ચંદીગઢ : નહેરુનાં સપનાંનું શહેર કેવી રીતે બન્યું અને તેના પર મોદી સરકાર 'કબજો કરવા' ઇચ્છે છે?

સ્વિસ આર્કિટેક્ટ પિયરે જેનેરેટ, 1955માં ચંડીગઢના એક નિર્માણસ્થળ પર વાત કરતા (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વિસ આર્કિટેક્ટ પિયરે જેનેરેટ, 1955માં ચંદીગઢના એક નિર્માણસ્થળ પર વાત કરતા નજરે પડે છે. (ફાઇલ તસવીર)
    • લેેખક, અવતારસિંહ
    • પદ, બીબીસી પંજાબી

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સામેલ કરવા સંબંધિત બિલ સંસદમાં લાવવાની ચર્ચાઓની સાથે ચંડીગઢ પરના દાવા મુદ્દે બંને રાજ્યમાં રાજકીય ચરુ ઊકળવા લાગ્યો છે.

આની પહેલાં એવી વાત સાંભળવા મળી હતી કે કેન્દ્ર સરકાર 1થી 19 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્રમાં ચંદીગઢને બંધારણની કલમ 239ની જગ્યાએ કલમ 240 હેઠળ સામેલ કરવા બાબતે એક ખરડો રજૂ કરી શકે છે.

પરંતુ, આ મામલે વિવાદ થયા પછી ગૃહ મંત્રાલયે રવિવારે કહ્યું કે શિયાળુ સત્રમાં આ સંબંધમાં બિલ રજૂ કરવાનો કશો ઇરાદો નથી.

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ અમરિન્દરસિંહ રાજા વડિંગે આ બાબતે કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

ગૃહ મંત્રાલય તરફથી આવું કહેવાયું છે, "સંઘ રાજ્ય ક્ષેત્ર ચંદીગઢ માટે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ હજુ કેન્દ્ર સરકારના સ્તરે વિચારાધીન છે. આ પ્રસ્તાવ અંગે કશો અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારે ચંદીગઢનાં વહીવટ–વહીવટી તંત્રની વ્યવસ્થા કે ચંદીગઢ સાથેના પંજાબ કે હરિયાણાના પરંપરાગત સંબંધોમાં ફેરફાર કરવાની કશી વાત નથી."

"ચંદીગઢનાં હિતોને ધ્યાનમાં રાખીને બધા હિતધારકો સાથે પૂરતા વિચારવિમર્શ પછી જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ વિષયમાં ચિંતાની જરૂર નથી. સંસદના આગામી શિયાળુ સત્રમાં આ હેતુનું કોઈ બિલ પ્રસ્તુત કરવાનો કેન્દ્ર સરકારનો કોઈ ઇરાદો નથી."

લોકસભા અને રાજ્યસભાના 21 નવેમ્બરના બુલેટિન અનુસાર, સરકાર 1 ડિસેમ્બર 2025થી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં 131મો બંધારણીય સુધારા ખરડો, 2025 રજૂ કરશે.

વર્તમાન સમયે પંજાબના રાજ્યપાલ ચંદીગઢ (કેન્દ્રશાસિત પ્રદેશ)ના વહીવટી સંચાલક છે. પરંતુ આ બિલ પસાર થયા પછી ચંદીગઢમાં વહીવટી સંચાલન માટે એલજી (લેફ્ટનન્ટ ગવર્નર)ની નિમણૂક થઈ શકે છે.

પંજાબ ચંદીગઢ પર પોતાનો દાવો શા માટે કરી રહ્યું છે અને ભારતના આ 'સુંદર શહેર'ને વસાવવાની જરૂર કેમ પડી? આ સમજવા માટે ચાલો જાણીએ તેનો ઇતિહાસ…

ચંદીગઢ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું?

સંસદ બુલેટિનમાં છપાયેલો પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, Rajya Sabha Parliamentary Bulletin

ઇમેજ કૅપ્શન, સંસદ બુલેટિનમાં છપાયેલો પ્રસ્તાવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવી દિલ્હીથી લગભગ 240 કિલોમીટર દૂર શિવાલિક પર્વતની તળેટીમાં આવેલા ચંદીગઢની પરિકલ્પના 1947ના ભારત-પાકિસ્તાન ભાગલા દરમિયાન પંજાબનું તત્કાલીન પાટનગર લાહોર પાકિસ્તાનમાં જતું રહ્યા પછી કરવામાં આવી હતી.

ચંદીગઢની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ શહેર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનાં સપનાંનું શહેર છે, જેની નગરરચના પ્રસિદ્ધ ફ્રેન્ચ આર્કિટેક્ટ લી કોર્બુઝિઅરે બનાવી હતી.

વેબસાઇટ અનુસાર, "આને 20મી સદીમાં ભારતના નગર આયોજન અને આધુનિક વાસ્તુકલાના સફળ પ્રયોગોમાંથી એક ગણવામાં આવે છે."

લગભગ 8,000 વર્ષ પહેલાં આ ક્ષેત્ર હડપ્પાવાસીઓના નિવાસસ્થાન તરીકે પણ જાણીતું હતું.

જવાહરલાલ નહેરુનાં સપનાં અનુસાર આ શહેરના પાયાનો પહેલો પથ્થર 1952માં મૂકવામાં આવ્યો હતો.

1 નવેમ્બર 1966એ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના પુનર્ગઠન દરમિયાન ચંદીગઢને પંજાબ અને હરિયાણા એમ બંનેની રાજધાની બનાવવામાં આવ્યું. તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું અને કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યું.

તેમાંના 'ચંદીગઢ – યોજનાબદ્ધ વિકાસ કા એક પ્રતીક' નામના ભાષણમાં તેઓ શહેર અને તેની દૂરદર્શી યોજનાઓ વિશે વાત કરે છે.

આ પ્રકાશિત ભાષણમાં નહેરુ કહે છે, "મને અત્યંત આનંદ છે કે પંજાબના લોકોએ કોઈ જૂના શહેરને પોતાની નવી રાજધાની બનાવવાની ભૂલ ન કરી. તે એક ખૂબ મોટી ભૂલ અને મૂર્ખતા હોત. આ ફક્ત ઇમારતોનો સવાલ નથી. જો તમે કોઈ જૂના શહેરને રાજધાની તરીકે પસંદ કરી હોત, તો પંજાબ માનસિક રીતે જડ અને પછાત રાજ્ય બની ગયું હોત."

તેમણે કહ્યું, "તેથી, ચંદીગઢ નામના એક નવા શહેરના નિર્માણનો નિર્ણય નવા જીવન અને નવી વિચારસરણીનું પ્રતીક છે અને ભવિષ્ય માટે એક શુભ સંકેત છે."

ચંદીગઢના યોજનાકાર (પ્લાનર) કોણ હતા?

જવાહરલાલ નહેરુના સપના અનુસાર, ચંડીગઢ શહેરના પાયાનો પહેલો પથ્થર 1952માં મૂકવામાં આવ્યો હતો (ફાઇલ તસવીર)
ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નહેરુનાં સપનાં અનુસાર, ચંદીગઢ શહેરના પાયાનો પહેલો પથ્થર 1952માં મૂકવામાં આવ્યો હતો (ફાઇલ તસવીર)

ચંદીગઢ શહેર તેની વાસ્તુકળા અને નગરરચના માટે પ્રસિદ્ધ છે.

શહેરની વેબસાઇટ અનુસાર, નવા શહેરનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે 1950માં પહેલી વાર એક અમેરિકન ફર્મને કામ પર રાખવામાં આવ્યું હતું. અલ્બર્ટ માયર અને મૅથ્યૂ નોવિકીએ પંખા આકારનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.

એક વિમાન દુર્ઘટનામાં નોવિકીનું મૃત્યુ થયા પછી માયરે કામ ચાલુ ન રાખવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી 1951માં લે કોર્બુઝિઅરના નેતૃત્વમાં એક ટીમને આ કામની જવાબદારી સોંપવામાં આવી. લે કોર્બુઝિઅરને મૅક્સવેલ ફ્રાઇ, જેન બી. ડ્રૂ અને પિયરે જેનેરેટે સહકાર આપ્યો.

આ ટીમને અન્ય લોકો સિવાય યુવા ભારતીય પ્લાનરો એમ. એન. શર્મા અને એ. આર. પ્રભાવલકરનો પણ સાથ મળ્યો.

લે કાર્બુઝિઅરે પાટનગરના પરિસરનો માસ્ટર પ્લાન અને ડિઝાઇન તૈયાર કર્યાંં તથા શહેરની મુખ્ય ઇમારતોની ડિઝાઇન્સ બનાવી.

પંજાબનાં ગામમાં બન્યું ચંદીગઢ

ચંડીગઢ બનાવવા માટે પંજાબનાં 27 ગામ ખાલી કરાવાયાં હતાં (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદીગઢ બનાવવા માટે પંજાબનાં 27 ગામ ખાલી કરાવાયાં હતાં (ફાઇલ તસવીર)

ચંદીગઢનું નિર્માણ પંજાબનાં લગભગ 27 ગામોને તોડીને કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે પંજાબના લોકો અને રાજકીય દળ તેના ઉપર પોતાનો અધિકાર માને છે.

વરિષ્ઠ પત્રકાર જસપાલ સિદ્ધુ કહે છે કે પંજાબની રાજધાની, લાહોર પાકિસ્તાનમાં જતું રહ્યું ત્યાર પછી, લાંબા સમય સુધી શિમલામાં જ રહી અને પંજાબ યુનિવર્સિટી પણ હોશિયારપુરમાં જતી રહી.

તેમના અનુસાર, "ચંદીગઢનું નિર્માણ પંજાબની રાજધાની, પંજાબ યુનિવર્સિટી અને ઘણી અન્ય વસ્તુઓને એકસાથે લાવવા માટે કરવામાં આવ્યું હતું. તેના માટે પંજાબનાં 27 ગામોને ખાલી કરાવવામાં આવ્યાં હતાં, જેના લીધે પંજાબ ચંડીગઢ પર પોતાના દાવો કરે છે."

ભાગલા પછી નવેમ્બર 1966માં પંજાબ પુનર્ગઠન અધિનિયમ (1966)ના માધ્યમથી વર્તમાન પંજાબ અને હરિયાણા અસ્તિત્વમાં આવ્યાં. બંને રાજ્યોની આ રાજધાનીમાં કર્મચારીઓ માટે 60:40નું પ્રમાણ જાળવી રખાયું.

શિરોમણિ અકાલીદળે 1982માં ધર્મયુદ્ધ મોરચાનું ઍલાન કરી દીધું હતું, જેમાં ચંદીગઢને પંજાબને આપવાની માગ પણ સામેલ હતી.

1985માં પંજાબમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશથી ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી અને શિરોમણિ અકાલીદળના તત્કાલીન અધ્યક્ષ સંત હરચંદ્રસિંહ લોંગોવાલ વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેને રાજીવ–લોંગોવાલ સમજૂતી કહેવામાં આવી.

આ સમજૂતીમાં પાણીના મુદ્દા, તોફાનોના નિર્દોષ પીડિતોને વળતર આપવા સહિત વધુ એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર સહમતી થઈ હતી. તે એ કે ચંદીગઢ પંજાબને સોંપી દેવામાં આવશે અને બદલામાં હરિયાણાને પંજાબના હિન્દીભાષી વિસ્તારો આપવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન