બાળકો માટેના આ બગીચાઓમાં તેમની માતાઓને પ્રવેશવા પર કેમ પ્રતિબંધ છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી ન્યૂઝ, કાબુલ
મધ્ય કાબુલમાં એક મનોરંજન પાર્કમાં ફેર ફુદરડી, બમ્પર કાર અને નાની લપસણીઓના રોમાંચનો આનંદ માણતાં નાના ભૂલકાંની કિકિયારીઓ હવામાં ગૂંજી રહી છે.
પાર્કમાં બાળકોના પિતા તેમની સાથે સવારી કરી રહ્યા છે અથવા ફોટા ખેંચી રહ્યા છે - અફઘાનિસ્તાનમાં અસ્પષ્ટતાના માહોલ વચ્ચે આનંદની આવી તસવીરો દુર્લભ થતી જાય છે.
જોકે બાળકો સાથે માતાઓને હવે અહીંની યાદોને શેર કરવાનો અધિકાર નકારવામાં આવ્યો છે. કટ્ટર શાસક તાલિબાન દ્વારા કાબુલમાં મહિલાઓને પાર્કમાં જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જ્યારે અમે પાર્કની મુલાકાત લીધી ત્યારે ડઝન જેટલાં બાળકો સવારીનો આનંદ માણી રહ્યાં હતાં.
પરંતુ મારા સહિતની મહિલાઓ પાર્કમાં જઈ શકતી નથી, મહિલાઓ પાર્કની નજીક એક રેસ્ટોરન્ટ છે ત્યાં સુધી જઈ શકે અને ત્યાંથી પાર્ક જોઈ શકે છે. તાજેતરમાં રાજધાની કાબુલમાં મહિલાઓને સ્વિમિંગ પુલ અને જીમમાં જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
એવું અપેક્ષિત છે કે આ નિયમો સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવશે.
આ તરફ તાલિબાન સરકાર જેમ નવા નિર્ણયો લેતી જાય છે તેમ બીજી તરફ અફઘાન મહિલાઓ અને છોકરીઓના ડરમાં વધારો થઈ રહ્યો છે કે આગળ કયા નવા પ્રતિબંધો આવશે.

ઇમેજ સ્રોત, Reuters
કેટલાક અફઘાન નાગરિકો કહે છે કે આ પગલાં દેશના મોટા ભાગના લોકોને અસર કરતાં નથી, કારણ કે અત્યારે મોટાભાગના લોકો માટે સાંજની રજા એ એવો વૈભવ છે, જે તેમને પરવડી શકે તેમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છતાં ઘણી અફઘાન છોકરીઓ માટે અસરની વ્યાપકતા નહીં, પરંતુ પગલાંના ભાવ વધુ પીડાદાયક છે. ઑગસ્ટ 2021માં સત્તા પર કબજો કર્યો ત્યારથી તાલિબાન સરકારે આ ઇરાદા વારંવાર વ્યક્ત કર્યા છે.
એક વિદ્યાર્થી કન્યા (અહીં સુરક્ષાના કારણોસર નામ લખવામાં આવ્યું નથી) કહે છે "દરરોજ, અફઘાનિસ્તાનમાં છોકરીઓ તરીકે અમે નવા પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છીએ. એવું લાગે છે કે અમારૂં કામ નવા આદેશોની રાહ જોવાનું છે."
"હું નસીબદાર હતી કે તાલિબાન આવ્યા પહેલાં મેં માધ્યમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. પણ હવે મને ડર લાગે છે કે કદાચ મહિલાઓ માટે યુનિવર્સિટીઓ પણ બંધ થઈ જશે. મારા સપનાં ઉપર પાણી ફરી વળશે."
આ છોકરીએ તાજેતરમાં યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમને એ જાણીને ભારે નિરાશા થઈ હતી કે તે જે વિષય ભણવા માંગે છે તે પત્રકારત્વનો વિભાગ હવે મહિલાઓ માટે બંધ કરી દેવાયો છે, જે તાલિબાન દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા અન્ય પ્રતિબંધોનો એક ભાગ છે.

“અમને સમાજમાંથી બહિષ્કૃત કરાઈ રહ્યા છે"

અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે સ્થાન સંકોચાતા કેટલીક મહિલાઓ તાલિબાનનો સામનો કરવાના માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહી છે.
એક્ટિવિસ્ટ લૈલા બાસિમ મહિલાઓ માટે બનાવવામાં આવેલાં એક પુસ્તકાલયનાં સહ-સ્થાપક છે. આ પુસ્તકાલયમાં વિવિધ વિષયો પરના વિવિધ ભાષાઓમાં હજારો પુસ્તકો છે.
લૈલા બાસિમ કહે છે, "આ સાથે અમે તાલિબાનને બતાવવા માંગીએ છીએ કે અફઘાન મહિલાઓ ચૂપ નહીં રહે અને અમારો બીજો ધ્યેય મહિલાઓમાં પુસ્તકો વાંચવાની સંસ્કૃતિને વિસ્તારવાનો છે, ખાસ કરીને જે છોકરીઓ શિક્ષણથી વંચિત છે તેમનામાં."
લૈલા તેમના દેશને ચલાવતા પુરુષો સામે અવાજ ઉઠાવવા માટે કટિબદ્ધ છે અને ગયા વર્ષથી બહુવિધ વિરોધમાં ભાગ લઈ રહ્યાં છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લૈલા કહે છે, "અમે મૃત્યુથી ડરતા નથી કે તાલિબાન અમારા પરિવારોને ધમકાવશે. અમારા માટે ભયાનક સ્થિતિ એ છે કે અમને સમાજમાંથી બહિષ્કૃત કરાઈ રહ્યા છે."
લૈલા બાસિમ મહિલાઓ પરના વધતા પ્રતિબંધોને ચિંતાજનક અને દુઃખદ માને છે.
તેઓ કહે છે, "અમે ગુમાવેલી તમામ સ્વતંત્રતાઓ વિશે વિચારીને મને ખૂબ જ દુઃખ થાય છે. અન્ય દેશોના લોકો મંગળ પર અવકાશયાન મોકલી રહ્યા છે, અને અહીં અમે હજી પણ આવા મૂળભૂત અધિકારો માટે લડી રહ્યાં છીએ."
થોડા અઠવાડિયા પહેલા મહિલા અધિકાર કાર્યકર્તા ઝરીફા યાઘુબી અને અન્ય ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. યુએન અને અન્યોએ તેમની મુક્તિ માટે અનેકવાર કહ્યું હોવાં છતાં, તાલિબાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ગયા અઠવાડિયે, અફઘાનિસ્તાનમાં ફૂટબૉલ સ્ટેડિયમમાં હજારો દર્શકોની સામે ત્રણ મહિલાઓ સહિત 12 લોકોને કોરડા ફટકારવામાં આવ્યાં હતાં.
દરેક ચાલ સાથે, તાલિબાનનું વર્તમાન શાસન 1990ના દાયકાના શાસન જેવું થઈ રહ્યું હોય એવું લાગે છે.
લૈલા બાસિમ કહે છે, "તાલિબાનની વર્તમાન નીતિઓ 20 વર્ષ પહેલાં જેવી જ છે. અમે તેમને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે 21મી સદીમાં તે સ્વીકાર્ય નથી."

મૉરાલિટી કાર્યાલયમાં પણ મહિલાઓને પ્રવેશબંધી

આ લાઇબ્રેરીથી થોડા અંતરે તાલિબાનની મૉરાલિટી પોલીસનું કાર્યાલય છે, અહીં પણ અફઘાન મહિલાઓને પ્રવેશબંધી છે.
પ્રવક્તા મોહમ્મદ અકીફ મુહાજીર કહે છે, "અમે ગેટ પર એક બૉક્સ રાખ્યું છે જ્યાં મહિલાઓ તેમની ફરિયાદો મૂકી શકે છે. અમારા ડિરેક્ટર મહિલાઓને સન્માન આપવા માટે ગેટ પર જાય છે."
તેમણે પાર્કમાં મહિલાઓને પ્રતિબંધિત કરવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે ઇસ્લામિક શરિયા કાયદાનું પાલન કરવામાં આવતું નથી.
તેમણે કહ્યું, "15 મહિના સુધી અમે અમારી બહેનોને પાર્કમાં જવાનો આનંદ માણવાની તક આપી. અમે મહિલાઓને હિજાબ પહેરવાની પ્રથાને અનુસરવાનું કહ્યું હતું પરંતુ કેટલાક તેમ કરતાં ન હતાં. અમે પુરુષો અને મહિલાઓ માટે પાર્કમાં જવા માટે અલગ-અલગ દિવસો રાખ્યાં હતાં. પરંતુ તેમ પણ થતું જોવા મળ્યું ન હતું."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ મહિલાઓના અધિકારો માટે વિરોધ કરી રહેલા લોકોનો અવાજ કેમ દબાવી રહ્યા છે ત્યારે મોહમ્મદ અકીફ મુહાજીરે કહ્યું, "દરેક દેશમાં સરકારી આદેશો સામે અવાજ ઉઠાવનારની ધરપકડ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં, તેમની હત્યા પણ કરવામાં આવે છે.”
"અમે એવું કર્યું નથી. પરંતુ સ્વાભાવિક રીતે, જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય હિત વિરુદ્ધ અવાજ ઉઠાવશે તો તેમને ચૂપ કરવામાં આવશે."
તેમના શબ્દો અને કાર્યો મહિલાઓ પ્રત્યે અને તેમની નીતિઓની ટીકા કરનારા તમામ પ્રત્યે તાલિબાનના આકરા વલણની ચાડી ખાય છે. ગયા વર્ષે સત્તા પર કબજો મેળવ્યો ત્યારે તેમણે મધ્યમમાર્ગ પર ચાલવાની છબી ચીતરવાની કોશિશ કરી હતી તેને તેઓ પડકારી રહ્યા છે.
એક યુવા વિદ્યાર્થિની કહે છે, "એક દિવસ અમને કહેવામાં આવશે કે મહિલાઓ હવે તેમના ઘરની બહાર નીકળી શકશે નહીં." અને તે ઉમેરે છે, "અફઘાનિસ્તાનમાં બધું જ શક્ય છે."
અફઘાન મહિલાઓમાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પ્રત્યે નિરાશા સ્પષ્ટ છે.
લૈલા બાસિમ કહે છે, "દુનિયાએ અમારી તરફ પીઠ ફેરવી લીધી છે."
"દુનિયાભરના શક્તિશાળી લોકો ઈરાનની મહિલાઓને સમર્થન આપી રહ્યા છે, પરંતુ અફઘાનિસ્તાનની મહિલાઓને તેમના હાલ પર છોડી દેવામાં આવી છે.
"અમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તે ફ્રન્ટ પેજના સમાચાર પણ નથી બનતા. અમે ભાંગી પડ્યા છીએ અને ભૂલાઈ ગયાં છીએ."














