ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો આટલો ખોફ કેમ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સંજીવ ચૌહાણ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે સવાલ કર્યા છે અને સાબરમતી જેલમાં બંધ ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહ સામે પણ સવાલ કર્યા છે.
કેજરીવાલે કહ્યું કે "લૉરેન્સ બિશ્નોઈ ગૅંગે હંગામો મચાવ્યો છે અને આ લૉરેન્સ બિશ્નોઈ ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે. એ સમજાતું નથી કે બિશ્નોઈ ત્યાંથી કેવી રીતે ખંડણીનું નેટવર્ક ચલાવી રહ્યો છે."
કેજરીવાલે કહ્યું કે દિલ્હીને સુરક્ષિત રાખવાની જવાબદારી અમિત શાહની છે. તેઓ દિલ્હીને સંભાળી નથી શકતા.
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા કે "દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના હાલ ખરાબ છે. વેપારીઓ, ધંધાર્થીઓ ડરી ગયા છે. ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યાં છે."
કેજરીવાલે પોતાના ભાષણમાં દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયમાં થયેલા ગુનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેજરીવાલે કહ્યું, "આ લૉરેન્સ બિશ્નોઈ કોણ છે, અમિત શાહે એ જણાવવું પડશે કે શું લૉરેન્સ બિશ્નોઈને ભાજપે ખુલ્લાઆમ સંરક્ષણ આપેલું છે."
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપીના ટોચના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હત્યામાં બિશ્નોઈ ગૅંગનો હાથ હોવાના અહેવાલો પણ પ્રકાશિત થયા હતા.
મુંબઈ પોલીસે અગાઉ બોલીવૂડના ઍક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં આ વર્ષે ઍપ્રિલમાં 1735 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ ચાર્જશીટમાં ઘણી જગ્યાએ ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ તો સલમાન ખાનના કારણે બિશ્નોઈની ચર્ચા થઈ રહી હોય એવું પહેલી વખત નથી બન્યું.
ગુનાખોરીની દુનિયા પર નજર રાખતા પત્રકારો હોય કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોય, બધા માને છે કે પોતાનો ખૌફ વધારવા માટે લૉરેન્સ બિશ્નોઈ સલમાન ખાન જેવા હાઈપ્રોફાઈલ લોકોને ધમકાવવાની રણનીતિ અપનાવે છે.
લૉરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે.
'એક પછી એક કેસ'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
થોડાં વર્ષ અગાઉ ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બિશ્નોઈને રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસ સુરક્ષા અને લોકોની ભીડ વચ્ચે લૉરેન્સ બિશ્નોઈએ મારા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, "હું એક પછી એક કેસમાં ફસાઈ રહ્યો છું. બાકી આ લાઇનમાં મારું નામ બદનામ કરવામાં તમારા લોકો (મીડિયા)ની પણ ભૂમિકા છે."
મીડિયાની ભૂમિકા અંગે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના પૂર્વ ડીસીપી એલ. એન. રાવ કહે છે, "લૉરેન્સ બિશ્નોઈ હોય કે અન્ય કોઈ પણ મોટા ગુનેગાર હોય, મીડિયા તેમના વિશે છાપવાનું બંધ કરી દે તો પોલીસ અને જેલના પ્રશાસનનું અડધાથી વધુ કામ ઓછું થઈ જાય."
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લૉરેન્સ બિશ્નોઈના નામની ખોટી ધાક ઉભી કરાય છે કે પછી તે ખરેખર ખૂબ ખતરનાક છે, ત્યારે તિહાર જેલના મહાનિર્દેશકના પદ પરથી નિવૃત્ત થયેલા સંજય બેનીવાલે જણાવ્યું, "માત્ર ખોટો ખૌફ છે એવું માની લેવું યોગ્ય નથી. તેની ધાકના કારણે જ જેલના સળિયા પાછળ હોવા છતાં તે બહાર રહેલા પોતાના વિશ્વાસુ ગુંડાઓ અને શૂટરો દ્વારા જે ગુનો કરવો હોય તે કરાવી નાખે છે. પછી તે પંજાબમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો કેસ હોય કે પછી બીજી કોઈ ઘટના."
બેનીવાલ કહે છે, "લૉરેન્સ બિશ્નોઈનું જેલની બહાર નૅટવર્કિંગ જબ્બરજસ્ત છે. પોલીસ અને તપાસ એજન્સીઓ માટે તેને ખતમ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આવું નહીં થાય, ત્યાં સુધી લૉરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારો પર કોઈ દબાણ નહીં આવે."
શું દેશમાં એવી કોઈ જેલ નથી કે જેનાથી લૉરેન્સ બિશ્નોઈને પણ બીક લાગે? આવા પ્રશ્નના જવાબમાં તિહાર જેલના ભૂતપૂર્વ મહાનિર્દેશક બેનીવાલે કહ્યું, "જે વ્યક્તિ જેલમાં જ પોતાને સુરક્ષિત માને છે અને બહાર જવા માંગતો નથી, તેને દેશની કોઈપણ જેલમાં કેદ થવાનો ડર ક્યાંથી લાગે? તે તો ઇચ્છે છે કે તેને હંમેશા હાઈ સિક્યૉરિટી જેલમાં રાખવામાં આવે જેથી જેલની બહાર હાજર તેના દુશ્મનો તેના સુધી પહોંચી ન શકે."
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ભૂતપૂર્વ ડીસીપી એલ. એન. રાવ હાલમાં દિલ્હી હાઇકોર્ટમાં ફોજદારી કેસોમાં વકીલ તરીકે પ્રૅક્ટિસ કરે છે.
તેઓ કહે છે, “લૉરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારો પોતાને જેલમાં જ સુરક્ષિત માને છે. તેથી મેં ઘણીવાર જોયું અને સાંભળ્યું છે કે મોટા ભાગના કેસોમાં તેના વકીલો કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર જ થતા નથી. લૉરેન્સ જેવા લોકો જામીન પર જેલમાંથી બહાર આવવા માંગતા હોય ત્યારે જ તેમના વકીલો મુદ્દત હોય ત્યારે તાત્કાલિક હાજર થઈ જાય છે. દિલ્હીની કેટલીક અદાલતોના રેકૉર્ડ પોતે એ વાતના સાક્ષી છે કે લૉરેન્સ બિશ્નોઈના વકીલો કોર્ટમાં આવતા નથી અને કોર્ટને આગામી તારીખ આપવાની ફરજ પડે છે."
વકીલ રાખવામાં રસ નથી

ઇમેજ સ્રોત, Getty Images
વકીલોની નિયમિત ગેરહાજરી અંગે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગના શૂટરોનો કેસ લડતા વરિષ્ઠ ક્રિમિનલ લૉયર અશોક બેનીવાલે જણાવ્યું કે, "લૉરેન્સ બિશ્નોઈને એવી ક્યાં જરૂર છે કે તેણે કોર્ટમાં દરેક કેસમાં વકીલ રાખવા પડે? આમાંથી કેટલાય કેસ તો એવા છે જેમાં પોલીસે પોતાની વાહવાહી માટે એફઆઈઆરમાં લૉરેન્સ બિશ્નોઈનું નામ નાખી દીધું હોય."
ઍડવોકેટ અશોક બેનીવાલ કહે છે કે, "મોટા ભાગના કેસમાં પોલીસ ખોટી રીતે લૉરેન્સ બિશ્નોઈનું નામ એફઆઈઆરમાં દાખલ કરીને મીડિયામાં વાહવાહી મેળવવા માંગે છે. કેસ જ્યારે કોર્ટમાં ટ્રાયલ સુધી પહોંચે ત્યારે મોટા ભાગના કેસમાં પોલીસ ગુનામાં લૉરેન્સ બિશ્નોઈની સંડોવણી સાબિત કરી શકતી નથી."
એલ. એન. રાવ જણાવે છે, "લૉરેન્સ બિશ્નોઈ જેવો યુવાન જ્યારે ગુનાની દુનિયામાં પ્રવેશે છે અને પહેલીવાર જેલમાં પહોંચે છે, ત્યારે તેને અપરાધની દુનિયાનો પહેલો પાઠ જેલમાં પહેલેથી જ હાજર ખતરનાક ગુનેગારો શીખવે છે. જેલમાંથી બહાર આવ્યા પછી તેને પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રના ભ્રષ્ટ અને બેદરકાર તંત્રનો ફાયદો થાય છે."
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી વિક્રમ સિંહ કહે છે, "શરૂઆતના તબક્કામાં લૉરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારો જાતે જ પોતાના ઘરની સીમા વટાવી જાય છે, પરંતુ ચિત્રની બીજી બાજુ એ છે કે લૉરેન્સ બિશ્નોઈ જેવા લોકોને આશ્રય આપીને મોટા કરવામાં, પોતાના સ્વાર્થ હેતુ તેનો ઉપયોગ કરવામાં જેલ, પોલીસ અથવા કેટલાક કિસ્સામાં રાજકારણીઓ પણ પાછળ નથી રહેતા."
દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને ઉત્તર પ્રદેશ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સના વડા અજય રાજ શર્મા તથા યુપીના ભૂતપૂર્વ ડીજીપી વિક્રમ સિંહનો પણ આવો જ અભિપ્રાય છે.
તેમના કહેવા મુજબ, "જે દિવસે દેશની પોલીસ, રાજકારણીઓ અને કાયદો નિર્ભય થઈને પ્રામાણિકતાથી લૉરેન્સ જેવા ગુંડાઓને કાબૂમાં લેવાનું નક્કી કરશે, ત્યારે લૉરેન્સ બિશ્નોઈ જેવા લોકો ક્યારેય અપરાધની દુનિયામાં 'મોટા' અને 'ખોફનાક' નહીં બની શકે."
અજય રાજ શર્મા કહે છે કે, "હકીકતમાં જ્યારે લૉરેન્સ બિશ્નોઈ જેવા બગડેલા યુવાનો જેલની દીવાલમાંથી બહાર આવે ત્યારે તેના વિસ્તારની પોલીસ તેના પર ચાંપતી નજર રાખે તે જરૂરી છે. પહેલી કે બીજી વાર જેલમાં જઈ આવેલી વ્યક્તિ બહાર આવ્યા પછી સમાજમાં કોની સાથે ઉઠ-બેસ કરે છે તે જોવું પડે. તે જે કારણથી પહેલી કે બીજી વખત જેલમાં ગયો હોય તે શંકાસ્પદ પ્રવૃત્તિઓ વધી તો નથી ગઈ ને? પોલીસ અને કાયદો આમ નથી કરી શકતા તેનું જ આ પરિણામ છે. તેથી નાની-મોટી ગુનાઇત માનસિકતા ધરાવતા લબરમૂંછીયા થોડા જ સમયમાં કાયદો, પોલીસ અને સમાજ માટે માથાનો દુખાવો બની જાય છે."
જેલમાં રહીને પણ ગુંડાઓ અપરાધની ઘટનાઓને કઈ રીતે અંજામ આપી શકે તેના વિશે દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમાર કહે છે, "કોઈપણ ગુનેગારને જેલમાં રાખવાનો અર્થ એ થયો કે તેને સમાજમાંથી દૂર કરીને તેના ગુના બદલ અલગ રાખવામાં આવે છે. આમ છતાં ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે કેટલાક ગુનેગારો જેલ સુપરિન્ટેન્ડન્ટના ફોનથી જ જેલની બહાર ફોન કરતા રહે છે."
તેઓ ઉમેરે છે, "જો આવું થવા લાગે તો પછી લૉરેન્સ બિશ્નોઈ જેવા લોકોને કોણ કાબૂમાં રાખશે? જેલની બહાર ગુનેગારની સાંઠગાંઠ એટલી ઘાતક નથી જેટલી જેલના સ્ટાફ અને અધિકારીઓ સાથેની તેની મિત્રતા છે."
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી પ્રકાશ સિંહ કહે છે, "જેલમાં પૂરાયેલા હોવા છતાં લૉરેન્સ બિશ્નોઈ જેવા ગુંડા માટે બહારની દુનિયામાં પોતાનું મજબૂત નેટવર્ક સ્થાપિત કરવું અને પછી ગુનાઇત પ્રવૃત્તિઓ કરવી સરળ છે. જેલની બહારની દુનિયામાં તેઓ પોતાને આટલા સુરક્ષિત નથી ગણતા. પોલીસ સર્વિસમાં ત્રણ દાયકાથી વધુ સમયના અનુભવ પરથી કહી શકું કે દેશમાં ગુનેગારો માટે જેલ કરતાં વધારે સુરક્ષિત બીજું કોઈ સ્થળ નથી."
બીજી તરફ દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ એસ. એન. ઢીંગરા કહે છે, "લૉરેન્સ બિશ્નોઈ જેવા ગૅંગસ્ટરો બહારની સરખામણીએ જેલમાં વધુ સુરક્ષિત હોય છે. તેઓ જેલની અંદર રહીને વધુ સારી રીતે બહારની દુનિયામાં પોતાનું નેટવર્ક વિસ્તરી શકે છે. કારણ કે જેલની અંદર તેમને પકડાઈ જવાનો કે પોલીસ ઍન્કાઉન્ટરમાં માર્યા જવાનો ડર હોતો નથી. "
બિશ્નોઈ પરિવારનો 'લૉરેન્સ'

લૉરેન્સ બિશ્નોઈ વિશે મીડિયા રિપોર્ટ્સમાં ઉપલબ્ધ માહિતી મુજબ કેટલીક જગ્યાએ તેનો જન્મદિવસ 22 ફેબ્રુઆરી, 1992 છે તો કેટલીક જગ્યાએ તે 12 ફેબ્રુઆરી, 1993 છે. એટલે કે હાલમાં લૉરેન્સની ઉંમર 31-32 વર્ષની છે.
પંજાબના ફાઝિલ્કાના ધતરાંવાલી ગામમાં જન્મેલા બિશ્નોઈ પરિવારના છોકરા લૉરેન્સનું નામ પણ રસનો વિષય છે. પોલીસના રેકૉર્ડ મુજબ લૉરેન્સ બિશ્નોઈનું અસલી નામ સતવિંદર સિંહ છે.
જો કે, ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બાળપણમાં તે એકદમ ગોરા રંગનો હતો. તેથી તેના પરિવારે તેને લાડથી 'લૉરેન્સ' તરીકે બોલાવવાનું શરૂ કર્યું, જે પાછળથી તેના અસલી નામ કરતાં પણ વધુ વિખ્યાત બની ગયું.
લૉરેન્સ બિશ્નોઈના પિતા લાવિંદર સિંહ હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ હતા. તેમણે 1992માં પોલીસમાં નોકરી શરૂ કરી હતી, પરંતુ પાંચ વર્ષ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ખેતીકામ શરૂ કર્યું હતું. લૉરેન્સ પંજાબના અબોહરથી 12મા ધોરણ સુધી ભણ્યો અને પછી વધુ અભ્યાસ માટે 2010માં ચંદીગઢ પહોંચ્યો હતો.
લૉરેન્સે ડીએવી કોલેજમાં ઍડમિશન લીધું. ધીમે-ધીમે તેણે વિદ્યાર્થી રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું અને અહીં જ તેની મિત્રતા ગૉલ્ડી બરાડ સાથે થઈ. આજે ગૉલ્ડી વિદેશમાં રહીને લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ માટે કામ કરે છે અને એક રીતે તે આ ગૅંગનું સંચાલન કરી રહ્યો છે. લૉરેન્સે વર્ષ 2011-2012માં પંજાબ યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠન (SOPU) ની સ્થાપના કરી અને પોતે જ તેના નેતૃત્વ લઈ લીધું.
અપરાધની દુનિયામાં પ્રવેશ

ઇમેજ સ્રોત, Getty Images
2010માં તેની સામે પહેલો કેસ નોંધાયો હતો. લૉરેન્સ બિશ્નોઈ સામે તેના વિદ્યાર્થીજીવનના અંતમાં દાખલ કરાયેલો પહેલો કેસ હત્યાના પ્રયાસમાં સંડોવણી બદલ હતો. આ ઘટના વર્ષ 2011-2012ની છે.
તે સમયે સ્ટુડન્ટ રાજકારણમાં હારનો સામનો કર્યા બાદ ઉશ્કેરાયેલા લૉરેન્સના સાથીદારે એક વિદ્યાર્થી નેતા પર ગોળીબાર કર્યો હતો. તે ઘટનાની પોલીસ એફઆઈઆરમાં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપૉર્ટ) પ્રથમ વખત લૉરેન્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
2014માં લૉરેન્સ બિશ્નોઈની રાજસ્થાનમાં પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભરતપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને જ્યારે કોર્ટમાં હાજર થવા માટે મોહાલી (પંજાબ) લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો.
વર્ષ 2016માં ફરી તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2021 માં તેને સંગઠિત અને અંડરવર્લ્ડ અપરાધની દુનિયાથી રોકવા માટે લૉરેન્સને MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ)ના કેસમાં સુરક્ષા કારણોસર તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો.
તિહાર લાવવામાં આવતા પહેલાં તેને પંજાબની ભટિંડા જેલમાં રાખવામાં આવ્યો હતો. વર્ષ 2022માં સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસ દ્વારા તેની (જેલમાંથી જ) ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ 2022માં ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્કવૉડે ડ્રગ સ્મગલિંગ કેસમાં લૉરેન્સ બિશ્નોઈનું નામ જાહેર કર્યું હતું. આ કેસ કચ્છમાં એક પાકિસ્તાની જહાજમાંથી ડ્રગ્સના મોટા કન્સાઇનમૅન્ટ જપ્ત કરવાને લગતો હતો.
પોલીસને શંકા હતી કે આ ડ્રગ્સનો જથ્થો મગાવવામાં લૉરેન્સનો હાથ હતો. ત્યાર બાદ ગુજરાત પોલીસ લૉરેન્સને દિલ્હી જેલમાંથી બહાર કાઢીને 23 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતની સાબરમતી જેલમાં લઈ ગઈ.
ત્યારથી હજુ સુધી તે સાબરમતી જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 30 ઑગસ્ટ, 2023ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લૉરેન્સ બિશ્નોઈ સામે સીઆરપીસીની કલમ 268 (1) પણ લગાવી હતી, જેથી કોઈ પણ સંજોગોમાં તેને એક વર્ષ સુધી સાબરમતી જેલમાંથી બહાર લાવી શકાય નહીં.
આ કારણે જ અલગ-અલગ કોર્ટમાં પૅંડિંગ કેસોમાં લૉરેન્સની હાજરી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થઈ રહી છે.
સામાન્ય રીતે ગુનેગાર ગુનો કર્યા પછી પોલીસ અને કાયદાથી છુપાતો ફરે છે. પરંતુ લૉરેન્સ બિશ્નોઈ અને તેની ગૅંગ એવી છે દે કોઈ પણ મોટી ઘટના પછી સામેથી તેની જવાબદારી લે છે.
દેશના અલગ-અલગ રાજ્યોમાં લૉરેન્સના સનસનાટીભર્યા અપરાધોની વાત કરીએ તો પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાનો હત્યા કેસ અને ત્યાર બાદ ગયા વર્ષે જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો મામલો ચર્ચામાં રહ્યો છે.
'લૉરેન્સ બિશ્નોઈના નામ પર સમાધાન થઈ જાય છે'

ઇમેજ સ્રોત, ANI
એક સમયે સ્ટુડન્ટ પોલિટિક્સ દ્વારા ભારતીય રાજકારણના મુખ્ય પ્રવાહમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતો વિદ્યાર્થી આજે આંતરરાષ્ટ્રીય ડૉન લૉરેન્સ બિશ્નોઈ કેવી રીતે બની ગયો?
બીબીસીના આ પ્રશ્નના જવાબમાં પંજાબ કૅડરના પૂર્વ IAS અધિકારી અને પંજાબના નિવૃત્ત અગ્રસચિવ શિક્ષા રામ લદ્દરે કહ્યું, "લૉરેન્સ બિશ્નોઈ એ જેલ, પોલીસ અને કેટલાક રાજકારણીઓ વચ્ચેની મિલીભગતનું પરિણામ છે."
તો શું લૉરેન્સને આટલો મોટો ગૅંગસ્ટર બનાવવામાં પંજાબ પોલીસનો પણ ફાળો છે? આ સવાલના જવાબમાં 1991 બૅચના પંજાબ કેડરના ભૂતપૂર્વ IAS શિક્ષા રામ લદ્દરે કહ્યું, "ના, હું તમામ જેલ, પોલીસ, નેતાઓ કે બ્યૂરૉક્રેટની વાત નથી કરતો. મારું કહેવું છે કે કેટલાક લોકોના આશરા વગર લૉરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારો ગુનાની દુનિયામાં મોટું નામ બની શકતા નથી.
કાયદો અને પોલીસની નજરમાં લૉરેન્સ બિશ્નોઈ એક બદમાશ, ગૅંગસ્ટર હોવા છતાં બિશ્નોઈ સમાજ પર તેનો પ્રભાવ છે. રાજસ્થાનના વરિષ્ઠ ક્રિમિનલ વકીલ અશોક બેનીવાલ પણ આ વાતની પુષ્ટિ કરે છે.
તેઓ કહે છે, "બિશ્નોઈ સમાજમાં લૉરેન્સ બિશ્નોઈનું મહત્વ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશ અને દુનિયામાં વસતા બિશ્નોઈ સમુદાયના બે પક્ષો વચ્ચે કોઈપણ વિવાદ હોય તો લૉરેન્સના એક અવાજ પર સમાધાન થઈ થાય છે."












