તિરુપતિ બાલાજી મંદિરના લાડુ કેમ ખાસ છે અને રોજ લાખો લાડુ કેવી રીતે બનાવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વવિખ્યાત તિરુપતિના મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે ચોખ્ખા ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબી વપરાયાના આરોપોએ ખળભળાટ મચાવી દીધો છે. આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ વિશે નિવેદન આપ્યું તેનાથી શ્રદ્ધાળુઓને આધાત લાગ્યો છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)ના કાર્યકારી અધિકારી શ્યામલા રાવે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તિરુમાલામાં પ્રસાદ માટે ઘીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
એક તરફ તિરુપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાને લઈને ભક્તોની લાગણી દુભાઈ છે. બીજી તરફ આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
તિરુપતિના મંદિરના પ્રસાદના લાડુ માટે ભક્તો પડાપડી કરતા હોય છે. સપ્ટેમ્બર 2024ની શરૂઆતમાં લાડુ મેળવવા માટે ટોકન દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તિરુપતિ મંદિરના લાડુ કેમ છે ખાસ છે અને તે કેવી રીતે બને છે? જાણો આ અહેવાલમાં.
શું છે લાડુનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, TTD
ભગવાન વેંકટેશ્વરને સમર્પિત તિરૂમાલા તિરૂપતિ મંદિર ભારતના સૌથી પવિત્ર મંદિરો પૈકીનું એક છે. મંદિરમાં દરરોજ લગભગ એક લાખથી વધારે શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરે અને દાન પણ આપે છે.
અહીં ભક્તોને ખાસ તૈયાર કરવામાં આવેલા લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા આવતા દરેક ભક્તો લાડુ લીધા વગર જતા નથી.
આ લાડુ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સાથેસાથે ભવ્ય ઇતિહાસ પણ ધરાવે છે. મંદિરના ઇતિહાસ પ્રમાણે સાલ 1803માં ભગવાન વેંકટેશ્વરને લાડુ ધરાવવાની પરંપરાની શરૂઆત થઈ હતી. તે પહેલાં બૂંદીનો લાડુ ચઢાવવામાં આવતો હતો અને તેને ‘મનોહરમ્’ કહેવામાં આવતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલમાં મંદિરમાં જે લાડુ મળે છે તેની શરૂઆત 1940માં થઈ હતી. ચણાના લોટથી પ્રથમ બૂંદી તૈયાર કરવામાં આવે છે. આ બૂંદીને ઘીમાં તળવામાં આવે છે તેને ગોળથી બનાવેલી ચાસણીમાં બોળવવાંમાં આવે છે. ત્યારબાદ તેમાં બદામ, કાજૂ અને કિસમિસ ઉમેરીને લાડુ બનાવવામાં આવે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી) અનુસાર માત્ર વૈષ્ણવ કુળના બ્રાહ્મણો આ લાડુ બનાવી શકે છે. દાયકાથી આ કુળના બ્રાહ્મણો જ લાડુ બનાવે છે.
હાલમાં તિરુમાલમાં દરરોજ 3.5 લાખ લાડુ તૈયાર થાય છે. લાડુની વિશિષ્ઠ ઓળખ અકબંધ રહે તે માટે સાલ 2009માં તેને GI ટૅગ આપવામાં આવ્યો છે.
GI ટૅગ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ જે ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્ભવતી પ્રોડક્ટ, સેવા કે કળાને ઓળખ આપે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી) અનુસાર કેટલાક લોકો તિરુપિતના લાડુ જેવાં લાડુ બનાવીને શ્રદ્ધાળુઓને વેચતા હતા. આ બંધ કરાવવા માટે GI ટૅગની પ્રક્રિયા કરવામાં આવી હતી.
મંદિર પરિસરમાં લાડુ વિતરણ અને વેચાણ માટે 80થી વધુ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે તેમ છતાં લાડુ લેવા અને ખરીદવા માટે ભક્તોને કલાકો સુધી લાઇનમાં ઊભાં રહેવું પડે છે. માત્ર લાડુના વેચાણથી ટીટીડી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે.
લાડુ કેમ ખાસ છે?
- તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)માં જે લાડુ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે તેને શ્રીવરી લાડુ પ્રસાદમ્ કહેવામાં આવે છે.
- આ લાડુ મંદિરના ગુપ્ત રસોડામાં તૈયાર કરવામાં આવે છે. આ રસોડાને પોટૂ કહેવાય છે. કહેવાય છે કે આ લાડુને બનાવવાની રીત લગભગ 300 વર્ષ જૂની છે.
- માત્ર વૈષ્ણવ બ્રાહ્મણો જ આ લાડુ બનાવી શકે છે. ટીટીડી અનુસાર પોટૂમાં 980 હિન્દુઓ કામ કરે છે પરંતુ લાડુ માત્ર વૈષ્ણવ બ્રાહ્મણો જ બનાવે છે. તેઓ લાડુ માટેનો કાચો સામાન પણ તેઓ જાતે ભેગો કરે છે.
- મંદિરમાં આપવામાં આવતો દરેક મોટો લાડુ 700 ગ્રામનો હોય છે. દરેક લાડુમાં 23.5 ગ્રામ કાજુ હોય છે, 12.5 ગ્રામ કિસમિસ, 8.2 ગ્રામ બદામ અને 6.2 ગ્રામ ખાંડ હોય છે.
- સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે લાડુ નરમ હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દરેક લાડુમાં 12 ટકા ભેજ હોય અને વિતરણ કરતી વખતે આ ભેજનું પ્રમાણ જળવાઈ રહે.
લાડુ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)માં જે લાડુ ભક્તોને વિતરણ કરવામાં આવે છે તે ઘણી વખત વિવાદમાં આવ્યો છે. ટીટીડીએ ઘણી વખત વિવાદ વધતા ખુલાસા પણ કરવા પડ્યા છે.
2008માં એક લાડુ ઉપરાંત વધારાના પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતાં બે લાડુની કિંમત 25 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેતા વિવાદ થયો હતો. હાલમાં દરેક લાડુ માટે 50 રૂપિયામાં લેવામાં આવે છે.
ટીટીડીએ લાડુના 50 રૂપિયા કરી નાંખતા કેટલાક લોકોએ પોતાનો અસંતોષ પણ પ્રકટ કર્યો હતો. તેમનું કહેવું હતું કે કિંમત વધવાથી ગરીબ અને આર્થિક રીતે અશક્ત લોકો પ્રસાદનો લાભ લઈ શક્તાં નથી.
2023માં આ લાડુને બ્રાહ્મણ દ્વારા જ બનાવવા જેવા એક નૉટિફિકેશન પર પણ વિવાદ થયો હતો. પરંતુ ટીટીડીએ જણાવ્યું હતું કે દાયકાઓથી વૈષ્ણવ બ્રાહ્મણો જ લાડુ બનાવે છે અને તેઓ માત્ર પરંપરાને અનુસરે છે.
જુલાઈ 2024માં સોશિયલ મીડિયામાં એવાં સમાચાર વાયરલ થયા હતા કે થૉમસ નામની વ્યક્તિ લાડુ બનાવે છે. ટીટીડીએ આ સમાચારને ખોટા ગણાવીને ફગાવી દીધો હતો
હાલમાં જ ટીટીડીએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો વધુ મોટી માત્રામાં લાડુની ખરીદીને બહાર વેચાણ કરી રહ્યા છે. ટીટીડીએ અનુસાર કેટલાક કર્મચારીઓ પણ સામેલ હતા જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તિરુપતિ મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ ટીટીડી વધુને વધુ લાડુનું ઉત્પાદન થઈ શકે તે માટે મશીનોનો સહારો લઈ રહી છે. ટીટીડીના આ વલણના કારણે પણ વિવાદ થયો છે. કેટલાક લોકો માને છે પ્રસાદની પવિત્રતા માટે જરૂરી છે કે તેને સંપૂર્ણ વિધિવત રીતે અને હાથથી બનાવવામાં આવે.
આ સામે ટીટીડીનું કહેવું છે કે ભક્તોની સતત વધતી સંખ્યા અને લાડુની ભારે માગને પહોંચી વળવા માટે તેનું મોટા પાયે ઉત્પાદન કરવી જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












