને કેવી રીતે રોકવા તેની થિયરી કોઈની પાસે હોય તો તેના અવરોધો સ્પષ્ટ છે.
વિલોબી કહે છે, "મુદ્દો ઉકેલ શોધવાનો, સૈદ્ધાંતિક પ્રયોગનો અથવા નાના પાયે ફિલ્ડ પરીક્ષણ કરવાનો અને પછી તેનો ઉપયોગ સંખ્યાત્મક મૉડેલ્સમાં અનુકરણ કરવાનો છે."
જોકે, ઉષ્ણકટીબંધીય તોફાનના બળ સાથે મેળ ખાતો કોઈ ઉકેલ મળવા બાબતે તેમને શંકા છે.
સ્ટૉર્મ ફ્યુરી, માનવોને વાવાઝોડાની "પ્રચંડ" ઊર્જાનો સામનો કરાવતી વાસ્તવિકતાનો એક નમ્ર પ્રયાસ હતો, જે દર 20 મિનિટે ફૂટતા 10 મેગાટનના પરમાણુ બૉમ્બની સમકક્ષ હોવાનો અંદાજ છે, એવું વિલોબી જણાવે છે.
એક ઇમેલમાં તેઓ લખે છે, "વાવાઝોડાને કૃત્રિમ રીતે નબળા પાડવાનો માર્ગ કોઈ કદાચ એક દિવસ શોધી કાઢશે. આપણે એવું કરી શકીશું તો તે અદ્ભુત નહીં હોય?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












