પબજી રમતાં પ્રેમમાં પડીને ભારત આવેલાં સીમા હૈદરના પાકિસ્તાની પતિએ કેસ કર્યો, કહ્યું 'તલાક નથી થયા'

ઇમેજ સ્રોત, Shahnavazahmad/BBC
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રેમ ખાતર ગત વર્ષે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનાર પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સામે તેમના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે ભારતની કોર્ટમાં ઓછામાં ઓછી 19 કલમો હેઠળ મામલો દાખલ કર્યો છે અને દાવો કર્યો છે કે તેમનાં છૂટાછેડા નથી થયા.
સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે એક ભારતીય વકીલના માધ્યમથી સીમા પર બેઈમાની, આપરાધિક ષડયંત્ર, બે સમુદાયો વચ્ચે દુશ્મની પેદા કરવી અને ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવો વગેરે કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
પાકિસ્તાનમાં કરાચીના મલીર કૅન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ જે સીમા રિંદ અને તેમનાં ચાર બાળકોને શોધે છે, તે હાલ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના રબુપુરામાં રહે છે.
ગત વર્ષે શુક્રવાર 7 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશની જેવર સિવિલ કોર્ટે સીમા ગુલામ હૈદર અને તેમના પ્રેમી સચીન મીણાને રાહત આપી હતી. કોર્ટે તેમને દેશ ન છોડવાની શરતે જામીન આપ્યા હતા.
પોતાના પતિને છોડીને બાળકો સાથે નેપાળના માર્ગે વીઝા વિના ભારત આવવાના ગુનામાં પોલીસે તેમની ચાર જુલાઈના રોજ ધરપકડ કરી હતી.
વર્ષ 2019માં ઑનલાઇન પબજી ગૅમ રમતી વખતે સીમાને ગ્રેટર નોઈડામાં રબુપુરામાં રહેતા સચીન મીણા સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ આ પ્રેમ વચ્ચે માત્ર પરિવાર જ નહીં, પરંતુ બે દેશોની એક એવી સરહદ જોડાયેલી હતી, જે દાયકાઓથી એકબીજાના ‘દુશ્મન’ જેવા છે.
સીમા પાકિસ્તાનના એ વિસ્તારમાંથી આવે છે, જ્યાં યુવતીઓ તેમનો પ્રેમ વ્યક્ત કરતી નથી. દર વર્ષે પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કરવાના આરોપમાં અહીં હજારો યુવતીઓને મારી નાખવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
જોકે સીમાએ પ્રેમનો એકરાર કર્યો એટલું જ નહીં, પરંતુ તેમણે તેમના પતિ ગુલામ હૈદરને છોડીને ભારતમાં તેમના પ્રેમી સાથે રહેવાનું નક્કી કર્યું અને એક સવારે તેઓ આ સફર માટે નીકળી પડ્યા જે ખૂબ મુશ્કેલીભર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીમા પહેલી વાર સચીનને ક્યાં મળ્યાં, કેવી રીતે તેઓ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશના રાબુપુરા પહોંચ્યાં?
કેવી રીતે સીમાએ લગભગ દોઢ મહિનો સચીન સાથે પસાર કર્યો અને આખરે સીમાથી એ કઈ ભૂલ થઈ, જેના લીધે તેમને જેલમાં જવું પડ્યું.
બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલે જુલાઈ 2023માં તેમના વિશે લખેલો અહેવાલ અહીં પ્રસ્તુત છે.
નેપાળથી ગ્રેટર નોઇડા સુધીની સફર

ઇમેજ સ્રોત, ANI
આ કહાણીની શરૂઆત નેપાળના ટુરિસ્ટ વિઝાથી થઈ હતી.
સીમા હૈદરે પોલીસને જણાવ્યું હતું કે, "ભારતના વીઝા ન મળવાને કારણે તેમણે નેપાળના વીઝા લીધા હતા. તેઓ 10 માર્ચે શારજહા થઈને નેપાળ પહોંચ્યાં હતાં. અહીં સચીન મીણા તેમને મળવા આવ્યાં હતાં. બંને કાઠમાંડુના ન્યૂ બસ પાર્ક વિસ્તારમાં આવેલી ન્યૂ વિનાયક હોટલમાં સાત દિવસ રહ્યાં હતાં.
ત્યારબાદ સીમા ગુલામ હૈદર પાકિસ્તાન પરત જતાં રહ્યાં હતાં. બે મહિના બાદ સીમા હૈદર ફરીથી ટૂરિસ્ટ વીઝા લઈને નેપાળ આવ્યાં હતાં. આ વખતે સીમા સાથે તેમનાં ચાર બાળકો પણ હતાં, પરંતુ સચીન ભારતમાં જ હતા.
એફઆઈઆર અનુસાર સીમાએ કહ્યું કે, "હું મારાં ચાર બાળકો સાથે કાઠમાંડુથી પોખરા સુધી વાનમાં આવી હતી. રાત થઈ જવાને કારણે હું પોખરામાં જ રોકાઈ અને બીજા દિવસે પોખરાથી દિલ્હીની બસ પકડી હતી."
કાઠમાંડુથી પોખરા અંદાજે 200 કિલોમીટર દૂર છે અને બસમાં લગભગ સાત કલાક લાગે છે. પોખરાથી દિલ્હી આવવા માટે સીમાએ સુષ્ટિ ટ્રાવેલ્સમાં ત્રણ એસી ડિલક્સ ટિકિટ બુક કરાવી હતી. તેમણે પાંચ હજાર પ્રતિ ટિકિટના દરે પંદર હજાર રૂપિયા કન્ડક્ટરને આપ્યાં હતાં.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૃષ્ટિ ટ્રાવેલ્સે બીબીસીને જણાવ્યું હતું કે, "પોખરાથી દિલ્હીની ટિકિટ પાંચ હજાર નેપાળી રૂપિયા છે. રૂટની માહિતી આપતા તેમણે કહ્યું કે પોખરાથી દિલ્હી પહોંચતા લગભગ 28 કલાક લાગે છે અને બસ પોખરાથી ઉત્તરપ્રદેશની સુનૌલી બૉર્ડર થઈને આગરા, નોઇડા અને પછી દિલ્હી પહોંચે છે."
યાત્રા દરમિયાન સીમા હૈદર સતત સચીનના સંપર્કમાં હતાં. એફઆઈઆર અનુસાર પોતાનાં ચાર બાળકો સાથે 13 જુલાઈની રાત્રે સીમા હૈદર યમુના એક્સપ્રેસ-વે પર ફલૈદા કટ પાસે ઊતરી ગયાં હતાં, જ્યાં સચીન મીણા તેમની રાહ જોઈ રહ્યા હતા.
અહીંથી સચીન સીમા અને બાળકોને ગ્રેટર નોઇડામાં રાબુપુરાના આંબેડકર મહોલ્લામાં લઈ ગયા. અહીં સચીને ગિરજેશ નામની વ્યક્તિ પાસેથી એક રૂમ ભાડે લીધો હતો. આ રૂમનું ભાડું મહિને 2500 રૂપિયા છે.
બીબીસી સાથેની વાતચીતમાં મકાન માલિક ગિરજેશે કહ્યું કે, "સચીન અમારા મહોલ્લામાં રહે છે. તે 13 મેથી ચાર-પાંચ દિવસ પહેલાં ભાડે રૂમ લેવા માટે આવ્યો હતો."
"તેણે કહ્યું હતું કે તેના કોર્ટ મૅરેજ થયા છે અને તે તેની પત્ની અને બાળકો સાથે અહીં રહેશે. અમે આધારકાર્ડ અને પાનકાર્ડ લઈને તેમને ઘર ભાડે આપ્યું.”
સચીન સાથે લગ્ન કરવાનું સપનું

રબુપુરાના આંબેડકર મહોલ્લામાં સીમા અને તેમનાં બાળકો સચીન સાથે રહેવાં લાગ્યાં હતાં. સચીન તેમના ઘર પાસે આવેલી કરિયાણાની દુકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા હતા, જ્યાંથી દિવસ દરમિયાન તેઓ હંમેશાં ઘરે જમવા માટે આવતા હતા.
સીમાના પાડોશીઓનું કહેવું છે કે તેઓ મોટાભાગે ઘરમાં જ રહેતાં હતાં. તેમના ધર્મ અને નાગરિકતાને લઈને કોઈને ક્યારેય પણ શંકા ગઈ નહોતી.
મકાન માલિક ગિરજેશના પત્ની કહે છે કે, "તે મેકઅપ કરતી હતી, બિંદી, સિંદૂર લગાવતી હતી. સાડી પણ પહેરતી હતી. આ વચ્ચે ઈદ પણ આવી પરંતુ એવું કંઈ જ કર્યું જેનાથી તેના પર શંકા જાય."
બધું જ બરાબર ચાલી રહ્યું હતું. એફઆઈઆર અનુસાર સચીને સીમાને ઘરે લાવ્યાના ચાર-પાંચ દિવસ પછી તમામ વાત પોતાના પિતા નેત્રપાલને કહી હતી. આ વાત સાંભળીને પિતાએ સીમાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારપછી સચીને એક જંગલમાં સીમાને પોતાના પિતા સાથે મળાવ્યાં હતાં.
સીમાએ સચીન સાથે રહેવાં અને લગ્ન કરવાની વાત પિતા નેત્રપાલને કરી હતી. જવાબમાં તેમણે કહ્યું કે, "તમે અહીં હવે આવી ગયાં છો, તમે પાકિસ્તાનના રહેવાસી છો. તમારાં બાળકોની રહેણીકરણી પાકિસ્તાની છે...તમે અહીંની રહેણીકરણી શીખી લો, તો હું તમારાં લગ્ન મારા પુત્ર સચીન સાથે કરાવી આપીશ."
સીમા-સચીન એકસાથે રહેતાં હતાં, આ વાતની જાણ માત્ર પિતાને જ નહીં, પરંતુ તેમની દીકરીને પણ હતી. મકાન માલિક ગિરજેશે કહ્યું કે, "પિતા અને સચીનની બહેન તેમને મળવા આ ઘરે પણ આવ્યા હતા અને તેમના માટે સાડી લાવી હતી."
સચીનના કાકા બીરબલ પણ તેની પુષ્ટિ કરતા કહે છે કે છ મહિના પહેલાં સચીને તેમને સીમા અંગે વાત કરી હતી, પરંતુ તેમના સમજાવ્યા પછી પણ તે માન્યા નહીં.
સીમા ગુલામ હૈદર કેવી રીતે પકડાઈ ગયાં?

ઇમેજ સ્રોત, ANI
સીમા તાત્કાલિક સચીન સાથે લગ્ન કરવાં માગતાં હતાં, તેથી બંનેએ વકીલ સાથે વાત કરી હતી.
એફઆઈઆર અનુસાર સીમાએ કહ્યું કે 30 જૂને સચીનના પિતા નેત્રપાલ ઘરે આવ્યા હતા અને કોર્ટ મૅરેજ કરાવવાની વાત કહી હતી.
તેમણે કહ્યું કે, "સચીન પહેલાંથી જ બુલંદશહેર ગયો છે અને તમે પણ તમારા તમામ ડૉક્યુમેન્ટ લઈને બુલંદશહેર કોર્ટ જતા રહો."
પોલીસના જણાવ્યા અનુસાર, સીમા તેમનાં ચાર બાળકો સાથે બુલંદશહેર કોર્ટ પહોંચ્યાં હતાં, જ્યાં સીમા અને બાળકોનો પાસપોર્ટ જોઈને વકીલે કહ્યું કે, "તમે તો પાકિસ્તાનનાં રહેવાસી છો. તમારાં લગ્ન સચીન સાથે ન થઈ શકે. ત્યારબાદ હું, સચીન અને તેમના પિતા રબુપુરા પરત ફર્યા હતા."
અહીંથી પોલીસના કાને આ કહાણી પડી હતી. પરત ફર્યા બાદ સીમા અને સચીનને ડર લાગતો હતો કે "હવે પોલીસને આ વાતની જાણ થઈ જશે અને અમે પકડાઈ જઈશું."
30 જૂનના રોજ રાત્રે સીમા હૈદર તેમનાં બાળકો અને સામાન લઈને રબુપુરાથી નીકળી ગયાં હતાં.
બીજા દિવસે સવારે એટલે કે પહેલી જુલાઈએ સચીન સવારે કામ કરવા દુકાને ગયા, પરંતુ થોડી જ વારમાં રજા લઈ લીધી હતી.
દુકાનદારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "1લી જુલાઈએ સચીન લગભગ સવારે આઠ વાગ્યે દુકાન આવ્યો હતો, પરંતુ આવતાંની સાથે જ તેણે કહ્યું કે તેને કંઈક કામ છે અને તે જતો રહ્યો."
મકાન માલિક મુજબ એક જુલાઈએ જ પોલીસ સીમા અને સચીનની તપાસ કરતા કરતા ભાડાના મકાન સુધી પણ પહોંચી ગઈ, જ્યાં તેઓ રહેતા હતા,પરંતુ તેમને કોઈ મળ્યું નહીં.
એફઆઈઆર મુજબ તારીખ ત્રીજી જુલાઈએ રાત્રે લગભગ આઠ વાગ્યે બાતમીદારની માહિતી પર રબુપુરા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સુધીર કુમાર તેમની ટીમ સાથે નીકળ્યા હતા. પોલીસે હરિયાણામાં વલ્લભગઢમાંથી સચીન સાથે સીમા અને ચાર બાળકોની ચાર જુલાઈએ સવારે ધરપકડ કરી હતી.
પોલીસે સચીન મીણા, તેમના પિતા નેત્રપાલ અને સીમા ગુલામ હૈદર વિરુદ્ધ વિદેશી અધિનિયમ 1946ની કલમ 14 અને ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
સાત જુલાઈએ ઉત્તર પ્રદેશની જેવર સિવિલ કોર્ટે પિતા સહિત બંનેને રાહત આપતા જામીન આપ્યા છે.
સીમા ક્યાંનાં રહેવાસી છે?

સીમા રિંદ સિંધના ખૈરપુર જિલ્લાનાં રહેવાસી છે. આ વિસ્તાર ખજૂરની ખેતી માટે ઓળખાય છે. આ અંતિમ સ્વતંત્રત રજવાડું હતું, જે પછી પાકિસ્તાનમાં સામેલ થઈ ગયું.
સીમાના પતિ ગુલામ હૈદર જકોબાબાદના રહેવાસી છે. સીમા અને ગુલામ હૈદર બંને બલોચ છે. ગુલામ હૈદર મિસ્ડકૉલનો જવાબ આપવાના ક્રમમાં સીમા રિંદના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યારપછી તેમણે પ્રેમનો એકરાર કર્યો હતો.
લગ્ન કરવાં માટે પડી રહેલી મુશ્કેલીઓને જોતાં સીમાએ પોતાનું ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા બાદ સીમાએ ગુલામ હૈદર સાથે કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં.
આ મામલો પંચાયતમાં ગયો અને ગુલામ હૈદરના પરિવારે દંડ ભરવો પડ્યો હતો.
પત્નીના કહેવા પર ગુલામ હૈદર કરાચી ચાલ્યા ગયા હતા. અહીં તેઓ ઑટોરિક્ષા ચલાવીને અને મજૂરી કરીને ખર્ચો કાઢી રહ્યા હતા અને વર્ષ 2019માં તેઓ કામ માટે સાઉદી જતા રહ્યા હતા.
સીમા રિંદ, કરાચીમાં ગુલિસ્તા-એ-જૌહર વિસ્તાર પાસે ધાની બખ્શ ગોઠ ગામમાં ભાડાના ઘરમાં રહેતાં હતાં.
તેમનું ઘર ત્રીજા માળે હતું. જ્યારે મકાન માલિકનો પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો.
શરૂઆતમાં સીમા સાથે તેમના પિતા, ભાઈ અને બહેન પણ એજ ઘરમાં રહેતાં હતાં. અડધું ભાડું પિતા આપતા હતા અને અડધું સીમા. પરંતુ ભાડાને લઈને તેમના વચ્ચે હંમેશાં ઝઘડા થતા રહેતા હતા.
બહેનના લગ્ન અને ભાઈના સેનામાં ભરતી થયા બાદ માત્ર સીમાના પિતા જ તેમની સાથે રહેતા હતા. ગયા વર્ષે તેમના પિતાનું મૃત્યુ થયું હતું.
મકાન માલિક મંઝૂર હુસૈને કહ્યું કે, એક દિવસ સીમાએ કહ્યું કે તે ગામ જઈ રહી છે, ત્યારપછી તે ક્યારેય પરત ન આવી.














