કૅનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા માટે કેવી કેવી મુશ્કેલીઓ પડે છે?

ઇમેજ સ્રોત, Eric Taschner/X
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
કૅનેડાના ટૉરેન્ટોથી લગભગ 400 કિલોમીટર દૂર આવેલા ઑન્ટારિયોના નૉર્થ-2માં કૅનાડોર કૉલેજમાં પ્રવેશ મેળવી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓએ અનોખું પ્રદર્શન કર્યું. આ વિદ્યાર્થીઓને પરવડે તેવા રેટમાં રહેઠાણ ન આપ્યું હોવાથી તેઓ કૉલેજની સામે ટૅન્ટ લગાવીને વિરોધપ્રદર્શન કરવા બેસી ગયા.
રસ્તા પર ટૅન્ટ લગાવીને તેમાં રહીને વિરોધ કરતા આ 50 જેટલા વિદ્યાર્થી પૈકી મોટા ભાગના પંજાબના હતા.
જોકે, આખરે કૅનાડોર કૉલેજ સત્તાધીશોએ તેમની લડત સામે ઝૂકવું પડ્યું અને તેમને પરવડે તેવા રેટ પર રૂમ કે ઍકોમોડેશન આપવાનું વચન આપવું પડ્યું.
આ વિદ્યાર્થીઓના વિરોધના તંબુ તો હવે હટી ગયા છે પણ સમસ્યા ઠેરની ઠેર છે.
આખા કૅનેડામાં હાલ ભાડે ઘર મળવું બહુ મોંઘું થઈ ગયું છે અને તેને કારણે ત્યાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ભારતથી કૅનેડા ભણવા ગયેલા કેટલાક વિદ્યાર્થીઓનું માનવું છે કે તેમને રહેવા અને ખાવા માટે અપેક્ષા કરતાં લગભગ બમણો ખર્ચ થઈ રહ્યો છે જેને કારણે તમને હવે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણકારોનું કહેવું છે કે કૅનેડામાં હાલ ઍફોર્ડેબલ હાઉસિંગના પ્રશ્નો છે, સાથે આ વર્ષે બહારથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ લગભગ બમણી થઈ ગઈ હોવાથી ભાડે ઘર લેવું મોંઘું બન્યું છે અને ઘણા લોકોએ કેટલીક વાર ગુરુદ્વારા કે મંદિરમાં આશરો લેવો પડે છે.

‘રહેવાની આટલી મોટી સમસ્યા હશે તેનો ખ્યાલ નહોતો’

ઇમેજ સ્રોત, Manpreet Kaur/INSTAGRAM
કૅનેડામાં ઑન્ટારિયોના નૉર્થ-2માં કૅનાડોર કૉલેજમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો હતો. તેઓ ત્યાં પહોંચી ગયા પણ તેમના રહેવાનાં ઠેકાણાં નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૉર્થ-2 નાનું શહેર છે જ્યારે અહીંની કૉલેજમાં આ વર્ષે લગભગ 3500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. ભારતીય વિદ્યાર્થીઓને અહીં રહેવા માટે મકાનમાલિકો મનફાવે તેવું ભાડું માગી રહ્યા છે.
બીજી તરફ કૉલેજ તરફથી આપવામાં આવતા રૂમ પણ ફુલ થઈ ગયા છે.
કૅનડોર કૉલેજમાં પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ આઈટીના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવી ચૂકેલા પંજાબના મનપ્રીતકોર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કટોકટી વિશે બનાવેલી એક રીલમાં કહ્યું, “5 સપ્ટેમ્બરે કૉલેજ શરૂ થવાની હતી અને અમારું રહેવાનું ઠેકાણું નહોતું. અહીં હોટલમાં ઍકોમોડેશન મોંઘું છે. તેથી અમે કૉલેજની સામે જ ટૅન્ટમાં રહીને વિરોધ કરવાનું નક્કી કર્યું.”
અહીં ભારતથી ગયેલા વિદ્યાર્થીઓએ મોન્ટ્રિયાલ યુથ સ્ડૂટન્સ ઑર્ગનાઇઝેશન ગ્રૂપ(m.y.s.o_) બનાવ્યું છે. તેમણે કૉલેજ સામે પ્લેકાર્ડ સાથે પ્રદર્શન પણ કર્યું.
આ ગ્રૂપના હરિન્દરસિંહ પણ m.y.s.o_ના ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં કહે છે, “માત્ર નૉર્થ-2માં જ નહીં પરંતુ આખા ઓન્ટારિયોમાં આ સમસ્યા છે.”
આ વિદ્યાર્થીઓ પોતાનો રોષ ઠાલવતા કહે છે કે તેમને ખબર નહોતી કે કૅનેડા પહોંચ્યા બાદ તેમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે.
જોકે, મનપ્રીતકોરે સ્થાનિક મીડિયા હાઉસ નેશનલ પોસ્ટમાં જણાવ્યું છે કે હાલ પૂરતી સમસ્યા ઉકેલાઈ ગઈ છે.
તેમણે કહ્યું, “કૉલેજે હાલ બે દિવસ સુધી હોટલમાં ઍકોમોડેશન આપ્યું છે પણ આ કાયમી ઉકેલ નથી.”
બાદમાં કૉલેજે તેમને બ્રામ્પ્ટન કૅમ્પસમાં ઍકોમોડેશન આપવાની ખાતરી આપીને આ પ્રશ્ન ઉકેલવાની વાત કરી છે. તેના માટે તેમણે જે વિદ્યાર્થીઓને ઘર મેળવવાની સમસ્યા આવી રહી છે તેની યાદી મંગાવી છે.
આમ, વિદ્યાર્થીઓનો વિરોધ બંધ થઈ ગયો છે પરંતુ છતાં તેમને ચિંતા સતાવી રહી છે કે ભવિષ્યમાં કૅનેડામાં કેમ જીવાશે.

‘કૅનેડામાં આ વર્ષે 9 લાખ વિદ્યાર્થીને સ્ટુડન્ટ વિઝા ઇશ્યુ થયા’

ઇમેજ સ્રોત, 𝐌𝐨𝐧𝐭𝐫𝐞𝐚𝐥 𝐘𝐨𝐮𝐭𝐡 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐎𝐫𝐠/INSTAGRAM
જાણકારોના મત પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓને આખા કૅનેડામાં રહેવાની સમસ્યા નડી રહી છે. ગુજરાતના અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા લલિત અડવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, “કૅનેડામાં ફુગાવો ચરમસીમા પર છે તેને કારણે જે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે તેમનો ખર્ચો વધી ગયો છે.”
ઑવરસિઝ ફ્રેન્ડ્ઝ ઑફ કૅનેડાના ચૅરમૅન હેમંત શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “ભારતીય વિદ્યાર્થીઓએ તેમાં પણ ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓએ કૅનેડા આવવા માટે આંઘળીદોડ મૂકી છે તે વિચારવા જેવું છે. તેમનો ઇરાદો માત્ર કૅનેડાની આર્થિક રાજધાની મનાતા ટૉરન્ટો કે તેની આસપાસમાં જ સ્થાયી થવાનો હોય છે. ટૉરેન્ટો મોટું શહેર છે, અહીં હવામાન તેમને અનુકૂળ આવે છે તેથી તેમની અહીં રહેવાની પ્રાથમિકતા હોય છે પરંતુ અહીં રહેવાનું અને ખાવાનું મોંઘું છે.”
રેગ્યુલેટેડ કૅનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ એટલે કે RCICના સભ્ય અને પેસિફિક ગ્લોબલ ઇમિગ્રેશનના ડિરેક્ટર ઉપિન્દર બેદી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે કે કૅનેડામાં કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સ્લૉડાઉન છે તેને કારણે હાઉસિંગ ક્રાઇસિસ પેદા થઈ છે.
ઉપિન્દર બેદી કૅનેડામાં રહે છે અને તે અહીં સ્થાયી થવા માગતા કે પછી વર્ક સ્ટુડન્ટ વિઝા પર આવવા માગતા લોકોને માહિતી આપવાનું કામ કરે છે.
ઉપિન્દર બેદી કહે છે, “સામાન્ય રીતે કૅનેડામાં ચાર-પાંચ લાખ વિદ્યાર્થીઓ દુનિયાભરમાંથી અહીં ભણવા માટે આવતા હોય છે, પણ આ વર્ષે લગભગ નવ લાખ સ્ટુડન્ટ માટે વિઝા ઇશ્યુ થયા છે. ખાસ કરીને જે યુનિવર્સિટી કે કૉલેજ નાનાં શહેરો કે કસબામાં છે ત્યાં રહેવાની સમસ્યા પહેલાંથી જ હતી અને વિદ્યાર્થીઓના ધસારાને કારણે વધી ગઈ છે.”
તેઓ વધુમાં કહે છે કે યુકેમાં વર્ક પરમિટ માટેના નિયમો કડક છે અને ત્યાં નિયંત્રણ મૂકી દેવામાં આવ્યા હોવાથી હવે ભારતીયોનો ધસારો કૅનેડામાં વધ્યો છે.
તેઓ રૅન્ટના ભાડા વધ્યા હોવાની વિગતો આપતા કહે છે, "એક વર્ષ પહેલાં 500-600 ડૉલરમાં ઍકોમોડેશન મળી જતું હતું પણ આ જ રહેઠાણનું ભાડું આજે વધીને 800 ડૉલર સુધી પહોંચ્યું છે."
વિદ્યાર્થીઓનું એવું પણ માનવું છે કે તેઓ 15-20 લાખ રૂપિયા ભરીને અહીં ભણવા માટે પ્રવેશ લેતા હોય અને પછી આટલા રૂપિયા ખર્ચવા છતાં આવી સમસ્યા આવતી હોય તો તે યોગ્ય નથી.
હેમંત શાહ કહે છે, “જો યુનિવર્સિટી અને કૉલેજો તગડી ફી લેતી હોય તો તેમણે સર્વિસ પણ આપવી જોઈએ. આ વિદ્યાર્થીઓને ઍફોર્ડેબલ ઍકોમોડેશન આપવું જોઈએ.”

‘વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાઈ ગયું છે’

ઇમેજ સ્રોત, 𝐌𝐨𝐧𝐭𝐫𝐞𝐚𝐥 𝐘𝐨𝐮𝐭𝐡 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐎𝐫𝐠/INSTAGRAM
ઉપિન્દર બેદી કહે છે કે કૅનેડામાં હાઉસિંગ ક્રાઇસિસની સાથે ફુગાવો 15 ટકાની આસપાસ છે.
તેઓ કહે છે, “એક વર્ષ પહેલાં કૅનેડામાં કૉસ્ટ ઑફ લિવિંગ હતું તેના કરતાં ઘણું વધારે છે. જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ અહીં આવે છે તેમને આ મોંઘવારીને કારણે બહુ તકલીફોનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે તેમને ઘરથી આર્થિક ટેકો મળતો હોતો નથી.”
જાણકારો એમ પણ કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ લોન લઈને વિદેશ ભણવા જાય છે. તેમનાં માતા-પિતા પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ આ પ્રકારના વધારાના ખર્ચને પહોંચી વળે.
ઉપિન્દર બેદી કહે છે, “ભારતથી આવતા વિદ્યાર્થીઓનું એક બજેટ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ લોન લઈને ભણવા આવે છે. વધારાનો ખર્ચો તેમનાં માતા-પિતા ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી હોતાં. આવી સ્થિતિમાં વિદ્યાર્થીએ અહીં બાંધછોડ કરવી પડે છે.”
ગુજરાતમાં ડીસામાં જન્મેલા અને કચ્છમાં ઉછરેલા ભવ્ય લાલાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે અહીં ટ્રાંન્સપૉર્ટેશન, ફૂડ અને હોમ આ ત્રણેય મોંઘાં છે.
ભવ્ય કહે છે, “અમને વિદ્યાર્થીઓને દર સપ્તાહે 20 કલાક કામ કરવાની પરવાનગી છે એટલે કે મહિનાના 80 કલાક. અહીંના રેટ પ્રમાણે એક કલાકનો પગાર 15.5 ડૉલર છે જેથી મહિનાની આવક ઇન્કમટેક્સ કપાતા થાય અંદાજે 1200 ડૉલર. તેમાંથી રેન્ટના 700 ડૉલર, 300 ડૉલર ખાવા-પીવાના અને 100 ડૉલર નાની-મોટી જરૂરિયાતના ગણો તો તમારો પગાર તો ત્યાં જ પતી જાય છે.”

ઇમેજ સ્રોત, POOJA PATEL
મૂળ ગુજરાતના પાટણના અને 2016માં કૅનેડા ગયેલાં પૂજા પટેલ હવે ત્યાં સ્થાયી થઈ ગયાં છે. તેઓ હવે સોશિયલ વર્કર તરીકે કૅનેડામાં ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવાનું અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. હાલ તેઓ વેનકુંવર ખાતે રહે છે.
પૂજા પટેલે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “રહેવાનું મળતું નથી અને જો મળે તો બહુ મોંઘું હોય છે જે સામાન્ય વિદ્યાર્થીને પરવડે તેવું નથી હોતું. ઘણી વાર જે એજન્ટે યુનિવર્સિટીમાં કે કૉલેજમાં એડમિશન કરાવડાવ્યું હોય તે શહેરોથી દૂર હોય છે, ત્યાં રહેવાનું મળતું નથી તેથી કૉલેજથી દૂર રહેવું પડે છે. ટ્રાંન્સપૉર્ટેશનનો ખર્ચો પણ વધી જાય છે.”
વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણી વાર એજન્ટો તેમને ગેરમાર્ગે દોરે છે, યુનિવર્સિટી ક્યાં છે, કેટલી દૂર છે, ત્યાં રહેવાની-ખાવાની કેવી વ્યવસ્થા છે તેની સાચી જાણકારી નથી આપતા.
જાણકારોનું કહેવું છે કે સામાન્ય વિદ્યાર્થી પોતાનું બજેટ બનાવીને કૅનેડા જાય છે, પણ ત્યાં એટલી મોંઘવારી છે તેને કારણે તેમના બજેટ ખોરવાઈ જાય છે.

‘કૅનેડા જન્નત નથી પણ જાણે કે એક ટ્રેપ છે’

ઇમેજ સ્રોત, SANJANA
એક વર્ષ પહેલા મુંબઈથી કૅનેડાના વેનકુંવરમાં એમબીએનો અભ્યાસ કરવા ગયેલા ભૌતિક પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જ્યારે હું અહીં આવ્યો ત્યારે મારી સાથે લેન્ડલૉર્ડે ફ્રોડ કર્યું. 1400 ડૉલર લઈ લીધા અને લીઝ સાઇન ન કરી ત્યારે મારે મારા મિત્રને ત્યાં રહેવાનો વારો આવ્યો હતો.”
તેઓ કહે છે, “અમને ઘણા લોકોએ કહ્યું હતું કે કૅનેડા સ્વર્ગ છે પણ હું કહું છું કે તે જન્નત નથી પણ જાણે કે કેટલાક લોકો માટે તે ટ્રેપ છે.”
સંજના 2021માં પશ્ચિમ બંગાળથી કૅનેડામાં વેનકુંવર ગયા હતા. જોકે તેઓ હાલ ભારતમાં છે અને ફરી ત્યાં જવાના છે પરંતુ તેઓ પોતાની તકલીફો વર્ણવતા બીબીસી ગુજરાતીને કહે છે, “એજન્ટો દ્વારા અમને કહેવાતું કે રહેવાનો ખર્ચો અંદાજે પ્રતિ મહિને 400 ડૉલર થશે અને કરિયાણું 100 ડૉલરમાં પડશે, જ્યારે મને રહેવાનો ખર્ચો 525 ડૉલર થતો હતો અને રૅશનનો ખર્ચો 250 ડૉલર થતો હતો. એક રૂમમાં તો પ્રાઇવેટ વોશરૂમ પણ નહોતું અને હવાઉજાસ માટે બારી પણ નહોતી.”

ઇમેજ સ્રોત, BHAVYA
કેટલાક વિદ્યાર્થીઓનું એમ પણ કહેવું છે કે ખાનગી રૂમ તો મોંઘા છે જ પરંતુ શેરિંગમાં પણ સસ્તા રૂમ નથી મળતા. સ્થાનિક નિયમ કહે છે કે એક રહેઠાણમાં ઓવરક્રાઉડ ન હોવું જોઈએ તેને કારણે પણ વિદ્યાર્થીઓને સસ્તાં મકાન નથી મળતાં.
ભવ્ય કહે છે, “લીઝ મૅનેજમૅન્ટ ઑથૉરિટી સારી છે પણ લેન્ડલૉર્ડ સારા નથી. મેં જે રૂમ ભાડે રાખ્યો હતો તેમાં વંદાનો ત્રાસ બહુ હતો. મેં મકાનમાલિકને સમસ્યા જણાવી તો તેણે દૂર ન કરી. મારે રૂમ છોડવી પડી. આ પહેલાં તેણે કહ્યું હતું કે બગ ફ્રી રૂમ છે. મારી સાથે તેણે છેતરપિંડી કરી.”

ઇમેજ સ્રોત, BHAUTIK PATEL
ભૌતિક પટેલ કહે છે, “મને બેડ બગ્સનો સામનો કરવો પડ્યો હતો. આ બગ્સ તો ઘણા નુકસાનકારક છે. આવી સમસ્યા મકાનમાલિક છુપાવે છે. લીઝ થયા બાદ પછી વિદ્યાર્થીઓ શું કરે? પોલીસમાં જાય તો તેઓ કહે કે આ સિવિલ બાબત છે, તો આપણે શું કરવાનું?”
પૂજા પટેલ કહે છે કે ઘણી વાર તકલીફો પડે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ ગુરુદ્વારામાં કે મંદિરમાં રહેવા જાય છે.
સંજના કહે છે, “મારે શરૂઆતમાં મકાન ન મળતા ગુરુદ્વારામાં આશરો લેવો પડ્યો હતો.”

નોકરીની પણ સમસ્યા

ઇમેજ સ્રોત, @GSTV_NEWS
ઑગસ્ટ મહિનામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં સુપરમાર્કેટમાં નોકરી માટે ભારતીય વિદ્યાર્થીઓએ લાંબી લાઈન લગાવી હતી.
કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ કહે છે કે તેમને નોકરી મેળવવામાં પણ તકલીફોનો સામનો કરવાનો વારો આવે છે.
ભવ્ય બીબીસી સાથે વાતચીતમાં કહે છે, “મારી કૉલેજમાં પાંચ કંપની કૅમ્પસ ઇન્ટરવ્યૂ કરવા આવી હતી. ત્રણ હજાર વિદ્યાર્થી લાઈનમાં હતા. પાંચ કંપનીમાં કુલ 50 જેટલી પણ નોકરી નહીં હોય. મોટા ભાગે તેઓ વિદ્યાર્થીઓને ફરફરિયું પકડાવી દેતા હતા કે ઑનલાઇન અરજી કરો.”
જાણકારો કહે છે કે કૅનેડામાં સામાન્ય રીતે સારી નોકરી જોઈતી હોય તો કૅનેડાનો વર્ક એક્સપિરિયન્સ અનિવાર્ય છે. હવે આ વિદ્યાર્થીઓની સમસ્યા એ છે કે તેઓ પાસે આ પ્રકારનો અનુભવ હોતો નથી તેથી તેમણે કોઈ સામાન્ય કામ જ કરવું પડે છે.
લલિત અડવાણી કહે છે, “એક કપલ અમારી પાસે આવ્યું હતું. પતિ પીએચ.ડી. થયેલા હતા અને તેમની પત્ની પાસે પણ માસ્ટર ડિગ્રી હતી. છતાં તેમને કૅનેડામાં વર્ક પરમિટ ન મળી, કારણ કે તેમની પાસે કૅનેડામાં કામ કરવાનો અનુભવ નહોતો.”

ઇમેજ સ્રોત, HEMANT SHAH
હેમંત શાહ તેનાથી ઊલટું કહે છે કે કૅનેડામાં નોકરીની અછત નથી. કૅનેડામાં વર્કફોર્સની જરૂર છે.
તેઓ કહે છે, “જો તેઓ ટૉરેન્ટોની દૂર જાય તો તેમને માટે અઢળક તકો છે પણ ઘણાખરા ભારતીય વિદ્યાર્થીને ત્યાં જવું નથી, કારણ કે ત્યાં ઠંડી વધુ હોય છે અને હવામાન અનુકૂળ આવતું નથી. ટૉરેન્ટોમાં હવામાન ખુશનુમા છે અને તેમના સગાસબંધીઓ અહીં રહેતા હોવાથી અહીં જ વસવાટ કરવાનો આગ્રહ રાખે છે તેને કારણે પણ તેમને સારી નોકરી નથી મળતી.”
હેમંત શાહ વધુમાં કહે છે કે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓએ તેમની કૉમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવી પડશે અને ઇંગ્લિશ પર ઘણું કામ કરવું પડશે.
કેટલાક વિદ્યાર્થીઓ આરોપ લગાવે છે કે કામના સ્થળે તેમનું શોષણ થાય છે.
ભવ્ય કહે છે, “કેટલીક કંપનીઓ નિર્ધારિત કલાકો કરતાં વધારે કામ કરાવડાવે છે અને ઑવરટાઇમ પણ નથી આપતી, કેટલીક વાર તો કામ કર્યા બાદ પણ પૈસા નથી મળતા એવી ફરિયાદો પણ કેટલાક વિદ્યાર્થીઓ કરે છે.”

એક સમયે કૅનેડા ગયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર ડિપોર્ટ થવાનું હતું જોખમ

ઇમેજ સ્રોત, @Jaslynaujla ·
અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા સેંકડો ભારતીય વિદ્યાર્થો પર કૅનેડા આવવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ મુકાયો હતો. આ પ્રકારના આરોપો જે વિદ્યાર્થી પર હતા તેને કૅનેડામાં સ્થાયી નિવાસ એટલે કે પીઆર(પરમેનન્ટ રેસિડેન્સી) આપવામાં આવતો નહોતો.
આ વિદ્યાર્થીઓ પર કૅનેડામાંથી ડિપોર્ટ થવાનું જોખમ ઊભું થયું હતું.
આ વિદ્યાર્થીઓ કૅનેડાના એજન્ટોની છેતરપિંડી તથા તેમના ભવિષ્યને લઈને ચિંતામાં હતા.
આ મામલે કૅનેડાના રાજકીય પક્ષ એનડીપી નેતા જગમીતસિંહે સવાલ કર્યો હતો, “શું વડા પ્રધાન આ છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્થાયી નાગરિકતા આપવા પર વિચાર કરશે?”
આ પ્રશ્નના જવાબમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું, “અમારો ઉદ્દેશ ગુનેગારની ઓળખ કરવાનો છે, નહીં કે પીડિતોને દંડિત કરવાનો.”
ટ્રુડોના આ જવાબ બાદ જે વિદ્યાર્થીઓ પર આરોપ હતા તેમના માટે રાહતના સમાચાર હતા.
આ મામલે ભારતમાં પણ હલચલ મચાવી હતી. પંજાબ સરકારના એનઆરઆઈ મામલાના મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે વિદેશ મંત્રી એસ. જયશંકરની મદદ પણ માગી હતી.
તેમણે કહ્યું હતું, “જેમના પર આરોપ છે તેવા આ 700 વિદ્યાર્થીઓ નિર્દોષ છે. કેટલાક લેભાગુ એજન્ટોએ તેમની સાથે છેતરપિંડી કરી છે.”
જયશંકરે પણ આ મામલે કૅનેડાના વિદેશ મંત્રાલય સાથે વાત કરી હતી. કૅનેડામાં ભારતીય દૂતાવાસે પણ આ મામલે ઠોસ પ્રયાસો કર્યા હતા.
તેમણે ભણવા માટે પોતાના સંતાનોને વિદેશ મોકલનારાં માતા-પિતાને વિનંતી કરી હતી કે તેમનાં સંતાનોને વિદેશ મોકલવા પહેલાં કૉલેજની વિગતો અને ટ્રાવેલ એજન્ટનો રૅકૉર્ડ જાણી લેવો જોઈએ જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.
જોકે હવે એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે કૅનેડા સરકારે આ પ્રકારે આરોપમાં ઘેરાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા પર કામચલાઉ રોક લગાવી છે. કૅનેડા સરકારે આ મામલાની તપાસ માટે ટાસ્કફોર્સનું ગઠન કર્યું છે. કૅનેડાના ઇમિગ્રેશન મંત્રીએ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓની ભૂલ નથી અને તેમની વિઝા પ્રક્રિયામાં ફ્રોડ થયો છે તેમની સાથે માનવીય વલણ અખત્યાર કરાય.
કૅનેડાના વિદેશ મંત્રાલયે આશ્વાસન આપ્યું હતું કે જે ટાસ્ક ફોર્સની તપાસમાં જે વિદ્યાર્થીઓ પીડિત સાબિત થશે તેમને કૅનેડામાં રોકાવાની પરવાનગી આપવામાં આવશે અને જેઓ દોષિત છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.














