ગુજરાતમાં જન્મેલા એ ઉદ્યોગપતિ જેમણે પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રૂપોમાંથી એકની સ્થાપના કરી

ઇમેજ સ્રોત, DAWOOD FOUNDATION
- લેેખક, રિયાઝ સોહૈલ અને તનવર મલિક
- પદ, બીબીસી ઉર્દૂ
દાઉદી પરિવારના વેપારની શરૂઆત એ સમયે થઈ જ્યારે એક અનાથ યુવાન અહમદ દાઉદે કપડાંનાં થાન વેચવાનું શરૂ કર્યું અને પછી મુંબઈમાં યાર્ન (દોરા)ની દુકાન ખોલી. ગુજરાતના બાંટવાથી શરૂ થયેલી આ સફર પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક પરિવારોમાંથી એકના અબજોના સામ્રાજ્ય સુધી પહોંચી.
દાઉદ પરિવારનું નામ છેલ્લા કેટલાક સમયથી દેશ અને વિદેશનાં સમાચાર માધ્યમોમાં ચર્ચામાં છે.
તેનું કારણ એ છે કે ટાઈટન સબમરીન દુર્ઘટનામાં જે પાંચ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં છે, તેમાંથી બે યાત્રાળુઓ આ જ પરિવારના હતા. મૃતક સભ્યોના પરિવારના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે.
શહઝાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન આ જ સબમરીનમાં સવાર હતા. જે સેર સપાટાના હેતુથી ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવાં માટે સમુદ્રના ઊંડાણમાં ગઈ હતી.
પરંતુ અધિકારીઓ અનુસાર આ યાત્રામાં પાણીના દબાવના કારણે સબમરીન વિસ્ફોટનો શિકાર થઈ. અને તેમાં સવાર બધા જ પાંચ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં.
દાઉદ પરિવારની ગણતરી પાકિસ્તાનના સૌથી ધનિક પરિવારોમાં થાય છે. શહઝાદા દાઉદ એંગ્રો કૉર્પોરેશનના વાઈસ ચૅરપર્સન હતા. આ કંપની ખાવા-પીવાના સામાન અને ઊર્જાના ક્ષેત્રમાં કામ કરતી હતી.
પણ દાઉદ પરિવારનો વેપાર દેશમાં અને બહાર મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. આ સિવાય આ પરિવાર સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવાં સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે.

દાઉદ પરિવારે કાપડનાં વેચાણથી વેપાર શરૂ કર્યો

ઇમેજ સ્રોત, DAWOOD FOUNDATION
પાકિસ્તાનના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ દાઉદ પરિવારે 20મી સદીની શરૂઆતમાં એક નાનકડી જગ્યમાં વેપાર શરૂ કર્યો. થોડાક જ દાયકાઓમાં આ પરિવારની ગણતરી આ ક્ષેત્રના સૌથી ધનિક પરિવારોમાં થવા લાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે આ પરિવાર પાસે અનેક ઉદ્યોગો, વેપારના એકમો છે. તેમનો વેપાર પાકિસ્તાનથી બ્રિટન સુધી ફેલાયેલો છે.
દાઉદ પરિવારના પ્રમુખ અહમદ દાઉદનો જન્મ 1905માં તે સમયના કાઠિયાવાડ રાજ્યના બાંટવામાં થયો હતો. ( તે હાલના ગુજરાતના જૂનાગઢના માણાવદરનો એક કસબો છે.)
તેમના પિતા વેપારી હતા. તેમણે માત્ર ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું.
ત્યાર બાદ તેમનું ભરણપોષણ દાદાએ કર્યું. ‘અહમદ દાઉદ : એક પૈકર-એ-ઔસાફ’ (અહમદ દાઉદ : સર્વગુણસંપન્ન) નામના પુસ્તકમાં ઉસ્માન બાટલીવાલા લખે છે કે અહમદ દાઉદે 16 વર્ષની ઉંમરે કાપડની દુકાન ખોલીને વેપારની શરૂઆત કરી. જ્યારે દાઉદ ઇન્વેસ્ટમેન્ટની વેબસાઇટ અનુસાર અનાથ યુવાન અહમદે 1920માં મુંબઈમાં યાર્નની દુકાન ખોલી.
અહમદ દાઉદ સાથે અનેકવાર મુલાકાત કરી ચૂકેલા ઉસ્માન બાટલીવાલા કહે છે કે શેઠ અહમદ જણાવતા હતા કે તેમનાં માતા પ્રતિભાશાળી અને સમજદાર મહિલા હતાં.
તેઓ પોતાનાં બાળકોનો ઉત્સાહ વધારતાં હતાં. જેના કારણે તેમને આગળ વધવાની હિંમત મળતી હતી.
મેમણ સમુદાય પર પુસ્તક લખનારા ઉમર અબ્દુલ રહમાન લખે છે કે તેમણે કૉટન જિનિંગ પ્રેસિંગ ફેકટરી સિવાય તેલની મિલ અને વેજિટેબલ ઑઇલની ફેકટરી પણ નાખી.
જોતજોતામાં દાઉદ પરિવારની ઑફિસ અને તેમની શાખા કલકત્તા (કોલકાતા), મદ્રાસ (ચેન્નાઈ), કાનપુર, મથુરા, લુધિયાના અને દિલ્હી જેવી જગ્યાઓમાં ફેલાઈ ગઈ.
ઉસ્માન લખે છે કે જ્યારે તેમણે ખાદ્યતેલનું કારખાનું સ્થાપ્યું તો ત્યાર બાદ તેમનો વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો અને આ સફળતા સાથે આગળ વધ્યો.
આ વેપારમાં તેમના ભાઈ સુલેમાન દાઉદ, અલી મોહમ્મદ દાઉદ, સિદ્દીક દાઉદ અને સત્તાર દાઉદ પણ શામેલ રહ્યા.
ભાગલા બાદ અને પાકિસ્તાનની સ્થાપાના બાદ તેઓ બ્રિટન જતા રહ્યા. જ્યાં તેઓ થોડા સમય માટે રહ્યા અને બાદમાં ત્યાંથી પાકિસ્તાન જતા રહ્યા.
તેમણે માંચેસ્ટર અને પાકિસ્તાનમાં દાઉદ પ્રાઇવેટ લિમિટેડના નામથી કંપની બનાવી.

પાકિસ્તાનમાં સૈનિક શાસકોનો શરૂઆતનો સમય અને દાઉદ પરિવાર

ઇમેજ સ્રોત, DAWOOD FOUNDATION
પાકિસ્તાનમાં સેનાનો શાસનકાળ દાઉદ પરિવાર માટે અનુકૂળ રહ્યો. ચાહે એ સમય ફીલ્ડ માર્શલ અયૂબ ખાનનો રહ્યો હોય કે જનરલ ઝિયાઉલ હકનો.
ઉસ્માન બાટલીવાલા લખે છે કે અહમદ દાઉદે પાકિસ્તાનમાં કૉટનની દલાલી શરૂ કરી. અયૂબ ખાનના શાસનકાળમાં કરાચીમાં અને બોરેવાલામાં ટેક્સ્ટાઇલ ફેકટરી ખરાબ સ્થિતિમાં હતી.
આ ફેકટરીઓ સરકારી સંસ્થા પાકિસ્તાન ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (PIDC) અંતર્ગત હતી.
પણ તે તેને ચલાવી નહોતું શકતું. તેથી અયૂબ ખાને સલાહ આપી કે જો આ ફેકટરી અહમદ દાઉદને અપાય તો તે સારું કામ કરશે. તેમને આ રજૂઆત કરાઈ તો તેમણે અને તેમના ભાઈઓએ તેને સ્વીકારી લીઘી.
પુસ્તકમાં લખ્યું છે કે હાલની ખાનગીકરણની પદ્ધતિ અનુસાર ત્યારે આ કામ માટે ના તો કોઈ બોલી લાગી અને ના તો હરાજી થઈ.
ફેકટરી તેમને સોંપવામાં આવી અને તેમણે કિંમત ચૂકવી દીધી. આ પહેલાં તેમની પાસે લાંઢી (કરાચી)માં દાઉદ કૉટન મિલ હતી.
જે 1952થી કામ કરી રહી હતી. પશ્ચિમી પાકિસ્તાન બાદ તેઓ પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશમાં) પણ નસીબ અજમાવવા લાગ્યા.
આ તક પણ અયૂબ ખાનની સરકારમાં હાથમાં આવી. ત્યાં કર્ણફૂલી પેપર મિલ અને કર્ણફૂલી ટેક્સ્ટાઇલ મિલ મજૂરોના વિરોધ પરદર્શન અને અન્ય બાબતોનાં કારણે ખરાબ સ્થિતિમાં હતી.
ઉસ્માન બાટલીવાલા અનુસાર, નવાબ ઑફ કાલાબાગે શેઠ અહમદને રજૂઆત કરી કે તેઓ આ મિલો ખરીદી લે.
તેમણે તે મંજૂર રાખ્યું અને મહેનત કરી તો મિલ ચાલવા લાગી. આ પેપર મિલ તે સમયે પાકિસ્તાનની એકમાત્ર મિલ હતી કે જ્યાં વાંસમાંથી પેપર બનાવાતા હતા.
17 જાન્યુઆરી 1969માં ન્યૂયૉર્ક ટાઈમ્સે અહમદ દાઉદ પરિવારને પાકિસ્તાનનો બીજો સૌથી ધનિક પરિવાર ગણાવ્યો હતો.
જેની સંપત્તિની કિંમત તે સમયે 20 કરોડ ડૉલર હતી. તેઓ કૉટન, વુલન, ટેક્સ્ટાઇલ, યાર્ન, કેમિકલ્સ, માઈનિંગ, બૅન્કિંગ, વીમા, પેપર અને ફર્ટિલાઇઝર સહિતના ક્ષેત્રમાં કામ કરતા હતા.
1971માં પૂર્વ પાકિસ્તાનના અલગ થવાથી કર્ણફૂલી પેપર મિલ, દાઉદી માઈનિંગ અને દાઉદ શિપિંગ સહિત અનેક કારખાના અને વેપાર પર અસર થઈ.
ઉસ્માન બાટલીવાલા કહે છે કે તે સમયે તેમને 30થી 35 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવાયો હતો.

‘પાકિસ્તાનના સૌથી ધનિક’ 22 પરિવાર અને દાઉદ પરિવાર

ઇમેજ સ્રોત, DAWOOD FOUNDATION
ફીલ્ડ માર્શલ જનરલ અયૂબ ખાનના શાસનકાળમાં ડૉક્ટર મહબૂબુલ હકે બજેટભાષણ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાનની 60થી 80 ટકા સંંપત્તિ પર માત્ર 22 પરિવારનો કબજો છે. પણ તેમણે આ પરિવારોનું નામ ન જણાવ્યું. પણ આ રહસ્યના ઉજાગર થવાથી એક વિરોધી અવાજે જન્મ લીધો. અને પાકિસ્તાની લોક શાયર હબીબ જાલિબે લખ્યું :
બીસ ઘરાને હૈં આબાદ, ઔર કરોડો હૈં નાશાદ
હમ પર અબ તક જારી હૈ, કાલી સદીયો કી બેદાદ
સદર અય્યૂબ ઝિંદાબાદ
( બદનસીહ – દુ:ખી, ખરાબ, અત્યાચાર )
ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સમાજવાદના નારાની સાથે જ્યારે સત્તા પર આવ્યા તો તેમણે એ પરિવારોને ચિહ્નિત કર્યા અને ચેતવણી આપી કે આ સમયે પાકિસ્તાનને મૂડીની જરૂર છે.
તેથી આ પરિવાર પોતાની મૂડી પાછી લાવે. નહીં તો તેઓ તેમની ધરપકડ કરી લેશે.
બાદમાં તેમણે દાઉદ પરિવાર સહિત અનેક પરિવારોની સંપત્તિને રાષ્ટ્રીય અધિકારમાં લઈ લીધી. એટલે કે તેનું રાષ્ટ્રીયકરણ કરી દીધું.
ઉસ્માન બાટલીવાલા અનુસાર એ 22 પરિવારોમાંથી 14 મેમણ પરિવાર હતા અને દાઉદ પરિવાર બીજા નંબર પર હતો.
એ સમયે દાઉદને નજરબંધ કરી દેવાયા હતા અને જ્યારે તેઓ છૂટ્યા તો અમેરિકા જતા રહ્યા.
તે સમયે તેમને ‘બે અબજ રૂપિયાનું નુકસાન’ થયું હતું. અહમદ દાઉદે અમેરિકામાં ઑઇલ ઍક્સપ્લોરેશન કંપનીની સાથે વેપારની શરૂઆત કરી અને એક જગ્યાએ ડ્રિલિંગ કરી તો ત્યાંથી પેટ્રોલ નીકળ્યું.
જ્યારે પાકિસ્તાનમાં જનરલ ઝિયા-ઉલ-હકે ભુટ્ટોની સરકારને બરખાસ્ત કરીને સત્તા પર કબજો જમાવ્યો તો અહમદ દાઉદના ફરી વાર સારા દિવસો આવી ગયા.
જનરલ ઝિયા-ઉલ-હકના સમયમાં અહમદ દાઉદ ફરીથી પાકિસ્તાન આવી ગયા અને તેમના ઉદ્યોગોની અને મૂડી રોકાણની ફરીથી શરૂઆત થઈ. જનરલ ઝિયા-ઉલ-હકની સાથે અહમદ દાઉદના સારા સંબંધો હતા.
ઉસ્માન બાટલીવાલા અનુસાર તેમના 20 એવા પ્રોજેક્ટ હતા જે તેમણે પોતાના જીવનમાં જ પોતાના ભાઈ સુલેમાન દાઉદ, અલી મોહમ્મદ દાઉદ, સિદ્દીક દાઉદ અને સત્તાર દાઉદને વહેંચી દીધા. જેના ભાગમાં જે ઉદ્યોગ આવ્યા તેને તેમણે આગળ વધાર્યા.

દાઉદ પરિવારના મહત્ત્વપૂર્ણ પદાધિકારીઓ

ઇમેજ સ્રોત, DAWOOD FOUNDATION
દાઉદ ફાઉન્ડેશનના પ્રમુખ અત્યારે અહમદ દાઉદના પુત્ર હુસૈન દાઉદ છે. પાકિસ્તાનમાં દાઉદ પરિવારનું એક અન્ય પ્રસિદ્ધ નામ રઝાક દાઉદ છે.
જે પૂર્વ સૈનિક રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના સમયમાં વાણિજ્ય સલાહકાર રહ્યા. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની સરકારમાં પણ વાણિજ્ય-વેપાર મંત્રાલય તેમની પાસે હતું.
રઝાક દાઉદ, સુલેમાન દાઉદના પુત્ર છે જે અહમદ દાઉદના ભાઈ છે. રઝાક દાઉદ ડિસ્કૉન ઍન્જિનિયરિંગ કંપનીના માલિક છે.
બીજી બાજુ શહઝાદા દાઉદના પિતા હુસૈન દાઉદ અને તેમનો પરિવાર એંગ્રો કૉર્પોરેશન અને દાઉદ હરક્યૂલિસ કૉર્પોરેશનના માલિક છે. ટાઈટન દુર્ધટનામાં મૃત્યુ પામનારા શહઝાદા દાઉદ એંગ્રોના વાઈસ ચૅરમૅન હતા.

એંગ્રો અને દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, APP
વેપારી સંસ્થાઓના પ્રદર્શન અને તેમના રેટિંગ પર કામ કરનારી સંસ્થા પાકિસ્તાન ક્રેડિટ રેટિંગ એજન્સી (પાકરા) મુજબ એંગ્રો કૉર્પોરેશનની સ્થાપના 1965માં થઈ હતી. પરંતુ તે સમયે તેનું નામ ઈસો પાકિસ્તાન ફર્ટિલાઇઝર કંપની હતું. જે માડી ગૅસ ફિલ્ડના સંશોધન બાદ સ્થાપવામાં આવી હતી.
વિદેશી ભાગીદારોના નીકળ્યા બાદ આ કંપનીનું નામ એંગ્રો કેમિકલ કરી દેવાયું. જે ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં કામ કરી રહી હતી. અને અન્ય ક્ષેત્રોમાં સામેલ થયા બાદ તેનું નામ એંગ્રો કૉર્પોરેશન કરી દેવાયું. જે અંતર્ગત વધુ દસ કંપનીઓ કામ કરે છે.
એંગ્રો કૉર્પોરેશન પાકિસ્તાન સ્ટૉક માર્કેટમાં લિસ્ટેડ કંપની છે. જેના સૌથી વધુ શેર દાઉદી પરિવારની સંસ્થાઓ અને તેના લોકો પાસે છે.
શહઝાદા દાઉદ એંગ્રો કૉર્પોરેશનના વાઈસ ચૅરમૅન હતા. જ્યારે તેમના પિતા હુસૈન દાઉદ આ કંપનીના ચૅરમૅન છે. શહઝાદા દાઉદના ભાઈ સમદ દાઉદ તેના ડાઇરેક્ટર છે.
હુસૈન દાઉદ અને તેમના પરિવારની બીજી મોટી કંપની દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશન છે, જેના શૅર દાઉદ કૉર્પોરેશનમાં પણ છે. દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશનના ચૅરમૅન હુસૈન દાઉદ છે. જ્યારે તેમના પુત્ર સમદ દાઉદ તેના વાઈસ ચૅરમૅન છે અને શહઝાદા દાઉદ તેના ડાયરેક્ટર હતા.
જોકે, હુસૈન દાઉદ અને તેમના પરિવારની સંપત્તિ એંગ્રો કૉર્પોરેશન અને દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશન સ્ટૉક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ છે. જેમાં સામાન્ય લોકો સિવાય સંસ્થાઓના પણ શૅર છે.
પણ તેના મોટાભાગના શૅર દાઉદ પરિવાર પાસે જ છે. ‘પાકરા’ અનુસાર એંગ્રો કૉર્પોરેશનના બૉર્ડમાં સ્પૉન્સરિંગ ફૅમિલી એટલે કે દાઉદ પરિવારના સભ્યો સૌથી વધુ છે.

પાકિસ્તાનમાં દાઉદ પરિવારની કંપનીઓ અને સંપત્તિ

ઇમેજ સ્રોત, DAWOOD FAMILY
હુસૈન દાઉદ અને તેમનાં સંતાનો દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશન અને એંગ્રો કૉર્પોરેશનમાં વધુમાં વધુ શૅરના માલિક છે. આ બન્ને કૉર્પોરેશન વિવિધ ક્ષેત્રમાં કામ કરી રહી છે.
દાઉદ હર્ક્યૂલિસ ગ્રૂપના વાર્ષિક રિપોર્ટ મુજબ આ ગ્રૂપ પોતાની અલગઅલગ ઍસોસિએટ કંપનીઓ અને ગૌણ સંસ્થાઓ મારફતે મૂડી રોકાણ કરે છે. જેમ કે એંગ્રો ફર્ટિલાઇઝરમાં એંગ્રો કૉર્પોરેશનના 56 ટકા શેર છે.
રિપોર્ટ અનુસાર 2022થી લઈને અત્યાર સુધીમાં આ ગ્રૂપ ઊર્જા, ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર, પેટ્રો કેમિકલ, કેમિકલ સ્ટોરેજ, રિન્યૂએબલ ઍનર્જી, ઇન્ફર્મેશન ટેકનૉલૉજી અને ડિજિટલ ક્ષેત્રમાં સાત અબજ ડૉલરનું મૂડી રોકાણ કરી ચૂકી છે.
‘એંગ્રો ઍગ્ઝિમ્પ એગ્રી’માં કૉર્પોરેશન સો ટકા શેરની માલિક છે. એંગ્રો ઍનર્જી ટર્મિનલમાં તેના 56 ટકા શૅર છે. જ્યારે એંગ્રો ઍનર્જી લિમિટેડમાં તે 100 ટકા શેરની માલિક છે.
સિંધ સરકારની એંગ્રો કોલ માઇનિંગ કંપનીમાં હુસૈન દાઉદના પરિવારની કંપની એંગ્રો કૉર્પોરેશન 11 ટકા શૅરની માલિક છે. કંપનીના વાર્ષિક રિપોર્ટ મુજબ આ રીતે કેમિકલ ક્ષેત્રમાં એંગ્રો પૉલિમર ઍન્ડ કેમિકલમાં કૉર્પોરેશન 56 ટકા શેરની માલિક છે.
એંગ્રો કૉર્પોરેશનની વેબસાઈટ પર અપાયેલા આંકડા અનુસાર આ કુલ મળીને લગભગ 750 અબજ રૂપિયાની સંપત્તિની માલિક છે.
એંગ્રો કૉર્પોરેશનના 2022ના વાર્ષિક રિપોર્ટ અનુસાર તેણે વર્ષમાં 46 અબજનો નફો કર્યો.
દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશનનાં વાર્ષિક નાણાકીય પરિણામો અનુસાર તેનો 2022માં નફો સાડા ત્રણ અબજ રૂપિયાથી વધુનો રહ્યો.
વાર્ષિક રિપોર્ટ અનુસાર દાઉદ હર્ક્યૂલિસ કૉર્પોરેશન વિવિધ ક્ષેત્રમાં બે હજારથી વધુ લોકોને નોકરી આપી રહી છે.
જ્યારે અન્ય એંગ્રો કૉર્પોરેશન વિવિધ કંપનીઓમાં કામ કરનારા લોકોની સંખ્યા સાડા ત્રણ હજારથી વધુ છે.
એંગ્રો કૉર્પોરેશન અનુસાર કંપનીએ વર્ષ 2022માં સામાજિક ક્ષેત્રમાં 84 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણની જાળવણી સહિતનાં કાર્યોનો સમાવેશ થાય છે.
કૉર્પોરેશન અનુસાર તેણે સરકારને ટૅક્સ પેટે 2022માં 29.5 કરોડ ડૉલર રૂપિયા જમા કરાવ્યા.
જ્યારે તેની ગૌણ કંપની એંગ્રો ઍનર્જીએ પાકિસ્તાનના 90 હજાર લોકોનાં ઘરોમાં વીજળી પહોંચાડી.
પાકિસ્તાન ક્રેડિટ રેટિંગ એજન્સી અનુસાર દાઉદ ગ્રૂપને આધીન રહેલી એંગ્રો કૉર્પોરેશનનું પ્રદર્શન સતત સારું રહ્યું છે. તેનું લાંબાગાળાનું પ્રદર્શન પ્લસ એ એ (+AA) છે. અને તેની સમગ્ર સ્થિતિ સુદૃઢ છે.

દાઉદ પરિવારની શિક્ષણ, વિજ્ઞાન અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સેવાઓ

ઇમેજ સ્રોત, DAWOOD FAMILY
પાકિસ્તાનમાં 1961માં દાઉદ ફાઉન્ડેશન બનાવાયું. જેનું ઉદ્ઘાટન જનરલ અયૂબ ખાને કર્યું હતું. દાઉદ પરિવારે શિક્ષણના ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપ્યું છે.
ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા શેઠ અહમદ ખાને કહ્યું હતું કે પૂર્વ પાકિસ્તાનના શહેર મૈસૂરમાં તેમણે સ્કૂલની ઈમારત બનાવી છે. તેની સાથે બોરેવાલામાં સરકારી કૉલેજમાં સાયન્સ બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. અને કરાચીના ગ્રામીણ વિસ્તારમાં દરસાનૂ છન્નૂમાં સ્કૂલ બનાવી.
દાઉદ ફાઉન્ડેશને 1962માં કરાચીમાં દાઉદ કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગ ઍન્ડ ટેકનોલૉજી સ્થાપિત કરી. જે પાકિસ્તાનના ખાનગી ક્ષેત્રમાં ઍન્જિનિયરિંગનું શિક્ષણ આપનારી પહેલી પ્રોફેશનલ કૉલેજ હતી.
અહીં કેમિકલ ઍન્જિનિયરિંગ, મેટૅલર્જી અને મટીરિયલ ઍન્જિનિયરિંગના ક્ષેત્રમાં શિક્ષણ અપાતું હતું.
બાદમાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સરકારમાં તેનું રાષ્ટ્રીયકરણ કરી દેવાયું અને તેનું નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે આવી ગયું.

ઇમેજ સ્રોત, DAWOOD FOUNDATION
કરાચીમાં 1983 દરમિયાન અહમદ દાઉદ ગર્લ્સ પબ્લિક સ્કૂલનો પાયો નખાયો જે આજે પણ ફાઉન્ડેશન હેઠળ જ છે.
અહીં અઢી હજારથી વધુ કન્યાઓને શિક્ષણ અપાય છે.
આ સિવાય ‘લમ્સ’ (લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સાયન્સ) અને કરાચી યુનિવર્સિટીમાં પણ દાઉદ પરિવારના નામથી એક બિઝનેસ સ્કૂલ છે.
કરાચીમાં 1991માં સ્થાપિત પાકિસ્તાનની કિડનીની સૌથી મોટી હૉસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યૂરોલૉજી ઍન્ડ ટ્રાન્સ્પ્લાન્ટમાં પણ દાઉદ પરિવારની મોટી ભૂમિકા છે.
આ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર ગૌહર અનુસાર બશીર દાઉદે અહીં અબજો રૂપિયાની સહાયતા કરી છે.
જેનાથી ત્રણ મોટી ઇમારતો બનાવાઈ છે. અહીં બાળકો અને કૅન્સરના દર્દીઓની સારવાર કરાય છે.
આ સિવાય ડાયાલિસીસ અને ટ્રાન્સ્પ્લાન્ટની મશીનરીની ખરીદીમાં પણ સહાયતા કરાય છે.
દાઉદ ફાઉન્ડેશને કરાચીમાં પબ્લિક સ્પેસ માટે TDF ( ધ દાઉદ ફાઉન્ડેશન ) ઘર બનાવ્યું.
1930માં બનાવાયેલા આ ઘરમાં કરાચીના ઇતિહાસ અને જૂની યાદો સાથે જોડાયેલા ફર્નિચર અને ગ્રામોફોન સહિત અન્ય સામાન ઉપલબ્ધ છે. અને અહીંથી પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની મજાર પણ જોઈ શકાય છે.
TDF ઘર કરાચીમાં મધ્યમવર્ગ માટે બનાવાયેલી પહેલી કૉઑપરેટિવ સોસાયટી જમશેદ ક્વાર્ટરમાં છે. જે કરાચીના સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્વનો ભાગ રહી છે. અને અહીં મુસલમાન, હિંદૂ, ઈસાઈ પારસી અને યહૂદી સાથે-સાથે રહેતા હતા.














