કૅનેડાનું સપનું જોતો ગોલ્ડી બરાર ગૅંગસ્ટર કેવી રીતે બની ગયો, તેના સાથીઓને પકડવા પંજાબમાં દરોડા કેમ પડ્યા?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૅનેડા સાથે ભારતના રાજદ્વારી વિવાદ દરમિયાન પંજાબમાં રાજ્યની પોલીસે ગૅંગસ્ટર ગોલ્ડી બરારના સાગરીતો સામે કાર્યવાહી શરૂ કરી છે.
ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપી ગોલ્ડી બરારના કૅનેડામાં છુપાયા હોવાનો સંદેહ છે અને તેની પર ખાલિસ્તાની ચરમપંથીઓ સાથે સંબંધનો પણ આરોપ છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પંજાબ પોલીસે ગોલ્ડી બરારના સાગરીતોને પકડવા માટે મોગા, ફિરોજપુર, તરનતારન અને અમૃતસર ગ્રામીણ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. પોલીસ અનુસાર રાજ્યમાં 1000 જેટલાં સ્થળો પર દરોડા પાડ્યા છે.
ગોલ્ડી બરાર લૉરેન્સ બિશ્નોઈ જૂથના એક સક્રિય સભ્ય છે અને તેમની સામે ભારતમાં હત્યા, હત્યાના પ્રયત્નો અને હથિયારોની તસકરી જેવા ગુનામાં કમ સે કમ 13 કેસ નોંધાયેલા છે. તેમની સામે ઇન્ટરપોલ રેડ કૉર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે અને તેઓ ભારત તથા કૅનેડામાં વૉન્ટેડ છે.
ડિસેમ્બર 2022માં અમેરિકાની પોલીસે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાા નકેસના માસ્ટરમાઇન્ડ ગણાતા ગોલ્ડી બરારની અટકાયત કરી હતી.
સીબીઆઈની વિનંતી ઉપર ઇન્ટરપોલ દ્વારા બરાર સામે 'રેડ કૉર્નર નોટિસ' કાઢવામાં આવી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્ય મંત્રી ભગવંત માને આ વાતની જાહેરાત કરી છે અને તેને પંજાબ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવાની વાત કહી છે.
ગોલ્ડી બરારનું મૂળ નામ સતિંદરજીતસિંહ છે, જેના તાર લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા છે. જે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને એનસીઆરમાં સક્રિય છે. આમ તો બરારની અંડરવર્લ્ડની કુંડળી દસેક વર્ષ પહેલાં જ મંડાઈ ગઈ હતી, પરંતુ મૂસેવાલા હત્યાકેસ પછી તેમનું પંજાબ જ નહીં દેશભરમાં ચર્ચાવા લાગ્યું હતું.
પંજાબના રાજકારણીઓ ઉપર ગૅંગસ્ટર્સને મોટા કરવાના આરોપ પણ લાગતા રહે છે અને રાજકારણીઓ વચ્ચે આ મુદ્દે આરોપ-પ્રતિઆરોપનો ક્રમ ચાલતો રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પંજાબના ગૅંગસ્ટર્સ વિદેશમાં રહીને હત્યા અને ખંડણી જેવા ગુનાને અંજામ આપી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલ ડિસેમ્બર 2022ના પ્રકાશિત થયો હતો. કૅનેડા-ભારત વચ્ચે ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા પર વધેલા તણાવ બાદ પંજાબમાં 1000થી વધુ ઠેકાણે દરોડા પાડીને ગોલ્ડી બરારના સાગરીતોને નિશાન પર લેવામાં આવ્યા છે. ત્યારે વાંચો ગોલ્ડી બરારનું ગુનાની દુનિયા સાથે કનેક્શન.
બીબીસીએ પંજાબ પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ અને કેટલાક ગુપ્ત દસ્તાવેજોના આધારે આ અહેવાલ તૈયાર કર્યો હતો. બીબીસી સ્વતંત્ર રીતે આ ઘટનાઓ કે કેસોની સત્યતાની ખરાઈ નથી કરતું. આ અંગે ગોલ્ડી બરારના પરિવાર કે તેમના વકીલો પાસેથી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા મળી નહોતી શકી.

ગુરલાલ, ગોલ્ડી અને ગુનો

ઇમેજ સ્રોત, ANI
ઑક્ટોબર-2020માં પંજાબ પોલીસનું ધ્યાન પહેલી વખત ગોલ્ડી બરાર તરફ ગયું હતું. ચંડીગઢમાં બમબીહા ગૅંગે ગોલ્ડી બરારના પિત્રાઈ ગુરલાલ બરારની હત્યા કરી નાખી હતી.
ગુરલાલ ચંડીગઢસ્થિત પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના પૂર્વ સ્ટેટ પ્રેસિડન્ટ હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરલાલની હત્યાનું વેર લેવાનું ગોલ્ડીએ નક્કી કર્યું. તેણે લૉરેન્સ સાથે મળીને ફરીદકોટ યુવા કૉંગ્રેસના વડા ગુરલાલસિંહ પહેલવાનની હત્યાનું કાવતરું ઘડ્યું અને ફેબ્રુઆરી-2021માં તેની ઉપર અમલ થયો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાર હતા. ગુરવિંદરપાલ સિંહે કથિત રીતે તેના સંબંધી ગોલ્ડીના કહેવાથી આ હત્યાને અંજામ આપ્યો હતો. ગોલ્ડીએ જ ગુરલાલની હત્યાને અંજામ આપનારા શૂટર્સ, તેમના રહેણાક, હથિયાર અને વાહનોની વ્યવસ્થા કરી આપી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરલાલ પહેલવાનની હત્યા પછી ગોલ્ડીએ પંજાબના લોકોને ફોન કર્યા હતા અને તેમને ખંડણી ચૂકવવાની ધમકી આપી હોવાના આરોપ છે.
જોકે, પોલીસના ચોપડે તેનો પહેલો કેસ તો 10 વર્ષ અગાઉ 2012માં જ લખાઈ ગયો હતો.

ગુનાખોરીની ગઈકાલ અને આજ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોગાના એક રહેવાસીએ આરોપ મૂક્યો હતો કે તેઓ કારમાં જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક શખ્સો રેલવે ક્રૉસિંગ પાસે હાથમાં હથિયારો લઈને ઊભા હતા. તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો, પરંતુ તેઓ આ હુમલામાં બચી નીકળ્યા. 2015માં આ ગુનો પુરવાર થઈ શક્યો ન હતો અને અદાલતમાં ગોલ્ડીનો છૂટકારો થયો હતો.
વર્ષ 2013માં અભોરના રહેવાસીએ ગોલ્ડી બરાર તથા અન્ય બે શખ્સો ઉપર બંદૂકની અણીએ ગાડીમાં ઉઠાવી જવાના અને તીક્ષ્ણ હથિયારો વડે માર મારવાના આરોપ મૂક્યા હતા. આ કેસમાં પણ ગોલ્ડીનો નિર્દોષ છૂટકારો થયો હતો.
વર્ષ 2020માં પંજાબના મલોટ ખાતે ગોલ્ડી બરાર વિરૂદ્ધ ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો હતો. રણજીત સિંહ ઉર્ફ રાણાની હત્યાના કેસમાં ગોલ્ડીનું નામ બહાર આવ્યું હતું. પંજાબ પોલીસે પવન નહેરા નામના શખ્સની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેણે તથા તેના સાગરિતોએ કૅનેડાસ્થિત ગોલ્ડી તથા તિહાર જેલમાં બંધ લૉરેન્સના કહેવાથી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મૃતકનાં માતાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, 2020થી બરારનો ગુનાખોરીનો ગ્રાફ ઉપર જ ચઢતો રહ્યો તથા હત્યા અને ખંડણીના અનેક ગુનામાં તેની કથિત સંડોવણી બહાર આવી છે. જવાહરકે ગામ ખાતે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા 29મી મે) તેનો ચરમ હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતની બહારના અનેક કેસોમાં પણ ગોલ્ડીની સંડોવણી બહાર આવી છે. નવમી નવેમ્બરે સિરસા ખાતે છ હુમલાખોરો દ્વારા ડેરા સચ્ચા સૌદાના સમર્થક પ્રદીપસિંહ કટારિયાની હત્યા કરી નાખવવામાં આવી હતી.
2015ના બૈરાગી બેઅદબી કેસમાં (જેમાં શીખો માટે પવિત્ર ગુરૂગ્રંથ સાહિબને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું) આરોપી હતા. પ્રદીપ સવારે પોતાની ડેરી ખોલી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોના સગડ મેળવ્યા હતા.

મિત્ર બન્યો 'સાગરીત'
ગુરલાલ જે વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા હતા, તેની સાથે એક સમયે ગોલ્ડી અને લૉરેન્સ પણ સંકળાયેલા હતા. 2009માં ગોલ્ડી સ્ટુડન્ટ પ્રેસિડન્ટ હતા, ત્યારે બિશ્નોઈ સાથે મુલાકાત થઈ હતી. એલએલબીનો શૈક્ષણિક અભ્યાસ કરનાર લૉરેન્સ એ સમયે રાજકારણનો ક્કો શીખી રહ્યા હતા.
એપ્રિલ-2010માં ચંદીગઢના પૉશ ગણાતા સૅક્ટર-11ના બંગલામાં પાર્ક કરેલી ઍસ્ટીમ તથા પજેરો ગાડીને આગને હવાલે કરી દેવામાં આવી હતી. આ સિવાય બંગલા પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કામ પંજાબ યુનિવર્સિટીની ચૂંટણી દરમિયાનની અદાવતને કારણે કરવામાં આવ્યું હતું. પોલીસે 12 બોરની રાયફલ તથા 0.32 બોરની પિસ્તોલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી. પહેલી વખત લૉરેન્સ બિશ્નોઈ પર કાયદાનો ગાળિયો કસાયોહતો.
એ પછી લૉરેન્સ બિશ્નોઈએ ક્યારેય પાછું વળીને જોયું નહીં. લૉરેન્સની સામે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને દિલ્હી સહિત અનેક સ્થળોએ તેમની સામે હત્યા, હત્યાના પ્રયાસ, હથિયારધારા, ખંડણી, કારચોરી, ઘરોમાં ગેરકાયદેસર પ્રવેશ તથા સુલેહ-શાંતિના ભંગ અનેક એફઆઈઆર નોંધાયેલી છે.
2018થી જેલમાં બંધ લૉરેન્સ હાલ દિલ્હીની બહુસુરક્ષિત મનાતી તિહાડ જેલમાં કેદ છે અને ત્યાંથી જ ગૅંગ ચલાવતા હોવાના આરોપ લાગતા રહે છે. કૅનેડા, પંજાબ તથા અન્ય સ્થળોએ ફેલાયેલા તેના સાથીઓ આદેશોનું પાલન કરે છે. લગભગ 700 શખ્સ તેની સાથે જોડાયેલા હોવાનું અનુમાન છે.
બિશ્નોઈ સમાજના લૉરેન્સ ચિંકારાને (કાળા હરણ) પવિત્ર માને છે, એટલે ચિંકારાકેસમાં દોષિત ઠરેલા સલમાનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
એક અનુમાન પ્રમાણે, પંજાબમાં નાની મોટી 70 જેટલી ગૅંગ કાર્યરત છે. જેમાં ગૅંગસ્ટર, ડ્રગ સ્મગલર્સ તથા ઉગ્રવાદીઓની સાંઠગાંઠના દાખલા પણ બહાર આવ્યા છે.

દેવિન્દર વિ. સતવિંદરજીત

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES VIA GETTY IMAGES
લૉરેન્સ અને દેવિન્દર બમબીહાની વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હતી, જેમાં ગોલ્ડી જો લૉરેન્સની પડખે હતા તો ગૌરવ ઉર્ફ લકી પટિયાલ દેવિન્દર સાથે હતા.
2016માં પોલીસ ઍન્કાઉન્ટરમાં દેવિન્દર બમબીહાનું મૃત્યુ થયું હતું. તે પછી લકી પટિયાલ જ ગૅંગની કમાન સંભાળે છે. 2018માં લૉરેન્સની ધરપકડ થઈ, તે પછીથી ગોલ્ડી અને લૉરેન્સ મળીને કામ કરે છે.
લકી પણ પંજાબના ગાયકો, કલાકારો અને ફિલ્મ-સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પાસેથી ખંડણી ઉઘરાવે છે. પંજાબી ગાયક પરમેશ વર્માની (એપ્રિલ-2018) ઉપરના જીવલેણ હુમલામાં બામબીહા ગૅંગની સંડોવણી બહાર આવી હતી.
વર્ચસ્વની લડાઈમાં ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની ખો નીકળી જતી હોય છે. આ વાતનો અંદાજ એ પરથી મૂકી શકાય છેકે મૂસેવાલાને ચાર સશસ્ત્ર કમાન્ડો આપવામાં આવ્યા હતા, એ સિવાય તેઓ બુલેટપ્રૂફ ગાડી પણ ધરાવતા હતા.
મૂસેવાલા હત્યા કેસની જવાબદારી સ્વીકારતી વખતે ગોલ્ડીએ લખ્યું હતું કે તેમણે વિક્રમજીતસિંહ ઉર્ફ વિક્કી મિઠ્ઠુખેડાની હત્યાનું વેર વાળ્યું છે. એ કેસમાં બામબીહા ગૅંગની સંડોવણી બહાર આવી હતી. વિક્કી મર્ડરકેસમાં સગનપ્રીતસિંહ નામના શખ્સની સંડોવણી બહાર આવી હતી, જે બાદમાં ઑસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા. સગનપ્રીત ગાયક મુસેવાલાના મૅનેજર હતા.
લૉરેન્સને આશંકા વ્યક્ત કરી હતી કે પોલીસ ઍન્કાઉન્ટરમાં તેમની હત્યા કરી દેવામાં આવશે. તે પોતાની ઉપર રાજકીય કિન્નાખોરીથી કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કોર્ટમાં કરી ચૂક્યા છે.

મૂસેવાલા મર્ડરકેસમાં 'માસ્ટરમાઇન્ડ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારનું ગઠન થયું તેના ગણતરીના મહિનાઓમાં જ આ ઘટના ઘટી હતી. ઘટનાના થોડા દિવસ પહેલાં જ મૂસેવાલાની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભગવંત માન સરકારની ભારે નાલેશી થઈ હતી.
મૂસેવાલા મર્ડરકેસ પછી પંજાબ પોલીસની 'મોસ્ટ વૉન્ટેડ'ની યાદીમાં ગોલ્ડી બરારનું નામ ટોચ ઉપર આવી ગયું હતું. જૂના કેસના આધારે સીબીઆઈ મારફત તેમને વિદેશથી ભારતમાં લાવી શકાય તે માટે ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ કઢાવવામાં આવી હતી.
પંજાબ પોલીસ દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવેલા આરોપનામામાં મૂસેવાલા મર્ડરકેસના 'માસ્ટરમાઇન્ડ' તરીકે ગોલ્ડી બરારનું નામ લખવામાં આવ્યું છે.
આરોપનામા પ્રમાણે, "ગોલ્ડીએ અલગ-અલગ ગૅંગમાંથી માણસો, વાહનો, પૈસા, હથિયાર અને આશરાની વ્યવસ્થા કરી આપી હતી."
28મી મેના દિવસે માન સરકાર દ્વારા મૂસેવાલાની સુરક્ષા હઠાવી લેવામાં આવી હતી, એટલે ગોલ્ડીએ જ નિર્ધારિત સમય કરતાં પહેલાં બીજા જ દિવસે પ્લાનની ઉપર અમલ કરવા માટે શૂટર્સને કહ્યું હતું. મુસેવાલાની હત્યા પછી ગોલ્ડી અને લૉરેન્સ બિશ્નોઈએ જ સોશિયલ મીડિયા મારફત હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
અનેક પંજાબી ગૅંગસ્ટર્સની ફેસબુક પ્રોફાઇલ્સ પણ છે. તેઓ 'ગન, ગૉલ્ડ અને ગડ્ડી (કાર)' સાથેની તસવીરો પોસ્ટ કરે છે, જેમાં ગૅંગસ્ટર્સની પરસ્પર મુલાકાતોની તસવીરો પણ હોય છે. પંજાબી ગૅંગસ્ટરે જેલમાંથી જ ફેસબુક લાઇવ કર્યું હોવાના દાખલા પણ નોંધાયેલા છે.
આધુનિક હથિયારો, ચમકતી ગાડીઓ અને લાઇફસ્ટાઇલનું પ્રદર્શન કરે છે, જે યુવામાનસને આંજી દેવા માટે પૂરતું હોય છે. આ સિવાય તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર જવાબદારી પણ સ્વીકારે છે.
ભગવંત માન 'ટૂંક સમયમાં જ' પંજાબમાંથી 'ગનકલ્ચર'ને જડમૂળથી ઉખેડી નાખવાની વાત અનેક વખત કહી ચૂક્યા છે. ગોલ્ડીની ધરપકડ ઉપર પ્રતિક્રિયા આપતા માને કહ્યું હતું, "કાયદા મુજબ તેને વધુમાં વધુ સજા થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે, જેથી તેના પીડિતોને રાહતની લાગણી થાય."

સ્વતંત્રતા દિવસે બરાર બહાર
ગોલ્ડી બરારનું ખરું નામ સતજિંદરસિંહ છે અને મૂળ પંજાબના મુખ્તસર સાહિબના નિવાસી છે. અનેક પંજાબીઓની જેમ કૅનેડા જવાનું સપનું તેમની આંખમાં પણ રમતું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તા. 15 ઑગસ્ટ 2017ના દિવસે સ્ટુડન્ટ વિઝા પર કૅનેડાનો પ્રવાસ ખેડ્યો હતો.
પાંચ મહિના પહેલાંના પંજાબ પોલીસના અહેવાલ પ્રમાણે, "ગોલ્ડી બરાર કૅનેડાના બ્રામ્પટનમાં નિવાસ કરે છે અને તે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગમાં સક્રિય ભૂમિકા ભજવે છે." તેમણે કેનેડાથી યુએસનો પ્રવાસ ખેડ્યો હતો.
ગોલ્ડીની હરીફ બમબીહા ગૅંગની કમાન સંભાળનાર લકી પટિયાલ દ્વારા આર્મેનિયાથી 'ઑપરેશન્સ'ને અંજામ આપવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.
લકી પટિયાલના સહયોગી સુખપ્રીતસિંહ બુઢ્ઢાને નવેમ્બર 2019માં આર્મેનિયાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું, જે પછી પંજાબ પોલીસે એની ધરપકડ કરી હતી. બુઢ્ઢાએ ગેરકાયદેસર રીતે આર્મેનિયાથી અમેરિકા જવાનો પ્રયાસ કર્યો, ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.
થોડા મહિના પહેલાં પંજાબ પોલીસે રિટાયર્ડ પાસપૉર્ટ અધિકારી બીઢી ચંદની ચંડીગઢમાંથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપ મૂક્યો હતો ગૌરવ પટિયાલ પાસેથી 50 હજાર રૂપિયા લઈને એનાં નામ-સરનામાવાળો નકલી ભારતીય પાસપૉર્ટ બનાવી આપ્યો હતો.














