યુક્રેન યુદ્ધ : દુશ્મન દેશમાંથી માતાઓએ કેવી રીતે તેમનાં બાળકોને મહામુસીબતે પાછાં મેળવ્યાં?

તેટ્યાના ક્રાયન્ચુક તેમનાં પુત્ર સાશા સાથે
ઇમેજ કૅપ્શન, તેટ્યાના ક્રાયન્ચુકનાં પુત્ર સાશા અને અન્ય 12 બાળકોને ગયા સપ્ટેમ્બરમાં રશિયન સશસ્ત્ર દળો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું
    • લેેખક, સારા રેઈન્સફોર્ડ
    • પદ, બીબીસીના પૂર્વ યુરોપના સંવાદદાતા, યુક્રેન
ગ્રે લાઇન

યુક્રેનના તપાસ અધિકારીઓએ આપેલા ફોટાને 15 વર્ષના શાશા ક્રાયન્યુકે નિહાળ્યા ત્યારે તેમણે રશિયન સૈન્યનો ગણવેશ પહેરેલા છોકરાને તરત જ ઓળખી કાઢ્યો હતો.

સ્કૂલમાં ડેસ્ક પર બેઠેલા કિશોરની જમણી બાંય પર રશિયન યુદ્ધનો ઝેડ ચિહ્ન છે. તેમાં રશિયન ધ્વજનો લાલ, સફેદ અને વાદળી રંગ છે, પરંતુ તે છોકરાનું નામ આર્ટેમ છે અને તે યુક્રેનનો છે.

ઉત્તર-પૂર્વ યુક્રેનના કુપ્યાન્સ્ક ખાતેની સ્કૂલમાંથી ગયા સપ્ટેમ્બરમાં રશિયન સશસ્ત્ર દળો દ્વારા ઉઠાવી જવામાં આવેલાં 13 બાળકોમાં સાશા અને આર્ટેમનો સમાવેશ થાય છે. તેમને એક બસમાં ફટાફટ બેસી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એ બાળકો અઠવાડિયાંઓ સુધી ગાયબ થઈ ગયાં હતાં.

ખાસ પ્રકારની શૈક્ષણિક જરૂરિયાત ધરાવતાં એ બાળકોને તેમના પરિવારજનો સાથે વાત કરવાની મંજૂરી આખરે આપવામાં આવી ત્યારે તેઓ રશિયા હસ્તકના પ્રદેશમાં હતાં.

તેમને પાછાં લાવવા માટે તેમના સંબંધીઓએ હજારો માઇલનો દુષ્કર પ્રવાસ કરીને, તેમની સામે જેણે યુદ્ધ છેડ્યું છે તે દેશમાં પહોંચવું પડ્યું હતું. પેરેવલ્સ્કથી અત્યાર સુધીમાં આઠ બાળકો જ પાછાં ફર્યાં છે અને તેમાં આર્ટેમ છેલ્લો છે. આર્ટેમને તેમનાં માતા ગઈ વસંતમાં પાછો લાવ્યા હતાં.

મેં ફોન મારફત સ્કૂલના ડિરેક્ટર તાત્યાના સેમિનોવાનો સંપર્ક કર્યો હતો. યુક્રેનનાં બાળકોને રશિયન સૈન્યનો ગણવેશ પહેરાવવા સામે તેમને કોઈ વાંધો ન હતો.

“એમાં શું થઈ ગયું?” એવો સવાલ કરતાં તાત્યાનાએ ઉમેર્યું હતું કે “હું શું કરી શકું? મારે તેની સાથે શું લાગેવળગે?”

એ ગણવેશ પરનો ઝેડ શબ્દ તેમના દેશ સામેના યુદ્ધનું પ્રતીક છે, એવી દલીલ મેં કરી ત્યારે તાત્યાનાએ ફરી કહ્યું હતું કે “એમાં શું થઈ ગયું? આ તે કેવો સવાલ છે? તેમના પર કોઈએ દબાણ કર્યું નથી.”

પેરેવલ્સ્ક સ્પેશિયલ સ્કૂલની વેબસાઇટ પર સ્ક્રોલ કરતાં મને આર્ટેમનો ફોટોગ્રાફ જોવા મળ્યો હતો. તે ફોટો ફેબ્રુઆરી-2023માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના એક વર્ષ પછી ડિફેન્ડર્સ ઑફ ફાધરલેન્ડ ડેની ઉજવણી વખતે લેવામાં આવ્યો હતો.

તે ઉજવણી રશિયન સૈનિકો પ્રત્યે “કૃતજ્ઞતા અને આદર’ની અભિવ્યક્તિને સમર્પિત હતી.

મેં તાત્યાનાને વધારે સવાલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન લાઈન અચાનક કટ થઈ ગઈ હતી.

ગ્રે લાઇન

યુદ્ધનો વોન્ટેડ ગુનેગાર

યુક્રેનના બાળકોને તેમના ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યાં બાદ તેમને રશિયન સૈન્યનો ગણવેશ પહેરાવવામાં આવતું હતું

ઇમેજ સ્રોત, PEREVALSK SPECIAL SCHOOL

ઇમેજ કૅપ્શન, યુક્રેનના બાળકોને તેમના ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યાં બાદ તેમને રશિયન સૈન્યનો ગણવેશ પહેરાવવામાં આવતું હતું. આ બાળકોને રશિયન અભ્યાસક્રમ ભણાવવામાં આવતું હતું.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કુપ્યાન્સ્ક સ્પેશિયલ સ્કૂલની કથા યુક્રેન માટે, વ્લાદિમીર પુતિન સામેના સંભવિત યુદ્ધ ગુનેગાર તરીકેના વધતા પુરાવાનો એક ભાગ છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (આઈસીસી) રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની ધરપકડનું વોરંટ માર્ચમાં બહાર પાડ્યું હતું. પુતિન અને બાળકોના રશિયન લોકપાલ મારિયા લ્વોવા-બેલોવા પર યુક્રેનનાં બાળકોના ગેરકાયદે દેશનિકાલનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

રશિયા ભારપૂર્વક જણાવે છે કે તેનો હેતુ સંપૂર્ણપણે માનવતાવાદી છે. તે બાળકોને જોખમમાંથી ઉગારવા માટે યુક્રેનમાંથી કાઢે છે.

વરિષ્ઠ અધિકારીઓ આઈસીસીના આદેશનો તિરસ્કાર કરે છે અને તેના પ્રતિનિધિઓની ધરપકડ કરીને તેમની સામે બદલો લેવાની ધમકી સુધ્ધાં આપે છે.

આઈસીસીએ કે યુક્રેને આ કેસની વિગત જાહેર કરી નથી, પરંતુ કીએવમાંના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા પાયે આક્રમણ શરૂ કરવામાં આવ્યું એ પછી, રશિયાએ પચાવી પાડેલા પ્રદેશમાંથી 19,000થી વધુ બાળકોને ઉઠાવી જવામાં આવ્યાં છે. એ પૈકીનાં મોટાં ભાગનાં કેર હોમ્સ અને નિવાસી શાળાઓનાં છે એવું અમે માનીએ છીએ.

અમે દક્ષિણ યુક્રેનના ઓલેશ્કીમાંની સ્પેશિયલ સ્કૂલ સહિતના એક કેસની તપાસ કરી હતી. અમને જાણવા મળ્યું હતું કે ઉઠાવી જવામાં આવેલાં બાળકોના કોઈ સગાસંબંધીની તપાસના લગભગ કોઈ પ્રયાસ રશિયન અધિકારીઓએ કર્યા નથી.

યુક્રેનનાં બાળકોને વારંવાર જણાવવામાં આવ્યું છે કે તમારા દેશમાં પાછા ફરવા જેવું કશું બચ્યું નથી. તેમને રશિયન દેશભક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

યુદ્ધમાં અરાજકતા અને ખરાબ ઇરાદા બન્ને હોય છે એટલે આ વિશેની વિગતમાં નાનો-મોટો તફાવત હોઈ શકે છે, પરંતુ તેમાં એક સ્પષ્ટ, પ્રબળ વિચારધારાનો પ્રભાવ જોવા મળે છે. વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળનું રશિયા ખુલ્લેઆમ કહે છે કે અમે કબજે કરેલા યુક્રેનના વિસ્તારોમાંની આ બાળકો સહિતની દરેક ચીજ અમારી છે.

ગ્રે લાઇન

સાશાની કથા

સાશા
ઇમેજ કૅપ્શન, સાશા (જમણે)એ બીબીસીને કહ્યું કે તેની માતાના અલગ થવા વિશે વાત કરવી ખૂબ જ દુઃખદાયક છે.

કુપ્યાન્સ્ક, ઈશાન યુક્રેન

સાશા એક ઊંચો, પાતળો છોકરો છે. કિશોર વયના અન્ય છોકરાઓની માફક તેને પણ સાદી હેર સ્ટાઇલ પસંદ છે.

પરિવારથી બળજબરીપૂર્વક અલગ કરી દેવાય ત્યારે કોઈ પણ બાળક પરેશાન થઈ જતું હોય છે. સાશા જેવા બહુ જ સંવેદનશીલ છોકરા માટે તે બહુ મુશ્કેલ હતું. તેમનાં મમ્મી તેટ્યાના ક્રાયન્ચુકે મને જણાવ્યું હતું કે તેને ઘરે લાવ્યાના મહિનાઓ પછી પણ સાશા અતડો રહે છે. એ 15 વર્ષનો જ થયો છે, પરંતુ તણાવને કારણે તેના વાળ સફેદ થઈ ગયા છે.

સાશા અને તેની મમ્મી હવે પશ્ચિમ જર્મનીના ડિંકલેજ ગામમાં શરણાર્થી તરીકે રહે છે. ત્યાં સ્કૂલેથી આવ્યા પછી સાશા આખો દિવસ પલંગ પર પડ્યો રહે છે અને ફોન પર ગેમ્સ રમ્યા કરે છે, પરંતુ રશિયન સૈનિકો તેને ઉપાડી ગયા હતા એ ક્ષણ સાશાને સ્પષ્ટ રીતે યાદ છે.

સાશા તેની જાંઘ પર હાથ ઘસતાં ખૂબ ધીમા અવાજે કબૂલ કરે છે, “ખરું કહું તો એ બહુ ડરામણું હતું. મને ખબર ન હતી કે તેઓ અમને ક્યાં લઈ જશે.”

તને તારી મમ્મી યાદ આવતી હતી કે નહીં, એવો સવાલ હું કરું છું ત્યારે સાશા થોડો સમય થોભીને જણાવે છે કે એ યાદ કરવું બહુ પીડાદાયક છે. સાશા મને પૂછે છે કે આપણે કોઈ બીજા વિષયની વાત કરી શકીએ?

યુદ્ધ પહેલાં સાશા ઈશાન યુક્રેનની કુપ્યાન્સ્ક સ્પેશિયલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે સપ્તાહની શરૂઆતમાં સ્કૂલે જતો હતો અને સપ્તાહના અંતે ઘરે પાછો આવતો હતો, પરંતુ રશિયાએ ફેબ્રુઆરી, 2022માં આક્રમણ કર્યું ત્યારે ખાર્કિવનો મોટો હિસ્સો તરત ખાલી કરાવવામાં આવ્યો હતો અને તેટ્યાનાએ સાશાને સલામતી માટે ઘરે જ રાખ્યો હતો.

સપ્ટેમ્બર આવતા સુધીમાં રશિયાએ આ વિસ્તાર કબજે કરી લીધો હતો. બાળકોએ શાળામાં ફરીથી અભ્યાસ શરૂ કરવો જોઈએ અને રશિયન અભ્યાસક્રમ મુજબ ભણવું જોઈએ તેવો આગ્રહ તેઓ કરવા લાગ્યા હતા.

કબજા હેઠળના તમામ વિસ્તારોમાં આ પ્રકારનું દબાણ હતું. રશિયાનો આદેશ માનવાનો ઇનકાર કરે તેવા સ્થાનિક શિક્ષકોના સ્થાને રશિયન શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.

સાશાને ફરી સ્કૂલે મોકલવા તેટ્યાના રાજી ન હતાં, પરંતુ ગામમાં સાત મહિના રહીને સાશા કંટાળી ગયો હતો. તેથી તેટ્યાના ત્રીજી સપ્ટેમ્બરે સાશાને કુપ્યાન્સ્ક સ્કૂલમાં મૂકી આવ્યાં હતાં.

તેના થોડા દિવસ પછી યુક્રેનને દળોએ પોતાનો પ્રદેશ ફરી કબજે કરવા જોરદાર વળતો હુમલો શરૂ કર્યો હતો.

એ દિવસોને યાદ કરતાં તેટ્યાના કહે છે, “અમે માઈલો દૂરથી આવતો અવાજ સાંભળ્યા હતા. ધૂમધડાકા, ગોળીબાર અને પછી હેલિકૉપ્ટરનો અવાજ. એ ભયંકર દિવસો હતા. પછી ટેન્ક્સ અને યુક્રેનનો ધ્વજ જોવા મળ્યો હતો.”

એ વાતાવરણમાં પુત્રનો સંપર્ક ન થઈ શકતો હોવાથી તેટ્યાના વિહવળ બની ગયાં હતાં.

તેટ્યાનાને ઘણા દિવસો સુધી માહિતી નહોતી કે તેમના પુત્ર સાથે શું થયું છે
ઇમેજ કૅપ્શન, તેટ્યાનાને ઘણા દિવસો સુધી માહિતી નહોતી કે તેમના પુત્ર સાથે શું થયું છે

તેટ્યાના કહે છે, “અમે સ્કૂલે પહોંચીને જોયું તો ત્યાં માત્ર રખેવાળ જ હતો. તેણે અમને જણાવેલું કે બાળકોને લઈ જવામાં આવ્યાં છે, પરંતુ ક્યાં લઈ જવાયાં છે તે કોઈ જાણતું નથી.”

ભારે શસ્ત્રસજ્જ 10 રશિયન સૈનિકો એ દિવસે શાળામાં ઘૂસ્યા ત્યારે શું થયું હતું એ એક શિક્ષકે જોયું હતું.

માયકોલા સેઝાનોવને અમે કીએવમાં મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે “રશિયન સૈનિકોએ દસ્તાવેજો સાથે લઈ જવાની કે બાળકોનાં માતા-પિતાનો સંપર્ક સાધવાની તસ્દી લીધી ન હતી. તેમણે બાળકોને કેટલાક શરણાર્થીઓની સાથે બસમાં ધકેલી દીધાં હતાં અને ચાલ્યા ગયા હતા.’

બાળકોને જોખમથી દૂર રાખવાના હેતુસર આવું કરવામાં આવ્યું હતું, એવી રશિયાએ પોતાના બચાવમાં કરેલી દલીલ બાબતે મેં માયકોલાને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે “હું રશિયાના શાસન હેઠળના દિવસોમાં રહ્યો છું અને તેઓ શું કહે છે અને વાસ્તવિકતા શું છે તેની વચ્ચેનો ફરક બરાબર જાણું છું.”

બાળકોનું શું થયું એ વિશે છ સપ્તાહ સુધી કશું સાંભળવા મળ્યું ન હતું.

તેટ્યાના કહે છે, “હું રોજ રડતી હતી, હોટલાઈન પર ફોન કરતી હતી. તેમણે મને કહેલું કે મેં મારો પુત્ર ગુમાવી દીધો છે. મેં પોલીસને પત્ર લખ્યો હતો. અમે સ્વયંસેવકો દ્વારા મારા પુત્રને શોધવાના પ્રયાસ કર્યા હતા.”

એક મહિના પછી એક મિત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો નિહાળ્યો હતો. તે સપ્ટેમ્બર, 2022નો હતો. તે વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે કુપ્યાન્સ્ક સ્પેશિયલ સ્કૂલનાં 13 બાળકોને રશિયાના અંકુશ હેઠળના સ્વેટોવ ખાતેની સ્કૂલમાં ખસેડવામાં આવ્યાં છે.

તેના એક પખવાડિયા પછી તેટ્યાનાના ફોન પર એક મૅસેજ આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે સાશા પેરેવલ્સ્ક ખાતેની એક સ્પેશિયલ સ્કૂલમાં છે અને સાશાની માતા તેની સાથે વાત કરી શકે છે.

સાશા સાથે ફોન પર વાત થયાની ઘટનાને યાદ કરતાં તેટ્યાના કહે છે, “એ જાણીને અમને આનંદ થયો હતો, પણ સાશા ખરેખર રડી પડ્યો હતો. રશિયનોએ સાશાને જણાવ્યું હતું કે તારું ઘર નાશ પામ્યું છે અને તારા પરિવારજનો પણ મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.”

જોરદાર લડાઈ ચાલતી હોય તેવા વિસ્તારમાં કૉમ્યુનિકેશન આસાન ન હતું, પરંતુ કુપ્યાન્સ્કના બાળકોને જુદી-જુદી ત્રણ સંસ્થામાં રાખવામાં આવ્યાં પછી કોઈએ તેમનાં માતા-પિતાના સંપર્કનો પ્રયાસ કર્યો હતો.

તેટ્યાના કહે છે, “કોઈ સંપર્ક જ ન હતો. પેરેવલ્સ્કથી જ સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એ પણ મોડેમોડે. મને લાગે છે કે તેમણે આવું જાણીજોઈને કર્યું હતું.”

નિયન બાળકોને દત્તક લેવાનું સરળ બનાવવા માટે રશિયાએ તેના કાયદામાં ફેરફાર કર્યો

ઇમેજ સ્રોત, PEREVALSK SPECIAL SCHOOL

ઇમેજ કૅપ્શન, નિયન બાળકોને દત્તક લેવાનું સરળ બનાવવા માટે રશિયાએ તેના કાયદામાં ફેરફાર કર્યો

તેટ્યાનાનો સંઘર્ષ સમાપ્ત થયો ન હતો. સાશાને ઘરે પાછો લાવવા માટે તેમણે સ્વયં જવું જરૂરી હતું, પરંતુ ત્યાં સુધી પહોંચવાના સીધા માર્ગ વચ્ચે યુદ્ધપ્રદેશ આવતો હતો. તેથી તેટ્યાના પગપાળા રશિયામાં દાખલ થતાં પહેલાં યુક્રેનથી પોલૅન્ડ અને બાલ્ટિક્સનો પ્રવાસ કર્યો હતો. એફએસબીના સલામતી રક્ષકોએ યુક્રેનના લશ્કરી દળોની હિલચાલ વિશે તેટ્યાનાને પૂછપરછ કરી હતી, પણ તેટ્યાના એવું કશું જાણતાં ન હતાં.

રશિયાના અંકુશ હેઠળના પૂર્વ યુક્રેન પ્રદેશના પ્રવાસને યાદ કરતાં તેટ્યાના કહે છે, “ત્યાં ગાઢ અંધારું હતું. ચોકીઓ હતી. મુખવટાધારી લોકોના હાથમાં બંદૂકો હતી. હું એટલી ડરી ગઈ હતી કે શાંત થવા માટે ગોળી ખાવી પડી હતી.”

તેટ્યાના માટે ડરવાનું બીજું કારણ પણ હતું. ત્યાં સુધીમાં રશિયા તેણે કબજે કરેલા વિસ્તારોમાંના કેર હોમ્સમાંથી બાળકોને ખુલ્લેઆમ લઈ જઈ રહ્યું હતું અને તેમને રશિયન પરિવારો સાથે હવાલે કરી રહ્યું હતું.

યુક્રેનનાં બાળકોને તેમના અનુરક્ષકો સાથે સરહદ પાર કરાવી રહેલાં બાળકોના લોકપાલ અને આશ્ચર્યચકિત બાળકોને તેમના રશિયન પાલક માતા-પિતા દ્વારા આપવામાં આવી રહેલા ઉમળકાભર્યા આવકારને દર્શાવતા સંખ્યાબંધ વીડિયો બાળકોના લોકપાલની ટેલિગ્રામ ચેનલ પર જોવા મળતા હતા.

અમે મારિયા લ્વોવા-બેલોવાને ઇન્ટરવ્યૂ માટે બે વખત વિનંતી કરી હતી, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સોશિયલ મીડિયા પરની તેમના તમામ પોસ્ટ્સમાં એક સંદેશો સ્પષ્ટ છેઃ રશિયા સારો દેશ છે અને તે સંઘર્ષને હજુ પણ યુદ્ધ માનતું નથી. પોતે યુક્રેનને બાળકોને બચાવી રહ્યું હોવાનો દાવો રશિયા કરે છે.

સાશા કુપ્યાન્સ્કમાંથી ગાયબ થયો ત્યાં સુધીમાં વ્લાદિમીર પુતિને કાયદામાં ફેરફાર કરી નાખ્યો હતો અને યુક્રેનનાં બાળકોને રશિયાનું નાગરિકત્વ આપવાનું તથા તેમને દત્તક લેવાનું આસાન બનાવી નાખ્યું હતું. સપ્ટેમ્બરના અંતમાં તેમણે યુક્રેનના ચાર પ્રદેશોને રશિયામાં ભેળવવાની જાહેરાત કરી હતી. તેમાં લુહાન્સ્કનો સમાવેશ થાય છે અને એ વખતે સાશા ત્યાં હતો.

જાહેરમાં અને ઑનલાઇન મંચ પર મારિયા લ્વોવા બેલોવા યુક્રેનનાં બાળકોને ‘અમારાં’ બાળકો વારંવાર કહેતાં હતાં. તેમણે પોતે મારિયુપોલને એક કિશોરને દત્તક લીધો હતો અને તેના નવા રશિયન પાસપૉર્ટ સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા.

તેટ્યાનાએ કહે છે, “કોઈ રશિયન સાશાને પણ દત્તક લઈ લેશે તો હું તેને ક્યારેય શોધી શકીશ નહીં, એવો ડર મને હતો. સાશાને કોઈ પાલક પરિવારમાં મૂકી દેવામાં આવશે એવો ડર પણ હતો.”

“અમારાં બાળકોને બીજા સાથે શું લેવાદેવા? તેઓ અમારી સાથે આવું શા માટે કરી રહ્યા છે? કદાચ તેઓ અમને દુઃખ આપવા ઇચ્છતા હશે.”

પાંચ દિવસના થકવી નાખતા પ્રવાસ પછી તેટ્યાના આખરે પેરેવલ્સ્ક પહોંચ્યાં હતાં અને પુત્રને જોરથી ભેટી પડ્યાં હતાં. સાશા એક શબ્દ બોલ્યો ન હતો. તેની આંખમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં.

ગ્રે લાઇન

ડાન્યાલોની કથા

અલ્લા ચાત્સેન્યુક
ઇમેજ કૅપ્શન, અલ્લા ચાત્સેન્યુક અને અન્ય માતાઓ જ્યારે પોતાનાં બાળકોને મુક્ત કરાવવા માટે રશિયા ગયા ત્યારે બીબીસી પણ તેમની સાથે હતું

ખેરસાન, દક્ષિણ યુક્રેન

અલ્લા ચાત્સેન્યુકને છ મહિના સુધી કશુંક ખૂટી રહ્યું હોય તેવું લાગતું હતું. તેમણે તેમના 13 વર્ષના પુત્ર ડાન્યાલોને ક્રિમિયામાં એક કૅમ્પ માટે રવાના કર્યો ત્યારે વિચાર્યું હતું કે દીકરો બે અઠવાડિયા માટે સમુદ્ર કિનારે જઈ રહ્યો છે. તે યુદ્ધની તાણમાંથી વિરામનો સમય હતો. એ કૅમ્પમાં ખેરસાનનાં અન્ય બાળકો ગયાં હતાં અને પાછાં આવી ગયાં હતાં. તેથી અલ્લાને ચિંતા ન હતી.

એ ઉપરાંત યુદ્ધની શરૂઆતથી તેમનું શહેર કબજે કરવામાં આવ્યું હતું અને ઑક્ટોબર, 2022માં તેઓ એવું વિચારવા લાગ્યાં હતાં કે રશિયાના નિયંત્રણ હેઠળનું ખેરસન વધુ સારું હશે. વાસ્તવમાં તેઓ એવું ઇચ્છતાં ન હતાં.

જોકે, ડાન્યાલોને રવાના કર્યાના થોડા દિવસો પછી, તેની સલામતી માટે જવાબદાર અધિકારીઓએ જાહેરાત કરી હતી કે એ બાળકો ક્યારેય પાછા નહીં આવે. રશિયનોએ ખેરસનથી પીછેહઠ શરૂ કરી હતી. જે માતા-પિતા તેમનાં બાળકોને પાછાં મેળવવા ઇચ્છતાં હોય તેમણે સ્વયં તેમને લેવા માટે આવવું પડશે, એવું જણાવવામાં આવ્યું હતું.

અલ્લાએ સ્થાનિક વહીવટીતંત્રને વિનંતી કરી હતી, પરંતુ તેમને જણાવવામાં આવ્યું હતું કે “ખેરસન રશિયાનો ફરીથી હિસ્સો બનશે’ ત્યારે જ તેમનાં બાળકો પાછાં આવી શકશે. એ પછી અલ્લાએ ક્રિમિયામાંની પ્રોસિક્યુટરની ઑફિસમાં ફોન કર્યો હતો. તેમણે પણ જણાવ્યું હતું કે ડેન્યાલોનો કબજો લેવા તેમણે જાતે જ જવું પડશે.

તેથી અલ્લા તેમના પુત્રને સપ્તાહો સુધી ધરપત આપતા રહ્યાં હતાં કે તેઓ તેને લેવા માટે આવી રહ્યાં છે. પુત્રને પાછો લાવવાના પ્રયાસ તેઓ કરી રહ્યાં હતાં.

ખેરસન અને યેવપેટોરિયા વચ્ચેનું અંતર ઓછું છે, પરંતુ સીધો રૂટ રશિયન સૈન્યે બંધ કરી દીધો હતો અને ઝાપોરિઝિયા થઈને જતો લાંબો રૂટ બહુ જોખમી હતો. અલ્લાને કહેવામાં આવ્યું હતું કે “ત્યાં સુધી પહોંચીને અહીં સલામત રીતે પરત આવવું બહુ મુશ્કેલ છે.”

એ ઉપરાંત તેમણે ડ્રાઇવરને રોજના 1,500 પાઉન્ડ ચૂકવવા પડશે તેમજ ડેન્યાલો તેમનો પુત્ર છે તે સાબિત કરવા તેમણે રશિયનોને પાસપૉર્ટ સહિતના તમામ દસ્તાવેજો આપવા પડશે.

માતા-પિતા બાળકોનો કબજો ઝડપથી નહીં સંભાળી લે તો તેમને ચાઇલ્ડ કેરમાં મૂકી દેવામાં આવશે એવી ધમકી કૅમ્પના અધિકારીઓ આપી રહ્યા છે, તેવું ડેન્યાલોએ જણાવ્યું ત્યારથી અલ્લા નિરાશા અનુભવવા લાગ્યાં હતાં.

અલ્લા કહે છે, “ભયભીત બાળકો ફોન કરીને અમને કહેતાં હતાં કે તેમને ચાઇલ્ડ કેરમાં જવું નથી. વળી રશિયા તો વિશાળ દેશ છે. અમે તેમને ક્યાં જઈને શોધીશું?”

અન્ય માતાઓ અને દીદીઓ તેમના જીવનની સૌથી બેચન મુસાફરી માટે એક ટ્રેનમાં રવાના થઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે અમારી મુલાકાત થઈ હતી.

આ મહિલાઓને સેવ યુક્રેન નામનું એક જૂથ મદદ કરી રહ્યું હતું. યુક્રેનનાં હજારો બાળકો ફસાયેલાં હોવાનું બહાર આવ્યા પછી જૂથે આ કામ શરૂ કર્યું હતું. એ પૈકીની કેટલીક મહિલાઓ ગરીબ પરિવારોની હતી.

તેમની પાસે પ્રવાસ માટે જરૂરી સાધનસામગ્રી કે પૈસા ન હતા. બીજાં કેટલાંક માતા-પિતાને, રશિયા દ્વારા જોરદાર આક્રમણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમનાં બાળકોના પાછાં ફરવા બાબતે શંકા હતી, પરંતુ અલ્લા વધુ રાહ જોઈ શકે તેમ ન હતાં.

ડેનિલો (મધ્યમાં) જ્યારે તે બેલારુસથી સરહદ પાર કરીને મહિનાઓ બાદ યુક્રેનમાં પોતાના ઘરે પહોંચે છે
ઇમેજ કૅપ્શન, ડેનિલો (મધ્યમાં) જ્યારે તે બેલારુસથી સરહદ પાર કરીને મહિનાઓ બાદ યુક્રેનમાં પોતાના ઘરે પહોંચે છે

અલ્લા કહે છે, “મને હજુ પણ ચિંતા છે કે કોઈ ગડબડ થશે. મારો પુત્ર મારી સાથે નહીં હોય ત્યાં સુધી એ ચિંતા રહેશે જ. એ પછી હું શાંતિથી શ્વાસ લઈ શકીશ.”

એક સપ્તાહ પછી અલ્લા કોંક્રિટના બોલ્ડર્સ અને ટેન્ક-વિરોધી સંરક્ષણ વ્યવસ્થામાંથી પસાર થઈને એક મોટી સુટકેસ ખેંચતાં બેલારુસ સરહદેથી યુક્રેન પાછાં આવ્યાં હતાં. એ વખતે ડેન્યાલો તેમની સાથે હતો અને તેના ચહેરા પર ઝાંખું સ્મિત હતું.

આ સમયગાળામાં એવી ક્ષણો પણ આવી હતી કે દીકરાને પાછો મેળવવાનું અલ્લાને અશક્ય જણાયું હતું.

સેવ યુક્રેન જૂથે આ મહિલાઓને સૂચના આપી હતી કે તમે રશિયામાં પ્રવેશો ત્યારે તમારા ફોન સ્વીચ ઑફ કરી દેજો. તેથી તેમના આઘાતજનક પ્રવાસની વિગત તેઓ તેમનાં સંતાનોને ફરી મળ્યાં પછી જ બહાર આવી હતી.

મોસ્કો ઍરપૉર્ટ પર એફએસબી સિક્યૉરિટી સર્વિસ દ્વારા કરવામાં આવેલા વર્તનની વાત કરતાં અલ્લા કહે છે, “તેમણે અમને બધાથી અલગ, ઢોરની જેમ રાખ્યા હતા. 14 કલાક સુધી અમને પાણી કે ખોરાક કે બીજું કશું આપવામાં આવ્યું ન હતું. તેઓ અમને લશ્કરી સાધનો વિશે સતત પૂછતા હતા. તેમણે અમારા મોબાઇલ ફોન અનેક વખત ચેક કર્યા હતા અને અમારા સંબંધી વિશે સતત પૂછપરછ કરી હતી.”

મહિલાઓ ક્રિમિયાની દક્ષિણે પહોંચતા સુધીમાં 24 કલાક પ્રવાસ કર્યો હતો. નજીક પહોંચવા લાગ્યા ત્યારે તેમણે વિરામ લીધો હતો અને 64 વર્ષનાં ઓલ્હા કુટોવા બે ડગલાં ચાલ્યા પછી ફસડાઈ પડ્યાં હતાં અને રસ્તામાં જ મૃત્યુ પામ્યાં હતાં. મિનીબસમાં દિવસો સુધી, સખત માનસિક તાણ વચ્ચે, સાંકડમાંકડ પ્રવાસ કરવાને લીધે ઓલ્હાનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું. હવે સેવ યુક્રેન જૂથ ઓલ્હાનાં અસ્થિ તેમજ તેમની પૌત્રીને પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ બધાની વચ્ચે અલ્લા આખરે કૅમ્પમાં પહોંચી ગયાં હતાં.

પુત્ર ડેન્યાલો સાથેના પુનર્મિલનની ક્ષણનું વર્ણન કરતાં અલ્લા કહે છે, “મારા દીકરાને અશ્રુભરી આંખે મારા તરફ દોડીને આવતો નિહાળ્યો ત્યારે, મેં અત્યાર સુધી જે કંઈ સહન કર્યું હતું તેનું સાટું વળી ગયું હતું.”

ડેન્યાલો કહે છે, “એ ઝમકદાર હતું.”

સેવ યુક્રેન દ્વારા એ દિવસે 31 બાળકોને પરત લાવવામાં આવ્યાં હતાં અને કૅમ્પના કર્મચારીઓએ ધમકી આપી હોવાની વાતની ઘણાં બાળકોએ પુષ્ટિ કરી હતી.

બાળકોને શરૂઆતમાં પર્યટન પર લઈ જવાની અને સારો આહાર તથા વસ્ત્રો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ રશિયાના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં તેમની સાથે રશિયનો જેવો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. મોસ્કોથી નિરીક્ષકો આવ્યા ત્યારે યુક્રેનનાં બાળકોને રશિયન ધ્વજની બાજુમાં લાઈનમાં ઊભાં રાખવામાં આવ્યાં હતાં અને તેમને રશિયન રાષ્ટ્રગીત ગાવાનું કહેવામાં આવ્યું હતું.

ખેરસન પર અંકુશ ધરાવતા વહીવટીતંત્રે ઑક્ટોબરમાં આવી જ એક ઘટનાનો વીડિયો ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. લાઉડસ્પીકર્સ પર રશિયાનું રાષ્ટ્રગીત ગૂંજતું હતું અને તિરંગો ફરકતો હતો, પરંતુ ધારીને જોઈએ તો દેખાતું હતું કે એકેય બાળકના હોઠ હલતા ન હતા.

કૅમેરા ઑપરેટરને અચાનક ખ્યાલ આવ્યો હતો કે એક છોકરીએ લાઉડસ્પીકરમાંથી વહેતા જોરદાર અવાજના ત્રાસથી બચવા પોતાના કાન પર હાથ મૂક્યા છે. ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું અને તેમણે એ છોકરી પરથી કૅમેરા બીજે ફોકસ કર્યો હતો.

ગ્રે લાઇન

પોતાના દેશમાં પુનરાગમન

ડાન્યાલો પોતાના માતા સાથે
ઇમેજ કૅપ્શન, ડાન્યાલો પોતાના માતા સાથે

રશિયામાંથી પાછા ફર્યાના કેટલાક સપ્તાહ બાદ મેં અલ્લાને ફોન કર્યો હતો. તેમણે ખુશખુશાલ અવાજમાં મને કહ્યું હતું કે “અહીં પહોંચ્યાં પછી તમામ તકલીફનો આખરે અંત આવ્યો છે.”

અલ્લાએ કબૂલ્યું હતું કે સમર કૅમ્પ મોમ્સ બાબતે શરૂઆતમાં ખરાબ છાપ હતી, કારણ કે રશિયનો સંચાલિત ફેસિલિટીઝમાં બાળકોને મોકલવા બદલ તેમને રશિયાના સહયોગી ગણવામાં આવે છે. જોકે, હવે તેવું નથી એ વાતે અલ્લા રાહત અનુભવે છે.

પરિવારમાં પાછો આવી ગયેલો ડેન્યાલો તેના નાના ભાઈ સાથે ઝઘડા કરે છે અને ઑનલાઈન અભ્યાસ કરે છે, પરંતુ ઘરમાં ઇન્ટરનેટ ન હોવાને કારણે અલ્લાએ ડેન્યાલોના હોમ-વર્કને ડાઉનલોડ કરવા માટે વાઈ-ફાઈ શોધવા શહેરમાં જવું પડે છે, જે જોખમી છે.

અલ્લા કહે છે, “અમારું ઘર રશિયન સૈન્યની પૉઝિશનથી ઘણું દૂર આવેલું છે, પણ સવારથી રાત સુધી ગોળીબાર ચાલતો રહે છે.” અલ્લાનો પરિવાર આ સ્થળ છોડીને અન્યત્ર જવા ઇચ્છતો નથી.

ડેન્યાલો કૅમ્પમાંનાં અન્ય બાળકોના ગ્રૂપમાં ચેટિંગ કરતો રહે છે અને જે બાળકો બાકી રહ્યાં હતાં તેમને પણ હવે પાછા લાવવામાં આવ્યાં છે.

ડેન્યાલોના કહેવા મુજબ, તેમના પૈકીનાં પાંચ બાળકોને રશિયાના કોઈક કેર હોમમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યાં હતાં.

અલ્લાએ અનેક પલંગ, સસ્તી રજાઈ અને એક સ્પાઈડર પ્લાન્ટ ધરાવતા તેમના રૂમના ફોટોગ્રાફ્સ મને ફોરવર્ડ કર્યા હતા. તેમાં બાકી રહી ગયેલાં બાળકો ક્યાં ગયાં તે સ્પષ્ટ નથી.

ગ્રે લાઇન

ગુમ થયેલાં બાળકો

બીબીસી સંવાદદાતા સારા રેઈન્સફોર્ડ શાળાનાં આચાર્ચ સાથે ફોન પર વાત કરી હતી
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા સારા રેઈન્સફોર્ડ શાળાનાં આચાર્ચ સાથે ફોન પર વાત કરી હતી

સાશાને ગ્રામ્ય જર્મનીમાં અને બીજી નવી સ્કૂલમાં સ્થાયી થવાનો સમય મળ્યો છે, પરંતુ તેટ્યાના માટે ત્યાં નવી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવાનું થોડું મુશ્કેલ બની રહ્યું છે.

તેમના ફ્લેટમાં સ્પ્રેટ સેન્ડવીચનો ઢગલો પડ્યો છે. તેટ્યાના જણાવે છે કે તેમનો મોટો દીકરો હજુ પણ યુક્રેનમાં છે અને તેને કોઈ પણ દિવસે સૈન્યમાં જોડાવા માટે બોલાવવામાં આવશે. તેટ્યાના બને તેટલા ઝડપથી તેમના પતિના ઘરે પાછા ફરવા ઇચ્છે છે, પરંતુ કુપ્યાન્સ્કમાં જોરદાર લડાઈ ચાલી રહી છે.

એપ્રિલના અંતમાં રશિયાએ ઝીંકેલા મિસાઇલોને કારણે સ્થાનિક ઇતિહાસ સંગ્રહાલયનો નાશ થયો છે. તેમાં બે મહિલા પણ મૃત્યુ પામી હતી. એ પહેલાં સાશાની જૂની સ્કૂલને નુકસાન થયું હતું.

સાશા અને અન્ય બાળકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યાના આઠ મહિના પછી પણ પાંચ બાળકો રશિયાના અંકુશ હેઠળના વિસ્તારમાં છે. મેં ફોન કર્યો ત્યારે સ્કૂલના ડિરેક્ટર તાત્યાના સેમિનોવાએ આ વાતની પુષ્ટિ કરી હતી.

તેઓ મારી સાથે વાત કરવા સહમત થયાં તેનાથી મને આશ્ચર્ય થયું હતું, પરંતુ મેં રશિયન નંબરનો ઉપયોગ કર્યો હતો તેનાથી તેઓ મૂંઝવણમાં મુકાયાં હશે અને મારા સવાલોથી પણ.

ડિરેક્ટરે દાવો કર્યો હતો કે પાંચ બાળકો વિશે કોઈને ખબર નથી. જોકે, આપણે જાણીએ છીએ તેમ એ વાત સાચી નથી. તાત્યાનાએ ભારપૂર્વક જણાવ્યુ હતું કે એ બાળકોના કાયદેસરના વાલી આવશે ત્યારે તરત જ તેઓ એ બાળકો તેમના હવાલે કરશે.

જોકે, તે અશક્ય છે. વિવિધ સ્રોતોએ મને જણાવ્યુ હતું કે જેમનાં માતા-પિતા જીવંત હોય, પરંતુ તેમને તેમનાં સંતાનોની સંભાળ લેવા છૂટ ન હોય એવાં બાળકોને “સામાજિક અનાથ” ગણવામાં આવે છે.

રશિયા યુક્રેનમાંથી બાળકોને પરવાનગી વિના શા માટે લઈ જાય છે અને તેમને પરત કરવા માટે ઢગલાબંધ પેપરવર્ક શા માટે કરાવે છે, એવો સવાલ પૂછ્યો ત્યારે તાત્યાનાએ ટૂંકો જવાબ આપ્યો હતોઃ “મારે તેની સાથે શું લાગેવળગે? એ બાળકોને હું અહીં લાવી નથી.”

પેરેવલ્સ્કમાંની તેમની સ્કૂલની વેબસાઇટ પર તેમનો મોટો ફોટોગ્રાફ જોવા મળે છે. સાશાના સહાધ્યાયી ઓર્ટેમનો ઝેડ માર્ક સાથેનો ફોટોગ્રાફ પણ એ જ વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

કુપ્યાન્સ્કમાંથી ગુમ થયેલાં વધુ બે બાળકોને પણ સાશાએ સ્કૂલના ફોટોગ્રાફ્સમાંથી ઓળખી કાઢ્યા હતા. તે 12 વર્ષની સોફિયા અને મિકિતા છે. રશિયન સૈન્યની કામગીરીને વખાણવાના કાર્યક્રમમાં એ બન્ને છોકરી સારાં વસ્ત્રો પહેરીને ઊભેલી દેખાય છે.

રશિયાના રાષ્ટ્રપ્રમુખની ધરપકડ માટે બહાર પાડવામાં આવેલા વોરંટ વિશે તમે શું માનો છો, એવો સવાલ હું પૂછું છું ત્યારે સાશાની માતા તેટ્યાના જરાય ખચકાટ વિના કહે છે, “અમારાં બાળકો સાથે કરેલા વર્તન બદલ માત્ર પુતિન જ નહીં, તેમના તમામ કમાન્ડરો સામે પણ કાર્યવાહી થવી જોઈએ.”

તેટ્યાના સવાલ કરે છે, “તેમને અમારાં બાળકોને લઈ જવાનો અધિકાર કોણે આપ્યો? અમારે તેમને પાછા કેવી રીતે લાવવાના હતા? તેમને કોઈ જ પરવા ન હતી.”

(પ્રોડક્શનઃ મારિયાના માટ્વીચુક, ફોટોગ્રાફ્સઃ મેથ્યુ ગોડાર્ડ અને સારા રેન્સફોર્ડ)

રેડ લાઇન
રેડ લાઇન