'શાળામાં 100 ઊઠબેસ કરાવવાથી તબિયત બગડતાં' 13 વર્ષની બાળકીનું મોત, મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
વસઈમાં એક 13 વર્ષની બાળકીના મોતથી મોટો વિવાદ થઈ ગયો છે. બાળકીના પરિવારનો આરોપ છે કે તેને શાળામાં 100 ઊઠબેસ કરાવવામાં આવી હતી અને ત્યાર પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી.
શાળાના શિક્ષકે શાળામાં મોડા આવનાર વિદ્યાર્થીઓને ઠપકો આપીને સજા કરી હતી. જે વિદ્યાર્થીઓને ઠપકો આપવામાં આવ્યો તેમાંથી આ 13 વર્ષની બાળકી અચાનક બીમાર પડી ગઈ હતી.
15 નવેમ્બરે મુંબઈની જે.જે હૉસ્પિટલમાં ઇલાજ દરમિયાન બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું.
હકીકતમાં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
જેનું મૃત્યુ થયું એ બાળકી વસઈ પૂર્વના સાતિવાલીના કુવરાપાડા વિસ્તારમાં એક શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતી હતી.
આ શાળામાં પહેલા ધોરણથી લઈને આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભણે છે.
આઠ નવેમ્બરના દિવસે સવારે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં મોડેથી આવ્યા હતા, તેમાં આ બાળકી પણ સામેલ હતી.
મોડા આવવા બદલ શિક્ષકે વિદ્યાર્થીઓને 100 ઊઠબેસ કરવાની સજા ફટકારી હતી. કેટલાક વિદ્યાર્થીઓને તો સ્કૂલબૅગ સાથે ઊઠબેસ કરાવવામાં આવી હતી.
શાળાએથી ઘરે ગયા બાદ બાળકીની તબિયત બગડી ગઈ હતી. ત્યાર પછી તેને તરત જ સારવાર માટે વસઈની આસ્થા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ પછી તેને હાલત વધુ બગડતાં મુંબઈની જે.જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પછી 15 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે જ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું.
પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વસઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી દિલીપ ઘુગેએ ઘટનાની જાણકારી આપી છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "આઠ નવેમ્બરે આ શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચ્યા હતા, એમાંથી આ બાળકી પણ હતી. કુલ 50 વિદ્યાર્થીઓ હતા. બાળકીનાં માતાપિતાએ ફરિયાદ કરી છે કે શિક્ષકે મોડા આવનાર વિદ્યાર્થીઓને 100 ઊઠબેસ કરવા કહ્યું છે."
"બાળકી ઘરે પહોંચી ત્યારે તેના પગમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. તેને પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ 10 તારીખે તેને મુંબઈની જે.જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં જ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું."
પોલીસે કહ્યું, "માતાપિતાએ ફરિયાદ આપી છે કે બાળકીનું મોત એટલા માટે થયું કારણ કે તેને ઊઠબેસ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ સંબંધે અમે શાળામાં તપાસ કરી રહ્યા છીએ."
અત્યારે વસઈ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કરી લીધો છે. પોલીસે એ પણ કહ્યું છે કે તેઓ પોસ્ટમૉર્ટમની રાહ જોઈ રહ્યા છે.
પોલીસે એ પણ જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટથી એ પણ જાણવા મળ્યું છે કે બાળકીનું હિમોગ્લોબિન માત્ર ચાર હતું, જે અતિશય ઓછું છે.
તપાસ માટે સમિતિનું ગઠન

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ આ મામલે પાલઘરના પ્રાથમિક શિક્ષણવિભાગના અધિકારી સોનાલી માટેકર સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તપાસ માટે સમિતિ બનાવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, "બાળકોને આ પ્રમાણે સજા આપવી એ ખોટું છે. આ શિક્ષણના અધિકાર કાયદાનું ઉલ્લંઘન છે. વાલીઓનું કહેવું છે કે ઊઠબેસને કારણે તેમનું મોત થયું છે. હજુ હું મોતના કારણ વિશે કંઈ ન કહી શકું, પરંતુ અમે શાળાની તપાસ શરૂ કરી દીધી છે."
શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે શિક્ષણના અધિકાર અધિનિયમના ઉલ્લંઘન બદલ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે અને સજા આપનાર શિક્ષક સામે પણ તત્કાળ તપાસ કરવામાં આવશે.
પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું?
શિક્ષણવિભાગની પ્રાથમિક તપાસ અનુસાર, આઠ નવેમ્બરે આ શાળામાં એક શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને મોડા આવવા બદલ ઊભા રાખીને તેમને ઊઠબેસ કરાવી હતી.
બાળકીને હૉસ્પિટલમાં ભરતી કર્યા બાદ 15 નવેમ્બરે તેનું મૃત્યુ થયું હતું.
શિક્ષણવિભાગનું કહેવું છે કે મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.
બીબીસીએ શાળાનો સંપર્ક કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ હજુ સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. શાળાનો જવાબ મળતાં જ આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












