'સીમાને પાકિસ્તાન મોકલો, નહીં તો સિંધમાં હિન્દુનાં ઘર-મંદિરો પર બૉમ્બ ફોડીશું', ખૂનખાર ડાકુઓની ધમકી

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
- લેેખક, શુમાઈલા ખાન
- પદ, બીબીસી સંવાદદાતા, ઈસ્લામાબાદ
પાકિસ્તાનથી ભારત આવેલાં સીમા હૈદરની દેશમાં પરત ફરવાની વાત મુદ્દે સિંધ પ્રાંતમાં ડાકુઓએ હિંદુઓનાં ધાર્મિક સ્થળો અને ઘરો પર હુમલો કરવાની ધમકી આપી છે.
આ ધમકીને જોતા સિંધ પ્રાંતના ઉત્તરના જિલ્લાઓમાં પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પોલીસે કહ્યું કે ''હિંદુ ધર્મ સાથે જોડાયેલા લોકો અને જગ્યાઓની સુરક્ષા વધુ મજબૂત કરાઈ છે.''
ઉત્તરના સિંધના ઘોટકી, કાશમોર, કંધકોટ અને જૈકબાબાદમાં ડાકુઓની અનેક ગૅંગ સક્રિય છે. આ ગૅંગે સિંધુ નદી પાસેનાં જંગલોમાં પોતાના અડ્ડા બનાવ્યા છે.
પોલીસ આ ગૅંગ વિરુદ્ધ અનેક દાયદાઓથી ઑપરેશન ચલાવી રહી છે. પણ હજી સુધી સફળ નથી થઈ શકી. એવામાં આ ડાકુઓએ હિંદુ સમુદાયને ધમકી આપતાં પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે.

વાઇરલ વીડિયોમાં શું આપી ધમકી?

નેપાળના રસ્તે ભારત આવેલાં સીમા અને તેમના પાકિસ્તાની પતિ હૈદર બલોચ છે. સોશિયલ મીડિયા પર અનેક સિંધ ડાકુઓની ગૅંગે સીમાને પાકિસ્તાન પરત મોકલવા માટે ભારત સરકારને ધમકી આપી છે.
એક વીડિયો મૅસેજમાં રાણો શારે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો, સાંસદો અને સરકારને સંબોધિત કર્યા છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે ''સીમા અને તેનાં બાળકોને પાકિસ્તાન પરત મોકલવામાં આવે.''
રાણો શાર કહે છે કે ''આ મહિલા તેનાં ચાર બાળકો સાથે નેપાળ ગઈ અને ગીતાનો સ્વીકાર કર્યો. અમે જખરાની જાતિના સરદારને પણ અપીલ કરી છે કે સીમાને પરત મોકલે. જો તે ન આવે તો બાળકોને લઈને આવે. આ અમારા ધર્મની વિરુદ્ધ છે. ધાર્મિક નેતા રાશિદ મહમૂદ સુમરુ આગળ આવે અને આ મહિલાને પરત લાવે''
રાણો શાર ડાકુઓની ગૅંગનો આગેવાન છે અને ઘોટકીનાં જંગલોમાં સક્રિય છે. રાણોએ કહ્યું - ''સીમાના ભારત જવાના સમાચારો હું મીડિયા અને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો. મેં વિચાર્યું હતું કે સરકાર કંઈક કરી રહી હશે. પણ જ્યારે કંઈ ન થયું તો મારે જ સોશિયલ મીડિયા પર આવીને સંદેશ આપવો પડ્યો.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાથ જોડતા રાણોએ કહ્યું કે ''હું અપીલ કરું છું કે આ મહિલાને પાછી મોકલો નહીં તો પાકિસ્તાનમાં જે હિંદુ રહે છે તેઓ પોતાની સુરક્ષા માટે પોતે જ જવાબદાર હશે. અમે કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં લઈએ. જો સીમા પાછી નહીં આવે તો રહરકી દરબારમાં અમે બૉમ્બ ફોડીશું.''

વીડિયોમાં રાણો શાર બંદૂકની સાથે દેખાય છે.
સાથે જ એક તસવીરમાં બંદૂકની સાથે સીમાની તસવીર પણ દેખાય છે. જેનાથી એ ખ્યાલ આવે છે કે વીડિયોને બનાવવામાં કોઈ પ્રોફેશનલ ઍડિટરની મદદ લેવાઈ છે.
એક બીજા વીડિયોમાં પાંચ હથિયારબંધ લૂંટારા હિંદુ સમુદાયને ધમકી આપતા જોવા મળે છે.
તેઓ કહે છે કે ''જો સીમા પાછી ન આવી તો જૈકબાબાદ, રાતુડેરો, કાશમોર અને જ્યાં પણ હિંદુઓ રહે છે, તે લોકોને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.''
વીડિયોમાં આ લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં કહે છે કે ''મહિલા અને બાળકોને પરત મોકલી દો, તેઓ બલોચ છે. અમે કોઈનાથી ડરતા નથી. પાકિસ્તાન ઝિંદાબાદ.''

રહરકી દરબાર શું છે?

સિંધના ઉત્તર પ્રાંતમાં હિંદુ સમુદાયના મોટા ભાગના લોકો વેપારી છે. આ લોકો જ્વેલરી, ચોખાની મિલનાં કામ સાથે જોડાયેલા છે.
આ જિલ્લાના શિકારપુર અને ઘોટકીમાં અનેક ધાર્મિક સ્થળો છે અને કેટલાક સંતોની મજાર પણ છે.
રહરકી દરબાર એ જગ્યા છે જ્યાં વર્ષ 1866માં સંત સતરામદાસનો જન્મ થયો હતો. આ સંતને ‘સચ્ચુ સતરામ’ અને ‘સચ્ચા સંતરામ’ના નામથી ઓળખવામાં આવે છે.
આ વિસ્તારમાં દર વર્ષે એક મોટો તહેવાર થાય છે. જ્યાં ભારતથી પણ તીર્થયાત્રીઓ આવે છે. એમાં એ લોકો પણ સામેલ થાય છે જે ભાગલા સમયે ભારત આવ્યા હતા.
ભાગલા પહેલાં ઉત્તર સિંધમાં જ્યારે ધાર્મિક રમખાણો થયાં ત્યારે આ દરબાર સાથે જોડાયેલા કુંવરરામની હત્યા કરી દેવાઈ હતી. કુંવરરામની સમાધિ પણ આ જગ્યા પર છે.
શિકારપુરમાં સમાધ આશ્રમ પણ છે. આ આશ્રમના ભગવાનદાસ કહે છે કે ''આ આશ્રમ 250 વર્ષ જૂનો છે. આ આશ્રમના પહેલા ગાદીપતિ બાબા હરભજનસિંહ પંજાબથી આવ્યા હતા.''
સિંધુ નદીની વચ્ચે સક્કરમાં બાબા બણખંડી મહારાજનો દરબાર પણ છે. આ જગ્યા સાધ બેલો નામથી પણ ઓળખાય છે. અહીં દર વર્ષે એક પર્વનું આયોજન થાય છે.

હિંદુ સમુદાયે મીડિયાથી અંતર જાળવ્યું, પોલીસે શું કહ્યું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર સિંધમાં સમુદાયના લોકો મીડિયા સાથે વાત કરવાથી બચતા નજરે આવ્યા. અમે અનેક સ્થાનિક લોકો સાથે વાત પણ કરી. પણ બધા એ જ કહ્યું કે તેઓ "કોઈ વિવાદમાં નથી પડવા માગતા."
ઘોટકીમાં પીપલ્સ પાર્ટીના લઘુમતી વિંગના અધ્યક્ષ કુકુ રામે બીબીસીને કહ્યું કે "પોલીસ સુરક્ષા દળને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યાં છે અને રૅન્જર્સ પણ આવ્યા છે. જે અમને સહકાર આપી રહ્યા છે. અમારો સમુદાય શાંતિથી પોતાનો વેપાર કરી રહ્યો છે. અમે એ વાતથી નિરાશ છીએ કે સિંધમાં અમારા જ ભાઈ આવું નિવેદન આપી રહ્યા છે."
કુકુ રામે ઉમેર્યું "સમુદાયના લોકોમાં ગુસ્સો છે, કારણ કે તમે જાણો છો કે આ મુદ્દો અહીંનો નથી. ભારત આપણો પાડોશી દેશ છે. અમે ના તો ત્યાં પેદા થયા છીએ કે ના તો અમે ત્યાંના છીએ. અમે પાકિસ્તાનમાં પેદા થયા અને સિંધુની માટીના છીએ."
સક્કરના ડીઆઈજી જાવેદ જસકાનીએ કહ્યું કે "વીડિયો મૅસેજ જાહેર કરીને ધમકી આપનારા રાણો શારને પકડવાના પ્રયત્નો વધારી દેવાયા છે. જો ધાર્મિક સંગઠનોનો સાથ મળી ગયો તો ડાકુઓની ધમકીથી સ્થિતિ વધુ મુશ્કેલ અને ગંભીર બની શકે છે."
જાવેદ જસકાનીએ કહ્યું, "અમારા જિલ્લાના એસપી મંદિરો અને હિંદુ બહુમતીવાળા વિસ્તારોની સુરક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવી રહ્યાં છે. જેમાં સુરક્ષાદળોની વધુ તહેનાતી, પેટ્રોલિંગ અને હિંદુઓને ધમકી આપનારાને પકડવા માટેના અનેક ઑપરેશનો પણ સામેલ છે."
સિંધ પ્રાંતના સીએમ સ્પેશિયલ આસિસ્ટંટ વીરજી કોહલીએ બીબીસીને કહ્યું, "સિંધ પ્રાંતમાં જેટલાં પણ મંદિર છે, એ બધાંમાં પોલીસ તહેનાત છે અને સીસીટીવી કૅમેરા લાગેલા છે.''
તેમણે ઉમેર્યું '' જો કોઈ હિંદુ છોકરી જાય તો અમે કંઈ કરી શકીએ નહીં, કારણ કે કાયદાકીય રીતે છોકરીનું નિવેદન જ માન્ય છે. બસ છોકરી પુખ્ત વયની હોવી જોઈએ. એવામાં જો કોઈ ધર્મ બદલે અને લગ્ન કરે તો અમે તે પુખ્ત વયના લોકોને કંઈ પણ ન કહી શકીએ."

સીમાના કારણે ભારત-પાકિસ્તાનમાં ચર્ચા

સીમા મુદ્દે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોના સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે.
રાજનીતિ અને ધાર્મિક જમાવડાઓમાં આ સમાચારો અંગે હજી સુધી મૌન જોવા મળ્યું.
જોકે, મંગળવારે સિંધમાં જમાત-એ-ઉલેમા-એ-ઇસ્લામના મહાસચિવ અલ્લામા રાશિદ મહમૂદ સૂમરુએ કહ્યું, "આ મુદ્દાની તુરંત જ તપાસ થવી જોઈએ. સીમા અને તેનાં બાળકોને વિઝા ક્યાંથી મળ્યા?"
રાશિદ મહમૂદ સૂમેરુએ કહ્યું, "એક મુસ્લિમ મહિલા હિંદુસ્તાન ગઈ અને હિંદુ ધર્મ અપનાવી લીધો, સાડી પહેરવી અને ફટાફટ હિંદીમાં બોલવું અનેક સવાલ ઊભા કરે છે. અમને ડર છે કે ક્યાંક આ વિસ્તારમાં હિંદુ-મુસલમાન રમખાણોનું ષડયંત્ર તો નથી કરી રહ્યા ને."
રાશિદ મહમૂદ સૂમરુએ સરકાર સામે આ મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, "ભારત સરકાર આ બાબતે જરૂરી પગલાં ઉઠાવે કે તેથી મહિલા પોતાનાં બાળકો સાથે પાકિસ્તાન આવે, હિંદુ અને શીખ અમારા ભાઈ છે."
રાશિદ એ જ શખ્સ છે જેમણે રાણો શેરને દખલ કરવાની વાત કરી હતી.
સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો અંગે રાશિદે કહ્યું, "આ વીડિયો આવવાથી આ વિસ્તારમાં તણાવ છે. આ વીડિયોથી એ અંદાજ લગાવી શકાય છે કે સ્થાનિક જનજાતિના લોકો માટે આ મુદ્દો કેટલો સંવેદનશીલ અને મહત્ત્વનો છે."














