ગુજરાતના કચ્છની નજીક આવેલો સૌથી વધુ હિન્દુ વસ્તીવાળો આ પ્રદેશ પાકિસ્તાનમાં કેવી રીતે જોડાઈ ગયો?

સિંધુ સંસ્કૃતિ, સિંધ, ભારત-પાકિસ્તાનના ભાગલા, ભારત, ઇતિહાસ, બીબીસી ગુજરાતી કરાચી કચ્છ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના કચ્છને અડીને આવેલો પાકિસ્તાનનો પ્રાંત સિંધ હાલ ચર્ચામાં છે. ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે 'સિંધ ભારતમાં ભળી જાય' એ સંદર્ભનું નિવેદન આપ્યા બાદ સિંધની ચર્ચાએ જોર પકડ્યું છે અને પાકિસ્તાને આને "ઉશ્કેરણીજનક અને વિકૃત રીતે" રજૂ કરાયેલું ગણાવ્યું છે.

રાજનાથસિંહે તાજેતરમાં કહ્યું હતું, "ભલે સિંધ ભારતનો હિસ્સો ન હોય, પરંતુ સભ્યતાના દૃષ્ટિકોણથી તે હંમેશાં ભારતનો ભાગ રહેશે." તેમણે આગળ કહ્યું હતું, "સરહદો બદલાઈ શકે છે અને શું ખબર કે કાલે સિંધ ફરીથી ભારતમાં પાછું આવી જાય."

પોતાના આ નિવેદન વખતે સિંહે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીલિખિત પુસ્તકને ટાંકીને જણાવ્યું હતું કે માત્ર સિંધમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં હિંદુઓ સિંધુ નદીને પવિત્ર માનતા હતા.

જોકે, 1947ના વિભાજન પછી સિંધ પાકિસ્તાનમાં ગયું અને એ સમયે થયેલા પલાયનમાં લાખો હિંદુ સિંધી પરિવારો ત્યાંથી ભારત આવીને વસ્યા.

લાલકૃષ્ણ અડવાણીનું બાળપણ સિંધમાં જ પસાર થયું હતું. તેમનો પરિવાર નાસીને ભારત આવ્યો હતો. લાલકૃષ્ણ અડવાણીએ 2005માં સિંધનો પ્રવાસ કર્યો હતો અને કરાચી ગયા હતા.

વિભાજનમાં પાકિસ્તાનને મળ્યો સિંધ પ્રદેશ

સિંધુ સંસ્કૃતિ, સિંધ, ભારત-પાકિસ્તાનના ભાગલા, ભારત, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સિંધુખીણની સંસ્કૃતિ (2500થી 200 ઈસવીસન પૂર્વે)

ભારત અને પાકિસ્તાન બન્યાં એ પહેલાં સિંધનો પ્રદેશ બૉમ્બે પ્રોવિન્સ હેઠળ હતો. એટલે જ તો વિભાજન પછી ભારતે જે રાષ્ટ્રગીત અપનાવ્યું તેમાં પણ સિંધનો ઉલ્લેખ આવે છે.

અહમદ સલીમલિખિત કાર્યપત્ર 'પાર્ટિશન ઑફ ઇન્ડિયા: ધ કેસ ઑફ સિંધ - માઇગ્રેશન, વાયૉલન્સ ઍન્ડ પીસફુલ સિંધ'માં લખાયું છે:

સિંધનું ભારત અને બૉમ્બે પ્રેસિડેન્સીથી અલગ થવું એ ધાર્મિક, આર્થિક અને રાજકીય પરિબળોથી પ્રભાવિત પગલું હતું.

ઐતિહાસિક રીતે, સિંધ બ્રિટિશ શાસન હેઠળ બૉમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતું, જ્યાં હિન્દુ સમુદાય આર્થિક રીતે પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે સિંધી મુસ્લિમો મોટા ભાગે ગ્રામીણ અને આર્થિક રીતે દબાયેલા હતા.

પણ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની સાંપ્રદાયિક કડવાશને કારણે સિંધના સામાજિક-રાજકીય વાતાવરણને ઘણો વેગ મળ્યો.

સિંધના અલગ થવાની માગ મુખ્યત્વે મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી. શેખ અબ્દુલ મજીદ સિંધી અને અલ્લાહબક્ષ સુમરો જેવી અગ્રણી વ્યક્તિઓ સહિત સિંધના મુસ્લિમ નેતાઓએ આ મુદ્દાને આગળ ધપાવ્યો.

હિન્દુ સમુદાયના વિરોધ છતાં આ માગણી આખરે સ્વીકારવામાં આવી અને સિંધને બૉમ્બે પ્રેસિડેન્સીથી અલગ કરવામાં આવ્યું હતું.

તેના પરિણામે સિંધ મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રાંત બન્યો, પરંતુ તેનાથી હિન્દુ સિંધીઓ એક પ્રકારના ડરમાં આવ્યા હતા, તેમને ડર હતો કે, મુસ્લિમ રાજકીય વર્ચસ્વ હેઠળ તેમનાં હિતોને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાન જર્નલ ઑફ હિસ્ટ્રી ઍન્ડ કલ્ચર ભાગ સાતમાં મુહમ્મદ કાસિમ સુમરો લખે છે કે, 1938 દરમિયાન યોજાયેલી પ્રથમ સિંધ પ્રાંતીય મુસ્લિમ લીગ પરિષદમાં પાકિસ્તાનમાં જોડાવાનો ઠરાવ મુખ્ય રીતે ઉદ્ભવ્યો હતો.

આ પરિષદ ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તેમાં મુસ્લિમ ભારતના ઇતિહાસમાં દક્ષિણ એશિયામાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની માગ કરતો ઠરાવ પ્રથમ વખત અપનાવવામાં આવ્યો હતો.

પાકિસ્તાન જર્નલ ઑફ હિસ્ટ્રી ઍન્ડ કલ્ચર ભાગ સાતમાં જણાવ્યા અનુસાર, હાજી અબ્દુલ્લા હારૂન અને શેખ અબ્દુલ મજીદ સિંધી જેવા નેતાઓએ વ્યક્ત કર્યું હતું કે જો કૉંગ્રેસ મુસ્લિમ અધિકારોને સ્વીકારશે નહીં, તો મુસ્લિમો પાકિસ્તાન યોજનાનો આશરો લેશે.

તેમાં લખાયું છે કે, 23 માર્ચ, 1940ના રોજ લાહોરમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના અધિવેશનમાં મહત્ત્વપૂર્ણ પાકિસ્તાન ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

આ ઠરાવની પૃષ્ઠભૂમિમાં મહમદઅલી ઝીણા હેઠળ વર્ષોથી રાજકીય સંગઠન, વધતા સાંપ્રદાયિક તણાવ, મુસ્લિમ અધિકારો પર ધ્યાન આપવામાં કૉંગ્રેસની કથિત નિષ્ફળતા અને સિંધમાં મુસ્લિમ લીગ દ્વારા રાજકીય શક્તિ મેળવવાનો સમાવેશ થાય છે.

મોટી સંખ્યામાં શરણાર્થીઓનું સિંધમાં સ્થળાતંર

સિંધુ સંસ્કૃતિ, સિંધ, ભારત-પાકિસ્તાનના ભાગલા, ભારત, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિભાજન સમયે હિંદુ મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થયો અને અમૃતસર પણ તેમાંથી બાકાત નહોતું રહ્યું

ધ પાર્ટિશન મ્યુઝિયમ વેબસાઇટ વિભાજનની વિભિષિકા ભોગવનારાઓના અનુભવોને વાચા આપે છે તથા ભારતના પંજાબના અમૃતસર ખાતે વિભાજન ઉપર કેન્દ્રિત મ્યુઝિયમનું સંચાલન પણ કરે છે.

આ વેબસાઇટ પર પ્રકાશિત માહિતી અનુસાર, ભારતના ભાગલાના સંદર્ભમાં સિંધનો અનુભવ પંજાબ અને બંગાળથી અલગ હતો.

સિંધમાં લૂંટફાટ, મિલકતોનો વિનાશ અને ફરજિયાત વેચાણના અહેવાલો વધુ જોવા મળ્યા હતા. ભાગલા પછીના પ્રારંભિક મહિનાઓમાં સિંધી હિંદુઓએ સામૂહિક સ્થળાંતર કર્યું નહોતું; ઊલટાનું, તે સમયે અહીં સાંપ્રદાયિક કટ્ટરતાનો અભાવ અને સૂફી તથા વેદાંતિક વિચારોના પ્રભાવ હેઠળ સહિષ્ણુતાનું વાતાવરણ હતું, જેની નોંધ કૉંગ્રેસના પ્રમુખ આચાર્ય કૃપલાણીએ પણ લીધી હતી.

જોકે, નવેમ્બર 1947 સુધીમાં બિહાર અને બંગાળમાંથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ સિંધમાં આવ્યા. આ ભારતમાંથી સ્થળાતંર કરેલા લોકોએ હિંદુ સિંધીઓનાં ઘરો પર કબજો કરવાનું શરૂ કર્યું, જેનાથી ભયનું વાતાવરણ ફેલાયું.

ધ પાર્ટિશન મ્યુઝિયમ વેબસાઇટ અનુસાર, 17 ડિસેમ્બર 1947ના રોજ હૈદરાબાદ (સિંધ) અને 6 જાન્યુઆરી 1948ના રોજ કરાચીમાં થયેલી બે મુખ્ય હિંસક ઘટનાઓએ હિંદુઓને સિંધ છોડવાનો નિર્ણય લેવા માટે મજબૂર કર્યા.

હિંસા કરતાં પણ વધુ, સદીઓથી તેમની સંસ્કૃતિનું પાલન કરનાર પોતાની માતૃભૂમિ ગુમાવવાની પીડાએ હિંદુ સિંધીઓ પર ઊંડો અને કાયમી પ્રભાવ પાડ્યો.

1948ના પ્રથમ છ મહિનામાં લગભગ 10 લાખ સિંધી હિંદુઓએ ભારત તરફ સ્થળાંતર કર્યું. આ સ્થળાંતર ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યું અને 1951 સુધીમાં સિંધમાં માત્ર દોઢ લાખથી બે લાખ જેટલા જ હિંદુ પરિવારો બાકી રહ્યા હતા.

ઍન્સાઇક્લોપીડિયા બ્રિટેનિકામાં જણાવ્યા મુજબ, વર્તમાન સમયમાં સિંધની સરહદ ભારતના ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલી છે. ઉત્તર-પશ્ચિમમાં તેની સરહદ બલૂચિસ્તાન અને ઉત્તર-પૂર્વમાં તે પાકિસ્તાનના પંજાબ પ્રાંત સાથે જોડાયેલી છે.

આ પ્રદેશ સિંધુ ડેલ્ટામાં આવેલો છે અને આ નદીના નામ પરથી જ તે સિંધ નામે ઓળખાય છે.

સિંધ સરકારના માનવાધિકાર પંચના જણાવ્યા અનુસાર, આ પ્રાંતમાં 30 જિલ્લા છે અને કુલ વસ્તી 5.5 કરોડની છે.

સિંધ પ્રાંતનું કુલ ક્ષેત્રફળ એક લાખ, ચાલીસ હજાર ચોરસ કિલોમીટર છે.

2017ની વસ્તીગણતરી અનુસાર, આ પ્રાંતમાં 91.3 ટકા વસ્તી મુસ્લિમ છે અને સાડા છ ટકા વસ્તી હિંદુઓની છે. સિંધના ઉમરકોટ જિલ્લામાં આજે પણ હિંદુ બહુમતી છે.

બીબીસી ઉર્દૂના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં રહેતા મોટા ભાગના હિંદુઓ સિંધ પ્રાંતમાં છે.

ધર્માંતરણ બાબતે પણ સમાચારોમાં ચમક્યો સિંધ પ્રદેશ

સિંધુ સંસ્કૃતિ, સિંધ, ભારત-પાકિસ્તાનના ભાગલા, ભારત, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે સિંધ પ્રાંત પાકિસ્તાનને મળ્યો હતો (પ્રતીકાત્મક તસવીર)

હિંદુ ધર્મસ્થળો પર હુમલા તથા ધર્મપરિવર્તન બાબતે પણ સિંધ પ્રાંત સમાચારમાં ચમકતો રહ્યો છે.

અમેરિકન સાંસદ બ્રૅડ શેરમેને 2021માં આક્ષેપ કર્યો હતો કે સિંધમાં હિંદુ તથા ખ્રિસ્તી પરિવારોને બળજબરીથી ધર્મપરિવર્તનનું નિશાન બનાવાઈ રહ્યા છે.

સિંધમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્મપરિવર્તનનો ઉલ્લેખ પાકિસ્તાનના માનવાધિકાર પંચે પણ તેના એક અહેવાલમાં કર્યો હતો.

2023માં પાકિસ્તાનથી ભારત આવેલાં સીમા હૈદરની વતનવાપસી બાબતે સિંધ પ્રાંતમાં ડાકુઓએ હિંદુઓનાં ધાર્મિકસ્થળો તથા ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હતી.

સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર

સિંધુ સંસ્કૃતિ, સિંધ, ભારત-પાકિસ્તાનના ભાગલા, ભારત, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Muhammed Semih Ugurlu/Anadolu Agency via Getty Images

ઇમેજ કૅપ્શન, સિંધ પ્રાંત ગુજરાત અને રાજસ્થાન સાથે સરહદી જોડાણ ધરાવે છે

ગુજરાતના કચ્છને અડીને આવેલો વર્તમાન સિંધ પ્રાંત પ્રાચીન ભારતનું એક મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. સિંધુ નદીના કિનારે પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ વિકસી હતી.

અહીંના પ્રાચીન શહેર મોહેં-જો-દડોને વિશ્વની સૌથી જૂની નગર વ્યવસ્થામાંથી એક માનવામાં આવે છે. સિંધુ નદીના કિનારે વસેલા લગભગ ચાર હજાર વર્ષ જૂના આ શહેરની શોધ પાછલી સદીમાં થઈ હતી.

મોહેં-જો-દડોનાં ખંડેરોને યુનેસ્કોએ 1980માં વૈશ્વિક હેરિટેજ સાઇટ જાહેર કર્યાં હતાં.

ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા મુજબ, ઈ.સ. 711માં આરબોએ સિંધ કબજે કર્યું હતું. સોળમી અને સત્તરમી સદીમાં સિંધ પર મુઘલોનું (1591-1700) અને પછી અનેક સ્વતંત્ર સિંધી રાજવંશોનું શાસન રહ્યું હતું.

સિંધના ઉમરકોટ કિલ્લામાં જ મુઘલ બાદશાહ અકબરનો જન્મ 1542માં થયો હતો. 1843માં આ વિસ્તાર અંગ્રેજોએ કબજે કર્યો હતો.

વેપાર અને નાણાકીય બાબતોમાં અહીંના સિંધી હિન્દુ પરિવારોનું વ્યાપક પ્રભુત્વ હતું, પરંતુ વિભાજન પછી થયેલા પલાયન દરમિયાન અહીંના અનેક પરિવારો ભારત કે અન્ય દેશોમાં ચાલ્યા ગયા હતા.

સિંધુ નદીને કારણે આ વિસ્તાર પહેલેથી જ ઘણો સમૃદ્ધ રહ્યો છે. અહીં ખાસ કરીને કપાસની ખેતી થાય છે.

આજે પણ આ પ્રાંતની રાજધાની કરાચી, પાકિસ્તાનનાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો પૈકીની એક છે. માત્ર સિંધ પ્રાંત જ દરિયાઈમાર્ગે પાકિસ્તાનને સમગ્ર વિશ્વ સાથે જોડે છે.

સિંધની વાસ્તુકલામાં મુસ્લિમ, હિંદુ, ફારસી, મુઘલ અને ગુજરાતીના પ્રભાવનું સમૃદ્ધ મિશ્રણ

સિંધુ સંસ્કૃતિ, સિંધ, ભારત-પાકિસ્તાનના ભાગલા, ભારત, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે જાહેર થયેલી મકલી હિલ નેક્રોપોલિસ દુનિયાનાં સૌથી મોટાં કબ્રસ્તાનો પૈકી એક છે

આ વિસ્તાર સાંસ્કૃતિક રીતે બહુ સમૃદ્ધ છે અને યુનેસ્કોએ અહીંનાં અનેક પ્રાચીન સ્થળોને વૈશ્વિક વારસો જાહેર કર્યાં છે.

કરાચીથી 140 કિલોમીટર દૂર આવેલા મકલી હિલ નેક્રોપોલિસમાં અનેક પ્રાચીન મકબરા છે.

યુનેસ્કોની વેબસાઇટ મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મકલી નેક્રોપોલિસ વિશ્વનાં સૌથી મોટાં અને અનોખાં કબ્રસ્તાનો પૈકીનું એક છે.

તેની ગણતરી સંતો, કવિઓ, શ્રીમંતો, રાજકુમારો, શહેનશાહો અને રાણીઓની કબરો, મકબરાઓ તથા સ્મારકો સાથેના દુનિયાનાં સૌથી મોટાં કબ્રસ્તાનોમાં કરવામાં આવે છે.

ઠટ્ટાના મકલી ખાતે આવેલું આ ઐતિહાસિક સ્મારક લગભગ 10 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં લગભગ પાંચ લાખ કબરો અને મકબરા છે.

અહીંની વાસ્તુકલામાં મુસ્લિમ, હિંદુ, ફારસી, મુઘલ અને ગુજરાતીના પ્રભાવનું સમૃદ્ધ મિશ્રણ જોવા મળે છે. આ મકબરાઓ ખાસ કરીને તેમની વાદળી ચમકદાર ટાઇલ્સ, જટિલ કોતરણી, સુંદર સુલેખન અને આકર્ષક ભૌમિતિક ડિઝાઇન માટે જાણીતા છે. તે એક સમયે અહીં વિકસેલી જીવંત સંસ્કૃતિની સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરે છે.

અહીં સામ્મા કાલ (1351-1524)ના શેખ જિયોનો મકબરો પણ છે. ઠટ્ટા 14મીથી 17મી સદી દરમિયાન કળા તથા સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. સિંધ ક્ષેત્રના સાંસ્કૃતિક વારસાને આકાર આપવામાં તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન