ધ કેરલા સ્ટોરી : કેરળમાં 32 હજાર મહિલાઓ ઇસ્લામ અંગીકાર કરીને 'આતંકવાદી' બની?

ઇમેજ સ્રોત, SUNSHINE PICTURES / YOUTUBE
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી સંવાદદાતા
'ધ કેરલા સ્ટોરી' નામની ફિલ્મના ટીઝરમાં ઍક્ટ્રેસનો દાવો છે કે તેઓ રાજ્યની 32 હજાર મહિલાઓમાંની એક છે, જેમને 'ઇસ્લામિક ઉગ્રવાદીઓ' બનાવી દેવાયાં છે.
કેટલાક નેતાઓ રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માગ કરી રહ્યા છે.
અરવિંદશંકરન બીઆર નામના એક પત્રકારે મુખ્ય મંત્રીને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની માગ કરી છે.
તિરુવનંતપુરમના પોલીસ કમિશનર સ્પર્જનકુમારે કહ્યું, "તપાસ શરૂ થઈ ગઈ છે. અમે આ અંગે કાયદાકીય સલાહ માગી છે."
ટીઝરમાં બુરખો પહેરેલ એક મહિલા કહે છે કે તેમનું નામ શાલિની ઉન્નીક્રિશ્નન છે, તેઓ નર્સ બનવા માગતાં હતાં.
તેઓ આગળ કહે છે, "હવે હું ફાતિમાબા છું, અફઘાનિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલી ઇસ્લામિક સ્ટેટની આતંકવાદી. મારા જેવી 32 હજાર મહિલાઓ છે, જેમનું ધર્માંતરણ કરીને યમન અને સીરિયામાં રઝળતી મૂકી દેવાય છે."
તેઓ કહે છે, "કેરળમાં ખુલ્લેઆમ મહિલાઓનું ધર્માંતરણ કરાવીને તેમને ઘાતકી આતંકવાદીઓ બનાવાનું કામ થઈ રહ્યું છે."
છેલ્લા છ દિવસમાં આ ટીઝર યૂટ્યૂબ પર 4.40 લાખથી વધુ વખત જોવાયું છે. જેનાં વખાણ અને ટીકા બંને થઈ રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍક્ટ્રેસ અદાહ શર્માએ આ ફિલ્મનું ટીઝર #TrueStory સાથે શેર કર્યું છે. ફિલ્મના નિર્માતા વિપુલ શાહ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

શું ખરેખર 32 હજાર યુવતીઓનું ધર્માંતરણ થયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પત્રકાર અરવિંદશંકરને બીબીસીને મુખ્ય મંત્રીને પત્ર લખવાનું કારણ આપ્યું કે તેઓ ટીઝરમાં રજૂ કરાયેલા આંકડાથી ડઘાઈ ગયા છે.
તેમણે કહ્યું, "એ પ્રકારના કેટલાક કિસ્સા બન્યા હોઈ શકે છે, પણ 32 હજાર એ ઘણો મોટો આંકડો છે."
વર્ષ 2021માં સિટ્ટી મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે તેમણે આ આંકડા કેરળ વિધાનસભામાં પૂર્વ મુખ્ય મંત્રી ઓમાન ચાંડીએ રજૂ કર્યા હતા અને તેમણે ત્યાંથી જ લીધા છે.
ડિરેક્ટરે દાવો કર્યો કે પૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે દર વર્ષે અંદાજે 2800થી 3200 યુવતીઓને ઇસ્લામ અંગીકાર કરાવડાવામાં આવે છે. જેના કારણે તેમણે ફિલ્મમાં દસ વર્ષનો આંકડો 32 હજાર રાખ્યો છે.
જોકે, ફૅક્ટ ચૅકિંગ ન્યૂઝ વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝ મુજબ આ દાવાને માન્ય રાખી શકાય તેવા કોઈ પુરાવા નથી.
ઑલ્ટ ન્યૂઝના અહેવાલ પ્રમાણે પૂર્વ મુખ્ય મંત્રી ઓમાન ચાંડીએ 2012માં વિધાનસભામાં કહ્યું હતું કે '2006થી અત્યાર સુધીમાં 2,667 યુવતીઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે.' તેમણે કોઈ વાર્ષિક આંકડો જાહેર કર્યો ન હતો.
2016માં કેરળમાંથી 21 લોકોનું એક ગ્રૂપ ઇસ્લામિક સ્ટેટ સમર્થિત ઉગ્રવાદી જૂથમાં જોડાવા માટે દેશ છોડીને ગયું હતું.
તેમાંથી એક વિદ્યાર્થિનીએ લગ્ન કરતાં પહેલાં ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો. તેમણે જ્યારે દેશ છોડ્યો ત્યારે તેમને આઠ મહિનાનો ગર્ભ હતો.
2021માં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ ભારતીય સત્તાધીશોએ કહ્યું હતું કે ભારતથી અફઘાનિસ્તાન જઈને ઇસ્લામિક સ્ટેટમાં જોડાનારી ચાર મહિલા તેમની જેલમાં છે.
એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે "તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે, પણ એક અંદાજ પ્રમાણે 2016થી અત્યાર સુધીમાં 10-15થી વધારે યુવતીઓનું ધર્માંતરણ થયું નથી."
પત્રકાર અરવિંદશેખરન કહે છે કે તેમણે 'સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન', 'સ્ટેટ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ' અને દેશના માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરને પણ પત્ર લખ્યો છે. જોકે, તેમને કોઈ જવાબ મળ્યો નથી.
તેઓ કહે છે, "આ ફિલ્મ એ દેશની સાર્વભૌમિકતા અને એકતાથી વિરુદ્ધ છે અને ગુપ્તચર એજન્સીઓની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે તેવી છે."

રાજકીય વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
આ ફિલ્મના ટીઝર બાદ કેરળમાં રાજકીય વિવાદ પણ ઊભો થયો છે.
કૉંગ્રેસ નેતા વીડી સથીશને ફિલ્મને 'ખોટી માહિતીનો સ્પષ્ટ મામલો' ગણાવી છે અને દાવો કર્યો છે કે ફિલ્મ 'કેરળની છબિ ખરાબ કરવા' અને 'લોકો વચ્ચે નફરત ફેલાવવા' બનાવી છે.
કેરળની સત્તાધારી પાર્ટી ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના ધારાસભ્ય જૉન બ્રિટાસે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને ફિલ્મનિર્માતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
જોકે, ભાજપ નેતા કે. સુરેન્દ્રને ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ કેરળ સરકારની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે "મુખ્ય મંત્રીમાં કેરળમાંથી આઈએસમાં ભરતી કરાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની હિંમત હોવી જોઈએ."

- તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













