ઘી ભેળસેળવાળું હોય કે અસલી એ કેવી રીતે ખબર પડે અને શું ધ્યાન રાખવું?

ઘી

ઇમેજ સ્રોત, Getty Images

આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુ બાબતે વિવાદ સર્જાયો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે લાડુમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે કે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટી સત્તા પર હતી ત્યારે તિરુમાલા મંદિરના લાડુમાં શુદ્ધ ઘીને બદલે “પ્રાણીની ચરબી”નો ઉપયોગ કરવામાં આવતો હતો.

અમરાવતીમાં યોજાયેલી એનડીએ યુતિના વિધાનસભ્યોની એક બેઠકમાં ચંદ્રાબાબુએ આ ટિપ્પણી કરી હતી.

વાયએસઆર કૉંગ્રેસના નેતાઓએ ચંદ્રાબાબુની ટિપ્પણી સામે વાંધો લીધો છે.

રાજ્યના વિવિધ રાજકીય પક્ષો અને કામદાર સંઘના નેતાઓએ આ બાબતે પ્રતિભાવ આપ્યો છે.

આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જાય છે. મંદિરે દર્શન કરવા જતા લોકોને પ્રસાદમાં લાડુ આપવામાં આવે છે.

ટીડીપીએ ગુજરાતની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો હવાલો આપીને કહ્યું કે લાડુમાં પશુની ચરબીનો ઉપયોગ થવાની પુષ્ટિ થઈ છે.

હવે જ્યારે આ વિવાદને કારણે સમગ્ર રાજ્યમાં નકલી ઘીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે બીબીસીએ નકલી ઘી બનાવવાની રીત અને તેને ઓળખવાની કારગત પદ્ધતિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

કેવી રીતે બનાવાય છે નકલી ઘી?

ઘી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટના મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય શાખામાં ડેપ્યુટી હેલ્થ ઑફિસર ડૉ. હાર્દિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઓછા રોકાણે વધુ નાણાં કમાવવાની લાયમાં કેટલાક લોકો દ્વારા નકલી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, “નકલી ઘી બનાવવા માટે લેભાગુ તત્ત્વો દ્વારા મોટા પ્રમાણમાં અલગ અલગ પ્રકારનાં વનસ્પતિ ઘી અને તલના તેલનો ઉપયોગ કરાય છે. આ નકલી ઘીનું બંધારણ અને ચીકાશ લાગે એ હેતુથી આ પદ્ધતિ કારગત સાબિત થાય છે.”

આ સિવાય તેઓ કહે છે કે નકલી ઘીમાં અસલી ઘી જેવી સુગંધ અને ફ્લેવર સુનિશ્ચિત કરવા માટે જુદા જુદા ફ્લેવરનો પણ ઉપયોગ કરાય છે. આના કારણે મોટા ભાગના કિસ્સામાં નકલી ઘીમાંથીય ઑરિજિનલ જેવી સુગંધ આવતી હોય છે.

ડૉ. હાર્દિક નકલી ઘીનો ઉપયોગ કરવાનાં ભયસ્થાનો વિશે વાત કરતાં કહે છે કે, “નકલી ઘીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી હૃદયરોગ અને સ્ટ્રોક જેવી લાંબા ગાળાની ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે.”

તેઓ જાહેર જનતાને બજારમાં મળતા નકલી ઘી મામલે સાવચેત રહેવાનું જણાવતાં કહે છે કે, “અસલી જેવું દેખાતું માર્કેટમાં મળતું નકલી ઘી ઘણી વખત અસલ કરતાં થોડા ઓછા ભાવે વેચાય છે. તેથી ખરીદતી વખતે ગ્રાહકે ખૂબ ધ્યાન રાખવું એ હિતાવહ છે.”

તેઓ અસલી ઘી અને નકલી ઘી વચ્ચે ફરક કરવામાં ગ્રાહકોને પડતી મૂંઝવણ અંગે વાત કરતાં કહે છે કે, “ઘણી વાર નકલી ઘી પણ લોકોને શંકા ન પડે એટલે અસલ ઘીના ભાવે જ વેચાતું હોય છે. તેને જોઈને પણ તેની ઓળખ કરવાનું કામ મુશ્કેલ છે. તેથી ઘી ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.”

“અસલી ઘી પર આઇએસઆઇનું માર્કિંગ અને એફએસએસઆઇનું રજિસ્ટ્રેશન નંબર કે લાઇસન્સ નંબર હોય છે. આ સિવાય પૅકમાંના પોષકતત્ત્વોનો ચાર્ટ, સામગ્રી વગેરે જોઈને પ્રોડક્ટ ખરીદવી જોઈએ.”

નકલી ઘીની ખરીદીથી બચવા શું કરવું?

શુદ્ધ ઘી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશનનાં ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશર દીપિકા ચૌહાણ નકલી ઘીને ઓળખવા માટેના ટેસ્ટ અંગે વાત કરતાં કહે છે:

“અગાઉ વનસ્પતિ ઘી અને તલના તેલમાંથી બનેલા બનાવટી ઘીની તપાસ માટે બોડિન ટેસ્ટ અને ઘીની આરએમ વેલ્યૂ જેવાં પરીક્ષણો પર આધાર રખાતો. પરંતુ આ ટેસ્ટથી બચવા માટે ઘણી બધી છટકબારી અને રીતો વિકસાવી લેવાઈ હતી. જોકે, હવે ગૅસક્રોમેટ્રોગ્રાફી પદ્ધતિ દ્વારા ઘીમાં વનસ્પતિ ઘીની હાજરીની ખબર પડી જાય છે.”

તેઓ સામાન્ય ગ્રાહકે અસલી ઘીની ઓળખ માટે લેવાનાં પગલાં અંગે વાત કરતાં કહે છે કે, “ઉપર જણાવેલી બધી પદ્ધતિઓ લૅબોરેટરી થકી શક્ય બને છે. ગ્રાહકો સરળ રીતે ઊભા ઊભા અસલી-નકલી ઘીનો ફરક કરી શકે એવી કોઈ પદ્ધતિ હાલ નથી. પરંતુ નકલી ઘીથી બચવા માટે આપણે સારી દુકાન કે બ્રાન્ડનું ઘી ખરીદીએ એ સુનિશ્ચિત કરી શકીએ. તેમજ છૂટક ઘી ન ખરીદી સારી બ્રાન્ડનું પૅક્ડ ઘી જ ખરીદવું એ હિતાવહ છે.”

રેડ લાઇન
રેડ લાઇન