એ 'આત્મહત્યા'ની કહાણી જે પ્રથમ વિશ્વ યુદ્ધની ‘શરૂઆતનું કારણ બની’

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, થાઈ પોર્શ
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ, ક્યુરિટીબા
ઑસ્ટ્રિયાના યુવરાજ રુડોલ્ફ અને તેમનાં મહિલા સાથીએ 1889માં સાથે મળીને કરેલી આત્મહત્યાને પગલે બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓમાં આર્કડ્યુઝ ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યા થઈ હતી અને પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ હતી.
ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના યુવરાજ, હેબ્સબર્ગના આર્કડ્યુક રુડોલ્ફના હજૂરિયા લોશેક માટે 1889ની 30 જાન્યુઆરીની સવાર એક સામાન્ય સવાર જેવી જ હતી. લોશેકે વિયેનાથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય પ્રદેશ મેયરલિંગમાંની ઇમ્પિરિયલ હંટિગ લૉજમાં શિકાર કરવા જવા માટે રાજકુમારને જગાડવાના હતા. તેમનાં સાથીદાર બેરોનેસ મારિયા વેટસેરાએ પણ મેયરલિંગના શાહી ઍપાર્ટમૅન્ટમાં જ રાત વિતાવી હતી.
જોકે, લોશેકે રાજકુમારને ઉઠાડવાના પ્રયાસ કર્યા ત્યારે પ્રત્યુત્તરમાં તેમને મૌન જ સાંપડ્યું હતું. એ પછી તેમણે રુડોલ્ફોના શિકારના સાથી કાઉન્ટ જોસેફ હોયોસનો સંપર્ક કર્યો હતો. આ સ્થિતિમાં શું કરવું જોઈએ તેની બન્નેએ ચર્ચા કરી હતી.
બંનેએ બેડરૂમનો દરવાજો તોડવાનું નક્કી કર્યું હતું, પરંતુ લોશેક રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમને હેબ્સબર્ગ સામ્રાજ્ય ખળભળી ઊઠે તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. 30 વર્ષના રુડોલ્ફ મૃત અવસ્થામાં પડ્યા હતા. તેમની બાજુમાં માત્ર 17 વર્ષનાં મારિયા વેટસેરાનો નિશ્ચેત દેહ પડ્યો હતો. તેમના મસ્તકમાં ગોળી મારવામાં આવી હતી.
રુડોલ્ફ ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ જોસેફ પ્રથમ અને મહારાણી એલિઝાબેથનું એક માત્ર પુરુષ સંતાન હતા. એ કારણે તેઓ ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના વારસદાર હતા. તેમના મૃત્યુને પગલે રાજ દરબારને આઘાત લાગ્યો હતો અને વાસ્તવમાં શું થયું હશે તે સમજવા માટે કથિત કાવતરાની સંખ્યાબંધ ધારણાને વેગ મળ્યો હતો. એ ઉપરાંત એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે રાજકુમાર રુડોલ્ફ અને તેમનાં સાથીદાર મારિયાએ સાથે મળીને આપઘાતનો નિર્ણય કર્યો હશે, રુડોલ્ફે પહેલાં મારિયાની હત્યા કરી હશે અને પછી આત્મહત્યા કરી હશે.

આર્કડ્યુક ફ્રાન્સિસ્કો ફર્ડિનાન્ડને મળી રાજગાદી

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
આ કિસ્સો મેયરલિંગ ઘટના નામે જાણીતી થઈ હતી.
યુવરાજના અકાળ મૃત્યુની તેમનાં માતાપિતા પર વિનાશક અસર થઈ હતી એટલું જ નહીં, એ ઘટનાને લીધે ઇતિહાસનો પ્રવાહ પલટાઈ ગયો હતો અને સામ્રાજ્યના અંતનો આરંભ થયો હતો.
રુડોલ્ફનો કોઈ પુરુષ ઉત્તરાધિકારી ન હતો, માત્ર એક દીકરી હતી. તેથી તેમના મૃત્યુને પગલે ઑસ્ટ્રો-હંગેરિયન રાજગાદીના ઉત્તરાધિકારીની નિમણૂકમાં વિક્ષેપ સર્જાયો હતો. તેમના કાકા અને ફ્રાન્સિસ્કો જોસ પ્રથમના ભાઈ આર્કડ્યુક કાર્લોસ લુઇસ ઉત્તરાધિકારી બન્યા હતા અને તેમણે તેમના પુત્ર આર્કડ્યુક ફ્રાન્સિસ્કો ફર્ડિનાન્ડને રાજગાદી સોંપી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નામ પરિચિત લાગતું હોય તો એ યોગાનુયોગ નથી. આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ, ઑસ્ટ્રિયા અને રાષ્ટ્રવાદી જૂથો વચ્ચેની અસ્થિરતાનું કેન્દ્ર બન્યા હતા. 1914ની 28 જૂને સારયેવો શહેરમાં એક રાષ્ટ્રવાદીએ તેમની હત્યા કરી હતી. એ ઘટના પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભનાં મુખ્ય કારણો પૈકીની એક હતી.

ધારેલા સિદ્ધાંતો અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેયરલિંગમાં શું થયું હશે તે બાબતે જાતજાતની વાતો કહેવામાં આવી છે અને એ પૈકીની મોટા ભાગની વાતોનું કારણ શાહી પરિવારમાં પારદર્શિતાનો અભાવ છે.
લોશેકે શરૂઆતમાં એવું ધાર્યું હતું કે રુડોલ્ફે ઝેર પીને આત્મહત્યા કરી હશે, કારણ કે તેમના પલંગની બાજુના ટેબલ પર એક ગ્લાસ જોવા મળ્યો હતો.
જોકે, એ બપોરે મેયરલિંગ પહોંચેલા કોર્ટ મેડિકલ કમિશને સ્થાપિત કર્યું હતું કે યુવરાજનું ધમની પરના સોજાને કારણે મૃત્યુ થયું હતું.
ઇતિહાસકાર અને ઇન્ડિયાનાપોલીસ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે કાર્યરત્ લોરેન્સ સોધોન્સના જણાવ્યા મુજબ ઐતિહાસિક પુરાવા એ કિસ્સો હત્યા-આત્મહત્યાનો હોવાનો નિર્દેશ કરે છે.
સોધોન્સે દાવો કર્યો હતો કે ઑસ્ટ્રિયા એ સમયે ચુસ્ત કૅથલિક દેશ હતો અને તેમાં આત્મહત્યા કરવી એ મોટું પાપ ગણાતું હતું. અલબત્ત, મૃતકની મનોસ્થિતિ અસ્થિર હોય તો આત્મહત્યાને માફ કરી શકાય છે.
તેમણે કહ્યું હતું કે, “શાહી પરિવારે અલગ જ વાર્તા ઘડી કાઢી હતી. યુવરાજના મૃત્યુ પછી તરત જ જણાવવામાં આવ્યું હતું એ હૃદયની તકલીફને કારણે થયું હતું, પરંતુ હાર્ટ ઍટેકના સત્તાવાર કારણને મીડિયાએ ઝડપથી ત્યજી દીધું હતું. તેથી શાહી પરિવારે આત્મહત્યાનો સ્વીકાર કર્યો હતો અને સાથે એવો દાવો પણ કર્યો હતો કે રુડોલ્ફ માનસિક રીતે સક્ષમ ન હતા.”
એ પછી તેમને વિયેનાના કેપ્ચુચિન ચર્ચમાં હેબ્સબર્ગ પરિવાર સાથે દફનાવવામાં આવ્યા હતા.
રુડોલ્ફની રાજકીય કારણોસર હત્યા કરવામાં આવી હતી અને ઑસ્ટ્રિયન અથવા જર્મન ગુપ્તચર એજન્ટોએ તે કામ કર્યું હતું એવી થિયરી પણ લાંબો સમય પ્રચલિત રહી હતી. એ સમયે ઓટ્ટો વાન બિસ્માર્ક જર્મનીના શાહી ચાન્સેલર હતા. તેઓ નિશ્ચિત રીતે રૂઢિચુસ્ત શાસક હતા અને તેમણે રુડોલ્ફના સંભવિત શાસન બાબતે શંકા વ્યક્ત કરી હોવાનું સોધોન્સે જણાવ્યું હતું. તેને પગલે, રુડોલ્ફોની હત્યામાં બિસ્માર્કનો હાથ હોવાના ષડ્યંત્રની સંખ્યાબંધ થિયરી વહેતી થઈ હતી.
અલબત્ત, સોધોન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે રુડોલ્ફ આત્મઘાતી મનોવલણ ધરાવતા હતા તેના ઘણા પુરાવા છે. રુડોલ્ફ દારૂ અને મોર્ફિન સહિતના માદક પદાર્થોના વ્યસની હતા.
તેમણે કહ્યું હતું કે, “તેઓ સ્ત્રીસંગાથના શોખીન તરીકે જાણીતા હતા. તેમનાં અનેક સ્ત્રી સાથીદાર હતાં. યુવરાજથી સારી રીતે પરિચિત શાહી અધિકારીઓ અને ડૉક્ટરોનાં પ્રમાણપત્રો નિર્દેશ કરે છે કે યુવરાજ ગોનોરિયા તથા સીફિલિસ જેવા ગુપ્ત રોગોથી પીડાતા હતા. તે રોગની સારવાર ન કરવામાં આવે ત્યારે માનસિક સમસ્યા સર્જાઈ શકે છે.”

શું માનસિક સમસ્યા બની કથિત આત્મહત્યાનું કારણ?
એક અન્ય જાણીતી કથા એવી છે કે રુડોલ્ફે તેમનાં પ્રેમિકાને સાથે આત્મહત્યા કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણે આજે જાણીએ છીએ તેમ મારિયા વેટસેરા તે રાતે યુવરાજની સાથે હતાં.
સોધોન્સે કહ્યું હતું કે, “યુવરાજ આત્મહત્યા કરવા ઇચ્છતા હતા અને કોઈને પોતાની સાથે પણ લઈ જવા ઇચ્છતા હતા એ સ્પષ્ટ છે.”
‘ટ્વાઇલાઇટ ઑફ ઍમ્પાયર : ધ ટ્રેજડી ઍટ મેયરલિંગ ઍન્ડ ધ ઍન્ડ ઑફ ધ હેબ્સબર્ગ’ પુસ્તકના લેખકો ગ્રેગ કિંગ અને પેની વિલ્સને જણાવ્યું હતું કે માદક દ્રવ્યોના વ્યસન અને જાતીય રોગોને કારણે સર્જાયેલી માનસિક સમસ્યાઓ ઉપરાંત રુડોલ્ફો નાના હતા ત્યારથી જ, તેમનાં માતાની માફક, બેચેન અને તુંડમિજાજી હતા. તેઓ “મોહક અને ખુશખુશાલ વ્યક્તિમાંથી ગણતરીની મિનિટોમાં એકલપેટા અને હતાશાગ્રસ્ત વ્યક્તિ બની જતા હતા.”
યુવરાજની માનસિક સમસ્યા, ખાસ કરીને તેમના ઉછેરને લીધે વર્ષો જતાં વકરી હતી.
યુવરાજની માનસિક સમસ્યાની સારવાર ઉપરાંત પોતાના છ વર્ષના પુત્રના ઉછેરમાં મદદ માટે ફ્રાન્સિસ્કો જોસ પ્રથમે લિયોપોલ્ડો ગોન્ટ્રેકોર્ટ નામના લશ્કરી અમલદારને નોકરીએ રાખ્યા હતા. બિનજરૂરી ક્રૂરતા માટે જાણીતા જનરલ લિયોપોલ્ડોએ અપનાવેલી રીતને કારણે રુડોલ્ફો ભાવનાત્મક રીતે નબળા પડી ગયા હતા.
કિંગ્ઝ અને વિલ્સનના જણાવ્યા મુજબ, ગોન્ડ્રેકોર્ટ રાતે રાજકુમારના ઓરડામાં પ્રવેશ કરતા હતા અને તેમને સાવધ રાખવા ગોળીબાર કરતા હતા. ગોન્ડ્રેકોર્ટ એક વખત રુડોલ્ફોને વિયેનાના પ્રાણી સંગ્રહાલયમાં લઈ ગયા હતા અને જંગલી ડુક્કર તને ફાડી ખાશે એમ કહીને તેમને પાંજરામાં પૂરી દીધા ત્યારે ગભરાઈ ગયેલા રાજકુમારે ચીસો પાડી હતી.
15 વર્ષના રાજકુમારે અનુભવેલી વેદનાનું બયાન વર્ષો પછી મળી આવેલી એક નોટબુકમાં વાંચવા મળ્યું હતું, રાજકુમારે લખ્યું હતું કે, “હું વારંવાર મારી જાતને સવાલ કરું છું કે હું પહેલેથી જ પાગલ છું કે પાગલ બની જઈશ?”
સોધોન્સના જણાવ્યા મુજબ, પીડાદાયક બાળપણ અને માનસિક સમસ્યાઓ હોવા છતાં રુડોલ્ફો હત્યારા હતા એ ભૂલી શકાતું નથી. અલબત્ત, તેમનાં પ્રેમિકાના મૃત્યુનું રહસ્ય 1918માં સામ્રાજ્યના અંત પછી જ ઉકેલી શકાયું હતું.
મારિયા વેટસેરાનો મૃતદેહ કોઈ તપાસ વિના ગુપચુપ રીતે દફનાવી દેવામાં આવ્યો હતો. દફનવિધિમાં હાજર રહેવાની પરવાનગી મારિયાનાં માતા સુધ્ધાંને આપવામાં આવી ન હતી. કોઈ કૌભાંડ ન સર્જાય એટલા માટે પરિવારે જણાવ્યું હતું કે મારિયા ઇટાલીના પ્રવાસ દરમિયાન એકલાં મૃત્યુ પામ્યાં હશે.
સોધોન્સના જણાવ્યા મુજબ, રુડોલ્ફો સમ્રાટ બન્યા હોત તો તેમની નીતિઓ કેવી હોત એ વાત એ સમયના તેમના વિચારો જેટલી જ ઓછી જાણીતી છે, “કારણ કે તેને સેક્સ, દારૂ અને ડ્રગ્ઝમાં વધારે રસ હતો.”
આંતરિક રાજકારણના સંદર્ભમાં આપણે એટલું જ જાણીએ છીએ કે રાજકુમાર, તેમના પિતાથી અત્યંત વિપરીત, ઉદારમતવાદી વિચારો ધરાવતા હતા. તેમની જીવનશૈલી અને વ્યક્તિગત ફિલસૂફીને કારણે ફ્રાન્સિસ્કો જોસ પ્રથમ અને તેમના પુત્ર વચ્ચે સારા સંબંધ ન હતા.
યુનાઇટેડ કિંગ્ડમની યુનિવર્સિટી ઑફ સાઉધમ્પ્ટન ખાતે આધુનિક ઇતિહાસના પ્રોફેસર અને હેબ્સબર્ગ સામ્રાજ્યના સંશોધક માર્ક કોર્નવેલ માને છે કે રુડોલ્ફ વિવિધ રાષ્ટ્રના લોકો પ્રત્યે સહિષ્ણુ હતા અને તેમના પિતાથી વિપરીત, તેમને સૈન્યમાં ખાસ રસ ન હતો. “પરિવારજનો સાથે તેમનો સંબંધ સ્પષ્ટ રીતે સારો ન હતો.”

‘બધા યુદ્ધ ઇચ્છતા હતા’

ઇમેજ સ્રોત, STEFANO BIANCHETTI/CORBIS VIA GETTY IMAGES
જોકે, રુડોલ્ફના ઉત્તરાધિકારી બાબતે સમ્રાટ થોડો સમય ચિંતિત રહ્યા હતા. મેયરલિંગની ઘટના પછી કોઈ સીધો વારસદાર ન હોવાને કારણે આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડને એ પદ સંભાળવાની તાલીમ આપવામાં આવી હતી. ફ્રાન્સિસ હંગેરીના લોકો પ્રત્યે ઉદાર લાગણી ધરાવતા ન હતા, જે રુડોલ્ફથી બહુ અલગ હતું. રુડોલ્ફને તેમનાં માતાની માફક હંગેરી સાથે મજબૂત સંબંધ હતો.
નવા અનુગામીએ હંગેરીના રાષ્ટ્રવાદને હેબ્સબર્ગ રાજવંશ માટે જોખમ ગણાવ્યું હતું અને સર્બિયા પ્રત્યે સાવચેતીભર્યા અભિગમની હિમાયત કરી હતી. કોર્નવેલના જણાવ્યા મુજબ આર્કડ્યુક સામ્રાજ્યમાં કેન્દ્રીય સત્તા ઇચ્છતા હતા, તેમનો દૃષ્ટિકોણ રૂઢિચુસ્ત હતો અને તેમની પ્રતિષ્ઠા ધર્માંધ વ્યક્તિ તરીકેની હતી.
ઑસ્ટ્રિયા-હંગેરીના સ્લાવિક પ્રાંતના વિભાજનનું કારણ બનેલા રાષ્ટ્રવાદી ગેવરિલો પ્રિન્સિપ દ્વારા આર્કડ્યુકની હત્યા આ પ્રદેશની તંગદિલીમાં નિર્ણાયક હતી.
અલબત્ત, લોરેન્સ સોધોન્સ અને માર્ક કોર્નવોલ બન્ને દાવો કરે છે કે હુમલો પ્રથમ વિશ્વયુદ્ધનું પ્રારંભિક બિંદુ હતો, કારણ ન હતો. સોધોન્સે કહ્યુ હતું કે, “સારાયેવોમાં હત્યાને કારણે સર્જાયેલી કટોકટી તેનું કારણ ન હોત તો કદાચ બાલ્કન પ્રદેશ જેવા અન્ય સ્થળની સમસ્યા હોત, કારણ કે ઓટોમન સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું અને પ્રદેશમાં સત્તાનો મોટો અવકાશ સર્જાયો હતો.”
કોર્નવોલના કહેવા મુજબ, “કોઈ નિર્દોષ નથી. ફ્રાન્સ, રશિયા, જર્મની અને ઇંગ્લૅન્ડ બધાં જ યુદ્ધ ઇચ્છતાં હતાં.”
ઇતિહાસકારોના મતે જર્મનીએ યુરોપમાં પ્રભુત્વ સ્થાપવા માટે યુદ્ધની યોજના ઘડી હતી. તેથી જર્મની 1914માં મોટા સંઘર્ષનું કારણ શોધી રહ્યું હતું અને આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યાએ તેમને એ કારણ આપ્યું હતું.
એ ઉપરાંત હેબ્સબર્ગ સર્બિયા સાથેની સમસ્યાઓનું નિરાકરણ ઇચ્છતા હતા, પરંતુ યુરોપમાં યુદ્ધ ઇચ્છતા ન હતા. તેઓ રાજદ્વારી નિવારણ માટે તૈયાર હતા, એમ કોર્નવોલે જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, DEAGOSTINI/GETTY IMAGES
સોધોન્સે કહ્યું હતું કે, “સામ્રાજ્યવાદી રસાકસી અને બાલ્કનમાં પ્રભાવ માટે ઑસ્ટ્રિયા, હંગેરી તથા રશિયા વચ્ચેની સ્પર્ધા પહેલેથી જ સ્પષ્ટ હતી. એ ઉપરાંત નૌકાદળના શક્તિપ્રદર્શનની ઉત્સુકતા, ખાસ કરીને જર્મન સત્તા સંબંધે ઇંગ્લૅન્ડના વધતા ભયને લીધે બ્રિટન ફ્રાન્સનું સહયોગી બન્યું હતું.”
આ રીતે ત્રણ રાષ્ટ્રોની યુતિ રચાઈ હતી. જર્મનીનો પ્રતિકાર કરવા અને તેને પડકારવા ઇંગ્લૅન્ડ, રશિયા અને ફ્રાન્સે હાથ મિલાવ્યા હતા. ઑસ્ટ્રિયા-હંગેરી અને ઇટાલી જર્મનીના પક્ષે હતા.
આ પ્રક્રિયાને કારણે અસ્થિર ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય વધુ તૂટી ગયું હતું. 1918માં ત્રણ દેશોની યુતિની જીત સાથે સામ્રાજ્યના પ્રાંતોની રાષ્ટ્રીય પરિષદો સ્વતંત્ર દેશ તરીકે કામ કરવા લાગી હતી અને અલગતાવાદી વંશીય જૂથોએ અલગ થવાની જાહેરાત કરી હતી. આખરે ઑસ્ટ્રિયાના છેલ્લા હેબ્સબર્ગ શાસક ચાર્લ્સ પ્રથમે હતાશામાં તેમની તમામ સત્તાનો ત્યાગ કર્યો હતો.
કોર્નવોલના કહેવા મુજબ, “સામ્રાજ્યનાં વિવિધ વંશીય જૂથો વચ્ચે પહેલેથી મતભેદ હતા અને યુદ્ધ તેનું ઉત્પ્રેરક બન્યું હતું. યુદ્ધમાં સામ્રાજ્યનો પરાજય થાય ત્યારે અનેક આંતરિક ફેરફાર થતા હોય છે.”














