અંબાજી મંદિરમાં પ્રસાદમાં વપરાતું ઘી ભેળસેળિયું, શું છે મામલો અને કેવો છે મોહનથાળનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ નોંધાયો છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મંદિરમાં પ્રસાદ માટે વપરાતું ઘી બનાવટી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રસાદ માટેનું ઘી મોકલાવી રહેલી એક ખાનગી પેઢી વિરુદ્ધ 'અમૂલ'ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ દાખલ કરાઈ છે.
રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશને મંદિરને સપ્લાય કરાયેલા ઘીના નમુના લીધા હતા અને એ ઘી પરીક્ષણ દરમિયાન ગણવત્તાના માપદંડો ઉપર ખરું નહોતું ઊતર્યું.
અહીં એ પણ નોંધનીય છે કે અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને થોડા સમય પહેલાં વિવાદ પણ થયો હતો. સંચાલકો દ્વારા મંદિરની આગવળી ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી, જેના કારણે ભક્તોમાં મોટ પ્રમાણમાં નારાજગી ફેલાઈ હતી.
આ મામલે ભારે વિવાદ થયા બાદ મંદિરમાં મોહનથાળને પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરવાની પરંપરા રહી છે.

મોહનથાળની મોહિની

ઇમેજ સ્રોત, Getty Images
મોહનથાળ. શબ્દનો સંધિવિચ્છેદ કરાતાં એ 'મોહન' અને 'થાળ' શબ્દનો બનેલો છે. મતલબ કે મોહનને (શ્રીકૃષ્ણનું એક નામ) પ્રિય થાળ એટલે પ્રસાદ કે ભોજન.
શ્રીપ્રભુદત્ત બ્રહ્મચારી દ્વારા 'ભાગવતી કથા'ના 39મા ખંડમાં (પેજનંબર 35) જશોદાએ નંદલાલ, કૃષ્ણ અને બલરામના ભોજન માટે અનેક પ્રકારનાં ભોજનમિષ્ઠાન બનાવ્યાં હતાં, જેમાં અનેક પ્રકારના લાડવા ઉપરાંત મોહનથાળ બનાવ્યો હોવાનો ઉલ્લેખ પણ કરે છે.
શ્રીપ્રભુદત્ત બ્રહ્મચારી દ્વારા 'ભાગવતી કથા'ના ખંડ 52માં (પેજનંબર 101) મહારાજ વિદેહ (રાજા જનકના પૂર્વજ) અને મુનિઓ વચ્ચેના સંવાદ દરમિયાન તેઓ ભોજનસામગ્રી મોહનથાળ પ્રત્યેની આસક્તિ વિશે થયેલી ચર્ચાને ટાંકે છે.
ભારતમાં ભક્તિકાળ દરમિયાન કબીર, નાનક, ચૈતન્ય, નામદેવ, એકનાથ, તુલસીદાસ, સૂરદાસ, તુકારામ, નરસિંહ મહેતા, વલ્લભાચાર્ય, ચંડીદાસ વગેરે થઈ ગયા. જેમણે ઈશ્વર અને તેના ભક્ત વચ્ચે 'સીધો સંવાદ' થઈ શકે અને તેના માટે કોઈ ત્રીજી વ્યક્તિની જરૂર ન હોવાની વાત ઉપર ભાર મૂક્યો હતો. આમાંથી અમુક સંતોએ ઈશ્વરને ભોગ ધરીને પોતે કે અનુયાયીએ જમવાની પરંપરા હાથ ધરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વલ્લભાચાર્યના અનુયાયી પદ્મનાભદાસ અને તેમનાં દીકરી તુલસી વચ્ચેના પ્રસંગમાં ઘરમાં કશું ન હોવા છતાં આરાધ્યને મોહનથાળનો ભોગ ધર્યો હોવાની કથા પ્રચલિત છે.
મોહનથાળમાં વપરાશમાં લેવામાં આવતી સામગ્રીમાંથી એક એવી ખાંડનું ચલણ ભારતીય સમાજમાં છેલ્લા અમુક દાયકાથી જ વધ્યું છે, એટલે અગાઉના મોહનથાળમાં વપરાતી સામગ્રી અલગ હોવાનું માની શકાય.

મોહનથાળની '(ઑપન)-સિક્રૅટ' ફૉર્મ્યુલા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલગ-અલગ તીર્થધામો સાથે તેની પ્રસાદની આગવી ઓળખ હોય છે, આ સિવાય કેટલાક દેવી-દેવતા સાથે ચોક્કસ પ્રસાદ જોડાયેલો હોય છે. જેમ કે, હનુમાન સાથે શ્રીફળ તો કૃષ્ણ સાથે માખણ જોડેલા છે. શ્રીનાથજીનો ઠોર, મહુડીની સુખડી, વીરપુરની ખીચડી-કઢી તીર્થધામના પ્રચલિત પ્રસાદ છે. આ સિવાય ઉજ્જૈનમાં કાળભૈરવને શરાબ, વારાણસીમાં મહાશિવરાત્રી નિમિતે ભાંગ જેવા કૈફીપદાર્થો પણ પ્રસાદસ્વરૂપે ધરવામાં આવે છે.
આવી જ રીતે અંબાજીના મંદિર સાથે મોહનથાળનો પ્રસાદ જોડાયેલો છે. મોહનથાળમાં ચણાનો લોટ (બેસન), ખાંડ, ઘી, દૂધ અને એલચી એ મુખ્ય સામગ્રી હોય છે. લગભગ આવી જ સામગ્રીથી મગસ, મૈસૂરપાક, બેસનના લાડુ વગેરે જેવાં મિષ્ઠાન બને છે, પરંતુ બનાવવાની વિધિ અને પીરસતી વખતે તેના સ્વરૂપ વગેરેના આધારે તેને અલગ-અલગ નામ મળે છે.
અંબાજીમાં પ્રસાદ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલી વ્યક્તિએ અગાઉ જણાવ્યું હતું કે અંબાજીના મોહનથાળના પ્રસાદમાં ઘી, ખાંડ અને બેસનનું પ્રમાણ અનુક્રમે 3:6:4 હોય છે. શરૂઆતમાં બેસન સાથે દૂધ અને ઘી ભેળવવામાં આવે છે, જેના માટે 'ધાબું દેવું' એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ પછી લોટને ધીમા તાપે બદામી રંગનો થવા દેવામાં આવે છે. એ પછી સામાન્ય વિધિ મુજબ જ મોહનથાળ બનાવવામાં આવે છે.
અંબાજી મંદિર દ્વારા વેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના પૅકેટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, દર 100 ગ્રામ મોહનથાળમાં 30 ગ્રામ બેસન, 46 ગ્રામ ખાંડ, 23 ગ્રામ ઘી તથા એક ગ્રામમાં દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે.
અંબાજીના મંદિર દ્વારા આપવામાં આવતા મોહનથાળના પ્રસાદનું FSSAI (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) રજિસ્ટ્રેશન થયેલું છે. નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે.
દાંતાના પૂર્વ રાજવી પરિવારના મહિપેન્દ્રસિંહ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "અંબા માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવવાની પરંપરા 500 વર્ષ કરતાં પણ પુરાણી છે. તમે ત્યાંનો મોહનથાળ ચાખશો તો તેનો સ્વાદ બીજાસ્થળ કરતાં અલગ જ વર્તાઈ આવશે."
"તાજેતરમાં જે વિવાદ થઈ રહ્યો છે, તે ખૂબ જ કમનસીબ બાબત છે. મોહનથાળનો પ્રસાદ એ મંદિરની આગવી ઓળખ છે. છેલ્લા કેટલાક સમયથી પ્રસાદના ભાવ વધારી દેવામાં આવ્યા છે, સામગ્રીના ભાવ વધવાથી ભાવવધારો થયો છે, આમ છતાં લોકો આસ્થાને મોહનથાળનો પ્રસાદ પસંદ કરે છે, તેને બંધ ન કરવો જોઈએ."
આઝાદી સમયે ભવાનીસિંહ પરમાર દાંતાના રાજવી હતા. તેઓ અંબાજીના પરમભક્ત હતા અને તેમની પૂજાઅર્ચના અને ધાર્મિકવિધિમાં વ્યસ્ત રહેતા. તેમણે શાસનની ધૂરા તેમના પુત્ર પૃથ્વીરાજસિંહને સોંપી દીધી હતી. જેમણે રાજ તો સોંપી દીધું હતું, પરંતુ શ્રદ્ધાને કારણે અંબાજી મંદિરના વહીવટને માટે કાયદાકીય લડત આપી હતી.

મોહનથાળના પૅકેટ પર બનાવટની તારીખ ટાંકવામાં નથી આવતી, પરંતુ લખવામાં આવેલી સૂચના પ્રમાણે, 'ખરીદ કર્યાથી આઠ દિવસ'ની અંદર તેનો ઉપયોગ કરી લેવાનો રહે છે. તેના સીધા સૂર્યપ્રકાશ, ગરમીથી દૂર રાખવા તથા સૂકી અને ઠંડી જગ્યાએ રાખવાની સૂચના લખવામાં આવે છે.
મોહનથાળના સ્થાને ચીકીનો પ્રસાદ શરૂ કરવા બદલ તેને સૅલ્ફલાઇફનો તર્ક આપવામાં આવ્યો હતો. જોકે, જાણકારોના કહેવા પ્રમાણે, વૅક્યુમ પૅકિંગ, મોહનથાળના ચોસલા કરી તેમાં નાઇટ્રૉજન ઇન્ફ્યુસ કરીને સૅલ્ફલાઇફમાં બેગણી કે તેથી પણ વધુ સુધીનો વધારો કરી શકાય છે.

વિવાદના વરતારા

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ ખાતે પણ ટ્રસ્ટ દ્વારા પ્રસાદસ્વરૂપે ચીકી આપવામાં આવે છે. એ તર્જ પર જ અંબાજીમાં પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાક મહિના પહેલાં અંબાજીના મંદિર ખાતે મોહનથાળ ઉપરાંત ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો. વ્યવસ્થાના ભાગરૂપે એક કાઉન્ટર ઉપરથી પાવતી લેવાની તથા બીજા કાઉન્ટર પરથી મોહનથાળનો પ્રસાદ મળે તેવી ગોઠવણ કરવામાં આવી હતી.
જ્યારે ચીકી માટે પૈસા આપીને તરત જ પ્રસાદ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આવી વ્યવસ્થાને મોહનથાળની સરખામણીમાં ચીકીનું વેચાણ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી હતી.
ભક્તો દર્શને નહીં આવી શકેલા વૃદ્ધ પરિવારજન માટે મોહનથાળ લઈ જવાનું વિશેષતઃ પસંદ કરે છે, કારણ કે તે ચીકીની સરખામણીમાં ચાવવા સરળ હોય છે.
કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવીને સરકારની મંછા ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને સ્થાપિત હિતોને આગળ કરવા માટે તથા નફો મેળવવા માટે આમ કરવામાં આવ્યું હોવાના આરોપ મૂક્યા હતો.
આ સિવાય હિંદુ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મોહનથાળનો પ્રસાદ બંધ નહીં કરવાની માગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ભાજપની ભગિની સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ ચાચરમાં સરકારના નિર્ણય વિરૂદ્ધ દેખાવો યોજવામાં આવ્યા હતા.
વધુમાં મોહનથાળનો પ્રસાદ બનાવવા અને તેના પૅકિંગના કામમાં અઢીસો જેટલાં મહિલા જોડાયેલાં છે. ચીકીને કારણે તેમની આજીવિકા ઉપર પણ જોખમ ઊભું થયું હતું. દર વર્ષે પ્રસાદનું (મહદંશે મોહનથાળ) ટર્નઓવર રૂ. 25 કરોડ જેટલું હોવાનું માનવામાં આવે છે.

ટ્રસ્ટ વિશે ટૂંકમાં

ઇમેજ સ્રોત, Getty Images
તા. 17 માર્ચ 1960ના રોજ ઠરાવ દ્વારા 'બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, 1950' હેઠળ 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ની સ્થાપના કરવામા આવી હતી.
વહીવટીય વ્યવસ્થા પ્રમાણે, બનાસકાંઠાના કલેક્ટર ટ્રસ્ટના ચૅરમૅન બન્યા, તેમાં અન્ય અધિકારીઓ તથા સભ્યોને નીમવાની જોગવાઈ કરવામાં આવી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પણ આ વ્યવસ્થા યથાવત્ રહેવા પામી હતી.
સખાવતીઓ તથા લાભાર્થીઓના હિત સચવાય તે માટે રૂ. 50 હજારથી વધુ કિંમતની કોઈ ખરીદી કે કામ આપવા માટે ટૅન્ડર કાઢવામાં આવે છે. જેની જાહેરાત વ્યાપક ફેલાવો ધરાવતા અખબારમાં કરવાની હોય છે. ત્યારે મોહનથાળના સ્થાને ચીકી આપવા બદલ ટૅન્ડરપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે કેમ તેવા સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.
આજે ટ્રસ્ટ દ્વારા નિયંત્રણ હેઠળ આવતાં 30 જેટલાં મંદિર, પથિકાશ્રમ, ભોજનાલય, વિશ્રામગૃહ, હૉસ્પિટલ, સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે મહાવિદ્યાલય (1970), કૉલેજ (1991)નું સંચાલન કરવામાં આવે છે.
ઑક્ટોબર-2020માં ગુજરાત સરકાર દ્વારા "Ambaji Area Development and Pilgrimage Tourism Governance Act, 2020" પસાર કરવામાં આવ્યો છે, જેથી કરીને યાત્રાધામમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થઈ શકે. તેમાં ચૅરમૅન તથા અન્ય સભ્યોની નિમણૂકો અંગે જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે કલેકટરને વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.














