પાકિસ્તાનનો ઝારા પહેલવાન, જેણે 19 વર્ષની ઉંમરે ભલભલાને રિંગમાંથી ફેંક્યા અને ક્યારેય કુસ્તી ન હાર્યો

મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, Facebook/MariyamJhara

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, બીબીસી ઉર્દૂ
  • વાંચવાનો સમય: 8 મિનિટ

લાહોરની જૂની વસાહતને બે ભાગમાં વહેંચી દેનાર અને રાવી નદી બાજુ જતી સડક પર ભાટી ચોકથી થોડેક જ દૂર જમણી તરફ પીર મક્કી વિસ્તાર છે.

આ વિસ્તારમાં ઘણા પાકિસ્તાની પહેલવાનોના અખાડા હતા અને ઘણાના અખાડામાં તેમની કબર છે. જેમ કે, ભોલુ પહેલવાનના અખાડામાં તેમની પોતાની કબર છે. તેમની બાજુમાં જ તેમના ભાઈ દફન છે અને એક ઊંચા ચબૂતરા પર એક કબર તેમના ભત્રીજા મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાનની છે.

એ જ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન જેમણે માત્ર 19 વર્ષની ઉંમરે જાપાની પહેલવાન એન્ટોનિયો ઇનોકીને કુસ્તીની એક સ્પર્ધામાં હરાવી દીધા હતા.

ઝારાની કબરથી છ મીટર પશ્ચિમમાં તેમના કાકા મોહમ્મદ અકરમ ઉર્ફે અકી પહેલવાનની કબર છે. 1976માં ઇનોકીએ અકી પહેલવાનને હરાવ્યા હતા.

શાહિદ નઝીર ચૌધરીના સંશોધન અનુસાર, ઝારાનાં માતાપિતા બંને પહેલવાન પરિવારનાં હતાં.

ઝુબૈર ઉર્ફે ઝારાનો જન્મ 24 સપ્ટેમ્બર, 1960માં લાહોરમાં રુસ્તમ પંજાબ અને રુસ્તમ એશિયા મોહમ્મદ અસલમ ઉર્ફે અચ્છા પહેલવાનના ઘરે થયો હતો.

મંજૂર હુસૈન ઉર્ફે ભોલો પહેલવાન, આઝમ પહેલવાન, અકરમ પહેલવાન, હસ્સો પહેલવાન અને મોઅઝ્ઝમ ઉર્ફે ગોગા પહેલવાન ઝારાના કાકા હતા.

તેઓ રુસ્તમ-એ-જમાન ગામા પહેલવાનના ભાઈ રુસ્તમ હિંદ ઇમામ બખ્શના પૌત્ર અને ગામા કિલાવાલા પહેલવાનના પ્રપૌત્ર હતા.

પ્રોફેસર મોહમ્મદ અસલમના પુસ્તક 'ખફતગાન-એ-ખાક-એ-લાહૌર'માંથી જાણવા મળે છે કે તેમનું અવસાન થયું ત્યારે રોજાના જંગે લખ્યું હતું કે ઝારાની ઉંમર 31 વર્ષ હતી.

પ્રથમ મુકાબલો: એક મિનિટમાં હરીફને હરાવી દીધો

મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, NASIR BHOLU

ઇમેજ કૅપ્શન, જાપાની પહેલવાન એન્ટોનિયો ઇનોકીએ ઝારાના કાકા મોહમ્મદ અકરમ ઉર્ફે અકી પહેલવાનને હરાવ્યા હતા

શાહિદ નઝીર ચૌધરીએ ઝારા પહેલવાનના પિતરાઈ ભાઈ નાસિક ભોલુનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે જ્યારે ઝુબૈર પ્રાથમિક શિક્ષણની પરીક્ષામાં નાપાસ થયો ત્યારે તેઓ ખુબ ખુશ થયો, કેમ કે, હવે તેની પહેલવાનીનો માર્ગ મોકળો થઈ ગયો હતો.

ચૌધરીએ લખ્યું છે, "ત્યાર પછી ખૂબ જ શરમાળ અને શાંત સ્વભાવના ઝુબૈરને મોહિની રોડસ્થિત અખાડામાં ભોલુ પહેલવાનની કરડી દેખરેખ હેઠળ હરીફને પોતાના બાહુબળથી વશમાં કરવાની તાલીમ આપવામાં આવી."

ગુરુઆજ્ઞાનું પાલન કરનાર ઝારાએ પોતાના પહેલા મુકાબલામાં મુલ્તાનના જાવર પહેલવાનને માત્ર એક જ મિનિટમાં હરાવી દીધો હતો.

બીજા મુકાબલામાં ઝારાએ ગુજરાંવાલાના રહીમ સુલતાનીવાલા રુસ્તમ હિંદના પુત્ર મેરાજ પહેલવાનના શિષ્ય મોહમ્મદ અફઝલ ઉર્ફે ગોગા પહેલવાનને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 27 જાન્યુઆરી 1978એ સત્તર મિનિટમાં હરાવી દીધા. ત્યાર પછી ઝારા સાથે ઇનોકીની કુસ્તીના મુકાબલાનો સમય આવ્યો.

ઝારાને આ રીતે તૈયાર કરવામાં આવ્યો

મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, NASIR BHOLU

ઇમેજ કૅપ્શન, નાસિર ભોલુ, જે ઘણી વાર ઝારા સાથે કુસ્તી કરતા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શાહિદ નઝીર ચૌધરીએ 'ઇતિહાસ રચને વાલે પહલવાન' શીર્ષકથી પોતાના લેખમાં લખ્યું કે, ઝારાનું નામ હવે ચકચારી બની ચૂક્યું હતું અને લોકો તેને જોવા માટે અખાડામાં એકઠા થવા લાગ્યા હતા.

અખ્તર હુસૈન શેખ પોતાના પુસ્તક 'દાસ્તાન શાહ જોરાન'માં ઇનોકી સામેની મૅચ માટે ઝારાની તૈયારીનું ક્રમબદ્ધ વર્ણન કરે છે.

"ઝારાને સૂચના આપવામાં આવી કે તે રાવી નદી તરીને પાર કરે અને પછી અખાડા સુધી પાછો આવે. તેને રાત્રે બે વાગ્યે જ જગાડી દેવાતો અને પછી નમાજ પછી તે ત્રણ હજાર ઊઠબેસ કરતો હતો."

"ત્યાર પછી ફર્રુખાબાદથી લાહોરના શાહી કિલ્લા સુધી દોડતો હતો. અડધા કલાકમાં અખાડો તૈયાર કરતો અને બે હજાર તીર ફેંકતો હતો અને ત્યાર પછી બે હટ્ટાકટ્ટા પહેલવાનને ખભે બેસાડીને રાવીના પુલને અડીને પાછો દોડતો."

ચૌધરીએ આગળ જણાવ્યું છે, "પછી તે ટ્રેડમિલ પર દોડતો, લોખંડનું બ્રેસલેટ પહેરતો અને કસરત કરતો. તે અડધો કલાક પીટી અને અડધો કલાક 15 પાઉન્ડ ડંબલ ઉપાડતો. નાના-મોટા પહેલવાનો સાથે કુસ્તી કરતો અને પછી સાંજે કસરત થતી."

ચૌધરીએ લખ્યું છે કે નાસિર ભોલુએ તેમને જણાવ્યું હતું કે, "ઝારા અને તેઓ એકબીજા સાથે કુસ્તી લડતા હતા, પરંતુ તે મારા કરતાં વધારે શક્તિશાળી હતો."

તેમનામાં ભોલુ પહેલવાનોની જેવી ઝડપ, સ્ફૂર્તિ અને સાહસ હતાં. તે 6 ફૂટ 2 ઇંચ ઊંચો અને લોખંડી શરીર ધરાવતો હતો. અચ્છા પહેલવાન ગર્વથી કહેતા હતા, "ઝારા પોતાના કાકા પર ગયો છે."

અખ્તર હુસૈન શેખે લખ્યું છે, "બે કિલો માંસ, ત્રણ કિલો માંસના સ્ટૂ, બે કિલો દૂધ અને ફળોનો રસ તેમના રોજિંદા આહારમાં સામેલ હતાં."

ટિકિટ માટે ગદ્દાફી સ્ટેડિયમ બહાર પ્રદર્શન


મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગદ્દાફી સ્ટેડિયમ

17 જૂન, 1979. લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. ભીડ 40 હજારની સંખ્યાને પાર કરી ગઈ હતી. બધી જ ટિકિટો વેચાઈ ગઈ હતી.

ટિકિટ નહીં મળવાના કારણે સ્ટેડિયમની બહાર વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયું અને પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ઝારા પહેલવાન લાલ ગાઉન અને મોટી પાઘડી પહેરીને અખાડામાં ઊતર્યા હતા. ગાઉન પર સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન લખ્યું હતું. ઇનોમીનો શર્ટ પણ લાલ હતો.

ગેમ કમેન્ટેટર અરીઝ અરિફિને લખ્યું છે કે એવા સમયે જ્યારે દુનિયાના મોટા ભાગમાં આંતરરાષ્ટ્રીય મીડિયાની પહોંચ ખૂબ ઓછી હતી, ઇનોકીને વૈશ્વિક સ્તરે ઓળખ મળી હતી.

તેમની પ્રસિદ્ધિનું પ્રમાણ મહમદઅલી અને હલ્ક હોગન જેવા મહાન ખેલાડીઓ સામેના તેમના મુકાબલામાંથી મળે છે.

"બીજી તરફ, ઝુબૈર માત્ર ત્રણ વર્ષથી કુસ્તી લડતો હતો અને માત્ર 19 વર્ષનો હતો. તે પહેલવાન અકરમનો ભત્રીજો હતો, એ સ્થિતિમાં આ મુકાબલો એક બદલાની કહાની બની ગયો. આ જ કારણ છે કે આ રોમાંચક મુકાબલાની રાહ આખું પાકિસ્તાન જોતું હતું."

પાકિસ્તાની વાયુસેનાના સેવાનિવૃત્ત ગ્રૂપ કૅપ્ટન પરવેઝ મહમૂદ સામાજિક અને ઐતિહાસિક મુદ્દા પર લખે છે.

ભોલુ પહેલવાન પરિવાર સાથે બાળપણ જોડાયેલું હોવાના કારણે તેમણે પોતે તેમનાં દંગલો જોયાં હતાં.

પોતાના એક લેખમાં તેમણે લખ્યું છે કે મુકાબલાની પહેલાં જ લાહોર શહેરમાં ઉત્સવનું વાતાવરણ હતું.

100 રૂપિયાની એક ટિકિટ


મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, ullstein bild via Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાની પહેલવાન એન્ટોનિયો ઇનોકી

"ઓછામાં ઓછા ભાવની પ્રવેશ ટિકિટ 100 રૂપિયાની હતી, જે તે સમયે એક મોટી રકમ હતી. ક્રિકેટ મૅચની ટિકિટ લગભગ 10 રૂપિયામાં વેચાતી હતી."

"અકરમ ઉર્ફે અકી પોતાના ભત્રીજાની સાથે કોચ તરીકે હાજર હતા. ઝારાએ ઢોલના થડકારે એક પગ પર પારંપરિક કુસ્તી નૃત્ય કર્યું. ત્યાર પછી ઇનોકી રિંગમાં આવ્યા, દર્શકો તરફ હાથ હલાવ્યો અને પોતાના ખૂણે જતા રહ્યા."

'સ્પર્ધામાં પાંચ રાઉન્ડ હતા અને દરેક રાઉન્ડ વચ્ચે પાંચ મિનિટનો વિરામ હતો.'

પરવેઝ મહમૂદ અનુસાર, શરૂઆત તો ઝડપથી થઈ, પરંતુ જલદી સ્પષ્ટ થઈ ગયું કે ઇનોકી ઝારાની નજીક જવામાં ખચકાઈ રહ્યા હતા, જ્યારે ઝારા આખા મુકાબલા દરમિયાન આક્રમક મૂડમાં હતા.

તેમણે રિંગમાં ઇનોકીને વારંવાર ટૅકલ કર્યા અને દોરડાથી ધક્કા માર્યા. ઉંમરનો તફાવત, જે ત્રણ વર્ષ પહેલાં અકરમ પહેલવાનની વિરુદ્ધ અને ઇનોકીના પક્ષમાં હતો, આ વખતે તે ઝારાના પક્ષમાં હતો.

'બ્રેક દરમિયામ ઇનોકી દોરડાને ટેકો દઈને આરામ કરતો હતો, જ્યારે ઝારા રિંગમાં આંટા મારતો હતો.'

બીજા રાઉન્ડમાં ઝારાએ ફરી એક વાર ઇનોકીને જમીન પર પાડી દીધા અને તેમની છાતી પર બેસીને તેમના હાથ મચકોડવાની કોશિશ કરી.

જ્યારે ઝારાએ 'ધોબીપછાડ' અજમાવ્યો અને ઇનોકીની પીઠ પર જોરદાર પ્રહાર કર્યો, ત્યારે લાહૌરના દર્શકો પાગલ થઈ ગયા.

દર્શકોનો ઉત્સાહ ત્યારે બેવડાઈ ગયો જ્યારે ઝારાએ એક સમયે ઇનોકીને રિંગની બહાર ફેંકી દીધો અને તેને પાછા આવવામાં અડધી મિનિટ લાગી.

પરવેઝ મહમૂદે લખ્યું છે કે ત્રીજા રાઉન્ડમાં ઝારાએ ઇનોકીને લગભગ પાડી જ નાખ્યા હતા અને ઇનોકી એ ઝટકાથી બેભાન થઈ ગયા હતા.

કેટલાક લોકોને લાગ્યું કે ઉઘાડા પગે ઝારા, સખત સપાટીવાળી રિંગમાં ભારે તળિયાવાળા ઇનોકીની તુલનાએ નબળી સ્થિતિમાં હતા.

ચોથા રાઉન્ડમાં ઇનોકી મોટા ભાગે જમીન પર જ રહ્યા અને ઝારાને નજીક આવતા રોકવા માટે પોતાના પગનો ઉપયોગ કર્યો.

"તેઓ સંપૂર્ણ થાકેલા લાગતા હતા, જ્યારે ઝારા છેલ્લે સુધી તાજગીભર્યા રહ્યા."


મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, NASIR BHOLU

ઇમેજ કૅપ્શન, 1910માં ઝિબિસ્કોની સાથે લંડનમાં ગામા પહેલવાન

"પહેલા ચાર રાઉન્ડ ખરાબ રહ્યા. પાંચમા રાઉન્ડમાં ઇનોકી ધીમે ધીમે ઝારા તરફ વધ્યો અને ઝારા તેની ચારે બાજુ કૂદતો રહ્યો. એક સમય એવો આવ્યો જ્યારે બંનેની ડોક એકબીજા સાથે અથડાઈ ગઈ અને ઝારાએ તેને જોરથી માર્યું, પરંતુ ઇનોકીની પાછળ જઈને તેને પકડી ન શક્યો. ઇનોકીએ તેના હાથ અને આંગળીઓને મચકોડવાની કોશિશ કરી, પરંતુ ઝારાએ તેને સરળતાથી છોડાવી લીધાં."

"બાઉટની અંતિમ ક્ષણોમાં ઝારાએ ઇનોકીને પોતાની પીઠના બળે દબાવી દીધો. એક સમયે તો એવું લાગ્યું કે ઇનોકીના ખભા જમીનને અડી ગયા છે, પરંતુ ઘંટડી વાગી ગઈ."

પરવેઝ મહમૂદ અનુસાર, પરિણામ જાહેર થતાં પહેલાં, ઇનોકીએ પોતે આગળ આવીને ઝારાનો હાથ ઉઠાવ્યો અને સ્વીકાર્યું કે પાકિસ્તાની પહેલવાને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

ઝારા, તેમના સાથી અને આજુબાજુ રહેલા દર્શકો ખુશીથી ઝૂમી ઊઠ્યા. થોડી વાર પછી બાકીના દર્શકોને પણ આ વાત સમજાઈ અને પછી તેમણે ઉજવણી કરી.

'અલી બનામ ઇનોકી' પુસ્તકના લેખક જોશ ગ્રૉસે લખ્યું છે કે પાંચ રાઉન્ડની આકરી લડાઈ છતાં હરીફાઈ અનિર્ણાયક રહી, પરંતુ ઇનોકીએ આખરે ઝારાનો હાથ ઊંચો કરી દીધો.

"લાહૌરની ભીડ આ દૃશ્યને જોઈને ઉત્સાહિત થઈ ગઈ. આ એ ક્ષણ હતી જેણે પાકિસ્તાનના લોકોનાં દિલોમાં ઇનોકીના સ્થાનને વધુ મજબૂત કરી દીધું અને સાથે જ ઇસ્લામ પ્રત્યે ઇનોકીનું વલણ પણ વધતું ગયું."

(પછીથી ઇનોકીએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને પોતાનું નામ બદલીને મોહમ્મદ હુસૈન રાખી લીધું.)

મૅચ ફિક્સિંગનો આરોપ


મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, NASIR BHOLU

ઇમેજ કૅપ્શન, ભોલુ પહેલવાન પોતાના ભાઈઓ અસલમ અને ગોગાની સાથે

આ ઐતિહાસિક મુકાબલા પછી ઇનોકી અને ઝુબૈર ઝારા ઘનિષ્ઠ મિત્ર બની ગયા.

પરવેઝ મહમૂદે લખ્યું છે, "તે રાત્રે લાહૌરમાં અફવા ફેલાઈ કે મૅચ ફિક્સ હતી અને ઇનોકીએ પૈસા લઈને હાર સ્વીકારી લીધી છે."

ચૌધરીએ લખ્યું છે કે ભોલુબંધુઓએ આ અફવાને મિટાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પત્રકારપરિષદમાં જણાવ્યું કે આ અફવા તેમના વિરોધીઓએ ઘડી છે અને તેમાં સચ્ચાઈ નથી.

નશાની ટેવ ઘાતક સાબિત થઈ


મોહમ્મદ ઝુબૈર ઉર્ફે ઝારા પહેલવાન, પાકિસ્તાન, જાપાન, કુસ્તી

ઇમેજ સ્રોત, Facebook/MariyamJhara

ઇમેજ કૅપ્શન, ઝારા પહેલવાન

ગોગા પહેલવાને ફરી એક વખત ઝારાને પડકાર ફેંક્યો અને 17 એપ્રિલ, 1981એ બંને વચ્ચે કુસ્તી થઈ, પરંતુ ઝારાએ આક્રમક રીતે તેને ફરીથી હરાવી દીધો.

ચૌધરીએ લખ્યું છે કે કઈ રીતે ઝારાએ પોતાના એક પાડોશીની ફરિયાદના આધારે લાહોર રેલવે સ્ટેશન પર ભારતથી તસ્કરી કરીને લવાયેલાં પાન અને કપડાંના બદલામાં વસૂલી કરનારને ફટકાર્યા હતા. ત્યાર પછી પોતે જ વસૂલી શરૂ કરી દીધી.

"ભોલુ અને તેના ભાઈઓએ ઝારાને બગડતો અટકાવવાની કોશિશમાં તેનાં લગ્ન તેના કાકા ગોગા પહેલવાનની પુત્રી સાયરા સાથે કરાવી દીધાં."

ચૌધરી અનુસાર, "હવે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ ઝારા તક્ષશિલામાં એક કબાબની દુકાનની બહાર ઊભો હતો. તે નશામાં ધૂત હતો. નશાની અસર એટલી વધારે હતી કે ઝારા બધા કબાબ ખાઈ ગયો. અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને ઊલટીઓ થવા લાગી. હૉસ્પિટલમાં ડૉક્ટરે જણાવ્યું કે ઝારા હેરોઇનનો બંધાણી છે."

ઝારા કોઈની સલાહ માનતો નહોતો. ચૌધરીએ લખ્યું છે કે કેટલાક ઠેકેદારોએ તેનું આત્મસન્માન વધારવા માટે તેને રુસ્તમ લાહોર ભોલા ગાદીની વિરુદ્ધ ઊભો કરી દીધો.

"કુસ્તીના સમયે જ ઝારા સિગારેટનું ઝેર ખાઈને અખાડામાં ઊતર્યો. ગામા પહેલવાન, ઇમામ બખ્શ પહેલવાન અને ભોલુબંધુઓની છેલ્લી જ્યોત ટમટમતા દીવા સમાન હતી, તેનું અસંતુલિત શરીર અખાડામાં હાસ્યાસ્પદ લાગતું હતું. મુકાબલો થયો અને ઝારાએ ભોલા ગાદીને હરાવી દીધો."

"1984માં ઝારાએ તિરથિયાંથી અંતિમ કુસ્તી લડી, જે ઝારાની છેલ્લી કુસ્તી હતી."

ચૌધરી અનુસાર, "ત્યાર પછી ઝારા અખાડામાં જતા હતા, પરંતુ ધક્કામુક્કી અને કુસ્તીથી દૂર રહેતા હતા."

10 સપ્ટેમ્બર, 1991એ નાની ઉંમરે જ હાર્ટ એટૅકથી તેમનું મૃત્યુ થઈ ગયું. ગામા પહેલવાનની જેમ ઝારા પહેલવાન પણ ક્યારેય કોઈ મુકાબલો હાર્યા નહીં.

પરંતુ 'ખફતગાન-એ-ખાક-એ-લાહોર'માં લખ્યું છે કે 'યુવાવસ્થામાં હલકી ગુણવત્તાના નશીલા પદાર્થોની ટેવ ઘાતક સાબિત થઈ.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન