તિરૂપતિ બાલાજી મંદિર લાડુ વિવાદ : દૂધનું ટીપું પણ નાખ્યા વગર 'આઠ કરોડના કેમિકલમાંથી લાખો કિલો ઘી બનાવ્યું'?

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ, તિરુપતિ બાલાજી મંદિર, તિરુમાલા આંધ્ર પ્રદેશ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈની એસઆઈટી દ્વારા તપાસ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆરસીપી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ તિરુપતિના લાડુ લઈ જાય છે
    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી તેલુગુ

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના વિખ્યાત લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં ભેળસેળની ઘટનાએ નવો વળાંક લીધો છે. ટીડીપીના નેતા પટ્ટાબીએ એસઆઈટીના લીક થયેલા રિમાન્ડ રિપોર્ટના આધારે દાવો કર્યો છે કે, "તેમણે રૂ. આઠ કરોડના ખર્ચે સાડા છ લાખ કિલો કેમિકલ ખરીદ્યું હતું અને તેમાંથી બનેલું ઘી સપ્લાય કર્યું હતું."

પટ્ટાબીએ આરોપ મૂક્યો હતો કે મૉનોડાઇગ્લાઇસિરાઇડ્સ તથા ઍસિટિક ઍસિડ ઇસ્ટરની મદદથી લાખો કિલો ઘી બનાવવામાં આવ્યું હતું અને આ માટે ડેરીએ એક લિટર દૂધ પણ ખરીદ્યું ન હતું.

જનસેના પાર્ટીના નેતા તથા આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે આ આરોપોને ટાંકતાં તાત્કાલિક અસરથી સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની સ્થાપના કરવાની માંગ કરી છે.

વાયએસઆરસીપીના નેતા સજ્જલા રામક્રિષ્ના રેડ્ડીનું કહેવું છે, "રિમાન્ડ રિપોર્ટમાં ગેરરીતિના કોઈ સ્પષ્ટ પુરાવા નથી અને ચંદ્રબાબુ નાયડુ રાજકારણ માટે ભગવાનનો ઉપયોગ કરી રહ્યા છે."

'દૂધની ખરીદી વગર કેમિકલથી ઘી બન્યું'

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ, તિરુપતિ બાલાજી મંદિર, તિરુમાલા આંધ્ર પ્રદેશ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈની એસઆઈટી દ્વારા તપાસ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆરસીપી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, facebook/Telugu Desam Party

ઇમેજ કૅપ્શન, ટીડીપી નેતા પટ્ટાબી

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ થઈ હોવાના આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) હાથ ધરી છે.

સીબીઆઈની ટીમે અજયકુમાર સુગંધ નામના આરોપીની ધરપકડ કરી છે. પત્રકારપરિષદમાં ટીડીપી (તેલુગુ દેશમ્ પાર્ટી) નેતા પટ્ટાબીએ કહ્યું હતું કે નેલ્લોરની અદાલતમાં એસઆઈટીએ રિમાન્ડ માટે જે રિપોર્ટ આપ્યો છે, તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

જોકે, બીબીસી આ રિમાન્ડ રિપોર્ટની સ્વતંત્ર પુષ્ટિ નથી કરી શક્યું. રિમાન્ડ રિપોર્ટને ટાંકતાં પટ્ટાબીએ પત્રકારપરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું, "વર્ષ 2022થી 2024-'25 દરમિયાન ભોલે બાબા ડેરીએ અજયકુમાર સુગંધ નામના શખ્સ પાસેથી રૂ. સાત કરોડ 94 લાખનું સાડા છ લાખ કિલો કેમિકલ ખરીદ્યું હતું."

કંપનીએ એક લિટર દૂધ પણ ખરીદ્યા વગર કેમિકલ અને પામોલિન તેલની મદદથી ઘી બનાવ્યું હતું. આના માટે કોરિયાથી પણ કેમિકલ મંગાવવામાં આવ્યાં હતાં. મૉનોડાઇગ્લાઇસિરાઇડ્સ તથા ઍસિટિક ઍસિડની મદદથી ઘી બનાવવામાં આવ્યું હતું.

ભોલે બાબા ડેરીના માલિકોએ તેમની અન્ય એક કંપની હર્ષ ટ્રેડિંગ કંપની મારફત અજય સુગંધની સુગંધ ઑઇલ ઍન્ડ કેમિકલ્સ પાસેથી આ રસાયણોની ખરીદી કરી હતી."

રિમાન્ડ રિપોર્ટની વિગતો આંધ્ર પ્રદેશના રાજકીય વર્તુળો, અધિકારીઓ અને મીડિયામાં ફરી રહી છે. બીબીસીએ કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો તપાસ્યા હતા.

ફરિયાદ થઈ હતી પણ...

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લીક થયેલા ડૉક્યુમેન્ટમાં ટીટીડીના તત્કાલીન વડા વાયવી સુબ્બા રેડ્ડી અને તેમના પૂર્વ સેક્રેટરીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પૂર્વ સેક્રેટરી ચીન્ના અપન્નાની ધરપકડ કરવામાં આવી છે. ડૉક્યુમેન્ટની વિગતો પ્રમાણે, વર્ષ 2022માં ભોલે બાબા ડેરી વિશે વાયવી સુબ્બા રેડ્ડીને નામ વગરની ફરિયાદ મળી હતી.

16 મે, 2022ના ટીટીડીના (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) તત્કાલીન જનરલ મૅનેજરને આ પત્ર આપવામાં આવ્યો હતો અને આ અંગે તપાસ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

ફરિયાદના પગલે સુબ્બા રેડ્ડીએ મૅનેજર સુબ્રમણ્યમને સૂચન કર્યું હતું કે ગુણવત્તા પરીક્ષણ માટે ઘીને સીએફટીઆરઆઈ મોકલવામાં આવે. જૂન મહિનામાં પ્રિમિયર ઍગ્રો ફૂડ્સ, વૈષ્ણવી ડેરી તથા ભોલેબાબા ડેરી દ્વારા મોકલવામાં આવેલાં ટેન્કરમાંથી નમૂના લઈને સીએફટીઆરઆઈને મોકલવામાં આવ્યા હતા.

ટીટીડીના અધિકારીઓએ ભોલે બાબા ડેરી દ્વારા મોકલવામાં આવેલાં ઘીનાં ડબ્બાના નમૂના મૈસુરસ્થિત લૅબોરેટરીમાં પણ મોકલ્યા હતા. લૅબોરેટરીએ ઑગસ્ટ મહિનામાં તપાસનાં પરિણામ આપ્યાં હતાં, જેમાં તમામ નમૂના ભેળસેળયુક્ત હોવાનું જણાવ્યું હતું.

બેટા-સિટોસ્ટેરોલ પરીક્ષણ દરમિયાન ઘીમાં વેજિટેબલ ઑઇલની ભેળસેળ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ, તિરુપતિ બાલાજી મંદિર, તિરુમાલા આંધ્ર પ્રદેશ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈની એસઆઈટી દ્વારા તપાસ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆરસીપી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિર

આમ છતાં પ્રિમિયર ઍગ્રો ફૂડ્સ તથા વૈષ્ણવી ડેરી જેવા સપ્લાયર્સ સામે કોઈ પગલાં લેવામાં નહોતાં આવ્યાં અને તેમણે વર્ષ 2024 સુધી ઘી સપ્લાય કર્યું હતું.

ભોલે બાબા ડેરીએ ઑક્ટોબર-2022 સુધી ઘી મોકલાવ્યું હતું. તપાસનોંધ પ્રમાણે, "મે-2022માં પોમિલ જૈન, કૈલાશ ચંદ મંગલા તથા શ્રીનિવાસને હૈદરાબાદ ખાતે વાયવી સુબ્બા રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને એક વર્ષ માટે ફેક્ટરીની તપાસ નહીં કરવા માટે વિનંતી કરી હતી."

"પોમિલ જૈને ફરિયાદ કરી હતી કે સુબ્બા રેડ્ડીના (તત્કાલીન) પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) કડુરુ ચિન્ના અપન્ના દ્વારા કિલોદીઠ રૂ. 25ની લાંચની માંગણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે પ્રિમિયર ઍગ્રોએ પીએને રૂ. 50 લાખની રકમ આપી હતી અને દિલ્હીમાં આ લેવડદેવડ થઈ હતી."

દરમિયાન વાયવી સુબ્બા રેડ્ડીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી પણ ચર્ચાનો વિષય બની છે.

સીબીઆઈની એસઆઈટી તેમનાં બૅન્ક ખાતાંની તપાસ ન કરે, તેવી દાદ માંગતી અરજી કરી હતી, જેનો સીબીઆઈએ વિરોધ કર્યો હતો. પટ્ટાબીનું કહેવું છે, "જો વાયવી સુબ્બા રેડ્ડીએ કશું ખોટું ન કર્યું હોય તો એસઆઈટીને ઍકાઉન્ટની વિગતો આપ્યા વગર શા માટે કોર્ટમાં ગયા? જો તેણે કોઈ ગેરરીતિ નથી આચરી તો તેઓ શા માટે સત્ય નથી જણાવતા?"

સનાતન બોર્ડની માંગ ઊઠી

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ, તિરુપતિ બાલાજી મંદિર, તિરુમાલા આંધ્ર પ્રદેશ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈની એસઆઈટી દ્વારા તપાસ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆરસીપી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/yvsubbareddymp

ઇમેજ કૅપ્શન, વાયવી સુબ્બા રેડ્ડીની ફાઇલ તસવીર

તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના વિખ્યાત લાડુમાં ભેળસેળના આરોપ અને તે પછી નિમવામાં આવેલી તપાસ સમિતિએ માત્ર આંધ્ર પ્રદેશ જ નહીં, પરંતુ દેશભરમાં ચકચાર જગાવી છે.

આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને, સનાતન ધર્મ રક્ષણ બોર્ડની સ્થાપના કરવાની માગ કરી હતી.

કેટલાક મીડિયા અહેવાલોને ટાંકતાં પવન કલ્યાણે ટીટીડીમાં ગેરરીતિ થઈ રહી હોવાની વાત કહી હતી.

પવન કલ્યાણે લખ્યું, "ટીટીડીના અગાઉના બોર્ડે જે ગેરવહીવટ તથા અનૈતિક આચરણ કર્યું છે, તેણે તિરુમાલાની પવિત્રતાને લાંછન લગાડ્યું છે અને માફ ન કરી શકાય તેવી ભયાનક પીડા આપી છે. સનાતન ધર્મ પરિરક્ષણ બોર્ડની સ્થાપના ભાવી પગલું છે."

ષડયંત્ર અને દુષ્પ્રચાર

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ, તિરુપતિ બાલાજી મંદિર, તિરુમાલા આંધ્ર પ્રદેશ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈની એસઆઈટી દ્વારા તપાસ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆરસીપી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/Pawan Kalyan

ઇમેજ કૅપ્શન, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણ

વાયએસઆરસીપીનો (યુવાજન શ્રમિક રાયથૂ કૉંગ્રેસ પાર્ટી) આરોપ છે કે તેમની સામે કાવતરું ઘડવામાં આવ્યું છે અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વાયએસઆરસીપીના અધ્યક્ષ સજ્જલા રામક્રિષ્ના રેડ્ડીએ સવાલ ઉઠાવતા કહ્યું, "સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં તેમણે પોતાના જ માણસો ગોઠવ્યા છે. તેમને લાગે છે કે આ એસઆઈટી (સીટ-ઇન, બેસી રહો) છે. તેઓ મનફાવે એમ રિમાન્ડ રિપોર્ટ લખી રહ્યા છે અને અમારી સામે અપપ્રચાર કરી રહ્યા છે."

"અમારી સરકારે તિરુમાલા ખાતે ઘીનું પરીક્ષણ થઈ શકે, તે માટે લૅબોરેટરીની સ્થાપના કરી. અમે પરીક્ષણ થઈ શકે તે માટે ઘીને મૈસુર મોકલ્યું હતું. અમે ભોલે બાબા ડેરીનો ઑર્ડર અટકાવ્યો હતો, કારણ કે તે બરાબર ન હતો."

"જો અમારા પક્ષે કોઈ ભૂલ થઈ હોય, તો અમે આવું કેમ કરીએ? જુલાઈ અને ઑગસ્ટ-2024માં તમારી સરકાર દરમિયાન ઘી કેમ આવ્યું?"

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ, તિરુપતિ બાલાજી મંદિર, તિરુમાલા આંધ્ર પ્રદેશ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈની એસઆઈટી દ્વારા તપાસ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆરસીપી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/Sajjala Ramakrishna Reddy

ઇમેજ કૅપ્શન, સજ્જલા રામક્રિષ્ના રેડ્ડીએ મીડિયામાં રિપોર્ટ લીક થવા અંગે સવાલ ઊઠાવ્યા છે

સજ્જલા રામક્રિષ્ના રેડ્ડીએ ઉમેર્યું, "ચંદ્રબાબુ નાયડુ રાજકારણ માટે ભગવાનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે પાયાવિહોણા આરોપો કરવાના બદલે, જેમણે ખોટું કર્યું હોય, તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. તેલુગુ દેશમના શાસનમાં જેવી લૅબોરેટરી હતી, તેનાં કરતાં વધુ સારી લૅબોરેટરી (તિરુમાલામાં) સ્થાપી હતી."

"એટલે જ અમે ભેળસેળવાળું ઘી ભરેલાં ટેન્કર પરત મોકલ્યાં હતાં. શું સીબીઆઈએ એવો કોઈ દસ્તાવેજ રજૂ કર્યો છે કે વર્ષ 2019-'24 દરમિયાન જેટલું ઘી ખરીદવામાં આવ્યું, તે ભેળસેળયુક્ત હતું?"

સજ્જલાએ મીડિયામાં વહેતા થયેલા વિરોધાભાસી રિમાન્ડ રિપોર્ટ અંગે પણ સવાલ ઊઠાવ્યા હતા અને કહ્યું હતું કે ક્યાંક પામોલિન તેલનો ઉલ્લેખ છે તો ક્યાંક કેમિકલની વાત કહેવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે ભેળસેળની વાત ક્યાંય નક્કરપણે કહેવામાં નથી આવી. એસઆઈટીએ આ મામલે ટીટીડીના પૂર્વ સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) ધર્મા રેડ્ડીની પૂછપરછ કરી છે અને વાયવી સુબ્બા રેડ્ડીને પૂછપરછ માટે સમન્સ કાઢ્યા છે. તેઓ ટૂંક સમયમાં એસઆઈટી સમક્ષ હાજર થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન